કથા-સપ્તાહ - રાખ-અંગારા (લાગણીનાં ફૂલ - ૩)

Published: 24th December, 2014 04:57 IST

‘લેટ્સ ડિસ્કસ ફસ્ર્ટ...’ શનિની રાત્રે લાવણ્યાને ત્યાં આવી બેડરૂમમાં જવાને બદલે ઓમે દીવાનખંડમાં બેઠક જમાવી. લાવણ્યાને હા-ના કરતાં ૫હેલાં ચર્ચા જરૂરી લાગી, ‘દસ દિવસ અગાઉ આપણે મળ્યાં ત્યારે તોં કહેલું કે આઇ ઍમ ઇન ટ્રબલ...’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |


ટ્રબલ યાદ રાખી, મેં આઉટ ઑફ વે જઈ મદદ કરવાનું વેણ માગ્યું એ વીસરી ગયા! ગળે આવેલું મેણું લાવણ્યા ગળી ગઈ. ઉતાવળી ન થા, ઓમ શું કહેવા માગે છે એ તો જાણ મારી બાઈ !

આખરે તો ઓમના ખંભે બંદૂક મૂકી શિકાર કરવાનો હતો. ફૅશન-વીક દરમ્યાન ઓમને મળવાનું થયું ત્યારે પોતે આર્જવના પ્રેમમાં ન હોત તો સાચે જ ઓમ પાછળ ઘેલી બની હોત એટલો આકર્ષક જણાયેલો તે. પછી થયું, મારા પ્રણયમાર્ગનું વિઘ્ન દૂર કરવાના ક્રાઇમમાં ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરની જ મદદ લીધી હોય તો! તેને પલોટવા માંડ્યો, આડકતરા ઇજને વાત ન બની તો સીધું નિમંત્રણ પાઠવ્યું... બેશક ઓમની મરદાનગીએ મને જીતી લીધી એમ મારી કાયાનું કામણ તેનેય વળગ્યું જ હોય. સેક્સમાં અમે બેઉ એક્સપરિમેન્ટિવ હતા ને એકમેકને કલ્પનાતીત સુખ આપતા. ઓમ હવે મારું કહ્યું નહીં ટાળે એવી ગણતરીએ પોતે પાંપણ ભીની કરી વાત મૂકી હતી : આઇ ઍમ ઇન ટ્રબલ, ઓમ.

ધાર્યા પ્રમાણે તે ચમકેલો : શાની ટ્રબલ? તને દિવસો તો નથી ચડ્યાને?

નૉનસેન્સ. સેફ સેક્સ માટે ઓમ કૉન્ડોમ વાપરતા ને ઉપરાંત હું પિલ લેવાનું ન ચૂકતી એટલે એવી ગફલત થવાનો તો સવાલ જ નથી...

‘મારી ટ્રબલ એક મૉડલ સાથે છે.’ કહી તેણે ઉમેરેલું, ‘તેનું નામ-ઠામ કે બીજી વિગત હમણાં હું નહીં આપું... મારે તેને પાઠ ભણાવવો છે. તમારી સત્તા વાપરી તમે તેને ઠેકાણે આણી શકો?’

‘વાય નૉટ, તું ફરિયાદ નોંધાવી દે એટલે...’

‘નો ક્મ્પ્લેઇન્ટ, મારે કોર્ટ-કચેરીના ધક્કે નથી ચડવું.’

લાવણ્યાને હતું કે આટલું સાંભળી ઓમ ખુદ કહેશે કે હા રે હા, મારા રહેતાં તારે આ બધી ફૉર્માલિટીમાં પડવાની શી જરૂર છે! પણ ના, વિના ફરિયાદ ઍક્શન લેવાના મુદ્દે ઓમે વિચારવાનો સમય માગ્યો હતો. એવી તો ખીજ ચડેલી લાવણ્યાને કે ઓમ વિરુદ્ધ જ ફરિયાદ ઠોકી દઉં! પરંતુ કહે છેને, ધીરજનાં ફળ મીઠાં એમ આજે ઓમ સામેથી ઘરે આવ્યો છે તો તેનો નિર્ણય શું છે એ તો જાણું... તારા ફેંસલા સાથે તારું ભાવિ પણ સંકળાયેલું છે એ યાદ રાખજે, ઓમ મર્ચન્ટ!

‘તું એમ પણ બોલેલી કે તારી તકલીફનું કારણ કોઈ મૉડલ છે.’ ઓમના વાક્યે લાવણ્યા એકાગ્ર બની, ‘નાઓ ટેલ મી, આ હૅરૅસમેન્ટ સેક્યુઅલ છે? તે બદમાશે તારી જોડે બળજબરી કરી હોય...’

ઓમ આ શું ધારી બેઠા! લાવણ્યાનાં નેત્રો સહેજ પહોળાં થયાં : મૉડલ તરીકે તેમણે પુરુષને ધાર્યો, જ્યારે મારા માર્ગનો કાંટો તો ફીમેલ મૉડલ છે !

ઝરણા દવે.

ચર્ની રોડની મિડલ ક્લાસ ફૅમિલીની સાધારણ દેખાવની કન્યા પરિવારના ભરણપોષણ માટે ચમકદમકવાળા ફીલ્ડમાં આવી છે. માય-માય, છોકરીઓને પણ પોતાનાં રૂપ-આવડત વિશે કેવા-કેવા ભ્રમ થતા હોય છે!

આઠ મહિના અગાઉ આર્જવ શાહની ‘શાહ ટૅક્સટાઇલ્સ’ કંપનીના શૂટ માટે શૉર્ટલિસ્ટ થયેલી બે યુવતીઓને આર્જવે પર્સનલી મળવા નરીમાન પૉઇન્ટની ઑફિસે તેડાવી હતી. લાવણ્યાએ માનેલું મારી કૉમ્પિટિશન મારાથી ચડિયાતી મૉડલ સાથે હશે, તેને માત આપવાના ઝનૂનમાં ઑફિસ પહોંચી. ઝરણાને જોઈ મોં બગાડ્યું : આવી ફાલતુ મૉડલ સાથે મારો મુકાબલો? તો-તો ઝરણા બિચારી જીતી રહી!

પહેલો કૉલ ઝરણાનો હતો. કેટલી નવર્‍સ હતી તે! આને તો આર્જવ બે ઘડી બેસવા નહીં દે... એને બદલે પૂરો અડધો કલાક તેમની વાતો ચાલી, બહાર નીકળેલી ઝરણા કેવું લજ્જાભર્યું શરમાતી હતી! શું તે સિલેક્ટ થઈ ગઈ? મને પછાડીને? લાવણ્યા ઊંચી-નીચી થઈ ગઈ. માર્કેટમાં આવા ખબર ફેલાતા વાર નહીં. અંહ, હું એ નહીં થવા દઉં. આર્જવને એવો ઇમ્પ્રેસ કરીશ કે તે ઝરણાનું નામ ભૂલી જાય!

‘માયસેલ્ફ લાવણ્યા શર્મા.’ આર્જવની કૅબિનમાં છટાભેર દાખલ થઈ તેણે ડાયલૉગ ફટકાર્યો હતો, ‘નામ તો સુના હોગા.’

‘અફ ર્કોસ...’ આર્જવે હાથના ઇશારે બેસવાનું સૂચવ્યું.

આર્જવ શાહ. ૨૭ વરસનો જુવાન પેરન્ટ્સના દેહાંત બાદ સંસારમાં એકલો છે, પેડર રોડ ખાતે લતાજીના પાડોશમાં રહે છે, વિશાળ બિઝનેસ એમ્પાયરને કુશળતાપૂવર્‍ક લીડ કરે છે - જેવી વિગતો લાવણ્યાને માલૂમ હતી. કોઈ પણ અસાઇનમેન્ટમાં ઇન્વોલ્વ થતાં પહેલાં પૂવર્‍માહિતી જાણી રાખવાની તેને ટેવ હતી.

‘મેં તો એમ પણ સાંભળ્યું છે કે તમે આવતી કાલનાં નંબર વન છો.’

‘કાલ કોણે દીઠી? માટે હું મારી આજ સાથે નિસબત રાખું છું. ઍન્ડ આઇ નો, આઇ ઍમ ધ બેસ્ટ ટુડે.’

બહુ ગર્વભેર તેણે કહેલું. આડકતરી રીતે ઝરણા કરતાં હું શ્રેષ્ઠ છું એમ સંભળાવી દીધું. જવાબમાં આર્જવ સંમતિસૂચક ઢબે મલક્યો હતો. એ સ્મિત... લાવણ્યા અપલક નેત્રે તાકી રહેલી : એક પુરુષ આવું મલકી શકે? આટલું કામણગારું!

‘ધૅટ્સ વાય વી સિલેક્ટ યુ’ કહી તેણે અભિનંદન દેવા હાથ લંબાવ્યો ને લાવણ્યાને થયું આ સ્પર્શસુખ અનંત હોય તો કેવું!

સિમ્પ્લી એ લવ ઍટ ફસ્ર્ટ સાઇટનો કિસ્સો હતો. દૈહિક આકર્ષણથી ક્યાંય ઉપર. ઘરે વળતી લાવણ્યા મદહોશ હતી. ત્યાં અરીસાએ જાણે ટકોરી : ઘેલી ન થા, તું તેને ચાહે છે, એ ઓછો તારો થયો છે?

અને લાવણ્યાનું સ્વભાવગત લક્ષણ ઝળક્યું હતું : મને ગમતો પુરુષ મારો જ થવો જોઈએ!

ઍન્ડ આઇ વિલ મેક ઇટ. મઢ આઇલૅન્ડના અઠવાડિક શૂટમાં આર્જવ હાજર રહેવાના છે, એટલો સમયગાળો તેમને મારામાં રત કરવા પૂરતો છે!

પણ હાય રે. શૂટના પહેલા જ દિવસે સેટ પર ઝરણાને ભાળી અચરજ થયું ન થયું ત્યાં શૉક લાગ્યો...

‘તમે ઝરણાને તો જાણતાં જ હશો લાવણ્યા... નાઓ શી ઇઝ માય ફિયાન્સી.’

હેં!

લાવણ્યાને થયું, ચાર દહાડા અગાઉની અડધો કલાકની મુલાકાતમાં આ દેશી છોકરીએ એવી તે શું ભૂરકી છાંટી કે આર્જવે સગાઈ પણ કરી લીધી!

પછી જાણ્યું કે બેઉની ન્યાત એક હતી. ઝરણાના ગુણ-સંસ્કાર આર્જવથી અજાણ્યા નહોતા...

‘પરિવાર માટે ખુમારીપૂવર્‍ક સ્ટ્રગલ કરવાની ઝરણાની પ્રતિબદ્ધતાએ મને જીતી લીધો. મૉડલ તરીકે તમને સિલેક્ટ કરવાનું ફાઇનલ જ હતું, ઝરણાને હું મારું હૈયું દેખાડી શકું એટલા પૂરતું શૉર્ટ-લિસ્ટ કરાયેલી...’

એટલે બહેનબા શરમાતાં શરમાતાં બહાર નીકળ્યાં હતાં! લાવણ્યાને તાળો બેઠો.

‘મારા માટે એ અણધાર્યું હતું...’ ઝરણાએ સાદ પુરાવ્યો, ‘આર્જવને કોણ ન ઝંખે? સંસ્કારી, ઉદાર, નિખાલસ... લક્ષ્મીનું સહેજે અભિમાન નહીં. સાચું કહું તો સપના જેવું લાગ્યું, પણ ગઈ સાંજે આર્જવ તેમના કુટુંબના વડીલો જોડે ઘરે આવ્યા, ગોળધાણા ખવાયા ત્યારે થયું કે હું ખરે જ તેમની થઈ, ને તે મારા!’

નો, આર્જવ મારા સિવાય કોઈનો થઈ ન શકે. લાવણ્યાએ ચીખવું હતું, પણ પરાણે જાતને સંયમમાં રાખી. તમાશો સરજી મનસા જાહેર કરવાનો અર્થ નથી... શું કરવું? કાયાની જાળમાં આર્જવ ફસે એમ નથી, ઊલટાનું એવું કરવામાં હું તેમની નજરમાં હલકી ઠરું... જુઓને, શૂટમાં અવનવાં વસ્ત્રો પરિધાન કરી હું કેવી મારકણી દેખાઉં છું પણ આર્જવ તો સાવ નિર્મોહીની જેમ વતેર્ છે! અરે, તેની નજર ઝરણા પરથી હટે તોને!

ઝરણા... એ જ ખરી વિલન છે. કોઈ પણ ખેલ રચી તેને દૂર કરું તો જ હું આર્જવની કરીબ થઈ શકું...

આ મોકો મળ્યો ફૅશન-ડિઝાઇનર રાની ગુપ્તાના એક્ઝિબિશનમાં. સગાઈ પછી ઝરણાએ મૉડલિંગ કરવાનું જ ન હોય, પરંતુ અગાઉનાં કમિટેડ અસાઇનમેન્ટ્સ નિભાવવા રહ્યાં, રાની ગુપ્તાનો શો આમાંનો એક. લાવણ્યા અહીં શો-સ્ટૉપર હતી. રાનીનાં વેસ્ટર્ન આઉટફિટ્સ માટે ઝરણા રૅમ્પ-વૉક કરવાની છે, કોઈક રીતે તેનું માલફંક્શન થાય તો એ ઘરની આબરૂ જવા જેવી ગણાય કે નહીં! ખાનદાનને બટ્ટો લાગ્યાનું જાણી ઝરણા જેવી સંવેદનશીલ યુવતી સામેથી આર્જવ સાથેની સગાઈ તોડી દે...

કોઈને ગંધ ન આવે એમ લાવણ્યાએ બધું ગોઠવી દીધું. રેશમી ગાઉન ચડાવી ઝરણા રૅમ્પ પર છ ડગલાં ચાલશે કે સિલાઈ ઉતરડાઈ જવાની ને ન જોવા જેવું બધા જોઈ લેવાના!

લાવણ્યાની યોજના કે આયોજનમાં કચાશ નહોતી, પરંતુ ઝરણાની કિસ્મત બળૂકી નીકળી. તેના પિતાની હેલ્થ બગડતાં અધૂરા શોએ તેણે ઘરે દોડી જવું પડ્યું... આર્જવ શાહની ફિયાન્સીને કોણ રોકી શકે!

લાવણ્યા નિરાશ બની. ત્યાં ઝરણાના પિતાના દેહાંતે લગ્નમાં વરસની મુદત પડ્યાના ખબરે મરતાને જાણે ઑક્સિજન સાંપડ્યો. આ સમયગાળામાં તો ઘણું થઈ શકે. ઝરણા પર બળાત્કાર કરાવી શકાય, ઍસિડ-હુમલો થઈ શકે... અને ચાર માસ અગાઉ, ઓમનો પરિચય થતાં સૂઝ્યું કે ક્રાઇમનો હવાલો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને જ કેમ ન સોંપવો! હમદદર્‍ જેવી નિકટતા કેળવી પોતે પ્રસ્તાવની પાળ બાંધી એમાં ઓમે એવું ધાર્યું કે મને ટ્રબલ કોઈ પુરુષ તરફથી છે!

‘લાવણ્યા...’ ઓમના સાદે તે ઝબકી, વર્તમાનમાં આવી.

‘વેઇટ ઓમ. તમને કોણે કહ્યું કે મને તકલીફ દેનાર કોઈ પુરુષ છે ?’ 

હવે ચોંકવાનો વારો ઓમનો હતો : લાવણ્યા આમ તો ચબરાક છે, કોઈ સ્ત્રી તેને શું હેરાન કરતી’તી!

‘ત્યાં જ તમે ભૂલો છો, ઓમ. તમે પુરુષો શરીરનું બળ વાપરી જાણો, પણ સ્ત્રી. પાસે જીભનું અમોઘ શસ્ત્ર છે જેનો વાર જનોઈવઢ નીવડે.’ લાવણ્યાએ આંસુ ટપકાવ્યાં, ‘આજે તમને બધું કહું છું... નામ તેનું ઝરણા. તમારા ગુજરાતી બિઝનેસમૅન આર્જવ શાહની તે વાગ્દત્તા. વન્સ અપૉન અ ટાઈમ સ્ટ્રગલિંગ મૉડલ હતી. તેના થનારા વરની કંપનીની ઍડમાં તેને પછાડી હું સિલેક્ટ થઈ હતી એની દાઝ એણે હમણાં એક ફંક્શનમાં ભેગા થવાનું બન્યું ત્યારે કાઢી. ઓમ, એણે આપણને એકાદ-બે વાર હોટેલમાં આવતાં-જતાં જોયાં હશે. એના રેફરન્સે તેણે મને સામેથી બોલાવી આર્જવને શું કહ્યું ખબર છે?’ લાવણ્યાએ વળ ચડાવ્યો, ‘કહે, તમારી માનીતી મૉડલ તો વેશ્યા છે. એક રાતનાં શું ભાવ લે છે, લાવણ્યા? એવુંય  પૂછ્યું મને.’

‘હાઉ મીન...’ ઓમ સમસમી ઊઠ્યો.

‘હવે તમે કહો...’ ઓમના પ્રતિભાવે લાવણ્યાને જોમ મળ્યું, ‘આવી બાઈને મારે સબક ભણાવવો જોઇએ કે નહીં! હું એટલું જ ઇચ્છું છું ઓમ કે સમહાઉ તેના પર વેશ્યાગીરીનો આરોપ મૂકી એક રાત તેને લૉકઅપમાં રાખો તો તેનેય ભાન થાય કે બીજાની આમ આબરૂ ઉછાળવી ન જોઈએ! આનાથી ઓછો દંડ મને નહીં ખપે ઓમ... બોલો, આટલું કરશોને?’

ગમે તેમ તોય ઝરણાએ મારા સાથે હોવાને કારણે લાવણ્યા વિશે એલફેલ ધાર્યું, હવે મારાથી કેમ છટકી શકાય ?

‘તારું કામ થઈ ગયું, માની લે.’ ઓમે આટલું કહેતાં લાવણ્યાએ ઊછળવા જેવી ખુશી અનુભવી.

ઝરણા, તું તો ગઈ!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK