Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 28

સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 28

03 March, 2019 11:36 AM IST |
ગીતા માણેક

સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 28

સરદાર પટેલ

સરદાર પટેલ


‘હૈદરાબાદ હથિયારો ભેગાં કરી રહ્યું છે. નિઝામ સાથે આપણે બહુ સાચવીને કામ લેવું પડશે.’ જવાહરલાલ નેહરુએ સરદારને કહ્યું.

લગભગ દરરોજ સાંજે કાં તો સરદાર પટેલ જવાહરલાલ નેહરુના ઘરે જતા અને નહીં તો નેહરુ તેમને મળવા આવતા. નેહરુના યૉર્ક રોડ ખાતેના નિવાસસ્થાનથી સરદારનો ઔરંગઝેબ રોડ ખાતેનો બંગલો ૨૦થી ૨૫ મિનિટના અંતરે હતો. આજે જવાહરલાલ નેહરુ સરદારને મળવા આવ્યા હતા અને પાછા વળતા સરદાર છેક તેમને ઘર સુધી મૂકવા જઈ રહ્યા હતા. આ સમય દરમ્યાન મહત્વની વાતચીત થઈ જાય અને એ બહાને રાતના ભોજન પછી ચાલવાનું પણ થાય એવી ગણતરી રહેતી.



‘આપણે નિઝામથી ડરવાની કોઈ જરૂર નથી. તે આપણી સાથે નહીં જોડાય તો હૈદરાબાદની હિન્દુ પ્રજા જ તેને લાત મારીને કાઢી મૂકશે.’


‘સવાલ માત્ર નિઝામનો નથી વલ્લભભાઈ, આખા દેશના મુસલમાનોનો છે.’

‘નિઝામ કંઈ હિન્દુસ્તાનના મુસલમાનોનો પ્રતિનિધિ નથી. જે એવો દાવો કરતો હતો તેને આપણે પાકિસ્તાન આપી દીધું છે.’


‘નિઝામ શ્રીમંત અને શક્તિશાળી મુસલમાન છે એનો તો તમે ઇનકાર નહીં જ કરી શકોને! અત્યારે દેશભરમાં કોમી દાવાનળ સળગી રહ્યો છે એવા વખતે નિઝામને છંછેડવો દેશભરના મુસલમાનોને ઉશ્કેરવા બરાબર છે.’ નેહરુએ પોતે ઉશ્કેરાટમાં કહ્યું.

‘જવાહર, જે વાત હોય એ ચોખ્ખેચોખ્ખી કહો.’

‘મને લાગે છે કે હૈદરાબાદનો મામલો આપણે માઉન્ટબેટનને સોંપી દેવો જોઈએ.’

‘શું કામ?’

‘વૉલ્ટર મોન્કટન અને માઉન્ટબેટન સારા મિત્રો છે. નિઝામને પણ તેમના પર વધારે ભરોસો છે. મુસલમાનોને કારણ વિના ઉશ્કેરવાને બદલે આ બન્ને જ વાટાઘાટોથી મામલો ઉકેલે તો એમાં આપણને વાંધો ન હોવો જોઈએ.’

‘મુસલમાનો આ દેશના નાગરિકો છે, જમાઈ નહીં.’

‘મને લાગે છે કે હૈદરાબાદમાં તમારો આવો ઉગ્ર અભિગમ કામ નહીં લાગે. આપણે થોડાક હળવા હાથે કામ લેવું પડશે. એટલે જ મને લાગે છે કે તમે આમાંથી દૂર રહો એ જ સારું છે.’

જવાહરલાલ શું કહેવા માગતા હતા એ સરદાર બરાબર સમજતા હતા, પણ આ તબક્કે તેઓ વાદવિવાદમાં ઊતરવા માગતા નહોતા. છતાં સરદારથી કહ્યા વિના ન રહેવાયું.

‘હૈદરાબાદના માથે કંઈ છોગું છે કે આપણે તેમને આવી વિશેષ સવલત આપીએ?’

હૈદરાબાદ માઉન્ટબેટનને સોંપવું જોઈએ એ માટે સરદારની નાદુરસ્ત તબિયતથી માંડીને જૂનાગઢમાં તેમની વ્યસ્તતા જેવાં અનેક કારણો જવાહરલાલ રજૂ કરતા રહ્યા. બન્ને તેમના બંગલા પાસે પહોંચ્યા કે તરત જ દરવાને દોડીને ગેટ ખોલ્યો. અંદર પ્રવેશતા જવાહરલાલે કહ્યું, ‘તો હું ડિકીને કહી દઉં છું કે નિઝામ સાથે વાટાઘાટો ચાલુ રાખે...’

***

‘હૈદરાબાદના નિઝામ સાથેની વાટાઘાટો હવેથી માઉન્ટબેટન સંભાળવાના છે.’ સરદારે મેનનને જાણકારી આપી ત્યારે તેમના અવાજમાં વિષાદ વર્તાતો હતો.

‘નિઝામ બહુ ધૂર્ત છે. ફક્ત વાઇસરૉય આ સમસ્યાનો ઉકેલ લાવી શકશે એવું મને લાગતું નથી.’ મેનને પોતાનો મત વ્યક્ત કર્યો.

‘સરહદ પારથી નિરાશ્રિતો આવી રહ્યા છે, સત્તાપલટો થઈ રહ્યો છે એવા સમયે જવાહર ઇચ્છે છે કે નિઝામ સાથેની વાટાઘાટો માઉન્ટબેટન કરે તો મને એટલી રાહત મળે, પરંતુ આ બધી વાટાઘાટોમાં તમે સતત માઉન્ટબેટન સાથે જ રહેજો.’ ફક્ત માઉન્ટબેટનના હાથમાં હૈદરાબાદનો મામલો સોંપવાની સરદારની તૈયારી નહોતી, પરંતુ જવાહરલાલ નેહરુને ડર હતો કે સરદારના તડ અને ફડ અભિગમને કારણે નિઝામ અને ખાસ તો મુસલમાનો નારાજ થશે. નેહરુ તેમ જ માઉન્ટબેટનને વિશ્વમાં એવો ડંકો વગાડવો હતો કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને અમે હિન્દુ હોવા છતાં મુસ્લિમો સાથે બહુ સારો વ્યવહાર કરીએ છીએ. રાજ્યકર્તા તરીકે પોતાની છબિ ઊજળી રાખવા તેઓ નિઝામની આળપંપાળ કરવા માગતા હતા. સરદાર જો આ સમસ્યાને પોતાની રીતે ઉકેલશે તો તેઓ હળવા હાથે કામ નહીં લે, પણ જરૂર પડ્યે ગમે એટલાં આકરાં પગલાં લેતાં નહીં અચકાય એ નેહરુ જાણતા હતા. એ જ કારણસર તેમણે સરદારને દૂર રાખીને માઉન્ટબેટનને હૈદરાબાદ સોંપ્યું હતું.

જવાહરલાલ નેહરુ સાથે સરદારને અગાઉ જ ઘણા મતભેદ હતા. હૈદરાબાદના મુદ્દે વધુ એક વિવાદ ઊભો કરવાને બદલે તેમણે નેહરુનો આ પ્રસ્તાવ કમને સ્વીકારી લીધો. માઉન્ટબેટનનો રજવાડાંઓ અને ખાસ તો નિઝામ પ્રત્યેનો અભિગમ કૂણો હતો. તેઓ નિઝામ સાથે વાટાઘાટ કરે ત્યારે મેનને સતત તેમની સાથે રહેવું એવી સૂચના સરદારે આપી.

***

૧૪ ઑગસ્ટ ૧૯૪૭ની રાતે આખો દેશ આઝાદીની સવારને વધાવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે હૈદરાબાદના નિઝામની કિંગ કોઠીના દરબાર હૉલમાં પણ એક જલસાનું આયોજન થયું હતું. જોકે આ જલસો હિન્દુસ્તાનની આઝાદીને ઊજવવા માટે નહીં પણ બ્રિટિશ અધિકારીઓ માટેનો વિદાય સમારંભ હતો.

ફ્રાન્સ જેવડી સાઇઝના હૈદરાબાદ રાજ્યના સર્વેસર્વા હોવાના નાતે નિઝામ બ્રિટિશ અધિકારીઓ તો શું પણ વાઇસરૉયનેય આમ તો તસુભાર ગણકારતા નહોતા. વિશ્વની આ સૌથી ધનવાન વ્યક્તિ માનતી હતી કે ફક્ત બ્રિટનના રાજા જ તેની સાથે વાત કરવાને લાયક છે. બાકીના બધા બ્રિટિશરો તો તેમની સામે ફતૂરિયાં છે. બ્રિટિશરાજના જે પ્રતિનિધિઓ આટલો સમય હૈદરાબાદમાં હતા તેમની સાથે નિઝામ એટલી તોછડાઈથી વર્તતા હતા કે તેઓ નિઝામને ફક્ત બ્રિટનના રાજાની વર્ષગાંઠના દિવસે મળવા જતા, પરંતુ આજે માહોલ અલગ હતો. બ્રિટિશરો સત્તાવાર રીતે વિદાય લઈ રહ્યા હતા.

આમ તો નિઝામના બગીચામાં ડઝનબંધ સોનું ભરેલી ટ્રકો ઊભી હતી. સોનાની પાટોના વજનને કારણે એ ટ્રકોનાં પૈડાં પણ ધરતીમાં ખૂંપી ગયાં હતાં. નિઝામ પાસે ભરપૂર ઝવેરાત હતું. નિઝામની કિંગ કોઠીના ભોંયરામાં પન્ના, પોખરાજ, માણેક, નીલમ અને હીરાનો ઢગલો પડ્યો હતો. તેમની પાસે એટલાં મોતી હતાં કે જેનાથી એક મોટો સ્વિમિંગ-પૂલ ભરાઈ જાય. આ સિવાય ૨૦ લાખ પાઉન્ડ રોકડ સુધ્ધાં હતી. આમાંની હજારો પાઉન્ડની નોટો ઉંદરો દર વર્ષે કાતરી જતા. તેમની પાસે પચાસ રોલ્સ રૉયસ કાર, દુનિયાના કીમતી હીરાઓમાંનો એક ૧૮૪ કૅરૅટનો જેકબ ડાયમન્ડ પણ હતો. એમ છતાં તેઓ હૈદરાબાદના એકાદ ભિખારી કરતાં પણ દરિદ્રી રીતે જિંદગી જીવતા હતા. આજના આ જલસામાં તેમણે સ્થાનિક બજારમાંથી લીધેલો લેંઘો, કુર્તો અને શેરવાની તેમ જ ૩૫ વર્ષથી ન ધોવાયેલી ગંદી-વાસ મારતી ફેઝ ટોપી જ પહેરી હતી.

હૈદરાબાદના બ્રિટિશ રેસિડન્ટ (બ્રિટિનના પ્રતિનિધિ) સી. જી. હર્બર્ટ અને તેમના જુનિયર અધિકારીઓ તેમ જ રાજ્યના અમીર-ઉમરાવો, પ્રતિષ્ઠિત નાગરિકો, ભારતીય અધિકારીઓ પણ આ પાર્ટીમાં સામેલ થયા હતા. દરબાર હૉલમાં ખાણી-પીણીની મહેફિલની સાથે-સાથે ઘાઘરા-પોલકાં પહેરીને હીજડાઓ નાચી રહ્યા હતા. ફિરંગી મહેમાનોની ખાતિરદારી માટે શૅમ્પેનની ગણીને બે જ બાટલીઓ લાવવામાં આવી. બ્રિટિશ મહેમાનો સાથેની વાત અધૂરી મૂકીને નિઝામ સીધા શૅમ્પેનની બૉટલ લઈને આવેલા સેવક તરફ ધસી ગયા. શૅમ્પેનની બૉટલમાંથી બ્રિટિશ અધિકારીઓ પૂરતા પાંચેક ગ્લાસ ભરાઈ ગયા એટલે નિઝામે એ બાટલી પર ઝપટ મારીને પોતાની ખુરસી પાસે મૂકી દીધી.

પાર્ટીમાં હાજર રહેલા કોઈનેય જોકે આમાં કશુંય અજુગતું ન લાગ્યું, કારણ કે મોટા ભાગના લોકો તેમની કંજૂસીના કિસ્સાઓ સાંભળી ચૂક્યા હતા અથવા સ્વયં અનુભવ લઈ ચૂક્યા હતા. એકસાથે સો માણસોને જમાડી શકાય એટલાં સોનાનાં વાસણો હોવા છતાં નિઝામ પોતે પતરાની તાસકમાં જમતા. હીરાજડિત સોનાના પલંગ પર સૂઈ શકે એટલી સંપત્તિ ધરાવતો આ માણસ પોતાના ગંધારા ઝૂંપડા જેવા બેડરૂમમાં સાદડી પાથરીને સૂતો હતો. તેમના આ બેડરૂમમાં એક ડગમગતો ખાટલો, એક ટેબલ, ત્રણ ખુરસીઓ, ઠૂંઠાથી ભરેલી ઍશ-ટ્રે અને નકામા કાગળોની ટોપલીઓ રહેતી હતી. આ બેડરૂમ વર્ષમાં એક જ વાર નિઝામના બર્થ-ડેના દિવસે સાફ થતો.

મહેલના દરબાર હૉલમાં પાર્ટી શરૂ થઈ ચૂકી હતી, પણ નિઝામની નજર કેટલું ખવાઈ-પીવાઈ રહ્યું છે એના પર જ હતી. થોડી વાર બાદ તેમના માટે લોખંડના પતરાની થાળીમાં એક વાટકામાં દૂધની મલાઈ, મીઠાઈઓ અને ફળો આવ્યાં. એમાં એક કટોરામાં ઘોળેલું અફીણ પણ હતું. જે સેવક આ થાળી લાવ્યો હતો તેની સામે નિઝામે થાળી ધરી. એ સેવકે થાળીમાંના અફીણ સહિત દરેક વાનગીઓ થોડી-થોડી ચાખી. ત્યાર બાદ નિઝામ થોડી વાર તે સેવક તરફ તાકતા રહ્યા. જ્યારે તેમને ખાતરી થઈ કે એ વાનગીઓ ચાખવાથી તે સેવકને કંઈ થયું નથી અને તે સ્વસ્થ છે ત્યારે તેમણે થાળીમાંથી ખાવાનું શરૂ કર્યું. પોતાને કોઈ મારી નાખશે એવા ભયથી ફફડતા નિઝામ આ રીતે સેવકને ખવડાવીને, ચકાસીને પછી જ ખાતા હતા એ વાતથી પાર્ટીમાં હાજર રહેલી લગભગ દરેક વ્યક્તિ વાકેફ હતી. જમીને સોપારી ચગળતાં-ચગળતાં નિઝામ બ્રિટિશ રેસિડન્ટ હર્બર્ટ પાસે બેઠા.

‘મારી તો હજી પણ ઇચ્છા છે કે હૈદરાબાદ બ્રિટિશ પરિવારના દેશોની જેમ કૉમનવેલ્થનું સભ્ય બને. આટલાં વર્ષોની આપણી દોસ્તી પછી મને ખાતરી છે કે હૈદરાબાદ અને ગ્રેટ બ્રિટન વચ્ચે જે મૈત્રીનું બંધન છે એ અતૂટ રહેશે.’

‘હું તમારી સાથે સહમત છું અને મને આશા છે કે હૈદરાબાદ અને ગ્રેટ બ્રિટન વચ્ચેના સંબંધને નવું પરિમાણ પ્રાપ્ત થશે. જોકે અંગત રીતે મારું માનવું છે કે નવી ભારતીય સરકાર ગણતરીના દિવસોમાં જ પડી ભાંગશે. અમારે સત્તાનાં સૂત્રો હાથમાં લેવા ફરી થોડા દિવસોમાં પાછા આવવું જ પડશે.’ હૈદરાબાદના છેવટના બ્રિટિશ રેસિડન્ટ હર્બર્ટે તુમાખીપૂર્વક ભવિષ્ય ભાખતાં કહ્યું.

આ પણ વાંચો : સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 27

હૈદરાબાદના નિઝામને ભારત કે ભારતીય સરકાર સાથે કોઈ લેવાદેવા નહોતી. તેમના મનમાં તો સ્વતંત્ર હૈદરાબાદનું ગાણું જ ચાલુ હતું. હિન્દુસ્તાનનું સત્યાનાશ જાય તો પણ સ્વતંત્ર હૈદરાબાદને ઊની આંચ નહીં આવે એવું માનતા નિઝામે બ્રિટિશ રેસિડન્ટ હર્બર્ટ સમક્ષ આત્મવિશ્વાસપૂર્વક દાવો કર્યો કે ‘હિન્દુસ્તાન તો ખાડે જ જવાનું છે, પણ તમે જ્યારે પાછા આવો ત્યારે સ્વતંત્ર હૈદરાબાદમાં તમારું ભવ્ય સ્વાગત કરીશ.’ (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2019 11:36 AM IST | | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK