અન્ય ભાગ વાંચો
સમીત (પૂર્વેશ) શ્રોફ
આ બદન!
સંગેમરમર જેવી પત્નીની કાયાને નિહાળતા આનંદની આંખોમાં લાલચનાં સાપોલિયાં સળવળવા માંડ્યાં. મહિના અગાઉના કંપનીના ઍન્યુઅલ ગેધરિંગમાં બૉસે કહેલા શબ્દો તાજા થયા : આનંદ, તારાં તકદીર શાહજહાં જેવાં છે, બેગમના રૂપમાં આખેઆખો તાજમહલ તને નસીબ છે!
રાશિની તારીફ આનંદ માટે નવી નહોતી... દોઢેક વરસના લગ્નજીવનમાં સગાંસ્નેહી,
યાર-દોસ્તો પાસેથી અસંખ્ય વાર રાશિના રૂપની પ્રશસ્તિ સાંભળી હતી. અરે, પોતે પણ તેની ખૂબસૂરતીથી ઘાયલ થઈને જ લગ્ન માટે ‘હા’ ભણી હતીને! બાકી કલકત્તાના પોતાના ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવાર સામે રાશિ સાવ ગરીબ ઘરની જ ગણાય... મારા એન્જિનિયરિંગના ભણતર સામે તેનું બીએનું સર્ટિફિકેટ તુચ્છ જ લાગે!
આનંદ પોતે કમ આકર્ષક નહોતો, અને એટલે જ સહજીવનમાં પોતાનું પલડું ભારે હોવાની માન્યતા શરૂથી ઊંડે-ઊંડે ક્યાંક ઘર કરી ગયેલી. આઠેક મહિના પહેલાં નોકરી અર્થે પતિ-પત્ની મુંબઈ શિફ્ટ થયાં ત્યારથી જાણે-અજાણે એનું પ્રાગટu પણ થઈ જતું : વરસે પંદર લાખનું પૅકેજ, અંધેરીનો આ વેલ-ફર્નિશ્ડ ફ્લૅટ, સ્મૉલ કાર - આ બધું મેં મારી લાયકાત પર મેળવ્યું છે, મારા જેવો હોશિયાર પતિ મળ્યો એ તારું ખુશનસીબ ગણાય કે નહીં?
પતિને સમર્પિત રાશિને આમાં કશું વાંધાજનક લાગતું નહીં : તમારી લાયકાત અને મારાં સદ્નસીબ. મને સંદેહ છે જ નહીં!
રાશિ માટે માતા-પિતાનું લગ્નજીવન ઉદાહરણરૂપ હતું. પિતા કમાતા, મા તેમનો પડ્યો બોલ ઝીલતી, રાતે પગ દબાવી આપતી. પતિની સેવાથી સ્વર્ગ મળે એવા સંસ્કારમાં ઊછરેલી રાશિ માની જેમ માત્ર દસમું પાસ નહોતી, છતાં પત્ની તરીકે આ ગુણો પાળવા તેને ગમતા. પોતાની ક્ષમતાને ચકાસવાની નીયત કદી જન્મી જ નહીં. કલકત્તામાં મુક્ત મને હરીફરી શકતી રાશિને મુંબઈ હજીયે અજાણ્યું લાગતું, નજીકના સુપરમાર્કેટમાં શાકપાંદડું ખરીદવા સિવાય એકલી ક્યાંય જતી નહીં. આડોશપાડોશમાં કેટલો વખત ગાળવો? તેનો દિવસ ઘરકામમાં પસાર થઈ જતો. ગૃહસજાવટ તેને ગમતી. રાચરચીલાના સ્થાનફેરથી બારીના કર્ટેન્સ અદલબદલ કરી ઘરને નવો લુક આપવાનો તેનો શોખ મુંબઈમાં સમય ખુટાડવાના સાધન જેવો બની રહ્યો. લતાનાં ગીતો સાંભળે, છાપામાં ક્રૉસવર્ડ પઝલ પૂરે, રસોઈમાં નવા અખતરા કરે... રાત્રે આઠ-નવ વાગ્યે પાછા ફરતા પતિની વ્યસ્તતાની ફરિયાદ મનમાં ઊઠવા ન દે! પોતાના સૌંદર્યથી તે સભાન હતી, આનંદને તેનાં વખાણ ગમતાં હોવાનું સમજાયા પછી પતિના વતુર્ળમાં તે સજાવટભેર સામેલ થતી, અન્યથા રાશિ અંગતપણે સાદગીમાં માનતી.
ગયા મહિને આનંદે બહુ ઉલ્લાસભેર કહેલું : રાશિ, નેક્સ્ટ સેટરડે અમારી કંપનીનો વાર્ષિક મેળાવડો છે. અલીબાગના રિસોર્ટમાં ગ્રૅન્ડ પાર્ટી છે, તું એવી તૈયાર થજે કે જોનારાની નજર હટે નહીં!
રાશિને તો આમાં પોતાને મળેલો ગોલ્ડ મેડલ વિદ્યાર્થી દુનિયાને દેખાડવા માગે એવી હોંશ જ જણાયેલી. વળી, પતિનો આદેશ તો માથે ચડાવવાનો હોય જને! શનિવારની એ પાર્ટી માટે તેણે મન દઈને સજાવટ આદરી હતી : યલો-ગ્રીન કૉમ્બિનેશનની ભરતકામવાળી સાડી, પીઠનો ઉઘાડ દેખાડતું ડિઝાઇનર બ્લાઉઝ, ગોલ્ડની ડેલિકેટ જ્વેલરી, લાંબા કેશના ચોટલામાં પીળાં ફૂલ-લીલાં પાનનો ગજરો, સેંથીમાં સિંદૂર, હાથમાં સોનાની બંગડી ઉપરાંત લીલી કાચની ચૂડીઓ, કપાળે ઝબૂકતી બિંદિયા! રાશિની સુંદરતાનો ચંદ્ર જાણે સોળે કળાએ ખીલ્યો હતો! નાક-નકશાની નમણાશ, અંગોના ઉભારની ચુભન તીવþ બની હતી.
‘યુ લુક ગ્રે...ટ!’ આનંદ એવો હર્ષિત હતો, જાણે લાખોની લૉટરીનું ઇનામ પાકું થવાની ખાતરી થઈ હોય!
રાશિ થોડી નર્વસ હતી : આનંદ ‘મહેતા ગ્રુપ ઑફ કંપનીઝ’ની તમારી ફૅક્ટરીના એકેય સભ્યને હું મળી નથી, વળી તમે કહો છો કે પાર્ટીમાં કંપનીના સર્વેસર્વા એવા સીઈઓ આર્ય મહેતા તેમનાં વાઇફ યશોધરા જોડે ઉપસ્થિત હશે... મારા માટે સૌ અજાણ્યા!
‘હું તો છુંને તારો જાણીતો...’ કહી આનંદે પત્નીને આશ્વસ્ત કરેલી.
આશરે ત્રણેક હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીના સ્થાપક કમલકાંત મહેતાની પ્રણાલી અનુસાર દિવાળી અગાઉ ફૅમિલી ગેધરિંગ થતું. પિતાના નિધન પછી આઠેક વરસથી સ્વતંત્રપણે કંપનીનો કાર્યભાર સંભાળતા પુત્રે આ પ્રથા ચાલુ રાખી હતી. પ્લેઝન્ટ પર્સનાલિટી ધરાવતો ૩૨ વરસનો આર્ય કામણગારો દેખાતો, જ્યારે મિસિસ યશોધરા મહેતાને મળવાનો આનંદ માટેય આ પ્રથમ અવસર બનવાનો હતો.
‘મને તો પતિ કરતાં પત્ની વધુ ઠરેલ-ઠાવકી લાગી.’
મોડી રાત્રે, પાર્ટીમાંથી પરત થતાં રાશિએ લાગ્યું એવું કહી દીધું હતું.
અલીબાગના દરિયાકિનારાની ખુલ્લી હવા, રંગબેરંગી રોશની, હળવું સંગીત, ઉમદા ખાણું... પરિવાર સહિત પધારેલા કંપનીના વિવિધ સ્તરના સાડાત્રણસો જેટલા કર્મચારીઓની મહેમાનગતિમાં યશોધરાએ અંગતપણે રસ દાખવ્યો હતો.
ત્રીસની વય, તેજસ્વી મુખાકૃતિ, કેસરી રંગની સાડીમાં ઠસ્સાદાર જણાતાં યશોધરાના નામ પાછળ આપોઆપ દેવી શબ્દ ઉમેરાઈ જાય એવાં જાજરમાન લાગ્યાં.
‘દેવીને બદલે મને દીદી કહેશે તો ગમશે!’ કેવી મૃદુ મુસ્કાનભેર તેમણે સુધારો સૂચવ્યો હતો. પછી ઉમેરેલું, ‘જોકે ખરી રૂપાળી તું. સૌની નજરનું કેન્દ્ર તું બની બેઠી છે, મારા વર સુધ્ધાંની!’
મજાકમાં બોલાયેલા શબ્દોએ રાશિને લજવી દીધેલી. બાદમાં ખ્યાલ આવ્યો કે ડ્રિન્કની ચુસકી લેતો, ગ્રુપમાં ચર્ચાનો દેખાવ કરતો આર્ય આંખના ખૂણેથી પોતાનું રૂપ પી રહ્યો છે! બેશરમ. પતિ સાથે પણ તેણે કેટલી ગુફતેગૂ કરી! સ્વાભાવિકપણે રિટર્નમાં તેનો ખટકો ઊછળ્યો,
‘આર્યની નજર મને મેલી લાગી.’
આનંદ ભીતર ચમકેલો : બૉસની નજરનો અંદાજ પામનાર રાશિને મારો ઇરાદો ગંધાવો ન જોઈએ!
કાર્યસ્થળે આનંદે આર્યના સીધા સંપર્કમાં આવવાનું બહુ ઓછું બનતું, કેમ કે પ્રોડક્શન પ્લાન્ટ પર આર્યનું ખાસ જવાનું થતું નહીં : છતાં, આનંદ આર્યના ધ્યાનમાં હતો : છોકરો મહેનતુ એટલો જ મહત્વાકાંક્ષી છે.
સામા પક્ષે આનંદે પણ બૉસની ખામી-ખૂબીઓ વિશે ઘણું જાણ્યું-સાંભળ્યું હતું. નાની વયે બિઝનેસમાં હથોટી કેળવી ચૂકેલો આર્ય ધાર્યો ગોલ અચીવ કરનારો હતો. ઉપરી તરીકે કોની પાસે, કઈ રીતે કામ લેવું એની આર્યમાં સૂઝ હતી. તીક્ષ્ણ બુદ્ધિમત્તા, ઝડપી ડિસિઝન પાવર જેવા ગુણ તેની સફળતાની ગવાહી પૂરતા. ઐશ્વર્યની આભા તેના ચુંબકીય વ્યક્તિત્વને ઓર આકર્ષક બનાવતી, ‘આમ તો સાહેબના ઘરે હસબન્ડ-વાઇફ બે જ છે... કમલકાંતસરના નિધન પછી રંભાશેઠાણીએ હરિદ્વારનો એકાંતવાસ અપનાવી લીધો છે, ત્યાં ગંગાતટે તેમનું આલીશાન મકાન છે.’
આ વિગતો તો ઑફિસમાં ઘણા જાણતા હશે, આર્યની છાની ટેવનો રાઝ તેમના વિશ્વાસુ મનાતા સેક્રેટરી મોહિતે કહેલો, ‘આનંદ, તારી વાઇફને મેં જોઈ છે. તે આર્યને પણ ગમશે જ, કંપનીની પાર્ટીમાં આ વાત સાબિત થઈ જશે!’
આનંદ પળવાર ડઘાયેલો. આર્યની ટેવ (કે કુટેવ) શ્રીમંતાઈના ઢોલ જેવી ગણાઈ જાય, પણ એમાં મારી રાશિને શું કામ સાંકળો છો.
‘તું કદાચ ભૂલી ગયો આનંદ કે પંદર દા’ડા પછી પ્લાન્ટ હેડ મિશ્રા રિટાયર્ડ થતાં એક પોસ્ટ ખાલી પડવાની, તારા ત્રણ સિનિયર્સને વળોટી તારે એ મુકામ મેળવવો હોય તો જસ્ટ ટેલ યૉર વાઇફ ટુ પ્લીઝ આર્ય!’
હાઉ ડૅર યુ! આટલી ઇન્ડિસન્ટ પ્રપોઝલ મૂકવાની તારી હિંમત કેમ થઈ? - પાંત્રીસેક વરસના સેક્રેટરી મોહિતનો કાંઠલો ઝડપવા જતાં આનંદની આકાંક્ષાએ તેને રોક્યો - આખરે દરેક સફળતાની એક કિંમત હોય છે! બીજા સંજોગોમાં પ્લાન્ટ હેડ બનતાં મને દાયકો લાગે... રાશિની એક રાતથી આ દસ વરસનું અંતર ઓગળી શકતું હોય તો સોદો ખોટનો નથી!
માણસ જ્યારે સ્વાર્થઅંધ બને ત્યારે પાપ-પુણ્યનો ભેદ પારખી શકતો નથી. મન અનુકૂળ દલીલો શોધી કાઢે છે : રાશિ ક્યાં અખંડ કૌમાર્યવતી છે? પછી પરપુરુષનું પડખું સેવવામાં તેણે શું ગુમાવવાનું! મારે ક્યાં તેને ચારિhયહીન ઠેરવી વનવાસ આપવો છે? મારી પત્ની તરીકેની તેની ઓળખ ઓછી બદલાઈ જવાની છે? મારા હોદ્દાથી તેનુંય સોશ્યલ સ્ટેટસ વધશે જને! પતિ માટે આટલી કુરબાની તો પત્ની આપી જ શકે!
મન મનાવતો આનંદ પામી ગયેલો કે આર્ય નારીના કમસીન બદનનો શોખીન છે, અને તેના રહસ્યમંત્રી જેવો મોહિત ગુપ્ત ઢબે એની વ્યવસ્થા પાર પાડે છે! સેક્રેટરી તરીકે કદાચ તેનું મુખ્ય કામ જ આ હશે! આર્ય આમાં બળજબરી કે દબાણ આચરતો નથી એટલે પણ કદાચ યશોધરાથી પતિનો દુગુર્ણ છાનો રહ્યો છે.
‘સરની ઑફર ઠુકરાવાઈ હોય એવું આજ સુધી તો બન્યું નથી,’ મોહિતે વટથી કહેલું. એ હિસાબે પણ બૉસને બૈરી ધરવામાં હું પહેલો નથી!
આર્યને વશ થનાર જાણે છે કે સોદામાં ગિવ ઍન્ડ ટેક સિવાય કશાનો અવકાશ નથી, ન ગુપ્તતાનો વણલખ્યો કરાર તોડવાનો કે ન બૉસને બ્લૅકમેઇલ કરવાનો! પોતાની ઊજળી છાપને ખંડિત કરનારને આર્ય બક્ષે નહીં એવો તેનો ધાક હતો.
- અને મારે ક્યાં એવું કશું કરવુંય છે!
અત્યારે, સંવનનની નાજુક ક્ષણોમાં રાશિનાં નર્વિસ્ત્ર દેહને ભીંસ દેતાં આનંદના દિમાગમાં એની એ જ ગણતરીઓ ચાલતી હતી.
મોહિતના ખુલ્લા ઇશારા પછી રાશિની કાયા મને કોરા ચેક જેવી લાગવા માંડી. આર્ય ઇમ્પ્રેસ થઈ જાય એ હેતુથી જ મેં તેને કંપનીના ગેધરિંગ માટે શણગાર સજવા કહ્યું. ફાસ્ટ ગણાતા આર્યે મોહિતના ફીડબેક પછી સીધી જ ડીલ મૂકી : રાશિને એક વીકએન્ડ પૂરતી મારી શય્યાસંગિની બનવા દે, તારું પ્રમોશન પાકું!
‘ડન!’ આનંદે પણ ત્વરિત નિર્ણય લઈ લીધો હતો : લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય!
‘આઇ વૉન્ટ નો ન્યુસન્સ. મારે બળાત્કાર નથી કરવો. તારી વાઇફ સંમત થતી હોય, વાત ખાનગી રાખી શકતી હોય તો જ ‘હા’ કહેજે.’ આર્યનું સ્પષ્ટવક્તાપણું વેપારીને છાજે એવું હતું.
રાશિને રાજી કરવા પોતે થોડા દિવસની મહેતલ માગી હતી, પણ રોજ રાતે કહેવાનો ઇરાદો ફસકી જતો. ગઈ કાલે જ મોહિતે ટકોર કરેલી : પોસ્ટ વેકન્ટ થયાને ત્રણ વીક થઈ ચૂક્યાં. સર પ્રમોશન માટે વધુ વાટ નહીં જુએ!
અહં, હાથ લાગેલી તક મારે ગુમાવવી નથી! આજે હું મારા હૈયાને ગિલ્ટ સ્પર્શવા નહીં દઉં. રાશિના નકારથી નહીં ડરું. લાલચથી નહીં રીઝતી નારી પ્રેમવશ સર્વસ્વ હોમવા તૈયાર થઈ જતી હોય છે! આ જ કસબથી હું તેને મનાવીશ. મને ઇનકાર કરી તું આપણું લગ્નજીવન જોખમમાં મૂકી રહી છે એમ કહીશ ત્યારે તેને બીજો આરો નહીં રહે. પિયરની નબળી સ્થિતિને કારણે લગ્નવિચ્છેદ તેને કદી પરવડવાનો નથી! વળી, તે મને ચાહે છે. પ્રણયઘેલી નારી શું નથી કરતી! થઈ જવા દે આજે તેની કસોટી!
‘પ્રિયે,’ પરાકાષ્ઠાની હાંફ ઓસર્યા પછી તે રાશિના કાનોમાં ગણગણ્યો, ‘મારી પ્રગતિ, મારા સુખ ખાતર તું તન-મનથી અર્પણ કરતાં ખચકાય ખરી?’
‘તમને શંકા છે?’ રાશિએ સાબિતી દેવાના આવેશથી પૂછ્યું.
‘પૂછવું પડ્યું, રાશિ, કેમ કે તારો એક હકાર મારી કરીઅર, આપણી જિંદગી બદલી શકે એમ છે...’ આનંદે એકશ્વાસે પ્રસ્તાવ મૂકી દીધો : બૉસ આર્યને તું ગમી ગઈ છે. એક વીકએન્ડ તેને રીઝવી લે પથારીમાં તો મને મોટું પ્રમોશન મળે એમ છે!’
રાશિએ ધરતીકંપનો આંચકો અનુભવ્યો, પણ જીવનમાં ઝંઝાવાતની આ તો શરૂઆત હતી!
(ક્રમશ:)
TMKOC: ચર્ચામાં છે બબીતાજીની આ નવી તસવીર, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
22nd January, 2021 18:17 ISTHappy Birthday: લગ્ન બાદ આટલી બદલાઈ ગઈ છે Namrata Shirodkar, વાંચો
22nd January, 2021 17:01 ISTShare Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTRubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ
22nd January, 2021 14:50 IST