કથા-સપ્તાહ - કુરબાની (કરમ-કુંડળી - ૨)

Published: 16th October, 2012 05:19 IST

પડખે રાતની રાણીનું બેપનાહ હુશ્ન એવું વીખરાયું હતું, જાણે ફૂલોનો બગીચો ખુશબૂ લૂંટાવાનું ઇજન દેતો હોય!
અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |તેણે આળસ મરડી.

પડખે રાતની રાણીનું બેપનાહ હુશ્ન એવું વીખરાયું હતું, જાણે ફૂલોનો બગીચો ખુશબૂ લૂંટાવાનું ઇજન દેતો હોય!

શું નામ આપ્યું હતું તેણે? સારવી... ના, ના, શર્વરી! માય ફૂટ.

ઍની વે, નાઇસ ગર્લ. તેના હોઠ વંકાયા : અંહ ત્રીસ-બત્રીસની જણાતી યુવતી માટે ગર્લ નહીં,

વુમન શબ્દ વધુ બંધબેસતો લાગે! યસ, આ સ્ત્રી મને બધી જ રીતે બંધબેસતી નીવડવાની!

પોતાની કમ્પૅન્યનનું ઉઘાડું બદન વાસનાનું ઘોડાપૂર જન્માવે એ પહેલાં બીપ... બીપના હળવા અવાજે તેનું ધ્યાન ફંટાવ્યું : આ તો વાયરલેસનું સિગ્નલ!

પોતાની બેડ પાર્ટનરની નીંદરની ખાતરી કરી તે ઔરંગાબાદની પંચતારક હોટેલના સ્વીટના ક્લોઝેટ તરફ વળ્યો. તેના પગરવે તેની શય્યાસંગિનીની નીંદર ઉડાડી મૂકી હોવાનું તેની જાણબહાર રહ્યું!

€ € €

કશાક સંચારે અનન્યાની પાંપણ સળવળી.

પોતે ઘરે નહીં. હોટેલમાં હોવાના અહેસાસે ત્વરિત આંખો ઊઘડી, નજર સીધી ટેબલક્લૉક પર ગઈ : મળસકે ચાર!

બગાસું ખાતા તેણે પડખે નજર ફેંકી. અમર પથારીમાં નહોતો. કદાચ બાથરૂમ ગયો હશે.

અનન્યાને પોતાનું અંગેઅંગ તૂટતું લાગ્યું. બેહદ આકર્ષક પુરુષ પથારીમાં કેવો બળૂકો સાબિત થયો!

અમર સાથેનું સંવનન વાગોળતી અનન્યાને યાદ આવ્યો પોતાનો પ્રથમ અનુભવ!

કુટુંબના ભરણપોષણ માટે, ચાર દીવાલો - એક છતના છત્ર માટે તનની હાટડી માંડ્યા વિના છૂટકો નહોતો. તેના પહેલા ગ્રાહકનો બંદોબસ્ત કર્યો હતો મેનાએ.

‘મારા ઘણા કૉન્ટૅક્ટ્સ છે... તારા ફસ્ર્ટ ક્લાયન્ટ તરીકે મેં નિહારને સિલેક્ટ કર્યો છે. યંગ, હૅન્ડસમ ઍન્ડ વેરી એર્નેજેટિક. રાતભર તને સૂવા નહીં દે!’

સાંભળીને અનન્યા થથરેલી.

‘અરુચિ થતી હોય, અભદ્ર લાગતું હોય એવા હાવભાવ ન દાખવ અનન્યા... હજીયે ચેતવું છું, વાસનામાં અંધ બનેલો પુરુષ ગંદા શબ્દને પણ સારો કહેવડાવે એવી હરકત પર ઊતરી આવે ત્યારે તેને ઝેલવો દુષ્કર બની જાય છે... પૈસા ચૂકવનારો ગ્રાહક મનોરંજન લૂંટવામાં તસુભરની કસર નહીં ચલાવી લે એ યાદ રાખજે!’

અનન્યાએ મન મક્કમ કરેલું : હું દરેક વિકૃતિને પહોંચી વળીશ, જો એ મને એક છાપરું દઈ શકતી હોય!

‘ત્યારે તો નિહાર તારા માટે પરફેક્ટ છે. કળીને ફૂલ બનાવવાની કલામાં તે માહેર છે... યુ વિલ એન્જૉય હિમ.’

આડકતરી રીતે મેનાએ સમજાવી દીધું કે જ્યાં સુધી તું સમાગમ એન્જૉય નહીં કરે, પુરુષને મજા નહીં આવે.

‘જાણું છું, મેના. દરેક ધંધાના અમુક દસ્તુર હોવાના... બટ ડોન્ટ વરી, આની રીતરસમ અપનાવતાં મને વાર નહીં લાગે!’ અનન્યાએ ખાતરી ઉચ્ચારી મુશ્કેલી રજૂ કરી હતી, ‘ફરક એટલો કે હું રાતે બહાર ન જઈ શકું...’

દિવસભર નોકરી કરી, રાત્રે ભાઈઓને સુવાડ્યા પછી તે હૉસ્પિટલ પિતાની ખબર કાઢવા જતી, ત્યાં જ સૂઈ જતી. આ શેડ્યુલ ખોરવાવું ન જોઈએ.

‘ભલે, કારખાનામાં રજા મૂકી તું ધંધો પતાવતી રહેજે.’

નિહારની અપૉઇન્મેન્ટ ફિક્સ કર્યા પછી મેનાએ ચેતવેલી.

‘નિરાવૃત થવાના આ વ્યવસાયમાં વસ્ત્રો પર્હેયા પછી એકબીજાને ભૂલી જવાની ટેવ પાડવાની. કાલે નિહાર તેની વાઇફ જોડે ક્યાંક ભટકાઈ ગયો તો તારી નજરમાં એવો ભાવ ઊપસવો ન જોઈએ કે આ પુરુષનું મેં પડખું સેવ્યું છે!’

ત્યારે અનન્યાને સૂઝેલું.

‘એમ તો તે પુરુષને પણ મારી ઓળખ ન રહેવી જોઈએ.’

અનન્યા સાવચેતીપૂર્વક આગળ વધવા માગતી હતી. મેનાની જેમ હું બેધડક દેહવિક્રય ન કરી શકું... મારું આ પાસું ગોપનીય જ રહેવું જોઈએ. નહીંતર ખાનદાનની સાત પેઢીના માથે કલંક ચોંટે!

- અને અલ્પા નામ ધરી તે નિશ્ચિત્ત સમયે જુહુની ગૅલેક્સી હોટેલના કમરામાં પહોંચી હતી. દરવાજે ટકોરા મારતાં હાથ કાંપેલો, આવકાર આપતા નિહાર સામે સામું મલકી નહોતું શકાયું.

‘લંચ લઈને આવી છે? કશું ઑર્ડર કરી દઉં?’

અનન્યાને જવાબ સૂઝ્યા નહોતા. ખાધા પછી સમાગમ થતો હશે?

‘રિલૅક્સ. તારો આ ફસ્ર્ટ એક્સપિરિયન્સ છે એની મને જાણ છે.’

મીઠું મલકતો નિહાર આકર્ષક જણાયો હતો.

‘આવ, મારી બાજુમાં બેસ...’

બેઠાં પછી જે થતું ગયું એ અનન્યાની કલ્પના બહારનું હતું. તેની ભીતર આપોઆપ આવેગ ઊઠ્યાં, નિહારની ક્રિયાને આપમેળે પ્રતિક્રિયા સાંપડતી ગઈ.

- ચાર કલાકના અંતે, છૂટાં પડવાની ક્ષણે અનન્યાને અહેસાસ થયો કે પોતે કૌમાર્ય ગુમાવી, મેના કહે છે એમ કળીમાંથી ફૂલ બની ચૂકી છે!

‘તારી કિંમત.’

નિહારે ધરેલા પાંચ હજાર સાથે ઉચ્ચારાયેલો કિંમત શબ્દ અનન્યાએ ખટકવા દીધો નહોતો : આખરે આ સોદો જ હતોને!

પછી તો દસ દિવસમાં બીજા ચાર પુરુષોને રીઝવી તેણે મલાડમાં જ ઘરના ભાડા, પાઘડીનો બંદોબસ્ત પાર પાડ્યો. પિતાજીને કહી દીધું : કંપનીમાંથી લોન, બોનસ મળતાં બધું સમુસૂતરું પાર ઊતર્યું!

જૂઠ બોલ્યા વિના બીજો આરો પણ શું હતો? મેનાને ત્યાંથી ફરી પોતાના ઘરમાં. આ ઘર ખરેખર તો મેના જેવો ફ્લૅટ હતો, ચાલની ખોલી નહીં.

‘અનન્યા, આમાં તો ખાસ્સો ખર્ચો થયો હશે! તેં કેમનો મેળ પાડ્યો?’

ડિસ્ચાર્જ મેળવી ઘરે પધારેલા મનોહરભાઈએ ફ્લૅટ જોતાં જ નવાઈ દર્શાવી. આનંદ બોલી પડ્યો, ‘પપ્પા એ તો દીનો પગાર વધ્યો છે - હેં ને દી?’ તેરેક વરસનો થયેલો આનંદ બધું સમજતો હોય એમ પૂછતો. દી ઘર માટે કેટલું કરે છે એનો આનંદને ખ્યાલ આવતો જતો હતો, જ્યારે સત્યેન તોફાનમાંથીં ઊંચો આવે તોને?

‘દી, તારાં લાડપ્યારે તેને બગાડી મૂક્યો છે.’ આનંદ મોટાપણાંની રૂએ કહેતો ત્યારે ભાઈઓ પર ઓવારી જતી અનન્યા જવાબ વાળતી, ‘સત્યેન મારો કિશન છે ને તું રામ... તેની નટખટતાને તારે તારી ઠાવકાઈથી સરભર કરી લેવાની.’

અને ખરેખર, સૌથી નાના હોવાનો લાભ સત્યેનને મળ્યો. ઘરમાં સૌનો તે લાડકો. નવા ઘરમાં પિતાએ જોકે ઝાઝા દિવસો ન કાઢ્યા. મૃત્યુ પહેલાં આનંદને નજીક બેસાડી વારેવારે કહેતા : બેટા, મોટો થઈ કમાતો થા પછી તારી દીને જાળવજે, તેની જવાબદારી તને સોંપું છું. જોડે સત્યેન તો ખરો જ... તારી દીની કુરબાનીઓને તેના સ્નેહ તરીકે હરહંમેશ યાદ રાખજે, તેનાં અશ્રુ લૂછજે, તેની આંખમાં આંસુનું કારણ ન બનશો!

પિતાના દેહાંતે આનંદને વધુ ઠાવકો બનાવ્યો.

‘દી, હું તમારી જેમ ટ્યુશન કરું?’

ટ્યુશન...’

અનન્યા વિચારમાં સરી જતી: આજીવિકા માટે મને ટ્યુશન્સની સહાય કરનાર મિતાલીબહેન જેવાં ગુરુજનને મારા ‘ધંધા’ની જાણ થાય તો કેવો આઘાત પામે! જોકે તેમની જોડે હવે સંપર્ક પણ ક્યાં રહ્યો છે?

‘ના આનંદ, પૈસા કમાનારી હું બેઠી છું. મારી નોકરી સારામાં સારી છે. તું જાણે છે.’

‘હા, દી. હવે મેનામાસીની જેમ આપણે ત્યાંય બધી ફૅસિલિટીઝ છે.’

શરૂમાં અનન્યા ટકોરતી : મેનાને મોટી દી કહો, માસી કહી તેને એજેડ શું કામ બનાવો છો? પરંતુ મેનાને એનો વાંધો નહોતો : મને માસી સાંભળવું ગમે છે, મા જેવું તો લાગે!

આવે વખતે અનન્યાને ખ્યાલ આવ્યો કે દેહનો વ્યવસાય કરતી આ સ્ત્રી ખરેખર તો લાગણીભૂખી છે!

ખેર, પતનની ખીણમાં એક વાર ઝંપલાવ્યા પછી પાતાળ ક્યાં આવશે એનો ડર રહેતો નથી. ‘શરીરની પવિત્રતા હું ગુમાવી જ ચૂકી છું ત્યારે એ જ રસ્તે આગળ વધી ભાઈઓના ભવિષ્યને આર્થિક સલામતી શા માટે ન બક્ષું?’ તે મેનાને કહેતી, મેનાને પણ એમાં કશું ખોટું લાગતું નહીં. ધીરે-ધીરે અનન્યાના ધંધાનો વ્યાપ વધતો ગયો. અલબત્ત, તે કુશાગ્ર હતી અને એટલે જ સાવધ રહેતી : મારા આ રૂપની જાણ આડોશ-પાડોશમાં, સમાજમાં કે કાર્યસ્થળે થવી ન જોઈએ! રાતનું આઉટિંગ તે કદી ન સ્વીકારતી, કોઈ રંગીલો આદમી રખાત બનાવવા ઇચ્છે તો મક્કમતાથી ઇનકાર કરી દેતી, ઑફિસમાં વધતી રજાના કારણમાં કહેતી : પપ્પાના પાછા થયા પછી વ્યવહારના પ્રસંગો મારે જ સાચવવા પડે છે!

સમયને વીતતાં ક્યાં વાર લાગે છે? અભ્યાસમાં બન્ને ભાઈ તેજસ્વી નીકળ્યાં. મોટા આનંદને તેણે વકીલાતનું ભણવા પુણે મોકલ્યો. નાના સત્યેને કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે બૅન્ગલોરની વાટ પકડી. અનન્યાએ ર્ફોસ કરેલો : મારા એકલા પડવાના દુ:ખને ન ગણશો. બે-ચાર વરસ હૉસ્ટેલમાં ગાળશો તો પડકારને પહોંચી વળતાં શીખશો... આ દરમ્યાન અનન્યાએ મલાડમાં બે બેડરૂમનો ફ્લૅટ વસાવેલો, બન્ને ભાઈઓને બાઇક પણ અપાવડાવેલી. હવે આના પર તમારી ગર્લફ્રેન્ડ્ઝને ખૂબ ફેરવજો!

અનન્યા જાણતી-સમજતી કે બન્ને ભાઈઓ તેને માસમાન માને છે, એટલે આદર ધરાવે છે. મારા એક આદેશ પર માથું ધરી દે એટલું ચાહે છે. એક અવસ્થા પછી તે આવી મસ્તીમજાક કરતી રહેતી. દીકરો જુવાન થતાં માએ તેની મિત્ર જ બની રહેવાનું હોયને!

આનંદ-સત્યેન મુંબઈ બહાર ભણતા થયા પછી અનન્યાને પણ મુંબઈની આસપાસ ફરવા જેટલો અવકાશ મળ્યો, ‘હું અને મેના વીકએન્ડમાં ખંડાલા જઈએ છીએ...’ ભાઈઓને આવું કહેતી ત્યારે ખરેખર તો ખંડાલામાં કસ્ટમર સાથે તેનું બુકિંગ હોય... મેના જૂઠ સાચવી લેતી. વેકેશનમાં બન્ને સખીઓ આનંદ-સત્યેન જોડે મિનિમમ અઠવાડિયાની ફૅમિલી ટૂર માણતી. એ પ્રવાસ યાદગાર બની રહેતો.

‘દી, તમે તો અમારા ઉછેરમાં વ્યસ્ત હોઈ ન પરણ્યાં, પણ મેનામાસી કેમ...’ આનંદ આવા પ્રશ્નો કરી શકતો. બન્ને ભાઈઓ મેનાને પણ એટલું જ માને છે એની અનન્યાને જાણ હતી. હળવો નિ:શ્વાસ નાખી તે જવાબ વાળતી : કેટલાકની કુંડળીમાં લગ્નનો ગ્રહ જ નથી હોતો, આનંદ? પછી રણકો બદલતી : અમારું છોડ, તારી વાત કર. તારા જેવા દેખાવડા જુવાનને કૉલેજની કે પછી પુણેની કોઈ કન્યા ભાવ ન આપતી હોય એવું હું માનતી નથી.’

આનંદ શરમાતો. સત્યેને ધડાકો કરેલો : દી, તમે ભાઈનો મોબાઇલ ચેક કરો તો... કોઈ રેવા નામની છોકરીના ઢગલાબંધ કૉલ્સ હોય છે... આનંદની રતાશ વધેલી. હરખનો ધક્કો અનુભવતી અનન્યાએ વાત કઢાવી ત્યારે આનંદે કબૂલ્યું કે લૉ કૉલેજના પ્રાધ્યાપકની દીકરી રેવા તેને પસંદ કરે છે!

‘અને તું?’

‘દી...’ આનંદે અનન્યાનો હાથ હાથમાં લીધેલો, ‘તમારી પસંદ એ જ મારી પસંદ!’

- ત્રણ મહિના અગાઉના આનંદના આ જવાબે અત્યારે પણ અનન્યા ગદ્ગદ થઈ. ત્યાં દબાયેલો અવાજ સંભળાયો : હલો... હલો... ખાન કૉલિંગ.

અનન્યાની છાતીમાં ધ્રાસકો બોલાયો : મારી સાથે સૂતેલો હિન્દુ પુરુષ મુસલમાન છે?

(ક્રમશ:)Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK