કથા-સપ્તાહ - રાખ-અંગારા (લાગણીનાં ફૂલ - ૫)

Published: 26th December, 2014 05:01 IST

‘વડા પ્રધાનની દખલગીરીથી બળાત્કારી ઓમ મર્ચન્ટની ધરપકડ!’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |
સાંજ સુધીમાં તો મીડિયા ગાજી ઊઠ્યું.

ઓમ ડઘાયેલો. પરંતુ વડા પ્રધાન પોતે અંગત રસ લેતા હોય એ કેસમાં પોલીસ-તંત્ર કોઈ છૂટ આપવા-લેવાના મૂડમાં નહોતું.

મને પ્યાદું બનાવવા માગતી લાવણ્યાએ પસ્તાવાનો દેખાવ સરજી મને મૂરખ બનાવ્યો! લૉકઅપમાં પુરાયેલો ઓમ કપાળ કૂટે છે.

ચાર દિવસ અગાઉની, મંગળની રાત્રે ઓમ પર્દાફાશ કરી લાવણ્યાના ઘરેથી નીકળ્યો એના કલાકેકમાં લાવણ્યાનો ફોન આવેલો. કરગરી, માફી માગી : તમે આર્જવ-ઝરણાને ચેતવ્યાં જ હશે, આર્જવને હું ગુમાવી ચૂકી, તમારા જેવો હમદદર્‍ ગુમાવવા નથી માગતી... તમારો સંસાર ભાંગ્યો છે ને મારું હૃદય. આપણે એકમેકની મલમપટ્ટી કરી શકીએ એટલો સંબંધ તો રાખો.

ઓમ પીગળ્યો. આર્જવ-ઝરણાને જણાવવાથી દૂર રહ્યો એ જોકે દાખવવા ન દીધું... અન્યથા તે વળી ભાન ભૂલવાની... ફરી તેના ઘરે જતો થયો. તેની કાયામાં ખોવાયો.  

‘આજે કંઈક નવું કરીએ...’

આગલી રાતોમાં ઓમનો વિશ્વાસ જીત્યા પછી એક રાતે તે ચાલ રમી. સંવનનમાં તેઓ અવનવી ટ્રિક અજમાવતાં રહેતાં એટલે પણ ઓમને રમત ગંધાઈ નહીં. લાવણ્યાના હાથ-પગ પલંગના ચાર ખૂણે બંધાયા હોય ને ઓમ આક્રમકપણે તેના પર તૂટી પડે એ રીતનો સમાગમ તે ઇચ્છતી હતી, ત્યારે પણ સ્ટ્રાઇક ન થયું કે આની જો ફિલ્મ ઊતરે તો કોઈને પણ એ બળાત્કાર જ લાગે!

રેપનું પ્રૂફ ઊભું કરવાની સાથે લાવણ્યાએ ઓમના મોબાઇલમાંથી તેમનું પ્રત્યેક કમ્યુનિકેશન ડિલીટ કરવાની ચોકસાઈ પણ દાખવી હતી એ તો ઝડપાયા પછી સેલફોન ચેક કરતાં જાણ્યું હતું ઓમે. ‘લાવણ્યા જ મને તેડાવતી’ એવો તેનો બચાવ ન ટક્યો. પુરાવા વગર કોણ માને? એમાં વળી સાક્ષાત પ્રાઇમ મિનિસ્ટરને ટહેલ નાખી લાવણ્યાએ કેસ હાઈ પ્રોફાઇલ બનાવી દીધો. તે હિરોઇન ઠરી ને ઓમ વિલન! લાવણ્યાએ મીડિયામાં જાહેર થવાની હિંમત દાખવી એટલે ઓમનું નામ જાહેર કરવામાં પણ ન્ૌતિકતાનું બંધન નડ્યું નહીં. ઓમ પોલીસ થઈ પોલીસના હાથે ઝડપાયો! ડિપાર્ટમેન્ટમાં તેની શાખ ભાંગી. હું સાચો છું છતાં સબૂત વિનાનો છું, કોણ મારો વિશ્વાસ કરશે... ઓમ વિચારી રહ્યો.

€ € €

‘હું.’

અનન્યાના તેજે ઓમ પ્રજ્વલિત થયો.

ગામમાં ખબર પ્રસરતાં અનન્યાએ પણ જાણ્યું. પળ માટેય શંકા ન રહી કે લાવણ્યા જૂઠ બોલે છે! ઓમ ગલત પક્ષમાં હતા ત્યારે તેમનો સાથ છોડનારી હું તેઓ સાચા હોય ત્યારે હાથતાળી પણ કેમ દઈ શકું? આખી રાત વિચારી, માતા-પિતાની અનુમતી મેળવી તે સીધી મુંબઈ આવી હતી.

‘મને વિશ્વાસ છે ઓમ, તમે બળાત્કારનો ભોગ બનનારીને ન્યાય આપવામાં ચૂકી શકો, કોઈ સ્ત્રી પર બળાત્કાર કરવા જેટલા અન્યાયી તો કદી ઠરી ન શકો.’

ઓમની પાંપણે બૂંદ જામી.

‘હું સાચે જ ખરાબ છું અનન્યા... નંદિનીને મળ્યા પછી મને મારો દોષ સમજાયો.’

‘જાણું છું.’ અનન્યાના ખુલાસાએ ઓમ આભો બન્યો,

‘મારાથી છૂટીને પણ તું તું રહી અનન્યા, હું એવો રહી ન શક્યો. મેં શરાબ પીધો, શ..બા..બ... ’

‘હું મહાન નથી ઓમ ને તમે ઊતરતા નથી. જે થયું એ સ્ત્રી-પુરુષના પ્રકૃતિ-ભેદે થયું.’

ઓમ એકાએક હળવો બન્યો.

‘હવે મૂળ મુદ્દે આવીએ?’ અનન્યાએ લૉકઅપના સળિયા પર મુઠ્ઠી ભીડી, ‘લાવણ્યાનો શું કિસ્સો છે?’

€ € €

વૉટ!

એ જ સાંજે, વિરારના આશ્રમમાં ભેગા થયેલાં આર્જવ-ઝરણા અચંબો પામી ગયાં: ચોરે ને ચૌટે લાવણ્યાનો બળાત્કાર ચર્ચાય છે, બહાર પડવાની તેની બહાદુરી પોંખાય છે એ નરી બનાવટ છે ને એના મૂળમાં લાવણ્યાનો આર્જવ પ્રત્યેનો એકપક્ષીય પ્રેમ કારણભૂત છે?

‘આપણી પાસે સમય ઓછો છે આર્જવ...’ અનન્યાનો થડકો ઊ૫સ્યો, ‘તમને વિશ્વાસ પડે માટે મિસિસ કુલકર્ણીની મધ્યસ્થીમાં તેડાવ્યાં છે. મારા-ઓમના ડિવૉર્સની સચ્ચાઈ પણ કહી છે. નંદિનીના સોગન પર કહું છું ઝરણા કે...’

‘સોગંદની જરૂર નથી દીદી...’ આર્જવ જોડે આંખ મેળવી ઝરણાએ અનન્યાનો પહોંચો પસવાર્યો, ‘નારીના ન્યાય ખાતર પતિને ત્યજનારી અસત્ય તો ન જ બોલે.’

‘કહો દીદી, આપણે શું કરવાનું છે?’ આર્જવના પ્રશ્ને અનન્યાએ ઊંડો શ્વાસ લીધો.

‘ઓમ માટે મેં વકીલ કર્યો છે, ફરિયાદની નકલ અમે મેળવી છે. લાવણ્યાએ એવું જણાવ્યું છે કે ‘‘ઓમ સાથે મને ફૅશન-વીકના અરસાથી મિત્રતા હતી, પરંતુ તેણે મારો ગેરલાભ લીધો. મારા જ ઘરે આવી બળજબરી કરી, બટ બાય ગ્રેસ ઑફ ગૉડ, ઍક્સિડન્ટ્લી એની કેટલીક મોમેન્ટ્સ મેં ચાર્જ કરવા મૂકેલા હૅન્ડીકૅમમાં ઝડપાઈ છે જે હું કેસ દરમ્યાન મહત્વના પુરાવારૂપે રજૂ કરીશ...’’ મારો બધો આધાર આ ફિલ્મ અને તમારા પર છે...’

આર્જવ-ઝરણા એકકાન થઈ અનન્યાનો પ્લાન સાંભળી રહ્યાં.

€ € €

આ બધા શા ગોટાળા!

ન્યુઝ થકી દિલ્હીથી દોડી આવેલાં મા-બાપે આખી કથા જાણી નારાજગી જતાવી: વડા પ્રધાન સુધી પહોંચવાની જરૂર નહોતી. મૂળે તો તું ખોટી. આ બધું કરી શું મળ્યું તને!

‘રિવેન્જ. પબ્લિસિટી. આર્જવ તો મળી શકે એમ નથી ત્યારે મને બીજા લાભ તો થવા જોઈને!’

એ જ વખતે દરવાજો ઠોકાયો. આર્જવને ભાળી લાવણ્યા ડઘાઈ. આગંતુકની ઓળખે મા-બાપ તેમની રૂમમાં જતાં રહ્યાં.

‘તું ધન્યવાદને પાત્ર છે લાવણ્યા... મને તારા પર ગવર્‍ છે.’

આર્જવના શબ્દોએ લાવણ્યા હવામાં ઊડવા લાગી : આનો અર્થ એ કે હું માનતી’તી એમ ને ઓમે દાખવેલું એમ આર્જવ-ઝરણાને મારી કરણીની ખબર જ નથી! અને હવે ઓમને કોઈ સાચો ન માને. અર્થાત્ આર્જવ-ઝરણામાં ફૂટ પડાવવાનો ચાન્સ બરકરાર છે, આર્જવને હજુ હું મારો કરી શકું એમ છું! બાજી ગોઠવવામાં મેં કચાશ રાખી નથી...

રાત વિતાવી ઓમ ઘરે રવાના થતાં લાવણ્યા હરકતમાં આવેલી. મારે એક પોલીસ-અધિકારી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવી છે એમ કહી બે ચોકીમાં જઈ પણ આવી, પરંતુ સ્વાભાવિકપણે પોલીસ માટેની રાવ નોંધવામાં પોલીસને રસ ન પડ્યો. ને આમેય લાવણ્યાએ તો વડા પ્રધાનને ટ્વીટ કરી સિક્સર જ ફટકારવી હતી!

‘આઇ ઍમ વિથ યુ...’ આર્જવે સહેજ ખચકાટભેર ઉમેર્યું. ‘યુ નો... ઝરણા આવી નથી, ડરપોક છે. તારો આત્મવિશ્વાસ, તારી ફાઇટિંગ સ્પિરિટ કાબિલે તારીફ છે...’

(આર્જવને હું ઝરણા કરતાં બેટર લાગું છું! ગૉડ, યુ આર ગ્રેટ...)

‘ખેર, મારા અહીં આવવાનું ખાસ કારણ એ કે તેં વકીલ તો યોગ્ય રોક્યો છેને? સિંઘાનિયા ઇઝ ધ બેસ્ટ ફૉર સચ કેસિસ. આમ તો તેમની ડેટ્સ નથી મળતી, પરંતુ મને ના નહીં પાડે...’

(ઓહોહો. આર્જવ મા...રા માટે મુંબઈનો ટૉપમોસ્ટ લૉયર હાયર કરવા માગે છે!)

‘મેં સાંભળ્યું છે કે રેપનો વિડિયો પણ ઊતર્યો છે... સિંઘાનિયાને આપણે ટેપ લઈને જ મળીએ...’ જાણે હમણાં જ જવાનું હોય એમ આર્જવે સૂચવ્યું, ‘જરા દેખાડ તો...’

લાવણ્યા ઉત્સાહભેર હૅન્ડીકૅમ લઈ આવી. ઓમની જાણબહાર ઉતારેલી રતિક્રીડા ટાઇમર મૂકીને રેકૉર્ડ કરેલી એટલે એડિટ કરવાની જરૂર નહોતી પડી.

‘તેં આની કૉપી બનાવી જ હશે...’ કૅમેરા હાથમાં લેતાં આર્જવે પૂછી લીધું.

‘નહીં. ઑનેસ્ટ્લી, આવું સૂઝ્યું પણ નહીં.’ લાવણ્યાને સહેજ સંકોચ થયો. ફિલ્મમાં મને નગ્ન નિહાળી આર્જવને કેવું લાગશે! ત્યાં તો તેના આઘાત વચ્ચે આર્જવે કૅમેરા પછાડ્યો, બૂટ તળે કચડ્યો, અટ્ટહાસ્ય કર્યું. ‘યૉર કેસ ઇઝ ફિનિશ્ડ, લાવણ્યા.’

ફાટી આંખે લાવણ્યા તાકી રહી : દગો! આર્જવનો ગુંજારવ અણુએ અણુમાં બળવો બનીને ધગવા લાગ્યો.

‘યુ...’ આર્જવનો કાંઠલો પકડી લાવણ્યા ચીખી, ‘તને પામવા હું ઘેલી થઈ, ઝરણાનું નીચાજોણું કરવામાં ઓમે સાથ ન આપ્યો એની સજારૂપે તેને બળાત્કારના જૂઠા કેસમાં ફસાવ્યો ને એનું સબૂત તેં જ મિટાવ્યું?’ લાવણ્યાના ચિત્કારમાં વેદના હતી.

‘થૅન્ક્સ ફૉર યૉર કન્ફેશન,’ સ્થિર થઈ આર્જવે બૂમ નાખી. ‘યુ કૅન કમ ઇન, ઇન્સ્પ્ોક્ટર...’

પોલીસને પ્રવેશતી જોઈ લાવણ્યા ફસડાઈ પડી : ઇટ્સ ઑલ ઓવર!

‘તું મને સાચે જ ચાહતી હોય લાવણ્યા...’ નીકળતી વેળા આર્જવ તેના કાનોમાં ગણગણ્યો, ‘તો મારી ખુશીમાં તેં ખુશી જોઈ હોત.’

અને આર્જવ ગયો... હંમેશ માટે!

લાવણ્યા સ્તબ્ધ હતી. જેના મોહમાં આટઆટલું કર્યું તેને મારી ચાહતમાં જ વિશ્વાસ નથી! મા-બાપ પણ સહાનુભૂતિ દાખવવા સિવાય શું કરી શકે? જિંદગી તારી, નિર્ણય તારો, તો ભોગવવાનું પણ તારે...લાવણ્યા અંતરમનથી રોતી રહી.

€ € €

બળાત્કારના કેસમાં અનોખો ટ્વિસ્ટ ! લાવણ્યાની ધરપકડે મીડિયા ગાજી ઊઠ્યું, તેના એકતરફી પ્રેમની ગાથા સાથે તલાકશુદા પત્ની અનન્યાએ પતિમાં જતાવેલા વિશ્વાસની કથા પણ મશહૂર થઈ. ઓમ નિર્દોષ છૂટ્યો એ બપોરે સ્વયં વડા પ્રધાને ટ્વીટ કર્યું : ભારતીય નારી અનન્યા જેવી બને, ન કે લાવણ્યા સમાન. 

પોતાના પ્રયત્નો આર્જવ-ઝરણાને તોડી તો ન શક્યાં, પણ ઓમ-અનન્યાની દૂરી મિટાવવામાં નિમિત્ત બન્યા એ પછીથી લાવણ્યાએ પણ જાણ્યું. બધું હવે સ્પક્ટ હતું. લાવણ્યાને પોતાનો વાંક દેખાતો, પણ કબૂલાતો નહીં. પરિણામે તે અંદરથી ભાંગી પડી. સમાજમાં થૂ-થૂ થયું, કરીઅર ચોપટ થઈ ગઈ, આર્જવ કદી મારો થવાનો નહીં... જિંદગીમાં રહ્યું શું? બીજાને બદનામ કરનારી હું પોતે જ બેઆબરૂ થઈ. આ મારી કરણી કે કિસ્મત? ડિપ્રેશન ઘેરી વળ્યું, ને કેસનો ફેંસલો આવે એ પહેલાં ગળાફાંસો લઈ લાવણ્યાએ જીવનનો અંત આણી દીધો! આર્જવ-ઝરણા, ઓમ-અનન્યાને આનો અફસોસ થયો; પણ શું થઈ શકે? લાવણ્યાના પેરન્ટ્સનું રૂટીન થોડો વખત ડામાડોળ રહ્યું, પછી એય પાટે ચડી ગયું.

‘હવે તમે શું વિચાર્યું છે?’ છેવટે વિરારના આશ્રમમાં ભેગાં થતાં આર્જવ-ઝરણાએ ઓમ-અનન્યાને પૂછ્યું. આ દિવસોમાં તેમની આત્મીયતા જામી ચૂકી હતી.

અનન્યાનો જવાબ હું જાણું છું ઓમને સમજ હતી કે મારા પ્રેમવશ ઝઝૂમનારી ફરી મારી પરણેતર ત્યાં સુધી નહીં જ બને જ્યાં સુધી નંદિનીને ન્યાય ન મળે! આમાં હવે દેર નહીં થાય!

બીજી બપોરે ઓમે સુકેતુની ધરપકડ કરતાં હોહા મચી, ઘટનાને રાજકીય રંગ મળ્યો પરંતુ ઓમ ડગ્યો નહીં.

ર્કોટમાં નંદિનીને લાવવામાં આવી. આરોપીના કઠેડામાં સુકેતુને જોઈ બાળકી ફફડી, ચીખી - બ...ચા...વો!

ચાર-ચાર વરસે તેને વાચા ફૂટી હતી! ઇન્દુમતી, અનન્યા, ઝરણા સતત તેની સાથે રહ્યાં. નંદિનીની જુબાનીને માન્ય રાખી ર્કોટે સુકેતુને ઘટતી સજા ફરમાવી ત્યારે ર્કોટરૂમમાં આર્જવે તેડાવેલા નંદિનીના પેરન્ટ્સ પણ મૌજૂદ બનીને જે બન્યું એથી ગદગદિત થઈ દીકરીને અપનાવવાની સમજદારી કેળવી ચૂક્યા હતા! એનો સંતોષ જ હોય.

પણ આ બધાથી વિશેષ, રાખ થયેલો સંબંધ લાગણીના સળવળતા રહેલા અંગારાએ પુન: પ્રજ્વલિત થયો.

આર્જવ-ઝરણા જોડે જ ઓમ-અનન્યા ફરી પરણ્યાં.

હનીમૂનથી પરત થયેલાં અનન્યા-ઝરણાએ મૅટરનિટી હોમમાં તારીખ પણ આસપાસ જ બુક કરાવી એ ઉમેરવાની જરૂર ખરી!

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK