Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 29

સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 29

10 March, 2019 10:03 AM IST |
ગીતા માણેક

સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 29

સરદાર પટેલ

સરદાર પટેલ


ભક..ભક..ભક.. કરતું અને હવામાં ધુમાડાના ગોટા ઉડાડતું મુંબઈ-મદ્રાસ એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન હૈદરાબાદ રાજ્યના ગુલબર્ગ સ્ટેશનમાં પ્રવેશ્યું. એ ૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ની મધરાત હતી. રાતનો સમય હોવા છતાં પ્રવાસીઓ ઊંઘ્યા નહોતા; કારણ કે તેઓ જાણતા હતા કે જ્યારે મુંબઈથી તેઓ ટ્રેનમાં બેઠા ત્યારે તેઓ એક ગુલામ મુલ્કના નાગરિકો હતા, પણ ઘડિયાળના નાના અને મોટા એમ બે કાંટાઓ ભેગા થતાં જ તેઓ આઝાદ દેશના નાગરિકો બની જવાના હતા. દોઢસો વર્ષની બ્રિટિશરોની ગુલામીમાંથી આઝાદ થવાના ઉન્માદે તેમની આંખોમાંથી ઊંઘને પાછી ઠેલી દીધી હતી. હૈદરાબાદ સ્ટેશનમાં ટ્રેન પહોંચતાં જ આ ઉત્સાહી પ્રવાસીઓના ‘વન્દે માતરમ’ અને ‘જય હિન્દ’ના નારાઓથી ટ્રેનના કમ્પાર્ટમેન્ટ ગુંજી ઊઠuા. આ ઉત્સાહી પ્રવાસીઓએ ટ્રેનના દરવાજા પાસે અને ટ્રેનની અંદર પણ તિરંગાઓ લહેરાવ્યા હતા.

ટ્રેન પ્લૅટફૉર્મ પર થોભી એની સાથે જ ગુલબર્ગ સ્ટેશન પર તહેનાત પોલીસના જવાનો ધડાધડ ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં ઘૂસવા માંડ્યા. ટ્રેનના દરવાજા પર લટકતા તિરંગાથી માંડીને ડબ્બાઓની અંદરના ભારતીય ધ્વજ તેમણે ખેંચી-ખેંચીને કાઢી એને પોતાના બૂટની તળે કચડ્યા. જે પ્રવાસીઓ આનંદ અને ઉમંગમાં આવી નારાઓ લગાડતા હતા તેમને ધોલધપાટ કરવા માંડ્યા. આ પોલીસોએ જ્યાં સુધી તેઓ એક-એક કમ્પાર્ટમેન્ટમાંથી તિરંગાના તમામ અવશેષોનો નાશ ન કરી નાખે ત્યાં સુધી ગાર્ડને ટ્રેન ચાલુ ન કરવાની ધમકી આપી હતી. આના માટે ટ્રેનને દસ મિનિટ વધુ રોકી રાખવામાં આવી. પોલીસના આવા અચાનક હુમલાથી મોટા ભાગના પ્રવાસીઓ હેબતાઈ ગયા.



૧૫ ઑગસ્ટના ઉદય થયેલો સૂર્ય સમગ્ર દેશવાસીઓ માટે ભલે મુક્તિની સવાર લઈને પ્રગટ્યો હોય, પણ હૈદરાબાદના લોકો માટે હજી જુલમની જંજીરને તોડી શક્યો નહોતો. હૈદરાબાદના સિકંદરાબાદ, ગોવલીગુડા કે સુલતાન બજારની સડકો પર આઝાદીનો જશ્ન મનાવવા નીકળેલા હિન્દુઓ પર હૈદરાબાદની પોલીસે બ્રિટિશરો કરતાં પણ વધુ જુલમો આચર્યા. વન્દે માતરમ્ કહેતા અને તિરંગો લહેરાવી રહેલા કૉન્ગ્રેસીઓ અને આર્યસમાજીઓનાં આ નિર્દોષ ટોળાંઓને પોલીસે લાઠીઓથી ધિબેડવા માંડ્યાં. નિઝામની પોલીસોએ નાનાં-નાનાં ભૂલકાંઓને પણ બક્ષ્યાં નહીં અને તેમને પણ મારી-મારીને અધમૂઆં કરી નાખ્યાં.


‘આ સાથે ફરમાન કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ વિદેશી ધ્વજ (તિરંગો) લહેરાવતી નજરે પડશે તો તેને ત્રણ વર્ષની જેલ અને દંડ કરવામાં આવશે.’ નિઝામ મીર ઉસ્માન અલી ખાનની સરકારે ૧૩ ઑગસ્ટ, ૧૯૪૭ના જ આ ફરમાન બહાર પાડી દીધું હતું. તેમના માટે હૈદરાબાદ એક સ્વતંત્ર દેશ થઈ ચૂક્યો હતો અને એટલે જ ભારતની આઝાદીનો જશ્ન મનાવતો દરેક હૈદરાબાદવાસી નિઝામની સરકારની નજરમાં કાફર અને દેશદ્રોહી હતો. હૈદરાબાદના હિન્દુઓ પર કાળો કેર વર્તાવવા ટાંપીને બેઠેલા કાસિમ રાઝવી માટે પોતાની સત્તા સાબિત કરવાનો આ શ્રેષ્ઠ અવસર હતો. મજલિસ-એ-ઇતેહાદ-ઉલ-મુસ્લિમીનના સભ્યો જેઓ રઝાકાર તરીકે જાણીતા હતા તેમણે તો ૨૭ જુલાઈ, ૧૯૪૭ના દિને જ હૈદરાબાદનો સ્વતંત્રતા દિવસ ઊજવી નાખ્યો હતો. તેમણે કાસિમ રાઝવીના નેતૃત્વમાં હૈદરાબાદનાં ગામડાંઓમાં જઈ-જઈને, હિંદુઓને ચૂંટી-ચૂંટીને તેમના પર જુલમ કરવા માંડ્યા. એક તરફ અન્ય રાજ્યોમાંથી મુસલમાનોને લાવી-લાવીને વસાવવામાં આવી રહ્યા હતા, બીજી તરફ હૈદરાબાદમાં વસતા હરિજનોને વટલાવી મુસ્લિમ બનાવવામાં આવી રહ્યા હતા. હિન્દુઓ પરનો અત્યાચાર બધી સીમાઓ વટોળી રહ્યો હતો. કેટલાય હિન્દુઓને ધર્મ વટલાવવાની ફરજ પાડવામાં આવી રહી હતી, જેને કારણે ઘણા હિન્દુ પરિવારો હૈદરાબાદ છોડીને નાસી જવા માંડ્યા હતા.

નિઝામના પિઠ્ઠુઓ અને રઝાકારો ભારતીય ધ્વજ લહેરાવનારાઓ સામે આકરાં પગલાં લઈ રહ્યા હતા અને નામપલ્લી મેદાનમાં મુસ્લિમ મૌલવીઓ તેમ જ ખ્રિસ્તી પાદરીઓના નેતૃત્વમાં નીકળેલા ટોળાએ પીળા રંગનો કાળા-સફેદ ચટાપટાવાળો અને ઉર્દૂમાં આસફ જાહી (નિઝામના પૂર્વજો) લખેલો ધ્વજ લહેરાવ્યો.


૧૫ ઑગસ્ટે જ્યારે નિઝામની સરકારમાં ગોઠવાયેલા મુસલમાનો હિન્દુઓ પર જુલમ વરસાવી રહ્યા હતા ત્યારે દિલ્હીમાં સંવિધાન સભામાં માઉન્ટબેટન પોતાના વક્તવ્યમાં તેમના લાક્ષણિક આશાવાદ સાથે કહી રહ્યા હતા કે ‘ભારતમાં લગભગ બધાં રાજ્યો જોડાઈ ચૂક્યાં છે, હૈદરાબાદ જોકે એમાં અપવાદ છે. હૈદરાબાદ સાથે વાટાઘાટ ચાલી રહી છે અને બધાને મંજૂર હોય એવું સમાધાન મેળવી શકાશે.’

અલબત્ત, માઉન્ટબેટનના આ આશાવાદ સાથે સરદારની વાસ્તવિક ગણતરી મેળ ખાતી નહોતી. તેમનું અનુમાન જુદું હતું. હૈદરાબાદની પરિસ્થિતિ વિશે જાણકારી આપતા પત્રમાં સરદારે ગાંધીજીને લખ્યું, હું હૈદરાબાદ માટે પ્રયાસ કરી રહ્યો છું પણ એમાં સમય લાગશે.

***

‘આઇ ફીલ વી કૅન નૉટ ટેક સચ ઍન એક્સ્ટ્રિમ સ્ટૅન્ડ... (મને લાગે છે કે આપણે આત્યંતિક વલણ ન અપનાવી શકીએ.)’ નિઝામના બ્રિટિશ રાજકીય સલાહકાર મોન્કટને કાસિમ રાઝવી તરફ નજર કરી પોતાનો મત વ્યક્ત કર્યો.

૧૫ ઑગસ્ટના દિને હૈદરાબાદમાં હિન્દુસ્તાનની આઝાદીનો જશ્ન મનાવનારાઓ પર જે રીતે જુલમ આચરવામાં આવ્યો હતો એનાથી મોન્કટન દેખીતી રીતે જ નારાજ હતા.

‘જો કુછ કહેના હૈ સાફ-સાફ શબ્દો મેં કહીએ.’ કાસિમ રાઝવી મોન્કટનનો ઈશારો કઈ તરફ છે એ સમજી ચૂક્યા હતા અને એકદમ ઉશ્કેરાઈ ગયા.

હૈદરાબાદની ઘટનાઓ પર હિન્દુસ્તાનની કોઈક પ્રતિક્રિયા તો આવશે જ એ કોઈ નાના બચ્ચાને સમજાય એવી વાત હતી. આ સંજોગોમાં હવે કયો માર્ગ અપનાવવો એ વિશે વાતચીત કરવા નિઝામની કિંગ્ઝ કોઠીમાં બધા ભેગા થયા હતા.

નિઝામનો નોકર ચાર-પાંચ પિત્તળના ગ્લાસમાં પાણી ભરીને લાવ્યો. આ પાણી તે બધાને આપે એ પહેલાં નિઝામે તેને પોતાની પાસે બોલાવ્યો અને એક ગ્લાસ ઊંચકી પહેલાં નોકરને એ પાણી પીવાનો આદેશ આપ્યો. નોકરે પાણી પી લીધા બાદ નિઝામે પોતે એ ગ્લાસમાંથી ઘૂંટડો પાણી પીધું. આ જોઈને મોન્કટન મૂછમાં હસ્યા, કારણ કે આટલા લાંબા સમયથી નિઝામ સાથે કામ કરતાં તેઓ વિશ્વના આ સૌથી દોલતમંદ શાસકના સ્વભાવ અને કંજૂસીથી વાકેફ હતા. તેઓ સમજી ચૂક્યા હતા કે નિઝામે આવું શા માટે કર્યું. આ શંકાશીલ શાસકે એ ગ્લાસમાંનું પાણી ઝેરવાળું નથી એની ખાતરી કરવા માટે પહેલાં નોકરને પીવડાવ્યું અને ત્યાર પછી પોતે પીધું. તેઓ ખાતરી કરવા માગતા હતા. તેઓ એ પણ ચકાસવા માગતા હતા કે પિત્તળના ગ્લાસમાં શરબત કે બીજું કોઈ પીણું તો નોકર નથી લઈ આવ્યોને!

‘તમારે એ સ્વીકારવું પડશે કે સત્તાવાર રીતે બ્રિટિશરોએ અહીંથી વિદાય લીધી છે અને એટલે હિન્દુસ્તાન કે બહારના કોઈ પણ આક્રમણની સામે તમને કોઈ મદદ નહીં મળે.’

‘હા, જિન્નાહસાહબ તો પહલે હી કહ ચૂકે હૈં કિ વો કોઈ સહાયતા નહીં કર પાએંગે...’ નિઝામે કહ્યું.

‘હૈદરાબાદ કિસી કી સહાયતા કા મોહતાજ નહીં. અમે બ્રિટિશરોની જેમ હાથમાં ચૂડીઓ નથી પહેરી. હૈદરાબાદ આઝાદ છે અને આઝાદ રહેશે.’

રાઝવીએ તેની આગઝરતી જબાનને છૂટી મૂકવા માંડી.

‘તમે એક વાત ભૂલી જાઓ છો કે તમે સ્વતંત્ર હોવા છતાં ચારે તરફથી હિન્દુસ્તાનથી ઘેરાયેલા છો. રાજકીય કુનેહ તો એ જ કહે છે કે જો હૈદરાબાદનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો તમારે હિન્દુસ્તાન સાથે સમાધાન રાખવું જ પડશે.’

‘જો હૈદરાબાદને ભારતમાં જોડવાનો વિચાર પણ કરવામાં આવશે તો અમે બળવો કરીશું.’ કાસિમ રાઝવીએ એલાન કરતા હોય એમ કહ્યું.

મોન્કટન, દીવાન છત્તારીના નવાબ, નિઝામના પ્રધાનમંડળમાં અગત્યનું સ્થાન ધરાવતા અલી યાવર જંગ અને કાસિમ રાઝવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા માંડી. નિઝામ પાસે મૂક સાક્ષી બની રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, કારણ કે પોતાનું રાજ્ય સ્વતંત્ર રહે એ માટે તેમણે કાસિમ રાઝવી અને તેના અનુયાયીઓ-રઝાકારોને છૂટો દોર આપ્યો હતો. રાઝવી અને રઝાકારો હવે નિઝામ માટે દૂધ પાઈને ઉછેરેલા નાગ જેવા બનવા માંડ્યા હતા.

કાસિમ રાઝવીના બેફામ અભિગમથી ત્રસ્ત થયેલા મોન્કટન, અલી યાવર જંગ અને દીવાન છત્તારીના નવાબે નિઝામને કહી દીધું કે આ રીતે તેઓ કામ નહીં કરી શકે અને તેઓ બધા રાજીનામું આપવા માગે છે. આ મીટિંગમાં ઉશ્કેરાટ એટલો વધી ગયો કે કાસિમ રાઝવીએ મોન્કટનને ‘માઉન્ટબેટનનો ચમચો, હિન્દુસ્તાનનો પિઠ્ઠુ’થી માંડીને ગંદી ગાળો ભાંડી.

આ પણ વાંચો : સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 28

નિઝામને એ વાતનો અહેસાસ થઈ ગયો કે વાત વણસી રહી છે અને વધુ તાણતાં તૂટી જશે. ભારત સરકાર સાથે વાટાઘાટ કરવામાં મોન્કટનનું હોવું અનિવાર્ય છે એટલું તો નિઝામ સમજતા જ હતા. હૈદરાબાદ સાથેની વાટાઘાટો માઉન્ટબેટન હસ્તક હતી અને મોન્કટન તેમના અંગત મિત્ર હતા. આ સંજોગોમાં મોન્કટન જો રાજીનામું આપી દે તો એવી શક્યતા રહેતી હતી કે હૈદરાબાદનો મામલો સરદારના હાથમાં આવી જાય. નિઝામ ભલે સરદારને રૂબરૂ મળ્યા નહોતા, પણ માઉન્ટબેટન જેટલા હળવા હાથે કામ લઈ રહ્યા હતા એવું સરદાર પાસેથી તો શક્ય જ નહોતું એ વાત જાણતા હતા. તેમણે મોન્કટન અને છત્તારીના નવાબને રાજીનામું આપતા રોકી લીધા. તેમણે આ ત્રણેયને ખાતરી આપી કે કાસિમ રાઝવી પર અંકુશ મૂકવામાં આવશે.

નિઝામને મોન્કટનની સલાહમાં વજૂદ જણાયું હતું અને એટલે જ તેમણે ફરીથી વાટાઘાટો શરૂ કરવાનો નિર્ણય લીધો. તેમની સૂચના અનુસાર ૧૭ ઑગસ્ટે છત્તારીના નવાબે સરદાર પટેલને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે જણાવ્યું કે હૈદરાબાદ વતી એક પ્રતિનિધિમંડળ દિલ્હી આવી તમને મળવા માગે છે. ભારત સરકાર સાથે હૈદરાબાદ સંદર્ભે ફરી એક વાર વાટાઘાટો શરૂ કરવાની ઇચ્છા તેમણે વ્યક્ત કરી.

સરદારને જ્યારે છત્તારીના નવાબનો આ પત્ર મળ્યો ત્યારે તેમણે વી. પી. મેનનને સૂચના આપી કે આપણે વાટાઘાટ કરવા તૈયાર છીએ એવા મતલબનો જવાબ મોકલી આપો અને તેઓ પોતે માઉન્ટબેટનને પત્ર લખવા બેઠા.

માય ડિયર લૉર્ડ માઉન્ટબેટન..... (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2019 10:03 AM IST | | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK