કથા-સપ્તાહ - ખેલ-ખેલાડી (ભેદ ઘૂંટાય છે - ૧)

Published: 27th October, 2014 05:21 IST

‘અનિકેત.’ama udhar


અન્ય ભાગ વાંચો

1  |  2  |સમીત (પૂર્વેશ) શ્રોફ

‘યસ તર્જની.’ લૅપટૉપની વિન્ડો ઢાળીને કેતુએ અદબ ભીડી, ‘શું હુકમ છે?’

કેવો ડાહ્યોડમરો બને છે! બાકી કેતુનાં તોફાનો કોઈ મને પૂછે...

જોકે પૂછ્યું હોત તોય તર્જની ઓછી કંઈ બોલી હોત!

મુંબઈનો સૌથી બાહોશ જુવાન પ્રાઇવેટ ગુનાશોધક અનિકેત દવે અને તેની મુખ્ય મદદનીશ તર્જની દવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણનારા જાણતા, પછી તે બેઉ ભલેને જાહેરમાં અજાણવટ રાખીને વર્તતાં હોય!

સામસામે રહેતાં કેતુ-તર્જની બાળપણથી એકબીજાનાં હેવાયાં. તર્જની જોડે બેઠી હોય તો કેતુ નહીં ભાવતું ભીંડાનું શાક પણ ચૂપચાપ ખાઈ લે. તર્જનીની રીસ ઉતારવા કેતુને તેડાવવો પડે. શેરી-રમતમાં કેતુ કૅપ્ટન હોય અને તર્જની તેની જ ટીમમાં હોય એ વણલખ્યો નિયમ થઈ ગયેલો. ક્રિકેટ-ટુર્નામેન્ટમાં કેતુ ખેલવાનો હોય તો તર્જની વહેલી જઈને પહેલી પંતગમાં બેસી જાય. પછી કેતુને જે જોમ ચડે કે હરીફ ટીમના છક્કા છોડાવી દે. યૌવનના પ્રથમ ટહુકાની ક્ષણ બેમાંથી કોઈ ભૂલ્યું નહીં હોય...

શિયાળાની એ ઢળતી સાંજ હતી. ટેવ પ્રમાણે તર્જનીની ચોટી ખેંચીને કેતુ ભાગ્યો હતો. ટેરેસ પર જઈને અગાસીની પાળે હાથ ટેકવીને આછું હાંફતો હતો ત્યાં પાયલનો રણકાર સંભળાયો. પોતે ચોટી ખેંચીને દોડે એટલે પાછળ પડતી તર્જનીને થકવી નાખવાની મજા પડતી. જોકે આ સતામણીનો હક માત્ર કેતુનો. સ્કૂલમાં એકાદે આવી મસ્તી કરતાં કેતુએ તેને ધૂળ ચાટતો કર્યો‍ હતો. એમ તો તર્જની પણ કેતુ સિવાય ક્યાં કોઈને ગાંઠે કે ગણકારે એમ હતી!

આજે પણ હું તેને બરાબર સતાવવાનો... ઊંડો શ્વાસ લઈને કેતુ ઊલટો ફર્યો એવો જ સ્થિર થઈ ગયો. કેતુની નજરમાં કંઈક એવું હતું જેણે તર્જનીને છ ડગલાં દૂર થંભાવી દીધી. હવે ધ્યાન ગયું. તેની છાતી હાંફતી હતી અને ડ્રેસનો દુપટ્ટો...

ત્યાં કેતુ આગળ વધ્યો. સાવ લગોલગ આવી અટક્યો. સંધ્યાના રતાશવર્ણી પ્રકાશમાં ઘરની અગાસીમાં ઊભેલા બેઉ માટે પૃથ્વીની ગતિ જાણે થંભી ગઈ હતી, સમયનું વહેણ જાણે રોકાઈ ગયું હતું. અકથ્ય સંવેદન રગેરગમાં પ્રસરી રહ્યું.

અને દુપટ્ટો યથાસ્થાને ગોઠવી બે ડગલાં પાછળ જઈને કેતુએ અદબ ભીડી સ્મિત ફરમાવ્યું. લજ્જાભર્યું મલકીને તર્જની આંખોથી કહેવાય એટલું કહી, ઝિલાય એટલું ઝીલી સરકી ગયેલી... બાળપણની નિર્દો‍ષ મૈત્રી ઊગતી જવાનીમાં પ્રણયના ઉંબરે આવ્યાનું સમજાયા બાદ બેઉએ એની આપસમાં કબૂલાત કરી હોય તો પણ કદી કોઈને કહ્યું નથી. જોકે એથી ઘરના સાવ અબુધ ઓછા હોય! બેઉની મમ્મીઓએ એકબીજાને ખાનગીમાં વેવાણ સંબોધવાનું ક્યારનું શરૂ કરી દીધેલું!

કદાચ એટલે પણ છ મહિના લંડન જઈ જાસૂસીની જરૂરી ટ્રેઇનિંગ મેળવી પરત થયેલા કેતુએ ઓમ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીનો પાયો નાખ્યો અને તર્જની તેની મદદનીશ તરીકે જોડાઈ એની કોઈને નવાઈ નહોતી લાગી.

અને એજન્સી શરૂ કર્યાનાં આ બે વરસમાં તો કેતુ-તર્જનીનું નામ એવું જામ્યું કે ઇન્ટરપોલે તેમની મદદ માગ્યાનું બન્યું છે. દેશની સુરક્ષાને લગતા મિશનમાં રાષ્ટ્રપતિએ તેમના નામની ભલામણ કરી છે. ઝીરો ફેલ્યરની તેમની સિદ્ધિને સ્વયં ભારત રત્ન લતાજી જાહેરમાં બિરદાવી ચૂક્યાં છે.

ત્રેવીસનો થયેલો અનિકેત પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો સોહામણો છે તો એકવીસના ઉંબરે ઊભેલી તર્જની સૌંદર્યની સાક્ષાત્ મુરત જેવી છે. તીક્ષ્ણ નિરીક્ષણ-શક્તિ, અદ્ભુત રિફ્લેક્શન્સ, તેજ દિમાગ ધરાવતો કેતુ શાર્પ-શૂટર છે. રણમેદાનમાં ખાબકતો જાંબાઝ જાસૂસ ગજકેસરી જેવો શોભી ઊઠે જેની એક જ ડણકે દુશ્મનની ફેં ફાટે. તો નમણી એવી તર્જની પણ કેતુથી તસુ પણ ઊતરતી નહોતી. તર્જનીની મેમરી કમ્પ્યુટર કરતાં સચોટ હતી. વીફરેલી વાઘણ જેવા તેના તેવરે ભલભલા જાલીમ ગુનેગારને ભોંયભેગા કરી દીધા છે... કેતુ-તર્જની, અલબત્ત, તેમની સફળતાની ક્રેડિટ તેમના નવલોહિયા સ્ટાફને આપે છે. ચિત્તરંજન-ચૈતાલી તેમના મુખ્ય ઑપરેટર્સ છે. જોકે સ્ટાફમાં ક્યારેક તર્જની-કેતુમાં કોણ કોનું બૉસ એની રસપ્રદ છણાવટ થતી હોય છે. જાસૂસ-જોડીને શરમાવવાની તક કોઈ ચૂકતું નથી.

‘લાગે છે કે આજે હું એક્સ્ટ્રા હૅન્ડસમ દેખાઉં છું.’

તર્જની ઝબકી. પોતે ચૂપચાપ કેતુને તાકી રહી એમાં તેને ગળું ફુલાવવાનો મોકો મળી ગયો! અત્યારે કોઠું આપીશ તો શરારતી બની બેસશે, પછી તેને રોકવો મુશ્કેલ... એમ તો તર્જની પણ ક્યારેક કેતુને હંફાવી દેતી ખરી! પ્રિયપાત્રનાં રમણીય તોફાનો મનગમતાં જ હોય, પરંતુ અત્યારે એનો અવકાશ ન હોય એમ તર્જની મૂળ વાતે આવી, ‘કેતુ, રાજમાતાનો ફોન હતો.’

હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના ઉલ્લેખે કેતુ ઝળહળી ઊઠ્યો.

જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી માટે રૂપનગરનાં ઠકરાણાની ભલામણે રાજમાતાએ કેતુ-તર્જનીને રોક્યાં એ ઘડીથી બંધાયેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે. અનિકેત-તર્જની રાજમાતાને નિજ સંતાન જેવાં વહાલાં છે તો કેતુ-તર્જની માટે તેઓ ઘરનાં વડીલતુલ્ય છે. જાસૂસ બેલડી માટે રાજમાતા પ્રેરણાસ્રોત સમાન પણ છે.

નાની ઉંમરે વૈધવ્ય, બે બાળકોના ઉછેર સાથે જાગીરની જવાબદારી... મીનળદેવી ક્યાંય ઊણાં નહોતાં ઊતર્યા. જનહિત સદૈવ તેમના હૈયે રહ્યું. રાજ્યના વફાદાર દીવાનજી તેમને જોગમાયા કહેતા એ સાવ યથાર્થ લાગતું. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે એ ન્યાયે મીનળદેવીના બન્ને પુત્રો સંસ્કારી નીવડ્યા. મોટો સમીરસિંહ અપક્ષ તરીકે સંસદમાં ચૂંટાયો છે. સત્ર ચાલુ હોય ત્યારે તેણે દિલ્હી રહેવાનું થાય. પરિણામે જમીન-જાગીરનો કારભાર નાના અજુર્‍નસિંહે સંભાળ્યો છે. બેઉ ભાઈઓમાં અપાર સંપ છે અને રાજમાતાને વહુઓ પણ એવી જ ગુણિયલ મળી છે. ઉર્વશી-લાવણ્યા રાજમાતાના વડપણ હેઠળ ઘડાઈ છે. હવે તો વહીવટ પુત્રોને અને સંસારનાં સૂત્રો વહુઓને સોંપીને રાજમાતા પૌત્ર-પૌત્રીઓને રમાડવાનો લુત્ફ માણે છે. લોકકલ્યાણનાં કાર્યો પૂરતી જાતને સીમિત રાખી છે. રાજમાતા હિંમતગઢનું સૌથી આદરપાત્ર નામ છે. નિયત આહાર અને યોગકસરતે મીનળદેવીનું સ્વાસ્થ્ય જળવાયું છે. પંચાવનની વયે પણ તેઓ એવાં જ મૂર્તિવંત લાગે છે. રાજમાતાને પંચકલ્યાણી પર સવાર થતાં જોવા લહાવો ગણાય છે.

કેતુ-તર્જનીને હિંમતગઢ પધારવાનું તેમનું કાયમી નિમંત્રણ હોય છે. ખરેખર તો પૅલેસના સંકુલમાં હર કોઈ તેમનું દીવાનું છે. સમીર-ઉર્વશી, અજુર્‍ન-લાવણ્યા બેઉને બરાબરના લાગમાં લે. ક્યારેક રાજમાતા પણ ‘કંકોતરી ક્યારે મોકલો છો?’ પૂછીને તેમને શરમાવી દે...

‘રાજમાતા પૂછતાં હતાં કે દિવાળીમાં આપણો શું પ્રોગ્રામ છે?’

આમ તો ડૉક્ટર-પોલીસની જેમ જાસૂસને પણ ક્યારેય રજા નથી હોતી... દિવાળીમાં પણ એજન્સી ચાલુ જ રહેતી. તહેવારના દિવસોમાં ઘર બંધ કરી ફરવા નીકળી જવાનું કેતુ-તર્જનીને ત્યાં ચલણ નહોતું. બેઉ પરિવાર સાથે મળીને દિવાળી મનાવતા. કેતુ એકનો એક હતો, જ્યારે તર્જનીથી મોટાં ભાઈ-ભાભી આવા અવસરે કેતુને મીઠું મૂંઝવી મૂકતા. ખાસ કરીને તર્જનીની ભાભી ખૂબ ચગતી. બધાની વચ્ચે કેતુને ઠાવકા મોંએ અનિકેતકુમાર સંબોધીને નણંદબાને છાની ચૂંટી ખણતી. આ બધું કોને મિસ કરવું ગમે! છતાં સ્ટાફને તો છુટ્ટી આપવાની જ હોય. એટલે એવું ગોઠવાતું કે અગિયારસથી લાભપાંચમ સુધી કેતુ-તર્જની એજન્સીનાં કામકાજ સંભાળે, બાદમાં સ્ટાફ રિઝ્યુમ થતાં પાંચમથી દેવદિવાળી સુધીનું ફૅમિલી વેકેશન તર્જની-કેતુ માણે... લકીલી રાજમાતાને ત્યાં પણ કંઈક આવું જ શેડ્યુલ રહેતું. ભાઈબીજે આવેલાં બન્ને વહુઓનાં પિયરિયાંઓ બે-ચાર દિવસ રોકાય. પછી આખો પરિવાર છુટ્ટી માણવા નીકળે. તેમની ગેરહાજરીમાં દીવાનજી પૅલેસનો વહીવટ સંભાળી લે.

દિવાળી નજીક છે. સમીરસિંહ-અજુર્‍નસિંહે આ વેળા સ્વિટ્ઝરલૅન્ડનું બુકિંગ કરાવ્યું છે. રાજમાતા જોડે નથી જવાનાં. અલબત્ત, આવું પણ ક્યારેક બનતું. દીકરા-વહુને ક્યાં-કેટલી મોકળાશ આપવી એની સૂઝ વડીલમાં હોવી ઘટે.

‘મેં રાજમાતાને કહી દીધું કે આ વરસે ભાઈને જૉબમાં છુટ્ટી મળે એમ ન હોવાથી અમારું ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ નથી... એટલે તેમણે ખાસ આગ્રહ કર્યો કે તો-તો તમે હિંમતગઢ જ આવજો... કેતુ, જઈશુંને?’

કેતુએ ભલે હકાર ભણ્યો; છુટ્ટીઓમાં ક્યાં જવાનું થવાનું હતું, શું બનવાનું હતું એની કોને ખબર હતી?

€ € €

તર્જની સાથે વાત થયાને કલાકેક વીત્યો કે દાસી કૉર્ડલેસ લઈને હાજર થઈ, ‘રાજમાતા, આપનો ફોન.’

સામા છેડે વીરગઢ રિયાસતના રાજવી દેવેન્દ્રસિંહ હતા. ઘણા વખતે તેમણે મને યાદ કરી! જોકે ત્રણ વરસ અગાઉ તેમણે મને તેડાવેલી ત્યારે બન્યું જ કંઈક એવું કે... વિચારમેળો સમેટીને રાજમાતાએ ઉમળકો જતાવ્યો, ‘આપને સાંભળી સાચે જ આનંદ થયો દેવેન્દ્રસિંહજી...’

‘તમારું સ્વાસ્થ્ય તો સારું છેને રાજમાતા?’ દેવેન્દ્રસિંહની પૃચ્છામાં મીનળદેવીએ લાગણી તરવરતી અનુભવી.

રાજમાતાનું વ્યક્તિત્વ જ એટલું જાજરમાન હતું કે વયમાં, સંબંધમાં મોટા રાજવી પુરુષો પણ તેમને માનવાચકતાથી સંબોધતા. દૂરના રિશ્તેદાર દેવેન્દ્રસિંહ પણ આમાં અપવાદ નહોતા.

મીનળદેવી પોતે રાજપૂત નહોતાં, પરંતુ મહારાજ અમરસિંહને પરણીને સવાયાં રાજપૂતાણી નીવડ્યાં. રાજઘરાનાના વિખવાદોમાં તેમની મધ્યસ્થી લેવાતી અને તેમનો ફેંસલો દરેક પક્ષને શિરોમાન્ય રહેતો. શુભ-અશુભ પ્રસંગે, પેચીદા પ્રશ્નોમાં રાજમાતાની સલાહ સો ટચની મનાતી.

ત્રણેક વરસ અગાઉ દેવેન્દ્રસિંહે આવા જ કંઈક કારણસર રાજમાતાને સાંભર્યા હતાં. ફોન જોડીને વીરગઢ તેડ્યાં હતાં...

હિંમતગઢની સરખામણીએ વીરગઢ નાની રિયાસત ગણાય. રાજા-રજવાડાનો જમાનો વીત્યા પછી હાલત વધુ પાતળી થઈ ગયેલી. છતાં પૅલેસનો સંકુલ, આસપાસની જમીન, અન્ય શહેરોમાં કારખાનાં-પ્રૉપર્ટીઝને કારણે નાખી દેતાં પણ ૬૦૦-૭૦૦ કરોડ રૂપિયાના આસામી તો ગણાય જ દેવેન્દ્રસિંહજી... પરિવારમાં પત્નીના દેહાંત બાદ બે જ જણ રહ્યા - તેઓ પોતે ને તેમનો એકનો એક દીકરો રણવીરસિંહ.

‘મારો વારસ જ મારી વ્યથાનું કારણ બન્યો છે રાજમાતા.’

દેવેન્દ્રસિંહના તેડાએ વીરગઢ પધારેલાં મીનળદેવીની આગતા-સ્વાગતાનો વહેવાર નિભાવીને રાજવીએ મંત્રણાખંડના એકાંતમાં પોતાનો જખમ ઉઘાડ્યો હતો... રાજમાતા સાંભરી રહ્યાં.

- અને લગભગ એ જ સમયે લક્ષદ્વીપ ટાપુઓના ઝૂમખાથી નજીક છતાં અલાયદા એવા પોતાની માલિકીના આઇલૅન્ડ પર રિટાયર્ડ ઉદ્યોગપતિ શક્તિસિંહ ઝાલા અગાથા ક્રિસ્ટીની વિખ્યાત નવલકથા વાંચી રહ્યા હતા : ઍન્ડ ધેન ધેર વેર નન!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK