કથા-સપ્તાહ - નારી (મૈં નારી હૂં, ન હારી હૂં - ૪)

Published: 1st November, 2012 05:31 IST

અકસ્માતના બે મહિનામાં આનંદના દિમાગમાં પત્નીથી છુટકારો મેળવવાના મનસૂબા ઘડાવા લાગ્યા. ડિવૉર્સની સીધી માગ મૂકવામાં જોખમ હતું : ક્યાંક દુભાયેલી રાશિ બૉસને પત્નીની કાયા ધરવાનું મારું પાપ જાહેર કરી દે તો! ઘટના હજી તાજી છે, ખોતરણીથી સત્ય પુરવાર થઈ પણ શકે...અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


રાશિથી મુક્તિ!

અકસ્માતના બે મહિનામાં આનંદના દિમાગમાં પત્નીથી છુટકારો મેળવવાના મનસૂબા ઘડાવા લાગ્યા. ડિવૉર્સની સીધી માગ મૂકવામાં જોખમ હતું : ક્યાંક દુભાયેલી રાશિ બૉસને પત્નીની કાયા ધરવાનું મારું પાપ જાહેર કરી દે તો! ઘટના હજી તાજી છે, ખોતરણીથી સત્ય પુરવાર થઈ પણ શકે...

તો પછી?

ભેજું કસતાં આનંદને સૂઝ્યું : મારે કંઈક એવું કરવું પડે કે એ મને સામેથી ત્યજી દે! રાશિની લાગણી સાથે રમત રમવાની મને ફાવટ છે, એક બાજી વધુ!

€ € €

સોમવારની રાત.

‘રાશિ, આપણા બેડરૂમના ડ્રેસિંગ-ટેબલના ડ્રૉઅરમાં મેં સવારે દોઢ હજાર રૂપિયા મૂકેલા - પાંચસોની ત્રણ નોટ, દૂધવાળાનાં બિલના. અત્યારે તે આવતો

જ હશે...’

‘ભલેને આવતો.’ રાશિએ હસવાનો પ્રયત્ન કર્યો, ‘આમાં આટલું શાઉટ કેમ કરો છો!’

‘બિકૉઝ રાશિ, ડ્રૉઅરમાં પૈસા જ નથી! તેં લીધા ન હોય તો રૂપિયા જાય ક્યાં? બીજું તો કોણ...’

અને રાશિના ચિત્તમાં પડઘો પડ્યો : આયા શ્યામાબહેન!

મન પાછું પડ્યું : પચાસેક વરસનાં બાઈ સહૃદયી છે, વાતોથી મારો દિવસ ખુટાડે છે, મને ઉત્સાહમાં રાખે છે... શ્યામાબહેન આવું કરી જ ન શકે!

પરંતુ ત્રીજા દિવસે ચારસો રૂપિયાની ગણેશજીની મૂર્તિ ગાયબ હતી, પાંચમા દા’ડે આનંદનો નવો નાઇટસૂટ, સાતમા દિવસે ડિનરસેટ... હવે તો આનંદ ઑફિસેથી પરત થતાં રાશિને ફાળ પડતી, ન જાણે આજે શું ચોરાયાનું આનંદ કહેશે! ના,

ના, હજી કેટલું નોકરબાઈના વિશ્વાસે રહેવું?

આનંદનો ફડકો સાચો છે, ક્યાંક મને મારી તે ઘર લૂંટી ગઈ તો...

રાશિ ધ્રૂજી ઊઠી.

‘આનંદ, તમે સાચું કહો છો...’ રાત્રે પતિના ખભાનો સહારો શોધી તેણે નિર્ણય સંભળાવ્યો, ‘આપી દો રુખસદ શ્યામાબહેનને. હું આયા વિના રહી જાણીશ.’

આનંદના ચહેરા પર ખંધુ સ્મિત ફરકી ગયું!

બીજી સવારે, રાશિ વૉશરૂમમાં હતી ત્યારે તેણે શ્યામાબહેનને લાચાર સ્વરે કહ્યું : આજથી તમારી છુટ્ટી. તમારો મને સધિયારો હતો, પણ શું કરું, આંધળાને કારણે રાશિનું મન વહેમીલું થતું જાય છે. તમે કશું ચોરી જશો એવી જ બીક રહ્યા કરે છે તેને...

બિચારી છોકરી! શ્યામાબહેને નિ:શ્વાસ નાખ્યો.

€ € €

આયાની રુખસદ પછી રાશિ વધુ એકાકી બનતી ગઈ. ન રેડિયો સાંભળવાનું ગમતું, ન ટીવી ચાલુ કરવું. બ્રેઇલ લિપિ શીખવાનો ઉમંગ પણ જાગતો નહીં.

‘કોણ, ઉદય! વાઉ, ફિલ્મનો પ્રોગ્રામ છે?’ મોબાઇલ રિસીવ કરી કલીગ જોડે વાત કરતા આનંદનો સ્વર મંદ પડતો, ‘ના, યાર... તમે જઈ આવો, અમારે તો - યુ નો!’

રાશિને આનંદની ઉદાસી ચૂભતી.

‘સૉરી, રાશિ, આજે મોડું થયું... અરે, આજે તો ટિફિન નહોતું આવવાનુંને? ચાલ, હું જ કંઈક બનાવી દઉં.’

રાશિ વિચારતી, પોતે પતિને આટલુંય સુખ આપી નથી શકતી!

‘શીશ... મા, ધીમે. રાશિ હજી હમણાં જ સૂતી.’ ફોન પર તે ધીમા સ્વરે બોલે ત્યારે રાશિ ખરેખર તો જાગતી જ હોય, ‘તું હોશમાં તો છે, મા? રાશિ અંધ થઈ એટલે મારે તેને છોડી દેવાની? ભલે આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ જાય, હું તેનો સાથ નહીં ત્યજું!’

રાશિને થતું, આનંદ મારા માટે કોની-કોની સામે કેટલું લડશે!

‘અરે, બાપરે. આ ન્યુઝ સાંભળ...’ છાપું વાંચતો આનંદ પત્નીને કહે છે, ‘અમેરિકામાં એક બ્લાઇન્ડ મધરે અસ્ત્રી કપડાને બદલે આઠ મહિનાના બચ્ચાના કુમળા હાથ પર ફેરવી દીધી!’

ઓ મા. રાશિ સ્થિર થઈ જતી. મારા હાથે મારા સંતાનની દશા પણ આવી ન થાયને! સંતાન જાળવી ન શકું તો તેને જન્મ આપવાનો મને શો હક છે? અને વંશનો વારસ નથી ધરતી તો આનંદની અધાર઼્ગિની તરીકે રહેવાનો મને શું અધિકાર છે!

રાશિએ મન મક્કમ કરવા માંડ્યું.

€ € €

‘વૉટ! મને છોડી તું અંધાશ્રમમાં રહેવા માગે છે! શું કામ, રાશિ?’ આનંદની વિહ્વળતા કોઈ પણ પત્નીને ગમી જાય એવી હતી, ‘મારી પ્રીતમાં તને શું ઓછું આવ્યું કે આમ...’

રાશિ પોતાના ઇરાદામાં દૃઢ રહી : તમને પામી હું ધન્ય થઈ આનંદ, પરંતુ મારા અંધત્વના બોજથી તમારું સુખ કચડવા નથી માગતી... પિયરની સ્થિતિને કારણે હું ત્યાં પાછી જઈ શકું એમ નથી, મને છૂટી કરી હું સ્વમાનભેર જીવી શકું એટલી વ્યવસ્થા મુંબઈમાં જ ક્યાંક કરી આપો!

છેવટે પરાણે કબૂલ થતો હોય એમ આનંદ તૈયાર થયો. કલકત્તા જાણ કરાઈ - પિયરનો પ્રત્યાઘાત રાશિએ પચાવી જાણ્યો, સાસુના દુ:ખમાં જોકે બનાવટ લાગી, પણ એનું શું રડવું!

વધુ એક પખવાડિયા પછી આનંદે રાશિને મલાડના એક અંધાશ્રમમાં દાખલ કરી.

‘આનંદ...’ છૂટાં પડતાં પતિનો હાથ પકડી તેણે આખરી વિનંતી કરી હતી, ‘ફરી ક્યારેય અહીં આવશો નહીં.’

આશ્રમના ગેટ સુધી જ આનંદના દુ:ખી હાવભાવ ટક્યા. આશ્રમ દૂર થતાં આનંદે ગાડી પબ તરફ વાળી : ઇટ્સ ટાઇમ ટુ સેલિબ્રેટ સક્સેસ ઍન્ડ ફ્રીડમ!

€ € €

‘ચેકબુક નથી?’

આજે કેટલાક અગત્યનાં પેમેન્ટ્સ ચૂકવવાનાં હતાં, પણ ચેકબુક ખાલી નીકળી. આર્યે ઓઝપાતા મોહિતને ધરપત આપી.

‘રિલૅક્સ. ચેકબુકનો એક સેટ મારા ઘરે પણ રહે છું. તું ઑફિસના ડ્રાઇવરને મોકલ, હું યશોધરાને ફોન કરી દઉં છું...’

€ € €

‘ભલે, આર્ય.’ યશોધરાએ ફોન મૂક્યો. આર્યના કબાટમાં કપડાં ગોઠવવા પૂરતું તેને કામ પડતું. આજે ઘણા વખતે તિજોરી ખોલી.

ચેકબુક કાઢતાં સ્ટૅમ્પ-પેપર્સવાળો દસ્તાવેજ નજરે ચડ્યો.

અરે, આ તો પ્રૉપર્ટીના ડૉક્યુમેન્ટ્સ છે!

યશોધરાએ અમસ્તી જ નજર ફેંકી : કર્જતમાં ફાર્મહાઉસ! કમાલ છે, વરસોથી ફાર્મહાઉસ લીધું હોવા છતાં આર્યે ક્યારેય કશું કહ્યું નહીં! કદાચ અમારી દસમી લગ્નતિથિ નિમિત્તે ગિફ્ટ કરવા અગાઉથી ઇન્વેસ્ટ કરી રાખ્યું હોય... તો-તો મારે પણ આ વિશે અજાણવટ જ રાખવી રહી!

તિજોરી બંધ કરતી યશોધરાને ઝબકારો થયો : કર્જત!

ચાર મહિના અગાઉનો આર્યનો અકસ્માત પણ કર્જતના રસ્તે જ થયેલોને! જરૂર તેઓ ફાર્મહાઉસની મુલાકાતે જ ગયા હોય, મોહિતનેય તેમણે બિઝનેસ ડીલનું જૂઠ જ કહ્યું હોય...

ઇટ્સ સો નાઇસ ઑફ યુ, આર્ય!

પતિની બનાવટમાં પ્રેમ જોવાની વૃત્તિ નારીહૃદય જ દાખવી શકે!

€ € €

આનંદની ફ્રીબર્ડ જેવી મુક્તતા છેવટે ઑફિસમાં પણ જાહેર થઈ.

‘તમે તો જાણો છો, અંધાપો ધરાવતી રાશિને મેં સહેજે ઓછું આવવા દીધું નહોતું,’ તે ખુલાસો કરતો, ‘પરંતુ જેણે માળો છોડવો જ હોય તેને કેમ બાંધી શકાય?’

આના ગમમાં રડવું પણ કેટલું. આનંદના સહેજે વાંક વિના પરિસ્થિતિ સ્વીકારાઈ. મોહિત દ્વારા જાણ પામેલા આર્યની સ્મૃતિમાં વળી રાશિનું બદન તરવરી રહ્યું. કાશ, હું તેને ભોગવી શક્યો હોત!

‘આનંદ ફરી પરણવાનો તો ખરોને, સર... ત્યારે સુહાગરાત જ તમે મનાવજો, બસ!’

અને બે પુરુષો ખડખડાટ હસી પડ્યા.

€ € €

રાશિને દૃષ્ટિ અંધાશ્રમમાં આવ્યે બે મહિના થઈ ગયા. બંધ કોચલામાંથી તે ધીરે-ધીરે બહાર નીકળી રહી હતી. અઢારથી અલગ-અલગ વયજૂથના આશરે પોણાબસો જેટલા અંધજનોનો આ અનોખો સંસાર હતો. ટ્રસ્ટની સખાવત પર નભતા આશ્રમમાં સ્વાશ્રયની પ્રવૃત્તિ થતી, રોજગારના શિક્ષણથી તેમને સ્વાવલંબી બનાવવા પર ભાર મુકાતો. પંચાવને પહોંચેલાં આશ્રમનાં કુશળ સંચાલિકા વનલતાબહેન એક વાત અચૂક કહેતાં : ઈશ્વરે એક ઇન્દ્રિય છીનવી તમારી અન્ય સેન્સીસની ક્ષમતામાં વધારો કરવાની ચાલ રમી છે, અંધત્વથી હારવાને બદલે આંખ વિના સામાન્ય માણસની જેમ જીવતાં શીખો...

સંતાનને ઘડવા મા ક્યારેક આકરી બને એવુંય તેમનું વલણ રહેતું. અપરિણીત વનલતાબહેન માટે આશ્રમ જ તેમનું સારસર્વસ્વ હતો. દૃષ્ટિના વિશાળ સંકુલમાં જ રહેતાં વનલતાબહેન ૩૦-૩૨ વર્ષ અગાઉ સંસ્થામાં આયા તરીકે જોડાયેલાં, ત્યાંથી સંચાલિકાના પદ સુધીની સફર સાવ સંઘર્ષમય નહોતી. ત્યારનાં સંચાલિકા નર્મિળાબહેને પ્રોત્સાહન પૂરું પાડેલું : તારી કાળજીમાં લાગણી છે, વનલતા, તું માત્ર પગારદાર કર્મચારી તરીકે નથી રહેતી એ બહુ મોટો ગુણ છે... તેમની નિશ્રામાં પછી તો પોતે ભણ્યાં, કેળવાયાં ને વખત જતાં આશ્રમનો કાર્યભાર સંભાળવા કાબેલ પણ બન્યાં. ત્યારે નર્મિળાબહેન જોકે હયાત નહોતાં. નર્મિળાબહેન પરિણીત હતાં, વનલતાને લગ્નનો આગ્રહ કરતાં, જેને હસવામાં ઉડાવી નાખતાં વનલતાબહેનથી જુવાનીનું એક પૃષ્ઠ નર્મિળાબહેન સમક્ષ પણ ઊઘડ્યું નહોતું... એના પર પછી તો કંઈકેટલાં વરસોનું લીંપણ લદાયું, હવે તો એમાં સળવળાટ પણ નથી સર્જાતો! પુખ્ત વયનાં સ્ત્રી-પુરુષોના સહિયારા વસવાટમાં દાખવવી પડતી સાવધાની કેળવનારાં વનલતાબહેન યોગ્ય જણાય ત્યાં મેળ ગોઠવવાની તક પણ પૂરી પાડતાં. એક લગ્ન તો તેમણે રાશિના આવ્યા પછી લેવડાવ્યાં. બે અંધ વ્યક્તિ પરણે એ રાશિને અચરજભર્યું લાગેલું.

‘આમાં અચરજ શાનું, રાશિ? કેટલીક વ્યક્તિ જન્મથી અંધ હોય છે, કેટલીક અકસ્માતે આંખ ગુમાવે છે, પણ પોતાની દુનિયા વસાવવાનું સપનું જોવા દૃષ્ટિની ક્યાં જરૂર હોય છે?’

ધીરે-ધીરે રાશિની સમજ કેળવાતી ગઈ. બ્રેઇલ લિપિ શીખ્યા પછી ઑફિસના કામમાં વનલતાબહેનની સહાય કરતી થઈ, સંચાલિકા સાથે જીવ ભળી ગયો. રાશિની અન્ય ઇન્દ્રિયો સચેત બનવા માંડી. પગરવ પરથી માણસને પારખતાં આવડ્યું, ગંધથી ઓળખ મેળવતાં શીખી. આત્મવિશ્વાસ નીખરતો ગયો.

€ € €

‘મા, આજે મારો ઉપવાસ છે.’

ઑફિસમાં, ટી-બ્રેક સમયે રાશિએ જાહેરાત કરી. તેની મુસ્કાને વનલતાબહેન મલક્યાં, આમ તો આશ્રમમાં સૌ તેમને દીદી કહી બોલાવતાં, પણ રાશિ અનોખી નીકળી : હું તો તમને મા કહીશ! જોયું નહીં, મને મળવા આવેલાં મારાં મા-બાપ, ભાઈ-બહેન કેટલા સંતોષભેર પાછાં ગયાં, એ તમારો જ પ્રતાપને, મા!

‘આજે આનંદની વર્ષગાંઠ, મા!’

વનલતાબહેન ટટ્ટાર બન્યાં. આમ તો દરેક કન્યાને તેઓ પુત્રીસમાન ગણતાં, પરંતુ રાશિ પ્રત્યે વિશેષ લગાવ થઈ ગયેલો. બંધ કોચલામાં રહેતી રાશિ ખૂલતી થયા પછી તેનામાં ક્યાંક પોતાની છબિ દેખાતી.

રાશિના આગમનના આ ત્રણ મહિનામાં તેઓ એટલું તો પામી ગયેલાં કે રાશિ આનંદને અનહદ ચાહે છે, ને આનંદ પણ પોતાને એટલું જ ચાહતો હોવાનું દૃઢપણે માને છે!

આ જ વાત તેમને મૂંઝવતી. પત્નીને ઍડ્મિટ કર્યા પછી આનંદ કદી આ તરફ ફરક્યો નહોતો. આવવાની ભલે રાશિએ મનાઈ ફરમાવી હોય, પત્નીના ખબર-અંતર મને તો ફોન કરી પૂછી શકાયને! બન્નેએ ડિવૉર્સની અરજી મૂકી છે, હજી કાયદેસરના છૂટાછેડા ક્યાં થયા છે? સાસુ-સસરા કલકત્તાથી આવ્યાં, તેમને મળવાનીયે તમા નહોતી દેખાડી તેણે! શું તે ખરેખર રાશિને ચાહતો પણ હશે?

આજે તો આની ચોખવટ થઈ જ જવા દે! તત્પર થતાં વનલતાબહેનને અંદાજો પણ કેમ હોય કે રાશિનો વર્તમાન પોતાનો ભૂતકાળ જીવંત કરી દેવાનો છે!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK