કથા-સપ્તાહ : લાગી રે લગન (યે જો મોહબ્બત હૈ - 3)

Published: 5th September, 2012 05:22 IST

  હિમાલયમાંથી નીકળતી મહાનદીનો મહિમા અપરંપાર છે. તેનાં ખળખળ વહેતાં જળમાં પાપનો નાશ કરવાની અમોઘ શક્તિ સમાઈ છે. પવિત્રતાની એ ઉપમા છે, પાવનતાનું ધામ!

 

અન્ય ભાગ વાંચો

1  |   2  |  3  |  4  |

 

 

ગંગા!

હિમાલયમાંથી નીકળતી મહાનદીનો મહિમા અપરંપાર છે. તેનાં ખળખળ વહેતાં જળમાં પાપનો નાશ કરવાની અમોઘ શક્તિ સમાઈ છે. પવિત્રતાની એ ઉપમા છે, પાવનતાનું ધામ!

બેઠા ઘાટના મકાનના ઝરૂખે બેસી તે પાછળ વહેતી નદીનાં પુરજોશ વહેણને અનંત ક્ષણો સુધી નિહાળી શકતો. આસપાસ ગાઢ વનરાજી, પડખે એક કૉટેજ સિવાય નહીંવત્ માનવવસ્તી, પંખીઓના કલરવમાં ભળી જતો ગંગાનાં જળનો ઘુઘવાટ - એકાંતપ્રિય આદમી માટે આનાથી રૂડું સ્વર્ગ શું હોય!

‘કેટલાક માણસ જન્મથી એકલા હોય છે. કેટલાકને જિંદગી એકલવાયા બનાવી દે છે...’ તેનું આ ફેવરિટ ક્વૉટેશન હતું, જેના સર્જક હતા આનંદ માથુર!

આનંદ માથુર!

તેના હોઠ સહેજ વંકાયા.

શનિવારની સંધ્યા આભમાં નીખરી રહી હતી. દિવસ અને રાત્રિ વચ્ચે આવતી સંધ્યા કોને વધુ વહાલ કરતી હશે? ઢળવાનો તેને ગમ હશે કે રાતના આગમનનો આનંદ? પ્રકૃતિનાં રહસ્યો કોણ સમજી શક્યું છે!

‘બાબુજી’

પ્રૌઢ ઘરનોકર રામજીના સાદે તે ઝબક્યો. અઢીએક વરસ અગાઉ, પોતે આ અવાવરું પડેલું મકાન ખરીદી રહેવા આવ્યો ત્યારથી રામજી તેની સેવામાં છે, ખાનસામાથી માંડીને માળી સુધીનાં કામ તે કરી જાણે છે. પોતે ક્યારેક મોડી રાત સુધી લૅપટૉપ લઈ બેઠો હોય તો બીજે દા’ડે બબડેય ખરો : બાબુજી, સેહત કા ખ્યાલ રખીએ. જવાન આદમી કો સહી માત્રા મેં નીંદ લેની ચાહિયે, તભી સ્વાસ્થ્ય ઠીકઠાક રહેગા!

ક્યારેક પડખેના કૉટેજનો રખેવાળ ‘તારા બાબુજીનો તો અવાજે નથી સંભળાતો, મૂંગા છે કે શું!’ કહી રામજીને ચીડવે ત્યારે વફાદાર આદમી અકળાઈને કહી દે : કમ સ કમ વો તેરી તરહ બેફિઝૂલકી બાતેં તો નહીં કરતે!

ભાડે અપાતું કૉટેજ મોટા ભાગે ખાલી રહેતું. આસપાસ ઝાડીઝાંખરાં વધ્યાં હતાં, રંગરોગાન, મરમ્મતની જરૂર હતી.

‘થોડો ખર્ચો કરો તો કૉટેજ ફરી અફલાતૂન થઈ જાય... પણ મકાનમાલિકને હવે રસ નથી. શહેરથી દૂર પડતા એરિયામાં કોણ રહેવા આવવાનું? અમારો પગાર નીકળે એ પૂરતું છે!’ અઠવાડિયે એકાદ વાર કૉટેજનો આંટોફેરો કરતો મૅનેજર ધનંજય ચા પીવાને બહાને લટાર મારી હૈયાવરાળ ઠાલવી જતો. એ અડધો કલાક પૂરતી જીવંતતા વર્તાતી, બાકી તો ઘર પર ખામોશીનું આવરણ છવાયેલું હોય...

ઓછાબોલા માલિકથી રામજી ટેવાઈ ગયેલો.

‘કુરિયરવાળો આપી ગયો.’

‘હં’ કહી તેણે વજનદાર એન્વેલપ હાથમાં લીધું. રામજીએ બત્તી કરી.

તેણે કવર ખોલતાં બૂમ સંભળાઈ,‘અતીતભૈયા, ફ્રી હો તો મૈં આઉં ક્યા?’

આમ પૂછી ધનંજય મેડીનાં પગથિયાં ચડી જ જતો, અતીત ફ્રી હોય કે ન હોય!

આજે તે ઉપર આવી ચડે એ પહેલાં કવર કબાટમાં મૂકવાની ચોકસાઈ અતીતે દાખવી. ચાલીસેક વરસનો ધનંજય પ્રવેશતાં રામજી ગમછો ઠીક કરતાં બોલ્યો, ‘આપ ચાય તો પીએંગે હીં!’

‘વો ભી દો કપ!’

ધનંજયના લહેકાથી અતીત મલકી પડ્યો. રામજીને એ ગમ્યું : બાબુજી હસતી વેળા કેવા સોહામણા લાગે છે! તેમને આમ જ હસાવતા રહેશો મૅનેજરબાબુ તો બે શું, ચાર કપ ચા પીવડાવીશ!

ધનંજય બટકબોલો હતો એટલે પણ આદર્શ શ્રોતા જેવા અતીત જોડે તેને ભળતું. રામજી ચા-નાસ્તાની ટ્રે મૂકી ગયો ત્યારે ધનંજય શહેરનો લેટેસ્ટ કિસ્સો દોહરાવતો હતો.

‘તમે જાણ્યું અતીતબાબુ, પ્રેમિકાની બેવફાઈના આઘાતમાં એક જુવાને આત્મહત્યા કરી!’

પ્રેમિકા. બેવફાઈ. અતીતે થૂંક ગળે ઉતાર્યું : હું જેને ચાહતો તે મારી પ્રેમિકા ગણાય ખરી, પરંતુ તે મને ચાહતી નહોતી એટલે બેવફા તો કેમ ગણાય?

‘સાચું કહેજો, અતીતબાબુ...’ ધનંજયે ચાનો કપ બાજુએ મૂક્યો, ‘તમે પણ હૈયાના દાઝ્યા તો નથીને? એ વિના તમારા જેવો જુવાન આદમી આવા વીરાનામાં આવી વસે!’

અતીત સમજતો હતો કે પોતાના માટે ધનંજય જેવાના દિમાગમાં આવા સવાલો જાગવા સ્વાભાવિક હતા... જોકે પોતાનો ભૂતકાળ ખોલવાનું અતીત ટાળી જતો. તેનો વર્તમાન પણ ક્યાં પૂરેપૂરો ઊઘડ્યો હતો? તેણે એટલું કહી રાખેલું : હું મૂળે એકલપટો છું,

માતા-પિતા રહ્યાં નહીં એટલે અહીં આવી વસ્યો છું, વ્યાજની આવકમાં લહેરથી રહું છું, મારી લાઇફસ્ટાઇલ માફક આવે એવી યુવતી મળે ત્યાં સુધી મારી આ જિંદગીથી ખુશ છું!

આજે પણ આ જ મતલબના ગોળ-ગોળ જવાબ વાળી તેણે ધનંજયને ટાળ્યો.

‘ચાલો ત્યારે, રજા લઉં. કાલથી પાંચ દિવસ માટે રોજ મળવાનું થશે.’

અતીત સમજ્યો,

‘ઓહ, કૉટેજમાં મહેમાન પધારવાના હશે!’

‘જી. બહાદુર (રખેવાળ)ને સવારથી સાફસફાઈમાં જોતર્યો છે... બાથરૂમમાં સાબુથી માંડીને રસોઈનો સામાન લાવવાનાં કેટલાં કામ છે મારે!’ રુખસદ લેતાં તે અટક્યો, ‘તમે તો પૂછશો નહીં, પણ હું કહી દઉં. આવનાર કપલ મુંબઈનું છે, તમારી જેમ ગુજરાતી છે.’

મુંબઈ-ગુજરાતી. અતીત સહેજ ખિન્ન બન્યો, કેમ જાણે ભૂતકાળ તેને ઝડપી પાડવાનો હોય, એમાં વાંધાજનક કંઈ જ નહોતું તોય!

‘મિસ્ટર ઍન્ડ મિસિસ આતિથ્ય મહેતા...’

હાશ, આ નામ તો સાવ અજાણું છે. અતીતે રાહત અનુભવી.

‘પહેલાં તો આશકાબહેન તેમના ફાધર સાથે રેગ્યુલર આવતાં... આ વખતે પિતાનાં અસ્થિ પધરાવવા કાલે પતિ જોડે આવે છે.’

ઓહ! અતીતને સહાનુભૂતિ થઈ : જે સ્થળે પિતા જોડે પા-પા પગલી માંડી હોય ત્યાં તેમનાં અસ્થિ લઈને આવવું કેવું હૃદયદ્રાવક ગણાય! જોકે અસ્થિને મા ગંગામાં વહાવવાથી શીતળતા સાંપડશે એ પણ હકીકતને! આશકા તેના પિતાને સાચે જ ખૂબ ચાહતી હશે...

આશકા... અતીતની ભીતર સળવળાટ જાગ્યો : આશકા મહેતા... આ નામ મને જાણીતું કેમ લાગે છે?

અને અતીતને ક્લુ મળી : આશકા મહેતા મારા માટે નહીં, લેખક આનંદ માથુર માટે જાણીતું નામ છે!

ધનંજયના ગયા પછી તે વળી ઝરૂખાની બેઠકે ગોઠવાયો. સંધ્યાની રતાશ રાતની કાળાશમાં ફેરવાઈ રહી હતી. પંખી માળામાં જંપી ચૂક્યાં હતાં. નીરવતામાં નદીનું ગુંજન બિહામણું લાગતું હતું.

મુંબઈ અને પ્રેમિકાના બેવડા ઉલ્લેખે તેના ચિત્તમાં ભૂતકાળ ગરજવા લાગ્યો હતો ને ભીતર મંદિરા... મંદિરા!ના પોકાર ઊઠતા હતા!

€ € €

‘બાપ રે. સ્ક્રિપ્ટ-રાઇટર્સ પણ ગજબના હોય છે, કેવાં સ્માર્ટ વનલાઇનર્સ લખે છે!’

શનિવારની રાત્રે આખી ફૅમિલી એકાદ રિયલિટી શો જોવા ગોઠવાઈ હતી, એમાં ઍન્કરની સ્માર્ટનેસની ક્રેડિટ સ્ક્રિપ્ટ-રાઇટરને આપતી સ્નેહાએ મંદિરાના મનમાં જુદાં જ વમળ સજ્યાર઼્ : મારેય કોઈ લેખકમિત્ર હોત તો તેને પૂછત કે કાલે હરિદ્વાર જવા મારે ઘરનાને શું બહાનું કહેવું?

મંદિરા-આતિથ્ય ઑફિસમાં જુદાં-જુદાં બહાને ગાપચી મારી હોટેલની મુલાકાત પતાવતાં એટલે ઘરના માટે મંદિરાના ઑફિસ-અવર્સમાં ખલેલ વર્તાતી નહીં. આજે પણ ઑફિસેથી છૂટી ત્યારની મંદિરા હરિદ્વાર જવાનું કારણ ગોતે છે, પણ કંઈ જ બંધબેસતું નથી. મા મને એકલી તો કદાપિ નહીં મોકલે, ને જોડે કોઈ પણ આવે છે તો મને જોઈતું ફ્રીડમ નહીં મળે! રિયલી કોઈ રાઇટરને જ આવી પરિસ્થિતિમાં માર્ગ સૂઝે!

રાઇટર.

મંદિરના મસ્તિષ્કમાં હળવી ઊથલપાથલ સર્જાર્ઈ, ઊંડે-ઊંડે ખૂંપેલું કશુંક સપાટી પર આવવા મથતું હતું. આંખો બંધ કરી ત્યાં એક ચહેરો ઊપસ્યો : અરે, આ તો મારો કૉલેજમેટ અતીત જાડેજા! પણ તે રાઇટર ક્યાં હતો? તેણે તો મને શાયરી ધરેલીને!

અને મંદિરાને આખો પ્રસંગ તાદૃશ્ય થઈ ઊઠ્યો.

કૉલેજના છેલ્લા વરસની પરીક્ષાનો છેલ્લો દિવસ. ‘મહેતા કેમિકલ્સ’માં પોતાની જૉબ પાકી કરી ચૂકી હતી, પોતે આતિથ્યનાં ખ્વાબોમાં રાચતી થઈ ચૂકેલી, અંતિમ પેપર પત્યા પછી તે પોતાને તેડવા આવવાનો હતો એ વિચારે ગુદગુદી અનુભવતી પોતે કૉલેજના કૉરીડોરમાં ઊભી છે ત્યાં તે આવ્યો :

‘હાય મંદિરા.’

‘હલો, અતીત.’

કૉલેજમાં પોતાની અપેક્ષા મુજબનો શ્રીમંત જુવાન કોઈ નહોતો, એમાં અતીત તો ખોબા જેવડા ઘરમાં રહેતો અનાથ! સ્વાભાવિકપણે મંદિરાના પ્રતિભાવમાં ઉમળકો નહોતો. ભાગ્યે જ કોઈ જોડે બોલતા અતીતે સામેથી પોતાને બોલાવી એનું અચરજે ન થયું. અતીત ટૉપ-રૅન્કર ન હોત તો-તો કદાચ બે શબ્દ ઉચ્ચારવાની કર્ટસી પણ તેણે દાખવી ન હોત!

‘કેવી ગઈ એક્ઝામ?’

‘ફાઇન’ કહેતી મંદિરાએ કાંડાઘડિયાળ નિહાળી. કેમ જાણે પ્રશ્નોત્તરીથી બોર થતી હોય!

‘તારા ફ્યુચર પ્લાન્સ શું છે, મંદિરા? આ જ કૉલેજમાં આગળ ભણવાની કે પછી...’

વૉટ ધ હેલ! કઈ હિંમતે આ બબૂચક મને આમ પૂછી શકે?

‘મારા પ્લાન જાણવાની તારે શું જરૂર પડી, અતીત?’ તેની રૂક્ષતા છાની ન રહી.

‘બિકૉઝ...’ સહેજ કાંપતા હાથે અતીતે કાપલી ધરી, જેમાં લખ્યું હતું :

ખુદ સે ખુદા પ્યારા લગે,

ઔર ખુદા સે તુમ,

ઇસે ઇશ્ક કહેં યા ઇબાદત ન મૈં જાનું ન તુમ!

માય ગૉડ! કૉલેજમાં પોતાના ઘણા દીવાના હોવાની મંદિરાને જાણ હતી, એમાં આ એક નમૂનો વધારે! સાઇલન્ટ ગણાતો અતીત તેની ફીલિંગ્સ લખીને જ વર્ણવી શકે!

‘આઇ ફીલ ફૉર યુ, મંદિરા... તને પહેલી વાર જોઈ ત્યારથી.’

‘ઓહ, આઈ ઍમ ટચ્ડ.’ મંદિરાએ નાટકીય ઢબે કહ્યું, ‘છેલ્લા દિવસે લવ કન્ફેસ કરવાની તારી હિંમતને હું બિરદાવું છું, અતીત, બટ...’ તેણે જોયું તો આતિથ્યની કાર કૅમ્પસમાં પ્રવેશી ચૂકી હતી, ‘તું મોડો પડ્યો, અતીત, આઇ ઍમ સો સૉરી.’ મંદિરાએ કાપલી પરત થમાવી, ‘હું ઑલરેડી કોઈના પ્રેમમાં છું, આઇ ઍમ એન્ગેજ્ડ.’ પછી આંગળી ચીંધી, ‘લુક, મારો પ્રેમી મને લેવા આવી ગયો!’

અતીતના ચહેરા પર હૃદયભંગની પીડા છવાઈ. મોંઘીદાટ કાર અને એમાં બિરાજેલા સોહામણા જુવાનની છબિ માનસપટ પર અંકિત થઈ ગઈ. કારમાં ગોઠવાતી મંદિરાએ જોયું તો અતીત કાપલીના ટુકડા હાથમાં ફંગોળતો દેખાયો...

પછી? પછી શું થયું?

દૃશ્ય વિખેરાતાં મંદિરા વર્તમાનમાં પ્રવેશી : હું આતિથ્ય જોડે આગળ વધતી ગઈ, અતીતનું શું થયું એ વિશે કદી વિચાર્યું નહીં!

મારે વિચારવું પણ શા માટે જોઈએ! માથું ખંખેરી તે ભૂતકાળની અસરમાંથી બહાર નીકળી આવી : ઓહ, હરિદ્વાર જવા મારે ઘરમાં શું કહેવું?

‘મંદિરા,’ માએ ઝબકાવી, ‘ક્યાં ખોવાઈ છે? આજકાલ તારું ધ્યાન બીજે જ ભટકતું લાગે છે!’

ઓહ, માની છઠ્ઠી ઇન્દ્રિય જાગે એ પહેલાં અમારે ખેલ પતાવી દેવો રહ્યો!

‘મા, એક મૂંઝવણ છે.’

યાહોમ કરવાની ઢબે તેણે કહ્યું, ‘સર-આશકામૅડમ કમલકાંત સરના અસ્થિવિસર્જન માટે હરિદ્વાર જાય છે - સરની રિક્વેસ્ટ છે કે મારે પણ સાથે જોડાવું, મૅડમ ખૂબ અપસેટ છે એટલે તેમની સારસંભાળ માટે મારું જવું જરૂરી છે...’

તેનું તીર નિશાને લાગ્યું. આશકા પ્રત્યેની હમદર્દીને કારણે ઘરના અન્ય સભ્યોએ સંમતિ પુરાવતાં લક્ષ્મીબહેનની આનાકાની પણ ઓસરી ગઈ. ખુશ થતી મંદિરાને થયું, કુદરત અમારી ફેવરમાં છે!

‘ડોન્ટ વરી, ડાર્લિંગ, હરિદ્વારથી આશકા જીવતી પાછી નહીં ફરે!’ બીજી સવારે ઍરપોર્ટ નીકળતાં અગાઉ આતિથ્યે ફોન જોડી ખાતરી ઉચ્ચારી ત્યારે પૅરૅલલ લાઇન પર આટલો સંવાદ સાંભળતી આશકા થીજી ગઈ.

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK