કથા-સપ્તાહ - મનદુ:ખ (મારો રસ્તો, તારો માર્ગ - ૪)

Published: 25th October, 2012 06:05 IST

આપણી હિન્દુ સંસ્કૃતિ જીવનને ચાર તબક્કામાં વહેંચે છે, એમાં આખરી છે વાનપ્રસ્થાશ્રમ! અમુક વય થાય એટલે દુનિયાની મોહમાયા ત્યજી જંગલમાં એકાંતવાસ અપનાવવાની નીતિ થકી આપણે જાણ્યે-અજાણ્યે એવું સ્વીકારી ચૂક્યા છીએ કે ઘરડેઘડપણ માણસે અમુકતમુક પ્રકારે જ જીવવું જોઈએ!અન્ય ભાગ વાંચો


1  |  2  |  3  |  4  |  5  |


ઘડપણ!

આપણી હિન્દુ સંસ્કૃતિ જીવનને ચાર તબક્કામાં વહેંચે છે, એમાં આખરી છે વાનપ્રસ્થાશ્રમ! અમુક વય થાય એટલે દુનિયાની મોહમાયા ત્યજી જંગલમાં એકાંતવાસ અપનાવવાની નીતિ થકી આપણે જાણ્યે-અજાણ્યે એવું સ્વીકારી ચૂક્યા છીએ કે ઘરડેઘડપણ માણસે અમુકતમુક પ્રકારે જ જીવવું જોઈએ!

આજે મોટી વયની વિધવા કે વિધુર ફરી પરણવાના કિસ્સા બને  છે ખરા, પણ અપવાદરૂપ. દાદા-દાદીની ઉંમરના વડીલ કાજુકતરીની ફરમાઇશ મૂકે કે પાણીપૂરી ખાવાની ઇચ્છા જતાવે ત્યારે ડોસાને હજી જીભનો ટેસડો છૂટ્યો નથી એવી ભાવના આપણા મનમાં ઝબૂક્યા વિના રહેતી નથી!

શું કામ?

શારીરિક-માનસિક તંદુરસ્તી સારી હોય તો ભલેને સિક્સ્ટી, સેવન્ટી, એઇટી પ્લસ વ્યક્તિ ઇચ્છા હોય એમ હરે-ફરે, મનફાવતું ખાય-પીએ, ઘરના ખૂણે સબડવાને બદલે જિંદગીની મોજ માણે! મા-બાપનું ઘડપણ ઇચ્છાઓના સમાધાનમાં, પૌત્ર-પૌત્રીના ઉછેરમાં જ શા માટે સીમિત રહેવું જોઈએ? ક્યાંક આપણે ચૂકતા હોઈશું, ક્યાંક તેમને સંકોચ નડતો હશે - આ ઉંમરે દીકરાને બહુ-બહુ તો જાત્રાએ લઈ જવાનું કહેવાય, કુલુ-મનાલી ફરવાનો પ્રસ્તાવ ન મુકાય, કેવું લાગે? પ્રામાણિકપણે કહેજો, આપણામાંથી કેટલાએ તેમનો સંકોચ ન તોડવાની પહેલ કરી છે?

ક્યારેય વડીલોથી ઘરનાં સૂત્રોની સત્તા છૂટતી નથી એના મૂળમાં મહદંશે તો હાંસિયામાં ધકેલાઈ જવાનો ભય જ હોય છે. એક વસ્તુ હંમેશાં યાદ રાખવા જેવી છે : ઘડપણ તનને આવે છે, મન કદી ઘરડું થતું નથી!

ગાયત્રીબહેનનો જ દાખલો લઈએ.

ગાયત્રીબહેનને ઉછેરમાં મોકળાશ મળી, સાસરામાં પતિનો પૂર્ણપણે સાથ મળ્યો. પરિણામે ઉમંગશીલ રહેવાનો ગુણ તેમના વ્યક્તિત્વમાં વણાઈ ગયેલો. ગાવાની ટેવ, શૉપિંગનો શોખ, ફરવાની મોજની જેમ ખૂમચા પર પાણીપૂરી ઝાપટવાનીયે તેઓ મજા માણતાં. સંસ્કાર, સુરુચિ અને સ્વાસ્થ્યની મર્યાદા સમજીને જીવનને આનંદથી માણવાની તેમની માનસિકતા, એકદમ લાઇવ. પોતે સાઠનાં થવાનાં એટલે આવું-તેવું ન કરાય એવો વિચાર કદી તેમને સ્ફુર્યો નહોતો, ઘરડી નહીં જ થાઉં એવી જડતા આમાં નહોતી, માત્ર તનની અવસ્થાથી મનને અલગ રાખવાની ચેષ્ટા ગણી શકાય. સમાજમાં દાખલો બેસાડવાનો તેમનો આશય નહોતો, નિજાનંદની મસ્તીથી, જે થતું નૈસર્ગિકપણે થતું.

સામા પક્ષે, રાજવીની માન્યતા ભિન્ન હતી. વીરમતીદાદીના સહવાસના પ્રતાપે તે એવું માનતી થયેલી કે એક અવસ્થા પછી માનવીએ વૃત્તિઓને અંકુશમાં લઈ સંયમથી જીવવું જોઈએ! સાઠની ઉંમરે સાસુમાને દોઢિયું રમવાનું શોભે? કદાચ એટલે જ કાવેરીની નિવૃત્તિવાળી વાતને તે ટેકો આપી બેઠી. સાસુને રિટાયર્ડ કરી પોતે લાઇમલાઇટમાં આવવા માગે છે એવી તેની નીયત નહોતી, ઊલટું મા હાંસીપાત્ર ન ઠરે, તેમને આરામ મળે એ જ ઉમદા હેતુ હતો તેનો. મા મારી વિરુદ્ધ દીકરાને ઑફિસમાં રોકાવાનું કાવતરું કરે એવી કાવેરીમાસીની ભંભેરણી હું માનતી નથી, પણ એથી માના નિવૃત્ત થવાનો તેમનો પ્રસ્તાવ ગલત છે એમ કેમ કહેવાય?

રાજવી ભૂલી તો એટલું જ કે પોતે જે કર્યું એ માની મરજી જાણ્યા વિના, અથવા તો એને અવગણીને કર્યું!

આનું પરિણામ શું આવ્યું?

ગાયત્રીબહેનના અંતરમાં વહુ માટે મનદુ:ખ ઘૂંટાયું : રાજવી આમ વર્તી જ કેમ શકે? શું મારામાં વિવેકબુદ્ધિ નથી? ક્યારે-ક્યાં અટકવું એ હું નક્કી ન કરી શકું? ફૂલફટાક થઈ ફરતી હોવાનું તે ઘરે બોલી ગઈ એમાં પણ તેની જ આ જ ગણતરી હોવી જોઈએ - ઘરડાને આવું સારું ન લાગે!

આર્જવ સમક્ષ ભલે હું વહુનો વાંક ન દેખાડું, પણ મારા મનમાંથી એનું દુ:ખ કાઢી શકીશ ખરી?

ગાયત્રીબહેન પાસે આનો જવાબ નહોતો.

€ € €

‘કાલે તો મારી વહુએ આરતી ગાઈ!’

ગુરુવારની સવારે ડાઇનિંગ ટેબલ પર ચા પીતાં ગાયત્રીબહેને એવી ઢબે રજૂઆત કરી કે દીકરાને માની  લાગણી દુભાયાનો અણસારે ન આવ્યો. વહુના ગુણ ગવાયા એટલે રાજવી પણ રાજી.

‘માની ગઈ, હોં આર્જવ, રાજવી મારી પૂરતી કાળજી રાખે છે!’

‘યુ ડિઝર્વ ઇટ, માય સ્વીટ સિક્સ્ટીન મૉમ!’ આર્જવે વહાલથી માના ગાલે ચીમટી ભરી, ‘તેં દાદીની સેવામાં પાછુ વળી જોયું નહોતું, એટલે પણ મને તારા જેવી જ વહુ મળવાની હતી!’

(અમારામાં ફર્ક બહુ મોટો છે, બેટા! મેં કદી મારાં સાસુને ઘડપણ લાગવા નહોતું દીધું, જ્યારે રાજવીના ચિત્તમાંથી મારી વય હટતી નથી!)

એકાંતમાં આર્જવે રાજવીને ચૂમીઓથી ભીંજવી : આઇ ઍમ પ્રાઉડ ઑફ યુ!

રાજવીને કર્તવ્ય વર્ણવ્યાનો સંતોષ થયો, ગાયત્રીબહેને માન્યું કે મુદ્દો ટૂંકમાં પત્યો...

પણ આ તો હજી શરૂઆત હતી!

€ € €

કાવેરીબહેનને ખદબદ થતી હતી.

ચાર દિવસ અગાઉ, દશેરાની રાત્રે વહુને સાસુ વિરુદ્ધ ભડકાવવા સિરિયલનો આધાર લઈ ચલાવેલો તુક્કો બહુ ચાલવાનો નહોતો એનો અંદાજો તેમને હતો. તો પછી શું કરવું? ગાયત્રી કેવી વટથી ફરે છે! સાઠની થવાની તોય તેનો ઠસ્સો તો જુઓ... પુરુષ બિચારો સાઠ વયે નોકરીમાંથી નિવૃત્ત થઈ જાય, સોસાયટીની લતા મંગેશકર જાણે ક્યારે રિટાયર્ડ થશે?

દાઝે બળતી કાવેરીને ઝબકારો થયો :

રિટાયરમેન્ટ!

ગાયત્રીની નિવૃત્તિ જાહેર કરી તેનો ચાર્જ રાજવીને જ સોંપ્યો હોય તો?

સાસુને વહુના ઇરાદાથી માત આપવાની ચાલ કામ કરી ગઈ, પરંતુ કાવેરીબહેનને એનો જોઈતો હરખ ન થયો : મેં તો માનેલું કે સાસુ-વહુ વચ્ચે બધાની હાજરીમાં જ તૂતૂ-મૈંમૈં થઈ જશે. એને બદલે માત્ર ગાયત્રીબહેનની પીછેહઠથી રાજી રહેવું પડ્યું!

કદાચ ગાયત્રી આર્જવને ફરિયાદ કરે! મારી કામિયાબીના કંઈક તો આફ્ટરશૉક્સ હોવા જોઈએને! કેમ જાણવું?

રવિવારની સવારે શાકપાંદડું લઈ કાવેરીબહેન લિફ્ટમાં દાખલ થયાં, એવો જ જૉગિંગથી આવેલો આર્જવ પણ પ્રવેશ્યો.

‘આર્જવ, કહેવું પડે, તારી વાઇફ પણ ગાયત્રીબહેન જેવું જ સરસ થાય છે.’

‘થૅન્ક્સ.’

‘જોકે પહેલ મેં કરી, તારાં મધર સાઠનાં થવાનાં. તેમને નિવૃત્તિ લેવાનું જાહેર કરી રાજવીને ગાવાનો પ્રસ્તાવ મેં રજૂ કર્યો.’

(સફેદ જૂઠ, કેમ જાણે, મને સત્યની જાણ ન હોય!) કાવેરીની પ્રવૃત્તિ જાણતા આર્જવે ટૂંકમાં પતાવ્યું, ‘સો નાઇસ ઑફ યુ.’

વાર ખાલી જતાં, કાવેરીબહેન ભીતર ધૂંધવાયાં : ખરો છે આ છોકરો!

€ € €

‘મમ્મી...’

રાજવીએ સંકોચસહ સંબોધન કર્યું.

દશેરો વીત્યાના આ એક અઠવાડિયામાં સાસુમા કેટલાં બદલાયેલાં લાગ્યાં!

આર્જવ ઘરે હોય એટલા વખત પૂરતો તેમનો રણકો ઊપસે, એ સિવાય મૌનનું વાતાવરણ રચાઈ જાય. જાણે શું વિચારતાં હશે? કામકાજમાં ચિત્ત ન હોય એમ પાછાં રસોડાની બહાર જ રહે.

‘મમ્મી, આમ મૂરઝાયા જેવાં કેમ છો? મારી કંઈ ભૂલ થઈ? મારા કોઈ વર્તાવે તમને ખોટું લાગ્યું છે?’ ચોથે દા’ડે તેણે પૂછી લીધેલું.

તેની ચિંતા સ્પર્શી હોય એમ ગાયત્રીબહેને લાગણીભીનું સ્મિત ફરકાવેલું : અરે એવું કંઈ જ નથી!

‘તો પછી આમ એકલાં કેમ બેઠાં છો? ટીવી ચાલુ કરો - સંસ્કાર ચૅનલ મૂકું? મારાં દાદી તો એ જુએ. માળા કરો, ભગગદ્ગીતા વાંચો, મંદિરે જવું છે?’ રાજવી એકશ્વાસે પૂછી પાડતી.

જવાબમાં ગાયત્રીબહેને કહ્યું હોત કે મારે નજીકમાં સેલની દુકાને જવું છે, તો? પણ ના, ઘરડા માણસથી આવી દોડધામ ઓછી થાય, તેણે તો બસ પ્રભુભજન કરવાનું! તે શોષવાતાં, તેમનું મન મૂરઝાતું, વહુની સમજશક્તિ પ્રત્યેનું દુ:ખ ગાઢું બનતું. આર્જવની હાજરીમાં સભાનતાથી વર્તતાં, પછી અભાનપણે એકાકી બની જતાં : ઘરડી વ્યક્તિએ ઘરના ખૂણામાં જ પડી રહેવાનું હોયને! રાજવીના મત અનુસાર!

તેમનો બદલાવ રાજવીથી છૂપો નહોતો. આર્જવને તે કહેવા ઇચ્છતી, પણ કયા શબ્દોમાં કહે, શું કરે? કદાચ મારો જ કોઈ વાંક નીકળ્યો તો!

એટલે પણ તેના બોલમાં સંકોચ ઊપજતો, આજની જેમ.

‘બોલ, રાજવી...’

‘આર્જવનું માલપૂઆ ખાવાનું મન છે... સવારે જ મને કહીને ગયા - માને કહેજે, સાંજ સુધીમાં બનાવી મૂકે.’

આર્જવ ઘણી વાર આ રીતે ફરમાઇશ મૂકતો, ગાયત્રીબહેન હોંશે-હોંશે પૂરી કરતાં. આજે જોકે રાજવીથી કહેવાયું નહીં કે તમારા ટિફિન સિવાય મા રસોઈનું કોઈ કામ નથી કરતાં! આમાં પોતાની રીસ દર્શાવવાની ગાયત્રીબહેનની ચેષ્ટા નહોતી, મનમાં ઉમળકો જ નહીં જાગતો. દીકરાને વહુ પ્રત્યે ફરિયાદ ન જાગે એટલા પૂરતું જ તે આર્જવની હાજરીમાં લાઇવ રહેવા મથતાં. દીકરાની માગ તો આજેય પૂરી કરવી રહી!

આડા-અવળા વિચારો ખંખેરી તે રસોઈમાં પ્રવેશ્યાં. જરૂરી સામગ્રી ભેગી કરતી વેળા ખ્યાલ આવ્યો કે લોટનો ડબ્બો તો કિચનના શેલ્ફ પર છે!

ગાયત્રીબહેન સ્ટૂલ પર ચડતાં જ હતાં કે રેસિપી માટે કાગળ-પેન લેવા ગયેલી રાજવી આવી ચડી,

‘અરે, મમ્મી! તમે ક્યાં ઉપર ચડો છો! આ ઉંમરે પડ્યાં-આખડ્યાં તો...’ રાજવી કહેવા માગતી હતી કે હાડકું ભાંગતાં તમે દુ:ખી થશો, એને બદલે બાજુ હટતાં ગાયત્રીબહેને વાક્ય ઉપાડી લીધું, ‘તો હું પડું ખાટલામાં ને તારું કામ વધી જાય, રૂપિયા-પૈસાનું પાણી થાય એ અલગ!’ તેમની વાણીમાં કડવાશ હતી, રાજવી ડઘાઈ.

‘મા, મારો આ મતલબ નહોતો.’

‘જાણું છું, રાજવી, તારો આશય તો શુભ જ હોય છે... વાંક મારી સ્મૃતિનો છે. મને જ મારી ઉંમર યાદ નથી રહેતી!’

તેમનો ભાવાર્થ રાજવીને સમજાયો નહીં.

ખેર, માલપૂઆ બન્યા, રાતે આર્જવે ખાધાય ખરા.

‘સમથિંગ રૉન્ગ, મમ્મી, જો તો, ગળપણ જ નથી!’

‘હાય-હાય’ પહેલા ટુકડે જ ગાયત્રીબહેન બબડી ઊઠ્યાં, ‘હું ખાંડ ભેળવવાનું જ ભૂલી ગઈ! રાજવી, આ પણ ઉંમરની જ અસરને!’

રાજવી શું બોલે? પત્નીની ચુપકી અને માની નિરાશામાં પહેલી વાર આર્જવને કશો ભેદ લાગ્યો!

€ € €

દિવાળીમાં મઠિયાં-ચોળાફળી-ઘૂઘરા જેવો નાસ્તો ગાયત્રીબહેન ઘરે જ બનાવતાં, સગાં-સંબંધીઓ વખાણતાંય ખૂબ. આ વખતે બે થાળી જેટલાં મઠિયાં વણતાં જ ગાયત્રીબહેનને લાગ્યું, હાથમાં જાણે કળતર થાય છે!

‘મારાથી નહીં બને, વહુ! આ વેળા નાસ્તો તૈયાર જ લઈ આવ...’ તેમણે હાર માની લીધી.

રાજવીએ ચિંતા જતાવી, આર્જવે ડૉક્ટરને બતાવવા જીદ પકડી ત્યારે તેમણે હસી નાખ્યું : ના રે, આ તો બધી ઘડપણની નિશાની!

આર્જવના કપાળે કરચલી ઊપસી : હંમેશાં ઉમંગમાં રહેનારી મા આજકાલ ઘડપણની વાતો કેમ કરે છે?

€ € €

નવા વરસની સાંજે દર વર્ષની જેમ આર્જવ મા-પત્નીને રામટેકરીએ આવેલા શિવમંદિરે લઈ ગયો. ગાયત્રીબહેનનું આ પ્રિય સ્થળ:

દર્શનનાં દર્શન ને પર્યટનનું પર્યટન!

તળેટીમાં કાર પાર્ક કરી. ત્રણે થોડું ચાલી પગથિયાંનાં દ્વારે પહોંચ્યાં. નજર ઊંચી કરતાં જ ગયાત્રીબહેન થથરી ઊઠ્યાં : દોઢસો જેટલાં પગથિયાં કેમ ચડવાં!

‘હું નહીં આવું... મારાથી આટલાં પગથિયાં નહીં ચડાય! તમતમારે જઈ આવો...’ કહી તે પહેલા પગથિયે જ બેસી પડ્યાં.

રમતાં-રમતાં આટલાં પગથિયાં ચડી જનારી માને થયું છે શું? આર્જવને સમજાયું નહીં, રાજવી પામી ન શકી કે તનનું ઘડપણ સાસુમાના મનમાં પ્રવેશી ચૂક્યું છે!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK