કથા-સપ્તાહ - રાખ-અંગારા (લાગણીનાં ફૂલ - ૪)

Published: 25th December, 2014 05:11 IST

‘હલો, મિસિસ મર્ચન્ટ...’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |‘હલો, મિસિસ મર્ચન્ટ’ બોલ્યા પછી થોથવાતી જીભે ઇન્દુમતીએ સુધારી લીધું, ‘આઇ મીન, મિસ કાપડિયા.’

તલાક પછી પણ કોઈ પોતાને ઓમની વાઇફ તરીકે ઓળખે એનો છોછ અનન્યાએ રાખ્યો નહોતો.

‘ઇટ્સ ઓકે. હાઉ ઇઝ નંદિની?’

ઓમને છૂટાછેડા આપી વલસાડ મૂવ થયેલી અનન્યા ડિવૉર્સના મૂળમાં રહેલી ઘટનાને વિસરી નહોતી. મિનિસ્ટર દેશમુખના દીકરા સુકેતુના પાશવી બળાત્કારનો ભોગ બનેલી દસ વરસની બાળકી નંદિનીનું શું થયું? પોલીસે જેમ કેસ લખી વાળ્યો એમ મીડિયાએ પણ બનાવ અંગે આંચમીંચામણાં કરેલાં. રૂપિયા-સત્તાના જોરે આજે શું નથી થતું? ખેર, જેને ન્યાય કરવામાં મારા પતિ સુધ્ધાં ઊણા ઊતર્યા એની કાળજી તો ઍટ લીસ્ટ મારે લેવી જોઈએ... તપાસ કરતાં માલૂમ પડ્યું કે બાળકીનાં મા-બાપ પણ બદનામી અને ધાકધમકીના ભયે મળેલા લાખ રૂપિયા પેટે બાંધી છોકરીને વિરારના અનાથાશ્રમના દ્વારે છોડી દેશ જતાં રહ્યાં છે... બિચારાં અભણ, મજૂર મા-બાપને બીજું શું સૂઝે? ત્યારથી આજ દિન સુધી તે છોકરીની વાચા ઊઘડી નથી. નથી હસતી, નથી રડતી. ચાવી દીધેલા પૂતળાની માફક જીવે છે. ઊંઘમાં હજુયે ક્યારેક ઝબકી જાય છે, આશ્રમ બહાર નથી જતી. મેટ્રન કુલકર્ણીની માયા છે. ચાર-છ મહિને મળવા આવતી અનન્યાને તે હેતથી ભેટે છે. દર પંદર દહાડે ફોન પર ખબર પૂછવાનું અનન્યા નથી ચૂકતી. અનન્યાની ઇચ્છા તો નંદિનીને સાયકિયાટ્રિસ્ટને બતાવવાની પણ હતી. ચાર-ચાર વરસથી છોકરી એક અક્ષર બોલી નથી એનો ઇલાજ તો થવો જ જોઈએ, પછી ભલે એમાં સુકેતુનું નામ ખૂલતું! બીજી પળે હામ ઓસરી જતી : ઇલાજમાં બળાત્કારની યાદ તાજી થવાનું જોખમ પણ છે... સૂતેલા સાપને શું કામ છંછેડવો?

નંદિની સાથે થયેલા અત્યાચાર વિશે આશ્રમનાં ઇન્દુબહેન જાણે છે, જોકે ગુનેગારની ગંધ તો તેમનેય નથી અને હવે હું સત્ય કહું એનો અર્થ પણ નથી... બીજાની જેમ ઇન્દુબહેનને પણ મેં એમ જ કહ્યું છે કે વિચારભેદને કારણે મને-ઓમને ન ફાવ્યું. ડિવૉર્સ પાછળની કથા કહેવી ૫ણ શું કામ? ‘ચિંતા ન કરો મિસ કાપડિયા, એવરીથિંગ ઇઝ ઑલરાઇટ. હવે તો નંદિનીને નવી એક મિત્ર મળી છે, ઝરણા દવે. તમે કદાચ આર્જવ શાહનું નામ સાંભળ્યું હોય...’

‘હાસ્તો, મુંબઈના ગુજરાતી સમાજમાં શાહ ફૅમિલી સખાવતી તરીકે જાણીતી છે.’

‘ ઝરણા આર્જવની મંગેતર. શાહકુટુંબ વરસોથી આશ્રમના મુખ્ય દાતામાંનું એક રહ્યું છે. ગયા મહિને આર્જવભાઈ ચેક આપવા આવ્યા ત્યારે જોડે પધારેલાં ઝરણાબહેનની ઘનિષ્ઠ આત્મીયતા થઈ ગઈ’તી નંદિની સાથે.’

‘તો તો ઝરણા પ્રેમાળ, સમજદાર હોવી જોઈએ.’

‘ઝરણા પોતે મિડલ ક્લાસની છે. મને તો છોકરી ઠરેલ, સંસ્કારી લાગી.’ ઇન્દુમતી હસ્યાં, ‘બેઉ એકમેકના પ્રેમમાં ગળાડૂબ લાગ્યાં.’

‘લેટ્સ પ્રે કે તેમનું સુખ નંદવાય નહીં.’ બાકીનું અનન્યા મનમાં બોલી : મારી જેમ!

અને ફોન કટ થયો.

€ € €

આ... તો નંદિની!

અનાથાશ્રમના ગેટ પર નજર રાખી રહેલો ઓમ ચૌદેક વરસની કિશોરીને ભાળી ચોંક્યો, ઝરણાને તે કેવા હેતથી વળગી છે! સામે ઝરણા પણ એટલી જ માયા દેખાડે છે...

ઓમની ગૂંચવણ વધી.

અઠવાડિયા અગાઉ, લાવણ્યાની વાતોમાં આવી પોતે વચન આપ્યું કે તેને વેશ્યાનું મેણું મારનારીને માથે વેશ્યાગીરીનો આરોપ મૂકી એક રાત પૂરતી હવાલાતની મજા ચખાડીશ હું... લાવણ્યાએ ઇચ્છેલી આ સજામાં કશું ખોટું નહોતું લાગ્યું ઓમને. આર્જવ શાહની ભાવિ વાઇફ દેહવિક્રયની કલમ હેઠળ ઝડપાય એટલે મીડિયા ગાજવાનું, એ બદનામી જિંદગીભર રહેવાની! પોલીસ-અધિકારી તરીકે ઓમ જાણતો-સમજતો કે સાચી વ્યક્તિને ખોટા આરોપ હેઠળ ઝડપવી બહુ મુશ્કેલ કામ નથી. એટલે તો સમાજમાં પોલીસની ધાક રહેતી હોય છે. સારા માણસો પોલીસથી ડરીને ચાલતા હોય છે. પાછળથી ગેરસમજનું કારણ ધરી માફી માગવાની, પત્યું !

જોકે કોઈ પણ ઍક્શન લેતાં પહેલાં આદતવશ ઓમનું પોલીસ-દિમાગ કામે લાગ્યું હતું. આર્જવની ઍડ માટે ઝરણા-લાવણ્યા શૉર્ટ-લિસ્ટ થયેલાં, ઍડ લાવણ્યાના ફાળે ગઈ એની ખાતરી થતાં લાવણ્યા આપોઆપ સાચી ઠરી, આમેય તેણે મને જૂઠ કહેવાનું કારણ શું હોય?

ઓમનો જુસ્સો બેવડાયો. ઉઘરાણી કરતી લાવણ્યાને કહી દીધું-ગિવ મી સમ ટાઇમ... ઝરણાનો ઘાટ હું બરાબર ઘડવાનો!

એ માટે થોડું ઝરણા વિશેય જાણી રાખવું પડે. તેની દિનચર્યા શું છે, કયા લૂપ હૉલમાં તેને ફસાવી શકાય એમ છે...

અહીં જ ઓમને આંટી પડી. ગઈ કાલની તેણે ઝરણા પર વૉચ રાખી છે પણ ધરાર જો તે છોકરીમાં કશું કહેવા૫ણું હોય! ઓમને તો તે કુટુંબપરસ્ત, ગુણિયલ અને આર્જવઘેલી જ લાગી. મરતાને મર ન કહે એવી આ કન્યા લાવણ્યાને આટલાં કડવા વેણ સંભળાવે ખરી?

આજે તેને આશ્રમે આવેલી જોઈ ઓમ વધુ ગૂંચવાયો. અનાથ બાળકો પ્રત્યે વહાલ વરસાવનારીના મનમાં કોઈ માટે મેલ ન હોય... અને ઝરણાની વર્તણૂકમાં દંભ નથી એ તો મને આટલે દૂરથીયે પરખાય છે.

સમથિંગ ઇઝ રૉન્ગ...મામલો માન્યો એવો સીધો નથી. ખેર, પહેલાં તો નંદિની-ઝરણા વચ્ચે શું કનેક્શન છે એ જાણવું પડશે...

અને ઝરણાની કાર આશ્રમમાંથી નીકળી એટલે ઓમ ભીતર પ્રવેશ્યો.

€ € €

‘થૅન્ક યુ મિસિસ કુલકર્ણી...’

ઝરણાના આશ્રમપ્રવેશ વિશે આડકતરી પૃચ્છા થકી જાણવાજોગ જાણી ઓમે મેટ્રનની રજા માગી, ‘આશ્રમના ખાતામાં

હું પચાસ હજાર જમા કરાવું છું... નંદિની માટે વાપરજો.’

ભીની થતી આંખ પસ્તાવાની ચાડી ખાય એ પહેલાં ઓમ ત્યાંથી નીકળી ગયો. આટલાં વરસે પણ છોકરી બળાત્કારના ટ્રૉમામાંથી બહાર નથી નીકળી એ જાણી-જોઈ હૃદય દ્રવી ઊઠ્યું. ક્યાંક પોતે પણ તેનો ગુનેગાર હોવાનું મહેસૂસ કર્યું. છોકરી બિચારી બોલી પણ નથી શકતી ને સિતમ આચરનાર સુકેતુ રાજકારણમાં જનતાની ‘સેવા’ ખાતર જોડાઈ ચૂક્યો છે! અનન્યા, તારી રઢ આજે મને વાજબી લાગે છે. નંદિનીને ન્યાય અપાવવા ખ૫ી ગયો હોત તો ગમ ન થાત...

ઓમનો પરિચય પામી મેટ્રન પણ એવાં ડઘાયાં હતાં કે તેને કહેવાયું પણ નહીં કે તમારાં એક્સ વાઇફ પણ નંદિનીની ખૂબ કાળજી લેછે!

ઓમને ભલે હું કહી ન શકી, અનન્યાને તો જાણ કરી જ શકુંને... અને ઇન્દુમતીએ ફોનના નંબર દબાવ્યા.

€ € €

‘ખરેખર!’ અનન્યા અવાક્ હતી, ઓમ એકાએક આશ્રમે કેમ પહોંચ્યા!

‘એ તો પરખાયું નહીં, પણ નંદિની માટે અડધા લાખની સખાવતનું કહી ગયા છે...’

આખરે તમારો આતમ જાગ્યો, નંદિનીની ભાળ કાઢવાનું તમને સૂઝ્યું! હવે શક્ય છે કે હું આશ્રમે જાઉં ત્યારે તમે પણ ત્યાં હો, ઓમ... ચાર-ચાર વરસના વિરહ પછી તમને નવા જ રૂપમાં જોવાનું બનશે. મારું હૈયું, મારી આંખો એથી ઠરશે ઓમ, પણ મારો ફેંસલો નહીં બદલાય.

તો પછી એ મેળાપ-મુલાકાતોનો પણ શો અર્થ! જાતને પરાણે વારતી હોય એમ અનન્યાએ મક્કમતા કેળવી.

‘મિસિસ કુલકર્ણી, ઓમને કદી આપણા સંપર્ક વિશે કહેશો નહીં, રાખ થયેલો સંબંધ ફરી સજીવન થાય એમ નથી.’

તમે ગમે એ કહો અનન્યા... રાખના ઢેર નીચે બેચાર અંગારા રહેતા જ હોય છે, સમજણની જરા સી હવા મળતાં એ ફરીથી દામ્પત્યની જ્યોત પ્રજ્વલિત કરી શકે એમ છે, તમે જોજો!

€ € €

નંદિનીને હું ન્યાય અપાવી ન શક્યો, ઝરણાને અન્યાય નહીં થવા દઉં...

સાંજ સુધીમાં ઓમે સ્વસ્થતા મેળવી કડી ગોઠવી : ઝરણા મહેણું મારે એમ ન હોય તો એનો અર્થ એ કે લાવણ્યા જૂઠ બોલે છે. વાય! લાવણ્યાએ મને અંધારામાં રાખવાની શી જરૂર! ફૉર ઇન્સટન્સ માની લઈએ કે ઝરણાએ કો’ક બીજી રીતે લાવણ્યાને નુકસાન પહોંચાડ્યું હોય તોય લાવણ્યા મારી સાથે તો એ શ+ર કરી જ શકેને... લાવણ્યા મને પણ મહેણાની સ્ટોરી સંભળાવે એનો મતલબ એ જ થાય કે ઝરણાને બદનામ કરવામાં એ મારો, મારી સત્તાનો ગેરઉપયોગ કરવા માગે છે. સીધા શબ્દોમાં એ તેને પ્યાદા તરીકે વાપરી રહી છે!

ઓમ સમસમી ઊઠ્યો.

વિચારવું એ જોઈએ કે ઝરણાની બદનામીથી લાવણ્યાને શું લાભ થાય એમ છે? પ્રોસ્ટિટ્યુશનના આરોપસર પકડાવાની ઘટનાથી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જન્મે, આર્જવ સાથેની તેની સગાઈ તૂટી શકે...

ઓમના મોંમાંથી સીટી સરી ગઈ : આર્જવ!

€ € €

‘યુ લવ આર્જવ, રાઇટ! પણ બિચારી ઝરણા વચ્ચે આવી, તેનું પત્તું કાપવા તેં મારો યુઝ કરવા ઇચ્છયો...’

લાવણ્યાએ હોઠ કરડ્યો. તેના હાવભાવ પરથી ઓમ પામી ગયો કે પોતાની ગણતરી યથાર્થ છે.

‘આપણા સમાગમ પાછળ તારો સ્વાર્થ હતો, લાવણ્યા... સૉરી, તેં ઝરણાને બદનામ કરવાની ન માત્ર તક, એક હમદદર્‍ પણ ગુમાવ્યો છે. ગુડબાય!’

ઓમના ઘરમાંથી નીકળ્યા બાદ કંઈકેટલી વારે લાવણ્યાને કળ વળી. ઓમ હવે આર્જવ-ઝરણાને મારી બાબત ચેતવી દેશે એ તો સ્પક્ટ હતું. આર્જવ મારા વિશે શું ધારશે! મને એ ચાહી શકશે?

બધું ઓમના પાપે. શી જરૂર હતી તેણે ઝરણા પાછળ પડવાની? સત્ય જાણવાની! મારી પ્રણયલંકામાં આગ ચાંપનારા ઓમને એનો દંડ મળવો જ જોઈએ... લાવણ્યાના ભગ્નહૃદયને મિશન મળ્યું. ખટપટી દિમાગ કામે લાગ્યું. અને ચોથી સવારે...

€ € €

નવી દિલ્હીમાં વડા પ્રધાને તેમનું ટ્વિટર અકાઉન્ટ ખોલ્યું. આમ તો તેમનો સ્ટાફ અકાઉન્ટ હૅન્ડલ કરતો હોય, પણ વખત મળ્યે પ્રાઇમ મિનિસ્ટર પોતેય ક્યારેક અછડતી નજર નાખી લેતા ખરા.

આજે પહેલું લૉન્ગ ટ્વીટ વાંચી તેમની ભ્રૂકુટિ તંગ થઈ:

હું મૉડલ લાવણ્યા શર્મા. સર, ભ્રસ્ટ સિસ્ટમથી થાકી-હારી આપને ટહેલ નાખું છું. મુંબઈ ક્રાઇમબ્રાન્ચના અધિકારી ઓમ મર્ચન્ટે મારા પર પાશવી બળાત્કાર આદર્યો એની ફરિયાદ નોંધવા પણ પોલીસ તૈયાર નથી. દેશની દીકરી તમારી પાસે તો ન્યાયની અપેક્ષા રાખી શકે ને?

રેપની ફરિયાદીએ સીધી ટ્વિટર પર વડા પ્રધાનને રાવ નાખી હોય એવો આ પ્રથમ કિસ્સો હતો.

પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસમાંથી તપાસનો હુકમ છૂટ્યો ત્યારે ઓમ તો એનાથી અજાણ જ હતો!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK