કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 1)

સમીત (પૂર્વેશ) શ્રોફ | Feb 05, 2019, 12:14 IST

‘સંન્યાસ લેવો જ હોય તો દેશમાં પવિત્ર નદીઓના તટે ઘણા મઠ મળી રહેશે. અહીંની સાધના સુગમ પણ રહેશે.’

કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 1)
લધુકથા સંગમતીર્થ

સંસાર-સંન્યાસ

આ...હ! આભમાંથી એક તારો ખયોર્ ને એની વેદના સંન્યાસીના સોહામણા મુખ પર અંકાઈ ગઈ.

ઊગવું અને આથમવું સંસારની સહજ ક્રિયા છે, સાધુને એના

હરખ-શોખ શું કામ સ્પર્શવાં જોઈએ? ઓમકારનાથે દૃષ્ટિ વાળી લીધી, મનને વારી લીધું. બ્રાહ્મમુહૂર્તનો સમય થવાનો, મારે પ્રાત:ક્રિયામાંથી પરવારીને સાધનામાં બેસી જવાનું હોય...

ભગવાં વસ્ત્રોનું પોટલું લઈને તેમણે થોડે દૂર વહેતા ઝરણા તરફ ચાલવા માંડ્યું.

કેદારનાથથીયે ઉપરવાસમાં હિમાલયની ભુલભુલૈયા જેવી કંદરાઓમાં સાધુસંતોના મઠ યા આશ્રમ હોવાની કલ્પના રોમાંચક લાગે એટલી જ કઠિન અહીંની સાધના છે.

‘સંસારના દુ:ખથી ભાગીને તું સંન્યાસના માર્ગે વળ્યો છે વત્સ, પણ એ રસ્તો પણ ઓછો કાંટાળો નહીં હોય...’

છએક વર્ષ અગાઉ પ્રયાગરાજ (ત્યારનું અલાહાબાદ)ના પૂર્ણ કુંભમેળામાં માંડ ત્રીસની વયે પોતે હિમાલયના અડગ તપસ્વી મનાતા ગુરુ દયાનંદજીનું શરણું માગ્યું ત્યારે મારા સંસારત્યાગની કથા જાણીને તેમણે ચેતવણી ઉચ્ચારી હતી.

‘સંન્યાસ લેવો જ હોય તો દેશમાં પવિત્ર નદીઓના તટે ઘણા મઠ મળી રહેશે. અહીંની સાધના સુગમ પણ રહેશે.’

તેમની સમજાવટ છતાં પોતે નહોતો માન્યો : સંસાર તો મેં વરસેકથી ત્યજ્યો છે મહારાજ, આપે કહ્યા એવા અનેક મઠ-આશ્રમોમાં ફરી વળ્યો છું; પણ કુંભના રોકાણ દરમ્યાન આપના સાંનિધ્યમાં જે શાંતિ સાંપડી, જે જ્ઞાન મળ્યું એ જ મને પ્રેરે છે. આપનો શિષ્ય બનાવીને મારો ઉદ્ધાર કરો!

ત્યારે તેમણે જુદી રીતે ચેતવ્યો, ‘અમે વરસોનાં વરસ એકાંતમાં ગાળનારા. હિમાલયના અંતરિયાળ પ્રદેશની ગુફા અમારું નિવાસસ્થાન. ગાત્રો ગાળતી ઠંડીમાં પાતળા ભગવા વસ્ત્ર સિવાય કશું પહેરવાનું નહીં, જીભને સ્વાદની માયા નહીં, રાનીપશુની રંજાડ, કુદરતી હોનારતનો ભય...’

છતાં પોતે ડગ્યો નહીં ત્યારે તેમણે છ માસ તેમના આશ્રમમાં રહી જોવાનો પ્રસ્તાવ મૂક્યો. એને પડકારરૂપે ઝીલી લઈને પોતે કુંભમેળામાંથી તેમના સંઘ સાથે પ્રસ્થાન આવ્યું એમ સાધુ સમાજનો અંદાજ આવતો ગયો. આમાં કેટલાય પંથ હોય, એમાંથી નીકળતા

અલગ-અલગ ફાંટા અને એ તમામનું કો-ઑર્ડિનેશન મૅનેજમેન્ટના ખા ગણાતા ભણેશરીઓને બે પાઠ શીખવે એવું અદ્ભુત જણાયું. ગુરુ દયાનંદનો પ્રભાવ સમગ્ર સમાજ પર વર્તાયો. બે-ચાર વરસે મળનારા સાધુ સમૂહો એકમેકના ખેરખબરથી વાકેફ હોય એ અચરજરૂપ લાગતું. સાધુ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજેલા મહાત્માઓ ધર્મ ઉપરાંત દેશની આર્થિક-સામાજિક સમસ્યાઓ પર વિચારવિમર્શ કરે એ જાણીને આર્યચકિત થઈ જવાય.

કેદારનાથ બેઝ-કૅમ્પથી યાત્રા દુર્ગમ બનવા માંડી. સંસારીઓના માર્ગથી રસ્તો ફંટાતો ગયો. ગુરુજી ભેળા કેવળ સાત સાધુ રહ્યા, આઠમો પોતે.

‘વત્સ...’ સૌથી આગળ ચાલતા ગુરુજીએ એક તબક્કે પાછળ વળી પોતાને ટકોર કરી હતી - પગમાં જોડાની માયા પણ ખંખેરી નાખ, તો ઝડપભેર પગ ઉપાડી શકીશ!

ચારે બાજુ બરફ પથરાયો હોય એવામાં ખુલ્લા પગે ચાલવાની કલ્પનાથી થથરી જવાયું; પણ ક્યારેક તો દુન્યવી સુખ-સુવિધા છોડવાનાં જ હતાં. પગરખાં ફગાવીને પોતે ખુલ્લા પગે ઊભા રહ્યા એ સંન્યસ્તમાં પરોવાવાની પ્રથમ ક્ષણ હતી. બસ, પછી તો છ મહિના ક્યાં વહી ગયા એની ગત ન રહી. ગુરુજીએ આપેલાં ભગવાં વસ્ત્રો અને નવું નામ - ઓમકારનાથ - અસ્તિત્વનું અભિન્ન અંગ બની ગયું છે! દિન-રાત સાધનામાં બેસીને પરમ તkવનું ધ્યાન ધરવાનું ફાવતું ગયું. એથી અજબની ઊર્જા સાંપડતી. કદાચ એ જ અહીંની ટાઢ સામેનું કવચ... ઓમકારનાથ વાગોળી રહ્યા.

‘સાચું કહેજો ઓમકારનાથ, અહીં ફાવે તો છેને?’ આશ્રમના સહપાઠીઓ શરૂ-શરૂમાં પૂછી લેતા. વયમાં ઓમથી મોટા અને સાધનામાં ઊંચા ગુરુભાઈઓ મોહમાયાથી પર થઈ ચૂકેલા, છતાં તેમની પૃચ્છામાં ઓમને સહોદ૨પણું વર્તાતું.

‘હું અહીંનો થતો જાઉં છું.’ ઓમ મૃદુ સ્મિતભેર જવાબ વાળતો.

એની ખરાઈ તેના વ્યક્તિત્વમાં છલકાતી. શરીર પર એકલ વસ્ત્ર સદી ગયું. વૃક્ષોનાં ડાળખાં સમેટીને તણખાથી અãગ્ન પેટાવવાનું ફાવી ગયું. અરે, પ્રાત: ક્રિયા માટે ખુલ્લામાં જવાનો સંકોચ ન રહ્યો. ક્વચિત્ નીચાણમાં જવાનું થાય ત્યારે થોડીઘણી સીધું-સામગ્રી લાવી રાખી હોય એ મહિનાઓ સુધી ચાલે, કેમ કે ક્ષુધાનો જ અનુભવ ઓછો પછી ભોજનની જરૂર વર્તાય પણ ક્યાંથી? કોઈને બીમાર પડતા તો જોયા જ નથી. ગુરુજી સિત્તેર વરસેય કેવા અડીખમ છે. હા, ઓમને શરૂ-શરૂમાં તાવ-શરદી રહ્યાં. એને કારણે આસપાસ થતી જડીબુટ્ટીઓની પહેચાન થતી ગઈ. શાjાાર્થમાં પારંગત બનતો ગયો.

ત્રણ વરસ અગાઉ ગંગા દશેરાના અવસરે પહેલી વાર નીચે ઊતરવાનું બન્યું. હરિદ્વારના ગંગાતટે ગુરુજીએ ઓમની કથાનું આયોજન કરાવેલું. સપ્તાહના સાતેય દિવસ ઓમકારની વશીભૂત કરતી વાણીએ શ્રોતાસમૂહને મંત્રમુગ્ધ કયોર્. વ્યાસપીઠ પર બિરાજમાન ઓમકારની કસાયેલી કાયા કેસરિયા વસ્ત્રમાં શોભી ઊઠતી. તેની નર્મિળ આંખોનો અનુરાગ જાગતો, સોહામણું મુખડું નજર જકડી લેતું. ભક્તોનો ભાવ જોઈને ઓમના ખુદના આશ્રમ માટે ફન્ડિંગ કરવાના પ્રસ્તાવ પણ મળ્યા, પરંતુ એની માયામાં ઓમે ક્યાં પડવું હતું?

‘તું સિદ્ધિ-પ્રસિદ્ધિના અહમ્થી અસ્પૃશ્ય રહ્યો ઓમ એ ઘણું. તારા આત્મા પર સંન્યાસનું આવરણ ચડતું જાય છે એનો આનંદ, પણ સંન્યાસી બનવાથી સંસાર છૂટી જ ગયો એમ માનીશ નહીં.’

જેને ત્રણે કાળ સહજ છે એવા ગુરુજી આ કથનથી શું કહેવા માગે છે એ ઓમને સમજાયું નહોતું. ગુરુજી ભવિષ્યનો ફોડ પાડવામાં માનતા નહીં, ‘સાધુએ પૂર્વાશ્રમથી મુક્ત થવાનું હોય એમ અનાગતની પણ દરકાર રાખવાની ન હોય, સાધુના શ્વાસ-પ્રાણ કેવળ તેની સાધના હોવી જોઈએ.’

તેમની શીખને નતમસ્તક થઈ ઓમે સંસારનો ઉચાટ ખંખેરી નાખ્યો. ફરી આશ્રમ ભેગા થતાં ભક્તજનોનું સ્મરણ પણ વછૂટતું ગયું. ઓમની સાધના ગહેરી થતી ગઈ, સંન્યસ્તનો રંગ વધુ ને વધુ ગાઢો બનતો ગયો.

છતાં મન ખરતો તારો જોઈને વિચલિત બની જાય એવું કેમ હશે?

અત્યારે ઝરણા નીચે ઊભા રહીને સ્નાનવિધિ નિપટાવતા ઓમકારનાથને પ્રfન થયો.

ભૂતકાળને હું હજી ભૂલ્યો નથી એટલે? સંસારના દુ:ખનો ડંખ હજી ઓસયોર્ નહીં હોય એટલે કે પછી માયાના એક અંશથી હજીયે હું અળગો ન થઈ શક્યો હોઉં એટલે?

જવાબ માટે આત્મમંથન કરવું પડે એમ હતું અને નાહી-પરવારી ગુફાના સાધનાખંડમાં સમાધિ માંડતા ઓમકારનાથ જાતતપાસમાં ઊંડા ઊતરતા ગયા એમ ગત ખંડ ઉલેચાતો ગયો.

***

‘નીરજા, આ શું કરે છે?’

કૉલેજથી પરત થયેલો અક્ષર બૂમ નાખતો કિચનમાં દાડી આવ્યો. તેના સ્વરમાં ધ્રાસકો હતો.

‘બાપ રે. તમે તો મને એવી ગભરાવી મૂકી....’ સ્ટૂલ પર ચડીને માળિયા પરથી અથાણાની બરણી ઉતારતી નીરજા મલકી, ‘ચિંતા ન કરો. તમારી અમાનત સલામત છે!’ પછી ચાર માસના ગર્ભને વહાલથી નિહાળતા અક્ષરનો કાન આમળ્યો, ‘આપશ્રીને પોતાના અંશની જ પરવા છે, બચ્ચાની માને કંઈ થઈ ગયું તો એની ફિકર નથી.’

‘શિશ...’ હવે અક્ષરે નીરજાના હોઠે આંગળી મૂકી, ‘બચ્ચાની માને હું કંઈ જ થવા દઉં એમ નથી.’

નીરજા તેને વેલની જેમ વીંટળાઈ. અક્ષરના મજબૂત્ા ટેકણમાં પ્રણયનો પાશ હતો, દામ્પત્યની મધુરતા હતી. આમ તો તેમનાં અરેન્જ્ડ મૅરેજ હતાં, પણ બહુ જલદી બેઉ એકમેકના અસ્તિત્વનો આધાર બની ગયેલાં. આર્ટ્સ ભણેલો અક્ષર વરલીના ઘર નજીકની કૉલેજમાં પ્રોફેસર હતો. માતા-પિતાના દેહાંત બાદ સંસારમાં એકલવાયા થયેલા જુવાનને પરણેલીને નીરજાએ હેતવર્ષામાં તરબોળ રાખ્યો.

‘તારા આગમને મારું ઘર ધબકતું થયું નીરજા.’ અક્ષર તેને ગૂંગળાવી મૂકતો.

‘તમે વર-બૈરી તો ખરાં ઘેલાં...’ નીરજાનાં વિધવા સાવિત્રીમા મેંશના ટપકા જેવું બબડી લેતાં.

નીરજા અક્ષરમય હતી ને અક્ષર નીરજામય. લગ્નના બીજા વરસે બેમાંથી ત્રણ થવાના ખબરે અક્ષરનો હરખ ઝીલ્યો ન ઝલાય. નીરજા સમજતી. નાની ઉંમરે સંસારમાં એકલા પડેલા આદમીને આત્મજનોની જ ઝંખના હોવાની!

‘જાણો છો અક્ષર, આપણું સંતાન મને બડભાગી કેમ લાગે છે? તેને પિતારૂપે તમે મળવાના એટલે.’

અક્ષરનું ચાલે તો ઈશ્વર પાસે એક જ વરદાન માગે કે ગર્ભાવસ્થાના નવ મહિના ચપટીકમાં વીતે ને ઝટ મારું બાળ મારા હાથમાં આવે!

એ તબક્કો પણ આવ્યો. છેવટે ઇન્તેજાર, અધીરાઈનો અંત આવ્યો. નીરજાએ પૂરા મહિને તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. તેનો કુમળો દેહ પહેલી વાર હાથમાં લેતાં ઝણઝણાટી વ્યાપી હતી, ‘સો વરસનો થા મારા લાલ!’

પિતાના આર્શીવાદ જોકે ફળ્યા નહીં. સો વરસ શું, અંશ જીવનનો એક દાયકો સુધ્ધાં પૂરો કરી શક્યો નહીં. કેવળ પાંચ વરસની ઉંમરે બ્લડ-કૅન્સરનો કોળિયો બની ગયો મારો અંશ!

ઓમકારનાથની આંખો વરસી પડી. આ જ દુ:ખે સંસાર છોડાવ્યો. અહીંના ગુફાજીવનમાં સાચી શાતા સાંપડી. તોય હજી ખરતો તારો જોઈને અકાળે ખરી પડેલો મારો દીકરો સાંભરી જાય છે ને હું વિચલિત થઈ જાઉં એને સંન્યાસીની ઊણપ ગણવી કે સંસારીના સ્નેહની પરાકાષ્ઠા?

ઓમને જવાબ સૂઝે એ પહેલાં ગુરુજીનો સાદ પડઘાતાં અશ્રુ લૂછી સ્વસ્થ થઈ જવું પડ્યું તેણે.

‘તમે સૌ જાણો છો, અઠવાડિયા પછી મકરસંક્રાન્તિના શાહી સ્નાનથી આ વરસે પ્રયાગરાજમાં અર્ધકુંભમેળો શરૂ થવાનો...’

આની તો જાણ છે. કુંભમેળામાં

બે-અઢી માસનું રોકાણ છે. શિવરાત્રિના સમાપન સુધી ત્યાં જ રહેવાનું છે. ગુરુજી મને પ્રયાગમાં જ મળ્યા હતાને! ઓમકારનો ઉમંગ થનગન્યો.

તેની હોંશ નિહાળીને ગુરુજીએ હળવો નિસાસો નાખ્યો. ૫ોતાને થતી સ્ફુરણા ઓમને કહી ન શક્યા કે તારા માટે આ મેળો વિશેષ રહેવાનો. આ વખતનો કુંભમેળો તારા સંન્યસ્તની આખરી કસોટી જેવો રહેશે ઓમ... ક્યાં તો આ પાર, ક્યાં પેલે પાર!

***

હર હર ગંગે!

સંક્રાન્તિના શાહી સ્નાન સાથે પ્રયાગરાજ ખાતે અર્ધકુંભમેળાનો શુભારંભ થયો. દેશભરમાંથી ઊમટી આવેલા સાધુ સમાજના સામૂહિક સ્નાનનું દૃશ્ય અલૌકિક હતું. લાખોની સંખ્યામાં પધારતા ભાવિકો માટે કુંભમેળો આસ્થાનું પર્વ છે. વિશ્વભરમાં આના જેવો ધાર્મિક મેળાવળો ક્યાંય નથી થતો.

કુંભમેળા પાછળની કથા જાણીતી છે. દેવ-દાનવ વચ્ચેના સમુદ્રમંથનમાં અમૃતકુંભ નીકળ્યો. એને દાનવોથી બચાવવા jાીનું મોહિની રૂપ લઈને સ્વર્ગમાં પહોંચાડતાં વિષ્ણુને બાર મિનિટ લાગી. આ યાત્રા દરમ્યાન કુંભમાંથી અમૃતબિંદુ ચાર જગ્યાએ છલકાયું : હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાશિક. દેવતાઓની એક મિનિટ એક વર્ષ જેટલી ગણાય એ હિસાબે વારાફરથી આ ચારેય સ્થળે દર બાર વર્ષે પૂર્ણ કુંભમેળો ભરાવાની પરંપરા સદીઓ જૂની છે. બે પૂર્ણ કુંભના ગાળામાં અધવચ્ચે અર્ધકુંભમેળો પણ યોજાય છે.

આ વરસે ગંગા, યમુના, સરસ્વતીના સંગમર્તીથ એવા પ્રયાગરાજમાં અર્ધકુંભનું આયોજન થયું છે. પ્રથમ વાર કદાચ કુંભમેળાને પ્રવાસના આકર્ષણરૂપે પ્રમોટ કરવામાં આવતાં વિદેશથી પણ સહેલાણીઓ પધારી રહ્યા છે. રસ્તા, પાર્કિંગ ઉપરાંત બાથરૂમ-ટૉઇલેટની પ્રાથમિક સુવિધાઓ સાથે ટેન્ટસિટીની રચના ખરેખર તો કાબિલેતારીફ છે. આટઆટલા માનવમહેરામણ છતાં ક્યાંય અવ્યવસ્થા નહીં. ચોખ્ખાઈ આંખે વળગે એવી. સંસારી-સંન્યાસીઓ એક તટે હળીભળી જતા હોય એ નજારો જ અદ્ભુત ગણાય.

આ પણ વાંચો : કથા-સપ્તાહ: જુગાર- (માનવીના ગુણ-દોષ 4)

કુંભનું પ્રમુખ આકર્ષણ આ સાધુઓ જ છે! કોઈ હઠયોગી એક પગે ખડો હોય તેને જોવા ભીડ જામે. વરસોથી જમીન પર પગ ન મૂકનારા બાબાના ઉતારે રોજના પાંચથી દસ હજાર ભક્તો દર્શને આવે ને બાબા પાછા હરખભેર પ્રેસને ઇન્ટરવ્યુ પણ આપે! શરીરે ભભૂત લગાવીને ઘૂમતા નાગા બાવાઓની નિકટ જતાં ડર લાગે તો કોઈ ચલમ ફૂંકીને પોતાનામાં જ મસ્ત રહેતા જોવા મળે.

‘અહીં આવ્યા પછી તું ધ્યાનમાં વધુ મગ્ન રહે છે ઓમ, એ મને ગમ્યું.’ કુંભમેળાની ચોથી રાત્રે ગુરુજીના સાદે તેમના તંબુમાં પહોંચેલા ઓમને આવકારીને દયાનંદજીએ મૂળ વાત ઉચ્ચારી, ‘એમ ખરેખર તો તારે પણ સાધુજનોના સત્સંગનો લાભ ઉઠાવવો જોઈએ. કેવી-કેવી મહાન વિભૂતિઓ અહીં પધારી છે. આનંદમઠના સ્વામી વિદ્યાધનને મળ. વેદોના તે પ્રકાંડ પંડિત છે. આસામથી પધારેલા સાધુ મહંતદાસ પાસેથી ગૂઢ વિદ્યા શીખવા જેવી છે...’

ઓમકારનાથે ડોક ધુણાવી. સ્વયં દયાનંદજી જેમને મહાન ગણતા હોય તેમની લાયકાતમાં સંદેહ ન હોય.

‘તેમનો લાભ લેવા સાથે તારે ભક્તજનોને તારા જ્ઞાનનો લાભ પણ વહેંચવો જોઈએ. સમાજ-કલ્યાણ સાધુની પણ જવાબદા૨ી છે.’

‘જેવી આપની આજ્ઞા ગુરુજી.’

અને બીજી સાંજથી આરતી પહેલાં સંગમતટે ઓમકારનાથનાં કથા-પ્રવચનો શરૂ થયાં. અહીં મંડપ કે વ્યાસપીઠ ક્યાંથી હોય. પદ્માસનની મુદ્રામાં ઓમકારનાથ રેતી પર બેસી જાય. તેમની સામે શ્રોતાસમૂહ આપમેળે ગોઠવાતો જાય. કોઈ છેવટ સુધી બેસે, કોઈ જરામાં ચાલ્યું જાય તો કોઈ વળી સેલ્ફી લેવા પૂરતું રોકાઈને આગળ વધી જાય! ક્યારેક પ્રવચન પછી ટૂંકી પ્રfનોત્તરી થાય જે ઓમનો પ્રભાવ વધુ નિખારે. ધીરે-ધીરે તેની વાણી, તેની મોહિનીની મીઠાશ પ્રસરતી ગઈ.

આ પ્રયાસ પોતાના ગતખંડ સુધી પહોંચવાનો એની જોકે ત્યારે જાણ નહોતી! (ક્રમશ:)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK