Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદાર : ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 26)

સરદાર : ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 26)

17 February, 2019 12:09 PM IST |
ગીતા માણેક

સરદાર : ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 26)

સરદાર પટેલ

સરદાર પટેલ


આદરણીય સરદારસાહેબ,

બસ્તરમાં ખૂબ જ ખતરનાક અને ગંભીર કાવતરું ઘડાઈ રહ્યું છે. હૈદરાબાદના નિઝામની સરકારને ખાણ માટે બસ્તરનો કેટલોક હિસ્સો લીઝ પર આપવામાં આવ્યો છે. હૈદરાબાદથી બસ્તર સુધી રેલવેલાઇન લંબાવવાનો અધિકાર પણ અપાયો છે. એટલું જ નહીં, ૧૫,૦૦૦ ચોરસ માઇલનો સમૃદ્ધ વિસ્તાર સોંપી દેવામાં આવ્યો છે. નિઝામ પોતાની સત્તા મજબૂત કરવા માટેના તમામ કાવાદાવા કરી રહ્યા છે. તેઓ હૈદરાબાદની સરહદ પાસે વિશ્વયુદ્ધમાં વપરાયેલી રાઇફલ - બ્રેન ગનની ફૅક્ટરી ઊભી કરી રહ્યા છે. આ વિશે તમારું ધ્યાન ખેંચી રહ્યો છું.



તમારો વિશ્વાસુ,


કે. એમ. પનીકર

હિન્દુસ્તાન સ્વતંત્ર થયું એ પહેલાંથી હૈદરાબાદના નિઝામનાં કારસ્તાન શરૂ થઈ ચૂક્યાં હતાં. ૧૯ મે ૧૯૪૭ના દિવસે બીકાનેરના દીવાન પનીકરે સરદારને નિઝામની ગતિવિધિઓની જાણકારી આપતો પત્ર લખ્યો. હૈદરાબાદના નિઝામે ચેકોસ્લોવિયાના પ્રતિનિધિ મિસ્ટર ક્રાલ સાથે ચાર કરોડ રૂપિયાનાં શસ્ત્રોનો સોદો કર્યો હોવાની જાણકારી પણ સરદારને મળી હતી.


***

‘અલાવ મોરારજીભાઈ, દિલ્હીથી વલ્લભભાઈ બોલું છું.’ સરદારે મુંબઈના ગૃહપ્રધાન મોરારજી દેસાઈને ફોન જોડ્યો.

‘જી સરદારસાહેબ...’

‘મને જાણકારી મળી છે કે મિસ્ટર ક્રાલ નામનો ચેકોસ્લોવિયન શખ્સ મુંબઈમાં છે. તેણે નિઝામ સાથે શસ્ત્રોનો એક મોટો સોદો કર્યો છે. ગમે એ રીતે તેને શોધીને તેની ધરપકડ કરો. આ ક્રાલની આકરી પૂછપરછ કરો. જે માહિતી મળે એની મને તત્કાળ જાણકારી આપજો.’

આમ તો સરદારને નિઝામના બદઇરાદાઓનો ખ્યાલ તેમણે સ્ટેટ ડિપાર્ટમેન્ટના વડા તરીકેનો અખત્યાર સંભાYયો એ અરસામાં જ આવી ગયો હતો. બસ્તરનો કુદરતી સંપત્તિથી છલોછલ વિસ્તાર એના નાનકડા રાજા પ્રવીર સિંહને ભોળવીને હૈદરાબાદે પડાવી લીધો હતો એ વાત તેમના ખ્યાલમાં હતી. બ્રિટિશરોના જમાનાનાં રજવાડાંઓ સાથે પનારો પાડતા પૉલિટિકલ ડિપાર્ટમેન્ટના કોરનાડ કોરફીલ્ડને નિઝામ સાથે ઘરોબો હતો જ, પણ માઉન્ટબેટનના બહુ જ અંગત મિત્ર વૉલ્ટર મોન્કટન પણ નિઝામના રાજકીય સલાહકાર હતા.

સ્વતંત્ર દેશ તરીકે રહેવા માટે કૂદાકૂદ કરતાં રજવાડાંઓ કરતાં હૈદરાબાદ અલગ પડતું હતું. ભૌગોલિક, આર્થિક અને રાજકીય રીતે અન્ય રજવાડાંઓની સરખામણીમાં હૈદરાબાદ ઘણું વધારે સક્ષમ હતું. જેને સરદાર પટેલે દેશના પેટના સ્થાને એટલે કે વચ્ચોવચ ગણાવ્યું હતું એ હૈદરાબાદ કુલ ૮૬,૦૦૦ ચોરસ માઇલમાં વિસ્તરેલું હતું. મતલબ કે લગભગ યુનાઇટેડ કિંગડમ જેવડું! આખા હિન્દુસ્તાનમાં હૈદરાબાદ એકમાત્ર એવું રાજ્ય હતું જેનું પોતાનું અલગ ચલણી નાણું હોય. આ રાજ્ય ભારતમાં જ નહીં, વિશ્વનાં ધનાઢ્ય રાજ્યોમાંનું એક હતું. એની વાર્ષિક આવક ૨૬ કરોડ હતી!

હૈદરાબાદની એ વખતની વસ્તી બે કરોડ ત્રીસ લાખ હતી જેમાંના ૮૦ ટકા હિન્દુઓ અને માત્ર ૨૦ ટકા મુસલમાનો હતા. હૈદરાબાદના નિઝામની બ્રિટન સુધી પહોંચ હતી એટલું જ નહીં, બ્રિટિશ સરકાર તેમના ઉપકારના બોજ હેઠળ દબાયેલી હતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં નિઝામે બ્રિટનને અઢી કરોડ પાઉન્ડ જેટલી માતબર રકમની મદદ કરી હતી. વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં સ્થાન ધરાવતા નિઝામને બ્રિટિશરોએ હંમેશાં અછોવાનાં કયાર઼્ હતાં, તેમને જાતભાતના ઇલકાબથી નવાજ્યા હતા. આખા હિન્દુસ્તાનમાં તેઓ એકમાત્ર એવા રાજવી હતા જેમને એક્ઝાલ્ટેડ હાઇનેસ (પ્રશસંનીય નામદાર) તરીકે સંબોધવામાં આવતા.

મે ૧૯૪૭ના અંતમાં કોરનાડ કોરફીલ્ડ નિઝામને મળવા ખાસ હૈદરાબાદ આવ્યા.

‘હિઝ એક્ઝાલ્ટેડ હાઇનેસ, હવે ટૂંક સમયમાં અમે બ્રિટિશરો હિન્દ છોડીને જવાના છીએ.’

કોરફીલ્ડનું આ વાક્ય સાંભળીને પાંચ ફુટ ત્રણ ઇંચના અને ૪૦ કિલોનું વજન ધરાવતા સુકલકડી કંજૂસ નિઝામ ખુશીમાં પોતાની ખખડધજ ખુરસી પરથી નીચે ઊતરીને રીતસર કૂદ્યા. તેમણે માથા પર પહેરેલી મેલીઘેલી ફેઝ (તુર્કી ટોપી) આ કૂદવાને કારણે નીચે પડી ગઈ. તરત જ એ ઊંચકીને માથે ગોઠવતા નિઝામ બોલ્યા, ‘મતલબ હવે હું જે ચાહું એ કરવાને આઝાદ છું!’

‘હા, એ તો ખરું; પણ બ્રિટિશરો ચાલ્યા ગયા પછી તમારી સત્તા ટકાવવા માટે અમારી પાસે મદદની અપેક્ષા નહીં રાખી શકો.’ જોકે કોરફીલ્ડની આ વાત નિઝામના કાન સુધી તો પહોંચી, પણ મગજ સુધી નહીં. હવે તેમની સુરક્ષા કરવા બ્રિટિશ નથી એ વાત તેમના ભેજામાં ઊતરી નહીં. કોરફીલ્ડ પણ નિઝામને સત્યનું ભાન કરાવીને ઉશ્કેરવા માગતા નહોતા એટલે કશું પણ બોલ્યા નહીં.

સ્વતંત્ર થવાના આ ખ્વાબને હકીકતમાં બદલવા માટેની તમામ પ્રકારની તૈયારીઓ તેમણે આગોતરી શરૂ કરી દીધી. નિઝામે તેમના દીવાન સઈદ-ઉલ-મુલ્ક નવાબ સર મહમ્મદ અહમદ સૈયદ ખાનને બોલાવ્યા. તેમના આ દીવાન મૂળ ઉત્તર પ્રદેશના છત્તારી વિસ્તારના વતની હતા એટલે છત્તારીના નવાબ તરીકે ઓળખાતા હતા.

‘બ્રિટિશર હિન્દુસ્તાન છોડ કર જા રહેં હૈં. અબ હૈદરાબાદ કો એક આઝાદ મુલ્ક હોને સે કોઈ નહીં રોક સકતા.’

‘યે તો બહુત ખુશી કી બાત હૈ હીઝ એક્ઝાલ્ટેડ હાઇનેસ...’

‘હમ સર્ફિ હૈદરાબાદ નહીં લેકિન પૂરે મુસલમાનો કે સુલતાન બનના ચાહતે હૈં.’ નિઝામે પોતાની મહત્વાકાંક્ષાનં બયાન કર્યું.

‘શાયદ ઇસી લિએ અલ્લાહતાલાને આપકો ઇસ જહાન મેં ભેજા હૈ.’ છત્તારીના નવાબે નિઝામની મહત્વાકાંક્ષાની આગમાં પેટ્રોલનો છટંકાવ કર્યો.

આ સાંભળીને નિઝામના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘લેકિન હિઝ હાઇનેસ, આપણે એ ન ભૂલવું જોઈએ કે હૈદરાબાદમાં કાફરોની સંખ્યા મુસલમાનો કરતાં બહુ મોટી છે.’

‘તો શું થયું? મુસલમાન મરદોને કહો કે પોતાની મર્દાનગી દેખાડવાનો સમય આવી ચૂક્યો છે. ચાર શાદીયાં કર લો ઔર હર એક બીવી સે કમસે કમ દસ-દસ બચ્ચેં પૈદા કરને કા ફરમાન જારી કર દો.’ નિઝામને લાગતું હતું કે વસ્તી વધારવી એ તો કોઈ સમસ્યા હતી જ નહીં.

‘તમારી વાત તો એકદમ બરાબર છે, પણ એ બધામાં સમય તો લાગશે જ અને બ્રિટિશરોને જવાનો સમય તો થોડાક મહિનાઓ જ દૂર છે.’ પ્રકૃતિના નિયમ મુજબ વસ્તી વધારવા માટે સમય લાગવાનો જ હતો એ વાત છત્તારના નવાબે શક્ય હોય એટલા સરળ શબ્દોમાં રજૂ કરવાની કોશિશ કરી.

‘હૈદરાબાદમાં મુસલમાનોની સંખ્યા વધવી જોઈએ. એ કઈ રીતે થાય છે એ જોવાનું કામ તમારું છે.’ નિઝામ અકળાઈ ઊઠ્યા.

ઘણી વાર ખોફને કારણે પણ ઉકેલ મળી આવતા હોય છે.

છત્તારીના નવાબે કહ્યું, ‘નામદાર, આપણે રાતોરાત મુસલમાનો પેદા નથી કરી શકતા, પણ જે પેદા થઈ ચૂક્યા છે તેમને હૈદરાબાદમાં લાવી તો શકીએ જ છીએ.’

‘મતલબ?’

‘આપણા રાજ્યના મુસલમાનોને કહી દઈએ કે હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં તેમના રિશ્તેદારો, મિત્રો, પરિચિતો હોય તેમને લાવી-લાવીને હૈદરાબાદમાં વસાવે. આપણી સરકાર તેમને નોકરીઓ અને ધંધા માટે સગવડો કરી આપવાની લાલચ આપશે. આની જાણ થતાં જ દેશભરમાંથી મુસલમાનો દોડતા-દોડતા હૈદરાબાદ આવશે.’ દીવાનની વાત સાંભળીને નિઝામ મલકાઈ ઊઠ્યા.

સામે પડેલી ઍશ-ટ્રેમાં બુઝાઈ ગયેલી સિગારેટનું ઠંૂઠું કાઢીને નિઝામે એને હોઠ વચ્ચે દબાવીને છત્તારીના નવાબ પાસે દીવાસળી માગી. જગતનો આ સૌથી ધનાઢ્ય શાસક એક દીવાસળી પાછળ પણ ખર્ચ નહીં કરે એ છત્તારીના નવાબ જાણતા હતા. તેમણે ખિસ્સામાંથી દીવાસળીની પેટી કાઢીને ઠૂંઠું સળગાવી આપ્યું. એમાંથી એકાદ-બે કશ તો માંડ લઈ શકાયા. એ ઠૂંઠામાંથી વધુ એક પણ કશ નહીં લઈ શકાય એનો ખ્યાલ આવતાં નિઝામે એને ઍશ-ટ્રેમાં પધરાવ્યું.

‘એક કામ કરો. હૈદરાબાદમાં જેટલા હરિજનો છે તેમને મુસલમાન બનાવવા માંડો.’ નિઝામના ખૂરાફાંતી દિમાગમાં વધુ એક આઇડિયા આવ્યો.

સવર્ણ હિન્દુઓ દ્વારા અપમાનિત થતા, અત્યાચાર ભોગવતા અને ત્રસ્ત થયેલા હરિજનોને જન્નતની અને એથીયે વિશેષ સન્માનિત જીવનની લાલચ આપીને મુસલમાન બનાવવાનો આ કારસો ફેંકી દેવા જેવો નહોતો એ સમજતાં દીવાનને વાર ન લાગી.

નિઝામ અને છત્તારીના નવાબના આઇડિયાઝને અમલમાં મૂકવા માટે કાસિમ રિઝવી તૈયાર જ હતા. તેઓ મુસ્લિમ સંગઠન મજલિસ-એ-ઇત્તેહાદ મુસ્લિમીન નામની ધર્મઝનૂની સંસ્થાના પ્રમુખ હતા. મુસલમાનોના આ બની બેઠેલા મસીહાનો હિન્દુદ્વેષ જાણીતો હતો. હૈદરાબાદના હિન્દુઓને કનડવામાં અને તેમના પર જાતભાતના અત્યાચારો કરવામાં તેઓ કોઈ કસર બાકી ન રાખતા. કાસિમ રિઝવીએ નાઝી પ્રકારની સેના બનાવી હતી. આ સેના રઝાકાર તરીકે ઓળખાતી હતી. હિટલરે જર્મનીમાં યહૂદીઓ સાથે જેવો અમાનુષી વર્તાવ કર્યો હતો એવા જ પ્રકારની માનસિકતા આ રઝાકાર ધરાવતા હતા.

હૈદરાબાદના શહેરી વિસ્તારોમાં મુસ્લિમોની સંખ્યા વધુ હતી, જ્યારે ગામડાંઓમાં ૯૫ ટકા હિન્દુઓ વસતા હતા. આ રઝાકારો ગામડાંઓમાં જઈ-જઈને હિન્દુઓને સતાવતા, હિન્દુ સ્ત્રીઓનું અપહરણ કરીને બળાત્કાર કરતા, બળજબરીથી ધર્મપરિવર્તન કરાવતા. કાસિમ રિઝવી અને તેની આ રઝાકાર સેનાનું લક્ષ્ય હૈદરાબાદને મુસ્લિમ રાજ્ય બનાવવાનું હતું. રઝાકારના આ આતંક સામે કોઈ રાવ-ફરિયાદ થઈ શકતી નહીં, કારણ કે કાસિમ રિઝવીને રાજ્યના મુસ્લિમ શાસક નિઝામની છત્રછાયા હતી એટલું જ નહીં, સરકારમાં તેમ જ પોલીસમાં પણ મહત્વનાં સ્થાનોએ કાસિમ રિઝવીના ટેકેદાર મુસલમાનોને જ ગોઠવી દેવામાં આવ્યા હતા.

નિઝામનો આદેશ મળતાં જ કાસિમ રિઝવીને છૂટો દોર મળી ગયો. તેણે હિન્દુઓને બેફામપણે ગાળો ભાંડવાનું, ભારતવિરોધી અને મુસલમાનોને ઉશ્કેરતાં આગઝરતાં ભાષણો કરવાનું વધુ જોરશોરથી શરૂ કરી દીધું.

એક તરફ કાસિમ રિઝવી તો બીજી તરફ હૈદરાબાદના રાજકીય સલાહકાર સર વૉલ્ટર મોન્કટન પણ વધુ જોમપૂવર્કા કાર્યરત થઈ ગયા. મોન્કટને નિઝામ વતી પોર્ટુગીઝ સરકારનો સંપર્ક કર્યો. પોર્ટુગલ પાસેથી તેમણે ગોવા ખરીદી લેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. જો ગોવા હૈદરાબાદની માલિકીનું થઈ જાય તો વેપારધંધાની સાથે-સાથે જ શસ્ત્રોની અવરજવર માટેનો દરિયાઈ માર્ગ હાથવગો થઈ જાય. પોર્ટુગીઝ સરકારને ગોવા પરનો કબજો જતો કરવાનું સમજાવવા મોન્કટન જાતે પોર્ટુગલની મુલાકાતે ગયા, પરંતુ ધોયેલા મૂળા જેવા પાછા ફર્યા. પોર્ટુગલ સરકારે તેમને ધસીને ના પાડી દીધી કે અમે કોઈ પણ કિંમતે ગોવા વેચવા માગતા નથી. મોન્કટને તો એવો પ્રયાસ પણ કર્યો હતો કે પોર્ટુગીઝ સરકાર કમસે કમ હૈદરાબાદને માર્માગોવાનું બંદર સોંપી દે જેથી તેઓ હૈદરાબાદથી ગોવાની રેલવેલાઇન નાખી શકે. જોકે પોર્ટુગલ સરકારે તેમનો આ પ્રસ્તાવ પણ નકારી કાઢ્યો.

***

માઉન્ટબેટને રજવાડાંઓને ભારત કે પાકિસ્તાનમાં જોડાવું કે સ્વતંત્ર રહેવું એ પસંદગી આપવાની જાહેરાત કરી એના એક અઠવાડિયામાં એટલે કે ૧૨ જૂન ૧૯૪૭ના હૈદરાબાદના નિઝામે ફરમાન જાહેર કર્યું.

આ પણ વાંચો : સરદાર : ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 25)

‘બ્રિટિશરોએ કોમના આધારે ભાગલા પાડ્યા છે. મારા રાજ્યમાં મુસલમાન અને હિન્દુ એકસાથે વસે છે. ભારત કે પાકિસ્તાનની બંધારણસભામાં પ્રતિનિધિ મોકલીશ તો હું એક કે બીજાનો પક્ષ લઉં છું એવું લાગશે. એેને બદલે હું ભારત અને પાકિસ્તાન બન્ને સાથે મિત્રતા રાખવા ઇચ્છું છું. બ્રિટિશરોની વિદાય સાથે હું ફરીથી સ્વતંત્ર રહેવાને હકદાર બનું છું.’ (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 12:09 PM IST | | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK