કથા-સપ્તાહ - ખેલ-ખેલાડી (ભેદ ઘૂંટાય છે - ૪)

Published: 30th October, 2014 05:24 IST

‘લવલી ઈવ!’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |


સનસેટ પૉઇન્ટથી પાછા વળેલા મહેમાનો ખુશખુશાલ હતા. વેદાંત-કાવેરીને આની નવાઈ ન જ હોય, પરંતુ બધા ભેળા મજા માણવાનો આનંદ નિરાળો જને! ટૂરિસ્ટ ગાઇડની અદાથી સુનયનાએ ટાપુને વર્ણવ્યો હતો. શક્તિસિંહ તો પ્રથમ વાર ટાપુ પર પધારેલાં રાજમાતાને ભાળીને ગદ્ગદ થયેલા - ધિસ ઇઝ ધ મોસ્ટ પ્લેઝન્ટ સરપ્રાઇઝ... વીરગઢના હાઇનેસ દેવેન્દ્રસિંહનો તેમને પરિચય નહોતો, પણ તર્જની-કેતુના ઉલ્લેખે તેમની આંખો ચમકેલી - કોણ, પેલા જાંબાઝ જાસૂસ તો નહીં!

બને ત્યાં સુધી રાજમાતા તર્જની-કેતુનું પ્રોફેશન બતાવવાનું ટાળતાં : છોકરાઓ માંડ ફુરસદ માણવા નીકળ્યા હોય ત્યાં ક્યાં જાસૂસકથા માંડવી! પરંતુ કોઈ આમ સામેથી ઓળખી કાઢે ત્યારે શું થાય? તેમના હકારે સુનયનાને હીચકી આવી, ‘જા...સૂસ!’ તેણે સ્મિત ઊપજાવીને પાંપણ પટપટાવેલી. ‘આઇ મીન, રિયલી!’

તેના પ્રત્યાઘાતની નવાઈ નહોતી લાગી. પોલીસની જેમ જાસૂસનું નામ સાંભળીને પણ ઘણા લોકો ભડકી જતા હોવાનો બેલડીને અનુભવ હતો. વેલકમ ડ્રિન્ક માણીને સૌ બીજા માળની પોતપોતાની રૂમમાં થાળે પડ્યા. વેદાંતની ફૅમિલી રાબેતા મુજબ ત્રીજા માળે ઊતરેલી. શક્તિસિંહનો માસ્ટર બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો. ફ્રેશ થઈ ટાપુની પ્રથમ લટાર મારી પાછા થયેલા સૌ મસ્તીમજાકના મૂડમાં બેઠકખંડમાં ગોઠવાયા ત્યાં તર્જનીએ ખુશાલી ઉછાળી, ‘વાઉ, મારી ફેવરિટ નૉવેલ!’ સામી ટિપોય પર ન્યુઝપેપર્સ-મૅગેઝિન્સની થોકડી સાથે આડી મુકાયેલી બુક તેણે ઊંચકી, ‘ઍન્ડ ધેન ધેર વેર નન!’

અગાથા ક્રિસ્ટીનો એ માસ્ટરપીસ. એક નર્જિન ટાપુ પર દસ જણ ભેગા થાય છે. દરેકને નિમંત્રણ મળ્યું હોય છે. દરેકનો ભૂતકાળ છે. ગેબી વાતાવરણમાં એક પછી એક હત્યાઓ થાય છે. દસમાંથી કોઈ જીવતું નથી બચતું. કાતિલે પોતાનું કન્ફેશન બૉટલમાં મૂકીને દરિયાના પાણીમાં વહાવ્યું ન હોત તો કદાચ ભેદ ક્યારેય ઉકલાત નહીં. આપણી ક્લાસિક સસ્પેન્સ-થ્રિલર ‘ગુમનામ’ આના પરથી જ પ્રેરિત.

‘આઇલૅન્ડની સફરે નીકળ્યા ત્યારે આ જ વાર્તા ચિત્તમાં ઝબકેલી! આમ જ ટાપુ પર આપણે ભેગા થઈએ ને કંઈ થયું તો?’ તર્જનીની થ્રિલ પર બધાએ મલકી લીધું.

‘જાસૂસને બધે ખૂનામરકી જ દેખાવાની.’ ટકોરી લઈ સુનયનાએ હસી નાખ્યું, ‘શક્તિની પણ આ ફેવરિટ બુક. હમણાં જ પતાવી.’

ચોપડીની ચર્ચા પછી ફિલ્મ તરફ ફંટાઈ ગઈ. એવા જ માહોલમાં ડિનર પતાવી મોડી રાત્રે સૌ છૂટા પડ્યા...

... નાઇટસૂટ ચડાવીને તર્જની વૉશરૂમમાંથી નીકળી એવી સહેજ ચમકી. તેના રૂમના દરવાજા આગળ કાગળ પડ્યો હતો. સ્પષ્ટ હતું કે ગડી વાળેલો કાગળ કોઈ દરવાજાની ફાટમાંથી સરકાવી ગયું... તેણે ઝડપથી ચિઠ્ઠી ઉઠાવીને વાંચી:

ચેતજો. અહીં દરેકનો જીવ જોખમમાં છે. કોણ દોસ્ત? કોણ દુશ્મન? ઓળખી કાઢો, નહીં તો અહીં પણ નવલકથા જેવી જ ખૂનખરાબી સર્જા‍ઈ જવાની.

કંઈક વિચારીને તર્જની બહાર નીકળી. પોતે પંદર મિનિટ વૉશરૂમમાં રહી એ દરમ્યાન ચિઠ્ઠી સરકાવનારને છટકવાનો પૂરતો સમય મળ્યો હોય... તર્જનીની ધારણા પ્રમાણે લૉબીમાં કોઈ કળાયું નહીં. પડખે રાજમાતાની રૂમ અને સામે કેતુ-હાઇનેસની રૂમમાં સુનકારો વર્તાયો. ઉપલા માળે કોઈ ચહલપહલ નહોતી અને નીચે... ગોળાકારે આવેલી સીડીના વળાંકે ઊભી તર્જનીને કશોક અવાજ સંભળાયો. ધીરે-ધીરે તે નીચે ઊતરી. દરેક ડગલે હૈયું ધડકી જતું. અવાજ સ્પક્ટ થતો ગયો:

દુશ્મન હૈ હઝારોં યહાં જાન કે જરા મિલના નઝર પેહચાન કે કંઈ રૂપ મેં હૈ કાતિલ...

છેલ્લું પગથિયું ઊતરતી તર્જનીએ જોયું તો ગ્રામોફોનમાં રેકૉર્ડ ઘૂમી રહી હતી અને એની નજીકના હીંચકે બેઠેલા શક્તિસિંહ આંખો મીંચી લતાના કંઠનો આસ્વાદ માણી રહ્યા હતા કે પછી આમાં પણ કોઈ સંકેત છે?

ગમે એ હોય, ભેદભરમ જેવી ચિઠ્ઠી મળી ત્યાં એવું જ ભેદભર્યું ગીત સંભળાયું અને એ જોગાનુજોગ જાસૂસને હરકતમાં આણવા પૂરતો હતો!

€ € €

‘હાય રામ,’ રાજમાતા ડઘાયાં : સવાર-સવારમાં આ બધું શું છે!

તર્જનીએ કેતુને તો રાત્રે જ જણાવી દીધેલું : હિન્દી લિપિમાં લખાયેલી ચિઠ્ઠીના અક્ષર ગરબડિયા છે, પોતાની ઓળખ છૂપી રાખવા લખનારનો આશય સમજાય એવા. ધારો કે નવલની વાતે કોઈએ મજાક કરી હોય, જાસૂસોની હામ ચકાસવા ગતકડું કર્યું હોય તો પણ એમ માનીને મેસેજને અવગણવામાં શાણપણ નથી... આની બહુ હો-હા નથી કરવી, ચિઠ્ઠી મોકલનાર ખરેખર શુભચિંતક હશે તો નાહક તે દુશ્મનની આંખે ચડી જશે. સંદેશ લખનારને પણ આટલું તો અપેક્ષિત હશે જ. જોકે રાજમાતાને વિશ્વાસમાં લેવા રહ્યાં. એક તો તેઓ ચેતેલાં રહે અને બીજું, અહીંનાં પાત્રોનો તેમને થોડો વધુ અનુભવ!

‘લકીલી અમારાં લાઇસન્સ વેપન્સ અમે સાથે રાખીએ જ છીએ. આ ગન તમે સંભાળો.’ કેતુએ હથિયારની મેકૅનિઝમ સમજાવીને ઉમેર્યું, ‘બીજી ગન તર્જની પાસે છે, બી સેફ.’

કેતુના અવાજમાં તજાકો હતો.

‘કેતુ, દેવેન્દ્રસિંહજીને પણ આપણે ચેતવી દઈએ તો...’

‘નહીં રાજમાતા,’ અવધેશ-દેવેન્દ્રસિંહ વચ્ચેનો સીન વર્ણવીને કેતુએ સાર તારવ્યો, ‘જો અહીં ખરે જ ભેદ ઘૂંટાતો હોય તો કોઈક રીતે હાઇનેસ પણ એમાં સામેલ હોવાના જ.’

‘એ કેમ બને કેતુ?’ મીનળદેવીએ દલીલ કરી, ‘મહારાજા તો બિચારા રજા ગાળવા હિંમતગઢ આવ્યા તો અહીં આવવાનું બન્યું...’

‘અહં,’ હવે તર્જની એ જોગાનુજોગ સ્વીકારવા તૈયાર નહોતી, ‘દેવેન્દ્રસિંહને તમે ઇન્વિટેશન નહોતું આપ્યું રાજમાતા, તેઓ સામેથી પૅલેસના મહેમાન બન્યા... એ પણ એવા ટાણે જ્યારે ઇન્દ્રનીલની યાત્રાનો યોગ ગોઠવાવાનો હોય! એ દૃિક્ટએ જુઓ તો બધું પૂવર્‍નર્ધિારિત કાવતરા જેવું લાગશે. સુનયનાને પણ રાજમાતાને તેડીને પતિને સરપ્રાઇઝ આપવાની ઘૂમરી ત્યારે જ કેમ ચડે જ્યારે પૅલેસમાં હાઇનેસ મહેમાન બન્યા હોય? આઇ મીન શક્તિસિંહને સરપ્રાઇઝ આપવી હતી તો ચાર દહાડા પછી રાજમાતાને તેડાવી શકત. મહેમાનોને લઈને પધારવાનો તેનો આગ્રહ વધુ પડતો નથી? કે પછી રાજમાતાની આડમાં હાઇનેસ અહીં પધારે એ જ તેમની મકસદ હતી?’

અનુમાન ઉચ્ચારતી તર્જની સચ્ચાઈની લગોલગ પહોંચી ગઈ હતી.

‘રાજમાતાએ આપણા વિશે પણ સુનયનાને કહ્યું હતું ત્યારે આપણે તેને નિરુપદ્રવી લાગ્યાં હોઈશું, આપણો પ્રોફેશન જાણીને તેણે અનુભવેલો આંચકો યાદ કરો.’ કેતુએ કડી ગોઠવી. ‘અલબત્ત, હાઇનેસ તો આપણે જાસૂસ હોવાનું જાણતા હતા જ, તેમણે સુનયનાને ઇશારો ન આપ્યો એનો એક અર્થ એ થાય કે એ બે વચ્ચે સીધું કમ્યુનિકેશન નથી - અર્થાત્ કોઈ ત્રીજું છે જે એ બેઉને સાંકળી રહ્યું છે. હાઇનેસ આપણી બાબત તે ત્રીજી વ્યક્તિ સુધી પહોંચાડી ન શક્યા એને અત્યારે તો તેમની સંપર્કશક્તિની મર્યાદા જ માનવી રહી.’

કેતુની આ ગણતરી પણ સાચી હતી.

‘શક્તિસિંહ માટે તો આપણું આગમન સરપ્રાઇઝરૂપ જ હતું એ ચોક્કસ... પરંતુ સુનયનાએ આ બધું કેમ કરવું પડે?’ રાજમાતાનો આઘાત છૂપો ન રહ્યો.

‘ક્યાં તો સુનયનાને મજબૂર કરાઈ હોય - તે એક મૉડલ હતી. તેની કોઈ વાંધાજનક તસવીરો કે વિડિયોના આધારે બ્લૅકમેઇલિંગ થતું હોય... અને જો પોતાની મરજીથી કરતી હોય તો સ્પક્ટ છે કે તેને પતિની દોલતમાં વધુ રસ છે. યાદ રહે કે આપણા ભેગા વેદાંત વગેરેને પણ તેણે તેડ્યા છે. બધાનો ખાતમો બોલાવીને તે એમ્પાયરની સવર્‍સત્તાધીશ બનવા માગતી હશે...’

‘પણ તો પછી તેને હાઇનેસ સાથે શું સંબંધ?’

‘મને એક જ શક્યતા સૂઝે છે રાજમાતા...’ તર્જનીનાં ભવાં તંગ થયાં, ‘મહારાજાનો પુત્ર રણવીરસિંહ!’

હેં!

‘રણવીરને પિતા પ્રત્યે દ્વેષ છે, વિલવાળા પ્રસંગને કારણે તમારા માટે પણ ખટકો હોવાનો. શક્ય છે કે કોઈક રીતે સુનયના-રણવીર મળ્યાં, એક થયાં અને બેઉ પક્ષની દોલત કબજે કરવા ખૂંખાર ખેલ માંડી બેઠાં...’

આ શક્ય છે ખરું?

‘ધૅટ વી હૅવ ટુ ફાઇન્ડ આઉટ... જાસૂસ એવા આપણે કશું વિઘ્ન ન નાખીએ એ માટે પણ પ્લાનર પોતાની ગેમ ઝડપથી પતાવવા ઇચ્છશે. સમય ઓછો છે અને દુશ્મન શાતિર...’

‘તોય તમે તેને પહોંચી વળવાના એની મને ખાતરી છે.’ શ્રદ્ધા જતાવીને રાજમાતાએ જુસ્સો ભર્યો.

€ € €

‘શક્તિજી, આખા ટાપુ પર આમ તો તમે આઠ-દસ જણ જ... સવર્‍ન્ટ્્સ બધા કેરાલિયન, મૅનેજર ભૈયો - થોડું રિસ્કી ન ગણાય?’

સુનયના-કાવેરી લંચની તૈયારીમાં વ્યસ્ત હતાં. વેદાંત ધ્રુવ જોડે વિડિયોગેમ રમવામાં બિઝી હતો. દેવેન્દ્રસિંહ વરંડામાં આંટા મારી રહ્યા હતા એ વેળા મીનળદેવીએ તક ઝડપીને પૂછી લીધું. ટાપુની સુરક્ષાવ્યવસ્થા વિશે જાણવું જરૂરી હતું.

તર્જની-કેતુ જોડેની ચર્ચામાં આગળની રૂપરેખા નક્કી થઈ હતી એને અનુસરીને રાજમાતાએ જાણી લીધું કે ટાપુ પર બે ગન છે. એક શક્તિસિંહના વૉર્ડરોબની તિજોરીમાં રહેલી રિવૉલ્વર અને બીજી અવધેશ પાસે રહેતી બેનાળી!

પરંતુ ખૂન પિસ્તોલથી જ થાય એમ કેમ માનવું? ખોરાકમાં ઝેર ભેળવી દેવાય તો... વેલ, આવું ન બને એ માટે તર્જનીએ કિચનમાં વૉચ રાખ્યો હતો!

કેતુ ત્યારે ગૅરેજ આગળ કેરાલિયન સવર્‍ન્ટ જોડે અંગ્રેજીમાં ગપ્પાં લડાવી રહ્યો હતો. પરચૂરણ કામો કરતો રઘુ વાતોડિયો હતો. જાસૂસ માટે કામનો માણસ. વાત-વાતમાં પોતે અનિકેતને ક્લુ આપી દીધી એનો બિચારાને ખ્યાલ પણ ન રહ્યો!

€ € €

‘શક્તિ, સગાઈનું નક્કી થતાં અવધેશને રજા આપવી રહી. કલાક પછી તે ફેરીમાં જતો રહેશે. બટ ગુડ થિંગ ઇઝ...’ બપોરે ચારેક વાગ્યે સૌ બેઠકમાં ચા-નાસ્તો માણી રહ્યા હતા ત્યાં સુનયના પતિને કહેતી સંભળાઈ, ‘સાંજે રઝાક આવે છે.’

સાંભળીને કેતુ-તર્જનીની આંખો મળી, છૂટી પડી. એ મિલનમાં ઝબકેલો ઇશારો રાજમાતા સિવાય કોઈને વર્તાયો નહીં!

€ € €

અને રાત્રે...

ફાઇનલી, ઇટ્સ ટાઇમ.

શ્વાસ ઘૂંટીને સુનયનાએ પતિના કબાટનું લૉકર ખોલ્યું. તેની આંખો ફાટી રહી. અંદર રહેતી ગનને બદલે પુસ્તક હતું : ઍન્ડ ધેન ધેર વેર નન!

બીજી પળે એની છાતીમાં ધ્રાસકો બોલ્યો : દગો!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK