કથા-સપ્તાહ - કુરબાની (કરમ-કુંડળી - ૫)

Published: 19th October, 2012 06:08 IST

મંગળવારે પણ અનન્યાએ છુટ્ટી રાખી હતી. મોડી રાત સુધી બહાર ફરવાનો થાક, વહેલી સવારે આનંદ-સત્યેને વિદાય લેતાં સૂનકારો ઘેરી વળ્યાંની ઉદાસી...અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |મંગળવારે પણ અનન્યાએ છુટ્ટી રાખી હતી. મોડી રાત સુધી બહાર ફરવાનો થાક, વહેલી સવારે આનંદ-સત્યેને વિદાય લેતાં સૂનકારો ઘેરી વળ્યાંની ઉદાસી...

‘હૅપી બર્થ-ડે, અનન્યા.’

મારે ઉદાસી નહીં, ઉલ્લાસ ઘૂંટવાનો હોય, ખાસ તો રેવાને પારખ્યા પછી!

‘મારું સત્ય પામ્યાનો અણસાર આપી તેણે મારી કુરબાની યથાર્થ ઠેરવવાની સમજદારી પણ દાખવી... ભાભી આવતાં ભાઈ બદલાઈ જવાનો એવી ધાસ્તી હવે ન મને રહી, ન તેને!’ અનન્યાએ છૂટાં પડતાં પહેલાં મેનાને કહેલું, ‘થાય છે, આ બે-ચાર મહિનામાં બને એટલું ભેગું કરી લઉં, પછી આનંદ મને કંઈ જ કરવા નહીં દે! અરે, તે મારાં લગ્નની જીદે ચડશે તો રેવાની મદદ લઈ મારે ભઈલાને વારવો પડશે...’

ઉમળકો વાગોળતી અનન્યાને ફોનની રિન્ગે ઝબકાવી, સામેથી પુરુષસ્વરમાં થયેલી બર્થ-ડે વિશે ચમકાવી.

‘સૉરી, તમે એક દિવસ મોડા પડ્યા, મિસ્ટર...’ તેણે જાણીને અધ્યાહાર છોડ્યો, જેની પૂર્તિ તત્કાલ થઈ, ‘અમર મહેતા.’

સડક થઈ ગઈ અનન્યા. અમર ઉર્ફે ખાન ઉર્ફે ટેરરિસ્ટ! પાછી તેણે મને અનન્યા તરીકે સંબોધી!

‘હું તારો બર્થ-ડે ભૂલ્યો નથી, પણ ગઈ કાલે ગિફ્ટ મોકલી મારે તમારા રંગમાં ભંગ નહોતો પાડવો... ખેર, હમણાં એક કવર તને મળશે.’ ખાનના સ્વરમાંથી વિકૃત આનંદ ટપકતો લાગ્યો અનન્યાને, ‘ગિફ્ટ જોઈ તું જ નક્કી કરી લેજે કે આજે બપોરે મરીન ડ્રાઇવની ‘કેફિયત’ રેસ્ટોરાંમાં મારી સાથે લંચ લેવું કે નહીં.’

ફોન કટ થયો. અનન્યા રિસીવરને તાકી રહી!

€ € €

સહશયનના ફોટોગ્રાફ્સ!

કુરિયર દ્વારા મળેલું કવર ફોડતાં જ અનન્યા પાણી-પાણી થઈ.

સામાન્યપણે ફિલ્મ ઊતરવાની બીક કૉલગર્લ સાથેના કસ્ટમરને રહેતી હોય... મારો ગ્રાહક બની કૉલગર્લની મૂવી ઉતારવા પાછળ અમર (કે ખાન)નો શું ઉદ્દેશ્ય હોઈ શકે? બ્લૅકમેઇલિંગ?

અમરને ત્રાસવાદી તરીકે જાણતી ન હોત તો અનન્યા સ્વીકારી લેત કે બદલામાં મારી સાથે વિનામૂલ્યે રાત ગાળવાની આની નીયત હોવી જોઈએ... એક આતંકવાદીને આવી જરૂર ન હોય!

પણ તો પછી, મારા જેવી મામૂલી વેશ્યા પાસેથી અમરને શાની અપેક્ષા હશે?

અનન્યાને થયું, ઉત્તર માટે અમરને રૂબરૂ મળ્યાં વિના છૂટકો નથી!

€ € €

‘કેફિયત’ના ખૂણામાં પડતા ટેબલ પર અંગત વાતો ખૂલીને થઈ શકે એટલી મોકળાશ હતી. ઑર્ડર આપી વેઇટરને રવાના કરી અમર મુસ્કુરાયો, ‘મારી ગિફ્ટ ગમી કે નહીં!’

અનન્યાએ દિમાગ ટાઢું રાખ્યું. ગમે તેમ તોયે ત્રાસવાદી જોડે પનારો પડ્યો હતો, હું તેની અસલિયત જાણું છું એની અમરને ક્યાં જાણ છે?’

‘બહુ ઇરૉટિક ફોટોગ્રાફ્સ હતા. કદાચ આખી મૂવી પણ હશે. નેટ પર એને ઘણી હીટ્સ મળી શકે.’

અનન્યાની ટાઢકે અમરને ચોંકાવ્યો : મેં તો માનેલું કે તે નર્વસ બનશે, એેને બદલે... નો પ્રૉબ્લેમ, મારા ભાથામાં તીરની કમી નથી!

‘યા, પણ થાય છે, એના પર આનંદ-સત્યેનની નજર પડી તો...’

અનન્યાની ભ્રમર તંગ થઈ : આખરે તું જાત પર આવ્યો!

‘યુ ગેસ્ડ રાઇટ. તારા ભાઈઓથી તારું વેશ્યાપણું છુપાવવાની કિંમત મને જોઈશે... દીને ભગવાનની જેમ પૂજતા ભાઈઓનો ભ્રમ જાળવવો - ન જાળવવો તારા હાથમાં છે...’

બદમાશ, ત્રાસવાદીએ પૂરતી તપાસ પછી જ યોજના ફાઇનલ કરી હોય... ના પાડતાં પહેલાં જાણું તો ખરી, તેને જોઈએ છે શું?

‘મને ખપ છે તારા પૂરા પંદર દિવસનો - કાલથી ભાઈબીજ સુધી,’ અમરે ત્વરિત ઉમેર્યું, ‘ભાઈઓને તું કહી શકે છે કે હરિદ્વારની જાત્રાએ જાઉં છું, જોડે લાંબી રજા મળે એમ નથી એટલે મેના આ વખતે સાથે નહીં આવે...’

આ કારણ આનંદ-સત્યેનને ગળે ઊતરી જાય, મેનાનેય હું સમજાવી શકું, પણ પંદર દિવસમાં મારે કરવાનું શું?

‘વીરેન્દ્ર ચૌહાણ...’

અમરે વૉલેટમાંથી ફોટો કાઢ્યો. ખાખી યુનિફૉર્મમાં ૪૫-૫૦ના દેખાતા સશક્ત પુરુષને નિહાળતી અનન્યાના કપાળે કરચલી ઊપસી : કોણ છે આ શખસ?

‘અજન્ટા કેવ્ઝની સિક્યૉરિટીનો કારોબાર આના હાથમાં છે...’

અજંટા કેવ્ઝ! અનન્યાનું હૈયું ધબકારો ચૂકી ગયું. ઓહ ગૉડ, દિવાળીના દા’ડે ક્યાંક અજન્ટાની ગુફાને ધરાશાયી કરવાનો તો અમરનો પ્લાન નથીને!

‘વીરેન્દ્ર અપરિણીત છે. તેની એક જ કમજોરી છે - ખૂબસૂરત સ્ત્રી!’ અમરે ધીરે-ધીરે બાજી ખોલવા માંડી, ‘આ પંદર દિવસમાં તારે તેને પલોટી લેવાનો છે, તારી સાથે રાત ગાળ્યાં પછી એટલું હું છાતી ઠોકીને કહી શકું કે તે એક જ રાતમાં તારા પર લટ્ટé થઈ જવાનો!’

(અજન્ટાને ટાર્ગેટ બનાવનાર અમરના ઔરંગાબાદના આંટાફેરા સ્વાભાવિક ગણાય, સાથીઓ જોડે વાયરલેસથી સંપર્કમાં રહેવાનું પણ સમજાય... એ જ રીતે માત્ર મારી ફિલ્મ ઉતારવા તેણે મને ઔરંગાબાદ નહોતી તેડાવી, મારા કસબની ખાતરી મેળવવાનો પણ એમાં આશય હતો!)

‘અમર.’

(જેહાદી ખાને ઑપરેશન અજન્ટા માટે હિન્દુ રૂપ શું કામ ધારણ કર્યું એનો ખુલાસો કદાચ ખાન પાસેય નહીં હોય... મે બી, પોતે મુસ્લિમ ગ્રાહકને કંપની નહીં આપે એમ માની હિન્દુ બન્યો હોય!)

‘નો એક્સક્યુઝ, અનન્યા...’

‘મારે એટલું જ પૂછવું છે, અમર, વાય મી? આ કામ માટે મારાથી ચડિયાતી લલના તમને મળી રહેત...’

‘યા, પણ તે બધી તો એક્સપ્લોઝિવની ફૅક્ટરીમાં કામ નહીં કરતી હોયને!’ અમરે આખરી પત્તું નાખ્યું.

અનન્યાની સમજબારી ખૂલી ગઈ. અમરને પોતાના મિશન માટે એવા પ્યાદાની જરૂર હતી, જે એક્સપ્લોઝિવનો બંદોબસ્ત પાર પાડે, ને વીરેન્દ્રને પણ રીઝવે! આ ક્રાઇટેરિયામાં હું એક પંથ દો કાજ જેવી ઠરું!

‘સઘન પૅટ્રોલિંગને કારણે દારૂગોળાની વ્યવસ્થા દુષ્કર બનતી જાય છે... એક્સપ્લોઝિવ બનાવતી ફૅક્ટરીમાંથી જ એની ઉઠાંતરી કરી હોય તો? આ માટે કંપનીના એકાદ કર્મચારીને સાધવો પડે... મુંબઈમાં આવી ફૅક્ટરી ગણીગાંઠી! બસ, ફૅક્ટરીની તપાસમાંથી તારી કડી મળી અને અમારું કામ સરળ થઈ ગયું!’

(મારી જેમ મેના પણ ખરીને...)

‘તું પાછી પરિવારવાળી...’ અમરે પસંદગીનું કારણ સ્પષ્ટ કર્યું, ‘આપણા આ મેળાપ સાથે તેં તારા ભાઈઓની જિંદગી પણ દાવ પર મૂકી છે એ ન ભૂલીશ... જરાસરખો દેશપ્રેમ દાખવવાની થઈ તો બન્ને ભાઈઓને ગુમાવી ચૂકીશ!’

અનન્યા થથરી. આનંદ-સત્યેનની જિંદગીના જોખમનું સાંભળ્યાં પછી સર્વત્ર અંધકાર છવાયેલો લાગ્યો. અમરના કહ્યા અનુસાર કરવા સિવાયનો કોઈ માર્ગ બચ્યો નહોતો...

કુટુંબ માટેની મારી કુરબાની અજન્ટા કેવ્ઝની તબાહીમાં નિમિત્ત બનશે? કાશ, હું અમર બાબત પહેલાં ચેતી હોત! બધું પાર પડ્યા પછી અમર મને જીવતી છોડે ખરો? ત્યારે મારા ભાઈઓની શી દશા થાય! વિચારો જ વિચારો.

€ € €

રાત્રે અનન્યાએ સત્યેનને ફોન જોડ્યો. આનંદને પિતા જેટલું માન આપજે, રેવાભાભીને માની જગ્યાએ ગણજે... આનંદને સત્યેનની ભલામણ કરી, રેવા મને પસંદ છે એમ ક?ાું, રેવાને સુખી જીવનના આર્શીવાદ પાઠવ્યા, મેનાને આનંદ-સત્યેનને સાચવી લેવાની રિક્વેસ્ટ કરતાં તે ભડકી :

‘તને થયું છે શું, અનન્યા? મારા પર આનંદ-રેવા-સત્યેન ત્રણેયના ફોન આવી ગયા. દીદી ઠીક તો છેને!’

‘જેને તારા જેવી સખી હોય મેના, તેને પરેશાની શું હોય!’

ફોન મૂકી અનન્યાએ પાંપણ લૂછી. હવે બસ, યા હોમ કરવાનું હતું!

€ € €

‘અનન્યા, આર યુ રેડી?’

બુધવારના વહેલા પરોઢિયે અમરે (ખાને) ફોન જોડી પૂછ્યું, ‘હું નીચે પાર્કિંગમાં આવી ગયો છું.’ બન્ને સાથે ઔરંગાબાદ જવાનાં હતાં.

‘ઓહ! અમર, હું શાવર લઈ રહી છું - થોડી વાર થશે, તમે ઘરે કેમ નથી આવતા!’ અનન્યાના સ્વરમાં મદહોશી વર્તાઈ.

તેની ચાલ કામિયાબ રહી. શાવરમાં ભીંજાતા અનન્યાના નગ્ન બદનની કલ્પનાએ અમરનાં અંગોમાં સનસનાટી મચી ગઈ. કાર પાર્ક કરી તેણે લિફ્ટ તરફ કદમ ઉપાડ્યાં.

€ € €

અમરે ડોરબેલ રણકાવી. દરવાજો ખોલતી અનન્યા પાણીથી લથબથ હતી, શરીરે માત્ર ટુવાલ વીંટ્યો હતો. અમરની અંદર કશુંક ઊછળ્યું : આવેશમાં તેણે અનન્યાને ભીંસી દીધી. તેના હિપ-પૉકેટમાં ગન હોવાનું અનન્યાએ પારખ્યું.

‘અહીં નહીં, અમર... બેડરૂમમાં!’

અમર હંમેશાં માનતો કે સ્ત્રીનું શરીર પુરુષનું વિવેકભાન ભુલાવી દે છે... એટલે તો તેની યોજનામાં સ્ત્રીનું પાત્ર પાયાનું હતું, પરંતુ અત્યારે પોતે જ ભાન ભૂલીને હુશ્નનો શિકાર થઈ રહ્યો છે એનો ખ્યાલ ન રહ્યો બાહોશ આતંકવાદીને!

અનન્યાએ પોતાના અનુભવોનો નિચોડ ઠાલવી દીધો. રૂમમાં દાખલ થતો અમર નર્વિસ્ત્ર હતો, વાસનાથી અધીર હતો... બસ, આ ક્ષણે ટુવાલ સરકાવી અનન્યાએ ભીતર છુપાવેલી કટારી એકઝાટકે અમરની છાતીમાં ઘોંચી દીધી!

‘જન્નત નહીં, જહન્નમમાં જજે!’

કટારીના ઘા વીંઝતી અનન્યા પોતાને મુસ્લિમ રૂપમાં જાણતી હોવાનું અચરજ શમ્યું ન શમ્યું ત્યાં અમર (ખાન)ની ડોક ઢળી ગઈ, હંમેશ માટે...

મહાભારત જેવું કાર્ય પૂરું થયાનો થાક લાગ્યો હોય એમ અનન્યા ફસડાઈ પડી. ના, હજી બે કામ બાકી હતા. એક પોલીસને ફોન કરવાનું, અને બીજું...

€ € €

મેનાએ વધુ એક વાર અનન્યાનો આખરી ખત વાંચ્યો :

પ્રિય સખી,

વિદાય લઉં છું... મારો ડર સાચો પડ્યો. ત્રાસવાદી અમર મને પ્યાદા તરીકે વાપરી અજન્ટા કેવ્ઝ ઉડાવવા માગતો હતો! થયું, પરિવાર ખાતર મેં તનની હાટડી ન માંડી હોત તો કદાચ અમર મારા સુધી પહોંચત જ નહીં... મારી કુરબાની દેશની ધરોહરના સર્વનાશમાં કારણભૂત ઠરે એ કેમ ખમાય? હું એવું નહીં થવા દઉં. કાલ સવારે મને તેડવા આવનાર અમરને કટારીથી હું પતાવી દઈશ, પોલીસને કાવતરાની જાણ કરી હું ખુદ પણ મારું કાંડું કાપીશ...

શું કામ? નથી જાણતી. અમરનો ભેદ ખૂલતાં મારા ધંધાનું સત્ય પણ ઉઘાડું પડવાનું, માત્ર એ ડરથી અમરની ધમકીને વશ ન થવાય એમ એના ઉઘાડ પછી જિવાય પણ કેમ! મને પૂજનીય ગણતા મારા ભાઈઓની નજરનો સામનો કરવાની મારામાં હિંમત નથી, ભલે તેઓ મને ક્ષમા બક્ષે... બન્નેની કરીઅર ઊજળી છે, આર્થિક નચિંતતા છે, મારે જીવવાનું હવે પ્રયોજન પણ શું? તારા ભેગી હવે તો રેવા પણ ખરી તેમને જાળવનારી! મને શી ફિકર? મારું કર્તવ્ય પૂરું થયું, પણ હા, તેમને પરણાવવાના, તેમનાં બાળુડાંને રમાડવાના ઓરતા તું જરૂર પૂરા કરજે!

ક્યારેક મને યાદ કરી લેજો, બીજું શું!

- તારી જ, અનન્યા!

મેનાએ અશ્રુ લૂછ્યાં.

કાશ, તું જીવતી હોત અનન્યા... તો જોઈ શકત કે દેશભરે તને વારાંગનાને બદલે વીરાંગના તરીકે બિરદાવી છે, વૉન્ટેડ ટેરરિસ્ટ અતાઉલ્લાને મારી તેં તેની ટોળીનું મોરલ તોડ્યું, પોલીસે આખી ગૅન્ગ ઝડપી અજન્ટાના હુમલાનું આયોજન સફળ થવા ન દીધું... આનંદ-સત્યેન તારી કુરબાનીથી ગદ્ગદ છે, તું આજેય તેમના માટે એટલી જ પૂજનીય છે! અને તારી-મારી વહુ રેવા સત્યુનો પૉર્ન ફિલ્મનો કિસ્સો ન ઘટ્યો હોત તો કદાચ તે તારા વેશ્યા હોવાનું સત્ય આનંદને ક્યારની જણાવી ચૂકી હોત, અને તો કદાચ આપણે સૌ સાથે મળી ત્રાસવાદીને પહોંચી વળત! આ અફસોસ જેટલો રેવાને છે એટલો અમને સૌને છે, પણ શું થાય? તારે તો આપવું જ હતું, લેતાં ક્યાં કદી આવડ્યું? ક્યારેક વિચારું છું, તને વેશ્યાગીરીનો રાહ ચીંધી મેં સારું કર્યું કે ખરાબ!

ખેર, બાકી બધા મજામાં છે. તારી જેમ મારા પ્રત્યેનો આનંદ-સત્યેન-રેવાનો આદર અકબંધ છે. આનંદ-રેવા પરણી ચૂક્યાં. સત્યેન માટે દુલ્હન શોધું છું. આનંદ શહેરનો સફળ લૉયર ગણાય છે, સત્યેન મલ્ટિનૅશનલમાં જોડાયો છે. મારો ધંધો બંધ છે એ કહેવાનું ન હોવા છતાં કહી દઉં... આનંદ-સત્યેને મારી નોકરી પણ છોડાવી છે : અમારી મા માટે અમે કશું કરી ન શક્યા, માસી માટે તો કરવા દો!

અમને સુખી જોઈ તું સુખી જ હશે એવી આશા છે... હા, વરસે એક વાર અમે સૌ એક જગ્યાએ જવાનું નથી ચૂકતાં... નૅચરલી, અજન્ટા કેવ્ઝ!

મૃત સખી સાથેનો માનસિક સંવાદ તેના સુધી પહોંચતો હોય એવી હળવાશ મેનાના હૈયે વ્યાપી. સામેની હાર લટકાવેલી છબિમાં અનન્યા સાચે જ મુસ્કુરાતી હતી.

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK