Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 30

સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 30

17 March, 2019 11:45 AM IST |
ગીતા માણેક

સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 30

સરદાર પટેલ

સરદાર પટેલ


માય ડિયર લૉર્ડ માઉન્ટબેટન,

હું છેલ્લા કેટલાક દિવસોથી હૈદરાબાદ વિશે બહુ ગંભીરતાથી વિચારી રહ્યો છું અને તમે નિઝામના પ્રતિનિધિમંડળને મળો એ પહેલાં હું યૉર એક્સલન્સીને મારો મત જણાવવા માગું છું.



નિઝામે ભારતમાં જ જોડાવું જોઈએ એ સિવાય બીજો કોઈ વિકલ્પ મને દેખાતો નથી. હૈદરાબાદને જોડાણખત કરવામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ ન આપવી જોઈએ, કારણ કે એને લીધે અન્ય રાજ્યોને તેમની સાથે દ્રોહ થયો છે એવી લાગણી થશે. જો હૈદરાબાદને કોઈ પણ પ્રકારની વિશેષ સવલત આપવામાં આવશે તો બીજાં રાજ્યોને એવું લાગશે કે તેમણે જોડાણખત કરીને ભૂલ કરી છે અને જેઓ નથી જોડાયા તેમને પ્રોત્સાહન મળશે કે ન જોડાવામાં જ લાભ છે.


આપણે એ વાત ન ભૂલવી જોઈએ કે હૈદરાબાદે સંવિધાનસભામાં તેમના પ્રતિનિધિ મોકલ્યા નથી. હૈદરાબાદના લોકોની પ્રતિનિધિઓ મોકલવાની માગણીને ગળે ટૂંપો દેવામાં આવ્યો. ભારત સાથે જોડાવાના મુદ્દે હૈદરાબાદમાં જે ગતિવિધિઓ થઈ રહી છે એ બહુમતી કોમની લાગણીઓ અને ઇચ્છાની વિરુદ્ધમાં છે. બીજી તરફ લઘુમતી કોમ, જે શાસક છે તેમને મનફાવે એમ વર્તવા દેવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા બળજબરી અને હિંસક દેખાવો કરવામાં આવી રહ્યા છે. મારી પાસે વિશ્વસનીય માહિતી છે કે ઇત્તિહાદ-ઉલ-મુસ્લિમીન (કાસિમ રાઝવીના વડપણ હેઠળ ચાલતું સંગઠન) દ્વારા આતંક સર્જવા માટેની પ્રવૃત્તિઓ થઈ રહી છે. તેમની આ બધી પ્રવૃત્તિઓ હૈદરાબાદને સ્વતંત્ર રાખવા કે પાકિસ્તાન સાથે સંધિ કરવાના હેતુથી થઈ રહી છે. મારી પાસે આધારભૂત માહિતી છે કે આ બધું નિઝામના ઇશારે થઈ રહ્યું છે.

આપણે વાટાઘાટો માટે તેમને જે બે મહિનાનો સમય આપ્યો હતો એ તેમણે વાટાઘાટ માટે નહીં પણ આપણી સામે સક્ષમ થવાની તૈયારીમાં વાપર્યો છે...


આ સંજોગોમાં હું દૃઢપણે માનું છું કે જોડાણખત પર સહી સિવાય બીજી કોઈ વ્યવસ્થાને સ્વીકારી શકીએ નહીં. એ રાજકીય રીતે પણ યોગ્ય નહીં હોય કે ન તો આપણા હિતમાં છે...

જોકે નિઝામની સરકાર પોતે નિર્ણય ન લઈ શકતી હોય તો તેણે પ્રજાનો મત લેવો જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. લોકમત જે કંઈ પણ આવે એને સ્વીકારવા માટે આપણે તો તૈયાર જ છીએ.

આ બધામાં એક બાબત સ્પષ્ટ અને બેમત છે કે હૈદરાબાદ વિશેના નિર્ણયને એક દિવસ માટે પણ મુલતવી ન રાખી શકાય.

તમારો વિશ્વાસુ

વલ્લભભાઈ પટેલ

***

માઉન્ટબેટને તેમના મિત્ર પણ અત્યારે હૈદરાબાદના પ્રતિનિધિ તરીકે આવેલા મૉન્ક્ટનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘હિન્દુસ્તાનની સરકાર અને સરદાર પટેલ પણ હૈદરાબાદમાં પંદરમી ઑગસ્ટે જે કંઈ થયું એનાથી સખત નારાજ છે. એક તરફ તમે કહો છો કે અમે વાટાઘાટ કરવા માગીએ છીએ અને બીજી બાજુ રાજ્યમાં કોમી રમખાણો થઈ રહ્યાં છે. જો આ જ રીતે ચાલતું રહ્યું તો હું પણ તમને કંઈ મદદ નહીં કરી શકું.’

વાઇસરૉય હાઉસ જે હવે રાષ્ટ્રપતિ ભવન બની ચૂક્યું હતું એમાંની પ્રથમ ગવર્નર જનરલની ઑફિસમાં હૈદરાબાદના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટનો દોર શરૂ થયો હતો.

મૉન્ક્ટને હૈદરાબાદ તરફ વફાદારી દર્શાવતાં રમખાણો થયાં હોવાની વાતનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો, ‘ઇન્ડિયન ગવર્નમેન્ટ ઇઝ મેકિંગ માઉન્ટન ઑફ અ મોલહિલ (ભારતીય સરકાર રાઈનો પહાડ કરી રહી છે). હૈદરાબાદમાં નાનકડા છમકલાંઓ સિવાય કંઈ થયું નહોતું. મને સમજાતું નથી કે મીડિયાના બિનઆધારભૂત અહેવાલોને આટલુંબધું મહત્વ શા માટે આપવામાં આવી રહ્યું છે?’ ‘હજી સુધી તો કંઈ થયું નથી, પણ જો અમારા પર વધુપડતી બળજબરી કરવામાં આવશે તો હૈદરાબાદના મુસલમાનો હિન્દુઓને વીણી-વીણીને ખતમ કરશે અને ત્યારે તમે એ જવાબદારી અમારા પર નહીં નાખી શકો.’ છત્તારીના નવાબ આક્રમક મિજાજમાં હતા.

આ વાત સાંભળીને માઉન્ટબેટન તેમના મોહક સ્મિત સાથે નવાબને તાકી રહ્યા.

‘તમને શું લાગે છે કે આવું કંઈ થશે તો ભારતની સરકાર એને તમાશાની જેમ જોયા કરશે?’ મૃદુ છતાં કાતિલ ઠંડકથી માઉન્ટબેટને કહ્યું, ‘સરદાર પટેલની શક્તિઓને ઓછી આંકવાની ભૂલ ન કરતા.’

નિઝામની સરકારમાં પ્રધાનપદ અને મહત્વનું સ્થાન ધરાવતા અલી યાવર જંગે કહ્યું, ‘અમે અહીં જંગ લડવા નહીં, વાટાઘાટ કરવા જ આવ્યા છીએ. હિઝ એક્ઝોલ્ટેડ હાઇનેસ નિઝામ ઇચ્છે છે કે હૈદરાબાદ કોઈ પણ રીતે સ્વતંત્ર રહેવું જોઈએ.’

માઉન્ટબેટને સીધો સવાલ કર્યો, ‘સ્વતંત્ર રહેવાનું સ્વપ્ન અને વાસ્તવિકતામાં જમીન-આસમાનનો ભેદ છે. હૈદરાબાદની પ્રજા હિન્દુ છે એટલું જ નહીં, હૈદરાબાદ હિન્દુસ્તાનની વચ્ચોવચ આવેલું છે એ હકીકતને તમે કઈ રીતે બદલી શકશો?’

‘અમે ભારત સાથે કરાર કરવા તૈયાર છીએ એટલે તો અહીં આવ્યા છીએ.’ મૉન્ક્ટન સહેજ કુણા પડ્યા હતા.

‘જોડાણ નહીં કરાર, જેમાં હૈદરાબાદ એક સ્વતંત્ર રાજ્ય હશે જે હિન્દુસ્તાન સાથે કરાર કરશે.’ અલી યાવર જંગે કોઈ ગેરસમજ ન થાય એ માટે તરત જ ઉમેરો કર્યો.

‘યુ મીન ઍગ્રીમેન્ટ?’ વી. પી. મેનને પૂછ્યું.

‘જી હા, કરાર કર્યા પછી હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો અમે બન્નેમાંથી કોઈનો પક્ષ નહીં લઈએ. જે રીતે વિશ્વના અન્ય કોઈ પણ દેશ આવા યુદ્ધમાં સામેલ થયા વિના પોતાનું અલગ સ્થાન જાળવે એ જ રીતે. સ્વતંત્ર હૈદરાબાદ વિદેશમાં પોતાના ઍમ્બૅસૅડર્સ (એલચીઓ) નિયુક્ત કરશે અને જો હિન્દુસ્તાન કોઈ કારણસર બ્રિટિશ કૉમનવેલ્થમાંથી બહાર નીકળી જાય તો હૈદરાબાદ પોતાનો નિર્ણય લેવા સ્વતંત્ર રહેશે.’

‘વાટાઘાટનો પ્રાથમિક નિયમ તો તમે જાણતા જ હશો...’ મેનને આ પ્રતિનિધિમંડળના સભ્યોની શરતો સાંભળીને કહ્યું, ‘એમાં માત્ર એક જ પક્ષ કહે અને બીજો માને એવું નથી હોતું. તમે હિન્દુસ્તાન પાસે બધું જ માગી રહ્યા છો પણ શું આપવાની તૈયારી છે એ પણ તો કહેવું પડશેને!’

બન્ને પક્ષો વચ્ચે કલાકો સુધી વાતચીત ચાલતી રહી, પણ આ પ્રતિનિધિમંડળ જેવું આવ્યું હતું એવું જ પાછું ફર્યું.

દિલ્હીથી પાછા ફરેલા પ્રતિનિધિમંડળે જ્યારે બધી વાત જણાવી ત્યારે નિઝામ તાડૂકી ઊઠ્યા, ‘હિન્દુસ્તાન કો હૈદરાબાદ કી જરુરત હૈ હૈદરાબાદ કો કિસી કી નહીં.’

મૉન્ક્ટને નિઝામને શાંત પાડતાં કહ્યું, ‘તમારો ગુસ્સો હું સમજી શકું છું યૉર એક્ઝાલ્ટેડ હાઇનેસ, પણ આ સમય ધીરજથી કામ લેવાનો છે. જો હૈદરાબાદ માટે ખરેખર અને વ્યવહારુ સ્વાતંત્ર્ય જોઈતું હશે તો વાટાઘાટો કરતાં-કરતાં સમય પસાર થવા દેવો જોઈએ એવી મારી તમને સલાહ છે. પાકિસ્તાન હજી સુધી સક્ષમ બન્યું નથી કે એ તમને કંઈ મદદ કરી શકે. જો હૈદરાબાદને સ્વતંત્ર રહેવું હોય તો એણે આત્મનિર્ભર બનવું પડશે.’

‘તો આ સંજોગોમાં આપણે શું કરવું જોઈએ?’ નિઝામની ધીરજ ખૂટી રહી હતી.

‘ગમે તે રીતે વિલીનીકરણના દસ્તાવેજો પર સહી કરવાનું ટાળતા રહો. હિન્દુસ્તાન સાથે સીધેસીધી દુશ્મની કરવામાં આપણે જ ગુમાવવાનો વારો આવશે. એના બદલે એની સાથે એટલો સંબંધ જાળવી રાખો જેનાથી હૈદરાબાદનું સ્વાતંત્ર્ય જળવાઈ રહે. જ્યારે એવા સંજોગો સર્જા‍ય કે આપણને હિન્દુસ્તાનની જરૂર ન રહે ત્યારે હવે નથી રમતા એમ કહીને ઊભા થઈ જતાં આપણને કોણ રોકવાનું છે!’ મૉન્ક્ટને નિઝામને બ્રિટિશ નીતિના પાઠ શીખવ્યા.

મોન્કટને નિઝામને સલાહ આપી કે ભારત સાથે સીધા સંઘર્ષમાં ઊતરવાને બદલે જે

સમય મળ્યો છે એમાં પોતાના લશ્કરને મજબૂત કરવું જોઈએ.

‘આપણું લક્ષ્ય ગમે તે રીતે સમય ખરીદવાનું છે. અત્યારે આખો મામલો ડિકીના હાથમાં છે અને ત્યાં સુધી હું તેની પાસેથી ધાર્યું કરાવી શકીશ. માઉન્ટબેટન બહુ લાંબા સમય માટે હિન્દુસ્તાનમાં નથી રહેવાના. જ્યારે સરદાર સાથે પનારો પાડવો પડશે ત્યારે પરિસ્થિતિ જુદી હશે. તમે હજી સરદારને જાણતા નથી. જૂનાગઢને તેમણે જરાય પણ મચક આપી નથી, હૈદરાબાદને પણ નહીં આપે. આ સમયનો ઉપયોગ કરી લો.’

***

મૉન્ક્ટનની સલાહ નિઝામને ગળે ઊતરી ગઈ હતી. વાટાઘાટો લંબાવવા માટે વારંવાર હૈદરાબાદથી વિવિધ પ્રતિનિધિમંડળો આવતાં રહ્યાં. માઉન્ટબેટન સાથે વાતચીતના દોર ચાલતા રહ્યા, પણ જેમ ગમે તેટલો પ્રયાસ કરો છતાં રેતીમાંથી તેલ કાઢી શકાય નહીં એમ આ વાટાઘાટોનો કોઈ નિષ્કર્ષ આવતો નહોતો. લોકમત લેવાના સરદારના પ્રસ્તાવને નિઝામે એવું કહીને નકારી કાઢ્યો કે ‘હૈદરાબાદમાં લોકમત લેવાની કોઈ જરૂર નથી. સાત પેઢીઓથી અમારા પૂવર્જોક હૈદરાબાદ પર શાસન કરતા આવ્યા છે. અમારા શાસનમાં હિન્દુ હોય કે મુસલમાન બધા જ મહેફૂઝ રહ્યા છે. પ્રજા અમારી સાથે જ છે અને અમે જે કંઈ નિર્ણય કરીએ એમાં તેમની સંમતિ છે એટલા માટે લોકમત લેવાની કોઈ આવશ્યકતા જણાતી નથી.’

હૈદરાબાદથી આવતા પ્રતિનિધિમંડળો સાથેની વાતચીતનો શબ્દશ: અહેવાલ વી.પી. મેનન નિષ્ઠાપૂર્વક સરદારને આપતા હતા. એકાદ મહિનો આ કવાયત ચાલતી રહી. સરદાર સમજી ચૂક્યા હતા કે હૈદરાબાદ વાટાઘાટ નહીં પણ વાટાઘાટ કરવાનું નાટક કરી રહ્યું છે. સમય પસાર કરવાની તેમની આ ચાલ સરદારના ધ્યાનમાં આવી ગઈ હતી, પણ જવાહરલાલ નેહરુએ આ આખો મામલો માઉન્ટબેટનને સોંપ્યો હતો એટલે તેમના હાથ બંધાયેલા હતા.

આ પણ વાંચો : સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 29

નિઝામ એવું માનવા માંડ્યા હતા કે હવે બાજી તેમના હાથમાં આવી ચૂકી છે. હિન્દુસ્તાનનું કાંડું આમળીને શક્ય એટલું બધું જ તેઓ મેળવી લેવા માગતા હતા. તેમણે વધુ એક ધમકી આપી કે અમે જે કંઈ માગીએ છીએ એ તમે નહીં આપો તો હૈદરાબાદને પાકિસ્તાન સાથે વાટાઘાટ શરૂ કરતાં કોઈ નહીં રોકી શકે. નિઝામની આ ધમકીથી સરદારનો પિત્તો ગયો.

ઑક્ટોબર, ૧૯૪૭ની એક વહેલી સવારે મેનને સરદારને માહિતી આપતાં કહ્યું, ‘હૈદરાબાદથી વધુ એક ડેલિગેશન આવતી કાલે દિલ્હી પહોંચવાનું છે...’

સરદારે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના ઉત્તર આપ્યો, ‘જે પ્લેનમાં એ આવે એમાં જ એને પાછું રવાના કરી દો.’ (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 11:45 AM IST | | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK