કથા-સપ્તાહ - નારી (મૈં નારી હૂં, ન હારી હૂં - ૩)

Published: 31st October, 2012 05:45 IST

આર્યના સેક્રેટરી મોહિત ગોસ્વામીએ સાચવીને શરૂઆત કરી. ખરેખર સાચવી લેવું પડે એવા સંજોગો સર્જાયા હતા. કર્જતના રસ્તે આર્યની કાર વૃક્ષ સાથે સીધી ટકરાતાં ફ્રન્ટ ગ્લાસ તૂટતાં એની કરચો રાશિની આંખોમાં ભોંકાઈ હતી. ઍરબલૂનને કારણે સ્ટિયરિંગ પર ઢળતાં આર્ય જીવલેણ ઈજામાંથી ઊગરી ગયો, તોય તેની હેડ ઇન્જરી સિરિયસ હતી.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4
‘મૅડમ, એક બૂરા ખબર છે.’

આર્યના સેક્રેટરી મોહિત ગોસ્વામીએ સાચવીને શરૂઆત કરી. ખરેખર સાચવી લેવું પડે એવા સંજોગો સર્જાયા હતા. કર્જતના રસ્તે આર્યની કાર વૃક્ષ સાથે સીધી ટકરાતાં ફ્રન્ટ ગ્લાસ તૂટતાં એની કરચો રાશિની આંખોમાં ભોંકાઈ હતી. ઍરબલૂનને કારણે સ્ટિયરિંગ પર ઢળતાં આર્ય જીવલેણ ઈજામાંથી ઊગરી ગયો, તોય તેની હેડ ઇન્જરી સિરિયસ હતી.

એટલું વળી સારું કે આર્યની લાસ્ટ ટેલિટૉક મોહિત સાથે થયેલી... મદદમાં દોડી આવનારી પબ્લિકમાંથી કો’કે આર્યના મોબાઇલ પરથી છેલ્લો ડાયલ કરેલો નંબર જ જોડ્યો હતો : અહીં અકસ્માત થયો છે...

આર્યના પ્રોગ્રામની મોહિતને માહિતી રહેતી. છ-છ વરસ ફૉરેનની આઝાદી માણી આવેલા આર્યને કમલકાંતના દેહાંત પછી જોડાયેલા મોહિતની કંપની ફાવી ગયેલી. તેના થકી આર્યનો શરાબ-શબાબનો શોખ પોષાતો ને વળી છાનોય રહેતો, યશોધરા સાથેનાં લગ્ન પછી પણ. એ દૃષ્ટિએ મોહિત આર્યના રહસ્યમંત્રી જેવો હતો. હા, યશોધરાથી તે છેટો જ રહેતો : ભાભીજીની આંખોનું તેજ આપણી ચોરી પકડી પાડશે એવું જ લાગે છે મને તો! આર્ય તેને ડરપોક ગણી હસી નાખતો.

આર્ય સુંદર નારીદેહનો કાયલ હતો. પૈસા-પોઝિશન ખાતર પતિ પત્નીનો સોદો કરતાં ખચકાતો ન હોવાના અનુભવે આર્ય ધાયાર઼્ નિશાન પાર પાડી શકતો, જોકે દર વખતે તેની બેડ-પાર્ટનર ઑફિસના કર્મચારીની વાઇફ જ હોય એ જરૂરી નહોતું. શક્ય નહોતું એમ હિતાવહ પણ ન ગણાય. પોતાના શોખમાં આર્યને કશું ખોટું લાગતું નહીં. યશોધરાને દ્રોહ દેવાની ગિલ્ટ ઊપસતી નહીં. ઊલટું, મા-પત્નીથી છાનું તેણે કર્જતમાં ફાર્મહાઉસ લઈ રાખેલું. આજ સુધી બેરોકટોક

ચાલતા પ્રોગ્રામમાં આ વેળા કેમ વિઘ્ન આવ્યું!

વિચારવાનો સમય નહોતો. આનંદને લઈ મોહિત ઘટનાસ્થળે પહોંચ્યો. ઍમ્બ્યુલન્સ આવી ચૂકેલી, પોલીસ સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરતી હતી. આજે દોસ્તીની કસોટી છે! પોતાની તમામ આવડત કામે લગાવી મોહિતે પરિસ્થિતિ થાળે પાડી, આર્ય-રાશિ નજીકની છતાં અલગ-અલગ હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા પછી એક ફરજ હજી રહેતી હતી - યશોધરાને માહિતગાર કરવાની!

હૉસ્પિટલના કૉરિડોરમાં પસીનો લૂછતાં મોહિતે હરિદ્વારનો નંબર જોડ્યો, યશોધરા મૅડમે ફોન ઊંચકતાં થોથવાતા સાદે શરૂઆત કરી : બૂરા ખબર છે...

‘બૂરા ખબર!’ યશોધરાની તીણી ચીસ ઊછળી, ‘મોહિતભાઈ, આર્ય તો હેમખેમ છેને!’

વહુની તીણાશે રંભાબહેન પણ તેની પડખે આવી ઊભાં.

‘સરની કારને અકસ્માતનડ્યો છે.’

‘હેં! અકસ્માત? કર્જતના રસ્તે? પણ આર્યે કર્જત જવાની જરૂર શું પડી?’

આમાં ઊલટતપાસ નહોતી, પ્રિય વ્યક્તિની બેદરકારી પર જન્મે એવો આક્રોશ હતો.

‘ઝાઝું તો મનેય નથી ખબર, પણ સર એકાદ બિઝનેસ ડીલ માટે જવાનું કહેતા હતા...’

મોહિતનો ખુલાસો યશોધરાને અધકચરો લાગ્યો. આર્યની મોહિત સાથેની નિકટતા તેનાથી છૂપી નહોતી. મોહિતમાં કશુંક તેને ખટકતું, પણ આર્યને તે વફાદાર હોવા વિશે બેમત નહોતો. આર્યનો મૂવ મોહિતથી અજાણ્યો હોય એમ કેમ મનાય?

‘મૅડમ,’ આર્ય સાથેની વાતોમાં જેને ભાભીસાહેબા કહેતો તે યશોધરાને રૂબરૂમાં તો અદબથી મૅડમ કહેવાની જ ટેવ રાખી હતી મોહિતે, ‘અત્યારે કારણ અગત્યનું નથી... સરને હૉસ્પિટલાઇઝ્ડ કર્યા છે. જીવનું જોખમ ભલે નથી, તેમની માથાની ઈજા ગંભીર છે.’

હે ભગવાન!

‘અમે અત્યારે જ નીકળીએ છીએ, મોહિતભાઈ...’ યશોધરા પૂછી બેઠી, ‘ઍક્સિડન્ટ સમયે આર્ય એકલા જ હતા?’

મોહિતે થૂંક ગળે ઉતાર્યું,

‘જી...’ એક શબ્દ ઉચ્ચારતાં પહાડ જેવો બોજ વર્તાયો તેને!

‘મોહિતભાઈ, તમે તેમની જોડે જ રહેજો, પ્લીઝ, આપણા ફૅમિલી સજ્ર્યન ડૉ. ત્રિપાઠીને તેડાવી લો. હું તેમને ફોન કરી દઉં છું... આર્યના ઇલાજમાં કમી ન રહેવી જોઈએ. હું ને સાસુમા મુંબઈ માટે નીકળી જ રહ્યાં છીએ...’

ફોન કટ થયો.

મોહિત હળવેથી બાંકડે બેઠો, આનંદને મોબાઇલ જોડ્યો.

‘આનંદ, રૂપિયા વેરી પોલીસચોપડે આપણે આર્ય-રાશિનો અકસ્માત અલગ ઘટના હોવાનું ઠેરવી ચૂક્યા છીએ, બન્ને હૉસ્પિટલ પણ જુદી છે, કોઈને ક્યારેય સત્યની જાણ ન થવી જોઈએ, યુ નોટ ઇટ?’

‘હં...’ આનંદની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. રાશિનું ઑપરેશન ચાલી રહ્યું હતું, તે દૃષ્ટિ ગુમાવી દે એવી શક્યતા હતી, ત્યારેય આનંદની ચિંતા જુદી હતી : આર્ય હજીયે મને પ્રમોટ કરશે ખરો!

‘ડોન્ટ બોધર અબાઉટ ઍનીથિંગ...’ મોહિતે મોઘમમાં પ્રમોશન થશે જ એવું કહી દીધું, ‘જસ્ટ મેઇક ઇટ શ્યૉર કે રાશિ કોઈને કશું કહે નહીં... રાધર, કહે તો આપણે ઠેરવેલું બહાનું જ કહે.’

અમારા એક રિલેટિવની મુલાકાતે કર્જત જતી વેળા કારને અકસ્માત નડ્યો - આ જૂઠથી રાશિ આનંદ સાથે હોવાનું પુરવાર થતું હતું, આનંદની કારને પણ એ જ રીતે ઇન્જર્ડ કરાવી હતી! જૂઠનો તખ્તો ગોઠવવામાં મોહિત કદાચ માહેર હતો. બસ, હવે રાશિ સચ ન

બોલવી જોઈએ!

અને તે નહીં બોલે, જો મને પ્રમોશન મળતું હોય!

આનંદે કકરા સ્વરે ખાતરી ઉચ્ચારી, મોહિતને ધરપત થઈ અને એ જ વેળા ડૉક્ટર કહી ગયા: તમારા બૉસ હોશમાં આવી ચૂક્યા છે!

હા...શ!

€ € €

‘આઇ ઍમ ઑલરાઇટ.’

આર્યે વારેવારે કહેવું પડ્યું,

પણ એથી મા-પત્નીની ચિંતા ઓછી ઘટવાની!

‘મહિના સુધી તમારે ઑફિસે જવાનું નથી, હજાર વાર કહ્યું, ડ્રાઇવર રાખી લો, હવે મારે જ એની વ્યવસ્થા કરવી પડશે!’

વખત વર્તી આર્યે પત્નીની જોહુકમી સાંખી લીધી. દૂર ઊભેલા મોહિત તરફ થમ્બ અપ કર્યો : તેં બાજી સાચવી લીધી, દોસ્ત!

હોશમાં આવતાં જ મોહિતે આર્યને બ્રીફ કરી રાખેલો, તેની ચાતુરી બદલ માન ઊપજેલું, રાશિ પોતાની સાથે હોવાનું જાહેર ન થવા દેવાની ચોકસાઈએ રાહત અર્પેલી!

હોપ, રાશિ પણ ઠીક હોય! આ બધામાંથી બેઠા થતાં જ... ફરી એક વાર... કર્જતના ફાર્મહાઉસમાં... આર્યથી ઉત્તેજનાનો સિસકારો નખાઈ ગયો!

€ € €

હૉસ્પિટલના ડૉક્ટર્સ જોડે લૅન્ગ્થમાં ડિસ્કસ કરી યશોધરા આર્યને મુંબઈ લઈ આવી, અઠવાડિયા માટે બ્રીચ કૅન્ડીમાં ઍડ્મિટ કર્યો : ઘરથી એ નજીક પણ પડે!

યશોધરા-રંભાબહેન વારાફરતી આર્ય પાસે બેસતાં. આમ તો આર્ય રૂમમાં હરીફરી શકતો, માત્ર કપાળનો ઘા રૂઝે એની રાહ જોવાની હતી. એ માટે હૉસ્પિટલમાં રહેવાની કદાચ આવશ્યકતા નહોતી, પરંતુ યશોધરા જાણતી કે આર્ય ઘરે આરામ કરવાથી રહ્યા! એને બદલે અહીં કમ્પલ્સરી રેસ્ટ તો મળે! હા,

મોહિત સાથે થોડીઘણી ચર્ચા કરવાની છૂટ આપતી.

‘મા, ફસ્ર્ટ ટાઇમ મને રિયલાઇઝ થયું કે બિઝનેસમાં મારે પણ થોડાઘણા ઇન્વૉલ્વ થવું જોઈએ...’ ચોથી સાંજે યશોધરાએ આટલું કહેતાં રંભાબહેને વાત ઊંચકી લીધી, ‘બિલકુલ સાચું. જમાનો બદલાયો છે. આજની નારી માત્ર ત્યાગની દેવી કે સહનશીલતાની મૂર્તિ નથી!’

સાસુના શબ્દોમાં યશોધરાને ઊંડાણ લાગ્યું.

‘મારા ખ્યાલથી આર્યને પણ એનો વાંધો ન હોય...’ તેમણે પુત્ર પર નજર ઠેરવતાં આર્યે નરો વા કુંજરો વા કર્યું, ‘વી વિલ સી.’

બાકી યશોધરાનો ઑફિસપ્રવેશ તેને કદી મંજૂર નહીં હોવાનો! આવું થાય તો-તો યૌવન સાથેની મારી રમત પર બ્રેક લાગી જાય, એન કેમ પરવડે?

€ € €

કાયમનો અંધાપો!

રાશિ રડી ઊઠી. તેના રુદને આનંદના હૈયાને કંપાવી દીધું.

‘હૅવ કરેજ, રાશિ... હું છુંને... મારી નજરથી તું સંસાર જોજે!’

આનંદના પ્રેમપૂર્વકના સધિયારાએ રાશિ માંડ સ્વસ્થ થઈ.

‘લિસન રાશિ...’ આનંદે તેને આfલેષમાં લઈ કહેવા માંડ્યું, ‘આર્યને પણ માથામાં ગંભીર ઈજા થઈ છે...’

ત્યારે રાશિની તેજહીન કીકીઓમાં સહેજ નફરત ઘૂંટાઈ : તે બદચલન ઇન્સાન કાળજીને કાબેલ નથી, તેણે ડ્રાઇવિંગમાં થોડું ધ્યાન રાખ્યું હોત...

‘આપણે તેનો સંસાર સલામત રાખવાનો છે, અને એટલે જ...’ આનંદે રાશિને ગોઠવાયેલા તખ્તાની સમજ પાડી.

‘તમે હજીયે તેનું જ હિત વિચારો છો! જેને કારણે મારી આંખોની રોશની ગઈ...’

રાશિનો રોષ વહ્યા પછી આનંદે પીઠ પસવારી.

‘આર્ય પહોંચેલી માયા છે, રાશિ... વગદાર છે. તેનો રસ્તો કાપનારને માર્ગમાંથી હટાવવા જેટલો ક્રૂર પણ થઈ શકે! તારી તો આંખ જ ગઈ છે, મારી કદાચ જિંદગી...’

બાપ રે, ધ્રૂજતી રાશિએ હવામાં હાથ ફેલાવ્યો. આનંદે તેની હથેળી હોઠો પર મૂકી, ચૂમી, ‘મને બોલતો બંધ કરવાથી સચ્ચાઈ નહીં બદલાઈ શકે, રાશિ! નક્કી તારે કરવાનું છે, ફાયદો આર્યની સાથે રહેવામાં છે કે પછી...’

રાશિએ વિદ્રોહને કચડવો પડ્યો. જૂઠ જાળવવામાં હૉસ્પિટલનો ખર્ચ, કારની નુકસાની ઉપરાંત પ્રમોશન પણ મળતું હોય તો મારો અંધાપો સરભર થયો ગણાય, બીજું શું!

કલકત્તાથી દોડી આવેલાં સગાંઓ સમક્ષ રાશિએ પતિના બયાનમાં સાદ પુરાવ્યો, ત્યાં સુધી કે એ વાર્તા તેના દિમાગમાં સચની હદે ફિટ થઈ ગઈ!

અઠવાડિયા પછી આનંદ રાશિને ઘરે લાવ્યો, ત્યારે આર્યને પણ છુટ્ટી મળી ચૂકી હતી.

ઑફિસમાં રિઝ્યુમ થઈ આર્યે પહેલું કામ આનંદનો પ્રમોશન લેટર સાઇન કરવાનું કર્યું,

‘કૉન્ગ્રેટ્સ કહું કે સૉરી, સમજાતું નથી, દોસ્ત... રાશિની બ્લાઇન્ડનેસ વિશે મોહિત દ્વારા જાણ્યું - બટ આઇ થિન્ક ધૅટ્સ લાઇફ!’

કેવી સરળતાથી આર્યે જાતને સેરવી લીધી. રાશિના યૌવનને બદલે અંધાપાની કિંમતરૂપે પ્રમોશન મેળવનાર આનંદ ગરદન ઝુકાવ્યા વિના બીજું કરી પણ શું શકે!

€ € €

દિવાળીની ઉજવણીમાં અકસ્માતની ઘટના ભૂતકાળ બની ગઈ. દીકરાને પૂર્વવત્ જોઈ રંભાબહેને રુખસદ લીધી. ઑફિસ જૉઇન કરવાનો પ્રસ્તાવ કદાચ યશોધરા પણ વીસરી ગઈ. આર્યે યાદ પણ નહોતું અપાવવું : વાઇફ ભલેને તેનાં ચૅરિટી કામોમાં વ્યસ્ત રહેતી!

સામા પક્ષે આનંદની જવાબદારીઓ વધી હતી. બે મહિનામાં રાશિ અંધત્વથી ટેવાઈ હોય એમ ઘરમાં હરીફરી શકતી, પરંતુ ચા મૂકવાથી માંડી, શાકભાજી આણવા સુધીનાં કામોમાં આનંદે જોતરાવું પડતું. ફુલટાઇમ આયાનો બંદોબસ્ત કરવો પડ્યો, રાશિને હરવાફરવા કે સિનેમા લઈ જવાનો અર્થ પણ નહોતો! તે આંધળી શું જોઈ શકવાની! હા, તેનું સૌંદર્ય અકબંધ હતું, દૃષ્ટિહીન આંખો એવી જ આકર્ષક લાગતી, પણ શારીરિક પૂર્તિમાંય આનંદે તેને ગાઇડ કરવી પડતી!

યાર દોસ્તો જોડે વાતો થતી, કલીગ્સને પત્ની જોડે ઘૂમતા જોતો ત્યારે થતું, હું આટલું કમાનારો ને મારી પત્ની આંધળી! રાશિના અંધાપાનો બોજ મારે શું કામ વેંઠાવવો જોઈએ? હું ધારું તો રાશિને તલાક દઈ ફૂલફટાક નવયૌવનાને ફરી પરણી શકું!

આનંદના દિમાગમાં ઘૂંટાવા લાગ્યું. રાશિનો કસ નીકળ્યાં પછી તેની જરૂર નહોતી, એ દૃઢ થતાં પત્નીથી છુટકારો કેમ મેળવવો એની યોજના દિમાગમાં ઘડાવા લાગી!

(ક્રમશ:)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK