કથા-સપ્તાહ - નારી (મૈં નારી હૂં, ન હારી હૂં - ૨)

Published: 30th October, 2012 05:47 IST

રાશિનું ઊર્મિતંત્ર બધિર બન્યું. પતિની દલીલો બહેરા કાને અથડાતી રહી, અમુક શબ્દો ધ્યાન પર આવતા તો પ્રત્યાઘાત ઊઠેલો
અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


આર્ય મારા તનનો ભોગવટો ઇચ્છે છે!

રાશિના કાનમાં ધાક પડી ગઈ.

અને આ પ્રસ્તાવ પાછા આનંદ જ મૂકે છે!

રાશિનું ઊર્મિતંત્ર બધિર બન્યું. પતિની દલીલો બહેરા કાને અથડાતી રહી, અમુક શબ્દો ધ્યાન પર આવતા તો પ્રત્યાઘાત ઊઠેલો : પતિ દ્વારા કૌમાર્યભંગનો અનુભવ મેળવી ચૂકેલી પરણેતર પરપુરુષનું પડખું પતિની મરજીથી સેવે તો તેનું ચારિત્ર્યભંગ નથી થતું એ તમારી ગણતરી વાહિયાત છે, આનંદ! નારીના શીલને તમે સમજી શું બેઠા છો? મારો દેહ તાસક પર ધરી તમે જીવનમાં આગળ વધવા માગો એ કેવી માનસિકતા!

પત્નીના થીજેલા મુખભાવે આનંદના પેટમાં સીસું રેડાયું.

‘રા...શિ...’ તેણે પત્નીને હલબલાવી, ‘મારા પ્રમોશનનો માર્ગ તારા થકી જ ક્લિયર થાય એમ છે. મારા સુખની તને પરવા નથી. મારી પ્રગતિમાં તું રાજી નથી?’

પતિનું સુખ! રાશિને મા યાદ આવી. કેટલી પતિપરાયણ, પરંતુ સામે એ પણ હકીકત હતી કે પપ્પાએ કદી માનો સ્વમાનભંગ નથી કર્યો, તેને છેહ નથી દીધો!

જ્યારે આનંદ, તમે...

‘તારી ચુપકીને તારો હકાર માની લઉં?’

ત્યારે રાશિની કીકીમાં વિહ્વળતા ઝબકી. મારે આનંદને રોકવા રહ્યા! પણ કઈ રીતે? મારા નકારથી વીફરેલા આર્યે આનંદને જૉબમાંથી તગેડી મૂક્યા તો - આનંદને જરૂર આ ડર પજવતો હોવો જોઈએ!

પતિના પ્રસ્તાવ પાછળનું સાચું કારણ આ જ હોય એવું સ્વીકારવું રાશિને રાહતરૂપ લાગ્યું : આનો તો ઇલાજ છે યશોધરાદેવી!

‘આનંદ, આર્યની બળજબરીથી ડરવાની જરૂર નથી. આપણે યશોધરાદેવીની મદદ લઈશું - પતિને તેઓ સાચે માર્ગે વાળશે!’

આનંદની આંખો પહોળી થઈ:

રાશિનો વિચારતંતુ પકડાયો. અહં, એ સંભવ નથી. રાશિ મને વિલન માને એનો વાંધો નહીં, પણ મૅડમને મળવાનો ધખારો તો સમેટવો જ રહ્યો!

‘કોઈ આડા માર્ગે ભટક્યું નથી, રાશિ... ઇટ્સ અ પ્યૉર બિઝનેસ ડીલ. તેમની પાસે પોસ્ટ છે, મારી પાસે સુંદર નારીદેહ! અમે માત્ર પઝેશન એક્સચેન્જ કરી રહ્યા છીએ - વૉટ્સ સો બિગ ઇન ધૅટ! હું તને ત્યજવાનો નથી, તારે આર્યનાં છોકરાં નથી જણવાનાં - તો પછી શા માટે નાનીઅમથી વાતને ઇશ્યુ બનાવી રહી છે!’

નાની વાત! પતિનું નવું રૂપ ખમાતું ન હોય એમ રાશિ આંખો મીંચી ગઈ.

‘લુક ઍટ મી,’ આનંદે સહેજ આક્રમકતા દાખવી, સ્ત્રીને ધમકાવી વશ કરી શકાય છે એ સૂત્ર યાદ કરીને, ‘આંખમીંચામણાં કરવાથી પરિસ્થિતિ નહીં બદલાય. નિર્ણય આજે, અત્યારે લેવાનો છે!’

રાશિનું હૈયું ડૂબવા લાગ્યું.

‘કમ ઑન, રાશિ! હજીયે તું વિચારે છે! આઇ નો. મેં તને પરણીને જ ભૂલ કરી. મારાથી તારું ભણતર ઓછું, આર્થિક સ્થિતિ નબળી તોય મેં તને અપનાવી...’ આનંદે ભીતર દબાયેલો અહેસાન ઓકી નાખ્યો, ‘આજે મને ફાયદો કરાવવાની તક છે ત્યારે તું પાણીમાંથી પોરા કાઢવા બેઠી! લિસન, મારે એવી પત્નીને પોષવાની જરૂર નથી, જે વખત આવ્યે મને ખપ ન લાગતી હોય!’

રાશિની પાંપણે બે બુંદ જામ્યાં.

ધીસ ઇઝ ધ મોમેન્ટ. આનંદે કુશળતાથી પાઠ બદલ્યો.

‘હું ઉપકાર નથી ગણાવતો, પ્રિયે, મારી ચાહતમાં તને વિશ્વાસ તો છેને! હું તને ખોટો રસ્તો ચીંધી શકું?’

હૃદયના ઊંડાણથી ફૂટતા હોય એવા શબ્દો રાશિને વળી રણઝણાવી ગયા, ‘મને કંઈ સમજાતું નથી, આનંદ!’ રાશિએ પતિના ખભે માથું ટેકવ્યું.

માણસની બુદ્ધિ કુંઠિત થાય ત્યારે લાગણીની આળપંપાળ કરી ધાર્યું કામ કઢાવી શકાય છે. આનંદે એની જ અજમાઇશ કરી.

‘રાશિ,’ તેણે પત્નીની હડપચી ઊંચી કરી, ‘તું મને ચાહે છેને?’

ખલાસ! આ એક પ્રશ્ન, તેની પૂછવાની ઢબ... રાશિ પીગળી ગઈ.

નારી પોતાના હૈયાથી મજબૂર હોય છે, જ્યારે પુરુષને બે પગ વચ્ચેની વાસના સિવાય કશું મજબૂર નથી કરી શકતું!

€ € €

ગ્રેટ!

આનંદનું કન્ફર્મેશન મળતાં આર્યે ઉત્તેજના અનુભવી. અલબત્ત, નમણી નાગરવેલ જેવા નારીદેહને ભોગવવાની આર્યને નવાઈ નહોતી, પણ રાશિ જેવું સૌંદર્ય ચોક્કસપણે અગાઉ નથી માણ્યું! અપ્સરા જેવી તેની દેહલતાના કણકણને હું ખૂંદી વળીશ...‘

‘આજે કંઈ બહુ મલકાવ છોને!’

સવારે, વરંડાની બેઠકે, ચાની ટ્રે લઈ પ્રવેશતી પત્નીના સાદે સત્વર મનોભાવ સંકેલી આર્યે ‘બિઝનેસ વર્લ્ડ’માં નજર ફેંકી મલકાટનું કારણ શોધી કાઢ્યું, ‘આપણી કંપનીના શૅરના ભાવ વધે એ ખુશાલીનું જ કારણ ગણાયને!’ તેણે છાપાનો હવાલો આપવા ધાર્યો, પણ યશોધરા ચતુર હતી,

‘મને ફોસલાવો છો! આપણી કંપનીનો ભાવ તમારે છાપામાંથી જાણવો પડે?’

કાન ખેંચ્યા જેવી એ હરકત હતી.

અંદરખાને આર્યને યશોધરા હંમેશાં પોતાનાથી વેંત ચડિયાતી લાગતી. પોતાની જેમ તે પણ ગર્ભશ્રીમંત પરિવારનું ફરજંદ હતી. રૂપની કમી તેનેય નહોતી. પોતે ઑક્સર્ફોડમાં ભણ્યો તો તેણે બનારસ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષયમાં એમએ કર્યું. બુદ્ધિમત્તા, આત્મવિશ્વાસ, સ્વાભિમાનથી છલોછલ પત્ની ચારિત્ર્યવાન પણ ખરીને! આર્યને આ વિશેની પોતાની વામનતા ખટકતી ત્યારે સમાધાન શોધી લેતો : આટલી હોશિયાર પત્નીને હું મારા પરસ્ત્રીગમનની ભનક સુધ્ધાં આવવા દેતો નથી એ હિસાબે હું વધુ પ્રવીણ ગણાઉં કે નહીં!

અત્યારે પણ અખબાર ફૉલ્ડ કરતાં તેણે સિફ્તથી સઢ ફેરવ્યો, ‘હરિદ્વાર જવાની તૈયારી થઈ ગઈ?’

આઠ વરસ અગાઉ કમલકાંતનો દેહાંત થયો ત્યારે આર્ય ચોવીસનો હતો, ફૉરેનથી ડિગ્રી લઈ, નવો-નવો બિઝનેસમાં જોડાયેલો... બહુ જલદી તેણે વ્યાપારમાં હથોટી કેળવી લીધી.

‘તું થોડી ફુરસદ કાઢે દીકરા, તો તને પરણાવી હું નિવૃત્ત થાઉં...’ માતા રંભાબહેન ટકોરતાં.

સમજણો થયો ત્યારથી આર્યે માના વ્યક્તિત્વ પર સતત એક ઓછાયો નિહાળ્યો હતો. બાળપણમાં મા કેટલાં લાડ કરતી, શ્રીરામ, વિવેકાનંદ જેવી હસ્તીઓની પ્રેરણાત્મક ગાથા કહી હંમેશાં ઉચ્ચ જીવનમૂલ્યોની શીખ આપતી... કિશોરાવસ્થામાં તેની ઉદાસી ક્યારેક પરખાતી, પણ આ બધી કહાણી બોરિંગ લાગતી, મિત્રોની દુનિયામાં યુથનું ફન હતું, એક્સાઇટમેન્ટ હતી, ઉંમરનો એ તબક્કો જ એવો હોય છે, કદાચ કે દીકરો માના પાલવથી બંધાયેલા રહેવાનું છોડી દે... પછી તો છ-છ વરસ ફૉરેનમાં ગાળ્યાં. ના, માના પ્રેમમાં કદી ઓટ નહોતી અનુભવી, પરંતુ પરત થયા પછી એવું લાગતું, જાણે માએ પોતાની જાતને ક્યાંકથી સેરવી લીધી છે... તે પપ્પાનો ખ્યાલ રાખતી, મારી દેખરેખ કરતી, પૂરેપૂરી સંસારમગ્ન અને છતાં સંસારથી પૂરેપૂરી અલિપ્ત! એમાં વળી પપ્પા પાછા થતાં તેનું એકાકીપણું ગાઢું બનતું ગયું, પોતાને પરણાવી રિટાયર્ડ થવાની તેની વાતે આર્ય હસતો,

‘વહુના પગલે કઈ સાસુ આપમેળે નિવૃત્ત થઈ છે કે તું થવાની!’

રંભાબહેન સામું મલકી શકતાં નહીં,

‘બસ, દીકરા, બહુ જીવી લીધું આ ચમકદમકમાં, આ ઘરમાં...’ બંગલાની દીવાલોને જોઈ તે હળવો નિ:શ્વાસ નાખતાં, આર્ય માનતો કે માને પિતાની ખોટ પજવી રહી છે.

‘વહુના આવતાં જ હું હરિદ્વાર જતી રહેવાની, નર્યો એકાંતવાસ અને હરિભક્તિ...’

અને ખરેખર યશોધરાવહુના આગમનના ચોથા જ મહિને ઘર-સંસારનો ભાર ગણો કે હક, વહુને સોંપી તેમણે વિદાય માગી હતી.

‘વહુ, તારા થકી મારો દીકરો સચવાશે એમાં મને સંશય નથી... પ્રેમથી, સંપથી રહેજો.’

સગાઈથી લગ્ન સુધીમાં યશોધરા સાસુનું મન પામી ગઈ હતી. ઊલટું તેણે ભારોભાર આદર જન્માવેલો : માના ચિત્તમાં અનાસક્તિ વસી ગઈ છે, તેમને પરાણે રોકવાં પાપ ગણાશે!

હરિદ્વારમાં તેમની પ્રૉપર્ટી તો હતી જ... પંદર-વીસ દહાડા ત્યાં રહી માના જીવનનિર્વાહનો પાકો બંદોબસ્ત કરી યશોધરા પાછી ફરેલી. ફોન પર તો યશોધરા માના ખબરઅંતર પૂછતી જ હોય, આર્યને આવો સમય ભાગ્યે જ મળે.

‘તારી સાથે વાત કરું એ આર્યને કહ્યા બરાબર! તારા રણકા પરથી તમારો સંસાર મધુર છે એનો મને આનંદ...’

સાસુ-વહુનાં મન મળી ગયેલાં, ‘આખું વરસ ભલે હરિદ્વાર રહો, દિવાળીમાં તો ઘરે આવવાનું એટલે આવવાનું જ!’ યશોધરાએ દીપાવલીમાં સાથે રહેવાનો શિરસ્તો શરૂ કરાવેલો, જે વિના અપવાદ પળાતો. આર્ય પણ સમજીને પોતાના રોકાણ એ રીતે પ્રીપ્લાન્ડ કરી રાખતો...

ચારેક વરસથી રંભાબહેનને ડાયાબિટિઝનો વ્યાધિ વળગ્યો હતો. ત્યારથી દર મહિને બે-ચાર દિવસ સાસુ પાસે ગાળવાની ટેવ યશોધરાએ પાડેલી, ગયા વરસે તેની મધરનું અવસાન થયું ત્યારે એક-બે મહિનાનો ખાડો પડેલો, પણ એ વખતે સંજોગો જાણી સાસુમા ખુદ વહુને સાંત્વના પાઠવવા ફ્લાઇટ પકડી આવી ચડેલાં.

એ હિસાબે આર્યના શિરે માની જવાબદારી જેવું કંઈ રહેતું નહોતું.

‘અરે, વાહ! તમને મારી હરિદ્વારની તૈયારીમાં રસ પડ્યોને!’ યશોધરાના સાદે આર્ય ઝબક્યો, વર્તમાનનું અનુસંધાન મેળવી લીધું, ‘અવકાશ હોય તો તમે પણ જોડે આવોને...’

યશોધરાનો પ્રસ્તાવ દર વખતની જેમ આજે પણ તેણે ટાળ્યો, મશ્કરીથી,

‘કેમ, ગંગામાં પાપ ધોવાં!’

યશોધરા ગંભીર બની.

‘તમે પાપ કર્યાનું હું માનતી જ નથી, આર્ય!’

પત્નીની મૂર્ખામી પર પ્રગટવા મથતું હાસ્ય ભીતર જ દબાવી દેવું પડ્યું. આર્યે બિઝનેસમાં ઘડાયા પછી લગ્નની પ્રથમ વરસગાંઠ પહેલાંનો પોતે પરસ્ત્રીસંગ માણતો હતો, એમાં પાછલાં ચારેક વરસથી, યશોધરાની માસિક નિયમિત ગેરહાજરી બહુ અનુકૂળ રહેતી.

મા-પત્નીની જાણબહાર પોતે કર્જતમાં ખરીદેલા ફાર્મહાઉસમાં એ રાત્રિઓ રંગીન બની જતી, વીકએન્ડનો સ્કોપ હોય ત્યારે તો પૂછવું જ શું! ના, યશોધરા તરફથી તેને સહેજે અસંતોષ નહોતો, પણ નિતનવા યૌવન સાથે રમવાની ટેવ પડી એ પડી.

યશોધરાના કપાળે મીઠું ચુંબન ચોંટાડતો આર્ય ખરેખર તો મનમાં કપટ ઘૂંટતો હતો : શુક્રવારની આજની બપોરની ફ્લાઇટ પડી યશોધરા હરિદ્વાર રવાના થાય એટલે શનિ-રવિના વીકએન્ડનો રાશિની કંપનીમાં પૂરો કસ કાઢવો છે!

€ € €

સર શનિવારનો હાફ-ડે અટેન્ડ કરી એક વાગ્યા સુધીમાં ફ્રી થઈ જશે, આપણી ગલીના નાકેથી સર તને પિક-અપ કરશે, તમારે કર્જતના ફાર્મહાઉસ જવાનું છે, પણ યાદ રહે, આનો ઉલ્લેખ આપણા ત્રણ સિવાય ચોથી કોઈ વ્યક્તિ સમક્ષ નહીં થાય...

શનિની સવારે સૂચનાઓનો ઢગલો ઠાલવી ઑફિસ જવા નીકળેલા પતિનો ઇશારો યશોધરા તરફ હોવા વિશે રાશિને શંકા નહોતી. જતાં પહેલાં રાશિનો ગાલ ચૂમેલો : તું પરત થતાં જ હું પ્રમોટ થવાનો એ યાદ રાખજે! કેવો તેનો થનગનાટ.

આંખે ગોગલ્સ ચડાવી, ખભે હૅન્ડબેગ લટકાવી આર્યની રાહમાં ગલીના છેડે ઊભેલી રાશિને થયું, પતિ જેવો ઉમળકો મારામાં કેમ નથી! સમર્પણ દિલથી થવું જોઈએ... હું આર્યને રીઝવી ન શકી, પથારીમાં તેમને ઠંડી વર્તાઈ તો... રાશિ સહેજ ધþૂજી. પરપુરુષ સમક્ષ નિરાવૃત થવાનો સંકોચ ઘેરી વળ્યો.

એ જ વખતે કાર નજીક આવી અટકી, આગલી બારીનો કાચ સરક્યો, ‘વેલકમ, રાશિ’.

સ્મિત ઊપજાવી રાશિ કાર હાંકતા આર્યની પડખે ગોઠવાઈ. કાર સરકી.

‘નાઇસ સાડી.’ આર્ય ઉમંગમાં લાગ્યો. પોતાની સુંદરતાનાં વખાણ કરતો આર્ય ઉત્તેજનાની ધરી તૈયાર કરતો હોવાનું તે પામી ગઈ. સ્ત્રીને ભોગવવા પુરુષ આવો અધીર બની જતો હશે!

રાશિનું નિરીક્ષણ ખોટું નહોતું. આર્યનું બદન તપવા લાગ્યું હતું. વારે-વારે રાશિને જોઈ લેતો. કદી તેના વક્ષસ્થળ પર નજર ચોંટી જતી. ડ્રાઇવિંગમાં આવી બેધ્યાની ભારે પડે એમ એક વળાંકે અચાનક ટ્રક સામે આવી જતાં રાશિ ચોંકી, આર્યનું ધ્યાન ફંટાયું, પણ મોડું થઈ ચૂક્યું, ટ્રક સાથેની ટક્કર ટાળવા તેણે ભયાનક ટર્નથી કાર વાળી, કાચા રસ્તે થોડું દોડી કાર સીધી ઝાડમાં થડ સાથે અથડાઈ.

(ક્રમશ:) 


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK