કથા-સપ્તાહ - મનદુ:ખ (મારો રસ્તો, તારો માર્ગ - ૫)

Published: 26th October, 2012 05:56 IST

લાભપાંચમ પછી, વેકેશન ગાળી પરત થયેલા ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરી ગાયત્રીબહેનની ટેસ્ટ્સ કરાવી, પણ દરેક રિપોર્ટ નૉર્મલ આવ્યા.અન્ય ભાગ વાંચો
1  |  2  |  3  |  4  |  5  |માને થયું છે શું? આર્જવને સમજાતું નથી.

લાભપાંચમ પછી, વેકેશન ગાળી પરત થયેલા ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરી ગાયત્રીબહેનની ટેસ્ટ્સ કરાવી, પણ દરેક રિપોર્ટ નૉર્મલ આવ્યા.

‘મે બી, ઓલ્ડ એજની ઍન્ગ્ઝાયટી હોઈ શકે.’ ડૉક્ટર આટલું જ કહી શક્યા.

ઓલ્ડ એજ!

મમ્મીએ કદી ઉંમરને ગણકારી નથી. પળેપળને ઉમંગથી માણનારી વ્યક્તિને વયનો અહેસાસ સ્પર્શી પણ કેમ શકે?

‘રાજવી, તું સતત મમ્મીની સાથે રહેતી હોય છે.’ આર્જવને પત્ની સાથે ચર્ચા જરૂરી લાગી, ‘તેં ક્યારેય મામાં બદલાવ જોયો?’

રાજવીએ હોઠ કરડ્યો. પતિના મા સાથેના અટૅચમેન્ટથી તે વાકેફ હતી, ‘પ્લીઝ, મારો વાંક ન જોશો, આર્જવ... મારે તમને કહેવું હતું, પણ ડરી જતી - ક્યાંક તમને મારો વાંક દેખાયો તો!’

આર્જવની આંખો ચમકી : અર્થાત્ કંઈક તો જરૂર બન્યું છે!

‘હું માની ફરિયાદ નથી કરતી...’

‘રાજવી, મા પ્રત્યેની તારી કન્સર્ન હું જાણું છું.’ આર્જવે પત્નીને સધિયારો આપ્યો, ‘મને નિ:સંકોચ કહે.’

‘તમારી ગેરહાજરીમાં મા બદલાઈ જતાં - એકાકી, ગુમસૂમ બની રહેતાં. હું ઘણું કહેતી - મા, રસોઈ ન કરવી હોય તો ટીવી પર ભક્તિ ચૅનલ જુઓ, ગીતાના પાઠ વાંચો, તમને હું મંદિરે લઈ જાઉં...’

‘વૉટ!’ આર્જવ અચરજ પામ્યો, ‘તું માને આ બધું કરવા કહેતી?’

‘કેમ, એમાં ખોટું શું છે?’ રાજવીએ દલીલ કરી, ‘ઘરડા માણસને બીજી પ્રવૃત્તિ શું હોય? મેં તો સિનિયર સિટિઝન ક્લબની મેમ્બરશિપ માટે પણ કહ્યું...’

‘હલો, હલો, મા ઘરડી છે એવું તને કોણે કહ્યું?’

‘આર્જવ, આવતા સોમવારે મા સાઠ વર્ષનાં થવાનાં... નિવૃત્તિવયે પહોંચેલી વ્યક્તિ ઘરડી ન ગણાય?’

હિયર ઇઝ ધ કલ્પ્રીટ! વહુ સાસુને ઘરડી સમજતી હતી, ને એ બધું કરવા કહેતી, જે સાસુની પ્રકૃતિથી ભિન્ન હતું! દીકરા-વહુ વચ્ચે તિરાડ ન પડે એટલા ખાતર મા બધું સહેતી રહી, મનોમન પીંજાતી રહી, એકનું એક જૂઠ સતત રટવાથી સત્ય લાગવા માંડે એમ એક તબક્કે મા ખુદને વૃદ્ધ માનવા માંડી, તનથી પણ અને મનથી પણ!

‘રાજવી...’ આર્જવનો સ્વર ઊંચો થયો, ‘તને અંદાજો પણ છે, તેં મા સાથે શું કર્યું?’

‘મને ન વઢો આર્જવ,’ રાજવી રડમસ બની, ‘મેં તો માને એ જ કરવા કહ્યું, જે મેં મારા પિયરમાં દાદીને કરતાં જોયાં છે...’

ઓ...હ!

આર્જવને હવે પત્નીનો દૃષ્ટિકોણ પણ પરખાયો, પરંતુ આ બધાની શરૂઆત ક્યાંથી થઈ?

‘દશેરાના ફંક્શનથી,’ રાજવીએ ભેદ ખોલી દીધો. આર્જવને થયું, કાશ, પોતે કાવેરીભાભીને સાચાં માન્યાં હોત. અરે, તેમના બયાન બાબત પૂછપરછ કરી હોત તો કદાચ વાત આટલી વધત નહીં.

‘રાજવી, રિલૅક્સ. તું દોષી નથી, જે બન્યું એમાં...’ આર્જવ આટલું કહે છે ત્યાં દરવાજો ઠોકાયો.

‘રાજવી, તારા પપ્પાનો ફોન હતો,’ કહેતાં ગાયત્રીબહેન ધ્રૂજતાં હતાં, ‘તારા ભાઈએ આપઘાતની કોશિશ કરી.’

હેં!

€ € €

રાજવીનો નાનો ભાઈ નીરવ નવમા ધોરણમાં હતો. તેણે કૉમર્સમાં ભણવું હતું, જ્યારે દશરથભાઈની ઇચ્છા (ખરેખર તો દબાણ) એવી કે ભણવામાં હોશિયાર નીરવ સાયન્સ લઈ ડૉક્ટર બને તો બહેતર.

‘દિવાળી પર હું આવી’તી ત્યારેય મેં તમને ચેતવેલા પપ્પા કે નીરવ પર દબાણ નહીં કરો... નીરવનાં રસ-રુચિ અલગ છે તો શા માટે તેને તેના મનથી ભિન્ન કરવાનું પ્રેશર આપો છો? એથી તો મન મૂરઝાવાનું જ!’ રાજવીએ કૉરિડોરમાં જ પિતાનો ઊધડો લઈ નાખ્યો.

દશરથભાઈ પણ પસ્તાતા હતા. સ્લિપિંગ પિલ્સનો ઓવરડોઝ લઈ સૂતેલો નીરવ સદ્ભાગ્યે ઊગરી ગયો ત્યારે સૌના પ્રાણ હેઠે બેઠા.

‘મેં કહેલુંને, વીરબા... તમારાં તપ-જાપ એળે નહીં જાય!’

વેવાઈની કટોકટીમાં ગાયત્રીબહેન ખડે પગે હાજર રહેલાં. રાજવીની મમ્મીને આશ્વસ્ત કરતી પોતાની માને આર્જવ ભાવથી નિહાળી રહ્યો.

€ € €

‘નીરવના કેસ પરથી તું કંઈ શીખી, રાજવી?’

રાત્રે પત્નીની ગોદમાં માથું મૂકતાં આર્જવે વાત છેડી.

‘આપણે હજી એ તબક્કાની વાર છે, જનાબ!’ રાજવીએ આર્જવના વાળમાં આંગળાં ફેરવ્યાં, ‘હજી ઘરે ઘોડિંયું તો બંધાવા દો?’

‘અહં,’ આર્જવ બેઠો થયો, ‘હું તો મા બાબત કહેતો હતો.’

રાજવીને સમજાયું નહીં.

‘સિમ્પલ. સ્ટ્રીમ્સ. રસ-રુચિ માત્ર એજ્યુકેશનમાં જ નથી હોતાં - માને દાદીમાના વાઘા પહેરાવતી વેળા તું ભૂલી ગઈ કે બન્નેની મૂળભૂત પ્રકૃતિ જ જુદી છે! દાદીમાને સાયન્સ ફાવ્યું એનો અર્થ હરગિજ એ ન થાય કે મમ્મીને પણ સાયન્સ ફાવશે જ કે તેણે ફવડાવવું જ જોઈએ!’

રાજવીની સમજબારી ખૂલી ગઈ. પ્રકૃતિથી વિરુદ્ધ વર્તમાન જબરદસ્તીનો એક અંજામ તો ભાઈના કિસ્સામાં જોઈ લીધો. મમ્મીના મૂડલેસ થવાનું કારણ પણ એ જને!

‘આઇ ઍમ સૉરી આર્જવ... હું તો માત્ર મમ્મીના હિત ખાતર...’

‘આઇ નો, હની, મને તારા પ્રત્યે કોઈ મનદુ:ખ નથી.’

‘પણ માને તો હશે જને! હોવું જ જોઈએ...’ રાજવીએ આર્જવની આંખોમાં દૃષ્ટિ પરોવી.

‘મારે એ મનદુ:ખ મિટાવવું છે, આર્જવ. કોઈ પણ હિસાબે!’

આર્જવે પત્નીને બાથ ભીડી.

€ € €

આજે મારી વર્ષગાંઠ, માધવ, મને ૬૦મું બેઠું!

આજકાલ ગાયત્રીબહેન મૃત પતિ સાથે મૂંગાં-મૂંગાં સંવાદ બોલતાં રહેતાં. ઘડપણની આ પણ એક નિશાની હોવી જોઈએ!

‘દીકરા-વહુ સવારે પગે લાગ્યાં.

બે-ચાર દિવસથી મારી જોડે બહુ બોલતાં નથી. છાનાંમાનાં ગુસપુસ કરતાં રહે છે, કદાચ મને જ ઓછું સંભળાતું હોય! રાજવી એટલું બોલી કે મા, તમે સાંજે પાંચ વાગ્યે તૈયાર રહેજો, આપણે બહાર જવાનું છે - બહાર એટલે મંદિર જ હશે વળી! આ ઉંમર જ હરિભજનની! વિચારું છું, એમાં ખોટુંય શું? મોહમાયા માણસે ક્યારેક તો ત્યજવી જોઈએ... પણ ના, મારાથી કદાચ એમ નહીં જિવાય! જીવનને જીવતાં શીખવનારા તમે આજે હોત, માધવ તો...

હળવો નિ:શ્વાસ જ નાખી શક્યાં ગાયત્રીબહેન!

€ € €

બપોરના ચાર વાગ્યે દરવાજે રાજવીને નિહાળી કાવેરીબહેનનું કુતૂહલ કૂદાકૂદ કરવા લાગ્યું, ‘રાજવી, તું અહીં!’

‘ઇન્વિટેશન આપવા આવી છું, માસી,’ આસપાસ જોતી રાજવી ધીમા સ્વરે બોલી ગઈ, ‘સાંજે છ વાગ્યે હોટેલ સુંદરના પાર્ટી હૉલમાં સપરિવાર આવી રહેજો.’

‘અરે, પણ ઉજવણી છે શાની?’ તેમણે નજર ફેંકી, ‘ક્યાંક તું ગર્ભવતી તો...’

‘તમે આવો એટલે ખબર પડી જશે?’

ફરફર પતંગિયા જેવી તે ત્વરિત જતીયે રહી!

બળ્યું. ગાયત્રીબહેન આજકાલ બહુ દેખાતાં નથી. વચમાં રાજવીના પિયરમાંય કશો પ્રૉબ્લેમ થયો (નીરવનો)... એમાં હવે આ ઇન્વિટેશન. સરપ્રાઇઝ શું છે એ જાણવાય હવે તો જવું રહ્યું!

€ € €

આર્જવે હોટેલના ગેટ પર કાર થંભાવતાં પાછલી સીટ પર રાજવી જોડે ગોઠવાયેલાં ગાયત્રીબહેન ચોંક્યાં. વેલકમ કરવા વહુનું કુટુંબ હાજર હતું. જોઈ ગદ્ગદ બન્યાં.

‘મા, આ તમારી સરપ્રાઇઝ બર્થ-ડે પાર્ટી!’

રાજવીના રણકારે ગાયત્રીબહેનને સમજાયું. અચ્છા, તો આના પ્લાનિંગમાં તમે બન્ને ખાનગી ઢબે વર્તતાં હતાં!

ત્યાં તેમની નજર દાદીમા પર પડી. સહેજ ઓઝપાયાં.

‘વહુ, આ ઉંમરે મને આવી ઉજવણી ન શોભે!’

‘તમને શોભે છે, વેવાણ,’  વીરમતીબહેને આગળ વધી ગાયત્રીબહેનનો હાથ થામ્યો, ‘નીરવના એક પગલાએ અમને સૌને સમજાયું એમ રાજવીને પણ પરખાયું છે કે માણસને તેની પ્રકૃતિ, રસ-રુચિથી વિરુદ્ધ વર્તવા ન દેવાય... હું મારી માન્યતામાં સાચી એમ તમે તમારા મંતવ્યમાં ખરાં.’

રાજવીની માનસિકતા પાછળનાં પરિબળો જાણી ગાયત્રીબહેનના મનનું સમાધાન થયું. વહુનો હરખ પહેલી વાર હરખાવી ગયો!

‘મમ્મી, તમે અંદર તો ચાલો...’

રાજવી ઉમળકાભેર સાસુને દોરી ગઈ. માની ચાલમાં આર્જવને ઘણા વખતે તરવરાટ દેખાયો!

€ € €

૬૦મી વર્ષગાંઠની ઉજવણી ગાયત્રીબહેન માટે મીઠું સંભારણું બની ગઈ.

આડોશ-પાડોશ, સગાં-સ્નેહીઓ થઈ આશરે અઢીસો જેટલા મહેમાનો હતા.

‘મા, તમને ભાવતી પાણીપૂરીનો સ્ટૉલ અમે ખાસ રાખ્યો છે.’

‘અરે વાહ! સાંભળીને મારા મોંમાં પાણી આવી ગયું.’

મા-પત્નીની પાછળ દોરવાતા આર્જવને કળાતું હતું કે મા પાછી ફરી રહી છે! સાથે થઈ તેણે રાજવીને ઇશારો કર્યો : યુ આર ઑન ટ્રૅક, કીપ ઇટ અપ!

‘તો પછી ચાલો મા, આજે કૉમ્પિટિશન થઈ જાય, સાસુ-વહુમાં કોણ વધારે પાણીપૂરી ખાય છે?’

‘હું તમારા પક્ષમાં છું, વેવાણ.’ નિર્મળાબહેને પાનો ચડાવ્યો, ‘શુરુ હો જાવ!’

આ બધું જોઈ કાવેરીબહેન જેવાંનો જીવ ચચરતો હતો. એ વચ્ચે કૂદ્યાં.

‘રાજવી, ગાંડી થઈ છે! તારાં સાસુની ઉંમર તો જો...’

આર્જવ ધબકારો ચૂકી ગયો. રાજવી ફિક્કી પડી. વહુની ફિક્કાશે સાસુનો રહ્યોસહ્યો સંશય દૂર કર્યો. મનદુ:ખને અલવિદા કરી દીધું!

‘વયનો હવાલો કોને આપે છે, કાવેરી?’ ગાયત્રીબહેનનો અસલ મિજાજ પ્રગટ્યો, ‘સાઠમા વરસે બા રિટાયર્ડ થતી હશે, આ સાસુ નહીં થાય!’

સાસુ-વહુની હરીફાઈ જોવાની સૌને મજા પડી, કાવેરી સિવાય! જેવી જેની પ્રકૃતિ, બીજું શું!

€ € €

અંતાક્ષરી, સંગીતખુરસી, પાસિંગ ધ પિલો જેવી રમતોનો દોર. ક્યાંય વર્તાયું નહીં કે આ અવસર ષષ્ટિપૂર્તિનો છે! પતંગિયા આકારની કેક કાપતી વેળા સાઠ વરસની બર્થ-ડે ગર્લે કૅપ પણ પહેરેલી!

આર્જવ માને ભીડથી અલગ લઈ ગયો.

‘મા, તું પપ્પાને બહુ યાદ કરે છેને હમણાંની!’

‘ઓહો, તારી નજરમાંથી કશું છાનું નથી રહેતું!’ તોય દીકરો ન હસ્યો એટલે તે સમજ્યાં, ગાલે ટપલી મારી, ‘તારી બૈરીને મેં માફ કરી દીધી છે, મને હવે કોઈ મનદુ:ખ નથી. રાજી?!’

સાંભળીને આર્જવની આંખના ખૂણા ભીંજાયા. સહેજ દૂર ઊભી રાજવીએ પહાડસમ બોજ ઊતરતો અનુભવ્યો!

€ € €

‘અટેન્શન પ્લીઝ!’ ડિનરની શરૂઆત પહેલાં રાજવીએ કાચનો ગ્લાસ ચમચીથી રણકાવી સૌનું ધ્યાન દોર્યું. ‘જિંદગીને જીવવાની અમારાં મમ્મીની રીત નિરાળી છે. ઘડપણ તેમના મનને સ્પશ્ર્યું નથી. લાઇફ બિગિન્સ ઍટ ર્ફોટી એવું તો કહેવાય જ છે, બટ, ઇટ નેવર એન્ડ્સ ઍટ સિક્સ્ટી એ મમ્મીએ પુરવાર કર્યું છે... આ પ્રસંગે મેં અને આર્જવે એવું ઠેરવ્યું છે કે નિવૃત્તિમાં નહીં માનતાં મમ્મીને નવી પ્રવૃત્તિ આપવી.’

બીજાની જેમ ગાયત્રીબહેન પણ એકાગ્ર બન્યાં.

‘મમ્મીના હાથમાં જાદુ છે. સો વૉટ વી થૉટ - માની અનુમતિ-ઇચ્છા હોય તો, કુકિંગ બિઝનેસ શરૂ કરીએ. સીઝન પ્રમાણે અથાણાં, મઠિયાં, ચોળાફળી બનાવીએ અને એનો પ્રૉફિટ શ્વશુરજીના નામે અનાથાશ્રમમાં ડોનેટ કરીએ...’

ગાયત્રીબહેન વહુ પાસે દોડી ગયાં.

‘આ તારું જ કામ, આર્જવને આવું સૂઝ્યું ન હોય! બેટા, તેં મારા ઘડપણને એવી પ્રવૃત્તિ સૂચવી, જે મને ક્યારેય ઘરડી નહીં થવા દે!  માધવના નામેય હું આ કરવાની!’

- ગાયત્રીબહેનનો આ સ્પિરિટ આજેય જળવાયો છે. આર્જવ-રાજવીએ જાળવ્યો છે. પૌત્ર-પૌત્રી સાથે તેઓ પકડાપકડી ને થપ્પોય રમે છે! જુહુ ચોપાટી પર સિત્તરેક વરસની વૃદ્ધાને વહુ સાથે પાણીપૂરી ઝાપટતી જુઓ તો માની લેજો, તે ગાયત્રીબહેન - રાજવી છે!

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK