કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 3)

Published: May 01, 2019, 13:35 IST | મુંબઈ

‘શાબાશ! મુંબઈ પોલીસનો સપાટો. વધુ એક ડ્રગ કૅરિયરની ધરપકડ.

જીવનજ્યોત
જીવનજ્યોત

‘શાબાશ! મુંબઈ પોલીસનો સપાટો. વધુ એક ડ્રગ કૅરિયરની ધરપકડ.

અઠવાડિયા અગાઉની ન્યુઝ હેડલાઇન હજુ પણ અચલ ઉર્ફે અશરફને સમસમાવી જાય છે.

બેશક, વરસદહાડા અગાઉ નાર્કોટિક્સમાં ટ્રાન્સફર થયેલા ખૂફિયા પોલીસ અધિકારી આશ્રિત મહેતા અપરાધીઓની રાડ પડાવવા માટે પંકાયેલા છે. લાંચશવતમાં માને નહીં, અને ભલભલા ચમરબંધીની શેહમાં તણાય નહીં. માબાપના દેહાંત પછી સંસારમાં એકલપંડા જુવાનને બાંધી રાખનારું તત્ત્વ પણ ક્યાં રહ્યું!

આમ તો કોઈ સરકારમાં આવા પ્રામાણિક નિષ્ઠાવાન અધિકારીઓ એક જગ્યાએ ઝાઝું ટકતા નથી, પણ એ ચાર્જમાં હોય ત્યાં સુધી તો હપ્તા ખાનારા કે ખવડાવનારાઓએ કેટલું વેઠવું પડે! એમાં આશ્રિતે તો ચાર્જ લેતાં જ સપાટો બોલાવવા માંડેલો. ડ્રગ્સના ધંધામાં માફિયા ગણાતાં મોટાં મોટાં માથાંઓએ સમય સાચવી લેવા ઑપરેશન્સ સ્લોડાઉન કરી દીધાં, એમના મુખ્ય ઑપરેટર્સ ભૂગર્ભમાં જતા રહ્યા.

આનું પરિણામ એ આવ્યું કે સપ્લાયની શૉર્ટેજ સર્જાતાં ડ્રગની કિંમત તો ઊંચકાઈ જ, સાથે એની ડિલિવરીના મોંમાગ્યા દામ મળતા હોવાનું જાણી અશરફે પાંખ વિસ્તારવાની તક જોઈ.

ના, અશરફ કોઈ કુખ્યાત ગૅન્ગસ્ટર નહોતો... સ્લમ એરિયામાં અનાથ તરીકે ઊછરેલા અશરફે બાળપણથી ગુનાનો રાહ પકડી લીધેલો, જે માહોલમાં ઊછર્યો એમાં બહુ સ્વાભાવિક હતું. સમજ વિકસ્યા પછી અશરફને આની કોઈ ગિલ્ટ નહોતી. પોતાની શેરીનો એ દાદો ગણાતો. ભાંગફોડ, દંગાફસાદમાં અગ્રેસર ભૂમિકા ભજવી એ એટલું જાણી ગયેલો કે હાઉ ધ વ્હીલ રન્સ! પછી તેની ગાડી દોડવા લાગી. બેચાર વરસમાં તો તેની લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ. ચાલીમાંથી ચેમ્બુરના વૈભવી ફલૅટમાં વસ્યો. તેના હાથ નીચે વસ્તીના છોકરાઓને ઘડવા માંડેલા. ખંડણીયે ઉઘરાવી જાણતા અશરફનો મુખ્ય કારોબાર યા હથોટી ગણાય બ્લૅકમેઇલિંગમાં.

ગેરકાયદે ધંધા કરવા માટે કાયદેસરનું એક દેખીતું ઠેકાણું જોઈએ. અશરફનુ મહોરું હતું ‘મન્નત’ મૉડેલિંગ એજન્સી!

મૂળે અશરફ કામપિપાસુ. પોતાની બળકટ કાયાના જોરે રસભર્યું જોબન માણવું તેને ગમતું. ઘણી બાર ડાન્સર્સ, લો-રેટ કૉલગર્લ્સ સાથે તેના શરીરસંબંધ રહ્યા હશે. ઉમરાવોને ભાડેથી એસ્કોર્ટ મોકલવાની સર્વિસ પણ અશરફ ખાનગીમાં ચલાવતો. એ લલનાઓ ઉમરાવ સાથેની કઢંગી અવસ્થાના ફોટા પાડી લાવે પછી બેશરમપણે કલાયન્ટને બ્લૅકમેઇલ કરવામાં અશરફનો હાથ બેસી ગયેલો. 

એ રીતે જુઓ તો ‘મન્નત’ એક પંથ દો કાજ જેવી હતી. એમાં ક્લાયન્ટ ફર્મ માટે પોર્ટફોલિયો તૈયાર કરવાના બહાને મૉડેલ બનવા ઇચ્છુક છોકરા-છોકરીના ફોટોઝ ક્લિક થતા. સમાંતરે મૉડેલિંગ માટે આવતાં યુવક-યુવતીઓની વિગતોનું સ્કૅનિંગ થતું. જરૂરતમંદ, ગરજાઉ ઉમેદવાર શૉર્ટલિસ્ટ થતા. અંતિમ યાદી અશરફ પાસે પહોંચતી, એમાંથી પાછી થોડી છટણી થઈ જે ઉમેદવારો બાકી રહેતા તેમના ફોટોઝ મોર્ફથી વિકૃત, ન્યૂડ કરાતા, અને એ તસવીરો ફરતી ન થવા દેવાના બદલામા છોકરીઓ કહે એ કરવા તૈયાર થઈ જાય એમાં હજુ સુધી કોઈ અપવાદ નથી નીકળ્યું!

આમાં અશરફને ભાવતું મળતું, ક્લાયન્ટ માટે એસ્કોર્ટ સાંપડતી અને પછી એ જ ક્લાયન્ટને બ્લૅકમેઇલ કરી લાખોની કમાણી કરાવી આપતી સ્કીમ જેવી ગોઠવણ અશરફે લીકપ્રૂફપણે જમાવી હતી. આખું તંત્ર એવું જડબેસલાક ગોઠવેલું કે ખુદ ‘મન્નત’ના જ બીજા સ્ટાફ સુધ્ધાંને આની ગંધ ન રહેતી. ખરેખર તો ‘મન્નત’ની કૅબિન એની રાજગાદી જેવી હતી. અહીંથી તેના બીજા ધંધા પણ ઑપરેટ થતા.

આવું તો ઘણું બધું કરતા અને હજુય ઘણું કંઈક કરવાની ધગશવાળા અશરફે ડ્રગ સપ્લાયમાં પગ પસારવાની તક જોઈ. નવા ધંધામાં કોઈ અનુભવીનો સંગાથ કરવો ડહાપણનું કામ ગણાય એટલે હુસૈનને સાધ્યો. બેત્રણ વરસથી હુસૈન સાથે સંપર્ક હતો. તે ડ્રગ-ટ્રાફિકિંગમાં ઘડાયેલો એટલી ખબર હતી. અત્યારના હાલાતમાં એય બેકારીથી કંટાળ્યો હતો - આશ્રિત ગમે એટલા ધમપછાડા કરી લે, આપણે ડ્રગને ફરતું રાખીએ તો તેના મોં પર તમાચા જેવું રહે કે નહીં?

આશ્રિત બાબત અશરફે ત્યારે વિસ્તારથી જાણેલું. એથી જોકે ડરવાને બદલે તેના માથાના થવાની ઘૂમરી ચડેલી - આવું કંઈક કરી દેખાડો તો જ આડી લાઇનમાં તમારો વટ પડે.

‘એ માટે આપણે પહેલાં ડ્રગ સપ્લાયની સ્ટ્રૅટેજી ઘડવી પડે. ડિલિવરીમાં એક જ વ્યક્તિ શરૂથી અંત સુધી રહે એના કરતાં આપણે ચેઇન કરવી જોઈએ.’

અર્થાત્ જે કૅરિયર સોર્સ પાસેથી ડ્રગ લે એ જ યુઝરને ડિલિવર કરે એવું કરવાને બદલે એ એક ઠેકાણા સુધી પહોંચાડે, બીજો ત્યાંથી પાર્સલ ઊંચકી ત્રીજાને પહોંચાડે એ પછી ચોથાને - આવું કરવામાં પોલીસને ક્યારેય સપ્લાયરનો ટ્રૅક નહીં મળે.

હુસૈનનો સુઝાવ મગજમાં બેઠો. વરસોવાથી મળનારી ડિલિવરીને સાઉથ મુંબઈ સુધી પહોંચાડવા માટેના રૂટ તલાશતા હતા, સવાર-સાંજ શહેરની ગલીઓ ખોળી વળતા ત્યાં અંધેરીની ચોરગલીમાં નવીન દૃશ્ય જોવા મળ્યું.

ચારેક વર્ષનું બાળ માબાપથી વિખૂટું પડી ગયું હશે, તેની સંભાળ એક પરબવાળીએ રાખી, માબાપને બે વેણ પણ કહેવાં ન દીધાં! ઉજળિયાત ઘરની જણાતી વિધવા બાઈ સહૃદયી લાગે છે, તેને કોઈક બહાને પ્યાદું બનાવી હોય તો? ગલીનું લોકેશન પણ પરફેક્ટ છે. વરસોવાથી ડ્રગ પહેલાં અહીં આવે, અહીંથી આગળ જાય, એ રૂટમાં આ પરબવાળી બાઈ મોકાની જગ્યાએ છે... ભોળી જણાતી બાઈને ભોળવવી મુશ્કેલ નહીં હોય.

બસ, એમાંથી અચલ-જિગરનાં પાત્રો સરજી બૅગ પહોંચાડી, પણ પ્રથમ ગ્રાસ મક્ષિકા જેવું થયું. ડોશી જબરી નીકળી. બાકી કલાક ત્યાં આંટાફેરા કરી પોતે ખાતરી કરી હતી કે અહીં પરબ ઊભી કરવામાં પોલીસનું કોઈ છટકું તો ચોક્કસ નથી.

પણ હાય રે. તે ડોશીએ જ પોલીસને આગોતરી જાણ કરી રાખેલી એમાં હુસૈન રંગેહાથ ઝડપાઈ ગયો!

પંકાયેલા ઇન્સ્પેક્ટર આશ્રિતની ઓળખ સાંપડતાં હુસૈને અનુભવ્યું હશે એવું કળતર અત્યારે પણ અશરફે અનુભવ્યું.

નવી લાઇનમાં મંગલ થાય એ પહેલાં આશ્રિતે જાણે કચ્ચરઘાણ વાળી દીધો. માંધાતાઓ જ્યાં નરમ બન્યા હોય ત્યાં ધસી જવાની મેં મૂર્ખામી કરી. અમારું પ્લાનિંગ કાચું પડ્યું. સામે આશ્રિતનું હોમવર્ક એવું કે હુસૈનને તેણે ઓળખી કાઢ્યો, વેશ પણ કામ ના લાગ્યો! એકસાથે ચા...લીસ લાખનો ચરસ પકડાયો, જેના પર મદાર હતો તે હુસૈન જ ઝડપાઈ ગયો!

અમને માત દઈ આશ્રિત બાજી જીત્યો ને એમાં નિમિત્ત બની પાણીવાળી ઉષાબાઈ! પાણી પાનારી બાઈ આવું પાણી દાખવશે એની કલ્પના નહોતી. તેની ભોળી સૂરતે છેતરાયા અમે. બાકી ચોરગલીથી કોલાબા વચ્ચેના કલેક્શન પૉઇન્ટ્સમાં કહેવાપણું નહોતું. ઉષા આડી ન ફાટી હોત તો આજે આમ મુંબઈથી દૂર બોઇસરના બંગલામાં છુપાઈને રહેવાને બદલે ઠાઠથી મારી ‘મન્નત’ની ઑફિસમાં બેઠો હોત! આની કિંમત તો વસૂલવી રહી.

‘એવી કોઈ મૂર્ખામી કરતો નહીં.’

હુસૈનના કેસ માટે પોતે પાછલે બારણેથી લૉયરની વ્યવસ્થા કરેલી, તેના થ્રૂ હુસૈને કોડવર્ડમાં સંદેશો કહેવડાવેલો - ‘જિગર’ ઝડપાયા પછી આશ્રિતને હજુ અચલની તલાશ છે. ધૅટ પરબવાળીને પૂછી પૂછી તારું સ્કેચ બનાવડાવ્યું છે. અલબત્ત, તું દાઢી સહિતના ગેટ-અપમાં હતો, તોય સેફર સાઇડ માટે ફિલહાલ તો તું અંડરગ્રાઉન્ડ થઈ જા. આશ્રિત સામે પડવામાં મજા નથી. હા, પાણીવાળી ઉષાને સબક ભણાવ્યા વિના છોડીશ નહીં. તેણે જ આપણી બાજી ફોક કરી. મારે તો પાંચ સાલની જેલ નક્કી છે, પણ તું આપણા વેરનો હિસાબ ડોશી પાસેથી વસૂલી લેજે!’

હુસૈનનું ભડકે બળતું વેર અશરફને પણ એટલું જ દઝાડતું હતું.

ધૅટ ઉષાને કારણે મારે બીજી પ્રવૃત્તિઓમાંથીયે વિરામ લઈ અન્ડરગ્રાઉન્ડ થઈ જવાનું હોય તો એનો ચાર્જ તો તમારે ચૂકવવો રહ્યો, જળપૂર્ણાદેવી!

અશરફે શ્વાસ ઘૂંટ્યો. બટ હાઉ?

‘બસ, બસ માસી, મારું પેટ ફાટી જશે.’

આશ્રિત ના ના કરતો રહ્યો, પણ ઉષાબહેને કેરીના રસનો વધુ એક ચમચો તેની વાટકીમાં ઠાલવી દીધો.

આજે રવિવારે અમૂલખનો જન્મદિવસ હતો. એ નિમિત્તે ઉષાબહેને આશ્રિતને બપોરે ભોજન માટે નિમંત્ર્યો હતો.

ચોરગલીમાં હુસૈન ઝડપાયાને ચાર મહિના વીતી ચૂક્યા હતા.

અનુભવી ઑફિસર તરીકે આશ્રિત સમજતો કે ડ્રગ કૅરિયરની ધરપકડ પછી ઉષાબહેન જે-તે ગૅન્ગની આંખે ચડી જવાનાં. નિયમ પ્રમાણે પોતે આખા કેસ પાછળ ચાવીરૂપ રહેલા ખબરીની વિગતો ગુપ્ત રાખી છે, પણ એ સાવ છૂપું કેમ ગણાય? ગલીમાં બધાએ જાણ્યું. હુસૈનથી, અને એટલે એની ગિરોહથી ઓછું કંઈ ખાનગી રહેવાનું?

એ હિસાબે હુસૈનનું સાથીદળ, નહિ ઝડપાયેલો અચલ ઉષાબહેનને નુકસાન પહોંચાડી શકે ખરો... આ બધું કહીને ઉષાબહેનને ગભરાવા નહોતાં એટલે ખાતાની પરમિશન મેળવી તત્કાળ તો આશ્રિતે તેમની સુરક્ષા માટે ભિખારીના ગણવેશમાં એક ઑફિસર ગોઠવી દીધેલો.

એ રોહન પાસેથી ઉષાબહેનના જળયજ્ઞ વિશે જાણી અભિભૂત થવાયું. હુસૈનને ઝડપાવામાં તેમની સૂઝ વખાણ યોગ્ય હતી જ, હવે આશ્રિત માટે ઉષાબહેન આદરણીય બની ગયાં.

તો ડ્યુટી ફર્સ્ટમાં માનનારો અધિકારી ઉષાબહેનને આદર્શરૂપ જણાયો. હુસૈનની વણકહી ધમકી ક્યારેક પજવી જતી ત્યારે જાતને સમજાવી દેતાં - આશ્રિતના રહેતાં મારે ખોટી બીક રાખવાની ન હોય… ચોરગલીમાં બીજા તેમને વખાણે એ વેળા ઉષાબહેન તો મક્કમપણે આશ્રિતને જ યશ આપતાં.

બાદમાં અચલની છબી અંગે મળવાનું થતું ગયું એમ બેઉ વચ્ચે વાત્સલ્યની ધરી રચાતી ગઈ.

બાકી આશ્રિત ભાગ્યે જ ઇમોશન્સ જાહેર થવા દેતો. અકાળે મા-બાપ ગુમાવી સંસારમાં એકલો પડતો ઇન્સાન જાણેઅજાણે પોતાની ફરતે અલગતાનું આવરણ વીંટાળી દેતો હોય છે. આશ્રિત ડ્યુટીને સમર્પિત થઈ સંસારનું સૂનાપણું વિસારી શકતો. હૃદયપાટી હજુ કોરી હતી. કોઈ હતું પણ ક્યાં જે હકથી હાથ પકડી ઘોડે ચડાવે?

‘હું બાર વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવ્યા, પોલીસની ટ્રેનિંગમાં હતો ત્યારે મા...’ એક તબક્કે આશ્રિતે ઉષાબહેનને કહેલું, ‘તમારી સાથે હોઉં છું ત્યારે લાગે છે જાણે મારી નીરજામા ક્યાંક આસપાસ જ છે.’

ઉષાબહેન ગદ્ગદ થતાં, ‘હું તારી માનું સ્થાન તો ન લઈ શકું આશ્રિત, પણ આજથી મા જેવી માસી તો ખરી જ.’

ડ્રગની હેરાફેરીનો કેસ આવો સુખદ વળાંગ આપશે એવું ક્યાં ધારેલું? એ દહાડે, પોતે પોલીસને ફોન કર્યા પછી આશ્રિતના આગમને, ઇંતજામે, તેની ચીલઝડપે સાચું પૂછો તો ગર્વ મહેસૂસ થયેલો - આપણી પોલીસમાં આવા ચુસ્ત અધિકારી પણ છે ખરા!

પછી મળવાનું બનતું ગયું એમ આશ્રિત પ્રત્યે આપોઆપ વાત્સલ્યભર્યું ઝરણું વહ્યું. આશ્રિતને મળવા જવાનું થતું ત્યારે તેને ભાવતો ગાજરનો હલવો બનાવીને લઈ જતાં, હકથી તુંકારો કરતાં. કેસથી વધુ વાતો આશ્રિતના રસના વિષયોની થતી. ઉષાબહેન લાડથી પૂછી લેતાં - ક્યાં સુધી એકલો રહીશ? ૨૮નો થયો, તારા માટે છોકરી શોધવા માંડું છું હું!

જવાંમર્દ જેવો આશ્રિત શરમાઈ જતો.

આ બધામાં કેસની વાત ભાગ્યે જ ઊખળે. ધીટ જેવો હુસૈન ‘અચલ’ બાબત ધરાર મોં ખોલતો નથી. અચલની ખોજ ચાલુ હતી, પણ તે ફરી ઝડપાય તેવી શક્યતા ધૂંધળી જણાતી આશ્રિતને. એટલે પણ વખત વીતતાં ઉષાબહેન બાબત તે નિશ્ચિંત બન્યો. હવે ચોકીની જરૂર નહોતી.

અત્યારે પણ, તેમની ખુશી નિહાળી રસ આરોગતા આશ્રિતના મનમાં પડઘો પડ્યો - તમતમારે આમ જ નચિંત રહેજો માસી, તમારું ધ્યાન રાખનારો હું બેઠો છુંને!

આશ્રિતે ભલે જે વિચાર્યું, શું થવાનું હતું એની તેને ક્યાં ખબર હતી?

બટ હાઉ? ઉષાબહેન સામે વેર કઈ રીતે વાળવું?

આજે ઘટનાના ચાર મહિને અશરફ પાસે જવાબ અને પ્લાન બન્ને તૈયાર છે.

ધીરે-ધીરે આશ્રિત બીજી રેઇડમાં મશરૂફ બન્યો હતો. ચાલીસ લાખની ચરસનો કેસ તેના માટે કંઈ બહુ મોટો પણ ન ગણાય. છતાં અશરફ આશ્રિતની ગતિવિધિથી અપડેટ રહેતો. ઉષાબહેન પ્રત્યેનું ખુન્નસ ઓસર્યું નહોતું. છેવટે કેસતપાસ ઠંડી પડ્યાનું લાગતાં ૨ મહિના અગાઉથી ‘મન્નત’માં બેસવાનું શરૂ કર્યું ત્યારેય ઉષાને સબક શીખડાવવો એના જ વિચારોમાં મન ગોથાં ખાતું. પબ્લિક કેસ ભૂલી ચૂકી છે ત્યારે વાર કરવામાં જોખમ પણ નથી...

- હવે કંઈક એવું બનવાનું જેની ઉષામૅડમે કલ્પના પણ ન કરી હોય! તમને સૌ જળપૂર્ણા કહે છે ને? હવેથી ઝેરપૂર્ણા ન કહે તો કહેજો!

‘મન્નત મોડલિંગ એજન્સી’ની પોતાની લક્ઝુરિયસ સાઉન્ડપ્રૂફ કૅબિનની ખુરશીમાં ખંધુ હસતા અશરફમાં ચહેરા પરનો ઝેરી ભાવ સામે ઊભેલી વ્યક્તિને અકળાવી ગયો.

‘તું સમજી ગઈ ને, તારે શું કરવાનું છે?’

‘જી’ આ એકાક્ષરી જવાબમાં ખાતરી હતી એમ નિ:સહાયતા પણ હતી, અશરફને વર્તાય નહીં એવી!

અને એ સાંજે-

‘આવજો, ચાચા’

છેવટે માટલું ઊલટું પાડી, ખાલી બૉટલ્સ થેલામાં સમેટી, બધાને આવજો કહી ઉષાબહેને રુખસદ લીધી.

રિક્ષા પકડવા ગલી બહાર તો નીકળવું પડે. એ છેવાડે પહોંચ્યાં જ કે ઘર્રાટી બોલાવતું એક બાઇક પસાર થયું ને - ઓહ!

ઉષાબહેન ચિત્કારી ઊઠ્યાં. બદમાશ બાઇકચાલક મારા ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ગયો!

એના ધક્કાએ તેમને જમીન પર બેસાડી દીધાં. એવી જ એક છોકરી દોડી આવી - શું થયું માસી, તમને?

આ પણ વાંચો: કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 2)

પોતાને ઊભી કરતી યુવતીને ઉષાબહેન નિહાળી રહ્યાં.

તે રત્ના હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK