કથા-સપ્તાહ - નારી (મૈં નારી હૂં, ન હારી હૂં - ૫)

Published: 2nd November, 2012 05:42 IST

‘શક?’ ઑફિસના એકાંતમાં વનલતાબહેને ધડાકો કર્યો, ‘હવે તો મને ખાતરી થતી જાય છે, રાશિ કે જે અકસ્માતમાં તેં દૃષ્ટિ ગુમાવી એમાંય કશો ગરબડગોટાળો છે! તું ઈજાગ્રસ્ત બને ને આનંદ સાંગોપાંગ બચી જાય એવું ક્યારે બને - ઍક્સિડન્ટ તેણે પ્લાન કર્યો હોય તો જ ને!’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5
‘રાશિ, તારી વર્ષગાંઠે આનંદ ઉપવાસ કરે છે?’

વનલતાબહેનની ગણતરીએરાશિને ડઘાવી,

‘મા, તમે ક્રૂર છો. આનંદના પ્રેમ પર શક કરો છો!’

‘શક?’ ઑફિસના એકાંતમાં વનલતાબહેને ધડાકો કર્યો, ‘હવે તો મને ખાતરી થતી જાય છે, રાશિ કે જે અકસ્માતમાં તેં દૃષ્ટિ ગુમાવી એમાંય કશો ગરબડગોટાળો છે! તું ઈજાગ્રસ્ત બને ને આનંદ સાંગોપાંગ બચી જાય એવું ક્યારે બને - ઍક્સિડન્ટ તેણે પ્લાન કર્યો હોય તો જ ને!’

‘મા!’ રાશિ સહેજ ચીખી, ‘મારા આનંદ વિશે તમે આવું કહી જ કેમ શકો!’ પતિના બચાવના આવેશમાં તે બોલી ગઈ, ‘આનંદ ઊગર્યો, કેમ કે અકસ્માત સમયે આનંદ નહીં, તેના બૉસ આર્ય કમલકાંત મહેતા મારી જોડે હતા, અમે કર્જતના ફાર્મહાઉસ જઈ રહ્યાં હતાં.’

પોતે બફાટ કરી રહી છે એનો ખ્યાલ આવતો હોય એમ તે એકદમ ચૂપ થઈ, પણ વનલતાબહેનની ભીતર અલાર્મ બજી ચૂક્યું હતું! રાશિ આનંદના બૉસ જોડે એકલી શું કામ જાય, એ પણ ફાર્મહાઉસમાં?

શરૂમાં તો રાશિએ ગોળ-ગોળ જવાબ વાળ્યાં, પણ ચતુર વનલતાબહેને સતત આનંદ વિરુદ્ધ કૉમેન્ટ્સ કરતાં તેણે કબૂલી લીધું : પતિની પ્રમોશનની ઝંખના પૂરી કરવા હું સોદારૂપે આર્ય જોડે રાત ગાળવા તૈયાર થઈ, એમાં ખોટું શું છે? આનંદનો શું વાંક છે?

ઘટના જાણી વનલતાબહેનને રાશિ પ્રત્યે અનુકંપા થઈ એમ આનંદ વિરુદ્ધ રોષ ઊપજ્યો : મહામતલબી માણસ. સ્વાર્થ સર્યો એટલે આંધળી થયેલી પત્નીને ચુસાયેલા ગોટલાની જેમ ફેંકી દીધી! એ પણ રાશિ સામે ચાલીને પોતાને છોડે એવો ખેલ રચીને!

ખેલ!

વનલતાબહેન હાંફી ગયાં. જો હું ધારું છું એવું જ હોય તો-તો રાશિની આયા શ્યામાબહેને ઘરમાં ચોરીઓ કર્યાના કિસ્સામાં પણ ભેદ હોવો જોઈએ... આનંદનું આ રૂપ રાશિ સમક્ષ ઊઘડવું જ જોઈએ, પોતે કોના માટે શું ગુમાવ્યું છે એની ખાતરી થાય તો જ રાશિ ખુદની સાથે ન્યાય કરી શકવાની!

વળી, આનંદ જેટલો જ કસૂરવાર તેનો બૉસ પણ ખરોને. શી પુરુષની ભ્રમરવૃત્તિ! આર્ય કમલકાંત મહેતા...

આ નામ મને અજાણ્યું કેમ નથી લાગતું? બે-ચાર વાર નામ મમળાવતાં વનલતાબહેન સહેજ કંપી ઊઠ્યાં: કમલકાંત!

શું રાશિનો વર્તમાન મારા ભૂતકાળને સજીવન કરી રહ્યો છે?

આર્યની ભાળ કાઢતાં આટલું કન્ફર્મ થયું, હૈયે ઝંઝાવાત ઊમડ્યો. આખી રાત તેમણે વિચારમાં ગાળી. બીજી સવારે રૂમ પરથી જ ફોન જોડ્યો,

‘હલ્લો, હું રંભાશેઠાણી જોડે વાત કરી શકું?’

સામા છેડે યશોધરાને સહેજ અચરજ થયું. માને શેઠાણી તરીકે સંબોધનાર સ્ત્રી ઘર કે કંપનીની જૂની કર્મચારી હોવી જોઈએ, બાકી નવા સ્ટાફને તો તેમનો પરિચય પણ ક્યાં!

‘મા આમ તો વરસોથી હરિદ્વાર રહે છે...’ યશોધરાએ ખુલાસો કર્યો, ‘પણ તેમની તબિયત થોડી નાદુરસ્ત રહેતાં ગયા મહિને હું આગ્રહ કરી અહીં લઈ આવી, હવે તેમને સારું છે. અત્યારે પૂજામાં બેઠાં છે.’

વહુના આગ્રહવશ મુંબઈ આવેલાં રંભાબેહન હરિદ્વાર જવા માટે ઉતાવળ કરતાં હતાં, એ દરમ્યાન જ વનલતાબહેનનો ફોન ગયો એમાં નિયતિને જ કારણભૂત માનવી જોઈએ.

‘હું મલાડના દૃષ્ટિ અંધાશ્રમની સંચાલિકા,’ પરિચય આપી તેમણે ઉમેર્યું, ‘જોકે તારાં સાસુ મને પદથી નહીં, નામથી ઓળખશે. તેમને કહેજે, વનલતાનો ફોન હતો, શક્ય હોય તો તેમને લઈ તું દૃષ્ટિ પર આવી જા, કહેજે તાકીદનું કામ છે.’

€ € €

યશોધરાને નવાઈ લાગતી હતી. પૂજામાંથી પધારેલાં સાસુમાને અંધાશ્રમનાં સંચાલિકાનો સંદેશો આપતાં વનલતાના નામે ચમત્કાર સર્જાયો હોય એમ તે ખળભળી ઊઠેલાં. આર્ય ઑફિસે નીકળતાં જ સાસુ-વહુ આશ્રમે આવવા નીકળી.

‘વનલતા આપણી વર્ષોજૂની આયા.’ રસ્તામાં રંભાબહેને શરૂઆત કરી. યશોધરા સેલ્ફ-ડ્રાઇવિંગ કરતી હતી એટલે વાત બીજા કાને પડવાની નહોતી. પોતે વહુને બધું કહેવા માગતાં હતાં, પણ કહેવાતું નહોતું, ‘તું એ તો જાણે છે, આર્યના જન્મ સમયે મારાં સાસુ હયાત નહોતાં, રિવાજ પ્રમાણે સુવાવડ સાસરામાં કરવાની હતી એટલે માએ વતનથી ખાસ વનલતાને મારું ધ્યાન રાખવા મોકલી. ઉંમરમાં મારાથી બે-ચાર વરસ નાની હશે, પણ હાથની ચોખ્ખી, નીયતની સાફ. બે-ચાર મહિનામાં તે મારા ઘરમાં ભળી ગઈ. મા-બાપ વિનાની છોકરીને પરણાવી થાળે પાડવાના મનસૂબા હું ઘડતી હતી, પણ...’

રંભાબહેને ગળું ખંખેર્યું.

‘જિંદગીમાં પહેલી વખત કોઈ બીજા સમક્ષ કબૂલું છું, યશોધરા, તારા શ્વશુરનું ચારિત્ર્ય સારું નહોતું.’

રંભાબહેને પહાડ ચડવાનો શ્રમ અનુભવ્યો. કંપારી અનુભવતી યશોધરાએ જોકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો નહીં.

‘મને છેવટના દિવસો જતા’તા... બેડરેસ્ટ ફરજિયાત હતો. આખા ઘરમાં કામકાજ માટે ફેરફુદરડીની જેમ ફરતી રહેતી વનલતાનું યૌવન કમલકાંતની આંખે ચડી ચૂકેલું,’ રંભાબહેને હોઠ પીસ્યા, ‘પ્રસૂતિ માટે હું અઠવાડિયું હૉસ્પિટલમાં રહી એ દરમ્યાન વનલતાને રૂમમાં ગોંધી વારંવાર બળાત્કાર કરતો રહ્યો મારો વર! પ્રાઇવેટ નર્સની વ્યવસ્થા થઈ હોઈ દવાખાને મને વનલતાનો ખપ નહોતો, હું મૂરખી કમલની વાતોમાં ભોળવાઈ.

એવું માનતી રહી કે વનલતા મારું ઘર સાચવે છે!’

અરેરે.

‘ઘરે પહોંચતાં મારો પુત્રજન્મનો હરખ શોકમાં બદલાઈ ગયો... રડતી, તૂટતી વનલતા મને બાઝી પડી, તેનો દીદાર મને આજેય ક્યારેક કંપાવી દે છે. વારી-વારી મેં પૂછ્યું ત્યારે તેણે ભેદ ખોલ્યો, મારા પગતળે જમીન રસાતળ થતી ગઈ. કમલકાંતે બેધડક આરોપ નકાર્યા : વનલતા લબાડ છે, ક્યાંક બીજે મોં કાળું કરી મને ફસાવવા માગે છે! બાકી તેની પાસે પુરાવા શું છે?’ રંભાબહેને ઊંડો શ્વાસ લીધો, ‘એક તરફ પતિ પરનો અખૂટ વિશ્વાસ ને બીજી બાજુ એક નારીની આદ્રર્ ફરિયાદ! ત્યાં પુરાવા શબ્દે મને ઝબકારો થયો. નારીનાં અંગો પર બચકાં ભરવાની કમલકાંતને ટેવ હતી, મારા શરીર જેવાં જ બચકાંનાં નિશાન વનલતાના બદન પર નિહાળ્યાં પછી મને સંદેહ ન રહ્યો...’

તે સહેજ અટક્યાં.

‘આખરે કમલ ગમે-તેમ તોય મારા પતિ! તેમની વિરુદ્ધ થવાનું જોમ હું કેળવી ન શકી. ગામ જઈ ઘટનાનો ઢંઢેરો પીટવા માગતી વનલતાને મેં ખોળો પાથરી વિનવી હતી : તારા બોલે મારા ધણીનું પાપ છાપરે ચડી બોલશે! મને દીદી કહેનારી તું કમલકાંતને ક્ષમા નહીં બક્ષી શકે? મારાં અશ્રુથી તે પીગળી. કમલને ક્ષમાદાન દઈ તે આપણા બંગલેથી નીકળી, ઠેઠ આજે મળવાની.’

યશોધરાને ઉત્કંઠા જાગી : કેવાં હશે વનલતાબહેન?

€ € €

સાલસ અને સ્વનર્ભિર સન્નારી. આયામાંથી સંચાલિકા સુધીની વનલતાબહેનની સફર પ્રેરણાદાયી લાગી, હું તેમના ભૂતકાળનું પ્રકરણ જાણું છે જાણી તેઓ સહેજ ગંભીર બન્યાં અને હવે કૅબિનનો દરવાજો બંધ કરી તેઓ શું કરવા-કહેવા માગે છે? યશોધરા

એકાગ્ર બની.

‘દીદી, તમારા ઘરે મારે પગ નહોતો મૂકવો એટલે તમને અહીં આવવાની તકલીફ આપી, પણ મારે હવે જે કહેવું છે એના હિસાબમાં આ તકલીફ કંઈ જ નથી.’ વનલતાબહેને યશોધરા તરફ જોયું, ‘તું ખાસ હિંમત રાખજે, બેટી. દીદી, વરસો પછી તમને સંભારવાનું કારણ છે ભૂતકાળનું કંઈક અલગ રીતે, પુનરાવર્તન.’

એટલે? સાસુ-વહુને સમજાયું નહીં. વનલતાબહેને સીધો ફોડ પાડ્યો,

‘દીકરો વંશનો વારસ કહેવાતો હોય છે, વારસાઈમાં તે ક્યારેક પિતાના અવગુણ પણ લઈ આવે એવું બને.’

‘કમલના એક અવગુણથી હું વાકેફ છું. તેમનું પરસ્ત્રીગમન મારા સ્વાભિમાનને વારંવાર કચડતું રહ્યું, વેદનાનો એક ઓછાયો મારા વ્યક્તિત્વમાં વણાઈ ગયો. લવ-લફરાં ભલે ન કર્યા, બીજાનાં બૈરાંનાં પડખાં સેવવામાંથીયે તે બાકાત નહોતા!’

યશોધરાને હવે સાસુની હરિદ્વાર રહેવાની જીદ સમજાઈ. ઘરની દીવાલો વચ્ચે વસતો સંસાર તેમનો હતો, ને તોય નહોતો. પતિના દેહાંતથી તેમણે મુક્તિ અનુભવી હતી ને એટલે હવે તેઓ ઘરથી પણ મુક્ત થવા ઇચ્છતાં હતાં...

‘બસ, આ જ રીતે ટેવનો વારસો આર્યને સુલભ છે.’

હેં!

યશોધરા સમસમી ગઈ. વરસોજૂના બળાત્કારનો બદલો લેવા તમે મારા પતિ વિરુદ્ધ મનફાવતા આક્ષેપ કરો છો એમ કહી ઊભાં થઈ જવું હતું, પણ એક જ શ્વાસમાં કહેવાતી રાશિની કહાણીએ તેને સ્થિર કરી મૂકી:

કર્જત!

કર્જતમાં ફાર્મહાઉસ લીધું હોવાનું આર્યે હંમેશાં મારાથી છાનું રાખ્યું, એ શું એના આવા ઉપયોગ માટે! જે પ્રૉપર્ટીની મને ખબર ન હોય એના વિશે રાશિ જાણે એનો અર્થ જ એ કે તે સાચું બોલે છે!

‘આપણે નારીઓ હંમેશાં લાગણીશીલ બનવામાં ધોખો ખાઈએ છીએ, રાશિ આજેય આનંદને કસૂરવાર નથી માનતી!’ વનલતાબહેને ઊભાં થઈ યશોધરાના ખભે હાથ મૂક્યો, ‘ગેરહાજર રાશિને ગણીએ તો આપણે ચાર-ચાર સ્ત્રીઓ પુરુષના છળનો ભોગ બની છે, પણ એનો પ્રત્યાઘાત શું? રાશિએ ત્યાગમાં સુખ જોયું, રંભાદીદીએ સહનશીલતાનો ગુણ દીપાવ્યો, હું ક્ષમાશીલ બની, એમ શું

તું પણ...’

ના. રાજપૂતાણીનું ખમીર ધરાવતી યશોધરાની ભીતર પોકાર ઊઠ્યો, સાસુના શબ્દો તાજા થયા : નારી માત્ર ત્યાગ-ક્ષમાની મૂરત નથી... વખત આવ્યે તે દુર્ગા પણ બની શકે છે!

‘વહુ,’ રંભાબહેને સથવારો જાહેર કર્યો, ‘હું દીકરાનો બચાવ નહીં કરું, તને સાથ આપવામાં પાછી નહીં પડું.’

‘મા,’ ખાસ્સી વારે યશોધરાનો સ્વર સંભળાયો, ‘ગઈ કાલે જ કન્ફર્મ થયું - હું પ્રેગ્નન્ટ છું!’ તેની છાતી હાંફતી હતી, ‘આટઆટલાં વરસે ઘરે પારણું બંધાવાના ખુશખબર મારે સરપ્રાઇઝ પાર્ટી થકી આપવા હતા, પણ હવે એ નહીં બને! મહેતાવંશનો કોઈ વારસ હવે નહીં જન્મે!’

યશોધરાના રણકામાં ભીષ્મપ્રતિજ્ઞા જેવો ટંકાર હતો.

‘મારે માતૃત્વથી વંચિત રહેવું પડે તો ભલે, પણ આર્યને તો હું પિતા બનવાનો લહાવો નહીં જ લેવા દઉં! આજે નહીં તો કાલે, તેમને વારસની ખોટ સાલવાની ને એ ખોટ કદી કશાથી સરભર નહીં થાય એ જ તેમની સજા!’

પતિનો અપરાધ નવો નહોતો, પણ પત્નીનો દંડ અવશ્ય નોખો જણાયો!

€ € €

રાશિ ડઘાઈ. આનંદના ફરમાને હું પરવાન ન ચડી હોત તો અકસ્માતમાં અંધ બનત નહીં, આશ્રમમાં આવત નહીં, વનલતાબહેનનો ભેટો થાત નહીં ને તો કદાચ બે નારી (રંભા-વનલતા)ના ભૂતકાળનો બે નારી (રાશિ-યશોધરા)ના વર્તમાન સાથે ભેટો થાત નહીં! યશોધરાએ ધારેલી સજા તેને રણઝણાવી ગઈ : એક નારીની આ તે કેવી ખુમારી!

‘રાશિ, તારા અંધાપામાં મારા પતિ નિમિત્ત બન્યા, એનું મને દુ:ખ છે,’ યશોધરાએ રાશિનો હાથ પંપાળ્યો, ‘પણ સાચું કહેજે, આનંદ પ્રત્યે તને કોઈ જ ફરિયાદ નથી?’

રાશિએ મક્કમપણે ડોક ધુણાવી : ના!

‘તો મને કહેવા દે રાશિ... કુદરત ક્યારેક તો તારી આંખો ખોલશે જ!’

€ € €

‘ઓ મા,’ પ્રેશર રિલીઝ વાલ્વ ફેલ જવાથી પ્લાન્ટમાં ટાંકી ધડાકાભેર ફાટી, એમાંથી ઊડેલો ઍસિડનો કડદો સીધો પસાર થતા આનંદ પર ઊડ્યો! તેનો ચહેરો તતડી ઊઠ્યો, દૃષ્ટિ ગુમાવી, ‘આ મારું જ પાપ! રાશિનો દ્રોહ કર્યાનું પરિણામ! મારા સ્વાર્થ ખાતર તેના શીલનું બલિદાન માગ્યું, આંધળી બની તો પીછો છોડાવવા શ્યામાબહેનને ચોર ઠેરવવા માંડી, ફોન પર બનવાટી વાતો કરી... આજે મને રાશિના પ્રેમની કિંમત સમજાય છે! રાશિ, મને માફ કરી દે...’ આનંદ લવતો. તેની પીડા સાસુએ વહુ સુધી પહોંચાડી.

‘મા, તમારા પ્રત્યે મારું મન સાફ છે, રહી વાત આનંદની, તો તેને કહેજો...’ રાશિએ પ્રત્યુત્તર વાળ્યો, ‘તેમના પ્યારની બનાવટમાં હું એટલી અંધ થઈ ચૂકી છું કે તેમનો સાચો પસ્તાવો પણ મને દેખાતો નથી! માફ કરજો, આનંદને આપવા માટે મારી પાસે માફી નથી!’

ઑફિશ્યલી ડિવૉર્સ થાય ત્યાં સુધી પહેરવા ધારેલું મંગળસૂત્ર રાશિએ એ પળે ગળામાંથી ખેંચી કાઢ્યું.

€ € €

ઉપસંહાર : આર્યની બેવફાઈની ખાતરી કરી યશોધરાએ તેની જાણબહાર અબૉર્શન કરાવી લીધું. રંભાબહેન વહુના પડખે, છતાં હરિદ્વાર જ રહ્યાં. યશોધરાએ ન પતિને સુધારવાની કોશિશ કરી, ન મોહિત જેવાની સોબતનો વાંધો લીધો. એક તબક્કે આર્યને વારસની ઊણપ વર્તાવા લાગી, પણ એ સુખ કદી તેને નસીબ ન થયું. આ એક એવી સજા હતી, જેની ગુનેગારને કદી જાણ થઈ જ નહીં. અંધ આનંદે ઠોકરો ખાધા કરી, જ્યારે રાશિ દૃષ્ટિ ગુમાવીને પણ જીવતાં શીખી ગઈ.

‘પુરુષ માત્ર બેવફા કે બદચલન હોય છે અને સ્ત્રી હંમેશાં પવિત્ર એવું દર્શાવવાનો આશય નથી’

વનલતાબહેન સમાપન કરે છે, ‘નારીને શક્તિ તરીકે પણ જોવાય એટલી જ અભિલાષા છે.’

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK