કથા-સપ્તાહ - મનદુ:ખ (મારો રસ્તો, તારો માર્ગ - ૧)

Published: 22nd October, 2012 06:14 IST

રસોઈ કરતાં-કરતાં રેડિયો સાંભળવાની તેમને આદત હતી. ગીત લતાનું હોય તો સાથે ગણગણતાં પણ જાય. બાળપણની આ ટેવને કારણે તેમનો અવાજ કેળવાયો હતો.
અન્ય ભાગ વાંચો


1  |  2  | સમીત (પૂર્વેશ) શ્રોફ

ન છેડો કલ કે અફસાને...

રસોઈ કરતાં-કરતાં રેડિયો સાંભળવાની તેમને આદત હતી. ગીત લતાનું હોય તો સાથે ગણગણતાં પણ જાય. બાળપણની આ ટેવને કારણે તેમનો અવાજ કેળવાયો હતો. બાકી સંગીતનું જ્ઞાન કે સરગમની વિધિવત્ તાલીમ તેમણે લીધી નહોતી. ન્યાતનો મેળાવડો હોય કે બોરીવલીની ચાર માળ-ચાર વિંગની તેમની વૃંદાવન સોસાયટીનું ફંક્શન, ગીત-સંગીતનો અવકાશ હોય ત્યાં તે અચૂક ગાતાં ને સાચું પૂછો તો તેમને આગ્રહ થતો : ગાયત્રીબહેન, તમારે તો ગાવું જ પડશે!

સાઠના આરે ઊભેલાં ગાયત્રીબહેન શરૂથી સુરુચિપૂર્ણ ગીતો ગાવામાં જ માનતાં. નવાં ગીતો પ્રત્યે તેમને ઝાઝું ભાન નહોતું, છતાં અંતાક્ષરીની હરીફાઈમાં ભાગ લીધો હોય તો ‘હલકટ જવાની’ પણ ગાઈ નાખે એવાં ઉમંગશીલ!

ગાયત્રીબહેનનું વ્યક્તિત્વ જ એવું હતું કે હરઘડી તેઓ ઉત્સાહથી થનગનતાં લાગે. સતત પ્રવૃત્તિશીલ રહેવાનું તેમને ગમતું મળશે. માત્ર સમય ખુટાડવા ન જીવવું જોઈએ એવું તે માનતાં. તેમને મન થાય ત્યારે જુહુની પાણીપૂરીય ઝાપટી આવે, સાડીના સેલની મુલાકાત લેવાનુ ચૂકે નહીં, અપવાદરૂપે ‘ઇંગ્લિશ વિગ્લિશ’ જેવી નવી ફિલ્મ જોવા કંપની ન મળે તો એકના એક દીકરા આર્જવને ખેંચી જાય : જોઉં તો ખરી, પંદર વરસે પાછી ફરતી શ્રીદેવીએ શું ઉકાળ્યું છે!

માનો થનગનાટ આર્જવને ગમતો. સંસારમાં મા-દીકરો જ હોવા છતાં ઘરમાં જીવંતતા વર્તાતી.

‘આનો થોડો યશ હું મારા પિતાને અને થોડો તારા પપ્પાને આપીશ...’ ગાયત્રીબહેન ક્યારેક આર્જવને કહેતાં : મારા બાળપણના સમયમાં પિયર વલસાડનો વિકાસ મર્યાદિત. એ વખતની ફિલ્મો ચાલતી ખૂબ, પણ સારા ઘરના છોકરાઓએ ચોરીછૂપીથી સિનેમા જોવા જવું પડે એવો એ જમાનો! સાડીને બદલે ચૂડીદાર પહેરો તોયે વડીલોનાં મોં બગડે એવા માહોલમાં પણ તારા નાનાએ કદી મારા પર કે તારા મામા પર નિયંત્રણો લાદ્યાં નહોતાં... એ જ રીતે, તેમની અમારા પરની શ્રદ્ધાને અમે તૂટવા નહોતી દીધી...

મળતી સ્વતંત્રતાને માન આપવાનું શીખો તો એ કદી સ્વચ્છંદતામાં બદલાતી નથી. પિયરના ઉછેરને કારણે ગાયત્રીબહેનને મુંબઈના સાસરામાં સમાવાનો વાંધો ન આવ્યો. અહીં સાસુ માંદાં હતાં, પણ પતિનું પ્રોત્સાહન પુષ્કળ મળ્યું.

‘મા, થોડી હિંમત કરી તમે ચાલતાં થાવ તો કાશ્મીરની સેર કરી આવીએ!’

ગાયત્રીનો દિવસઆખો સાસુ નંદબાળાની ચાકરીમાં વીતી જતો, તોય કદી તે થાકતી નહીં, ન ફરિયાદનો સૂર, ન ભાંગી પડવાની કમજોરી,

‘તમે, મારા કામનું ટેન્શન ન રાખશો, માધવ...’ ગાયત્રી પતિને કહેતાં, ‘હું ખુશ છું, સુખી છું, માની સેવાનો તે બોજ હોય?’

પત્નીના ગુણોએ પતિને જીતી લીધેલા, વહુએ સાસુનું મન હરી લીધેલું, જોકે તેના કાશ્મીર જવાની વાતે નંદબાળા મલકી જતાં : આ વય જાત્રાની ગણાય વહુ, હરવા-ફરવાના દિવસો તો તમારા છે!

હરિભક્તિમાં કશું ખોટું નથી, પરંતુ એક અવસ્થા પછી પ્રભુસેવા જ કરવી એ મનની માંદગીની નિશાની છે! આવું સાસુમાને જોકે કહેવાતું નહીં, પરંતુ પોતે કદીયે હોંશીલાપણું નહીં ગુમાવે એવો સકારાત્મક અભિગમ ગાયત્રીના સ્વભાવમાં વણાઈ ગયો. સાસુને સ્પંજ કરતાં ગીત સંભળાવતાં, તેમની રુચિ અનુસાર અગિયારસે ઘરમાં મહિલાવૃંદનાં ભજન ગોઠવતાં, છાપાં વાંચી દેશ-દુનિયાની ખબરોથી માહિતગાર રાખતાં એમ રેડિયો પર ગીત-નાટક પણ વગાડતાં! ‘સુખી થજે, વહુબેટા. તારા આવ્યા પછી મારો દિવસ વીતી જાય છે, પથારીમાં પડી હોઉં એવું લાગતું નથી...’

માએ સંતોષભેર અંતિમ શ્વાસ લીધો, ગાયત્રીને એક જ વાતનો અફસોસ રહેતો : હું તેમને વંશનો વારસ ન ધરી શકી!

‘તું માની દીકરી બનીને રહી, ગાયત્રી, માની આંતરડી તારા પ્રતાપે ઠરી. બાકી જેનો યોગ સર્જનહારના હાથમાં છે એમાં નાકામ રહેવાનું દુ:ખ આપણે શું કામ રાખવું!’

માધવની સમજાવટે ધબકાર ધબક્યો. માના જવાથી છવાયેલો શૂન્યાવકાશ પતિની હૂંફે પૂર્યો. પત્નીને પ્રવૃત્તિમય રહેવામાં રસ હોવાનું જાણતા માધવે વૃંદાવનમાં કલ્ચરલ ઍક્ટિવિટીઝ શરૂ કરવામાં પહેલ કરી, નજીકના મહિલામંડળમાં પત્નીનું નામ નોંધાવી તેનું પરિચયવતુર્ળ વિસ્તાર્યું.

સંતાનનાં પડઘમ ગાયત્રીના ત્રીસીપ્રવેશ પછી વર્તાયાં, દીકરાના આગમને ખુશહાલી જ પ્રેરી.

‘અરે વાહ, તમે પણ ચૂડીદાર પહેરો છો!’

આર્જવના સ્કૂલ-ફ્રેન્ડ્ઝની મધર્સ કરતાં પોતે વયમાં મોટાં હોવાને નાતે તેઓ આવું અચરજ દાખવે તો ગાયત્રીબહેન હસી નાખતાં : કેમ, હું કંઈ પરગ્રહનું પ્રાણી છું!

તેમનો સ્પિરિટ બેશક કાબિલે તારીફ હતો. અલબત્ત, ઘરનાં કામ રખડાવી બહાર રખડવામાં તેઓ માનતાં નહીં, દીકરાની પરીક્ષાના ટાણે ટીવી, રેડિયોની માયા પણ નહીં. ધાર્યું કરવાનો, લાઇવ રહેવાનો અર્થ બેજવાબદારપણે વર્તવાનો નથી થતો. ગાયત્રીબહેનમાં એ સૂઝ હોય જ.

સમથળ વહેતી જિંદગીમાં દુ:ખનો મુકામ ચાર વર્ષ અગાઉ આવ્યો, માધવના દેહાંતથી. ટૂંકી બીમારીમાં માધવ ગામતરું કરી જશે એવું કોઈએ ધાર્યું નહોતું! ‘હું ન હોઉ ત્યારે પણ તારે તો આવાં જ રહેવાનું...’ બિછડવાનો અણસાર આવ્યો હોય એમ માધવ કહેતો, ‘જીવંતતાથી ભરપૂર! આપણા આત્મા એક છે, ગાયત્રી મરીને પણ હું તારા હૈયેથી નામશેષ થવાનો નથી. પછી શોક શું કામ!’

‘ચૂપ રહો, તમને કંઈ થવાનું નથી,’ ગાયત્રીબહેન કંપી ઊઠતાં. તેમનો આશાવાદ જોકે વિફળ રહ્યો.

પિતાની ચિરવિદાયે ભાંગી પડેલી માને એન્જિનિયરિંગનું ભણતા પુત્રે સાચવી લીધી. મા-બાપના પ્રસન્ન દામ્પત્યનો આર્જવ સાક્ષી હતો. માની અલ્લડતા પિતા કેટલી ગ્રેસફુલી નિભાવી જાણતા એનો આર્જવને અંદાજ હતો; એમ માનાં સ્નેહ-સમર્પણનો તે સાક્ષી પણ.

પિતાની વરસી વાળ્યાંના ત્રીજા મહિને તે ઉદાસ રહેતી માને મારે કપડાં ખરીદવાં છે કહી પરાણે શૉપિંગમાં ખેંચી ગયો.

‘અરે, આર્જવ, આ તો સાડી એમ્પોરિયમ છે!’ ગાયત્રીબહેનનું ફરી ધ્યાન ગયું, ‘અહીં થોડાં તારાં શર્ટ-પૅન્ટ મળવાનાં!’

‘જાણું છું, મા,’ આર્જવ સહેજ ગંભીર બનેલો, ‘પહેલાં તું તારા માટે સાડી-ડ્રેસ ખરીદી લે, પછી મારું શૉપિંગ. મા, તને સફેદ સાડલામાં જોવાનું પપ્પાને જરાય નહીં ગમતું હોય!’

ત્યારે દુકાનમાં હોવાનું સ્થળભાન વીસરી ગાયત્રીબહેન દીકરાને વળગી પડેલાં, આંખે ભીનાશ છવાયેલી : માધવ, મને મૂકીને કેમ ગયો?

‘મા, પપ્પા આપણી સ્મૃતિમાં તો જીવંત છેને!’ આર્જવની ઠાવકાઈ બોલી હતી, ‘હું વિશેષ કંઈ નથી કહેતો મા, માત્ર તેમને ગમતું કરવાનું કહું છું.’

આ સમજાવટ ગાયત્રીબહેનના અંતરમનમાં સજ્જડપણે ચોંટી ગઈ. તે વળી પૂર્વવત્ બન્યાં. બે મહિના અગાઉ આર્જવનાં લગ્ન લીધાં ત્યારે વરઘોડામાં નાચ્યાં પણ ખૂબ!

 સંતાનનાં લગ્ન માવતર માટે જીવનસ્વપ્ન સમાન હોય છે, ગાયત્રીબહેન આમાં કેમ અપવાદ હોય? છતાં, દીકરો કમાતો થતાં જ તેને ઘોડે ચડાવવાની ઘેલછા તેમણે કાબૂમાં રાખી હતી : બે બેડરૂમનો આપણો ફ્લૅટ મોકળાશવાળો છે, માધવના પેન્શન, બચતને કારણે આર્થિક ભારણ નથી, તોય તું નોકરીમાં થાળે પડ, પ્રોફેશનલ લાઇફમાં અનુભવ મેળવ, પછી જ હું તારા માટેનાં કહેણ સ્વીકારવાની!

ખરેખર તો દીકરો બહારની દુનિયામાં ઘડાય એ માટેની આ મુદત હતી. આખરે ઘરનો મોભ આર્જવ, તેનામાં એટલી કાબેલિયત તો હોવી ઘટે કે દુન્યવી પડકારોને તે પહોંચી વળે!

આર્જવે મલ્ટિનૅશનલ કંપનીમાં દોઢ-બે વરસ વિતાવ્યા પછી તેમણે લગ્નના પ્રસ્તાવ જોવા માંડ્યા, એમાં કાંદિવલીની રાજવી જોડે મેળ જામ્યો.

આર્જવ દેખાવડો, કોઈ પણ કોડીલી કન્યાના સ્વપ્નપુરુષ જેવો હતો તો કૉમર્સ ગ્રૅજ્યુએટ રાજવી સૌંદર્યમૂર્તિ હતી. દાદી, માતા-પિતા અને નાના ભાઈનું કુટુંબ ધરાવતી રાજવી તેના ગુણ-સંસ્કારવશ ગાયત્રીબહેનને એક નજરમાં ગમી ગયેલી એમ આર્જવને પણ પસંદ પડેલી, વાણીમાં મૃદુ, વહેવારમાં વિનમþ અને સ્વભાવમાં સાલસ.

‘અમારો નાનકડો (રાજવીનો નાનો ભાઈ નીરવ) બહુ તોફાની,’ દાદી વીરમતીબહેને આડકતરો પોરસ જતાવેલો, જ્યારે રાજવી પહેલેથી ડાહી, તેની પસંદ-નાપસંદ, આચાર-વિચાર બધું મારા જેવું! દાદાની બહુ વહાલી હતી, હોં! મૃત પતિની યાદે ગળું ખંખેરી તેમણે ઉમેરેલું, ‘પાછી કાર પણ ચલાવી જાણે. મને દેવદર્શને તે જ લઈ જાયને! હવે તમે એનો લહાવો લેજો...’

‘હું મનથી ભગવાનને ભજવામાં માનું છું, મંદિરે બહુ જતી નથી, જોકે અમે સાસુ-વહુ ફરવાનાં ખૂબ!’

દાદીમા થોડાં અચંબિત બનેલાં, કેમ જાણે, વહુ જોડે ફરનારી સાસુ પહેલી વાર નિહાળી હોય!

‘અમને તો ખાતરી છે!’ માતા નિર્મળાબહેને ઉમળકો જતાવેલો, ‘તમારી નિશ્રામાં રાજવી સુખી જ થવાની!’

મુરતના અભાવે સગાઈના પખવાડિયામાં લગ્ન લેવાયાં. ગાયત્રીબહેને વેવાઈ પક્ષને કહી રાખેલું : જાન લઈને હું તો વાજતેગાજતે આવવાની, આગતા-સ્વાગતામાં ચૂક થવાનો સંકોચ તમે ન રાખશો. કેમ કે મંડપમાં પ્રવેશ્યા પછી વર-કન્યાપક્ષનો ભેદ હું નથી રાખવાની!

‘કહેવું પડે, હોં રાજવી, તારાં સાસુનું!’ વિદાય પહેલાં નિર્મળાબહેને દીકરીના કાનમાં ફૂંક મારી હતી, ‘એકલા હાથે પ્રસંગ પાર પાડવાની સ્ફૂર્તિ છે તેમનામાં! માંડવે તેમને નાચતાં જોઈ હું તો દંગ રહી ગઈ...’

માધવભાઈને સંભારી મા-દીકરો એકાંતમાં રડ્યાં હોય તો હોય, બાકી પ્રગટમાં બન્નેએ ક્યાંય એ ખોટ કે ખટકો વર્તાવા નહોતી દોધો. ઊલટું ગાયત્રીબહેન તો ટટ્ટાર ગરદને કહેતાં : આ પ્રસંગ કંઈ મારી એકલીનો ઓછો છે? મારે તો માધવના હિસ્સાનો ઉમંગ પણ માણવાનોને!

ઘરે કંકુપગલાં પાડતી વહુને તેમણે પ્રથમ આદેશ આપ્યો હતો : રાજવી, માથે ઘૂઘટો તાણીને ફરવાની જરૂર નથી. હું પોતે ડ્રેસ પહેરતી હોઉં છું, તને તો વેસ્ટર્ન પહેરવાની પણ છૂટ!

સુહાગરાતે આર્જવમાં એકાકાર થતી રાજવીએ હનીમૂન દરમ્યાન પૂછેલું - આર્જવ, મમ્મી થોડાંક અલગ નથી!

પોતે શું પૂછવા માગે છે એ કદાચ રાજવીનેય નહોતું સમજાયું. છતાં આર્જવે જવાબ વાળેલો : મમ્મીની લાઇવનેસ જ મમ્મીનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે!

એવી લાઇવનેસ, જે કદાચ હજીયે રાજવીની સમજ બહાર હતી!

આજે પણ તૈયાર થઈ કિચનમાં પ્રવેશતી રાજવીએ જોયું તો ગીતો ગણગણતાં ગાયત્રીબહેને સવારની રસોઈ બનાવી દીધી હતી. ‘ઉતાવળનું કારણ એટલું જ કે આજે દશેરો છે. રાત્રે સોસાયટીના પ્રાંગણમાં દાંડિયાનો કાર્યક્રમ છે. તારું પહેલું ફંક્શન. મારે તને ઠાઠથી રજૂ કરવી છે...’ તેમનો હરખ બોલી પડ્યો.

દશેરાનું એ ફંક્શન સાસુ-વહુમાં મનદુ:ખનું નિમિત્ત બનવાનું હતું એની કોને જાણ હતી?

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK