કથા-સપ્તાહ - રાહ-ગુમરાહ (વેરની વસૂલાત - ૧)

Published: 6th October, 2014 05:06 IST

આ જિસ્મ!અન્ય ભાગ વાંચો

1  |  2  |
સમીત (પૂર્વેશ) શ્રોફ


આ જિસ્મ!

હોટેલની રૂમના બેડ સામેના મિરરમાં ઝિલાતું પોતાની ગોરી કાયાનું પ્રતિબિંબ નિહાળીને તેણે સહેજ ખિન્નતા અનુભવી. ના, તેના રૂપમાં એક દોરાનીયે કચાશ નહોતી... આંખો જકડી લે એવી આંખો પરથી નીચે સરકતી નજર જોનારને મદહોશ કરી દે એવું ને એટલું કામણ તેનાં અંગ-ઉપાંગોમાં પથરાયું હતું. રસઝરતા હોઠ, ભર્યા-ભર્યા પયોધર, નમણા કટિપ્રદેશ અને સુડોળ પગ વચ્ચે આકાર પામતું કામનાનું કેન્દ્રબિંદુ... કવિની કલ્પના બનવાને બદલે પુરુષોની ભૂખ ભાંગવાનું સાધન બનીને રહી ગઈ છે મારી આ કમસીન કાયા!

અહં.

સીનો ટટ્ટાર કરીને શર્વરીએ અફસોસ ઓગાળ્યો : મારે તો ગવર્‍ લેવો જોઈએ કે મારો આ ફૂટડો દેહ મારા ધ્યેયની પૂર્તિમાં મને મદદરૂપ નીવડી રહ્યો છે.

બદલાનું ધ્યેય.

આયના પરથી નજર વાળી પડખે સૂતેલા પુરુષની નિંદરમાં ખલેલ ન પડે એટલી કાળજીથી ખુલ્લા શરીર પર ચાદર લપેટીને તે સ્વીટના ઝરૂખે ઊભી રહી.

આભમાં હજી અજવાળું પથરાયું નહોતું. બત્તીના પીળા પ્રકાશમાં ક્વીન્સ નેકલેસ ગણાતા મરીન ડ્રાઇવની સડક ચમકી રહી હતી. સામે દેખાતા સમંદરમાં પણ અત્યારે ઘૂઘવાટ નહોતો. નીરવતા પણ ક્યારેક કેટલી રમ્ય લાગતી હોય છે! થોડા કલાકોમાં આ સડક-સમુદ્ર ઘોંઘાટથી છલકાઈ ઊઠશે, પણ જિંદગી હરહંમેશ આટલી જ ચિત્તાકર્ષક રહી શકતી હોત તો? પરંતુ જિંદગીના રંગઢંગ ક્યારે કેવા બદલાશે એ કોણ કહી શક્યું છે? બાકી ક્યાં હું બોઇસરની સરકારી સ્કૂલમાં ભણતી નાદાન બાળકી... શર્વરી ગતખંડમાં ડૂબી:

‘નાનુભાઈ, તમારી લાડલીનો ટીવીમાં ચાન્સ લાગે એમ છે...’

કારખાનાની નોકરીને કારણે પિતા નાનુભાઈ બોઇસરમાં સ્થાયી થયેલા. માતા સુંદરબહેને ઘરરખ્ખુ ગૃહિણીની જેમ પતિની ઓછી આવકમાં સંસાર નિભાવી જાણેલો. બાર વરસની તેમની એકની એક બેબી શર્વરી લાડકવાયી. ભણવામાં હોશિયાર શર્વરી ચબરાક પણ એવી જ. દીકરીને કડકડાટ અંગ્રેજી બોલતી નિહાળીને ગુજરાતી ચોપડી ભણેલા માવતરની છાતી ગજ-ગજ ફૂલે. વક્તૃત્વસ્પર્ધામાં તે ખીલી ઊઠે.

સ્ટેજ-ફિયરનો સદંતર અભાવ. આ જ બધા ગુણો ધ્યાનમાં લઈને પિતાના મિત્ર સુમનકાકાએ ઑડિશનની જાહેરાત દેખાડી હતી.

તેરેક વરસ અગાઉની આ વાત. દૂરદર્શનને પરાસ્ત કરી પ્રાઇવેટ ચૅનલોનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું હતું. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની સફળતાએ ધારાવાહિકના નીતિ-નિયમ-ઢાંચો સવર્‍ કંઈક ધરમૂળથી બદલી નાખ્યાં હતાં. સિરિયલની તુલસી શર્વરીની પણ ફેવરિટ. એ શોની નિર્માત્રી એકતા કપૂરે પોતાની આગામી પેશકશ માટે ઑડિશનની ઍડ આપી હોવાનું જાણીને શર્વરીનું મન લલચાયું : કદાચ એ બહાને તુલસીને મળવાનું થાય!

દીકરીનું મન રાખવા મા-બાપે હામી ભણી, ઍન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટરી.

શર્વરી ન માત્ર સિલેક્ટ થઈ, અઢી વરસ સુધી ઑન ઍર રહેલી ‘કભી અજનબી થે’ સિરિયલ દ્વારા આમજનતાની લાડકી બની ગઈ. તેની ગ્રહણશક્તિ જોઈને ક્રૂ નવાઈ પામતી. અભિનયકળા ગળથૂથીમાં મળી હોય એમ ડિરેક્ટરને શું જોઈએ છે એ પલકવારમાં સમજી જતી. ભાગ્યે જ રીટેકની જરૂર પડતી. સમાંતરે અભ્યાસ ચાલુ હતો. દીકરીને સવલત મળે એ માટે પરિવાર નાલાસોપારા મૂવ થયો હતો. પિતા સવારે બોઇસર જવા નીકળતા, મા પુત્રીને લઈને શૂટિંગમાં જતી. બ્રેક દરમ્યાન શર્વરી લેસન કરવા બેસી જતી.

બહાર પડેલું બાળક વહેલું પરિપક્વ બને એમ શર્વરી પણ નાની વયે મૅચ્યૉર થઈ ગયેલી. સ્ત્રી-પુરુષના સંબંધો, ઑફ-કૅમેરા થતી ગંદી મજાક-કમેન્ટ્સ જોતી-સાંભળતી-સમજતી અને છતાં આંખ આડા કાન કરી શકતી. ઘર નજીકની સ્કૂલમાં સૌ અહોભાવથી તેની જોડે વર્તતા તોય તે પોતે સેલિબ્રિટીનો ફાંકો રાખવાથી દૂર રહેતી. શૂટિંગમાં અમીર ઘરની દીકરી તરીકે કામ કર્યા પછી રિક્ષામાં પરત થવાનું ખટકતું નહીં. વાસ્તવિકતાનો પ્રતિકાર શું કામ? આજે વિચારો તો લાગે કે મારા સ્ટાર-સ્ટેટ્સનો ફાયદો ઉઠાવવામાં અમે ઊણા ઊતર્યા... મૉડલિંગથી માંડીને દુકાનના ઉદ્ઘાટનમાં પધારવાની ઑફર્સ મળતી જેને પપ્પા એકશ્વાસમાં નકારતા : મારે દીકરીને નોટ છાપતું મશીન નથી બનાવવી!

તેને તેનું બાળપણ જીવવા દો...

પપ્પા-મમ્મીનો આ અભિગમ મને સ્પર્શી જતો. કોઈ વાતનો અભાવ કનડતો નહીં. આમાંથી જ મારો આત્મવિશ્વાસ પાંગર્યો હશે.

‘અમને આવી જ સેલ્ફ-કૉન્ફિડન્ટ છોકરી જોઈએ...’

સિરિયલ પૂર્ણ થવાના તબક્કે હતી ત્યારે સેટ પર પધારેલા જાણીતા ફિલ્મ-ડિરેક્ટર શ્રીધર મુખરજી બેબી શર્વરીની પ્રતિભાથી દંગ થયેલા. ખરેખર તો પોતાની નવી ફિલ્મ માટે તેમને સશક્ત બાળકલાકારોની ખોજ હતી. એની શોધમાં ચક્કર કાપતા મુખરજીએ શર્વરીને શૉટ આપતી જોયાની ઘડીથી લીડ રોલ માટે ફાઇનલ કરી દીધી હતી. ખ્યાતિપ્રાપ્ત નામ હતું અને ફિલ્મ છ માસમાં શૂટ થઈ જવાની હતી એટલે પિતાએ હામી ભણી.

ટીવી કરતાં ફિલ્મનું માધ્યમ અલગ, વિશાળ હોય છે. સ્મૉલ બજેટ ફિલ્મ આમ તો સરકારી ગ્રાન્ટમાંથી બનતી બાળફિલ્મ હતી, પરંતુ આ વખતે ફિલ્મ્સ ડિવિઝનના પ્રોજેક્ટમાં મુખરજી જેવું જાણીતું નામ સંકળાયું હોવાથી રિઝલ્ટ અપેક્ષા મુજબનું મળ્યું. ‘નન્હે ફરિશ્તે’ ફિલ્મ ફેસ્ટિવલમાં તો વખણાઈ જ, સ્મૉલ સેન્ટર્સમાં પણ હિટ રહી.

નાનકડું રમણીય ગામ. પાદરે આવેલા મહાદેવના મંદિરમાં સદીઓ પુરાણો ખજાનો છે જે ઝડપવા લૂંટારાઓની ટોળકી ગામને બાનમાં લે છે. મોટેરાંઓ હામ હારી જાય છે ત્યારે ૧૪ વરસની વીરા ભેરુઓને ભેગા કરીને ચોરટાઓને ફાવવા દેતી નથી એ મતલબનું કથાનક ધરાવતી ફિલ્મમાં વીરા બનેલી શર્વરીનો અભિનય ન માત્ર વખણાયો, તેને એ વરસનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ જાહેર થયો.

‘યુ ડિઝવર્‍ ઇટ,’ ફિલ્મમાં પોતાના મુખ્ય સાથી રામની ભૂમિકા ભજવતા અર્થે રૂબરૂ મળી અભિનંદન આપ્યાં હતાં. અર્થ ગર્ભશ્રીમંત કુટુંબનો નબીરો હતો. લતાજી રહે છે એ પેડર રોડ ખાતે તેનો બંગલો જોવાનું ન બન્યું, પણ અર્થમાં અમીરીનું અભિમાન ચોક્કસપણે કદી નિહાળ્યું નહોતું. ગામડાના છોકરા તરીકે પણ તે એકદમ ફિટ થઈ જતો. જોકે અભિનયમાં તેણે કરીઅર નહોતી બનાવવી. છએક મહિનાના શૂટિંગગાળા દરમ્યાન બેઉ વચ્ચે ખાસ્સી આત્મીયતા બંધાઈ ગયેલી. અર્થને શ્રીમંતાઈનો ઘમંડ નહોતો તો શર્વરીના પક્ષે મધ્યમવર્ગી હોવાની નાનમ નહોતી. પંદરેક વરસનાં કિશોર-કિશોરી વચ્ચે સ્કૂલના હોમવર્કથી માંડીને તહેવારની ઉજવણી સુધીની વાતો થતી. શૂટિંગ પર હાજર રહેતા અર્થનાં મધર મમતાબહેન પણ એવાં જ સાલસ જણાયેલાં.

‘પપ્પાનો બિઝનેસ જૉઇન કરતાં પહેલાં આઇ વૉન્ટ ટુ ટ્રાય એવરીથિંગ... ઍક્ટિંગ, પેઇન્ટિંગ, ટીચિંગ, પૉલિટિક્સ... લાઇફમાં કશું ન કર્યાનો અફસોસ ન રહેવો જોઈએ!’ જિંદગી પ્રત્યે કેટલો સ્પક્ટ અભિગમ.

જોકે એ પછી અર્થનો સંપર્ક ક્યાં રહ્યો? નૅશનલ અવૉર્ડ માટે મારું નામ જાહેર થવા બદલ અભિનંદન આપવા પહેલી વાર ઘરે પધારેલા અર્થે ત્યારે જ કહેલું કે હવે પછીનું સ્કૂલિંગ અબ્રૉડમાં થવાનું, સો આઇ ઍમ લિવિંગ નેક્સ્ટ વીક... સંપર્કની ડોર ત્યારની તૂટી એ તૂટી. જોકે એને બાંધવાની જરૂર પણ શી?

નિ:શ્વાસ નાખી શર્વરીએ ફંટાતી સ્મૃતિને રાહ પર આણી :

નૅશનલ અવૉર્ડ!

ફિલ્મોને લગતા અવૉર્ડ્સનો રાફડો ફાટ્યો છે, પરંતુ રાષ્ટ્રીય પુરસ્કારથી વિશેષ કોઈ જ ન હોયને! પહેલી જ ફિલ્મમાં શ્રેષ્ઠ બાળકલાકારનો નૅશનલ અવૉર્ડ મેળવવો ગવર્‍ની જ ઘટના ગણાય. મે મહિનામાં ન્યુ દિલ્હીમાં આયોજિત ભવ્ય સમારોહમાં તત્કાલીન વડા પ્રધાનના હસ્તે અવૉર્ડ મેળવી ધન્યતા અનુભવી હતી પોતે.

પહેલાં તો દૂર બેસતી થયેલી છોકરીને એકલી મોકલતાં પપ્પા-મમ્મીનો જીવ નહોતો ચાલ્યો. પ્રૌઢ વયના મુખરજીસાહેબે ધરપત આપેલી : ફંક્શનમાં મને પણ નિમંત્રણ છે. તમારી દીકરી ને મારી હિરોઇનને હું આંચ નહીં આવવા દઉં... ત્યારે તેમણે મન મનાવ્યું : બે-ત્રણ દિવસનો જ સવાલ છેને! મુખરજી પર આટલો ભરોસો તો મુકાય...

અને ફિલ્મના ડિરેક્ટર શ્રીધર મુખરજી સાથે મેં દિલ્હીની ઉડાન ભરી. પ્રથમ વાર પ્લેનમાં બેસતાં પેટમાં જાણે પતંગિયાં ઊડ્યાં હતાં.

‘હેય યુ, ફરિશ્તે ગર્લ!’

ફિલ્મે પોતાને વધુ ફેમસ કરી દીધાનું શર્વરી જાણતી, પરંતુ પ્લેનમાં આ રીતે મને સાદ પાડનાર કોણ છે? કુતૂહલવશ તેણે નજર ઘુમાવી તો ચોંકી જવાયું, બદન પર હરખ છવાઈ ગયો.

એ શખ્સ બીજું કોઈ નહીં પણ સિલ્વર સ્ક્રીનનો સુપરસ્ટાર અકબર ખાન હતો! એ વરસની પોતાની ઑફબીટ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો નૅશનલ અવૉર્ડ અકબર ખાનને મળવાનો એની તો જાણ હતી; પરંતુ તે અમારી જ ફ્લાઇટમાં હશે, મને આ રીતે ઓળખી કાઢશે એવું તો ધાર્યું પણ કેમ હોય!

ફિલ્મી બૅકગ્રાઉન્ડ ધરાવતા અકબર ખાને માંડ ૨૧ની ઉંમરે ૯૦ના દશકમાં રોમૅન્ટિક ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી. અકબરની ફસ્ર્ટ રિલીઝ ‘મૈંને મોહબ્બત કી’ રેકૉર્ડ-બ્રેક સફળતાને વળી. એમાં જોકે ગાવાનું મર્યાદિત કરનાર લતાજીએ એ એક ફિલ્મમાં ગાયેલાં આઠ ગીતોનો મહત્તમ ફાળો હતો. ઇન્ડસ્ટ્રીના ઑલટાઇમ મોસ્ટ હૅન્ડસમ હીરોમાં અકબરનું નામ અચૂક આવે...

ટીવી-ફિલ્મમાં કામ કર્યા પછી શર્વરીને સ્ટાર્સ-સેલિબ્રિટીઝની નવાઈ નહોતી રહી. તોય અકબરે પોતાને ઓળખી કાઢી એ ગમ્યું. તેણે કરેલી તારીફમાં કલાકારનો નજરિયો હતો. દિલ્હીમાં અમારી હોટેલ પણ એક જ છે જાણીને આનંદ બેવડાયો.

બીજી સાંજના અવૉર્ડ સમારંભ સુધી તો બધું બરાબર રહ્યું. પંદર-વીસ જણનું ગ્રુપ બનાવીને દિલ્હીદર્શન કર્યું. આ છોકરી ભવિષ્યની હેમામાલિની છે એવું ભાવિ પણ પરિણીત અકબરે બધાની વચ્ચે ભાખ્યું... સમારંભના શાનદાર આયોજનની ચમકદમક નિરાળી હતી. કેટલું ડિસિપ્લિન્ડ, કેટલું વેલ ઑર્ગેનાઇઝ્ડ. બીજી સવારે મુંબઈની ફ્લાઇટ પકડવાની હતી. મોડી રાત્રે અમે છૂટા પડ્યા. મુખરજી અંકલને ગુડનાઇટ કહીને હું મારી રૂમમાં ગઈ. અકબરનો સ્વીટ અમારા ફ્લોર પર છેવાડે હતો અને પછી...

- શર્વરી અત્યારે પણ સમસમી ગઈ. દાંત ભીંસાયા : અકબર ખાન... મારું વેર વાળવા વેશ્યા બની છું એ યાદ રાખજે!

બરાબર એ જ વખતે અકબર ખાન પોતાની નેક્સ્ટ રિલીઝ ‘ખ્.ખ્.ચ્.’ના રજૂ થનારા પ્રથમ પોસ્ટરનું અપ્રૂવલ ફાઇનલ કરી રહ્યો હતો, ‘બિલીવ મી. મારા નેકેડ પોઝ જોઈને સૌ ચોંકી જવાના...’

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK