કથા-સપ્તાહ - ખેલ-ખેલાડી (ભેદ ઘૂંટાય છે - ૨)

Published: 28th October, 2014 05:00 IST

વીરગઢના મહારાજ દેવેન્દ્રસિંહના ફોને રાજમાતા ત્રણેક વરસ અગાઉની ઘટના વાગોળી રહ્યાં. મીનળદેવીને તેડાવીને પૅલેસના મંત્રણાખંડમાં મહારાજે જખમ ઉઘાડ્યો હતો : મારી વ્યથાનું કારણ મારો વારસ છે...અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


સંતાનથી સાંપડતું દુ:ખ માબાપને ક્યારેક અકાળે વૃદ્ધ બનાવી દે એમ સાઠમાં પ્રવેશેલા દેવેન્દ્રસિંહ તબિયતે નંખાઈ ગયેલા લાગ્યા. કૃશ કાયા, કપાળે કરચલી, આંખોમાં ઉદાસી, વાણીમાં હતાશા.

‘તમારી પીડાથી હું સાવ અજાણ નથી મહારાજ. રણવીર વિશે ઊડતી વાતો મેં પણ સાંભળી છે.’

દેવેન્દ્રસિંહજી સમજી ગયા કે ઊડતી વાતોનો શબ્દપ્રયોગ તો રાજમાતાએ કરવા ખાતર કર્યો... બાકી પાકે પાયે માહિતી મળ્યા વિના મીનળદેવી કોઈના વિશે કાચો અભિપ્રાય પણ બાંધે નહીં.

‘તમે તો સાંભળ્યું હશે રાજમાતા, મારે તો એને જોવું-જીરવવું પડ્યું છે.’ દેવેન્દ્રસિંહની ગરદન ઝૂકી ગયેલી, ‘લગ્નનાં ઘણાં વરસે અમારે ત્યાં પારણું બંધાયેલું એ તમે તો જાણો છો. એકનો એક દીકરો જેટલો તેની માને વહાલો એટલો જ મારો લાડકો. તેની ઇચ્છાપૂર્તિ કરવા અમે ઘેલાં બની જતાં. નોકરવર્ગે‍ તેનો પડ્યો બોલ ઝીલવો પડતો... સંતાનને લાડ લડાવવાની સાથે તેનામાં સંસ્કારનું સિંચન કરવાની પણ મા-બાપની ફરજ ગણાય જે અમે ચૂક્યાં. મહારાણીના નિધન પછી તો રણવીરને બગડવાનો છુટ્ટો દોર મળ્યો.’

પિતાનો અફસોસ મીનળદેવીએ પારખ્યો. પોતે તો બે-ચાર વાર ઇશારો કરેલો કે કુંવરને બહુ ફટવો નહીં... પરંતુ મા-બાપની આંખો પણ ઠોકર લાગ્યા પછી જ ખૂલતી હોય છે. એ અર્થમાં જરૂર કોઈ ઠોકર દેવેન્દ્રસિંહને પણ લાગી... આ તર્કે રાજમાતા સચેત થઈ ગયાં.

‘સ્કૂલમાં માસ્તરને મારીને આવતો ત્યારે પણ તેને છાવર્યો, કૉલેજમાં પેપર ફોડાવતી વખતે સપડાયો એ વેળા પણ વગ વાપરી રણવીરને ઉગાર્યો... વરસેકથી જાગીરના કામકાજમાં સામેથી જોતરાયો એ બાપને મદદરૂપ થવા નહીં, બાપની તિજોરી પર હાથ સાફ કરવા!’ આમાં રણવીરનું ચારિત્ર્ય પણ ઊઘડતું હતું અને પુત્રના ઉછેરની પિતાની નિષ્ફળતા પણ ઉજાગર થતી હતી.

‘બીજા સમક્ષ આજે પણ હું રણવીરનો કુછંદ કબૂલી નહીં શકું, તમને પણ અનેક વારના વિચારફેર પછી મેં નિમંત્ર્યા છે રાજમાતા... શું કરું, દીકરો એવો વહાલો છે કે..’ તેમના નિસાસામાં લાચારી હતી.

‘વહાલ જ ક્યારેક વેરી બની સર્વનાશ નોતરે એ પહેલાં એનો ઇલાજ થઈ જવો ઘટે.’

‘ઇલાજ માટે તો તમને મેં તેડાવ્યાં છે... રણવીરનાં કુલક્ષણોએ હવે માઝા મૂકી છે. વહીવટમાં જોડાયા પછી તેને તિજોરીમાંથી તફડંચીની સવલત મળી છે એટલે શરાબ-જુગારના શોખ પોસવાની સાહ્યબી બેધડક ભોગવે છે. એટલું જ નહીં, એક નાચનારી સાથે...’

રાજમાતા તેમનો અધ્યાહાર સમજી ગયા. રજવાડાં ગયાં પણ રાજાઓના વિષયી શોખને તિલાંજલિ ન મળી!

‘અઠવાડિયા અગાઉ દારૂના નશામાં એવો લવારો કરી ગયો કે નાચવા-ગાવાવાળી ચંદાને તે પોતાની પત્ની બનાવશે. તોય મારાથી તેને લાફો ન મરાયો હોં મીનળ.’

ભાવવશ રાજમાતાને નામથી સંબોધીને દેવેન્દ્રસિંહે સ્વસ્થતા કેળવી, ‘છતાં તેનાં વેણ કાળજે વાગ્યાં. એક વેશ્યા રાજકુટુંબની વહુ બનશે? મારા જ અંશના હાથે વંશનું આવું અધ:પતન! મારા જીવતેજીવ આ થવા દઉં તો વડવાઓનો ગુનેગાર ઠરી જાઉં... બસ, તેને કઈ રીતે વારવો, સુધારવો એ તમે કહો.’ સમસ્યા કહેનારો સમાધાન માટે ટાંપી રહે ત્યારે મીનળદેવી પોતાના ડહાપણ કે કોઠાસૂઝનું અભિમાન સેવવાને બદલે સજાગ બની જતાં. જવાબદારીમાંથી ભાગવાનું તેમના સ્વભાવમાં નહોતું.

‘કહેતાં પહેલાં મારે જાણવું છે મહારાજ...’ રાજમાતાની ચોકસાઈ પડઘાઈ. ‘રણવીરને સુધારવા આપે શું વિચાર્યું છે?’

‘મારો વિચાર તો...’ અવઢવમાં હોય એમ મહારાજ બોલ્યા, ‘...એવો થાય કે રણવીરને પરણાવી દેવો. પગમાં બેડી આવતાં તે બંધાઈ જવાનો.’ 

‘પતિવ્રતા નારી ધણીને સાચા રસ્તે વાળી શકે. સ્ત્રીના સતમાં મને વિશ્વાસ છે, પરંતુ એકને સુધારવા બીજાની જિંદગી દાવ પર લગાવવા જેટલા ઘાતકી આપણે થઈ જ કેમ શકીએ?’ રાજમાતાનો આઘાત છૂપો ન રહ્યો, ‘સમાજમાં રણવીરનાં અપલક્ષણો છાનાં નથી. કયો બાપ તેને પોતાની દીકરી દેવાનો?’

‘જાણું છું રાજમાતા, પણ આપ જો વચ્ચે રહો તો...’

મહારાજ કેટલી આશ લગાવી બેઠા છે એ ત્યારે રાજમાતાને પરખાયું, પરંતુ ખોટું કરવામાં મીનળદેવી માનતાં નહીં એમ પોકળ આશ્વાસન દઈને હાથ ખંખેરવા નહોતા. ભેજું કસતાં તેમને ઉપાય જડી પણ ગયો, ‘એના કરતાં રણવીરે પોતે જ કુલક્ષણોને વીંટો વાળીને ફગાવવાં પડે એવું ગોઠવવું જોઈએ....’

પણ શું?

‘વસિયત!’ મીનળદેવીના રણકામાં સહેજે દ્વિધા નહોતી. ‘સ્પક્ટ શબ્દોમાં કહી દો રણવીરને કે તારાં અપલક્ષણોમાંથી મુક્ત થઈને દેખાડ, નહીંતર મારી મિલકતમાંથી તને ફૂટી કોડી નહીં મળે... આ મતલબનો એક ડ્રાફ્ટ તૈયાર કરાવી જ દો.’

રાજમાતાએ સૂચવેલો ઉપાય મગજમાં ઊતરતો ગયો એમ દેવેન્દ્રસિંહની કરચલીઓમાં પ્રસન્નતા ઝબૂકવા

માંડી : વારસાની લાલચે રણવીર સુધરવાનો દેખાડો પણ કરે તો એ કેટલું ટકવાનો? અપલક્ષણો પુરવાર થતાં ગમે ત્યારે વારસાઈમાંથી ખારીજ થઈ શકે એ અર્થની કલમ વિલમાં રાખી હોય તો સાચે જ સુધર્યા વિના તેનો છૂટકો નથી... આટલો સરળ ઇલાજ મને

કેમ ન સૂઝ્યો?

‘મારું એક વેણ રાખજો રાજમાતા. રણવીરની ચલગત નક્કી કરવાની જવાબદારી તમે સ્વીકારજો. રણવીર ક્યારેય નાલાયક ઠરે તો મિલકતના ટ્રસ્ટનો વહીવટ તમે સંભાળી લેજો...’ 

હું પણ તમારી જેમ ખર્યું પાન જ ગણાઉં એવું કહીને એક પિતાને નારાજ નહોતા કરવા. ખરેખર તો એવો વખત જ નહીં આવે. બૂરા ઇન્સાનમાં પોતાનો સ્વાર્થ જોવાની વૃત્તિ આમ પણ સતેજ હોય છે. રણવીર પણ અમારી આ ચાલે સમજી જવાનો કે હવે સુધર્યા વિના છૂટકો નથી!

એવું જોકે બન્યું નહોતું. ઉકેલ પર મહોર મારતા દેવેન્દ્રસિંહે તાત્કાલિક લૉયરને બોલાવીને વિલનો ડ્રાફ્ટ ઘડાવ્યો. કુંવર જોડે રાતે ચોખવટ કરી બીજા દહાડે વસિયત પર સહીસિક્કા થવાના હતા એટલે રાજમાતા રોકાઈ ગયેલાં. રણવીરની આંખો ખોલવાનો આશય હોવાથી વિલ બાબત તેને અંધારામાં રાખવાનો મતલબ નહોતો.

‘તમે હોશમાં તો છો!’ રાત્રે નોકરવર્ગને આઘોપાછો કરીને રણવીર સાથે ચર્ચા છેડતાં તે ભડક્યો હતો, રાજમાતાને કતરાતી નજરે જોયા, ‘આલતુફાલતુ લોકોની ચડામણીથી તમે...’

‘રણવીર...’ મહારાજાની ત્રાડે દીવાનખંડને ધ્રૂજવી દીધો, ‘મને હજાર બૂરા શબ્દો કહે, રાજમાતાનો મલાજો તો તારે જાળવવો જ પડશે.’

પરંતુ રણવીરને તો મીનળદેવી જ આંખમાં કણાની જેમ ખટક્યાં હતાં, કેમ કે વસિયતની બુદ્ધિ તેમણે સુઝાડી હતી! બાપ-દીકરા વચ્ચે પડનારાં તમે કોણ? જેવું કંઈક તે બોલી ગયો કે એક તબક્કે મહારાજનો હાથ દીકરાના ગાલે થપ્પડ બનીને વીંઝાયો, ‘બસ.’

સોપો પડી ગયો. આજ સુધી દરેક બૂરાઈ નજરઅંદાજ કરનારા બાપની આ હિંમત! મારું આટલું અપમાન! રણવીરનો અહમ ઘવાયો. રઈસી શોખ તેને મન રાજવીનો હક હતો, તેને કુલક્ષણ ગણાવનારા પિતાને તે ગણકારતો નહીં. પોતાના મોહવશ મહારાજ બધું ખમી લેવાના એ માન્યતામાં પડેલું છીંડું બરદાસ્ત ન થયું. નાચનારી સાથે પરણવાનું સાંભળીને બેબાકળા બનેલા બાપે શાણાં રાજમાતાના રસ્તે ચાલવું હોય તો ભલે...

‘આટલા અપમાન પછી તમારી દોલતને સૂંઘે મારી જૂતી.’

પહેલાં તો રાજમાતાને આમાં ત્રાગું લાગ્યું, પણ રણવીરસિંહ ખરેખર મક્કમ નીકળ્યો, ‘રાજપાટને ઠોકર મારીને જાઉં છું. તમારી ચિતાને આગ આપવા પણ પાછો નહીં આવું, લખી રાખજો...’

ધમધમાટભેર નીકળી જતા દીકરાને ફાટી આંખે જોતા પિતા ફસડાઈ પડ્યા. રણવીર બે-ચાર દિવસમાં ઠોકર ખાઈને પાછો આવશેનું મીનળદેવીનું આશ્વાસન ફળ્યું નહીં. બલકે કથામાં વધુ દુર્ભાગ્યપૂર્ણ વળાંક આવ્યો. ઘરબાર છોડી વટમાં ને વટમાં રણવીર ચંદાને ત્યાં ગયેલો. ચંદાને તે ચાહતો, પણ નાચનારીની મતલબ તો પૈસા જોડે હતી. બેઘર આશિકને કઈ તવાયફ સંઘરે? ત્રીજા દહાડે તેણે પોત પ્રકાશતાં રણવીરે આઘાત અનુભવ્યો. પહેલાં પિતાની જબરદસ્તી અને હવે પ્રિયતમાનો જાકારો... બેવડા આવેશમાં પિસાતો રણવીર બેવફા નીવડેલી ચંદાના પેટમાં ચાકુ હુલાવીને એવો ભાગ્યો કે આજ સુધી તેનો પત્તો નથી!

આમાં રાજમાતા પોતાનો પણ દોષ જોતાં : મેં થોડી ધીરજથી કામ લીધું હોત, રણવીરને મળીને તેની માનસિકતા સમજી હોત...

‘તમે જીવન સંતાપો રાજમાતા.’ દીકરાના વિરહમાં વૈરાગી જેવા થઈ ગયેલા દેવેન્દ્રસિંહ કહેતા, ‘મેં દીકરાને બગાડ્યો એટલે મારે ભોગવવાનું! પાછા ન આવવાનાં તેનાં વેણ રણવીર પાળે તોય સારું...’ તેમનો સ્વર સહેજ ધ્રૂજી ઊઠેલો, ‘કમસે કમ નાચનારીની હત્યાના ગુનાસર મારે તેને ફાંસીએ ચડતો તો ન જોવો પડે! બાકી બદનામી થવાની હતી એ થઈ ગઈ...’

ધીરે-ધીરે સોશ્યલી ઇનઍક્ટિવ થઈ ચૂકેલા દેવેન્દ્રસિંહના ખેરખબર મીનળદેવી મેળવી લેતાં. આજે તેમણે સામેથી મને સાંભરી? રાજમાતા ઝબક્યાં. વર્તમાનમાં આવ્યાં.

‘વિશેષમાં તો એટલું જ રાજમાતા કે... ’ દેવેન્દ્રસિંહ થોડા ખચકાતા લાગ્યા. ‘તહેવારના મહિનામાં બહુ એકલું લાગે છે, જીવને અજંપો રહે છે, કશુંક અઘટિત બનવાના ભણકારા વાગે છે... થોડો સમય તમારે ત્યાં આવીને રહું તો કંઈ વાંધો ખરો?’

સામેથી મહેમાન બનવાનો પ્રસ્તાવ અજુગતો હતો એટલો જ રાજપૂતી પરંપરાની વિરુદ્ધ હતો. જોકે રાજમાતાને તો આમાં કરુણાનાં જ દર્શન થયાં. દીકરાના જતા સાવ એકલા પડી ગયેલા મહારાજે અનેક મનોમંથન પછી મને ફોન જોડ્યો હશે. તેમનો સંકોચ જ આની ગવાહી પૂરે છે.

‘તમે આવું પૂછો મને એનો વાંધો છે.’ રાજમાતાએ ઉમળકો દાખવ્યો, ‘હિંમતગઢના દરવાજા આપના માટે હંમેશાં ખુલ્લા છે મહારાજ. તહેવારમાં અમને આપના આશિષ મળે એનાથી રૂડું શું?’

- અને આભાર માનીને વીરગઢમાં મહારાજે ફોન મૂક્યો એટલે તેમની સામે બેઠેલી વ્યક્તિ મલકી : ગુડ જૉબ!

જવાબમાં નિસાસો જ નાખી શક્યા હાઇનેસ!

€ € €

ઍન્ડ ધેન ધેર વેર નન.

વાંચતાં-વાંચતાં જ પોઢી ગયેલા પતિ શક્તિસિંહની છાતી પર પડેલા પુસ્તકનું ટાઇટલ વાંચીને સુનયનાના હોઠ મલક્યા: વેર નહીં, ધેર વિલ બી નન... વેરી સૂન!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK