કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 2)

Published: May 01, 2019, 13:31 IST | મુંબઈ

‘ગુડ મૉર્નિંગ ઉષાબહેન!’

જીવનજ્યોત
જીવનજ્યોત

‘ગુડ મૉર્નિંગ ઉષાબહેન!’

સ્ટેશનરીવાળા ધીરેનભાઈએ રાબેતા મુજબ અખબાર વાંચતાં ઉષાબહેનને હાથ જોડી દુકાનનું શટર ઉઘાડ્યું.

લગભગ આવું જ થતું. છએક માસ અગાઉ પરબ ફરી શરૂ કર્યા પછી ચોરગલીમાં પહેલાં પહોંચનારાં ઉષાબહેન જ હોય. ‘શણગાર’ હતી એની સરખામણીએ ગલી ઘણી બદલાઈ ગયેલી. રસ્તા પર પેવરબ્લૉક બેસાડાયા હતા. સામસામી દુકાનોને આવરી લેતું રૂફટૉપ બનાવાયેલું એટલે વરસાદ નડતો નહીં. ઘણા જૂના ધંધા સમેટાઈ નવી દુકાનો, નવા દુકાનદારો આવ્યા હતા, એ બધા ઉષાબહેને વરસો અહીં પરબ ચલાવ્યાનું સાંભળી અભિભૂત થતા.

ઉષાબહેન પોતે ટિફિન-ડબ્બો લઈને ગયાં હોય એ વહેંચીને ખાય. રોજ આ રસ્તો વાપરનારા પણ તેમને ઓળખી ગયેલા. ગલીમાં ક્યાં-શું ચાલી રહ્યું છે એના પર ઉષાબહેનની સ્વાભાવિકપણે નજર હોય, પણ પારકી પંચાત કરવાને બદલે અખબાર વાંચે કે પછી કાનમાં ભૂંગળા નાખી મોબાઇલમાં સ્ટોર કરેલાં લતાનાં ગીતો સાંભળે.

વચમાં ભીડની ધક્કામુક્કી યા ચાર વરસનું બાળક મા-બાપથી છૂટું પડી ભેંકડો તાણવા લાગ્યું ત્યારે ઉષાબહેને જ સંભાર્યું હતું કે છોકરાની સાથે આવેલા કપલને મેં કાપડિયાની દુકાને સાડીના સેલમાં જતું જોયું! ખરેખર દંપતી ત્યાં હતું, દીકરો છૂટો પડ્યાનું જાણી કેવું રઘવાયું થઈ ગયેલું. દસેક મિનિટની એ ધમાચકડી દરમ્યાન બાળકને બહુ કુનેહથી સાચવી ઉષાબહેને હૂંફ આપી હતી. બાદમાં સૌ દીકરાને ભૂલી જનારાં માબાપની ટીકા કરતા હતા ત્યારેય ઉષાબહેનનો અભિગમ તો એવો જ કે ક્યારેક જાણબહાર આવું થઈ જાય, બાકી કઈ મા પોતાના દીકરાને ચાહીને ભૂલી જાય!

‘અખબારમાં કંઈ જાણવા જેવું?’ દુકાન વધાવી ધીરેનભાઈએ પૂછતાં ઉષાબહેને છાપું સમેટ્યું, ‘એ જ ચોરીચકારી, ખૂનામરકીની ખબરો.’

કોઈ પણ વડીલને આજની વૈશ્વિક પરિસ્થિતિ માટે થાય એવો એ અફસોસ હતો. ત્યારે જોકે ખ્યાલ નહોતો કે સમાચારપત્રમાં ચમકી શકનારી ઘટના આજે અહીં ઘટવાની, ને એમાં પોતે નિમિત્ત બનવાનાં!

હું શું કરું!

જુહુ ગલીના સ્લમ એરિયાની નજીક આવેલી ખખડધજ ચાલીની રૂમનું આ દૃશ્ય છે. ઘરની દીવાલોનાં ખરી પડેલાં પોપડાં બિસ્માર હાલતની ગવાહી પૂરે છે. ઘરવખરીના નામે ઝાઝું કંઈ બચ્યું નથી. શરીરમાં અનેક રોગો વળગાડી ખાટલામાં પડેલી પ્રૌઢ વયની સ્ત્રી મરવાની ઇચ્છા સાથે જીવી રહી છે, અને માને પહેલાં જેવી સાજીનરવી કરવા માગતી જુવાન દીકરીને સમજાતું નથી માના ઇલાજ માટે જરૂરી રૂપિયાનો બંદોબસ્ત કેમ કરવો! જુઓ, અત્યારે પણ તે ઘરના ઉંબરે બેસી એના જ વિચારોમાં અટવાઈ છે.

વરસેક અગાઉ પિતાના નિધન બાદ માને બીમારીઓએ જકડી એમાં ઘરનું નાજુક અર્થતંત્ર હવે તો સાવ જ ઑક્સિજન પર આવી ગયું છે. રત્નાએ હળવો નિ:શ્વાસ નાખ્યો: આ બધામાં પોતાની કૉલેજ અધૂરી રહી એ તો ઠીક, હું સીવણનું છૂટકપૂટક કામ કરી લઉં એથી એક ટંકના ભોજનમાં અમે મા-દીકરી બે ટંક ખેંચી લઈએ છીએ, પણ મોટી હૉસ્પિટલમાં સાવિત્રીમાના ઇલાજ માટે સહેજે ચાર-છ લાખ રૂપિયા જોઈશે. બાકી માનો ઇલાજ શક્ય છે, મારે તેને સાજી કરવી છે. સવાલ એક જ છે, પૈસાનો ઇંતજામ કેમ કરવો?

‘મેં તને કહ્યું તો ખરું...’ ચાલીની સખી મિતાલીના શબ્દો પડઘાયા, ‘ઈશ્વરે બીજું કંઈ ભલે ન આપ્યું, તને રૂપની દૌલત બેસુમાર બક્ષી છે!’

રત્નાને એના સૌંદર્યનો ઘમંડ નહોતો, પણ પોતાની મૂડીની પરખ, સભાનતા તેને ખરી.

‘ફિલ્મોમાં અભિનય ન આવડે તો મૉડેલ બની જા... હવે તમને ગ્રુમ કરતી એજન્સીઝ પણ અવેલેબલ છે. જોતી નથી, છાપાનાં ફરફરિયાંમાં એની જાહેરાત પણ આવતી હોય છે. મેં તો કટિંગ પણ સાચવી રાખ્યું છે. આ જો - મન્નત મૉડેલિંગ એજન્સી - ખાસ નવોદિતોને પ્રમોટ કરવામાં એની એક્સપર્ટાઇઝ છે.’

ખારની એ એજન્સીની જાહેરાતનું પૅમ્ફલેટ આજે પણ માની દવાની ડબ્બીઓ ભેગું પડ્યું છે... બીજી કંઈ નોકરી હોત તો વાંધો નહોતો, પણ મૉડેલિંગ? લપસણી ભૂમિ પર હું મારા આદર્શ ગુમાવી ન બેસું એ જ વિચારે જાતને વારતી રહી છું; પણ ક્યાં સુધી?

ત્યાં સાવિત્રીમાએ ખાંસી ખાંધી ને તેમની ત્રસ્ત હાલત જોતાં રત્નાએ નક્કી કરી લીધું કે પૈસો જ્યાંથી મળે, જે રીતે મળે, મને જોઈએ. પછી એ માટે સ્વિમિંગ સૂટમાં મૉડેલિંગ પણ કરવાનું કેમ ન હોય!

‘કલાકથી ચોરગલીમાં ઊભો છું યાર. કેટલી રાહ જોવી? અડધો કલાક પછી મારી ટ્રેન છે - તું જાણે તો છે, દાદી લાસ્ટ સ્ટેજ પર છે, સૌરાષ્ટ્રની આ ટ્રેન ચૂક્યો તો કદાચ અંતિમ મોંમેળાપ પણ ન થાય. તારી બૅગ લઈ મારે કેટલું ફરવું!’

બપોરની વેળા છે. આ સમયે મોટા ભાગના દુકાનવાળા અડધું શટર પાડી કલાક બે કલાકનો વિરામ લઈ લેતા હોય.

એકંદરે શાંત વાતાવરણમાં આ જુવાન બાપડો ખાસ્સો ચિંતિત જણાય છે… 

ઉષાબહેન જોઈ રહ્યાં. સાચે જ કલાકેકથી ગલીમાં આંટા મારતો ત્રેવીસનો જણાતો દાઢીધારી જુવાન કૉલેજિયન જેવો લાગતો હતો. ખભે શોલ્ડર બૅગ ભેરવેલા જુવાને જમણા હાથમાં કાળી બ્રીફકેસ ઊંચકી હતી. તેની ચાલમાં ઉચાટ છે. બે વાર તો બિચારો પાણી પી ગયો. બાજુમાં ટ્રાવેલવાળી ઑફિસના ઓટલે બેસી તેણે છેવટે ફોન જોડ્યો એટલે તેની વાતો અનાયાસે કાને પડે છે.

‘અરે, તારી બાઇક બગડી તો હું શું કરું? નો, હજુ કલાક સુધી રાહ જોઉં તો મારી ટ્રેન જતી રહે. તારી બૅગ મારા રૂમ પર મૂકવા જવાનો પણ સમય નથી રહ્યો. હું એને મારી સાથે લઈ જાઉં - એમાં પણ ના. તને તારી બુક્સનો ખપ છે, બધું સાચું... બટ- હલો-હલો - ફોન મૂકીયે દીધો!’

બબડતા જુવાને આમતેમ જોતાં ઉષાબહેન સાથે નજર ટકરાઈ.

‘તારાં દાદી સિરિયસ છે?’ ઉષાબહેનના પૂછવાની જ રાહ જોતો હોય એમ તે નજીક આવ્યો,

‘તમે સાંભળ્યુંને માજી? ત્યાં રાજકોટમાં મારાં દાદી મરણપથારીએ છે, અડધો કલાક પછી મારી ટ્રેન છે-’ તેના કંઠમાં ભીનાશ છવાઈ, ‘એમાં મારા ફ્રેન્ડ જિગરના કારણે હું અટવાયો છું,’ કહેતાં એણે જાણકારી આપી- મારું નામ અચલ. પાર્લાની કૉલેજમાં ભણું છું, ત્યાં જ હૉસ્ટેલમાં રહું છું. મારો કલાસફ્રેન્ડ જિગર જોગેશ્વરીનો છે. લાસ્ટ વીક અમારી એક્ઝામ્સ ગઈ એટલે તે તેની બુક્સ લઈ મારી રૂમ પર આવેલો. પરીક્ષા સમયે અમે સાથે જ વાંચીએ. છેલ્લું પેપર પત્યા પછી ભાઈસાહેબ બારોબાર ઘરે જવા નીકળી ગયેલા, હવે આવતા વીકે પ્રૅક્ટિકલની પરીક્ષા છે. તેની જર્નલ ઇન્કમ્પ્લીટ છે; આ બાજુ મારે અણધારી ઇમર્જન્સી આવતાં રાજકોટ જવાનું બન્યું. ત્યાં કેટલો સમય લાગે, કોણે જાણ્યું! ત્યાં સુધી જિગરની જર્નલ અધૂરી રહે એ પણ ઠીક નહીં. એટલે અમે નક્કી કર્યું કે મિડલમાં આવતી આ ગલીમાં જ મળીએ; હું તેને બુક્સની બૅગ આપી દઉં. તે નીકળ્યો ખરો, પણ બાઇક બગડી...’ ચહેરા પરનો પસીનો લૂછતાં તેણે દયામણા બની પૂછી લીધું, ‘માસી, આ બૅગ તમને સોંપી જાઉં? થોડી વારમાં જિગર આવીને લઈ જશે. પ્લી...ઝ...’

તે એવું કરગર્યો કે ઉષાબહેનથી ઇનકાર ન થયો. આમેય બિચારાની દાદી છેલ્લા શ્વાસ લઈ રહી છે. તેને ક્યાં વધુ પરેશાન કરવો.

‘ભલે બેટા, હું સાંજ સુધી અહીં છું; ત્યાં સુધીમાં જિગરને કહેજે બૅગ લઈ જાય.’ કહેતાં ઉષાબહેનને સંભાર્યું, ‘અરે, પણ હું જિગરને ઓળખીશ કઈ રીતે? તેને કહેજે કૉલેજનું કાર્ડ રાખે.’

‘માસી, કાર્ડ લઈને તો તે નહીં નીકળ્યો હોય... બટ ડોન્ટ વરી, તે તમને ઓળખી જશે. પાણી પાનારાં તમે ગલીમાં એકલાં જ છો. અને તમને ધોકો ન થાય એ માટે કોડવર્ડ રાખીએ. જિગર તમને આવીને પૂછશે કે માસી, તમે ગુલાબ રાખો છો? બસ, તેને તમારે બેગ આપી દેવાની. હું જિગરને પણ ઇન્ફૉર્મ કરી રાખું છું.’

‘અરે વાહ,’ ઉષાબહેન મલક્યાં, ‘આ તો જાસૂસકથા જેવું લાગે છે. હિન્દી ફિલ્મો બહુ જોઈ છે?’

તે કેવળ હસ્યો, બૅગ મૂકી ભાગ્યો - મારે મોડું થાય છે... થૅન્ક્સ માસી!

ક્યાંય સુધી તેની દિશામાં જોતાં ઉષાબહેનના દિમાગમાં જુદો જ સળવળાટ સર્જાયો.

સૌરાષ્ટ્રની ટ્રેન!

હજુ બે દિવસ પહેલાં જ ઉપલા માળવાળાં નલિનીબહેન કમ્પાઉન્ડમાં ભેળાં મળ્યાં ત્યારે બોલી ગયેલાં કે અમારે લગ્નપ્રસંગે દેશમાં જવું છે, પણ અંધેરીથી સૌરાષ્ટ્રની કોઈ ટ્રેન મળતી નથી એટલે પછી બોરીવલીથી રિઝર્વેશન કરાવ્યું છે.

- તો પછી હમણાં ગયો તે અચલને કઈ ટ્રેન મળવાની? કે પછી બરોડા-અમદાવાદ જઈ ત્યાંથી ટ્રેન બદલવાનો હશે?

- કે પછી ટ્રેન પકડવાનો જ નહીં હોય!

આ વિચારે હાંફી જવાયું. ક્યાંક કેવળ બૅગ મને પધરાવી જવાના આશયે તો છોકરો ડ્રામા નહીં ભજવી ગયો હોય! હું રાહ જોતી રહું ને બૅગ લેનારો આવે જ નહીં!

ચોક્કસ એવું જ હશે. એવું ન હોત તો અચલ મને તેનો ફોન નંબર આપીને જાત, મારો નંબર લઈને જાત, જિગરનો નંબર મને આપત, પણ અહીં તો પોતાના સંપર્કની કોઈ કડી તે છોડતો નથી. ટ્રેન પણ એવી કહી જે અંધેરી ઊભી જ નથી રહેતી! આ બધાનો તાળો એટલું તો સૂચવે જ છે કે મામલો ધારવા કરતાં જુદો હોવો જોઈએ. ભાઈબંધ અને દાદીની બનાવટી બીમારીના નામે ખરેખર તો અચલ તરીકે પોતાને ઓળખાવતો છોકરો કાળી બૅગ મને થમાવી ગયો... જાણે એમાં ચોપડાને બદલે શું હોય!

ઉષાબહેનના દિમાગમાં ટાઇમબૉમ્બ ટિકટિક થવા લાગ્યો. પછી થયું, બૉમ્બ છોડનારે આટલું મથવાનું ન હોય. બલકે કોઈને ગંધ આવ્યા વિના કોઈ દુકાનમાં કે ખૂણેખાંચરે, કચરાપેટીમાંય બૅગ છોડી દે એ વધુ બંધ બેસે છે.

તો પછી? બૅગ એટલી પણ મોટી નથી કે કોઈની લા...શના ટુકડા કરી સમાવી શકાય. હા, એવું બની શકે કે કહેવાતા અચલે કોઈનું ખૂન કર્યું હોય ને એ માટેનું હથિયાર બૅગમાં છોડી ગયો હોય! બૅગ પાછી લૉક છે. નહીંતર ખોલીને જોઈ લીધું હોત.

મારી જ ભૂલ. અજાણી વ્યક્તિ પાસેથી ચીજવસ્તુ લેવાય જ નહીં એટલી સામાન્ય સાવચેતીમાં હું કેમ ચૂકી! અરે, હવે તો થાય છે કે સાચે જ કોઈ જિગર બનીને, અચલે કહેલો કોડ કહીને બૅગ લઈ જાય તો એમાં બુક્સ જ હતી એમ કેમ માનવું! શું કરું? આજુબાજુમાં વાત કરું તો નાહક ગભરાટ ફેલાઈ જશે. અચલની કહાણીને ડ્રામા માનવાનાં મારી પાસે પૂરતાં કારણો જો હોય તો આ સંજોગોમાં મારે એક જ પગલું ઉઠાવવાનું રહે...

ઉષાબહેને મોબાઇલમાં આંકડા દબાવી કૉલ જોડ્યો - હલો પોલીસ-સ્ટેશન?

અને અચલ ગયાના પોણો કલાકમાં તેણે દેખા દીધી, ‘માસી, તમે ગુલાબ રાખો છો?’

તેના પ્રશ્ને ઉષાબહેનની કીકી ચમકી ઊઠી. બાઇક પર આવેલો જુવાન કૉલેજિયન જેવો છેલબટાઉ લાગ્યો. ઉતાવળ હોય એમ નીચે ઊતરવાની તસ્દીયે ન લીધી.

‘ગુલાબ નથી રાખતી, પણ તારી અનામત છે, બેટા,’ મીઠું હસતાં તમણે પગ આગળ મૂકેલી બૅગ ધરી, ‘આ લે-’

જુવાનનો ચહેરો ખીલી ઊઠ્યો, ‘ધન્યવાદ માસી.’

હાથ લંબાવી તેણે કાળી બૅગ પકડી એવો જ એક રાઠોડી પંજો તેના કાંડે ભીંસાયો. એવું દર્દ થયું કે જુવાનની રાડ સરી ગઈ.

જોયું તો સિવિલ ડ્રેસમાં, પણ અત્યંત ગઠીલા જણાતા અઠ્ઠાવીસેક વરસના જુવાનના સોહામણા મુખ પર રમતિયાળ સ્મિત ફરકરતું દેખાયું. તેની ઓળખે પેટમાં શેરડો પડ્યો.

‘જરા વધારે જોર દેવાઈ ગયું, નહીં! સૉરી, જિગર-’ એના હોંઠ વંકાયા, ‘કે પછી તને હુસૈન અલી કહું? તારી આ બૅગમાં ચરસ હોવાનું અમે પારખી લીધું છે.’

હેં!

તેના બૉમ્બધડાકા જેવા ઉપરાઉપરી આંચકા જિગર ઉર્ફે હુસૈન આંચકો પચાવે એ પહેલાં તો જાણે ક્યાંથી ત્રણ-ચાર પોલીસ ફૂટી નીકળ્યા, તેની બૅગનો કબજો લેવાયો ને મુંબઈ પોલીસ – નાર્કોટિક્સના જાંબાઝ ખૂફિયા ઇન્સ્પેક્ટર આશ્રિત મહેતાએ હાથકડી પહેરાવી ડ્રગ-કૅરિયરની ધરપકડ કરી ત્યાં સુધીમાં જોકે ગલીમાં ટોળું થઈ ગયેલું. ઉષાબહેને પોલીસની મદદ લઈ ડ્રગની હેરફેર કરનારને ઝડપાવ્યાની માહિતી પ્રસરતાં વાર ન લાગી.

‘તમારી સજાગતા, સમયસૂચકતાને મારા નમન,’ ખુદ આશ્રિતે તેમનો આભાર માન્યો.

‘મેં તો કેવળ પોલીસને ઇન્ફૉર્મ કરવાની ફરજ બજાવી, ટૂંકા સમયમાં તમે જે ઝડપે જાળ બિછાવી એ ખરું તો કાબિલે તારીફ છે.’ ઉષાબહેનને જુવાન ઇન્સ્પેક્ટરની બહાદુરી સ્પર્શી ગઈ હતી.

આ પણ વાંચો : કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 1)

એકમેકની તારીફ કરતાં આશ્રિત-ઉષાબહેનને જોઈ-સાંભળી હુસૈનનું ખુન્નસ ઘૂંટાતું હતું. વધુ ગુસ્સો ઉષાબહેન માટે ઉદ્ભવ્યો. પોલીસ તેને પકડીને લઈ જતી હતી ત્યારે પાછળ વળી તેણે ડોક ઘુમાવી ઉષાબહેનને નિહાળ્યાં. પળ પૂરતી તેમની નજર ટકરાઈ હશે, પણ હુસૈનની આંખોમાં છલકતી ધમકી ઉષાબહેન સુધી પહોંચી - તેં અમારી સાથે રમત કરી ડોશી, પણ યાદ રાખ, આની ભારે કિંમત તારે ચૂકવવી પડશે!

ઉષાબહેનનું હૈયું ધબકારો ચૂકી ગયું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK