કથા-સપ્તાહ - રાહ-ગુમરાહ (વેરની વસૂલાત - ૩)

Published: 8th October, 2014 05:03 IST

‘મેમ, ‘A.A.E.’ વિશે કંઈક કહેશો?’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


બેનઝીર ઇન્ટીરિયર ડિઝાઇનર હતી. આવડતમાં અતિ નિપુણ. બાંદરા ખાતે તેનો સ્ટોર હતો. તેના પિતા અને ભાઈઓ ફિલ્મમેકિંગમાં હતા, પરંતુ હિરોઇન બનવામાં તેને રસ નહોતો. ઇન ફૅક્ટ, ફિલ્મોને લગતી કોઈ જ કારકિર્દી તેને પસંદ નહોતી. અકબર જોડે નિકાહની વાત ઊખળી ત્યારે પણ તેણે સ્પક્ટતા કરેલી : અકબરમિયાં, મને સ્ટેબલ લાઇફ, સ્ટેબલ ગૃહસ્થી જોઈએ છે. નો લવ-લફરાં. હા, તમારા કામમાં હું ક્યારેય દખલરૂપ નહીં બનું, તમારી વ્યસ્તતાની ફરિયાદ નહીં કરું. સામે તમે પણ મને મારા મનગમતા કામમાં સપોર્ટ કરશો એવી અપેક્ષા છે...

કોડીલી કન્યાઓના હાર્ટથ્રૉબ જેવા અકબરે હામી ભરી હતી ને નિકાહનાં થોડાં વરસો તો બેનઝીરને એમ જ લાગ્યું કે પોતે સંસારની સૌથી સુખી સ્ત્રી છે. ઠેઠ ઇકબાલના જન્મ પછી, પાંચેક વરસ અગાઉ અનાયાસ જ અકબરની વિકૃતિ તેની નજરે ચડી હતી. પળવાર તો ધરતી રસાતાળ ગઈ હોય એવું બેનઝીરને લાગેલું.

‘આ... આઇ ઍમ સૉરી...’ અકબર કેટલું કરગર્યો હતો. એમાં પસ્તાવો હતો કે સંસાર ભાંગતા આદર્શ પુરુષ, આદર્શ પતિ, આદર્શ પિતાની ઇમેજ તૂટવાનો ડર? જવાબ બેનઝીર જાણતી હતી : ફિલ્મવાળાને પોતાની ઇમેજનું જ સૌથી વધુ દાઝતું હોય!

‘તમારું કૃત્ય માફીને કાબેલ નથી અકબર. તમને બીજી સ્ત્રી સાથે જોયા હોત તો મને આટલો આઘાત ન લાગત, પણ તમે તો... આ તમારું પહેલું સ્ખલન તો નહીં જ હોયને?’

અકબરની ગરદન ઝૂકી ગયેલી.

‘અને આખરી પણ નહીં હોય?’

‘નહીં બેનઝીર...’

‘નહીં મિયાં, હવે કોઈ જૂઠો વાદો નહીં.’ બેનઝીરના રણકાએ અકબરને સહેમાવી મૂક્યો, જીભ ઝલાઈ ગઈ.

‘આપણાં અમીર-ઇકબાલ હજી નાનાં છે. તમારા કૃત્યનો હું ઢંઢેરો ન પીટતી હોઉં તો માત્ર બાળકોનું કુમળું માનસ ડહોળાય નહીં એ માટે. આપણો રૂમ એક રહેશે, પરંતુ બિસ્તર નહીં. તમારાં આજનાં કરતૂત નિહાળ્યાં પછી એક સ્ત્રી તરીકે હું તમારું પડખું ન સેવી શકું...’

બેનઝીર માટે પણ એ સરળ નહોતું. અકબર ઇરરેઝિસ્ટેબલી હૅન્ડસમ હતો. તેના ઉઘાડની કલ્પના જ કણ-કણમાં મીઠી ઉત્તેજના છલકાવી જતી. સહશયનમાં અકબર એવું ને એટલું વરસતો કે ઝીલતાં હાંફી જવાય.... અકબરે પોતાનો ચાર્મ વાપરી પણ જોયો, પરંતુ અંગત પળોમાં તેની વિકૃતિ ઝબૂકતી ને ઊબકાતી બેનઝીર દૂર થઈ જતી. સ્નેહજીવનના દરેક સંભારણાની મીઠાશ ફિક્કી થવા માંડી. આખરે તો હું છેતરાઈ જને! અકબરના હૃદયમાં તો પહેલેથી મેલ હતો... બસ, આ ભાવનાએ શારીરિક આકર્ષણની શક્તિ એવી નિમૂર્‍ળ કરી દીધી કે આજની ઘડી ને કાલનો દી! બીજા તો ઠીક, અમારા ઘરના સમક્ષ આની ગંધ મેં આવવા ન દીધી હોય તો બાળકો ખાતર ને અકબર ચૂપ રહ્યા છે તેમની ખુદની ઇમેજ કાજ! પાર્ટીઓમાં જોડે જઈએ, વેકેશન્સ માણીએ, અપાર સ્નેહના અભિનયથી એકબીજાને પોંખીએ એટલે સચ્ચાઈ ગંધાય પણ કેમ! જુઓને, આ રિપોર્ટર મેઘના આવી છે ડિઝાઇનર તરીકે મારો ઇન્ટરવ્યુ લેવા, પણ તેને જાણવું છે અકબરની આગામી ફિલ્મ વિશે! તેને કેમ કહેવું કે પતિના કોઈ પ્રોજેક્ટમાં હું રસ નથી લેતી?

અને છતાં બેનઝીર સાવ અજાણી પણ ન જ હોય. એક જ ઘરમાં રહેવાનું એટલે વાતો તો અફળાય જને. ‘A.A.E.’માં અકબર ન્યુડ સીન આપવાનો છે એની જાણ હતી. સાથે હિરોઇન પણ નગ્ન હોય તોય જોકે બેનઝીરને હવે ફરક પડવાનો નહોતો.

‘તેં પોસ્ટર જોયું?’

પોસ્ટરની રિલીઝના ત્રીજા દહાડે બ્રેકફાસ્ટ ટેબલ પર અકબરે ઉત્સુકતાથી પૂછ્યું હતું.

‘અમીર-ઇકબાલે જોયું.’ પોતે જોયાનો જવાબ વાળતાં પહેલાં તેણે દીકરાઓનો હવાલો આપ્યો, ‘મને કહે, પપ્પા આવા શેમ-શેમ કેમ છે?’

બાળકોની નિર્દોષતા પર અકબર હસી પડ્યો ત્યાં...

‘તેમને ઓછું કહેવાય કે તારા પપ્પા તો પહેલેથી શરમ વગરના છે.’ બેનઝીરના વારે અકબર ઢીલો પડી ગયો. બેનઝીરને મહેણાંટોણાં મારતા રહીને ઘા કુરેદવાની ટેવ નહોતી છતાં બોલી જવાયેલું, ‘બાકી તમે એટલા માહેર તો છો જ કે ન્યુડિટીને વસૂલ કરી શકો.’

અકબરની લોકપ્રિયતા, અભિનયકલા, માર્કેટિંગ સ્કિલ્સ બાબત બેનઝીરને દ્વિધા નહોતી. ‘A.A.E.’ નવા રેકૉડ્ર્‍સ સર્જવાની એનો ઇશારો તો પોસ્ટરે જગાવેલી ચર્ચાએ આપી દીધો. ઍની વે, હાલ તો આ પત્રકાર યુવતીને ટાળવા દે.

‘‘A.A.E.’ વિશે હું શું કહી શકું? આઇ ઍમ નૉટ પાર્ટ ઑફ ધ ફિલ્મ.’

મૅડમ કેવી સિફતથી ટાળી ગયાં! મેઘનાએ માની લીધું અને બેનઝીરે એનો ભ્રમ જાળવી જાણ્યો. બીજું થઈ પણ શું શકે?

€ € €

‘આ...હ.’

હોટેલની રૂમમાં વધુ એક ગ્રાહકને પોતાનું જોબન લૂંટવા દેતી શર્વરીને જાણ નહોતી કે થોડી વાર પછી શું થવાનું છે!

€ € €

રેઇડ!

હોટેલમાં ગણગણાટ પ્રસરી જાય એ પહેલાં ઇન્સ્પેક્ટર શાહની ટુકડીએ કૅપ્ટનની શીખ મુજબ એરિયા કવર કરવા માંડ્યો. અહીં ગેરકાયદે કૂટણખાનું ચાલતું હોવાની માહિતી પાકી નીકળી. સાવચેતીભેર આગળ વધતા જુવાન ઇન્સ્પેક્ટરે વધુ એક દરવાજે ટકોરા માર્યા : પોલીસ!

શર્વરી ફફડી, તેનો ગ્રાહક ભડક્યો.

€ € €

‘દેખિએ સાબ...’ મારવાડીની મન્નતથી ઇન્સ્પેક્ટર ન રીઝ્યો એટલે દુપટ્ટો સંભાળતી શર્વરી નિકટ આવી, હાથ જોડ્યા, ‘જુઓ ઇન્સ્પેક્ટર...’ નામ વાંચવા તેની નજર શર્ટના ખિસ્સા પરની તકતીએ ફંટાઈ : અર્થ શાહ.

બીજી પળે દિમાગમાં ધાણી ફૂટી - અ...ર્થ! તેને જોતી ગઈ એમ શર્વરીનાં નેત્રો પહોળાં થતાં ગયાં : અ....ર્થ તું - તમે! તેણે હથેળીમાં ચહેરો છુપાવ્યો : તમે ક્યાં પહોંચ્યા અને હું ક્યાં...

છોકરી ક્યાંક જોયેલી કેમ લાગી એની ક્લુ અર્થને હવે મળી. કાળજે ચીરો પડ્યો. કિશોરાવસ્થાની મિત્રને, રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર કલાકારને એક તક તો આપી જ શકાય. ‘થોડી વાર પછી પાછો આવીશ...’

આસપાસ જોઈને તે નીકળી ગયો.

તેના જતાં મારવાડી વંજો માપી ગયો. શર્વરીને થયું કે અર્થને ટાળવાનો હવે અર્થ નથી!

€ € €

આના ત્રીજા કલાકે અર્થ-શર્વરી પાલવાની પાળે બેઠાં હતાં. પરોઢ હજી દૂર હતું. અર્થ વરદીમાં હતો એટલે પૅટ્રોલિંગવાળા પણ આ બાજુ ફરક્યા નહીં.

‘તમે ન હોત અર્થ તો કાલ સવારે છાપામાં મથાળું બંધાઈ ગયું હોત કે નૅશનલ અવૉર્ડવિજેતા ચાઇલ્ડ આર્ટિસ્ટ સેક્સ-રૅકેટમાં ઝડપાઈ! તમને પોલીસના યુનિફૉર્મમાં જોઈને આનંદ એટલું જ અચરજ થયું અર્થ.’

‘વેલ, મેં કદાચ તને કહેલું કે આઇ વૉન્ટ ટુ ટ્રાય એવરીથિંગ ઇન લાઇફ... ફૉરેન ભણવા ગયો ત્યાં ડિટેક્ટિવ નૉવેલ લખવાની ઘૂમરી ચડી. મારા મિત્રના પિતા પોલીસમાં હતા. તેમની સાથે  ક્રાઇમ કેસિસ ડિસ્કસ કરતાં-કરતાં પોલીસમાં ભરતી થવાનું સપનું આંખમાં અંજાઈ ગયું... લકીલી પેરન્ટ્સ માની પણ ગયા. છ મહિના અગાઉ જ ચાર્જ સંભાળ્યોછે.’ અર્થે શર્વરી તરફ નજર કરી, ‘મારી જેમ મમ્મી પણ તને ક્યારેક સાંભરી લે. યુ નો, અમને હતું કે મોટી થતાં તું સિનેમાનો પડદો ગજવવાની, પણ તું તો કોઈ સિરિયલમાં પણ નજરે ન ચડી! અને આજે મળી તો... ટેલ મી, નૅશનલ અવૉર્ડવિનરે રૂપજીવિની બની જવું પડે એવું તે શું બન્યું?’

‘ઇટ વૉઝ ઑલ ઓકે ટિલ વી ડિપાર્ટ...’ અર્થ સમક્ષ કથા માંડતી શર્વરીના ચિત્તમાં દૃશ્યો ઊપસતાં હતાં : નૅશનલ અવૉર્ડ સેરેમની માટે દિલ્હી જવું. પ્લેનમાં અકબરનો ભેટો, તેનું શર્વરીને પ્રોત્સાહિત કરવું, દિલ્હીદર્શનની મોજ, શાનદાર સમારોહ માણીને હોટેલની લૉબીમાં છૂટા પડવા સુધીનો ક્રમ વર્ણવીને તેણે કડી સાંધી, ‘નવમા માળે અમારી રૂમ હતી. મુખરજી અંકલની બાજુમાં મારી રૂમ અને સાવ છેવાડેનો સ્વીટ અકબર ખાનનો... ફિલ્મવાળા અમે ત્રણ જ મનોરમામાં ઊતયાર઼્ હતાં. બીજી સવારે પ્લેન પકડવાનું હોવાથી મેં નાઇટ સૂટ બદલીને પલંગ પર લંબાવ્યું કે દરવાજે ટકોરા પડ્યા. જોયું તો અકબર ખાન.

‘શર્વરી, તારી પાસે બામની શીશી છે? મારું માથું દુ:ખે છે.’

અકબરની લાચારી મને સ્પર્શી ગઈ. ઝડપથી શીશી ખોલી તો તેમણે સ્વીટમાં આવી બામ ઘસી દેવા કહ્યું. તેમની પાછળ દોરાતી વખતે પણ મને સ્ટ્રાઇક ન થઈ કે આ માણસ અચ્છો અભિનેતા છે અને ગઈ કાલે દિલ્હીદર્શન દરમ્યાન મેં મુખરજી અંકલને જ માથાના દુખાવા માટે બામની શીશી આપેલી એ યાદ રાખીને તેણે મને ફસાવવાનો પેંતરો ઘડ્યો છે!’  

બધું અત્યારે બનતું હોય એમ શર્વરી સહેજ કાંપી.

‘અકબર ત્યારે લુંગી-ઝભ્ભામાં હતા. સ્વીટમાં જઈને પલંગ પર લેટી ગયા. પડખે ગોઠવાઈ હું તેમના માથે બામ ઘસતી હતી અને ઝીણી આંખે તેઓ મારા ઉરજોનું હલનચલન માણી રહ્યા હતા! એકાએક તેમણે મને પકડી, ખેંચી અને કહ્યું કે ચાલ, આજે તને કળીમાંથી ફૂલ બનાવી દઉં... ઓહ, કેટલી ભયાનક એ પળ.’

અર્થે માની લીધું કે શર્વરી એ રાત્રે અકબર ખાનના પાશવી બળાત્કારનો ભોગ બની.

‘નૉટ ઍટ ઑલ.’ શર્વરીએ મક્કમતાથી ડોક ધુણાવી, ‘અકબરનો પલટો અણધાર્યો હતો. તેનાં ઉઘાડાં વાક્યોનો અર્થ પણ મારી સમજ બહાર હતો. કિશોરી હતી હું; છતાં પુરુષ શું કરવા માગે છે એ ન સમજાય એટલી નાદાન, અબુધ નહોતી... અકબરના આક્રમણ સામે મારું શું ગજું. તોય મેં બચાવ આરંભ્યો ને એક તબક્કે મારા હાથમાં ફ્રૂટપ્લેટ સાથે મૂકેલી છરી આવી...’ શ્વાસ લેવા પૂરતી તે રોકાઈ.

અર્થથી બોલી જવાયું, ‘પ્રતિષ્ઠિત નાયક આવો વિકારી? યુ નો, હી ઇઝ માય ફેવરિટ. ઇન ફૅક્ટ, તેની આગામી ફિલ્મ ‘A.A.E.’ માટે હું કેટલો ઉત્સુક હતો! તેનું ન્યુડ પોસ્ટર...’

‘હં!’ શર્વરી એવું તુચ્છકારભેર હસી કે અર્થ અધવચ્ચે જ અટકી ગયો. તેને નિહાળતી શર્વરીએ શ્વાસ ઘૂંટ્યો, ‘પોસ્ટરમાં ન્યુડિટી છે, પરંતુ જે ન્યુડ છે એ અકબર નથી. ઇટ્સ નૉટ હિમ. ઇટ કાન્ટ બી હિમ...’

ભયાનક ભેદ ઉજાગર કરતી વેળા તેનો સ્વર કાંપતો હતો. અર્થ સ્તબ્ધ બન્યો. સમુદ્રનાં મોજાં અફળાઈને ચિત્કારી રહ્યાં : ઇટ્સ નૉટ હિમ. ઇટ કાન્ટ બી હિમ! (ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK