કથા-સપ્તાહ - રાહ-ગુમરાહ (વેરની વસૂલાત - ૪)

Published: 9th October, 2014 04:47 IST

ઇટ કાન્ટ બી હિમ!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |


અકબર ખાનના ન્યુડ પોસ્ટર બાબત શર્વરી આટલી મક્કમતાથી કેમ કહી શકે? અર્થને થયું કે આનાં મૂળિયાં શર્વરીની કથનીમાં હોવાં જોઈએ.

‘હં... અકબરની બળજબરી દરમ્યાન તારા હાથમાં ચાકુ આવ્યું - પછી શું થયું?’

‘પછી...’ શર્વરી દ્વારા કહેવાતું દૃશ્ય અર્થનાં મનોચક્ષુ સમક્ષ આકાર પામતું હતું.

€ € €

‘ખબરદાર!’ હથિયાર હાથમાં આવતાં શર્વરીની હામ વધી. તેનાં વસ્ત્રો ઠેકઠેકાણેથી ફાટી ચૂક્યાં હતાં. કુમળાં દુધિયાં અંગો અકબરની વાસના ભડકાવતાં હતાં. ઝભ્ભો ફગાવી ચૂકેલા અકબરની રેશમી લુંગી સરકી ગઈ હતી ને ખુલ્લા પડેલા તેના અંગની વિકરાળતા કામનાનો તીવ્ર તરફડાટ સૂચવતી હતી. શર્વરીએ ચાકુ ધરતાં તે ખિજાયો...

€ € €

‘ચાકુને અવગણી અકબરે તરાપ મારતાં પહેલાં તો મેં તેના ગુપ્તાંગ પર જ ઘા કરવા ઇચ્છ્યો, પણ છેલ્લી ઘડીએ અકબર ચેતી જતાં ચાકુ જાંઘમાં ખૂંપ્યું ને પગના ઘૂંટણથી સુધી ઊંડા ઘાનો લાંબો લિસોટો પડી ગયો...’

પરાકાષ્ઠા કહેતી શર્વરીએ શ્વાસ છોડ્યો, ‘સાઉન્ડ-પ્રૂફ સ્વીટમાંથી અકબરની ચીસો સંભળાવાની નહોતી. તેને પારાવાર દર્દમાં રડતો મૂકીને હું મારી રૂમમાં દોડી દઈ... હમણાં અકબર હો-હા મચાવશે, અવનવું કંઈ કહીને મને ફસાવશે. રાતભર હું સૂઈ ન શકી. સવારે મુખરજીએ કહેતાં ખબર પડી કે અકબરે ચાકુના ઘાને બદલે ટેબલની ધાર લાગ્યાનું જુઠ્ઠાણું ચલાવ્યું છે. ન મારા બામની શીશી કોઈના ધ્યાનમાં આવી, ન કોઈએ મને કંઈ પૂછ્યું. અકબરને પંદર ટાંકા આવ્યા છે ને ચાર્ટર્ડ પ્લેનમાં તે મુંબઈ જતો રહ્યો હોવાનું સાંભળીને મને ધરપત થઈ. પરંતુ એ કિસ્સાનો અંત નહોતો.’

અર્થના ચહેરા પર પ્રશ્નાર્થ ઝબૂક્યો.

‘પપ્પા-મમ્મીને પણ દિલ્હીમાં જે બન્યું એ વિશે મેં કહ્યું નહોતું. મુંબઈ આવીને રૂટીનમાં પરોવાઈ ને મહિનો થયો હશે કે સ્કૂલથી ઘરે આવતી વેળા એક મારુતિ વૅને મને આંતરી. બહાર કૂદેલા ત્રણ ગુંડાઓએ મને ઉઠાવી, કારમાં નાખીને ડ્રાઇવર સહિત ચાર જણે રાતભર મારી આ...બ...રૂ લૂંટી.’

અર્થને પોતાનો રોષ વાંઝણો લાગ્યો.

‘પરોઢિયે મને ઘરના બારણે પટકી ગયા ત્યારે અંગ પર નામ પૂરતુંય કપડું રાખ્યું નહોતું... મારી ચિંતામાં ફફડતાં મમ્મી-પપ્પા માટે આ વીતક અસહ્ય નીવડી. દીકરીની ઇજ્જત લૂંટાયાનું ગામગજવણું કરવાનું ન હોય. મારી એવી માનસિક અવસ્થા જ નહીં કે હું ઘરની બહાર ડગ પણ મૂકી શકું... વળી અમે નાલાસોપારાથી બોઇસર શિફ્ટ થયા, ફિલ્મ-ટીવીવાળા માટે સંપર્કહીન બન્યા. નૅશનલ અવૉર્ડવિનરે જાણીજોઈને ગુમનામવાસ સ્વીકારી લીધો... જીવનમાં કોઈ ઉમ્મીદ જ રહી નહોતી. ત્રણેક વરસમાં મમ્મી-પપ્પા પણ પાછાં થયાં અને હું સંસારમાં એકલી પડી...’

અર્થને થયું કે કથામાં હજી કંઈક ખૂટે છે.

‘મુંબઈ છોડતા અગાઉ, બળાત્કારના પખવાડિયા પછી, મારા પર અકબરનો ફોન આવેલો - તારી સાથે થયેલો રેપ તેં મને કરેલા ઘાની ચુકવણી હતી. ચાકુનો વાર સાંધવા લેવા પડેલા ટાંકાના નિશાન કોઈ સર્જરીથી ભૂંસાઈ શકે એમ નથી એટલે તારા હૈયે પણ કદી ન ભરાનારો ઘા કર્યો છે...’

અર્થની મુઠ્ઠી વળી.

‘ના, મને ગુસ્સો નહોતો આવ્યો. હું વધુ ફફડી ગઈ હતી. મમ્મી-પપ્પાના દેહાંતે વધુ ભાંગી પડી. પછી એક દિવસ ખુદને પૂછ્યું : ક્યાં સુધી આમ ડરીને જીવવું છે? અને કયા વાંકે? વાંક હોય તો અકબરનો છે. મારી દુર્દશાનો, દીકરી ખાતર મમ્મી-પપ્પાએ જીરવેલા દોજખનો અપરાધી અકબર છે. તેને સજા આપવાનું જ મારું ધ્યેય!’

અર્થ સાથે નેત્રસંધાન કરીને સમાપન કરવાની ઢબે શર્વરીએ ઉમેર્યું, ‘મૃત્યુદંડથી ઓછી સજા તેને ન હોય. મને મારા પ્રાણનો મોહ નથી અર્થ, પરંતુ અકબરને ખતમ કરી પોલીસમાં ઝડપાઈ હોત તો મમ્મી-પપ્પાના આત્માને દુ:ખ થાત... એટલે આ કામ માટે મારે કૉન્ટ્રૅક્ટ કિલર હાયર કરવો પડે ને અકબર ખાનની સુપારી સસ્તામાં તો નહીં જ પતે...’

‘એટલે ટૂંકા ગાળામાં વધુ ને વધુ રૂપિયા રળવા તું રૂપજીવિની બની ગઈ!’ અર્થના પ્રત્યાઘાતમાં ઠપકો ભળ્યો, ‘વેરની રાહની તલાશમાં તું ગુમરાહ થઈ ગઈ...’

‘મને બીજું કંઈ ન સૂઝ્યું અર્થ... મારી અસ્કયામત ગુમાવી ચૂકેલી હું વેશ્યા બની. મારે વધુ શું ગુમાવવાનું હતું?’

‘તારાં મમ્મી-પપ્પાના આત્માને આ પગલાથી પણ દુ:ખ પહોંચ્યું જ હોય શર્વરી... તું અકબરને મારવા ઇચ્છે છે શર્વરી, પરંતુ મૃત્યુમાં તો છુટકારો છે. અકબરને સજા કરવી જ હોય તો કંઈક એવું કરવું કે તેની જિંદગી જ મોતથી બદતર બની જાય!’

અર્થના શબ્દો સાથે આભમાં પરોઢનાં કિરણો ફૂટ્યાં. શર્વરીમાં ઉજાસ ફેલાયો.

‘અચ્છા, તું હમણાં અકબરના ન્યુડ પોસ્ટર વિશે બોલી ગઈ કે ઇટ્સ નૉટ હિમ... કેમ?’

‘સિમ્પલ, ચિત્રમાં સ્પક્ટ દેખાતી તેની જમણી જાંઘ પર સ્ટીચનાં નિશાન નથી માટે એ અકબર નથી.’

શર્વરીનું નિરીક્ષણ સચોટ હતું, પરંતુ તેના તર્કમાં દમ નહોતો. કમ્પ્યુટરની કરામતથી ફોટોમાં આવી તો કંઈક ડાઘાડૂઘી દૂર કરી શકાય.

‘યા, બટ એને માટે પણ અકબરે જખમ ઉઘાડો તો કરવો પડેને... મામૂલી કરચલી દેખાય ત્યાં સચેત થઈ જતા કલાકારોની જમાતમાં આટલી હિંમત ભાગ્યે જ કોઈ દાખવે.’

સાથે એ પણ એટલું જ સાચું કે કૅમેરા સામે નગ્ન થનારો શરીરની સર્વાંગ સુંદરતાથી સંતુક્ટ હોવાનો જ. તો જ વસ્ત્રો ઉતારવા તૈયાર થાય. શક્ય છે કે વીત્યાં વરસોમાં ટાંકાનાં નિશાન ઍડ્વાન્સ ટ્રીટમેન્ટથી તે મિટાવી ચૂક્યો હોય... ન્યુડ સીન્સ દેનારો અકબર પોતે નથી એ નિષ્કર્ષ તારવતાં પહેલાં આટલું કન્ફર્મ કરવું ઘટે.

‘બટ હાઉ?’

‘અકબરના શરીર પર હજી એ નિશાન છે કે નહીં એ એક વ્યક્તિ તો કહી જ શકે - તેની પત્ની!’

શર્વરી અર્થને તાકી રહી.

€ € €

‘શર્વરી, ધિસ ઇઝ મેઘનાદીદી.’ મિત્રની મોટી બહેનના પરિચયમાં અર્થે ઉમેર્યું, ‘દીદી જર્નલિસ્ટ છે અને અકબર ખાનનો એન્સાઇક્લોપીડિયા છે - હિઝ ક્રેઝી ફૅન.’

‘બસ હં. તારા જીજુ સાંભળશે તો મારું આવી બનશે!’ મેઘનાએ કાન આમળ્યો, ‘દીદીને ત્યાં ઘણા વખતે આવવાની ફુરસત મળી છે એટલે કામ વિના તો ઇન્સ્પેક્ટરસાહેબ પધાર્યા ન જ હોય...’

શર્વરી તેમની આત્મીયતા માણી રહી. ગયા અઠવાડિયે રેઇડના નિમિત્તે અર્થનો આકસ્મિક ભેટો થયો. એના થોડા કલાકોમાં પોતે જિંદગીનાં તમામ રહસ્યો તેની સમક્ષ ખોલી દીધાં. એના મૂળમાં તો એક સમયનો મૈત્રીસંબંધ જને. કહ્યા પછી એવું લાગ્યું જાણે મિત્રતામાં દૂરી કદી સર્જા‍ઈ જ નહોતી. બલકે વીત્યા આ દિવસોમાં અનુભવાયું કે અર્થ આ સંબંધને નવા મુકામે લઈ જવા કટિબદ્ધ છે... એથી તો પોતે વારે-વારે યાદ અપાવતી કે હું અભડાયેલી છું, કોઈને લાયક નથી રહી. અર્થ ક્યાં હસી નાખતો, ક્યાં વાતનું વહેણ બદલી કાઢતો. મારી જિંદગીમાં સમવન સ્પેશ્યલનું સ્થાન ખાલી છે, પરંતુ હવે વધુ વખત નહીં રહે એમ કહીને મને વિશિક્ટ નજરે નિહાળે અને તેની લાગણી સ્પર્શવા છતાં હું નજર વાળી લઉં... રૂપની હાટડી માંડ્યા બાદ બોઇસરનું ઘર બંધ કરી હું વિરારની વર્કિંગ વુમન હૉસ્ટેલમાં રહેતી, કૉલ-સેન્ટરના જૉબના બહાને રાત કસ્ટમર સાથે ગાળતી એ જાણીને અર્થ મને તેમના ઘરે લઈ ગયા. અચરજની અવધિ તો એ કે બધું જાણી ચૂકેલાં અર્થનાં મમ્મી-પપ્પાએ મને ઘડી માટેય વર્તાવા ન દીધું કે હું વેશ્યા છું - હતી! મમતાઆન્ટી બોલી પણ ગયાં - તું મને શરૂથી ગમતી’તી છોકરી... ખેર, જે બન્યું એમાં તારો વાંક નથી. વીત્યું એ ભૂલી નવેસરથી શરૂઆત કર. અર્થને ગમતી કન્યા જ આ ઘરની વહુ થવાની છે એટલું મોઘમમાં કહી રાખું... આને જ કિસ્મતની મહેર કહેતા હશે? ના-ના, અર્થ કે તેમની ફૅમિલી ગમે એ માને, મારે અર્થના ન થવા મક્કમ રહેવાનું છે. છંડાયેલો થાળ દેવતાને ન ચડાવાય! જોકે સૌથી પહેલાં તો અકબર ખાનનો ફેંસલો આણવાનો છે. અર્થને પણ એનું ઝનૂન છે. એટલે તો આજે મને મેઘનાદીદીને ત્યાં લઈ આવ્યા..

‘યા દીદી, કામે જ આવ્યો છું ને આ કામ અકબર ખાનને લગતું છે.’

€ € €

વૉટ!

અકબરે શર્વરી પર પછીથી વર્તાવેલા કેર અને શર્વરીએ લીધેલા વેશ્યાગમનની રાહને ઉલ્લેખ્યા વિના કહેવાયેલી કથા મેઘનાને ચોંકાવી ગઈ. શર્વરી નૅશનલ અવૉર્ડવિનર છે, વરસો અગાઉ અકબરના બળાત્કારમાંથી ઊગરેલી બહાદુર છોકરીએ અકબરની જમણી જાંઘે ઘૂંટણ સુધીનો ચીરો પાડ્યો જેનાં નિશાન હાલના અકબરના ન્યુડ પોસ્ટરમાં નથી એનો અર્થ તેણે એવો કર્યો કે ન્યુડ સીન અકબરે આપ્યા જ નથી! પબ્લિક સાથે આ ચીટિંગ કહેવાય, હી મસ્ટ બી એક્સપોઝ્ડ ફૉર ધૅટ. યસ. પત્રકાર જીવડો જાગી ઊઠ્યો.

€ € €

‘થૅન્ક્સ મિસિસ ખાન ફૉર સ્પેરિંગ યૉર વૅલ્યુએબલ ટાઇમ...’

આગલા દિવસે ફોન પર નક્કી થયા મુજબ બીજી બપોરે મેઘના શર્વરીને લઈને બેનઝીરના શોરૂમમાં પહોંચી હતી. પોતે અકબર ખાનની ગમે એટલી ફૅન હોય, પત્રકાર માટે સચ્ચાઈ પહેલી. થોડા દિવસ અગાઉ પોતે બેનઝીરને મળી હોવાનું જાણતાં અર્થે મેળાપ ગોઠવવા તેની મદદ યાચી હતી : પોલીસનો રૂત્બો દાખવવા જતાં તેમણે અકબરને તેડાવ્યો તો યોજના ભાંગી જવાની... એના કરતાં સ્ત્રીના હૃદયને તમે સ્ત્રીઓ જ કુરેદો!

અને કૅબિનમાં ગોઠવાઈ, આભાર માનીને મેઘનાએ શર્વરીને પિક્ચરમાં લીધી, નૅશનલ ઍવૉર્ડવિનર તરીકે પરિચય આપી ઉમેર્યું, ‘મિસ્ટર ખાનને પણ એ જ વરસે અવૉર્ડ મળેલો, દિલ્હીમાં તેઓ સાથે હરેલાં-ફરેલાં... શર્વરી ત્યારે માંડ પંદર વરસની હશે.’

બેનઝીરે કહવું હતું કે તમે મને મળવા આવી વળી અકબરની જ વાતો ઉખેળવાના હો તો સૉરી, આ રહ્યો દરવાજો! ત્યાં બૉમ્બ જેવો ફાટ્યો, ‘શર્વરી કહે છે કે અકબરની જમણી જાંઘે ઘૂંટણ સુધીનો ઘા છે એનાં નિશાન હજી મોજૂદ છે?’

બેનઝીર ટટ્ટાર થઈ. દિલ્હીયાત્રામાં ટેબલની ધાર વાગતાં ચીરો પડ્યાનું અકબરનું બહાનું તેની વિકૃતિ ઝડપાયા પછી કદી સાચું લાગ્યું નથી...

વિકૃતિ... આયાની બાર વરસની માસૂમ દીકરીને રહેંસતા અકબરનું ચિત્ર માનસપટ પર સળવળ્યું. પોતે કોઈ સ્ત્રી સાથે તેને જોયો હોત તો ક્ષમ્ય ગણાત, પરંતુ કાચી કળી જેવી માસૂમ કન્યાના બેહાલ કરવાની વિકૃતિ દંડને પાત્ર જ ગણાય અને એ દંડ હતો પતિ-પત્ની તરીકેના દૈહિક સંબંધનો અંત. સારું છે કે મારા પેટે દીકરી જન્મી નથી... એવું પણ પોતે પતિને સંભળાવેલું. આ છોકરી-શર્વરી પણ ત્યારે કિશોરી જ હતીને. કાચું ફૂલ. દિલ્હીમાં શું બન્યું હશે એ સમજાઈ ગયું. અકબરને લાગેલો ઘા ટેબલનો નહોતો, કદાચ આ છોકરીએ જ ચાકુ જેવું કંઈક... બેનઝીરે વિચારમેળો સમેટ્યો, ‘જી, એ નિશાન કેમેય કરીને જાય એમ નથી. એટલે તો અકબર શૉર્ટ્સ નથી પહેરતા...’ બાકીનું મનમાં બોલી : અરે, પોતાની શિકારને સ્ટિચનો સફેદ ડાઘ દેખાય નહીં એટલે સહશયન વેળા પણ સ્ટૉક્સથી એ ભાગ ઢાંકેલો રાખે છે!

‘ધૅન હાઉ ઇટ્સ પૉસિબલ?’ શર્વરી આવેશમાં આવી, ‘તેમના ન્યુડ પોસ્ટરમાં ઘાનું નિશાન કેમ નથી?’

હેં!

બેનઝીરનાં નેત્રો ચકળવળક થયાં : આ મારા ધ્યાનમાં કેમ ન આવ્યું! સમાગમ સમયે ઘા નહીં દેખાવાની કાળજી રાખનારો અકબર કૅમેરા સમક્ષ સંપૂર્ણ નગ્ન થાય જ નહીં! બીજી મિનિટે ડિરેક્ટર અભિનવને ફોન જોડીને બેનઝીરે કન્ફર્મ કર્યું કે પોસ્ટર કે ન્યુડ સીનમાં ટેક્નૉલૉજીની કમાલ નથી, ધે આર જેન્યુઇન... મશ્કરીમાં એમ પણ બોલી ગયો કે તમારા હસબન્ડને તમારા સિવાય નેકેડ જોનારો હું પણ છું!

‘અને ત્રીજી હું.’

મેઘનાને હતું કે શર્વરીની જુબાની સાંભળીને બેનઝરી ખળભળી ઊઠશે, પતિ પર આળ મૂકનારીનો કાંઠલો ઝાલશે... પણ તે તો કરુણતાપૂર્વક શર્વરીને નિહાળી રહી, પછી મેઘનાની હાજરીનો ખ્યાલ આવતાં સ્વસ્થ થઈને ફિક્કું મલકી, ‘આઇ ડોન્ટ નો પત્રકારની હાજરીમાં મારે આ કહેવું જોઈએ કે નહીં...’

‘પત્રકાર મટીને હું સ્ત્રી બની જાઉં છું બેનઝીર, હવે કોઈ પડદો ન રાખશો.’

બેનઝીર આંખો મીંચી ગઈ. અકબરની કિસ્મત અને શર્વરીની વેરપૂર્તિનો આધાર તેના નિર્ણય પર ટક્યો હતો!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK