કથા-સપ્તાહ - કુરબાની (કરમ-કુંડળી - ૩)

Published: 17th October, 2012 05:07 IST

દબાતા સ્વરના આટલા શબ્દોએ અનન્યાને હંફાવી દીધી : મારા કમ્પૅન્યનનું નામ અમર છે... આ અવાજ તેનો જ છે, પરંતુ તે પોતાને ખાન તરીકે કેમ સંબોધે છે?અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |‘હલો... હલો... ખાન કૉલિંગ...’

દબાતા સ્વરના આટલા શબ્દોએ અનન્યાને હંફાવી દીધી : મારા કમ્પૅન્યનનું નામ અમર છે... આ અવાજ તેનો જ છે, પરંતુ તે પોતાને ખાન તરીકે કેમ સંબોધે છે? શું તે હિન્દુ નથી, મુસલમાન છે? કે પછી આ કોઈ કોડવર્ડ હશે?

અનન્યાને લોહી થીજતું લાગ્યું. આટલાં વરસોમાં અનેક પુરુષોનાં પડખા સેવ્યાં, એમાં કોઈની ઓળખ આટલી રહસ્યમય ક્યારેય નહોતી લાગી!

ના, ના. આમાં રહસ્ય જેવું શું છે? મેં જેમ મારું નામ શર્વરી બતાવ્યું એમ અમરે પણ બનાવટી નામ ધારણ કર્યું હોય...

આ તર્કે થોડીક રાહત બક્ષી.

‘માયસેલ્ફ અમર મહેતા.’

ગઈ કાલે, શુક્રવારની સાંજે અનન્યાનો મોબાઇલ રણકાવી સો કૉલ્ડ અમરે પૂછ્યું હતું,

‘મને તમારો નંબર મારા એક મિત્રે આપ્યો છે. આ વીકએન્ડ હું ઔરંગાબાદ છું. વુડ યુ માઇન્ડ ટુ કમ ઓવર ધેર?’

સર્ટનલી નૉટ!

અનન્યા આવાં નિમંત્રણોથી ટેવાઈ ચૂકેલી. આ માટેનો તેનો મોબાઇલ નંબર પણ જુદો હતો. કયા મિત્રે તમને નંબર આપ્યો એવું પૂછવાનું રહેતું નહોતું, તે ક્લાયન્ટ પોતાને યાદ પણ હોવો જોઈએને!

‘ડોન્ટ વરી, મુંબઈ-ઔરંગાબાદની હવાઈ સફરનો ચાર્જ તમને મળી જશે.’

અનન્યાનો હકાર સાંભળી તેણે શાલીનતાથી પૂછ્યું હતું,

‘કયા નામે તમારું બુકિંગ કરાવું?’

તમારા મિત્રે મારું નામ ન આપ્યું? એવું પૂછવાને બદલે તેણે સહજતાથી કહેલું : જે મારું નામ છે એ જ... શર્વરી દફતરી!

રાબેતા મુજબ, પોતે મેનાને ઔરંગાબાદનો પ્રોગ્રામ કહી ઉમેરેલું પણ ખરું : અત્યારે રળાય એટલું રળી લઉં, મેના, થોડા વખતમાં આ બધું બંધ કરવું પડશે... આનંદ આવતા એપ્રિલ સુધીમાં વકીલાતની પરીક્ષા પાસ કરી ચૂક્યો હશે... તે તો અત્યારથી કહેતો હોય છે, દી, મારી પ્રૅક્ટિસ શરૂ થયા પછી તમારે નોકરી નથી કરવાની, હું તો મેનામાસીની પણ જૉબ છોડાવી દેવાનો છું...

‘આપણે એટલાં સદ્ભાગી, અનન્યા.’

‘મને તો સુખનો અવસર પણ ઢૂંકડો લાગે છે,’ અનન્યા મલકી હતી, ‘તું તો જાણે છે, લૉ કૉલેજના પ્રાધ્યાપકની દીકરી રેવા આપણા આનંદને પસંદ કરી ચૂકી છે...’

આનંદની સિન્સિયારિટીનો ગુણ પ્રોફેસર પંડિતને ગમી ગયેલો, ઠરેલ-ઠાવકા આનંદને નોટ્સ માટે તે ઘરે બોલાવતા. વિનમ્ર-વિવેકી આનંદ મિસિસ પંડિતને ગમતો થયો,

તેના ઘરનાં સ્થિતિ-સંજોગો જાણી અનન્યા પ્રત્યે માન જતાવ્યું. આર્ટ્સનું ભણતી એકની એક દીકરી રેવા નટખટ હતી, સીધાસાદા આનંદને મૂંઝવી મારતી.

પછી તો આપોઆપ આનંદ ગમવા માંડ્યો. બે દિવસ ઘરે ન ફરકે તો ફોન ખખડાવતી : તમારા સાહેબ બોલાવે ત્યારે જ ઘરે અવાય?

કદી પરાણે તેને આર્ટ એક્ઝિબિશનમાં ખેંચી જતી. એક વાર ઠાવકા મોંએ આનંદને પૂછી લીધેલું : આનંદ, ધારો કે કોઈ છોકરી તમને કિસ કરે તો તમે શું કરો?

આનંદના કાનની બૂટ લાલ થઈ ગયેલી.

‘સમજી ગઈ... સુહાગરાતે પણ મારે જ પહેલ કરવી પડશે!’ બબડવાની ઢબે, આનંદને સંભળાય અને તે બોલી ત્યારે આનંદ ગંભીર બનેલો : રેવા, તારું મન હું જાણું છું, પરંતુ મારી મરજી ત્યારે જ હશે, જ્યારે આમાં મારી દીના આર્શીવાદ હોય...

‘આઇ નો, આનંદ,’ રેવાએ કોમળતાથી કહેલું, ‘દી તમારા અસ્તિત્વનો આધાર છે, સત્યેન તમારા વહાલનું કેન્દ્ર છે. મેનામાસી પ્રત્યે તમે લાગણીશીલ છો...’ વિશ્વાસ રાખજો, ભાભી આવતાં ભાઈ બદલાઈ ગયો એવું હું ક્યારે થવા નહીં દઉં! દીની કસોટીમાંથી પાર ઊતરવા હું તૈયાર છું, આનંદ...’

દર વખતે આનંદ રેવાનો ઉલ્લેખ કરવા ઇચ્છતો, પણ જીભ ન ઊપડતી, સંકોચ રોકતી, ત્યાં સત્યેને મોબાઇલના કૉલ્સ નિહાળી ભાંડો ફોડ્યો! આનંદનું મંતવ્ય જાણી અનન્યા ગદ્ગદ  બનેલી : મારા આદેશે તું પ્રેમનું બલિદાન આપતાં ખચકાઈશ નહીં એની મને જાણ છે, સાથે એ પણ જાણું છું કે રેવામાં કંઈ જ કહેવાપણું નહીં હોય, અન્યથા તેં તેનો બીજો જ કૉલ રિસીવ ન કર્યો હોત!

સમ હાઉ, અનન્યા કે મેના આનંદ-સત્યેનના ઍડમિશન પછી પુણે કે બૅન્ગલોર ગયાં નહોતાં. આનંદના મોબાઇલમાં સેવ થયેલા ગ્રુપ-ફોટામાં જોવા મળેલી રેવા નમણી, રૂપાળી લાગી. દિવાળીની રજામાં તેને મળવાનું પ્લાનિંગ હતું, આનંદની સગાઈ પાકી થયા પછી મારાથી આમ ધંધે ન જ નીકળાય? અનન્યાના આ તર્ક સાથે સંમત થતી મેનાએ ટકોર કરેલી,

‘તું આખી જિંદગી તારા કુટુંબ માટે જ જીવી છે, અનન્યા, ફૅક્ટરીની નોકરીના પ્રોવિડન્ટ ફન્ડ વિના તારા નામે ફદિયું પણ નથી!’

‘મારી અણમોલ સંપદા મારા ભાઈઓ છે, સખી જેવી તું છે, મને બીજા કશાનો ખપ નથી!’

આમ કહી, શનિવારની સાંજે ફ્લાઇટ પકડી ઔરંગાબાદ આવેલી અનન્યાને અમરની કંપનીમાં ક્યાંય કશું અજુગતું લાગ્યું નહોતું... અહીં અંગત પ્રશ્નોને સ્થાન નહોતું, સંવાદો ઔપચારિક હતા. ૩૦-૩૨ વરસનો અમર દેખાવડો હતો, અનંગના ખેલમાં અનુભવી જણાયો...

એમાં હવે તે ખાન હોવાનો ટ્વિસ્ટ! અનન્યાએ કાન સરવા કર્યા : ઇન્શા-અલ્લાહ, દિવાળીમાં ધડાકો કરીને રહીશું!

હેં!

અનન્યાની છાતીમાં ધડકારો બોલ્યો. આ તો ત્રાસવાદીની ભાષા બોલતો લાગે છે! કમ્મરે ચાદર વીંટાળી ક્લોઝેટ તરફ મોં રાખી ઊભેલા અમરની ઉઘાડી પીઠને તાકતી અનન્યા જોખમના અણસારે કમકમી ગઈ : ના, મારે સલામત રહેવું હોય તો આ પુરુષની અસલિયતથી અજાણ રહેવામાં જ શાણપણ છે! ઝટ વીતે આ રાત ને અમે છૂટાં પડીએ!

‘તેણે આંખો બંધ કરી એ જ વખતે ઊલટા ફરી પેલાએ તેની નીંદર નિહાળી.’

‘તે સૂતી છે.’

(‘અરે, અમર મારા વિશે કહી રહ્યો છે!’)

પાંપણ સજ્જડપણે ભીંસેલી રાખી અનન્યા એક કાને સાંભળી રહી, ‘મારા ઇન્તઝામમાં કહેવાપણું ન હોય... ધીસ વિલ વર્ક. આ વખતે આપણે દેશની સાંસ્કૃતિક ધરોહર પર વાર કરવાનો છે - વિચ ઇઝ સમથિંગ યુનિક.’

(દેશની ધરોહર... દેશ એટલે ભારત જને?)

પછીનાં થોડાંક વાક્યો એટલાં ઝીણા સાદે બોલાયાં કે અનન્યાની શ્રવણમર્યાદા બહાર રહ્યાં.

‘ઓવર ઍન્ડ આઉટ.’

અનન્યાથી ન રહેવાયું? ઝીણી આંખે જોયું તો અમર હેડફોન ઉતારતો દેખાયો, તે સહેજ આડો થતાં ક્લોઝેટમાં મૂકેલો વાયરલેસ સેટ પણ નજરે ચડ્યો!

આ રીતની તૈયારી... આટલી તકેદારી સામાન્ય આદમી તો ન જ દાખવે! ધેર ઇઝ સમથિંગ રૉન્ગ... ટેરિબલી રૉન્ગ વિથ ધીસ મૅન ઍન્ડ હિઝ મિશન!

દિવાળીમાં ક્લિક થનારો ટાઇમબૉમ્બ જાણે અત્યારથી જ અનન્યાના દિમાગમાં ટિકટિક થવા લાગ્યો.

€ € €

‘ઇટ વૉઝ અ પ્લેઝનટ કંપની.’

છેવટે, રવિની બપોરે હોટેલની રૂમમાંથી નીકળતાં કહેવાતા અમરે આનંદ વ્યક્ત કર્યો. અનન્યા મીઠું મલકી. પરાણે તે એફર્ટલેસ રહેવાની કોશિશ કરતી હતી. મળસકા પછીના સાયુજ્યમાં તેણે ઉત્કટતા ઓસરવા નહોતી દીધી. સુન્ન્ાત વિશે પૂછી અમરને ચોંકાવવો નહોતો...

‘આપણે ફરી મળીશું.’ તેના રણકામાં ખાતરી હતી.

(નો, નેવર!)

‘શ્યૉર’ (મુંબઇ જઈ પહેલું કામ હું મારો મોબાઇલ નંબર બદલવાનું કરીશ, મિ. ખાન! ફરી તમે મારો સંપર્ક નહીં સાધી શકો! ખોટા નામ (શર્વરી)ના આધારે મુબઈમાં મને શોધવી અશક્ય હોવાનું...)

જીન્સ-કુર્તીમાં સજ્જ અનન્યાએ રૂમ બહાર ડગ મૂકતાં આંખે મોટાં ગૉગલ્સ ચડાવી દીધાં.

‘હું તમને ઍરપોર્ટ ડ્રૉપ કરી દઉં,’ પેલાએ  ઉમેર્યું, ‘મારે એ તરફ થોડું કામ છે...’

‘ઓહ,’ અનન્યાએ પૂછી લીધું, ‘મને હતું તમેય ફ્લાઇટ પકડવાના હશો - દિલ્હીની, તમે દિલ્હીના રહેવાસી  છોને!’

‘યા, બટ, મારી ફ્લાઇટ કાલની છે.’

વાત કરતાં બન્ને રિસપ્શન પર પહોંચ્યાં. એ જ અરસામાં આઠ-દસ યુવતીઓનું ધાડું ધસી આવ્યું. બે-ચાર પળમાં તેમના કિલ્લોલ પરથી ખ્યાલ આવ્યો કે સાહેલીઓનું જૂથ બે દિવસમાં અજન્ટા-ઇલોરાના પ્રવાસે આવ્યું છે! તેમાંની એકાદ છોકરી પોતાને ધારી-ધારીને નિહાળતી હોવાનું જાણી અનન્યાએ ચહેરો ફેરવી લીધો.

‘એક્સક્યુઝ મી...’

નજીક આવતી તે છોકરીમાં અનન્યાને પણ પરિચિતતાનો અણસાર વર્તાવ્યો : આને મેં ક્યાંક જોઈ છે!

‘તમે અનન્યા છોને?’

આ તો મને ઓળખી ગઈ! ધ્રાસકો અનુભવતી અનન્યાની કરોડરજ્જુમાં સટાકો બોલ્યો.

દી...

મને અનન્યા દી તરીકે ઓળખનારી છોકરી તો તે જ હોય... રેવા! હે ભગવાન, આનંદની ભાવિ પત્નીનો ભેટો મને આમ થવાનો લખાયો હતો?

‘દી, હું રેવા,’ કહી તે આશિષ લેવા ઝૂકતી હતી ત્યાં અમરે તેને ટોકી, ‘સૉરી મિસ, તમને કંઈક ચૂક થઈ. શી ઇઝ શર્વરી, નૉટ અનન્યા.’

તેનું બોલવું રાહતરૂપ લાગ્યું. રેવાની ગૂંચવણ દૂર કરવાની હામ નહોતી, અમરનો હાથ પકડી સરકવામાં અનન્યાએ સલામતી જોઈ!

રેવા ક્યાંય સુધી તેની પીઠને તાકી રહી.

€ € €

‘કેવી રહી, અજન્ટા-ઇલોરાની ટ્રિપ, રેવા?’

મંગળવારની સાંજે પ્રોફેસરસાહેબને ત્યાં પહોંચી આનંદ રાબેતા મુજબ તેમની રાહ જોતો વરંડાની બેઠકે ગોઠવાયો, એવામાં રેવા આવી ચડતાં તેણે ટ્રિપ વિશે પૂછી લીધું.

રેવાની લાગણી અને આનંદનો ભાવ ઘરમાં કોઈથી છૂપાં નહોતાં. દિવાળીમાં ખાસ રેવાને મળવા અનન્યા દીદી આવવાની હોવાની જાણ થયા પછી  આનંદ-રેવાના મેળાપ પર રોકટોકનો અર્થ રહેતો નહોતો. ઘણી વાર પ્રોફેસર બેઠકમાં ગેરહાજર રહી, જુવાન હૈયાંને મોકળાશ આપતા. આજે તો રેવાએ કરી રાખેલું : મારે આનંદનું પર્સનલ કામ છે, આજે અમને જ વાતો કરવા દેજો!

ઘણું બધું વિચાર્યું હોવા છતાં અત્યારે આનંદે સંવાદની શરૂઆત કરતાં જ રેવા મૂંઝાઈ.

કયા શબ્દોમાં આનંદને કહેવું કે જેને તમે ભગવાનનો દરજ્જો આપ્યો છે તે અનન્યા દી વેશ્યાનું કામ કરે છે!

આ એક ઘટસ્ફોટ જ્વાળામુખીની જેમ ફાટ્યો તો એમાં ઘણું બધું સ્વાહા થઈ જવાની દહેશત હતી!

મારે ભેદ ખોલી દેવો કે પછી...

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK