Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > સરદારઃ ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 23)

સરદારઃ ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 23)

20 January, 2019 09:58 AM IST |
ગીતા માણેક

સરદારઃ ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 23)

પ્રકરણ 23

પ્રકરણ 23


મેરે પ્યારે શાહનવાઝ,

યહાં સબ ખૈરિયત હૈ. હમ સબ જૂનાગઢ કો એક પલ કે લિએ ભી ભૂલા નહીં પા રહે.



તુમને જિન્નાહસાબ કો ખત લિખા હૈ, પર લગતા હૈ કિ મદદ પહોંચને મેં શાયદ વક્ત લગ જાએગા.


ઇન હાલાત મેં તુમ્હેં જો ભી ઠીક લગે વો ફૈસલા લે સકતે હો.

તુમ્હારા નવાબ મહાબતખાન રસૂલખાન


જૂનાગઢને આવી વિકટ સ્થિતિમાં મૂકીને નવાબ તો પાકિસ્તાન પલાયન થઈ ગયા હતા અને ગાળિયો દીવાન શાહનવાઝ ભુટ્ટોના ગળામાં ભેરવી ગયા હતા. કથળતી જતી સ્થિતિમાં શાહનવાઝે પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદઅલી જિન્નાહ પાસે સહાય માટે પોકાર કરતો પત્ર લખ્યો જેનો કોઈ જ જવાબ આવ્યો નહીં, પણ નવાબે તેમને જે ઠીક લાગે એ નિર્ણય લેવાની પરવાનગી આપી દીધી.

શાહનવાઝ ભુટ્ટોએ તરત જ જૂનાગઢના પ્રધાનમંડળની મીટિંગ બોલાવી. આ મીટિંગમાં નક્કી થયું કે આર્થિક સ્થિતિ, રાજ્ય અને રાજ્ય બહાર જટિલ પરિસ્થિતિને પગલે ફેરવિચારણા કરવાની જરૂર ઊભી થઈ છે. પાકિસ્તાનમાં જોડાવાના નિર્ણયને રદ કરવો પડે તો એ માટે પણ તૈયારી રાખવી પડશે. પ્રધાનમંડળે દીવાન શાહનવાઝને ભારતીય નેતાઓ સાથે વાટાઘાટ કરવાની અનુમતિ આપી.

શાહનવાઝ ભુટ્ટોએ આરઝી હકૂમતના વડા શામળદાસ ગાંધી સાથે વાતચીત કરી અને જૂનાગઢ તેમને સોંપી દેવાની તૈયારી દર્શાવી, પરંતુ રાજ્યના મુસ્લિમોને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમણે શાહનવાઝ પર દબાણ કર્યું કે આરઝી હકૂમતને નહીં પણ ભારત સરકાર સાથે સીધી વાટાઘાટ કરીને રાજ્ય તેમને સોંપી દેવું જોઈએ.

આના પગલે શાહનવાઝ ભુટ્ટોએ રાજકોટના પ્રાંતીય અધિકારી કમિશનર બૂચને એક પત્ર લખ્યો. એમાં તેમણે જણાવ્યું કે ‘શામળદાસ ગાંધી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ અમે એવા નિર્ણય પર પહોંચ્યા છીએ કે જૂનાગઢનો વહીવટ ભારત સરકારને સોંપી દઈએ. જૂનાગઢ પર અત્યારે આંતરિક અને બાહ્ય બન્ને તરફથી જોખમ તોળાઈ રહ્યું છે. પ્રજાનું લોહી ન રેડાય અને તેમની મુશ્કેલીઓ ઓછી થાય એ માટે અમે તમારી પાસે મદદની અપેક્ષા રાખીએ છીએ. જોકે ભારતમાં જોડાવા માટે કેટલાક મુદ્દાઓનું નિરાકારણ લાવવું પડશે. અમે માઉન્ટબેટનને પણ આ વિશે વાકેફ કરતો તાર મોકલ્યો છે. ઉપરાંત મહાત્મા ગાંધી, વડા પ્રધાન, નાયબ વડા પ્રધાન તેમ જ પાકિસ્તાનના ગવર્નર જનરલ અને વડા પ્રધાન લિયાકત અલીને પણ જાણ કરી છે.’

આ પત્ર મોકલી દીધા પછી શહાનવાઝ ભુટ્ટો પ્રત્યુત્તરની રાહ જોયા વિના બોરિયાં-બિસ્તરા બાંધી બળતું ઘર ભારત સરકારને અર્પણ કરીને પાકિસ્તાન નાસી છૂટ્યા

***

‘આઇ ઍમ શ્યૉર પ્રિન્સ ફિલિપ્સ... વેડિંગ વિલ બી અ ગ્રેટ ઇવેન્ટ...’ માઉન્ટબેટન માટે ડાઇનિંગ ટેબલની ખુરસી પાછળ ખેંચતાં જવાહરલાલ નેહરુએ કહ્યું.

બીજા દિવસે માઉન્ટબેટન આ લગ્નમાં હાજરી આપવા ઇંગ્લૅન્ડ જવા રવાના થવાના હતા. એની આગલી રાતે એટલે કે આઠમી નવેમ્બરે દિલ્હીના યૉર્ક રોડના ભારતીય વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને નેહરુ તેમના પરમ મિત્ર સાથે ડિનર લઈ રહ્યા હતા.

‘એડવિના ઍન્ડ ધ ગલ્ર્સ આર વેરી એક્સાઇટેડ ફૉર ધ વેડિંગ... (એડવિના અને દીકરીઓ લગ્નમાં જવા માટે બહુ ઉત્સાહિત છે). આખા વિશ્વમાંથી 2000 મહેમાનોને આમંત્રણ અપાયું છે...’

બન્ને મિત્રો વચ્ચે લગ્ન અને અન્ય બાબતો વિશે વાતચીત ચાલતી રહી.

‘સૉરી ટુ ઇન્ટરપ્ટ (ખલેલ પાડવા માટે માફી ચાહું છું) પણ મને હમણાં જ રાજકોટથી રીજનલ કમિશનર મિસ્ટર બૂચનો ફોન હતો. શાહનવાઝ ભુટ્ટો ભારતમાં જોડાવા માગે છે એવો પત્ર તેમને મYયો છે.’ વી. પી. મેનને ડાઇનિંગ રૂમમાં પ્રવેશતાં જ માહિતી આપી.

આ સાંભળીને લૉર્ડ માઉન્ટબેટન એકદમ છળી પડ્યા. જૂનાગઢમાં સૈન્ય મોકલવા સામે તેમનો સતત વિરોધ રહ્યો હતો. જૂનાગઢમાં નવાબનું ભાગી જવું અને અંધાધૂંધી સર્જા‍વી એ બધાથી માઉન્ટબેટન ગુસ્સે થઈ ગયા હતા. તેમણે સ્પક્ટ શબ્દોમાં નેહરુને કહ્યું, ‘ભારત સરકારના અભિગમથી હું ખૂબ જ નારાજ છું.’

માઉન્ટબેટનની નારાજગીથી હાંફળા-ફાંફળા થયેલા જવાહરલાલ નેહરુએ પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલીને સંબોધીને તાત્કાલિક એક તાર લખાવ્યો:

‘શાહનવાઝ ભુટ્ટોની મદદ માટેની વિનંતીને ભારત સરકાર માન્ય રાખે છે. રાજ્યમાં સર્જા‍યેલી અંધાધૂંધી અને પ્રજા પરના સંકટને નિવારવાનો તાત્કાલિક પ્રયત્ન કરવામાં આવશે. ભારત સરકાર મદદ તો પહોંચાડશે, પણ જૂનાગઢને ભારતમાં જોડવું કે નહીં એ પ્રજાનો મત લીધા બાદ જ નક્કી કરાશે. અમે આ જોડાણ વિશે પાકિસ્તાનના પ્રતિનિધિઓ સાથે વહેલામાં વહેલી તકે ચર્ચા કરીશું.’

નેહરુએ આ તાર તાબડતોબ પાકિસ્તાન મોકલી આપવાનો મેનનને આદેશ આપ્યો. આ તાર સીધો મોકલી આપવાને બદલે મેનન પહેલાં સરદાર પટેલના ઘરે ગયા. રાતના અગિયાર વાગી ચૂક્યા હતા અને સરદાર ઊંઘી રહ્યા હતા.

‘મણિબહેન, બહુ જ અગત્યની વાત કરવી છે. તમે મહેરબાની કરીને સરદારસાહેબને જગાડો.’ મેનને વિનંતી કરી.

થોડી જ ક્ષણોમાં ધોતિયું અને બંડી પહેરેલા સરદાર નીચે દીવાનખંડમાં આવ્યા.

‘ક્ષમા કરજો પણ...’

મેનનને અધવચ્ચેથી જ રોકીને સરદારે કહ્યું,

‘શું હતું?’

જવાહરલાલ નેહરુએ લખાવેલા તારનો મુસદ્દો તેમણે સરદારના હાથમાં મૂક્યો. એ વાંચતાં-વાંચતાં સરદારના ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ.

‘આ જવાહરે લખાવ્યું છે?’

‘હા, મિસ્ટર માઉન્ટબેટન અને પંડિતજી સાથે જ છે. તેઓ ડિનર લઈ રહ્યા હતા ત્યારે...’

‘મને લાગ્યું જ હતું.’ કહીને સરદારે નિ:શ્વાસ નાખ્યો. ‘જવાહરને સમજાય પણ છે કે તેણે શું લખ્યું છે? જૂનાગઢ ભારતમાં જોડાવા માગતું હોય તો બાયલાઓની જેમ લિયાકત અલીની પરવાનગી માગવા શું કામ જવું? આમ પણ નવાબ તો જૂનાગઢને રેઢું મૂકીને ભાગી ચૂક્યા છે. દીવાનથી રાજ્ય સચવાતું નથી એટલે જ તો તેઓ ઘૂંટણિયે પડીને આવ્યા છે. આમ પણ જૂનાગઢમાં હિન્દુઓ જ વધારે છે અને મુસલમાનો ઓછા. પ્રજા ભારતમાં જ જોડાવા માગે છે તો પછી પ્રજામત લેવાની વાત જ ક્યાં આવી?’

સરદાર આ તાર મોકલવા દેવા માટે બિલકુલ સમંત નહોતા, પરંતુ મેનને આ મુદ્દે નેહરુ અને માઉન્ટબેટન સાથે નકામો વિખવાદ થશે એવું કહીને તેમને પોણો કલાક સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો. છેવટે સરદારે કહ્યું, ‘ઠીક છે. તમને યોગ્ય લાગે એમ કરો.’

***

‘ગુરુદયાલ, કલ જૂનાગઢ મેં ઘૂસ જાઓ ઔર કબજા લે લો.’ મેનન રવાના થયા એટલે સરદારે સીધો બ્રિગેડિયર ગુરુદયાલ સિંહને ફોન જોડ્યો.

‘મૈં જાનતા હૂં કિ તુમ્હારે સાથ ક્યા હુઆ હૈ, પર જહાં તક હો સકે મુસલમાનો કે સાથ કોઈ ભી સખ્તી નહીં કરના.’ સરદારે સહૃદયતાથી કહ્યું.

જૂનાગઢમાં કોઈ પણ ઘડીએ આક્રમક બનવું પડે એ માટે સરદારે અગાઉથી જ તૈયારી રાખી હતી. એનું નામ ઑપરેશન પીસ (શાંતિ) આપવામાં આવ્યું હતું. નૌકાદળના ઑપરેશનમાં આઠ અલગ-અલગ પ્રકારનાં લડાયક જહાજ અગાઉથી જ પોરબંદર, જાફરાબાદ અને માંગરોળના કિનારે ગોઠવી દેવામાં આવ્યાં હતાં. સ્ક્વૉર્ડન લીડર પી. એ. ગિલના નેતૃત્વમાં હવાઈ દળનું ટેમ્પેસ્ટ ઍરક્રાફ્ટ કાઠિયાવાડમાં ગુપ્ત સ્થાન પર તૈયાર રાખ્યું હતું.

જૂનાગઢની આસપાસ છેલ્લાં લગભગ ત્રણેક અઠવાડિયાંથી ભારતીય સૈન્ય ગોઠવાયેલું હતું અને બ્રિગેડિયર ગુરુદયાલ સિંહ એનું નેતૃત્વ કરી રહ્યા હતા. ગુરુદયાલ સિંહ મૂળ પશ્ચિમ પંજાબના હતા. વિભાજન બાદ આ હિસ્સો પાકિસ્તાનની ભૂમિ બની ગયો હતો. ભાગલા વખતે જે બેફામ કત્લેઆમ થઈ હતી એમાં ગુરુદયાલ સિંહના આખા પરિવારને ત્યાંના મુસલમાનોએ રહેંસી નાખ્યો હતો. પોતાના બધા જ સ્વજનો ગુમાવી બેસનાર ગુરુદયાલ સિંહ મુસલમાનો સાથે ભૂલેચૂકે પણ સખત રીતે ન વર્તે એની કાળજી સરદારે લીધી હતી. 9 નવેમ્બર 1947ના દિવસે લશ્કર જૂનાગઢમાં પ્રવેશ્યું અને કોઈ પણ પ્રકારની હિંસા કર્યા વિના કબજો મેળવી લેવાયો.

***

‘દેશના બે ભાગલા થયા બાદ આપણી સામે બહુ મોટી સમસ્યા સર્જા‍ઈ હતી. જેમણે દેશના ભાગલા કર્યા તેઓ હિન્દુસ્તાનના વધુ ટુકડા કરવાનો મનસૂબો ધરાવતા હતા. જૂનાગઢને પાકિસ્તાનમાં સામેલ કરવાનો તેમનો કારસો હતો. તે લોકો માનતા હતા કે તેઓ અમને ઊંઘતા ઝડપી લેશે, પણ હકીકતમાં તેમને ભાન થયું કે અમે સૂતા જ નહોતા. જુલમીમાં જુલમી રાજ્ય પણ પ્રજા એકત્રિત થાય છે ત્યારે એની સામે ટકી શકતું નથી. જૂનાગઢમાં પ્રજાનો મત લેવો જોઈએ એવો તેમનો આગ્રહ હતો. હું અત્યારે તમારી સામે પ્રજાની અદાલતમાં જ ઊભો છું. બોલો, તમે શું કરવા માગો છો? જેઓ ભારતમાં જોડાવા માગતા હોય તે હાથ ઊંચા કરે...’ 13 નવેમ્બરે સરદારે જૂનાગઢની બાહઉદ્દીન કૉલેજના વિશાળ પ્રાંગણમાં હજારોની મેદની સમક્ષ આ કહ્યું ત્યારે એકસાથે લગભગ દસ હજાર લોકોએ હાથ ઊંચા કર્યા.

બીજા દિવસે જામસાહેબના પ્લેનમાં સરદાર, વી. પી. મેનન, આરઝી હકૂમતના શામળદાસ ગાંધી તેમ જ સરદારનાં દીકરી મણિબહેન અને અન્ય સભ્યો કેશોદ પહોંચ્યાં. ત્યાંથી કારમાં તેઓ વેરાવળ ખાતે સોમનાથના મંદિરમાં દર્શન કરવા ગયાં. એક જમાનામાં ભારતની કીર્તિ સમાન આ મંદિરની બિસમાર અને ઉપેક્ષિત હાલત જોઈને સરદારનું હૃદય વલોવાઈ ગયું. ‘આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની હું પ્રતિજ્ઞા લઉં છું.’ મંદિરના પ્રાંગણમાં ભેગી થયેલી મેદની સમક્ષ તેમણે જાહેરાત કરી. આના પગલે જામસાહેબે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે એક લાખ રૂપિયા તો શામળદાસ ગાંધીએ 50,000 રૂપિયા આપવાનું એલાન કર્યું. આ મંદિરનો જીર્ણોદ્ધાર થયા બાદ એનું ઉદ્ઘાટન કરવા પણ હું જ આવીશ એવું સરદારે વચન આપ્યું, પણ નિયતિને એ મંજૂર નહોતું.

***

20 ફેબ્રુઆરી, 1948ના દિવસે જૂનાગઢમાં જ્યારે સત્તાવાર રીતે લોકમત લેવાયો ત્યારે 1,90,000 લોકોમાંના ફક્ત 91 મત પાકિસ્તાનમાં જોડાવાની તરફેણમાં પડ્યા.

સરદાર: ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 22) 

પાકિસ્તાનમાં સ્વર્ગના સુખની અપેક્ષાએ ગયેલા જૂનાગઢના નવાબ મહાબતખાન રસૂલખાનની ભ્રમણા ભાંગીને ભુક્કો થઈ ગઈ અને તેમણે ભારત પાછા આવવાની ઇચ્છા વ્યક્ત કરી. જોકે ભારતમાંથી કોઈએ તેમની ઇચ્છાને કોઈ જ પ્રતિસાદ આપ્યો નહીં અને તેમણે પાકિસ્તાનમાં જ નાછૂટકે બાકીના દિવસો વિતાવવા પડ્યા.

નવાબ જે લગભગ સાડાસાતસો કૂતરા મૂકી ગયા હતા એમને સાચવવાનો ખર્ચ ભારત સરકારને મહિને 16 હજાર રૂપિયા જેટલો આવતો હતો. સ્વતંત્ર ભારતમાં અસંખ્ય મનુષ્યો ભૂખમરો વેઠી રહ્યા હતા ત્યારે કૂતરાઓને સાચવવાનો નવાબી ઠાઠ સરકારને પરવડે એમ નહોતો. જૂનાગઢના નવાબના આ વહાલા કૂતરાઓને ચિરનિદ્રામાં પોઢાડી દેવામાં આવ્યા.

નવેમ્બરમાં જૂનાગઢ નામનું સફરજન સરદારના કરંડિયામાં સામેલ થઈ ગયું. ત્યાર પછી તરત જ પૂવર્નીે તરફનાં ૪૧ સફરજનોને એકસામટાં હિન્દુસ્તાનના કોથળામાં ભરી લેવાની પ્રક્રિયાની વિધિસરની શરૂઆત થઈ.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2019 09:58 AM IST | | ગીતા માણેક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK