કથા-સપ્તાહ : લાગી રે લગન (યે જો મોહબ્બત હૈ - ૨)

Published: 4th September, 2012 05:33 IST

મૂળે મહત્વાકાંક્ષી આતિથ્યે ‘મહેતા કેમિકલ્સ’માં નોકરી મેળવી ત્યારે કમલકાંત શેઠ દીકરી માટે જમાઈની શોધમાં હતા. ગ્રૅજ્યુએટ થઈ આશકા પણ વખત ખુટાડવા ઑફિસે બેસતી. નમણી, રૂપાળી આશકામાં સંસ્કારવારસો પણ રૂડી રીતે ઊતર્યો હતો. ન શ્રીમંતાઈનું અભિમાન, ન રૂત્બાનો અહમ્.

 

અન્ય ભાગ વાંચો

1  |   2  |  3  |

 

 

આતિથ્યે શ્વાસ ઘૂંટ્યો.

મૂળે મહત્વાકાંક્ષી આતિથ્યે ‘મહેતા કેમિકલ્સ’માં નોકરી મેળવી ત્યારે કમલકાંત શેઠ દીકરી માટે જમાઈની શોધમાં હતા. ગ્રૅજ્યુએટ થઈ આશકા પણ વખત ખુટાડવા ઑફિસે બેસતી. નમણી, રૂપાળી આશકામાં સંસ્કારવારસો પણ રૂડી રીતે ઊતર્યો હતો. ન શ્રીમંતાઈનું અભિમાન, ન રૂત્બાનો અહમ્.

આતિથ્ય દેખાવડો હતો એટલો મેધાવી પણ હતો. વ્યાપારમાં બે-ચાર ઇનિશ્યેટિવ રજૂ કરી તેણે કમલકાંતનો વિશ્વાસ જીત્યો. શેઠની નજરમાં તેની લાયકાત વસતાં તેમણે આશકા સાથે કામ કરવાની તકો આતિથ્ય માટે સર્જી, પછી કંઈ તે ચૂકે!

‘સમટાઇમ્સ આઇ એન્વી ઑફ કમલકાંત સર... કેવી સૂઝથી તેમણે આખું એમ્પાયર ઊભુ કર્યું! સૅલ્યુટ!

‘આઇ ઍમ સૉરી, પણ બિઝનેસમાં તમે તમારા ડેડી જેવાં નહીં નીવડો, કેમ કે તમે હંમેશાં દિલથી વિચારો છો, દિમાગથી નહીં!’

- આતિથ્યનાં આવાં વાક્યો આશકાને સ્પર્શી જતાં, અને એમાં સચ્ચાઈ તો હતી જ. પરિણામે આતિથ્યનો સ્વાર્થ કદી ઉઘાડો પડ્યો નહીં. ધાર્યા મુજબ કમલકાંતે એક દિવસ તેને બંગલે ડિનર માટે તેડી આશકાની હાજરીમાં જ પૂછી લીધું : તું મારી દીકરીનો જીવનસાથી બનીશ?

આશકા શરમાઈને રૂમમાં દોડી ગયેલી, આતિથ્યે મીઠું મલકતાં હકાર ભણ્યો હતો.

- એ રાત્રે મહાલક્ષ્મીની ચાલની પોતાની રૂમમાં તેણે મા-બાપની છબિ સમક્ષ હરખનાં આંસુ સાર્યાં હતાં : મને ભણાવવાની તમારી મહેનત ઊગી નીકળી. તમારા દીકરાના દિવસો આજથી બદલાય છે, સ્વર્ગમાંથી મને આશિષ પાઠવજો!

‘તમારો બિઝનેસ હું સંભાળીશ, બંગલે આવીને રહેવામાંય મને વાંધો ન હોય. બસ, આશકાને એવું ન લાગવું જોઈએ કે મને સ્વમાન નથી!’ લગ્ન અગાઉ આતિથ્યે ચોખવટ કરતાં કમલકાંતે ભાવિ જમાઈને બાથ ભીડી હતી : મને આટલું જ અપેક્ષિત હતું, આતિત્થ, મનમાં સહેજે અવઢવ ન રાખીશ. આશકાને મેં સમજાવી દીધી છે.

અને પાંચ વરસ અગાઉ, ‘મહેતા મેન્શન’માં પરણીને પ્રવેશતાં આતિથ્યની જિંદગી બદલાઈ ગઈ. લાઇફનો સૌથી મોટો ગોલ અચીવ કર્યાની ખુશી અનેરી જ હોયને! શ્રીમંત બનવું આતિથ્યનું જીવનસ્વપ્ન્ા હતું, આશકા સાથેનાં મૅરેજ તેને સાકાર કરવાના ટાસ્કસ્વરૂપ હતાં. યુરોપના હનીમૂન પછી તો બિઝનેસ અંતર્ગત દેશ-વિદેશ ફરવાનું બન્યું. કમલકાંતે તેને વ્યાપારમાં નિર્ણયની સત્તા આપી હતી.

પણ આતિથ્યને ખુલ્લો દોર મળ્યો શેઠજીના પૅરૅલિસીસના અટૅક પછી! કમલકાંતને બેડ-રેસ્ટ આવ્યો, આશકા પિતાની ચાકરીમાં વ્યસ્ત થઈ. ક્યારેક તો છ-આઠ અઠવાડિયાં સેક્સ વિનાનાં નીકળી જતાં. તે ફરિયાદ કરતો તો આશકા રડમસ બનતી : પપ્પા હવે ઝાઝું ખેંચવાના નથી, આતિથ્ય, તેમની અંતિમ અવસ્થા મને જાળવી લેવા દો, પ્લીઝ!

મન મોટું રાખી આતિથ્ય જતું કરતો ત્યાં મંદિરાની એન્ટ્રી થઈ. તેનામાં પોતાનું પ્રતિબિંબ દેખાતાં આતિથ્યને રસ જાગ્યો. શ્રીમંતાઈની મહત્વાકાંક્ષા રાખનારો હું એકલો નથી એ વિચારે બળ મળ્યું.

માણસ કોઈને પ્રેમ કરતો થાય ને આયોજનબદ્ધ રીતે કોઈને પ્રેમમાં પાડે એ વસ્તુમાં ભેદ છે. પોતે આશકાને પ્રેમમાં પાડવી પડી, કમલકાંતનો વિશ્વાસ જીતવો પડ્યો એનો ડંખ ક્યાંક ને ક્યાંક આતિથ્યના હૈયે ખૂંપ્યો હશે, મંદિરાએ આડકતરી રીતે એમાં કશું ખોટું ન હોવાનો સધિયારો આપ્યો, એવામાં મંદિરાના જોબને પ્યાસ ભડકાવી.

બેવફાઈનો ઇરાદો નહોતો એમ શ્રીમંતાઈનો ઉપભોગ કરવાની ઇચ્છા જોકે ખરી : એ સિવાય દોલતમંદ હોવાનો ફાયદો શું? આશકા મને અવગણે છે તો જ મારે બીજે નજર નાખવાની નોબત આવીને! વાંક આશકાનો છે - આ ગણતરી દિમાગમાં ઉતાર્યા પછી રહ્યોસહ્યો ખચકાટ ઓગળતાં તે મંદિરાને પલંગ પર દોરી ગયો...

મંદિરા સાથેના સાયુજ્યનો અનુભવ વર્ણનાતીત હતો! આશકા જે આટલાં વરસોમાં આપી ન શકી એ જાણે મંદિરાએ પહેલા પ્રયાસમાં ધરી દીધુ! આતિથ્ય ભૂલ્યો કે આ સરખામણી મૂળે જ ખોટી હતી? આશકા માટે સાયુજ્ય પ્રણયની સોગાત તરીકે થતું, મંદિરાની મક્સદ પુરુષને જીતવાની હતી એટલે સ્વાભાવિકપણે તેનો અંદાજ અલગ જ હોવાનો!

પ્રથમ મિલનની ઉત્કૃષ્ટ પળો પછી આતિથ્યના મૅરિટલ સ્ટેટસ બાબત મંદિરાની ગેરસમજ ખૂલી, તે હતાશ થઈ અને તેને આશ્વસ્ત કરતાં આતિથ્યથી કહેવાઈ ગયું - ધરી શકે તો થોડી ધીરજ ધર... શેઠજીના પાછા જતાં આશકાનો ફેંસલો કરી નાખીશું આપણે!

પોતે આવું શું કામ બોલ્યો?

કદાચ શેઠજી બીમાર પડ્યાની ઘડીથી વ્યાપારમાં સર્વેસર્વ બનવાની સાથે આશકાને તરછોડવાની કામના ઊંડે-ઊંડે ક્યાંક જન્મી હશે... કાલ ઊઠીને એવું કહેનારું કોઈ રહેવું ન જોઈએ, મને શ્રીમંતાઈ શ્વશુરજીની મહેરબાનીથી મળી! મંદિરાના દૈહિક આકર્ષણે આ લાગણીને સપાટી પર આણી દીધી!

જોકે ધારવા કરતાં ઇન્તેજાર વધુ ને વધુ લંબાતો ગયો. કમલકાંતનો દેહ છૂટતો નહોતો, આશકા પિતાની સેવામાંથી સમય કાઢવા ઇચ્છે તો હવે તો આતિથ્ય જ વારતો : પપ્પા પ્રત્યે ફરજ પહેલી! આશકા પતિના ગુણથી અંજાતી, ને તેની નાદાની પર આતિથ્ય મનોમન હસતો.

આ બાજુ, મંદિરાને ત્યાંય સંજોગો પલટાયા. મિતાંગને કંપની તરફથી બે વરસ માટે દુબઈ જવાનો ચાન્સ મળતાં મંદિરાને બહાનું મળી ગયું : ભાઈ-ભાભીના આવ્યા પછી જ હું પરણવાની!

દુબઈ જવા સ્નેહાએ એલઆઇસીની કાયમી નોકરી છોડવી પડી એમાં સહેજ કચવાટ હતો, દીકરા-વહુ વચ્ચે ક્યારેક ચકચક ઝરી જતી. છેવટે સ્નેહા સંમત થઈ ખરી, છતાં લક્ષ્મીબહેનને ફડકો રહેતો : બન્ને પરદેશમાં તો હેતથી રહેતાં હશેને! આ ચિંતામાં દીકરી પ્રત્યે દુર્લક્ષ સેવાયું ને મંદિરા-આતિથ્ય આડા સંબંધમાં સડસડાટ આગળ વધતાં ગયાં!

મંદિરા ક્યારેક અકળાઈ જતી: ઑફિસમાં આજ્ઞાંકિત સેક્રેટરી માને, હોટેલની રૂમમાં હમબિસ્તર.. ક્યાં સુધી મારે બેવડું જીવન જીવવું?

કોઈને શક ન ઊપજે એ માટેની તમામ તકેદારી બન્ને જાળવતાં અને ધીરજ ખૂટે એ પહેલાં શ્વશુરના શ્વાસ ખૂટ્યાં!

આતિથ્યે શોક દાખવ્યો, આશકાએ માલમિલકતનો હવાલો પતિને સોંપી મા બનવાની ઇચ્છા જતાવી દીધી. પિતાની ચાકરીમાં મેં તમને ઘણું અવગણ્યા, હવે તમને વારસ દેવાની મારી ફરજમાં હું ચૂકવા માગતી નથી! બીજી બાજુ મિતાંગ-સ્નેહા દુબઈથી પરત થતાં લક્ષ્મીબહેન દીકરીને વળાવવા અધીરાં બન્યાં હતાં...

આ સંજોગોમાં મંદિરાનો તકાજો સ્વાભાવિક હતો!

‘બોલ, આતિથ્ય.’

મંદિરાના સાદે તે ઝબક્યો. હોટેલરૂમના અદ્ભુત સંવનન પછી પ્રૉમિસ પાળવા બાબતના મંદિરાના સંવાદનું અનુસંધાન મેળવી લીધું.

‘તારું મન બદલાઈ તો નથી ગયુંને? બાપ વિનાની થયેલી આશકા પ્રત્યે સહાનુભૂતિ નથી જાગીને?’

મંદિરાની વાણીમાં કડવાશ ભળી. સ્ટાફ તરીકે આશકાને મળવાનું થતું ત્યારે હૈયે જલન ઊઠતી. મારા સુખમાં તું જ કંટક બનીને બેઠી છે! કમલકાંતની સ્મશાનયાત્રા દરમ્યાન આતિથ્યે તેને ભાવથી જાળવવી સ્વાભાવિક હોય, છતાં અસલામતી જન્મેલી : ક્યાંક આતિથ્ય સાચે જ તો તેને ચાહતો નથીને!

આડો સંબંધ સીધો ન થાય ત્યાં સુધી એમાં આશંકાના ઓછાયા રહેવાના જ! મંદિરાને ક્યારેક થતું, આતિથ્ય પાછળ જવાની વેડફી હું મુરખ નથી ઠરતીને? આતિથ્ય ભોગવટા માટે બહાવરો બનતો ત્યારે હાશકારો થતો. એમ તો તેનેય આતિથ્યના પૌરુષનો ચસકો લાગ્યો હતો. આતિથ્ય કદી ડાયમન્ડ સેટ જેવી એક્સપેન્સિવ ગિફ્ટ આપવા ઇચ્છતો ત્યારે મંદિરાને વારવો પડતો. તારી ભેટ હું રાખીશ ક્યાં!  માની આંખે ચડી તો-તો ધરતીકંપ સર્જાઈ જાય! હું તારી વાઇફનો દરજ્જો પામ્યા પછી ગજવું ખાલી થઈ જાય એટલું શૉપિંગ અવશ્ય કરવાની છું...

સ્ત્રીને શ્રીમંત પુરુષની ઝંખના હતી, ને પુરુષનું ચિત્ત શયનેષુરંભા સાબિત થયેલી સ્ત્રીમાં ચોટ્યું હતું. તેમની લગનમાં નિર્દોષ નારીના જીવનને મૃત્યુનું ગ્રહણ લગાડવાનો તબક્કો આવી ચૂક્યો હતો!

‘મેં વિચારી લીધું છે, આશકા આપણી લાઇફમાં વધુ નહીં રહે.’ છેવટે આતિથ્યના હોઠ ઊઘડ્યા.

મંદિરાને ધરપત થઈ

‘આજે શનિવાર થયો... તું એ તો જાણે છે કે પપ્પાજીનાં અસ્થિવિસર્જન માટે અમે કાલે દિલ્હીનું પ્લેન પકડી હરિદ્વાર જવાનાં છીએ, આશકાએ પિતા પાછળ અમુક વિધિ પણ કરાવવી છે એટલે ચાર દિવસનું રોકાણ છે.’

મંદિરાને આ પ્રોગ્રામની જાણ હોય જ. જવાહરલાલ નેહરુની જેમ ગંગામાં પિતાના અસ્થિવિસર્જન કરવા પાછળ પવિત્ર ભાવના હશે કે પછી આશકા એકાંતમાં પતિને પલોટવા માગતી હશે? બચ્ચું પ્લાન કરવાનો તેનો ઇરાદો તો તે જાહેર કરી જ ચૂકી છે! ના, હું આતિથ્યને એકલો મોકલી ન શકું!

‘તું ભલે આવ, મંદિરા...’ આતિથ્ય ત્વરિત કબૂલ થયો, ‘બસ, આશકાની આંખે ન ચડીશ...’

‘શ્યૉર, હવે તારો પ્લાન કહે.’

‘હરિદ્વારમાં ગંગાઘાટ પાસે રળિયામણું કૉટેજ છે. પપ્પા હંમેશાં ત્યાં જ રોકાતા... ત્યાં ગંગાનો પ્રવાહ વેગીલો છે, આશકાને બેહોશ કરી ત્યાંથી વહાવી દઈશ, સ્વિમિંગ નહીં જાણતી આશકા ડૂબી મરવાની!’

આશકાને ગંગાનું આકર્ષણ જાણીતું છે. લગ્ન પછી હરિદ્વાર એકાદ વાર જ જવાનું બન્યું હશે, બાકી અગાઉ તો બાપ-દીકરી વરસે-દહાડે બે દિવસ પૂરતીયે હરિદ્વારની ટ્રિપ કરતાં. તે કૉટેજ પછવાડેના નર્જિન ઘાટ પર ગઈ હોય, ત્યાંથી પગ લપસતાં નદીમાં ખાબકી હોવાનો તર્ક કોઈના પણ ગળે ઊતરવાનો, તેનું ખૂન અકસ્માત જ ગણાવાનું!

‘કહેવું પડે, આતિથ્ય, આબાદ પ્લાન ઘડ્યો છે તેં!’

મંદિરા તેને વળગી પડી, બે દેહ એકમેકને ગમતી ક્રિયામાં ગૂંથાઈ ગયા.

€ € €

કેવી સુંદર નવલકથા શનિવારની સાંજ સુધી આશકા બપોરે વાંચેલી હિન્દી નૉવેલના વિચારોમાં જ ગુલતાન રહી.

આશકાના બે મુખ્ય શોખ - લતાનાં ગીતો સાંભળવાં અને નવલકથાવાંચન! તેના આઇપૉડમાં પોતાની માનીતી ગાયિકાનાં હજાર ઉપરાંત ગીતો હતાં એમ બંગલાની લાઇબ્રેરીમાં વિવિધ વિષયોનાં અગણિત પુસ્તકો હતાં. બુક્સનું તે ઇ-શૉપિંગ કરતી, નજીકના સરકારી પુસ્તકાલયનાં દસ-પંદર દહાડે લટાર મરવાની! ગુજરાતી, ઇંગ્લિશ ઉપરાંત હિન્દી ઉપન્યાસ વાંચતી, એમાં વરસોથી ઘેલું લાગ્યું હતું આનંદ માથુરની નવલકથાઓનું!

પિતાની માંદગી દરમ્યાન આનંદની નૉવેલ ‘નઇ રોશની’ વાંચવાનું બન્યું, ને તે આનંદની કલમની ચાહક બની બેઠી, લાઇબ્રેરીમાં જઈને, નેટ થ્રુ, સ્ટેશનના ફેરિયા પાસેથી તેણે આનંદની લગભગ તમામ બુક્સ વાંચી કાઢી. પિતાના દેહાંત પછી આનંદની નવલકથા શોકમાંથી બહાર આવવાનું સાધન પણ બની. સશક્ત પ્લૉટ, સ્ત્રી-પુરુષના સંબંધોનું વિfલેષણ, યાદ રહી જાય એવાં ક્વૉટ્સ આનંદની લેખિનીની જમાબાજુ હતી. વારંવાર વાંચવી ગમે એવી લઢણમાં લખાયેલી કથાઓ વાંચી લેખકને જાણવાની જિજ્ઞાસા જાગવી સ્વાભાવિક હતી. પૉકેટબુક યાદીની છપાઈમાં લેખકના સંપર્કનો ઉલ્લેખ નહોતો. એટલે તેણે દિલ્હીના પ્રકાશકને ફોન જોડતાં જાણવા મળ્યું કે : આનંદસાહેબ જાહેરમાં આવવા માગતા નથી, તેમની કૉન્ટૅક્ટ ડીટેલ્સ આપવાની સખત મનાઈ છે. તમારો અભિપ્રાય તમે અમને મોકલી શકો છો. અમે તેમને પહોંચાડીશું.

લેખકનો પ્રાઇવસી બાબતનો આગ્રહ થોડો વિચિત્ર લાગ્યો, પણ છેવટે તો કલાજીવો થોડા મનમોજી જ હોય છેને! તેણે પબ્લિશરના સરનામે લખેલા પત્રનો જવાબ આવ્યો હતો ખરો... શુદ્ધ હિન્દીમાં સ્વહસ્તે લખેલા આંતરદેશીય પત્રમાં આનંદે લાગણી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

‘નિજી કારણવશ મેં અપને બારે મેં જ્યાદા કુછ લિખ નહીં સકતા...’ કરી દિલગીરી પણ વ્યક્ત કરી હતી.

પાછલાં ત્રણેક વરસથી લખતા થયેલા લેખકને એવી તે શું મજબૂતી હશે? પોતાના ફેવરિટ રાઇટર વિશે વિચારતી આશકાને અંદાજે સુધ્ધાં નહોતો કે હાલ પૂરતી તો પોતે જ પતિ માટે મજબૂરી બની ચૂકી છે, એવી મજબૂરી, જેને હટાવ્યા વિના છૂટકો નથી!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK