Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-4)

કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-4)

16 May, 2019 03:12 PM IST | મુંબઈ
સમિત પૂર્વેશ શ્રોફ

કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-4)

રાખ-અંગાર

રાખ-અંગાર


છેવટે અમારી ચોરી પકડાઈ ગઈ અનાહત સમક્ષ દૃશ્ય ઊપસ્યું.

‘અનાહત, આ સત્યા કોણ છે?’



એક સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર દેવયાનીએ પૂછ્યું. અનાહતને


અંતરાશ આવી.

‘તેં નવી મુંબઈમાં ફલૅટ લીધો છે? ત્યાં એક પાવૈયાને રાખ્યો છે?’ દેવયાની ઉશ્કેરાટથી ધ્રૂજતી હતી.


માએ ક્યાંથી જાણ્યું? ફલોર પર બીજા ત્રણ ફલૅટ છે. ત્યાંના પાડોશમાં અમે ભળ્યા નથી, એમાંથી કોઈએ ચાડી ખાધી હોય એવું બનવાનો સંભવ ઓછો છે. તો શું વિશ્વ‌જિતે મારી નબળી કડી જાણવા જાસૂસી કરાવી?

‘બોલ અનાહત, એક કિન્નર જોડે તને સંબંધ છે?’ માના શબ્દોમાં ઘૃણા હતી, ‘બીજા કોઈ નહીં કે એક પાવૈયા સાથે તેં સંસાર માંડ્યો!’

‘શું કરું, એક સ્ત્રી-પુરુષનો દાખલો નિહાળી મને એ જાતિ માટે કોઈ સ્પંદન જ નહોતાં ફૂટતાં. મારો કામ જગાવ્યો એક કિન્નરે.’ અનાહતે કહી નાખ્યું, ‘કિન્નર સાથે સંબંધ રાખવામાં એટલી નિરાંત કે એમાંથી ક્યારેય કોઈ અનૌરસ સંતાન નહીં જન્મવાનું.’

દેવયાની ઘા ખાઈ ગયેલી.

‘તારા એક સંબંધની બહુ મોટી કિંમત મેં ચૂકવી છે મા.’ કહી અનાહતે રણકો બદલ્યો, ‘બટ નો રિગ્રેટ્સ. સત્યાને પામી હું ધન્ય થયો. એનાથી લાયક પત્ની કોઈ હોઈ ન શકે.’

‘પ...ત્ની...’ દેવયાની ધ્રૂજી ઊઠી. ‘આ શું લવારો. કિન્નરને પત્ની કહેતાં લાજતો નથી?’

‘ના, લાજવાનું મારા લોહીમાં નથી. બાપને એનું બીજ દેતાં લાજ નહોતી આવી, તને કુંવારી મા બનવામાં લજ્જા નહોતી આવી - મારી પાસે એવી અપેક્ષા શું કામ?’

સાંભળવું બહુ વસમું લાગ્યું, પણ દેવયાની હારી નહીં, ‘દર વખતે અમારો વાંક દેખાડી તું તારું ધાર્યું કરી ન શકે, તારા નામ પાછળ તારા નાનાનું નામ લાગતું હોત તો વાંધો નહોતો, પણ કોર્ટે ચઢીને તારા બાપનું નામ મેળવ્યું. હવે તેને ધબ્બો લાગે એ ચલવી ન લેવાય. એક કિન્નર તો આ ઘરની વહુ ન જ બની શકે, ઍટ ઍની કૉસ્ટ.’

‘ઓ...હ. તો માને હજુય એ આદમીની આબરૂની જ પરવાહ છે!’

‘કેમ ન હોય. વિશ્વ‌જિતનું નામ ન બગડે એ માટે મેં કંઈકેટલું જતું કર્યું છે-’

‘તો હવે દીકરાને પણ જતો કર. કોઈને પણ સત્યાનો વાંધો હોય

એની સાથે મારો ક્યારેય કોઈ સંબંધ નહીં રહે.’

‘એમ બોલવાથી સંબંધ નથી તૂટતો, અનાહત, કાલે આ રિશ્તો જાહેર થયો તો સમાજ અમારા નામ પર થૂ-થૂ કરશે.’ દેવયાની પછી રડી પડી, ‘મારે તો રૂમઝૂમ કરતી વહુ આણવી છે. મારાં પોતરા--પોતરીને રમાડવાં છે. આટલો ક્રૂર ન બન અનાહત. માની થોડી તો દયા ખા.’

‘આ ભવમાં એ સંભવ નથી. હું સત્યાનો થઈ ચૂક્યો. તમને જાણ થઈ જ ગઈ છે તો હવે ખુલ્લેઆમ તેની સાથે કોર્ટમૅરેજ કરવામાં મારે વિચારવાનું રહેતું નથી.’

‘અસંભવ!’ ટેબલ ઠોકતી દેવયાની ઊભી થઈ ગઈ, ‘તારે ફરી કોર્ટમાં જઈ તમાશો માંડવો છે? યાદ રાખ, અનાહત, એક કિન્નર વિશ્વ‌જિત કુલકર્ણીના ખાનદાનની વહુ બને એવું હું કોઈ કાળે થવા નહીં દઉં!’

માની ધમકીમાં બોલેલું પાળવાની ખાતરી હતી. અનાહતને પહેલી વાર માનો ડર લાગ્યો. વિશ્વ‌જિતની આબરૂનું વિચારી એ કંઈ પણ કરવાની!

‘મારે હવે કોઈ જોખમ નથી લેવું સત્યા....’ ઘરેથી સીધા ફલૅટ પર પહોંચેલા અનાહતે મા સાથે થયેલી ટપાટપીનો હેવાલ આપતાં સત્યા થોડી ઉદાસ બનેલી-

માની ઊર્મિઓ મારામાં રહેલા સ્ત્રીત્વને સમજાય છે. તે તેમની રીતે સાચાં. કઈ મા દીકરાને કિન્નર ભેગો જોઈ શકે?’

અનાહતે ડોક ધુણાવી.

‘નહીં સત્યા. મા હોવાની પહેલી શરત જ એ કે સંતાનના સુખમાં તમારું સુખ, પણ મારી માએ તો હંમેશાં પહેલાં પેલા પુરુષનું જ હિત જોયું. એ કંઈ પણ કરી શકે. ચાલ, સત્યા, કોઈ અનર્થ થાય એ પહેલાં ક્યાંય દૂર જતાં રહીએ. આમેય હવે વિશ્વ‌જિત-દેવયાનીની દુનિયામાં મારું શું કામ?’

‘તમે કહો એમ, અનાહત.’ સત્યાએ અનાહતના ખભે માથું ટેકવ્યું. અનાહત તેના હોઠો પર ઝૂક્યો. અનંગનો ખેલ રાતભર ચાલ્યો. ત્યારે ક્યાં જણ હતી

કે આ તેમનું છેલ્લું મિલન બની

રહેવાનું છે!

બીજી બપોરે અનાહત જુહુ જવા નીકળ્યો- કપડાંલત્તા લઈ હું અહીં જ શિફ્ટ થઈ જાઉં છું. આગળનો પ્લાન પછી વિચારીએ...

જોકે વિચારવા જેવું કંઈ રહ્યું જ નહીં. જુહુના ઘરે પહોંચ્યો ત્યારે દેવયાની હાજર નહોતી. ક્યાં ગઈ હશે? છાયામાસીને પૂછવાનું ટાળ્યું. માની જરૂર પણ શું છે? નાહક મારા જવાની વાતોએ વળી રડી-કરગરી રોકવાની કોશિશ કરશે. એના કરતાં એની ગેરહાજરીમાં જ બૅગ પૅક કરી મને નીકળી જવા દે!

કલાકમાં તે વળી જુહુથી નવી મુંબઈ જવા નીકળ્યો. પાછળ જે કંઈ છૂટ્યું એનો હવે રંજ પણ રાખવો નહોતો. સત્યાને લઈ કોઈક અજાણ્યા પ્રદેશમાં જતો રહીશ, અમે બે ને અમારો

અખૂટ પ્રેમ!

સમણામાં ખોવાતો અનાહત થાણેનો ફ્લાઇઓવર ક્રૉસ કરતાં એકાએક ચમક્યો. સામી બાજુથી માની કાર પસાર થઈ એવું મને કેમ લાગ્યું? તેણે સાઇડ મિરરમાં જોયું. યસ, સામી લેનમાં જુહુ તરફ જતી કાર માની જ હતી.

પણ તે આ તરફ ક્યાં ગઈ હોય?

બીજે ક્યાં, નવી મુંબઈના મારા ઘરે! સત્યાને મળી મહોબતનો સોદો કરવા ઇચ્છ્યો હશે યા તો ખોળો પાથરી ઇમોશનલ બ્લૅકમેઇલ કરી હશે... નહીં. બેમાંથી કોઈ સંજોગોમાં હું સત્યાને ઝૂકવા નહીં દઉં!

અનાહતે ગાડી ભગાવી. ફટાફટ ફલૅટ પર પહોંચી ડોરબેલ રણકાવી, પણ આ શું? મેઇન ડોર કેવળ ઠેલેલું લાગ્યું.

‘સત્યા!’ સાદ પાડતો તે અંદર પ્રવેશ્યો. અને જિંદગીનું સૌથી ભયાનક દૃશ્ય તેની આંખે ચડ્યું.

હૉલના સોફા-ટિપાઈ વચ્ચે સત્યા આડી પડી હતી, તેના ગળામાં પડેલા ચાકુના ઘામાંથી વહેતા લોહીનું કૂંડાળું થઈ ગયું હતું.

‘સત્યા! ત્રાડ નાખી અનાહતે તેનું માથું ખોળામાં લીધું. તેનો શ્વાસ ચાલતો નહોતો, હૃદય બંધ હતું.

સત્યા ઇઝ ડેડ. અનાહતને થયું જાણે પોતાનું હૃદય બંધ પડી ગયું.

‘યુ કાન્ટ લીવ મી સત્યા!’ અનાહતનું રુદન ફાટ્યું. ‘આપણો સંસાર સાચા અર્થમાં હવે શરૂ થવાનો હતો, ત્યાં તેં જવાની અંચી ક્યાં કરી?’

ના, સત્યા પોતે ગઈ નથી. તેને મારવામાં આવી છે.

અનાહત પૂતળા જેવો થયો. આંખમાં વહેતાં અશ્રુ વરાળ થઈ ગયાં. મારી સત્યાના ગળે કોઈએ ચાકુનો ઘા કર્યો છે.

કોઈએ એટલે કોણે?

અનાહતના ચિત્તમાં થાણે બ્રિજ પર ક્રૉસ થયેલી કાર ઝબકી.

મા!

હજુ ગઈ સવારે જ તેણે ધમકી આપી હતી કે એક કિન્નર કુલકર્ણી ખાનદાનની વહુ બને એ હું કોઈ કાળે નહીં થવા દઉં!

ધમકીના ૪૮ કલાકે પૂરા થાય એ પહેલાં માએ બોલેલું પાળી બતાવ્યું.

અનાહતની ભીતર લાવા

ઊકળવા લાગ્યો.

સત્યામાં ગમે તે તોય ભાયડાનું જોર તો ખરું. પાંસઠ પ્લસની મારી મા કંઈ તેને પહોંચી ન વળે. માએ તેને કપટથી મારી હશે... અનાહત માટે ચિત્ર સ્પષ્ટ હતું. અણધાર્યાં અહીં આવી માએ ચકાસી લીધું કે સત્યા ઘરમાં એકલી જ છે. માને ભાળી સત્યા ભાવુક થઈ હશે. માને વહાલભેર સોફા પર બેસાડ્યાં, તેનાં ચરણસ્પર્શ કરવા ઝૂકી ને બસ માએ તૈયાર રાખેલો છૂરો તેની ગરદને હુલાવી દીધો!

‘મા!’

કાળઝાળ અનાહત મારતી મોટરે જુહુના ઘરે પહોંચ્યો. તેની લોહી ખરડાયેલી હાલતે છાયાબહેન હાયકારો નાખી ગયાં, ‘આ શું થયું, બાબા!’

‘હટી જાવ’ તેમને ધક્કો દઈ અનાહત ધડાધડ સીડીનાં પગથિયાં ચડ્યો. અનાહતમાં એટલો આવેશ હતો કે તેની એક લાતે બેડરૂમનો બંધ દરવાજો ખૂલી ગયો.

પલંગ પર બેસી મોબાઇલ પર વાત કરતી દેવયાની ચીખી, અનાહતને ભાળી ફોનમાં બોલી - હું તમને પછી ફોન કરું છું,  જીત.

વિશ્વ‌જિત! આ એક નામે અનાહતના અગ્નિમાં ઘી હોમ્યું. ઇનફ ઇઝ ઇનફ!

‘હવે તું ક્યારેય તારા યાર જોડે વાત નહીં કરી શકી શકે, મા. મારી સત્યાને મારી તેં તારું ધાવણ વસૂલી લીધું. હવે તને મારતાં મારા હાથ નહીં થોભે.’ અનાહતે ઘસી જઈ માની ગરદન દબાવી, ‘મારી સત્યાનું તેં ગળું જ કાપ્યુંને!

દેવયાની છટપટવા માંડી. શ્વાસ રૂંધાતાં જોરજોરથી હવાતિયાં મારતાં કહેતી રહી - ‘છોડ મ...ને મારા લા...’

‘હવે દીકરો યાદ આવ્યો કાં! બોલાવ તારા જીતને જો તે તારો જીવ બચાવી શકતો હોય! તેના ખાનદાનની આબરૂ સાચવવા તેં મારી જિંદગી ઉજાડી મૂકી?’

અનાહત ચીખતો રહ્યો,

ચિલ્લાતો રહ્યો.

‘છોડો... છોડો તેને...’

છેવટે છાયાબહેનના ફોને આવી ચડેલી પોલીસે પરાણે તેની પકડ છોડાવી ત્યારે ભાન થયું કે મા તો ક્યારની મૃત્યુ પામી છે!

પછી તો હાહાકાર મચ્યો હતો. દીકરો તેની જનેતાનું ખૂન કરે? ઘોર કળજુગ!

દરમ્યાન એક સ્મશાનમાં એકસાથે બે અરથીને અગ્નિદાહ દેવાયો હતો. સત્યા અને દેવયાનીનું ફ્યુનરલ લગભગ સાથે જ થયું. અનાહતની વિનવણીને આધારે સત્યાને સુહાગણનો શણગાર થયો હતો.

‘મેં તારો બદલો લઈ લીધો, સત્યા... તારી હત્યારણ મારી માને મારી નાખી.’

સાંભળનારા હાયકારો નાખી ગયેલા. સામી બાજુ માની ચિતાને દાહ દેવા વિશ્વ‌જિત આવ્યો હતો. નૅચરલી, દીકરો કોર્ટમાં ગયો પછી તેમનો સંબંધ ક્યાં છૂપો હતો? જોકે મીડિયાને તેમણે હાજર રહેવા નહોતું દીધું. રીઢા રાજકારણીની રડીને સૂઝી ગયેલી આંખો તેણે અનુભવેલી ચોટની, ખોટની ગવાહી પૂરતી હતી.

‘મને માફ કરી દેજે દેવી!’ દેવયાનીને વળગી તેમણે નાખેલા ધ્રુસકામાં બનાવટ નહોતી.

‘હવે શેની માફી માગો છો વિશ્વ‌જિત!’ અનાહતે ઊંચા અવાજે પડકાર ફેંક્યો, ‘આખી જિંદગી તે તને પૂંજતી રહી, તે સદા આપતી રહી ને તું કેવળ લેતો રહ્યો - આજે એની શરમ આવે છે તને? તારે ખાતર તેણે મારા પ્રેમનું ગળું કાપ્યું - મારી માનો ઇશ્ક મારી મહોબત પર ભારે પડ્યો એની માફી માગે છે?’

વિશ્વ‌જિત ત્યારે તો કંઈ ન બોલ્યો, પણ બધું પત્યા પછી પોલીસ અનાહતને લઈને નીકળતી હતી એ વેળા તેની સામે આવી, માત્ર તેને સંભળાય એમ કહ્યું, ‘દેવીએ તને ગર્ભમાં જ મારી નાખ્યો હોત તો આજે તેણે મરવાનું

ન થાત.’

વિશ્વ‌જિત મને ગિલ્ટી ફીલ કરાવવા માગે છે! પળ પૂરતો અનાહત સ્થિર બન્યો.

‘આના કરતાં ડગલું અગળ જઈ એમ વિચારજે વિશ્વ‌જિત કે તેં માને બીજ આપ્યું જ ન હોત તો હું ગર્ભરૂપે પણ કેમ હોત?’

સાંભળીને કેવો સમસમી ગયેલો વિશ્વ‌જિત!

એની યાદે અત્યારે પણ અનાહતના હોઠ વંકાયા.

આમ જુઓ તો અમારી એ અંતિમ મુલાકાત હતી. કેસની સુનાવણીમાં તે શાનો હાજર રહે. પોલીસ જોકે સત્યાની ગરદને ફરેલું ચાકુ શોધી ન શકી, પણ માએ સત્યાને મારી હોવાની અનાહતની થિયરી સ્વીકારી લેવાઈ, કેમ કે બીજું કંઈ નહીં તો દેવયાનીને બિલ્ડિંગમાં જોનારા મળી આવ્યા, સત્યાને મારવાનું તેમની પાસે કારણ પણ હતું.

અલબત્ત, મેં સત્યાની હત્યાના પ્રત્યાઘાતમાં માને મારી હોવાનું કોર્ટે કબૂલ રાખતાં ફાંસીને બદલે જનમટીપ થઈ.

ના, એનો હરખ નહોતો. જીવવાની ઝંખના જ કોને હતી? મારે તો મારી સત્યા પાસે પહોંચવું હતું. જેલવાસ દરમ્યાન આત્મહત્યાની બે કોશિશ નાકામ ઠર્યા બાદ સ્ટાફ સ્ટ્રિક્ટ થઈ ગયેલો. ચૌદ વરસની સજામાં અમુક માફી મળી. કદાચ મારે મરવાનું મુરત જ આવતી કાલનું હશે.. સત્યાની ચૌદમી પુણ્યતિથિનું!

બસ સત્યા, હવે તો ઇન્તેજાર છે કાલ સવારના સૂર્યોદયનો...

મરવા માગતા માણસને સવાર શો સંદેશો લાવવાની છે એની ક્યાં ખબર હતી?

***

‘સત્યમ્ શિવમ્ સુંદરમ્...’ દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે અનાહતની પાંપણના પડદા ઊંચકાયા.

રાત વીતી ગઈ હતી. આછેરો ઉજાસ આભમાં ઊઘડી ચૂક્યો હતો. અનાહતને ઘણા વખતે ફીલિંગ ગુડની અનુભૂતિ થઈ રહી હતી અને કેમ ન હોય? આજે સત્યા સાથે મારું પુન: મિલન!

‘સાચું કહેજો, તમને તમારી સગી જનેતાને મારવાનો જરાય ગમ નથી?’

આત્મહત્યાના બે પ્રયાસ પછી જેલમાં અનાહતનું વિશેષ ધ્યાન રખાતું. વચમાં ત્રણેક વરસ માટે જેલર તરીકે આવેલાં મીતાબહેન માળગાંવકરે અનાહતના કેસમાં ખાસ્સો રસ લીધેલો. છેવટે કેદીને કૅબિનમાં બોલાવી પૂછ્યું એ ઊલટતપાસ નહોતી, કેવળ માણસમનને સમજવાની ઋજુ ભાવના હતી.

‘મેં મારી માને નથી મારી, મૅડમ, મારી પત્નીને મારનારી બાઈની હત્યા કરી છે. એનું મારી મા હોવું કેવળ કુદરતની ક્રૂર મજાક છે.’

અનાહતનો સૂકોભટ જવાબ મૅડમને દઝાડી ગયેલો. આવો ભણેલોગણેલો સોહામણો જુવાન કિન્નરના પ્રેમમાં આટલું ભાન ભૂલી શકે!

‘ભાન ભૂલીને થાય એ જ પ્રેમ, મૅડમ, બાકી તો વાતો.’

સાંભળીને ડઘાઈ ગયેલાં મૅડમ જાણે અત્યારે તો ક્યાં હશે ને મારા સુસાઇડના ખબરથી જાણે શું અનુભવે! એ જોવા મારે ક્યાં જીવતાં રહેવું છે?

અનાહત નાહીધોઈ ફ્રેશ થયો કે ફલૅટની ઘંટડી રણકી. જોયું તો ૨૦-૨૨ વરસની યુવતી દરવાજે ઊભી હતી.

આ પણ વાંચો : કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-3)

‘થૅન્ક ગૉડ, અંકલ આપ મળી ગયા. જલદી ચલો, છાયાદાદી - તમારાં એક્સ કૅરટેકર - તમને યાદ કરે છે.’

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2019 03:12 PM IST | મુંબઈ | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK