કથા-સપ્તાહ - રાખ-અંગારા (લાગણીનાં ફૂલ - ૨)

Published: 23rd December, 2014 05:15 IST

‘આઇ ઍમ ઇન ટ્રબલ, ઓમ.’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


અઠવાડિયા અગાઉના રાત્રિમેળાપમાં લાવણ્યાએ કહેલા શબ્દો ઓમકારને હજીયે યાદ છે.

આમેય ક્રાઇમ બ્રાન્ચમાં ઓમના મેમરી-પાવરનો દાખલો આપવામાં આવતો. કેસની તારીખથી ગુનેગારની કરમકુંડળી સુધીનું બધું તેને મોઢે હોય એટલું જ નહીં, ઓમની નિરીક્ષણ શક્તિ, રિફ્લેક્શન્સ પણ અદ્ભુત હતાં. કેસ ગમે એટલો પેચીદો હોય, ઓમકારસાહેબના હસ્તક થયો એટલે ગુનેગાર ઝડપાવાનો જ એવી ડિપાર્ટમેન્ટમાં શાખ હતી અને એની પાછળ ઓમનો સર્વિસ રેકૉર્ડ કારણભૂત હતો.

‘આઇ ઍમ પ્રાઉડ ઑફ યુ.’ અનન્યા કહેતી ને પોતે તેને પ્રણયવર્ષામાં ગૂંગળાવી મૂકતો.

અત્યારે, સંધ્યાટાળે શિવાજી પાર્ક ખાતેના બેઠા ઘાટના નિવાસસ્થાનના વરંડમાં બિયરની ચૂસકી માણતાં એકાએક પત્નીની યાદ કેમ તાજી થઈ?

ઓમે મગ ટિપાઈ પર મૂક્યો. જોકે અનન્યાને પોતે વીસર્યો જ ક્યાં હતો?

કેવો સોનેરી સંસાર હતો અમારો... લાવણ્યાને કોરાણે મૂકી, પગ લંબાવી ઓમે વાગોળવા માંડ્યું:

શરૂથી પોતે ખૂબ સાહસી. પોલીસમાં ભરતી થવાનું શમણું પિતા સાકાર થતું જોઈ ન શક્યા અને મને પરણાવી માએ પિછોડી તાણતાં સંસારમાં, આ ઘરમાં પતિ-પત્ની બે જ રહ્યાં. પ્રણયમાં ગળાડૂબ મીઠાશભર્યા દિવસો ને ઉન્માદક રાત્રિઓ.

ઓમ અત્યંત કામણગારો હતો તો અનન્યા કાચની પૂતળી જેવી સુંદર. બેઉની જોડી મેડ ફૉર ઈચ અધર જેવી શોભતી.

ક્રાઇમ બ્રાન્ચની જૉબને કારણે ઓમના ડ્યુટી અવર્સ ફિક્સ નહોતા. પતિએ રાતવરત કામ બાબતે જવું પડે એની ફરિયાદ અનન્યા ઊઠવા ન દેતી. ઓમના ઇન્તેજારમાં મશરૂફ રહેવું તેને ગમતું. તેના આવ્યા પછી જ જમતી. દિવસે વખત વિતાવવા વલસાડના પિયરમાં કરતી એમ નજીકના બાળમંદિરે ભૂલકાંઓને ભણાવવા-રમાડવા જતી થઈ.

‘તને બાળકો આટલાં જ વહાલાં હોય તો આપણે આખી ક્રિકેટ-ટીમ બનાવી દઈએ.’

ઓમ તેને ભીંસી દેતો. અનન્યા પરમ સુખમાં આંખો મીંચી દેતી.

જોકે એ દિવસ કદી આવ્યો નહીં.

ઓમે ઊનો નિ:શ્વાસ નાખ્યો.

લગ્નનાં ત્રણ વરસ પછી, અને આજથી ચારેક વરસ અગાઉ એવા સૈદ્ધાંતિક મતભેદ સર્જાયા જે તલાક સુધી દોરી ગયા.

પનવેલમાં દસેક વરસની બાળકી પર બળાત્કાર થયો. અધમૂઈ હાલતમાં મળેલી છોકરીમાં બોલવાની સૂધ નહોતી ને તેના ગરીબ મા-બાપ મોં ખોલવા નહોતાં માગતાં. ક્યાંથી ખોલે? અપરાધી તરફથી રૂપિયા ભેગી ધમકી મળી ચૂકી હતી. કોઈનેય કંઈ કહ્યું છે તો બાળકી જીવતી નહીં રહે એ ધ્યાનમાં રાખજો!

‘બિચારા મા-બાપ. બળાત્કારની ફરિયાદ કરતાં બાળકીનો જીવ જ વધુ વહાલો હોયને તેમને. અપરાધી છે જ એવો તાકતવર કે...’

ઓમના બયાને અનન્યા ચમકી. ઓમ ઘણી વાર પત્ની સાથે ચર્ચા માંડતો. એમાં આ કિસ્સો તો છાપામાં બે-ત્રણ દિવસથી ચમકે છે.

‘અપરાધીની તાકાતનો તમને અંદાજ ક્યાંથી ઓમ? તમે જાણો છો તેમને?’

ઓમે સહેજ ખચકાટભેર ડોક ધુણાવી, ‘હા, અમારા ઇન્વેસ્ટિગેશનમાં પુરવાર થયું છે કે આ પાશવી કૃત્ય રાજ્યના હોમ મિનિસ્ટર દેશમુખના સુપુત્ર સુકેતુનું છે... પનવેલમાં તેમનું ફાર્મહાઉસ છે. સુકેતુએ ત્યાં પાર્ટી રાખેલી. દારૂના નશામાં છાકટા બની, દોસ્તો ભેગો તે શિકારી કૂતરાની જેમ શેરીમાં નીકળ્યો ને બિચારી નંદિની તેમની વાસનાનો ભોગ બની!’

‘સ્ટ્રેન્જ.’ ધક્કો લાગ્યો હોય એમ અનન્યા સહેજ દૂર થઈ, ‘તમે ગુનેગારને જાણો છો છતાં સુકેતુની ધરપકડના સમાચાર હજી સુધી બ્રેકિંગ ન્યુઝ કેમ બન્યા નહીં?’

બીજા શબ્દોમાં તે પૂછતી હતી કે તમે હજી સુધી સુકેતુને અરેસ્ટ કેમ નથી કર્યો.

‘હૅવ યુ ગૉન મેડ? ઉપરથી સ્ટ્રિક્ટ ઑર્ડર છે કે જે પુરાવા હોય એ મિટાવી દો... દેશમુખના દીકરાને અડવા ગયા તો ગિન્નાયેલો બાપ મહારાષ્ટ્રની સરકારમાં બળવો જન્માવશે એવો ચીફ મિનિસ્ટરસાહેબને ડર છે. તેમની ખુરસી સામે મામૂલી બાળકીની આબરૂ શું વિસાતમાં.’

ઓમ પોતે વિચલિત હતો, પરંતુ અનન્યા માટે એ પૂરતું નહોતું.

‘મને માન નહીં, અભિમાન હતું તમારા માટે ઓમ... બહુ ગવર્‍થી કહેતી કે મારો વર લાંચ નથી લેતો, બીજાની જેમ ખુશામતખોરી નથી કરતો, પરંતુ આજે તમારી મર્યાદા ઉઘાડી પડી ગઈ ઓમ.’ અનન્યાએ પાંપણ લૂછી, ટટ્ટાર ગરદને નજર મેળવી, ‘નિર્દોષને ન્યાય અપાવાને બદલે અપરાધના ખોળે બેસી જનારો મારો પતિ ન હોય?’

પોતાના સિદ્ધાંતમાં અનન્યા મક્કમ નીકળી. ઘણું મથ્યો ઓમ, ‘મારો આત્મા પણ ડંખે છે અનન્યા, પરંતુ માણસ માત્રએ ક્યાંક તો સમાધાન સ્વીકારવું જ પડે છે. સત્તા આગળ શાણપણ નકામું છે. હું બહુ-બહુ તો મિનિસ્ટરને ફેવર કર્યાનો લાભ જતો કરી શકું. સિસ્ટમમાં જ સડો છે ત્યારે બીજું શું થઈ શકે?’

‘તમે સિસ્ટમને દોષ દો છો ઓમ, એના કરતાં એને સુધારવાની પહેલ કેમ નથી કરતા?’ અનન્યા તેની રીતે સમજાવતી, ‘હું તમારી સાથે છું, આને માટે ખપી જવું પડે તો પણ તૈયાર છું.’

પરંતુ ઓમને પત્નીનો આદર્શવાદ બિનવ્યવહારુ લાગ્યો હતો, ‘હું પોલીસ-અધિકારી છું, ક્રાન્તિકારી નથી. પારકાને ન્યાય અપાવવા પોતાનું સુખ હોડમાં મૂકું એટલો બેવકૂફ પણ નથી.’

પતિનું મહેણું પત્નીને પજવી ગયું.

‘તમે મને બેવકૂફ જ ગણતા હો ઓમ, તો પરાણે સાથે રહેવાનો મતલબ નથી.’

એ સમયે ઓમ પણ અનન્યાને મનાવી-સમજાવીને થાક્યો હતો, ‘જેવી તારી મરજી.’

આખરે માસ્તરણીએ પોતાનું ધાર્યું જ કર્યું... છૂટાછેડા આપીને પહોંચી ગઈ પિયર! ડિવૉર્સના કારણ પાછળની કથા કોઈને કહેવાઈ નહોતી. મારા પતિની નીતિમત્તામાં ઊણપ છે એવું કહેવાનું અનન્યાને પણ અજુગતું લાગ્યું હશે. જોકે અનન્યાના પેરન્ટ્સને સચ માલૂમ હોય જ. દીકરીને લઈ જતી વેળા શ્વસુરજી કહી ગયેલા : મારી દીકરી ખોટી નહોતી. તેના પ્યાર ખાતર પણ તમે ન્યાયનો પથ પકડી ન શક્યા?

ઓમને પોતાના પર ગુસ્સો ચડ્યો, ગિલ્ટ જાગી. અનન્યા વિનાનું ઘર ખાવા ધાતું. ક્યારેક સપનામાં નંદિની દેખાતી : મને બચાવો, અંકલ! અને તે ઝબકીને જાગી જતો. તોય સુકેતુને ઝડપવાનું ઝનૂન વાંઝણું જ નીવડતું. ગમ ભૂલવા શરાબનો આશરો લીધો એમાંથી શબાબને રસ્તે જતાં કેટલી વાર!

પહેલી વાર પોતે બારગર્લ સાથે સૂતો ત્યારે મનમાં સંકોચ હતો. અનન્યાનો દ્રોહ તો નથી કરતોને એવી આશંકા હતી, પણ પછી બારગર્લની હરકતોએ બધુ ભુલાવી દીધું. યાદ રહ્યું એટલું કે ડિવૉર્સ પછી હું છૂટા ઘોડા જેવો ગણાઉં, મને મન થાય ત્યાં ચરવાની છૂટ!

કમિટમેન્ટ કે રિલેશનમાં તેણે બંધાવું નહોતું. પત્નીનો દરજ્જો અનન્યા સિવાય કોઈને આપી પણ ન શકું. શરીરના આવેગ પોતે કમ્પ્યેનને હોટેલમાં તેડાવીને સંતોષી લેતો. ધીરે-ધીરે સુકેતુ-નંદિની નેપથ્યમાં જતાં રહ્યાં, જિંદગી આગળ વધતી ગઈ.

આમાં ચારેક મહિના અગાઉ લાવણ્યાની મુલાકાત.

પોલીસકર્મીઓની વિડોઝ માટે ફન્ડફાળો એકઠો કરવાના ઉમદા હેતુસર ફૅશન-વીકનું આયોજન થયું હતું. જાણીતી મૉડલ સાથે કેટલાક પોલીસ-ઑફિસરો પણ રૅમ્પ-વૉક કરે એ મતલબની થીમમાં ઓમની પાર્ટનર બની લાવણ્યા! પોતે ક્રાઇમ બ્રાન્ચમાં છે એ જાણીને લાવણ્યા પ્રભાવિત થયેલી.

ઓમ મૉડલિંગ વર્લ્ડથી સાવ જ બેખબર નહોતો. લાવણ્યા સાથે કામ કર્યા પછી ઘણાને કહેતા સાંભળ્યા એમ આ ફીલ્ડમાં તેનું ભાવિ ઉજ્જ્વળ જ જણાયું.

‘માય ગોડ, યુ લુક ઇમ્પ્રેસિવ ઇન ધ ક્લોથ્સ.’ ફૅશન-શોના છેલ્લા દિવસે લાવણ્યા કંઈક વધુપડતી ફ્રી થઈ. કદાચ અઠવાડિયાના સહવાસનું પરિણામ હશે, ‘વૉટ અબાઉટ વિધાઇટ ક્લોથ્સ!’ મર્માળુ હસીને તેણે ઓમને સહેજ શરમાવી દીધેલો.

એ રાત્રે પોતે લાવણ્યાને ડ્રૉપ કરવા વરલી ગયો. અપાર્ટમેન્ટના પ્રાંગણમાં કારમાંથી ઊતરતા તેણે પૂછ્યું હતું, ‘મારા ઘરે નહીં આવો?’

‘નેક્સ્ટ ટાઇમ.’

આછું સ્મિત ફરકાવીને ઓમે ગાડી હંકારી. હજી તો મુખ્ય રસ્તો ફંટાયો ત્યાં મોબાઇલમાં લાવણ્યાનો મેસેજ ઝબૂક્યો : વૉન્ટ ટુ સ્પેન્ડ વન નાઇટ વિથ મી? આઇ ઍમ વેઇટિંગ!

લાવણ્યા મારા માટે આટલું તડપતી હોય તો શા માટે તેની પ્યાસ ન બુઝાવવી! ઓમે યુ-ટર્ન માર્યો ને સાતમી મિનિટે બેઉ લાવણ્યાના પલંગમાં હતાં. કાયાના કસબમાં લાવણ્યા કેળવાયેલી લાગી. તેનાં બેપનાહ હુસ્નના દીદારથી વિશેષ તેની કામાંધ હરકતોએ ઓમની ઉત્તેજના ભડકાવી. ઓમના ઉઘાડે લાવણ્યા હાંફી ઊઠેલી. સામે ઓમને પણ તેણે કલ્૫નાતીત સુખ આપ્યું. પછી તો ઓમના કસાયેલા દેહની લત વળગી હોય એમ દર ત્રીજે-ચોથે દહાડે વૉટ્સઍપ પર નિમંત્રણ આવી જતું : લેટ્સ એન્જૉય ટુ નાઇટ!

એક જ યુવતી સાથે રિપીટેડલી સૂવાનો ઓમ માટે લગ્નવિચ્છેદ પછી પ્રથમ અવસર હતો. અને એથી લાગણી જન્મવી સ્વાભાવિક હતી.

ના, લાગણી એટલે પ્રેમ તો નહીં જ. અનન્યા સિવાય કોઈને હું ચાહી ન શકું, પરંતુ લાવણ્યાનો મિત્ર, સાથી, હમદર્દ તો બની જ શકુંને. લાવણ્યા તેની સાથે પોતાની જીવનઝરમર શૅર કરતી થઈ, તો ઓમે પણ ડિવૉર્સ કથા કહી. ઐક્ય વધ્યું છતાં એને સંબંધનું નામ નથી મળવાનું એની બેઉ પક્ષને જાણ-સમજ હતી જ. લાવણ્યાએ તો આમેય પરણવું ક્યાં છે?

ઓમે કોઈ સ્ત્રીને કદી ઘરે નથી તેડી એમ છાશવારે લાવણ્યાને ત્યાં જવાનુંય આંખે ચડવા જેવું થાય એટલે બેઉ ક્યારેક છાનુંછૂપું હોટેલમાં મળી લેતાં. અઠવાડિયા અગાઉના આવા જ મેળાપમાં લાવણ્યાએ ભેદ ખોલવાની ઢબે કહ્યું હતું : આઇ ઍમ ઇન ટ્રબલ, ઓમ.

લાવણ્યાને તકલીફ એક મૉડલ તરફથી છે ને તેને ઠેકાણે આણવા તેણે મારી મદદ માગી છે. લાવણ્યા ફરિયાદ નોંધાવતી હોય તો વાંધો જ નહોતો, પરંતુ એ કાયદાની લપમાં પડવા નથી માગતી. તેને તો આઉટ ઑફ વે જઈને મારી મદદ જોઈએ છે. મારી સત્તા વાપરીને મૉડલની સાન ઠેકાણે આવે એવી તેની અપેક્ષા છે. હું હા ભણું પછી જ તે મને મોડલનાં નામ-ઠામ સહિતની વિગતો કહેવાની છે.

પ્રશ્ન છે, મારે આ રીતે તેને હેલ્પ કરવી જોઈએ ખરી? મહત્વનું શું, ન્યાય કે પ્રોસીજર? અનન્યાને પૂછ્યું હોય તો!

એક વાર સાથ છૂટ્યા પછી આ ચાર વરસમાં કદી જેની જોડે એક શબ્દની પણ આપ-લે નથી થઈ તેને કેમ પૂછવું? ઓમને જરા ચીડ ચડી. મારે અનન્યાને સાંભરવી જ કેમ જોઈએ? ડિવૉર્સ પછી રાખના ઢેર જેવા બની ગયેલા દામ્૫ત્યમાં હજીયે લાગણીના અંગારા ધબકી રહ્યા છે? ઓમને સમજાયું નહીં!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK