Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 2)

કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 2)

07 May, 2019 12:14 PM IST | મુંબઈ

કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 2)

વહુરાણી

વહુરાણી


‘અદા અને નીમા. મારા જીવનના બે સ્તંભ. તેમના સિદ્ધાંતોને સેલ્યુટ, પણ એ મને કેટલું પીંજે છે એ તેમને કેમ નહીં દેખાતું હોય!’

અરેન હસતો, રડતો, પણ છેવટે તેની ઘૂંટન નીકળી રહી છે એટલું જ જરૂરી હતું નચિકેત, વિક્રાંત, સત્યેન માટે.



અદાના નિયમ સામે નીમાએ વિરોધ નોંધાવતાં સંબંધ સ્થગિત કરવા સિવાય આરો ક્યાં રહ્યો! શરૂ શરૂમાં સમજાવટના દોર ચાલ્યા, એ દરમ્યાન અરેન-નીમાનું મળવાનું બનતું, પણ પછી જે સંબંધનું ભવિષ્ય જ ક્ષિતિજે દેખાતું ન હોય, એમાં કેટલી છૂટ લેવાય?


‘ન તને એ શોભે નીમા, ન મારા પક્ષે યોગ્ય ગણાય.’ છેવટે અરેને જ કહેલું, ‘હવે આપણે નહીં મળીએ. મારે તો બસ, તમારા બેમાંથી કોઈ એકના માનવાનો ઇન્તેજાર જ કરવાનો રહે છે.’

અરેનને ઊંડેઊંડે ક્યાંક એવીય આશા હતી કે વિરહવેદનાથી ભાંગીનેય નીમા માની જાય!


જોકે એવું બન્યું નહીં. અરેનથી અળગાં રહેવું, એને સાવ ન મળવું નીમા માટે પણ સરળ નહોતું, પણ સિદ્ધાંતના ટકરાવમાં છેવટે તો આ વળાંક અપેક્ષિત હતો. અરેનને મળતી રહી હું તેને અદા વિરુદ્ધ ઉશ્કેરતી હોવાની ગેરસમજ થવાનો મોકો પણ કેમ આપવો? નીમાએ વિયોગનો પ્રસ્તાવ જ નહીં, વિયોગને પણ ખમી કાઢ્યો. ત્યાં સુધી કે વૉટસઍપ પર એકબીજાનાં સ્ટેટસ જોવા સિવાય બીજું કોઈ જ કનેક્શન નહીં!

તેમનો નિર્ણય, તેમની જુદાઈ ઘરનાથી છૂપી નહોતી.

‘અરેન, તમારે ઊર્મિઓને કચડવાની જરૂર નથી. તમે ધારો તો પરણી અલગ ઘર વસાવી શકો છો. અમે તો તમારી ખુશીમાં ખુશ જ રહેવાનાં.’ અદાની વાણીમાં દંભ નહોતો.

‘તમારો દીકરો છું અદા. પત્ની માટે માબાપને નહીં છોડું, અને જાણું છું, જુદા ઘર માટે નીમા તૈયાર થાય એવું તો આપ પણ નહીં જ માનતા હોવ.’ 

બસ પછી કોઈએ કંઈ કહેવાનું ન રહ્યું. કૉલેજ પતી, અરેને કારોબારમાં જોડાતાં પહેલાં અનુભવ મેળવવા મલ્ટિનૅશનલમાં જૉબ લીધી, તો નીમા સરકારી યોજના અંતર્ગત સુધરાઈની હૉસ્પિટલમાં કાઉન્સેલર તરીકે ગોઠવાઈ.

વીતતા સમયમાં મડાગાંઠ તો ઉકેલાઈ નહીં, પણ હવે અદાએ ચાર માસનું અલ્ટિમેટમ આપી દેતાં અરેનનું દર્દ નશાના પ્રભાવમાં વહ્યું જાય છે.

‘અદાની આજ્ઞા ઉથાપી ન શકું, એમ નીમા સિવાય કોઈને પણ પત્નીનું સ્થાન દઈ ન શકું - મારી આ મજબૂરી, લાચારી પર પણ તમને દયા નથી આવતી? અદા, તમને? નીમા, તને?’

નચિકેતે વિડિયો બંધ કર્યો. નીમાએ ભીની પાંપણ લૂછી.

અદાના ફેંસલા પછી ગઈ રાત્રે દારૂની અસરમાં અરેનનો વિલાપ નચિકેતે રેકૉર્ડ કરી રાખેલો - આ ફુટેજ જોઈ નીમા પીગળવાની!

વિક્રાંત-સત્યેને પણ આમાં હામી પુરાવી. અદાની મહોલતની આમ પણ નીમાને જાણ કરવાની હતી એટલે નચિકેતે તેને મળી વિડિયો દેખાડી દેવાનું નક્કી થયું હતું.

રવિની આજની બપોરે જમીપરવારી અદાને ત્યાંથી છૂટા પડ્યા બાદ પહેલું કામ તેણે નીમાને મળવાનું કર્યું - તને તાત્કાલિક મળવું છે નીમા. ‘ચોપાટી’ની ‘સ્વાગત’ રેસ્ટોરાંમાં આવી શકીશ?

ઘણા વખતે એવું બન્યું કે અરેનને ત્યાંથી કોઈનો ફોન હોય.... નચિકેતભાઈને ઇનકાર હોય જ નહીં.

બપોરે ચારેક વાગ્યાના ગાળામાં ‘સ્વાગત’માં બહુ ભીડ નહોતી. બેઠક લેતાં નીમાએ પૂછી લીધેલું - બધું બરાબર છે ને, નચિકેતભાઈ? અરેન ઠીક તો છે ને!

આટલી એક પૃચ્છામાં નીમાની લાગણી, એની મહોબત ઉઘાડી પડી જતી હતી. એમાં જોકે અમને શંકા પણ ક્યાં છે! પણ હવે અદાએ અલ્ટિમેટમ આપી દીધું છે ત્યારે નીમાની આંખો ખોલવા તે કટિબદ્ધ હતો. અરેનને જોકે આ મુલાકાતથી અજાણ જ રાખ્યો છે. ખરેખર તો હૅન્ગઓવરને કારણે તેને સ્મરણમાં પણ નહોતું કે પોતે રાત્રે કેવા લવારે ચડેલો!

‘તું અને અરેન અલગ હો ત્યાં સુધી બધું બરાબર કેમ હોય નીમા!’ નચિકેતે સીધી શરૂઆત માંડેલી, ‘હવે તારે જીદ છોડવાનો સમય પાકી ગયો, અદાએ ચાર માસની મુદત આપી દીધી છે.’

નચિકેતે વિસ્તારથી કહેતાં નીમાએ હોઠ કરડ્યો. અદા બોલેલું પાળશે જ એમાં શંકા નહોતી. અદા ધારત તો અરેનનાં ઘડિયાં લગ્ન લઈ શકત, તેમણે હજુ ચાર માસની લિમિટ રાખી એ કેવળ મને સમય આપવા માટે, મારું મન મનાવી હું ખુશી ખુશી તૈયાર થાઉં માટે.

‘જોકે આ પળે તો મને એ શક્ય લાગતું નથી, નચિકેતભાઈ.’

‘ઇનફ નીમા. નોકરીની આવી શું જીદ.’

‘સવાલ નોકરીનો નથી, નચિકેતભાઈ, કારકિર્દીમાં ઝંડા ગાડવાની મને એવી કોઈ મહેચ્છા પણ નથી. મારો વિરોધ તો એક વિચારધારા સામે છે. અદાની સર્વોપરિતાને પડકારવા જેટલી હું અબુધ નથી. મારે હું જ સાચી હોવાનો અહમ્ નથી પોષવો. ખરેખર તો અદા ક્યાંક ચૂકે એ મારાથી ખમાતું નથી. મારા અદા આવા ન હોય. આખા મામલામાં કરેક્શન અદાએ કરવાનું છે.’

નચિકેત અભિભૂત તો બન્યો જ. બીજું કોઈ હોત તો પોતાનો કક્કો ખરો કરવા સ્મૃતિ-જાહ્નવીને કરીઅર બાબત ભડકાવી અદા વિરુદ્ધ કરવાની ચાલ રમત, નીમા એવા શૉર્ટકટ્સમાં માનતી નથી.

‘નીમા, હાલ પૂરતી તું જીદ મૂક્યાનું નાટક કરી તું પરણ્યા પછી અદાને સમજાવી ન શકે?’

‘નચિકેતભાઈ,’ નીમા અકળાયેલી, ’અદાને છેતરવાનું હું વિચારી પણ ન શકું.’

‘ફાઇન.’ નચિકેત થોડો ગિન્નાયો. ‘હવે આ વિડિયો જોઈને જ તું નક્કી કર કે તારે શું કરવું છે.’

અત્યારે, એ વિડિયો પત્યા પછી ટેબલ પર થોડી સ્તબ્ધતા છવાઈ રહી. નીમાની આંખો વરસતી રહી. અરેનની તડપ અજાણી નહોતી, પણ એના સાક્ષાત્કારે ધ્રુસકાભેર રડી લેવું હતું તેણે.

‘તને ચોટ પહોંચાડવા આ વિડિયો શૂટ નથી કર્યો નીમા, અદાને શૂટ બતાવવાનો એટલા માટે નથી નીમા, કેમ કે એ તો કહી દેશે કે મેં અરેન-નીમાને પરણતાં રોક્યાં નથી, ભલેને તે જુદું ઘર માંડતો.’

નીમા થોડી ઉશ્કેરાઈ, ‘વાહ, હું અરેનને કદાપિ માબાપથી જુદો થવા ન દઉં એ શું અદા નથી જાણતા?’

‘જાણવા-સમજવાનો તબક્કો વીતી ચૂક્યો નીમા, હવે આપણે નિર્ણય પર આવવાનું છે. તું હા કહેતી હો તો આપણે મુરત પણ જોવડાવવું નથી.’

ત્યારે નીમા બેચાર પળ મૂંગી રહી એટલે નચિકેતને થયું ઘાટ ઘડાઈ જવાનો, પણ...

‘નિર્ણય મારા હાથમાં નથી, નચિકેતભાઈ, માનવાનું તો અદાએ છે.’

‘આઇ ડોન્ટ બિલીવ ધીસ! ચાર માસની મુદત-અરેનની આ હાલત - તને કંઈ સ્પર્શતું નથી નીમા?’ નચિકેતથી ન રહેવાયું, ‘અરેન ઝેર પીવે તો જ તું માનશે?’

‘માનીશ તો તો પણ નહીં, નચિકેતભાઈ’ નીમાએ ભીનું સ્મિત ફરકાવ્યું, ‘બસ તેમની પાછળ ઝેર પી હું પણ પ્રાણ ત્યાગીશ.’

નચિકેત હાર્યો, ‘તું ટિપિકલ અદા જેવી છે નીમા. સાચું કહેજે, ચાર મહિના પછી અરેન ખરેખર કોઈ અન્ય પાત્રને પરણ્યો - બીજો ઉપાય પણ ક્યાં છે?- તો તું એ સહન કરી શકીશ?’

‘નહીં,’ નીમા નિખાલસપણે કહી ગઈ, ‘એ પછીની પ્રત્યેક ઘડી મારા માટે વિષના ઘૂંટડા જેવી હશે, પણ હું તો અરેન માટે અમૃતની જ કામના કરતી રહીશ, જીવનના અંત સુધી હું ફેંસલો કુદરત પર છોડું છું. અરેન મારા નસીબમાં હશે તો તેને કોઈ છીનવી શકે નહીં - મારા અને અદાના સિદ્ધાંત પણ નહીં!’

ક્યાંય સુધી નીમાના શબ્દો નચિકેતના કાનોમાં ગુંજતા રહ્યા.

‘હાય ઋચા.’

‘ઓહ, હાય, અદિતિ.’

કૉલેજમાં વેકેશન હતું. આમ તો છુટ્ટીઓમાં બધાં કઝિન્સ સાથે જ ફરવા જતાં હોય; પણ આ વખતે અદાએ અરેનનાં લગ્ન લેવાની વાત છેડતાં ફરવા જવાનો મૂડ જાગે એમ જ નહોતો. નચિકેતભાઈએ નીમાને અરેનની હાલત દેખાડી મનાવી જોઈ, એનેય આજે મહિનો થવાનો.

‘કાકી, તમે તો અદાને સમજાવી જુઓ.’ ઋચાએ સુનંદાબહેનને પકડ્યાં, ‘અરેનની ખુશી ખાતર અદા જરાજેટલું જતું ન કરે?’

સુનંદાબહેનથી દીકરાની પીડા, તેના કઝિન્સની કાળજી - કશું છૂપું નહોતું, પણ આખરે એય અજિતરાયનાં પત્ની,

‘અદાએ જતું કરવું જ હોત તો સ્મૃતિવહુના સમયે જ માની ગયા હોત... માની લઉં કે તમે નીમાને ચાર માસની મુદતના ખબર પહોંચાડ્યા હશે. તેના નિર્ણયની રાહ જોઈએ...’

તેમને જોકે નીમાનો નિર્ણય કહેવાયો નહોતો. અરેનનેય એટલું જ કહેવાયેલું કે ચાર માસની મુદતની જાણ નીમાને કરી છે, હવે એ શું નક્કી કરે એ જોઈએ!

‘નીમા નહીં માને’ અરેનને જોકે ખાતરી હતી.

ધીરે ધીરે સૌ રૂટીનમાં પરોવાયા હતા. ઋચાએ ઘર નજીકની હેલ્થક્લબ જૉઇન કરી. પાછલાં ત્રણેક અઠવાડિયાંથી અહીં આવતી ઋચાને અદિિત જોડે બહેનપણાં થઈ ગયાં હતાં. અથવા કહો કે અદિતિએ પહેલ કરી તેની સાથે દોસ્તી કરી લીધી હતી. ઋચા ક્લબમાં નવી હતી, અદિતિએ જ તેને ઓળખેલી - હાય, હું અદિતિ. તું ઋચા છેને? અજિતરાયની ભત્રીજી?

પોતાને કોઈ અદાના સંબંધે ઓળખે એ કેમ ન ગમે!

‘મેં તને તારા કઝિનનાં મેરેજમાં જોયેલી...’ અદિતિએ ઉમેરવાનું ટાળ્યું કે તારા બીજા ભાઈ પર મારી નજર પડેલી! પણ તેને ક્યાં રસ હતો! મારા કહેવાથી મારા ડૅડીએ મારું કહેણ પણ મૂક્યું ત્યારે સુનંદાકાકીએ ઇનકાર ફરમાવી દીધેલો!

બાદમાં એવા ખબર આવ્યા કે અરેનનું સગપણ વાલકેશ્વરની નીમા સાથે નક્કી થયું. પછી શું થયું એ કોઈ જાણતું નથી. કદાચ મુરત નહીં હોય કે પછી કોઈ અડચણ હશે એટલે વેવિશાળ કે લગ્ન નહીં લેવાતાં હોય... 

જાણીને અદિતિએ ટલ્લા ફોડેલા - અરેનથી ક્યાંય ચડિયાતો જુવાન મને મળી રહેશે, મારી ખૂબસૂરતી શું કમ છે?

એક તો અમીરી, એમાં માબાપનાં લાડ ઉપરાંત સૌંદર્યની દોલત... અદિતિનો સ્વભાવ જ ઍટિટ્યુડવાળો થઈ ગયેલો. પહેલી વાર પોતે અરેનને સામેથી પૂછ્યું ને તેણે જે રીતે હસી નાખ્યું એથી એવી તો ચાટી ગયેલી. જોકે અરેનનું આકર્ષણ એવું હતું કે પોતે પિતાને કહી પ્રસ્તાવ મુકાવ્યો, અદા પપ્પાનું માન રાખશે એ ગણતરી પણ ખોટી ઠરી, પછી નીમાવાળા ખબર આવતાં ઘવાયેલો અહમ્ અદિતિએ જુદી રીતે પંપાળી લીધેલો - અરેનના નસીબમાં જ મારા જેવી કન્યા નહીં હોય. પુઅર બૉય!

તોયે જોકે ક્લબમાં તેની કઝિનને જોઈ ઓળખાણનો સેતુ બાંધ્યો એમાં તો અરેન નીમા સંગ કેવો દુ:ખી થયો એવું જ કંઈક તારવી જાતને સુખી કરવાની મનસા હતી. ગ્રૅજ્યુએટ થઈ ચૂકેલી અદિતિ ફ્રી બર્ડ જેવી હતી. અમીર પિતાની એકની એક દીકરીએ બીજું કરવાનું પણ શું હોય?

ઋચા જોકે અદિતિના કહેણવાળી વાતથી અજાણ હતી, અદિતિએ પણ એટલું પારખી એ વિશે ફોડ ન પાડ્યો. નિકટતા વધ્યા પછી તે ફૂંક મારીને આગળ વધી હતી - તારો એક કઝિન હજી કુંવારો છેને - એના એન્ગેજમેન્ટ થયા એવું સાંભળેલું.’

અદિતિના અધ્યાહારે ઋચા મૂંઝાતી. અરેન-નીમાના ગોળધાણા ખવાયા એ ખબર બહુ જાહેર નહોતા એમ સાવ છૂપા પણ કેમ કહેવાય? અદિતિના પપ્પાના અદા જોડે બિઝનેસ રિલેશન છે એટલે એ જાણતા પણ હોય. જોકે મડાગાંઠ ક્યાં, કેમ પડી એ વિશે સૌએ ચુપકી જ રાખી છે.

‘અમે તો કંકોત્રીની રાહ જોઈએ છીએ.’

અદિતિના (બનાવટી) હરખ સામે ઋચા એક વાર ન રહેવાતાં બોલી ગયેલી, ‘જવા દેને, અરેન-નીમાનું કોકડું તો એવું ગૂંચવાયું છે કે…. ’

હેં. અદિતિ માટે એ જૅકપોટ જેવા ખબર હતા. અરેનમાં તો કહેવાપણું નથી, તો શું નીમાને કારણે ગૂંચવણ થઈ હશે?

- એવું હોય તો પણ તારે શું? નીમા વિશે તું ઝાઝું કંઈ જાણતી નથી, અરેન તને નકારી ચૂક્યો છે એ ભૂલી ગઈ?

ભીતરથી ઊઠતા સાદ સામે અદિતિ ટટ્ટાર થઈ હતી - કશું જ ભૂલી નથી હું. આ તો અરેન સાથે જોડાવાનો ફરી મેળ પડતો હોય તો લગ્ન પછી તેનેય ભાન કરાવી શકાય કે મને અગાઉ નકારી તેણે કેવી ભૂલ કરી હતી! 

આ સમાધાન અદિતિને જચી ગયું. અરેન કરતાં ચડિયાતું પાત્ર શોધવાની જીદને હાલ પૂરતી મ્યાન કરી અરેન મળતો હોય તો એક ટ્રાય કરી લેવાની ગણતરીએ તેણે ખરેખર તો ઋચા સાથે દોસ્તી ગાઢી કરી હતી. હળવે હળવે, આડકતરી રીતે અરેન-નીમાનું કોકડું ક્યાં ગૂંચવાયું છે એ સમજવા મથતી.

આજે પણ એણે પૂલમાં તરતાં નીમાને જ સંભારી - ક્યારેક તારી નવી ભાભીને પણ ક્લબમાં લાવતી હો તો!

‘ભાભી!’ ઋચાએ નિ:શ્વાસ નાખ્યો, ‘હું નથી માનતી મારે નીમાને ભાભી કહેવાનો વખત આવે.’

‘હેં. કેમ કેમ?’ અદિતિ થંભી ગઈ, ઋચાને પસવારી લીધી, ‘તું તો બહુ ટેન્સ લાગે છે ઋચા. મને કહી તારો હૈયાભાર હળવો કરી લે, ફ્રેન્ડ્ઝ આર ફૉર શૅરિંગ.’

આ પણ વાંચો : કથા-સપ્તાહ: વહુરાણી (સંબંધોની દોર - 1)

ત્યારે ઋચાએ મૂંઝવણ-ગૂંચવણ ઠાલવી દીધી. બધું જાણી અદિતિના મનમાં પડઘો પડ્યો - કેવળ સિદ્ધાંતને ખાતર આવાં વર-ઘર ઠુકરાવનારી મૂરખ ગણાય. અદાની મુદતમાં હવે માંડ ત્રણ મહિના રહ્યા છે, આ તકને હું વેડફવા નહીં દઉં. અજિતરાયના ઘરની વહુરાણી, અરેનની પત્ની હવે તો હું જ બનીશ!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2019 12:14 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK