સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 27

ગીતા માણેક | Feb 24, 2019, 12:55 IST

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદાર : ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 27
સરદાર પટેલ

‘આઇ ડોન્ટ થિન્ક ધૅટ બાય ઓન્લી અનાઉન્સિંગ ઇન્ડિપેન્ડન્સ યુ વિલ બી એબલ ટુ રિમેઇન ઇન્ડિપેન્ડન્ટ (ફક્ત સ્વતંત્ર રહેવાની ઘોષણા કરવાથી તમે સ્વતંત્ર રહી શકશો એવું હું નથી માનતો).’ હૈદરાબાદના રાજકીય સલાહકાર સર વૉલ્ટર મોન્કટન નિઝામને કહી રહ્યા હતા.

બ્રિટનના પ્રતિષ્ઠિત સૉલિસિટર-જનરલ સર વૉલ્ટર મોન્કટન હિન્દુસ્તાનના છેલ્લા વાઇસરૉય માઉન્ટબેટનના ખૂબ અંગત મિત્ર હતા. માઉન્ટબેટને જ તેમની નિઝામના સલાહકારના પદ માટે ભલામણ કરી હતી. મોન્કટન જાહેરમાં એવો દાવો કરતા રહેતા હતા કે મારા અને માઉન્ટબેટનનાં મંતવ્યો લગભગ એકસરખાં જ હોય છે, અમારી વચ્ચે બધી જ બાબતે સંમતિ હોય છે. ૧૯૪૭ના ફેબ્રુઆરી મહિનાથી જ મોન્કટને બ્રિટનની રૂઢિચુસ્ત પાર્ટી (કન્ઝર્વેટિવ પાર્ટી) પાસે રજૂઆત કરી હતી કે ફક્ત હૈદરાબાદ જ નહીં, ભોપાલના અને જૂનાગઢના નવાબ તેમ જ અન્ય તમામ મુસ્લિમ શાસકોને બ્રિટિશ કૉમનવેલ્થનું અલાયદું સભ્યપદ મળવું જોઈએ.

બ્રિટિશરો જેમના પર સત્તા ધરાવતા હતા એમાંના મોટા ભાગના દેશો બીજા વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થવા માંડ્યા હતા. જગતના ચૌરા પર પોતાની આબરૂ બચાવી રાખવા માટે બ્રિટન દ્વારા કૉમનવેલ્થની સ્થાપના કરવામાં આવી હતી. એક જમાનામાં જે દેશ પર બ્રિટિશરોનું શાસન હતું તેમને આ સંગઠનના સભ્યો બનાવવામાં આવ્યા હતા. બ્રિટિશ કૉમનવેલ્થનું અલગ સભ્યપદ મળવું એનો મતલબ એ કે બ્રિટન તમને અલગ દેશ તરીકે સ્વીકારે છે.

જ્યારે મોન્કટને રૂઢિચુસ્ત પાર્ટી પાસે રજૂઆત કરી કે બ્રિટનને આર્થિક રીતે મદદ કરનાર અને તેમના ગાઢ મિત્ર નિઝામના હૈદરાબાદને કૉમનવેલ્થનું સભ્ય બનાવવું જોઈએ ત્યારે રૂઢિચુસ્ત પાર્ટીએ બહુ રસ નહોતો દાખવ્યો. અલબત્ત, મોન્કટન અને નિઝામ બન્ને માનતા હતા કે માઉન્ટબેટન હૈદરાબાદને કૉમનવેલ્થનું સભ્યપદ અપાવશે.

‘કોઈ પણ રીતે હૈદરાબાદ સ્વતંત્ર રહેવું જ જોઈએ.’ મોન્કટેનને આદેશ આપતા હોય એમ નિઝામે કહી દીધું.

‘ઇફ હૈદરાબાદ અસીડ્સ ટુ ઇન્ડિયા ઇટ વિલ બી પૉલિટિકલ સુસાઇડ ફૉર યુ (હૈદરાબાદ અગર ભારત સાથે જોડાશે તો એ તમારી રાજકીય આત્મહત્યા હશે).’ બ્રિટિશ અંગ્રેજીમાં મોન્કટને પોતાનો મત વ્યક્ત કર્યો.

‘રાજકીય સલાહકાર તમે છો. હવે શું કરવું એ પણ તમે જ કહો.’ નિઝામે મોન્કટન પર જવાબદારી નાખતાં કહ્યું.

‘સૌથી પહેલાં તો માઉન્ટબેટન સાથે મુલાકાત કરીને હૈદરાબાદને કૉમનવેલ્થનું સભ્ય બનાવવું જોઈએ. એની સાથે-સાથે જ સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્યપદ માટે પણ અરજી કરી દેવી જોઈએ. એક મુસ્લિમ શાસક તરીકે તમારે ખૂબ જ મક્કમ રહેવું પડશે. હૈદરાબાદનું હિત ભારત કે પાકિસ્તાન સાથે જોડાવામાં નથી, કારણ કે તમારી પાસે સંપત્તિ અને સત્તા બન્ને છે. જો બ્રિટન સાથે અલગથી સંબંધો રાખશે તો પાકિસ્તાન, ઇજિપ્ત અને સાઉદી અરેબિયા પણ હૈદરાબાદને અલગ દેશ તરીકે માન્યતા આપશે.’

આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર કોઈ પણ પ્રાંત કે વિસ્તાર પોતે અલગ દેશ છે એવું જાહેર કરે એટલે કંઈ એને સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા ન મળે, પરંતુ અન્ય દેશો એને એવો દરજ્જો આપીને એ મુજબ વ્યવહાર કરે તો જ એને એ સ્થાન પ્રાપ્ત થાય.

સર વૉલ્ટર મોન્કટનની સલાહનો નિઝામે તત્કાળ અમલ કર્યો. એક પ્રતિનિધિમંડળ તરત જ દિલ્હી માઉન્ટબેટનને મળવા માટે મોકલવામાં આવ્યું. આ પ્રતિનિધિમંડળમાં દીવાન છત્તારીના નવાબ, મોન્કટન, નવાબ અલી યાવર જંગ અને કાસિમ રાઝવી હતા. આ ટોળકીમાં કાસિમ રાઝવી એકમાત્ર એવા શખ્સ હતા જે આમ તો નિઝામની સરકારમાં કોઈ હોદ્દો ધરાવતા નહોતા, પણ કટ્ટરવાદી હોવું એ તેમની એકમાત્ર લાયકાત હતી. રાઝવી માનતા હતા કે કાં તો હૈદરાબાદે સ્વતંત્ર રહેવું અથવા પાકિસ્તાન સાથે જોડાઈ જવું જોઈએ, પરંતુ હિન્દુસ્તાન સાથે તો હરગિજ નહીં.

દિલ્હીમાં માઉન્ટબેટનને મળવા પહેલાં આ પ્રતિનિધિમંડળ ૧૦, ઔરંગઝેબ રોડ પર આવેલા જિન્નાહના નિવાસસ્થાને પહોંચ્યું. જોકે વૉલ્ટર મોન્કટન તેમની સાથે જિન્નાહને મળવા ગયા નહોતા. બંગલાના વિશાળ દીવાનખંડમાં આ પ્રતિનિધિમંડળ રાહ જોતું બેઠું હતું. લગભગ બે કલાક રાહ જોવડાવ્યા પછી જિન્નાહ દીવાનખંડમાં આવ્યા. તેમનો પ્રવેશ થતાં જ બધા અદબપૂવર્કગ ઊભા થયા. તેમની તરફ નજર પણ નાખ્યા વિના જિન્નાહ પોતાની સિંહાસન જેવી ખુરસી પર એક પગ પર બીજા પગની આંટી મારીને બેઠા. તેમણે સિગાર સળગાવી. એક આંખ પર ચશ્માનો ગોળ કાચ પહેરીને બધા પર નજર કરી. થોડી વાર તો તેઓ કશું જ બોલ્યા નહીં. તેમના ચહેરા પરની કરડાકી, રુક્ષતા અને ભારેખમ મૌને બધાને અસ્વસ્થ કરી મૂક્યા.

‘અમે દિલ્હી માઉન્ટબેટનને મળવા આવ્યા છીએ, પણ વિચાર્યું કે એ પહેલાં તમારી સાથે વાત કરી લઈએ.’ છત્તારીના નવાબે ભારેખમ મૌન તોડવાના આશયથી કહ્યું.

‘માઉન્ટબેટન તો હિન્દુસ્તાનનો પિઠ્ઠé છે, એ તમને શું મદદ કરશે? હૈદરાબાદ માટે તો તમારે જ લડવું પડશે. એક વાત લખી રાખો કે તમારા પર બધી બાજુએથી હિન્દુસ્તાનમાં જોડાઈ જવાનું દબાણ આવશે. જે રીતે મોહમ્મદ પયગંબરના પૌત્ર ઇમામ હુસૈન અને તેના પરિવારના મુઠ્ઠીભર સભ્યોએ વિશાળ સૈન્યને લડત આપી હતી, શહીદ થયા હતા એમ હૈદરાબાદ પણ તમારી શહાદત માગશે.’ મુસ્લિમ ધર્મમાં ધૂમ્રપાન હરામ છે એમ છતાં સિગાર ફૂંકી રહેલા મુસલમાનોના આ બની બેઠેલા નેતાએ ઇસ્લામના પયગંબરના વારસનો હવાલો આપીને આગઝરતી ભાષામાં પાનો ચડાવ્યો.

તેમની વાત સાંભળીને ત્યાં હાજર રહેલા દરેક સભ્યના મનમાં ઝનૂન ઊતરી આવ્યું. જોકે છત્તારીના નવાબે તરત જ એક એવો પ્રશ્ન પૂછ્યો કે જિન્નાહ ઘડીભર ચૂપ થઈ ગયા.

‘જિન્નાહસાહેબ, જરૂર પડ્યે શું પાકિસ્તાન હૈદરાબાદની મદદે આવશે?’

કાયદે-આઝમ થોડીક ક્ષણો મોનોકલ (એક આંખનું ચશ્મું) ફેરવતા રહ્યા.

‘ના, પાકિસ્તાન હૈદરાબાદને એક ફૂટી કોડી કે એક બંદૂક પણ આપી શકે એમ નથી.’

જિન્નાહે હાથ ખંખેરી નાખ્યા એને કારણે નિરાશ થયેલું આ પ્રતિનિધિમંડળ માઉન્ટબેટન પાસેથી ટેકાની ઉમ્મીદ લઈને વાઈસરૉય હાઉસ પહોંચ્યું. સર વૉલ્ટર મોન્કટન અને કાસિમ રાઝવીને એવી આશા હતી કે હૈદરાબાદને બ્રિટિશ કૉમનવેલ્થમાં જોડવા માટે માઉન્ટબેટન લાલ જાજમ બિછાવીને તૈયાર હશે. તેમની આ આશા પણ ઠગારી નીવડી.

‘નિઝામ તો બ્રિટનના હંમેશાંથી મિત્ર રહ્યા છે અને જરૂર પડી ત્યારે તેમણે મદદ પણ કરી છે. બ્રિટિશ કૉમનવેલ્થમાં તેમનું સ્વાગત જ હોય, પણ મને લાગે છે કે એ માટે તેમણે હિન્દુસ્તાન કે પાકિસ્તાન સાથે જોડાઈ જવું જોઈએ. જે દેશ સાથે જોડાય એના પ્રતિનિધિ તરીકે તેઓ કૉમનવેલ્થના સભ્ય બની જ શકે છે.’ વિવેકી માઉન્ટબેટને ગળચટ્ટા શબ્દોમાં કડવી ગોળી ધરી દીધી.

માઉન્ટબેટને ચા-પાણી પીવડાવી, મીઠી-મીઠી વાતો કરી પ્રતિનિધિમંડળને તગેડી મૂક્યા પછી મોન્કટને મોંકાણના સમાચાર આપવા નિઝામને ફોન જોડ્યો. માઉન્ટબેટને હૈદરાબાદને કૉમનવેલ્થમાં જોડવાની ના પાડી છે એ સાંભળીને નિઝામને જાણે ૩૬૦ વૉલ્ટનો ઝટકો લાગ્યો. તેઓ ઊકળી ઊઠuા.

‘ઇન ફિરંગીઓ કી ખિદમત મેં હમને ક્યા કુછ નહીં કિયા હૈ. આજ ઉન્હોંને હી હમારી પીઠ મેં ખંજર માર દિયા...’

‘તમે આટલા માયૂસ ન થાઓ. હું કાલે ફરી વાર જઈને ડિકી સાથે વાત કરીશ...’

નિઝામને વચન આપ્યા મુજબ બીજા જ દિવસે મોન્કટન તેમના મિત્ર અને વાઇસરૉય માઉન્ટબેટનને મળવા પહોંચી ગયા.

‘ડિકી, આઇ થિન્ક ધૅટ યુ આર નૉટ ફેર ટુ નિઝામ... (તમે નિઝામ સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર નથી કરી રહ્યા).’ મોડી સાંજે માઉન્ટબેટનને તેમના ઘરે મળવા ગયેલા મોન્કટને વ્હિસ્કીના ગ્લાસને હાથમાં રમાડતાં કહ્યું.

‘નિઝામ સાથે હું શા માટે એવું કરું? તે તો બ્રિટનના અને મારા પણ અંગત મિત્ર રહ્યા છે.’ વાઇસરૉય હાઉસની હરિયાળી લૉનમાં બેઠેલા માઉન્ટબેટને તેમનું મોહક સ્મિત વેરતાં કહ્યું.

‘આપણે બધાં જ રજવાડાંઓને હિન્દુસ્તાન, પાકિસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર રહેવું એ પસંદગી આપી છે. જો હૈદરાબાદના શાસક સ્વતંત્ર રહેવા માગતા હોય તો આપણે તેમને ના ન પાડી શકીએ.’

‘મેં તેમને કૉમનવેલ્થના સભ્ય તરીકે સ્વીકારવાની ના પાડી છે.‘ માઉન્ટબેટને હળવાશથી કહ્યું.

‘હૈદરાબાદ આર્થિક અને રાજકીય રીતે સક્ષમ છે અને સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા મેળવી શકે એમ છે.’ જેમની નોકરી કરતા હતા તેમની વફાદારી નિભાવતા મોન્કટન બોલ્યા.

‘વૉલ્ટર, તમે એ વાત ભૂલી જાઓ છો કે કોઈ રાજ્ય માત્ર આર્થિક રીતે શ્રીમંત હોય એટલે સ્વતંત્ર રહેવાને લાયક નથી બની જતું. હૈદરાબાદની ભૌગોલિક સ્થિતિનો પણ વિચાર કરવો પડે અને સાથે-સાથે ત્યાંની પ્રજાનો પણ. મારે કમસે કમ તમને સમજાવવાની આવશ્યકતા નથી કે હિન્દુસ્તાનની વચ્ચોવચ આવેલા આ રાજ્યમાં સિંહાસન પર ભલે મુસ્લિમ હોય, પણ પ્રજા તો હિન્દુ છે. પ્રજાના સહકાર વિના કોઈ શાસક કઈ રીતે સ્વતંત્ર દેશ તરીકે રહી શકે? મિસ્ટર પટેલની વાત મને સાચી લાગે છે કે જો નિઝામ હિન્દુસ્તાન સાથે જોડાવાનો નિર્ણય નહીં લે તો હૈદરાબાદ બરબાદ થઈ જશે, કારણ કે પ્રજા જ તેમની સામે બળવો કરીને તેમને કાઢી મૂકશે. તમારા નિઝામને મોં છુપાવવા પણ કોઈ જગ્યા નહીં મળે.’

‘આ તો તમે અમને બ્લૅકમેઇલ કરી રહ્યા છો. અત્યાર સુધી મિત્ર તરીકે વાત કરી રહેલા મોન્કટન હવે એકદમ નિઝામના પ્રતિનિધિ તરીકે વાત કરવા માંડ્યા હતા. સાચું કહું તો તમે મિસ્ટર પટેલના બહુ જ પ્રભાવમાં આવી ગયા છો. આ મિસ્ટર પટેલ એક નંબરનો કપટી છે. તેમને બ્રિટન પાસેથી બધી સત્તા જોઈએ છે, પણ આપણા તરફની જવાબદારી નથી નિભાવવી.’

‘મને લાગે છે કે હવે તમે મિસ્ટર પટેલને અન્યાય કરી રહ્યા છો. કોઈ પણ રાજ્ય સાથે મિસ્ટર પટેલે કોઈ બળજબરી નથી કરી. હું તે માણસને બહુ સારી રીતે ઓળખું છું. તેની સાથે કામ કરતાં-કરતાં મને સમજાઈ રહ્યું છે કે ભારતના રાજકારણમાં તેના જેવો વ્યવહારુ, ર્દીઘદૃષ્ટા અને નિ:સ્વાર્થ નેતા આજની તારીખમાં બીજો કોઈ નથી. હી ઇઝ અ પરફેક્ટ સ્ટેટ્સમૅન...’

‘હું તમને ચેતવણી આપવા માગું છું કે હૈદરાબાદ પર અગર વધુ પડતું દબાણ કરવામાં આવશે તો ફક્ત ત્યાં જ નહીં, આખા ભારતમાં આંતરવિગ્રહ થશે.’ માઉન્ટબેટનના સરદાર માટેના આદરને લીધે મોન્કટન વધુ ગિન્નાયા હતા.

મોન્કટનની ધમકીથી સહેજ પણ વિચલિત થયા વિના તેમની લાક્ષણિક શૈલીમાં કાતિલ ઠંડકથી માઉન્ટબેટને વળતો જવાબ આપ્યો, ‘મિસ્ટર મોન્કટન, તમને શું લાગે છે કે જો હું પંદર ઑગસ્ટ પહેલાં હૈદરાબાદના સૈન્યમાંથી બધા જ બ્રિટિશ અધિકારીઓને પાછા બોલાવી લઉં તો હૈદરાબાદની સ્થિતિ શું થશે?’

આ પણ વાંચો : સરદાર : ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 26)

માઉન્ટબેટન તો હિન્દુસ્તાનનો પિઠ્ઠé છે, એ તમને શું મદદ કરશે? હૈદરાબાદ માટે તો તમારે જ લડવું પડશે. એક વાત લખી રાખો કે તમારા પર બધી બાજુએથી હિન્દુસ્તાનમાં જોડાઈ જવાનું દબાણ આવશે. જે રીતે મોહમ્મદ પયગંબરના પૌત્ર ઇમામ હુસૈન અને તેમના પરિવારના મુઠ્ઠીભર સભ્યોએ વિશાળ સૈન્યને લડત આપી હતી, શહીદ થયા હતા એમ હૈદરાબાદ પણ તમારી શહાદત માગશે.

- મોહમ્મદઅલી જિન્નાહ તેમને મળવા આવેલા પ્રતિનિધિમંડળને સંબોધતાં

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK