કથા-સપ્તાહ - નર્તકી (સાધના-આરાધના - ૫)

Published: 5th October, 2012 05:16 IST

‘ફૅમિલી પોટ્ર્રેટમાં નિકિતાભાભી સાથે કોણ છે?’ છેવટે એલ્વિસે પૂછી લીધું.
અન્ય ભાગ વાંચો


1  |   2  |   3  |  4  |  5  |જમીને બેઠકમાં ગોઠવાયેલાં કનકરાય-ગરિમાબહેન મલક્યાં, વાસુદેવ હસ્યો, નિકિતા સહેજ શરમાઈ, જ્યારે લજ્જાએ એલ્વિસના માથે ટપલી મારી.

‘ભાભી સાથે મારો ભાઈ જ હોયને!’

‘યુ મીન, અનિરુદ્ધ?’ એલ્વિસ ઊભો થઈ ગયો.

‘કમાલ કરો છો, તમે એલ્વિસ. મારે એક જ ભાઈ છે, તેનું નામ અનિરુદ્ધ છે એટલે આ પણ અનિરુદ્ધ જ હોયને!’

બધાં પોતાને ટાંપી બેઠાં હોવાનું કળાતાં એલ્વિસ સાવધ થયો. ના, બીજા તો ઘરના છે, પણ વાસુદેવની હાજરીમાં ઘટસ્ફોટ થાય એમ નથી!

‘વાસુદેવ, કૅન યુ ડુ મી અ ફેવર? મારા માટે બૉલીવુડની સિલેક્ટેડ સીડીઝ ખરીદી હોટેલની રૂમ પર પહોંચાડે તો...’ કહી પંદરસો રૂપિયા થમાવ્યા. આ બધો ખર્ચો ઑફિસના ખાતે હતો.

વાસુદેવના જતાં લજ્જ બોલી ઊઠી.

‘હી ઇઝ અ વેરી નાઇસ મૅન. એમ તો મારો જૂનો પાર્ટનર શ્રીધર પણ મજાનો ડાન્સર હતો. હં...’ હારવાળો કિસ્સો કહી તેણે ઉમેર્યું, ‘એનો તાગ હું આજેય પામી શકી નથી... બટ નો રિગ્રેટ્સ, શ્રીધર ખુશ છે, અમે હજીયે એકમેકના સંપર્કમાં છીએ, ફિલ્મના શૂટ માટે તે હાલ હૈદરાબાદ છે...’

‘તારી ભેદવાળી વાતમાં દમ છે, લજ્જા.’

એલ્વિસે ગંભીરપણે કહેતાં સૌ ટટ્ટાર બન્યાં.

‘અહીં આવતાં અગાઉ મને પચાસ હજાર ડૉલર્સની ઑફર મળી છે - તને ઇન્જર્ડ કરવાની.

ઓ મા.

‘અને એના પચાસ ટકા ઍડવાન્સ કૅશમાં ચૂકવનાર શખસનું નામ છે અનિરુદ્ધ!’

ઘર પણ જાણે વીજળી પડી.

‘વેઇટ,’ એલ્વિસે ઉતાવળે ઉમેર્યું, ‘તે આ અનિરુદ્ધ નહોતો.’

હા...શ!

‘મારા ભાઈ હોઈ જ ન શકે...’ લજ્જાએ ધરબાઈ રહેલી લાગણીને વાચા આપી, ‘આજે કબૂલ કરું છું, એક તબક્કે મને વહેમ થયેલો - જેનો સવાલ હું કદી પૂછી ન શકી. ડૉ. મીતાની મદદ લઈ શ્રીધરનું પત્તું ભાઈએ તો સાફ નથી કર્યુંને?

માતા-પિતા ચોંક્યાં. નિકિતા સહેજ ડઘાઈ.

‘એનું કારણ હતું શ્રીધર. ક્યારેક મને વળગી પડતો એ ભાઈને ગમતું નહીં... પછી લાંબું વિચારતાં લાગ્યું કે જે સંસ્કાર મને શ્રીધરને ચોર માનતાં રોકતા હતા એ જ સંસ્કાર ભાઈને કદી આવું કામ કરવા ન દે! ભાઈએ શ્રીધરની વર્તણૂક સુધારવા પર ફોકસ કર્યું હોત, તેને બદનામ કરી હાંકવાનું તેમને સૂઝે પણ નહીં! ઘટના પછી તેમણે કદી મને શ્રીધરનો સંપર્ક રાખતાં ટોકી નથી, મારો તર્ક મિથ્યા હોવાનું બીજું શું સબૂત જોઈએ?’ લજ્જાએ સમાપન કર્યું, ‘ભાઈ બાબત મનનું સમાધાન થયા પછી મેંય ઘટના વિસારે પાડી.’

‘બેટા,’ કનકરાયે દીકરીના માથે હાથ ફેરવ્યો, ‘અનિને શ્રીધર બાબત કશુંક ખટક્યું પણ હોત તો તારા પ્રત્યેની પઝેસિવનેસને કારણે, તું તેની કેટલી લાડલી.’

‘જાણું છું, પપ્પા...’ સંમત થતી લજ્જાના દિમાગમાં સળવળાટ સર્જાયો : પઝેસિવનેસ! દર વખતે સરકી જતું રહસ્યતત્વ હાથ લાગ્યું હોય એવા આવેશમાં આવી ગઈ તે.

- ‘લજ્જા જે કંઈ કરે એમાં અવ્વલ જ રહેવાની!’ (મૂક રહેલો શબ્દ : મારી - મારી લજ્જા!)

- ‘તને શ્રીધર જેવા મામૂલી કોરિયોગ્રાફર પર આટલો વિશ્વાસ કેમ છે?’ (ભાવાર્થ : તને મારામાં વિશ્વાસ નથી?)

- ‘હાઉ કૅન યુ બી સો- ’ (અધૂરું વાક્ય : રૂડ ટુ મી, યૉર ટ લવ!)

- અને ડ્રાઇવરના શબ્દો : માલિક પોતાની માનીતી ચીજમાં નુકસાની નથી સહી શકતા... (આમાં આકાશનો પઝેસિવ નહીં, ઓવર પઝેસિવ નૅચર છતો થાય છે.)

- આ તમામ ક્લુનો સરવાળો કરો તો જવાબ શું મળે છે?

- એ જ કે પહેલી નજરમાં મારાથી અંજાયેલો આકાશ વખત જતાં મારા એકપક્ષી પ્રેમમાં પડ્યો, જેથી તેનો માલિકભાવ જાગ્યો, તેનો પહેલો શિકાર બન્યો શ્રીધર!

હાંફી ગઈ લજ્જા. આ શક્ય છે ખરું?

‘કેમ નહીં!’ લજ્જાના ખુલાસા પછી નિકિતાની બુદ્ધિ ચાલી, ‘હારની ચોરીનો જ કિસ્સો લઈએ... મને યાદ છે, હાર ચોરવાનો ચાન્સ ત્રણને સુલભ હતો - દિવાકર, આકાશ અને શ્રીધર... પરંતુ એ હાર ચોરી કરીને શ્રીધરની બૅગમાં સંતાડવાનો ચાન્સ કેટલાને હતો?’

‘માત્ર શ્રીધર અને આકાશને... કેમ કે બીજું કોઈ અમારા રૂમ પર આવ્યું નહોતું. શ્રીધરે આવું કર્યાનું આપણે માનતા નથી, એટલે સાજિશ આપોઆપ આકાશની પુરવાર થાય છે, ઓહ, હાઉ સિમ્પલ ઇટ વૉઝ!’

‘થોડાં વધુ ઊંડાં ઊતરીએ,’ કનકરાયે સાથ પુરાવ્યો. લજ્જાને કોઈ નુકસાન પહોંચાડવા માગતું હોવાના ખબર પછી મામલો સિરિયસ બની ગયો ગણાય, ‘આકાશે બીજું કોઈ નહીં ને ડૉ. મીતાનો જ હાર કેમ પસંદ કર્યો?’

‘વેલ... ઇઝ વૉઝ એક્સ્પેન્સિવ જ્વેલરી.’ લજ્જાને આમાં વહેમ જેવું કંઈ ન લાગ્યું. પોતાના કઝિનની પાર્ટીમાં પહેરવા મીતા ખાસ હાર જોડે લઈને આવેલી. આકાશે પાછળથી મીતાને પૂછ્યું પણ હતું કે હાર જોનારા કોઈ સાક્ષી છે ખરા?’ ડચકાં ખાતી લજ્જાએ કપાળે હાથ મૂક્યો, ‘હે ભગવાન! આકાશના પૂછવા પરથી સાબિત થતું હતું કે હારના અસ્તિત્વથી તે નાવાકેફ હતો, જે વાસ્તવમાં શક્ય નથી! આખો ખેલ ગોઠવનારને હાર હોવાની જાણ હોય જ, મે બી મીતાએ જ કહ્યું હોય!’

‘કે પછી મીતા આકાશના કહેવાથી જ હાર લઈને આવી હોય!’

પહેલી વાર ચર્ચામાં ઝુકાવતાં ગરિમાબહેન એવું કંઈક બોલી ગયાં કે સૌને વિચારતાં કરી મૂકે.

‘મીતાની સંડોવણી સાબિત કરવાનો એક રસ્તો છે...’ હોઠ ભીડી લજ્જા ફોન તરફ વળી, ‘મીતા અત્યારે દવાખાને હશે, હું તેના ઘરે ફોન જોડું છું...’

રિંગ જતાં તે ટટ્ટાર થઈ. સામા છેડે મીતાનાં માતુશ્રી હતાં. લજ્જાની ઓળખે તે બહુ હરખાયાં નહીં, જોકે મીતા જ્વેલરી બહુ ફાઇન પહેરે છેનાં વખાણે પોરસાયાં, પણ ભત્રીજા વિરાજના ઉલ્લેખે મોં બગાડ્યું. ‘પાર્ટી અને વિરાજ? મારા દિયર જેવો જ તે કંજૂસ. આટલાં વરસોમાં તેણે કોઈ પાર્ટી આપ્યાનું મેં જાણ્યું નથી, મારી બાઈ!

- વિરાજને ત્યાં પાર્ટી હોય જ નહીં છતાં એના બહાને હાર લાવવાની જરૂર કેમ પડે? શ્રીધરની ફસામણીના કેસમાં મીતા આકાશનો હાથો બની હોય તો જને!

તારી માએ જ તારો ભાંડો ફોડી નાખ્યો, ડૉ. મીતા ગોસ્વામી! શ્રીધરને દૂર કરી તારે મને સ્પર્ધામાં નબળી પાડવી હતી. આકાશે તેના ‘પ્રેમમાર્ગ’નો ‘કાંટો’ દૂર કરવો હતો - તમારા સ્વાર્થે તમારી ગાંઠ એક થઈ હોવાનું પુરવાર કરવા હવે સબૂતની જરૂર નથી!

‘હવે બીજો મુદ્દો,’ નિકિતાને ધક્કો માર્યો, ‘એલ્વિસને હાયર કરનાર અનિરુદ્ધનું નામ કેમ વાપરે છે?’

‘માની લઈએ કે આમાં પણ આકાશનો જ હાથ હોય...’ લજ્જાએ અંકોડા મેળવ્યા, ‘શ્રીધરના મામલે હું ભાઈથી નારાજ હોવાની તેને જાણ હતી. ડાન્સર્સની માહિતી આકાશ પાસે હતી એમાં એલ્વિસ તેને અનુકૂળ લાગ્યો હોય, તેને મારો પાર્ટનર બનાવવાનો આગ્રહ આકાશનો જ હતો - એ અરસામાં ભાઈ અમેરિકા હોવાનું પણ તે જાણતો હતો. આટઆટલા જોગાનુજોગ એક જ વ્યક્તિને સાંકળતા હોય એનો અર્થ શું? એલ્વિસને મળવા જનારે પોતાનું કોઈ એક નામ આપવાનું હતું, એમાં ભાઈનું નામ વાપરવાનો સુઝાવ આકાશનો જ હોય!’

‘વેલ, મને અનિરુદ્ધ બનીને મળનારો મારા વિશે ઘણું જાણતો હતો. ત્યાં સુધી કે મારા ઘરની દી..વા..લ...’ હવે એલ્વિસને બત્તી થઈ, ‘વેઇટ, મારા ઘરે કોઈની અવરજવર રહેતી નથી. બટ યસ, વેબકૅમ ખોલીને બેસું ત્યારે પાછલી દીવાલનો ધબ્બો સામાને જરૂર પરખાય - મારી સાથે ચૅટ કરનાર શખસ હતો આકાશ! આની પાછળ મારી લાયકાત, મારા સંજોગ સમજવાનો જ આશય હોય...’

‘તો શું આકાશે ઑફિસથી કોઈ આદમી ન્યુ યૉર્ક મોકલ્યો હશે?’

‘ના,’ વળી બધાને ચોંકાવતાં ગરિમાબહેને ગળું ખંખેર્યું, ‘મંદિરે મળતાં આકાશનાં મમ્મી ગયા મહિને જ બોલી ગયેલાં કે તેમના ભાઈનો દીકરો સુકેતુ ન્યુ યૉર્ક ભણે છે, એટલું જ નહીં, આકાશ-સુકેતુ વચ્ચે સગા ભાઈ જેવો સ્નેહ છે એનોય હરખ જતાવેલો તેમણે.’

અર્થાત્ ભાઈની સો કોલ્ડ લવસ્ટોરી થાળે પાડવા સુકેતુએ અનિરુદ્ધનો રોલ ભજવ્યો, ‘મને હજીયે બે સવાલ પજવે છે...’ એલ્વિસે મૂંઝવણ જતાવી, ‘આકાશ લજ્જાને ચાહતો હોત તો શા માટે તેને નુકસાન પહોંચાડવા ઇચ્છે? ઍન્ડ મોર ધેન ધૅટ, મારા ઍક્સિડન્ટ કરવાથી લજ્જાને મહિનાનો ખાટલો થશે જ એવું કેમ તેમણે ધાર્યું, કેમ જાણે પોતે ઑર્થોપેડિક્સ નિષ્ણાત હોય!’

તેના શબ્દોમાં જ ઇશારો હતો, પરંતુ અહીં બધાની તર્કશક્તિ જવાબ દઈ ગઈ. નિકિતાએ ફોન જોડી અનિરુદ્ધને ઘરે બોલાવ્યો. આખું ઘટનાચક્ર પળભર તો તેને અવાક કરી ગયું. છેવટે તેને સૂઝ્યું, ‘મારો એક પ્લાન છે.’

€ € €

મંગળવારની સવારે એલ્વિસ-લજ્જા એ-વનના બિલ્ડિંગમાં પ્રવેશ્યાં ત્યારે અનિરુદ્ધ-નિકિતા ડૉ. મીતા ગોસ્વામીની ઑર્થોપેડિક હૉસ્પિટલનાં રસ્તે હતાં. પોલીસ છૂપી રીતે તેમની મદદમાં હતી.

€ € €

‘ઓ...રે!’ પડતું મૂકતી લજ્જાએ (બનાવટી) ચીસ નાખી, એલ્વિસે ગભરાટ દાખવ્યો, બન્નેના અભિનયે વાસુદેવને ભરમાવ્યો.

‘જા, જલદી... આકાશને મેસેજ આપ કે રિહર્સલ કરતાં લજ્જા બૅડલી ઇન્જર્ડ થઈ છે - શી નીડ્સ અર્જન્ટ ટ્રીટમેન્ટ.’ એલ્વિસનો દોડાવ્યો વાસુદેવ દોડી ગયો.

€ € €

ઍટ લાસ્ટ...

ડેસ્ક કમ્પ્યુટર પર ઝબૂકતા લજ્જાના ફોટાને આકાશ મદભરી નજરે નિહાળી રહ્યો.

તારી એક નજરમાં હું ઘાયલ થયો, લજ્જા... ‘ઝલક’માં તને નિહાળતો ગયો એમ તું હૈયે સ્થાન જમાવવા માંડી. હવે તું મારી હતી... તને અડવાની શ્રીધરની મજાલ? મારું લોહી તપ્યું. ત્યાં મીતાનો લજ્જા પ્રત્યેનો ઈર્ષાભાવ આંખે ચડ્યો. આમ તો મારી લજ્જાની ઈર્ષા કરનારને હું બક્ષત નહીં, પણ મીતાના સાથમાં વધુ સમજદારી લાગી. નિજસ્વાર્થે એક થઈ અમે શ્રીધરનો કાંટો દૂર કર્યો. તેના સ્થાને પરિણીત વાસુદેવને મૂકી હું ટાઢો થયો. ત્યાં સુધીમાં મીતા મારી લાગણી પામી ગઈ હતી. તેણે ઉપાલંભ કર્યો - તું કેટકેટલા શ્રીધરને હટાવીશ, આકાશ?

નૃત્ય લજ્જાનું જીવન છે, એ કદી ડાન્સ છોડવાની નથી એટલે તખ્તે તેના જોડીદાર ઘટવાના નથી!

આનો ઉપાય પણ તેણે જ જતાવ્યો : હું ઑર્થોપેડિક સજ્ર્યન છું. ધારો કે લજ્જાને રિહર્સલમાં અકસ્માત થાય તો ઇમર્જન્સી સારવાર માટે અહીંથી નજીક પડતી મારી હૉસ્પિટલમાં જ આવવું પડે - ટ્રીટમેન્ટ દરમ્યાન હું તેને બેહોશ કરી ડાબા પગનો ચોક્કસ સ્નાયુ એ ઢબે ચીરીશ કે ફરી તે ચાલી તો શકશે, પણ કદી નાચી નહીં શકે! મારી સર્જરી નૉન-રિપેરેબલ હશે, જે બન્યું એમાં સૌ અકસ્માતનો જ દોષ માનશે!

વૉટ ઍન આઇડિયા! મીતાની લજ્જા પ્રત્યેની દાઝ મારા ફાયદામાં રહેવાની... અલબત્ત, વાસુદેવ જેવા લોકલ આદમીને ફોડવામાં જોખમ વર્તાયું, એના કરતાં પરદેશી પંખી જેવા વિદેશી ડાન્સર્સ શું ખોટા? જોઈ-વિચારી એલ્વિસ પર કળશ ઢોળ્યો. સુકેતુએ તેને પલોટ્યો.

‘મારે એલ્વિસને શું પરિચય આપવો?’ એવું તેણે પૂછતાં લજ્જાની નિકિતા જોડેની ટેલિટૉક પડઘાઈ હતી, જેમાં અનિરુદ્ધના ન્યુ ર્યોક જવાનો ઉલ્લેખ હતો. આપોઆપ કહેવાઈ ગયું, તારું નામ અનિરુદ્ધ રાખજે.’ મારા પ્રેમ ખાતર સુકેતુ બધું કરી છૂટે!

ખેર, ઍડવાન્સ અને મૅગી બાબતની (લુખ્ખી) ધમકીએ ધાર્યું કર્યું. એલ્વિસે અકસ્માત સજ્ર્યો અને ઇન્જર્ડ લજ્જાને ડૉ. મીતાની હૉસ્પિટલ લઈ જઈ રહ્યાં છે... વાસુદેવે ખબર લાવતાં પોતે જ કહેલું - ડૉ. મીતાના દવાખાને લઈ જાવ. એ નજીક પડશે!

પાંચમા માળની કૅબિનની બારીમાંથી આકાશે જોયું તો પીડાથી કણસતી લજ્જાને સ્ટ્રેચર વડે ઍમ્બ્યુલન્સમાં દાખલ કરાઈ, જોડે એલ્વિસ બેઠો.

નાઓ ઇટ્સ ટાઇમ!

આકાશે ડૉ. મીતાનો મોઇબાલ જોડ્યો, ‘ડો. મીતા? આકાશ હિયર! આપણી પેશન્ટ રવાના થઈ છે - પગમાં જ લાગ્યું છે. આપણા પ્લાન પ્રમાણેની સર્જરી તમે પાર પાડો એટલે લજ્જાની જિંદગીમાંથી નૃત્ય નામશેષ થાય અને માત્ર આકાશ જ આકાશ રહે...’

બિચારો જાણતો નહોતો કે પોતાનો ફોન ટેપ થઈ રહ્યો છે, ને સામા છેડે મીતાના મોબાઇલ સહિત કૅબિનનો હવાલો મહિલા પોલીસ-અધિકારીએ ક્યારનો લઈ લીધેલો! અનિરુદ્ધ-નિકિતા સાથે પાછળથી જોડાયેલી, પોતાની પેશન્ટ બનીને આવનારીએ મહિલા ઇન્સ્પેક્ટર હોવાનો ફોડ પાડતાં મીતા ધþૂજેલી, ‘આ બધું શું છે અનિરુદ્ધ?’ કહી કડપ દાખવવા ગઈ તો તમાચાથી ગાલ ચિરાયેલો, એમાં હવે આકાશે બધું ઓકી નાખી બચાવની ગુંજાઇશ રહેવા ન દીધી‘

પલટાયેલા પાસા પર નિ:શ્વાસ જ નાખી શક્યાં ડૉ. મીતા ગોસ્વામી!

€ € €

ઉપસંહાર :  ‘મૅગીનું જોખમ વળોટી એલ્વિસ તેને વેચાયેલી કામગીરીને ખુલ્લી પાડશે એવું આકાશે ધાર્યું ન જ હોય, એમ તેની ઑર્થોપેડિક એક્સપર્ટવાળી કૉમેન્ટે મીતાની સંડોવણીનો ઇશારો આપ્યો - લજ્જાને હાનિ પહોંચાડવાનો તર્ક આ એક જ રીતે જસ્ટિફાય થઈ શકે એમ હતો એટલે આકાશની યોજના અનુસાર વર્તવાનો ઢોંગ રચીને જ તેમનો પર્દાફાશ કરવાનો પ્લાન કામિયાબ રહ્યો...’ અનિરુદ્ધની સ્પષ્ટતા, પોલીસે ધારી મદદ કરી. મીતાની અરેસ્ટ પછી આકાશની ધરપકડ થઈ. તે એવો તો હેબતાયેલો! ‘લજ્જા તેં મારી ફરિયાદ કરી?’ કહી શક્યો પણ હતો! ‘હું તમારો પ્રેમ કદી કબૂલ ન રાખત, આકાશ... કેમ કે પ્રેમ સ્વીકારાય, પ્રેમનો અતિરેક નહીં!’ લજ્જાએ દૃઢતાથી કહેલું. જનકભાઈ-સગુણાબહેનને દીકરાના માનસનો ખ્યાલ ખરો, પણ લજ્જા પ્રત્યેની ચાહતથી તેઓ અજાણ હતાં. જાણીનેય નિ:સાસો નાખ્યા સિવાય બીજું શું થઈ શકે? એવી જ હાલત મીતાની ફૅમિલીની.

કોર્ટકેસના ફણગાએ ‘ઝલક...’ને વિવાદમાં આણતાં ચૅનલવાળાએ સમજીને અધૂરી બાજીએ એનો વીંટો વાળી, નવો રિયલિટી શો ઑન ઍર મૂકી દીધો. આકાશનો હવાલો સાયન્ટિસ્ટને સોંપાયો, મીતાની ડિગ્રી પાછી ખેંચાઈ. ચોરીનો દાગ મીટવાથી શ્રીધર ખુશ છે.

દીકરીને બચાવનાર એલ્વિસ હવે કનકરાય-ગરિમાબહેનના ત્રીજા સંતાન જેવો છે. તેમની મદદથી બ્રૉડવેમાં શોઝ કરી નામ-દામ પામ્યો છે. મૅગી સાથે તેનું સહજીવન સુખી છે. અનિરુદ્ધની બીજી નવલ પણ સુપરહિટ રહી. હવે પપ્પા બનવાની વાટ જુએ છે. અને લજ્જા? ‘રાધા’ની નૃત્યનાટિકા ભજવતી નર્તકીને તેના શ્યામનો ઇન્તેજાર છે!

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK