કથા-સપ્તાહ - મનદુ:ખ (મારો રસ્તો, તારો માર્ગ - ૨)

Published: 23rd October, 2012 05:36 IST

વિજયાદશમી ખરેખર તો દિવાળીના આગમનની છડી પોકારતો તહેવાર છે. વૃંદાવન સોસાયટીમાં એની ઉજવણી ધામધૂમથી થતી. નવરાત્રિના નવ દિવસ અન્યત્ર રમવા જનારા દશેરાના દસમા દિવસનું ફંક્શન અહીં અટેન્ડ કરવાનું ચૂકતા નહીં. ફક્ત સોસાયટીના સભ્યો પૂરતી મર્યાદિત ઇવેન્ટનું આયોજન વ્યવસ્થિતપણે થતું, એના મૂળમાં માધવભાઈએ સ્થાપિત કરેલી પ્રણાલી. દરેક વિંગમાંથી એક એવા કુલ ચાર સભ્યોની સમિતિ વર્ષભરના કલ્ચરલ પ્રોગ્રામ્સનો હવાલો સંભાળતી, સોસાયટીના મોટા ભાગના પરિવાર સ્થિતિપાત્ર ને સંપીલા એટલે પણ ખટરાગ વિના પ્રસંગ રંગેચંગે પાર પડતો.અન્ય ભાગ વાંચો


1  |  2  |  3  |


આજે પણ સાંજે સાતના સુમારે સોસાયટીનું પ્રાંગણ રંગબેરંગી લાઇટ્સથી ઝળહળી ઊઠ્યું. મધ્યમાં ડીજે પાર્ટી ગોઠવાઈ ચૂકી હતી, પડખે સ્ટૂલ પર અંબામાતાનો ફોટો, દીવડાનું સ્ટૅન્ડ અને એની બાજુમાં ઍન્કરિંગનું નાનકડું સ્ટેજ. પાર્કિંગ પ્લૉટમાં પાંઉભાજી, પાણીપૂરીનાં કાઉન્ટર્સ, મધ્યાંતરે ચા-પૉપકૉર્નની સવલત અને અંતમાં આઇસક્રીમ-કુલફીની જ્યાફતનો ઇન્તેજામ પાર પડી ચૂક્યો છે.

‘ચાલો... ચાલો... થોડી વારમાં આપણે પ્રોગ્રામ શરૂ કરીએ છીએ,’ સાડાસાતથી આર્જવના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા ભરતભાઈએ માઇક પર નિમંત્રણ પાઠવવા માંડ્યું, ‘સૌને સમયસર પધારવા વિનંતી.’

સમયપાલનની ચુસ્તતા વૃંદાવનના પ્રોગ્રામ્સની વિશેષતા હતી. શરૂ-અંતનો આઠથી બારનો ટકોરો પાળવાનો એટલે પાળવાનો!

‘જલદી કર, વહુ!’

પાછલી પાંચ મિનિટમાં ગાયત્રીબહેન ત્રીજી વાર દીકરાની રૂમના બારણે સાદ દઈ ગયાં,

‘બધા નીચે ભેગા થવા માંડ્યા... હજી કેટલી વાર!’

સાસુમાનો હરખ રાજવી માટે નવીનવાઈનો હતો. ફંક્શન તો પિયરની સોસાયટીમાં પણ થતાં, પરંતુ ત્યાં તો આઠનો ટાઇમ હોય તો નવ વાગ્યે સૌ માંડ ભેગા થાય! એટલે તો દાદીમા જેવાંને સોસાયટીનાં ફંક્શન્સ દેખાડા જેવાં લાગતાં... જ્યારે અહીંનો અનુભવ સાવ જ ઊંધા છેડાનો રહ્યો! ઉજવણીને ધ્યાનમાં રાખી માએ સવારની રસોઈ વહેલી બનાવેલી એમ આર્જવના જૉબ પર નીકળતાં જ શૉપિંગમાં ખેંચી ગયેલાં : તારા માટે નવો ચોલી સૂટ લેવો છે. મારા જડતરના હાર સાથે મૅચિંગ થાય એવો! પછી સમજાવ્યું હતું : બે ફંક્શન વચ્ચેના ગાળામાં જેમનાં લગ્ન લેવાયાં હોય એવા સભ્યને તેના જીવનસાથી જોડે સ્ટેજ પર તેડાવી સન્માનવાનો રિવાજ છે. બધામાં મારાં દીકરા-વહુ અલગ તરી આવવાં જોઈએ!

તેમણે પસંદ કરેલો સૂટ ખરેખર સુપર્બ હતો. રાજવી હરખાયેલી. જોકે બિલ ચૂકવી ગાયત્રીબહેને ‘નાકા પર પાણીપૂરી હાઇક્લાસ મળે છે’ કહી દોરી ગયાં ત્યારે રાજવી બોલી પડેલી: મા, બહારનું ફૂડ હાઇજીનિક ક્યાં હોય છે! મારાં દાદીમા બહારનું તો ખાતાં જ નથી, ઘરેય સાત્વિક ભોજન જ લે...’

‘દાદીમાની વાત જુદી છે, રાજવી. તું આટલી સ્ટ્રિક્ટ રહીશ તો લાઇફ એન્જૉય કેમ કરીશ! બિન્દાસ ખા, એક પ્લેટ પાણીપૂરીમાં કશું ખાટું-મોળું નથી થવાનું!’

હું મારા માટે નહીં, તમારા માટે કહી રહી છું! - આવું સાસુમાને કહી નહોતું શકાયું. એક અવસ્થા પછી માનવીએ ઇન્દ્રિયો પર સંયમ મેળવી લેવો ઘટે એવી દાદીની શીખ દોહરાવી નહોતી શકાઈ.

બપોરે તેમણે બ્યુટીપાર્લરવાળી છોકરીને ઘરે તેડાવેલી. વહુભેગા તેમણેય ફેશ્યલ, આઇબ્રો કરાવ્યાં ત્યારે રાજવીના દિમાગમાં વળી દાદીમા ઝબકી ગયેલાં : મારાં મૅરેજમાં મમ્મીએ તેમને પાર્લરમાં તૈયાર થવાનો આગ્રહ કરતાં તેમણે કંઈક એવું કહેલું કે વિધવાને સાજ શું ને શણગાર શું! જ્યારે સાસુમાના ઉમંગમાં તેમનું વૈધવ્ય ક્યાંય આડે નથી આવતું! આર્જવ પેરન્ટ્સના મધુર દામ્પત્યના ગુણ ગાતા હોય છે. માની હોંશ તેમને કેમ કનડતી નથી? આ તે કેવી લાઇવનેસ!

‘બેટા, આજનો પ્રસાદ આપણા તરફથી છે...’

બ્યુટી-ટ્રીટમેન્ટમાંથી પરવારી સાસુ-વહુ બુંદીના લાડુ બનાવવા બેઠી, રાજવી એટલું તો કબૂલતી કે ગાયત્રીમાના હાથોમાં જાદુ છે - ઘેબર જેવી સ્પેશ્યલ આઇટમ હોય કે દાળ, શાક-રોટલીનું રોજિંદું ખાણું - તેમની રસોઈનાં સ્વાદ સોડમ અદ્ભુત રહેતાં! રાજવી પોતે ઘરકામમાં કેળવાયેલી હતી, પણ કામનો ઝપાટો તો ગાયત્રીબહેનનો જ!

‘ગાયત્રીબહેન, આવું કે?’

થોડો આરામ લઈ સાંજે સાસુ-વહુ કપડાંની ગડી કરવા બેઠાં ત્યાં નીચે રહેતાં કાવેરીબહેને ડોકિયું કર્યું, ‘જરા મેળવણ જોઈતું’તું.’

આ બે મહિનામાં રાજવી સાસરાના આડોશપાડોશને થોડો ઘણો ઓળખતી થયેલી. પિસ્તાલીસેક વર્ષનાં કાવેરીબહેન હાઉસવાઇફ હતાં. પતિની એલઆઇસીમાં નોકરી હતી, બે પુત્રો સ્કૂલમાં ભણતા હતા. લિફ્ટમાં કદી ભેગાં થવાનું બને ત્યારે રાજવી તરફ મીઠું મલકતાં. રાજવી એકલી હોય તો બોલેય ખરાં : ક્યારેક ઘરે આવતી હો તો! કે પછી સાસુએ મનાઈ ફરમાવી છે?

કેટલીક વ્યક્તિ મીઠું બોલી વાત કઢાવવામાં ઉસ્તાદ હોય છે, કાવેરી એમાંની એક હતી. એકતા કપૂર બ્રૅન્ડ સિરિયલ્સ જોઈ-જોઈ તેમનો જીવ ખણખોદિયો થઈ ગયેલો. બીજાનું સારું થતું ખમી ન શકાય એવી મનોવૃત્તિ પણ ખરી. તેમના એક-બે અનુભવ પછી ગાયત્રીબહેને આવરો-જાવરો મર્યાદિત કરી નાખેલો, ધાણા-લીમડો લેવાના બહાને તેઓ આવી ચડે ત્યારે ચા-પાણીનો ભાવ અચૂક પૂછે, પણ સોસાયટીમાં કોના ઘરે શું ચાલે છે એની રામાયણ માંડે એટલે ગાયત્રીબહેન સ્પષ્ટ કહી દે : કાવેરી, મને કોઈની કૂથલીમાં રસ નથી!

એટલે શું હું કૂથલીખોર છું! કાવેરી મોં વાંકું કરતી. ભાગ્યે જ કોઈ તેની વાતો સાંભળવાની લાલચ રોકી શકતું. પારકી પંચાતમાં નહીં માનનારાં ગાયત્રીબહેન જેવાં બહુ ઓછાં હોય... એટલે તેમને ત્યાં વહુનાં પગલાં થયાં ત્યારની કાવેરી નજર જમાવી બેઠી હતી. સંસારમાં એવું કોઈ ઘર નથી, જ્યાં સાસુ-વહુનાં વાસણ ખખડ્યાં ન હોય!

ગાયત્રીબહેન કોઠું આપે એમ નહોતાં. આર્જવનેય તેમના સ્વભાવની જાણ હોય એટલે નવી આવેલી વહુ કાવેરીબહેનનો મદાર હતો : ઘરમાં શું ચાલે છે એની હિન્ટ રાજવી પાસેથી જ મળી શકે!

લિફ્ટમાં એકલી ભટકાતી રાજવીને સાસુની મનાઈનું પૂછતી વેળા જાણવાની જિજ્ઞાસા નહોતી: ગાયત્રીબહેને મારા વિશે વહુને શું ચેતવી છે એ જાણું તો ખરી!

પરંતુ રાજવીની પાટી કોરી હતી. ખરું પૂછો તો દીકરાને પરણાવ્યાના હોંશમાં ગાયત્રીબહેનને વહુનું બ્રીફિંગ સૂઝ્યું પણ નહોતું. વહુ અનુભવે ઘડાય એવી મનસા પણ હોય!

‘ના રે. મમ્મી શું કામ મનાઈ ફરમાવે!’

વહુ સાસુનો બચાવ કરે એથી કાવેરીબહેન ભરમાયાં નહોતાં : હોય, લગ્નજીવનની શરૂઆતમાં બન્નેને બધું સારું જ લાગવાનું! મીઠું મલકી તે સઢ બદલતાં.

‘તો કામ બહુ રહેતું હશે! ગાયત્રીબહેને કામવાળી ક્યાં રાખી છે!’

‘ઇન, મીન ને તીનના કામમાં કામવાળીની જરૂર પણ શું હોય માસી?’ રાજવી આટલું કહેતી ત્યાં ઊતરવાનું સ્ટૉપ આવી જતું ને કાવેરીબહેનની મનની મનમાં રહી જતી!

તેમની બે-ત્રણ વારની પૂછપરછ પછી રાજવીની છઠ્ઠી ઇન્દ્રિય જાગી. આર્જવ સાથે શૅર કરતાં તે સહેજ ગંભીર બનેલો : બીજાની બૂરાઈ ન કરવી જોઈએ, પણ તને ચેતવવા કહું છું કે કાવેરીમાસી ઇધર કી ઉધર કરવામાં માહેર છે! આવાની સાથે બહુ ઘરોબો રાખવો નહીં, એમ સાવ બગાડવુંય નહીં - માનો આ મધ્યમમાર્ગીય અભિગમ તું પણ અપનાવી રાખજે!

તેજીને ટકોર પૂરતી હતી. ફરી વાર એકલો ભેટો થાય ત્યારે કાવેરીને પૂછવાનો મોકો મળે એ પહેલાં રાજવી ચર્ચા માંડતી : તમારી સાડી સરસ છે, માસી, ક્યાંથી લીધી? અથવા તો જિગર-આયુષની પરીક્ષા પતી ગઈ? શું રિઝલ્ટ આવ્યું?

આમાં કાવેરીબહેન સમજવા જોગ સમજી જતાં. જિંદગીને માણવાની ગાયત્રીબહેનની વૃત્તિની ટિપ્પણીને સોસાયટીમાં અત્યંત મોળો પ્રતિસાદ મળેલો એટલે એ રસ્તે તેમની બૂરાઈ થાય એમ નહોતી, અને પોતાનું ટાર્ગેટ અચીવ કર્યા વિના કાવેરીબહેનને જંપ વળવાનો હોતો. કામ પાછું મીઠા રહીને કરવાનું હતું!

આજે પણ મેળવણને બહાને તે ગાયત્રીબહેનની તૈયારી જોવા જ આવ્યાં હતાં. રાજવીને પૂછવું હતું - આજના શુભ દિને સાસુમાએ શું આપ્યું? અમારાં ગાયત્રીબહેન આમ પાછાં ઉદાર, હોં!

ત્યાં કપડાંનો ઢગલો જોઈ સીધી જ સોગઠી ફટકારી, ‘ગાયત્રીબહેન, હવે કામવાળી રાખી લેતાં હો તો! નવી વહુને એટલો આરામ.’

આમાં બેવડી ચાલ હતી. ગાયત્રીબહેન કદાચ તોરમાં કહી દે કે આજસુધી હું એકલે હાથે કરતી આવી છું તો વહુથી કેમ ન થાય! બીજો લાભ રાજવીના હિતેચ્છુ ઠરવાનો!

‘ભલે. કોઈ ધ્યાનમાં હોય તો કહેજે.’

પત્યું! વાર ખાલી ગયાની ચચરાટી કાવેરીબહેને અનુભવી. મેળવણ લેવા ગયેલી રાજવી જોડે શરબતનો પ્યાલો પણ લઈ આવી. ગળું ભીનું કરતાં કાવેરીબહેને મમરો મૂક્યો, ‘કહેવું પડે, સાસુએ બરાબર ટ્રેઇન કરી છે તને! કે પછી માના સંસ્કાર છે?

પિયરમાં માએ કેળવી નથી એવું કોઈ દીકરી કબૂલે નહીં ને માને અપાતો યશ સાસુથી ખમાવાનો નહીં!

‘મારે રાજવીને કશું શીખવવું પડ્યું નથી,’ ગાયત્રીબહેને પોરસ દર્શાવ્યો, ‘આતિથ્યમાં અમારાં વેવાણ પણ ચૂકે એવાં નથી. આંગણે આવેલા દુશ્મનનેય ખાલી હાથ જવા ન દે એવા સંસ્કાર મળ્યાં છે મારી રાજવીવહુને.’

ગાયત્રીબહેન માત્ર ને માત્ર વખાણ પૂરતું બોલ્યાં. ઊંડે ઊંડેય આનો બીજો અર્થ નહોતો, પણ મેળવણની વાટકી લઈ બેઠેલાં કાવેરીબહેને આદતવશ પૃથક્કરણ આદર્યું : ક્યાંક મીઠી વાણીનો મારો દાવ આ બાઈ મારા પર જ તો નથી અજમાવતીને! મેળવણ લેવા આવેલી મને કેવી સિફ્તથી તેણે આંગણે પધારેલા દુશ્મન જોડે સરખાવી!

દુશ્મન તો દુશ્મન, કાવેરીબહેને ઘૂંટ્યું.

મોં પર મીઠા મલાવા કરી તેમણે રુખસત લીધી, પણ ભીતર પલીતો ચાંપવાની અબળખા પુરજોશે પ્રગટી ચૂકી હતી!

‘કાવેરીમાસી ક્યારેક વધુપડતા શુગર-કોટેડ નથી લાગતાં!’

‘હોય બેટા, જેવો જેનો સ્વભાવ,’ ગાયત્રીબહેને વહુને શીખવ્યું, ‘આપણે એવી સોબતથી દૂર રહેવાનું. બાકી તો દરેક રામાયણમાં મંથરા હોય એમ દરેક સોસાયટીમાં આવાં બે-ચાર પાત્રો તો હોવાનાં જ!’ પછી વહુને ટકોરેલી, ‘એના વિશે વિચારવાને બદલે ઝડપથી હાથ ઉપાડ કે વહેલા પરવારીએ!’

ઘરકામમાંથી પરવારી, નાહી-ધોઈને પોણાસાતના તૈયાર થઈ ગયેલી. રોજ સાત વાગ્યે આવી જનારો આર્જવ ફૅક્ટરીથી નીકળ્યો કે નહીં એ જાણવા પંદર મિનિટમાં ત્રણ વાર મોબાઇલ જોડ્યો, પણ નંબર રિચેબલ નહોતો. અત્યારે તે મીટિંગમાં હશે? કે પ્લાન્ટ પર ગયો હશે? આજે મોડું ન કરીશ! બીજી બાજુ તૈયાર થતી રાજવીએ ધારવા કરતાં વધુ સમય લીધો એટલે પણ તે અકળાતાં હતાં : હજી કેટલી વાર?

અને દરવાજો ખૂલ્યો. જરી ભરતકામવાળા મોરપિચ્છ ચોલીસૂટમાં અને ઘરેણાંની દીપી ઊઠતી સજાવટને કારણે રાજવીનું રૂપ નીખર્યું હતું.

‘અરે વાહ!’ ગાયત્રીબહેને વહુનાં ઓવારણાં લીધા. કાન પાછળ મેંશનું ટપકું કર્યું.

એ જ વખતે ઘરનો ફોન રણક્યો.

સામા છેડે આર્જવ હતો.

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK