કથા સપ્તાહ - જીવનજ્યોત (જલ કી ધારા - 1)

Published: May 01, 2019, 13:23 IST | સમીત પૂર્વેશ શ્રોફ | મુંબઈ

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. ઉષાબહેનની સવાર આમ જ ઊગતી, વર્ષોથી.

જીવનજ્યોત
જીવનજ્યોત

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. ઉષાબહેનની સવાર આમ જ ઊગતી, વર્ષોથી.

‘આ મારાં સાસુની શીખ’ ઉષાબહેન પોરસથી કહેતાં એમાં સદ્ગત સાસુ પ્રત્યેની તેમની મમતા છતી થઈ જતી.

‘મારાં ગંગામા સાસુ ક્યાં હતાં? તે તો ગામડેથી આવેલી વહુનાં સવાયાં મા બનીને રહ્યાં...’ ઉષાબહેન ભાવથી સંભારતાં.

‘સામે તમેય તેમની કેવી ચાકરી કરેલી એ પણ કહોને.’

જુહુ ગલીની મધ્યમ વર્ગીય ‘અંબરધારા’ સોસાયટીમાં જૂના રહેવાસીઓ કહી જાય, ત્યારે ઉષાબહેન વાત ફેરવી કાઢે. મેં જે કર્યું મારાં મા માટે કર્યું, એનું ગામગજવણું શું?

આમાં દંભ નહોતો. તમનું નિર્દંભીપણું જ સાઠના ઉંબરે પહોંચેલાં સાલસ સ્વભાવનાં ઉષાબહેનને આદરણીય બનાવતું.

ઉષાબહેનની સમજશક્તિ જ તેમને નોખાં પાડતી.

‘તારા ભરોસે તો મારા દીકરાને છોડીને જાઉં છું વહુ...’

અવસ્થાવશ ખાટલો પકડનારાં સાસુમા છેલ્લા દિવસોમાં ઉષાની ચાકરીનો સંતોષ જતાવતાં. જોકે તેમની જવાની વાતે ઉષા વઢતી, રડતી. મા સાથે મન મળી ગયેલું. લગ્નના ત્રીજા વરસે ઉષાને ગર્ભ રહ્યો, પણ પછી એનો વિકાસ ન થતાં અબૉર્શન કરવું પડ્યું અને ફરી ક્યારેય એ ખુશીએ દસ્તક ન દીધી. જીવનના એ સૌથી કપરા સમયમાં ઉષા ટકી હોય તો પતિ અને સાસુની સહિયારી હૂંફે.

‘હું જ અભાગણી. મને છૂટી કરી તમે વારસ દઈ શકનારી વહુ આણો.’ એ દિવસોમાં ઉષા ક્યારેક બાળહઠ જેવી જીદે ચડતી ત્યારે ગંગાબા લાલ આંખ દેખાડતાં - મારે શું કરવું એ તું ન શીખવ. વહુ પહેલી હોય કે વારસ!’

ઉષા ગદ્ગદ થતી, પણ માના પ્રયત્નોએ અમૂલખ-ઉષા નિ:સંતાનપણાની પરિસ્થિતિ સ્વીકારી ચૂકેલાં. પછી એનો બોજ કે સમાજનું દબાણ સ્પર્શ્યાં નહીં. 

કદાચ એટલે પણ લગ્નના સાતમા વરસે માની વિદાય પછી ઉષાએ આભ જેવડો ખાલીપો મહેસૂસ કર્યો. અમૂલખને તેની એકલતા સમજાતી. તેણે જ પહેલ કરી - ‘તું કાલથી દુકાને આવવા માંડ.’

અંધેરી સ્ટેશન નજીકની ચોરગલીમાં અમૂલખની નાનકડી સાજશણગારની દુકાન હતી. ધંધો સારો ચાલતો. લગ્નસરામાં બહુ જ ઘરાકી હોય ત્યારે ટિફિન-નાસ્તો દેવા ઉષાએ દુકાને જવાનું થતું. બાકી તો ગુમાસ્તો રવજી જ બપોરે આવી ટિફિન લઈ જતો હોય. એટલે દુકાને આવવાના પતિના પ્રસ્તાવ સામે તેનો પહેલો પ્રત્યાઘાત એ જ હતો - હું દુકાને આવીને શું કરીશ!

‘કેમ, મને મદદ કરજે. રવજી આમેય નોકરી છોડી ગયો છે, તું સાથે રહેશે તો મને ગમશે. બેએક અઠવાડિયાં આવી તો જો, ન ગમે તો આપણે કોની સાડાબારી છે?

આ દલીલ રુચી. ઉષાએ ‘શણગાર’ જવું શરૂ થયું.

કોઈ જમાનામાં અહીં ડુપ્લિકેટ માલ ઠલવાતો હશે એટલે ગલીનું નામ ચોરગલી પડી ગયેલું, બાકી બહુ મોકાની જગ્યા હતી. થોડી સાંકડી, પણ લાંબી ગલીમાં સામસામે દુકાનો હતી. મોટા ભાગની નાના ગાળાની. શૂઝથી માંડી શૃંગાર સુધીની વસ્તુઓ અહીં ફિકાયતી ભાવે મળી રહે. સ્વાભાવિકપણે આખો વિસ્તાર વસ્તીથી ધમધમતો હોય.

ગલીની મધ્યમાં આવેલી ‘શણગાર’ની ડાબે જમણે ટૂર એજન્ટની દુકાનો હતી. સામે સ્કૂલબૅગવાળા મનસૂરચાચા, તેમની બાજુમાં જાતે પગરખાં બનાવી વેચનારા મથુરભાઈ જેવાની તો પહેચાન હતી ઉષાને. સહેજ ખૂણામાં હનુમાનજીની ડેરી હતી. એની બાજુમાં ‘રામભરોસે’ હોટેલનાં ખમણ-ભજિયાં વખણાતાં.

દુકાને જતાં થયા પછી ઉષાને લાગ્યું, દુકાનનું પણ પોતાનું એક વિશ્વ છે. કેવા કેવા ગ્રાહકો અહીં આવે! કોઈને ગમે એટલી આઇટમ બતાવો, સંતોષ ન થાય. ને કોઈ વળી એક નજરમાં પસંદ કરી લે. ત્રીસ-પચાસ રૂપિયાની ખરીદીમાં પણ સ્ત્રી ભાવતાલ કર્યા વિના ન રહે. કદી ફુરસદના સમયે મનસૂરચાચા યા મથુરભાઈ દુકાને આવી બેસતા, ‘રામભરોસે’માંથી નાસ્તો આવતો એ પાર્ટીમાં પણ ઉષા ભળી ગઈ. ગ્રાહકને ટેકલ કરતાં પણ આવડી ગયું.

ઉષાને હવે એકલતાની ફરિયાદ નહોતી. બલકે હવે તો સમય ખૂટતો. ચાર-છ મહિના આમ વીત્યા ને આવ્યો ઉનાળો. આ વખતે કાળઝાળ ગરમીનો અણસાર પામી અમૂલખે દુકાનમાં કૂલર મુકાવ્યું ત્યારે મનસૂરચાચા હસ્યા પણ હતા - આજ સુધી પોતે ગરમીમાં શેકાતો રહ્યો, પણ હવે વહુની તકલીફ જોવાતી ન હોય એટલે કેવું કૂલર વસાવી લીધું!

ત્રીસ-બત્રીસ વરસ અગાઉના એ જમાનામાં કૂલર લકઝરી ગણાતું.

પતિની કાળજી જોકે ઉષાથી ક્યાં છૂપી હતી? એને નજરાવા દેવી ન હોય એટલે હસી લેતી. ‘ચાચા, તમારા દીકરાએ વહુ માટે નહીં, તેમની બધી ભાભલડીઓ દુકાને ખરીદી કરવા આવે તેમને રાહત આપવા કૂલર વસાવ્યું છે!

‘બોલો, ગ્રાહકો માટે આટલું કોણ વિચારે! એય મુંબઈ જેવા શહેરમાં!’ ચાચા ફિલસૂફી ડહોળતા, ‘બાકી અમારા વતનમાં તો ગરમીમાં મહોલ્લે મહોલ્લે પાણીની પરબ મંડાઈ જાય. સામે મુંબઈ શહેરની અવદશા જુઓ. આવડી મોટી, ધમધમતી ગલી, પણ પીવાના પાણીનું ફિલ્ટર સુધ્ધાં ન મળે. પૂછો અમૂલખને, સુધરાઈમાં કેટલી રજૂઆતો કરી, પણ હરામ બરાબર જો કોઈ સાંભળતું હોય...’

ઉષાને આનો અંદાજ હતો. પીવાનું પાણી ઘરથી લાવવું ફરજિયાત હતું. 

‘કોઈ બિચારું તરસ્યું હોય તો તેણે ફરજિયાત છેવાડેની આઇસક્રીમની દુકાને યા તો સામે ‘રામભરોસે’માં જવું પડે. મફતનું પાણી પીવા નાસ્તાનો ખોટો ખર્ચ વેઠવો પડે.’

નૅચરલી, હોટેલમાં કંઈ માત્ર પાણી પીવા ઓછું જવાય!

ચાચાના ગયા બાદ પણ આ મુદ્દો ઉષાના ચિત્તમાં ઘૂમરાતો રહ્યો.

‘અમૂલખ, મારા માટે તો તમે કૂલર મુકાવ્યું, પણ આપણે રાહદારીઓ માટે કંઈ કરી ન શકીએ?’

એ સમયે હજી પાણીની બૉટલ કે કેરબાનું ચલણ જામ્યું નહોતું. કાયમી ધોરણે પરબ ઊભી કરવાનું સુધરાઈના ક્ષેત્રમાં આવે... આપણે બહુ બહુ તો દુકાન બહાર પાણીનું એક માટલું મૂકી શકીએ, સાથે ડોયો ને પવાલું રાખવાનું. જેને તરસ લાગે એ ભલેને પ્યાસ બુઝાવે.

અમૂલખના ઉપાયે ઉષા ઝળહળી ઊઠી.

બીજે દહાડે દુકાને ન જતાં ઉષા માર્કેટમાં ગઈ. પચીસ-ત્રીસ લિટરની ક્ષમતાવાળું માટલું ખરીદ્યું. એને અનુરૂપ લોખંડનું ત્રણ પાયાનું સ્ટૅન્ડ લીધું. પ્લાસ્ટિકના કેરબા ખરીદ્યા. ઘરે ફ્રિજ હતું. એ રાત્રે ઉષાએ બેત્રણ વાટકા ભરી બરફ જામવા મૂક્યા.

‘તું તો સિરિયસલી મંડી પડી.’ અમૂલખે પત્નીની હોંશને બિરદાવી.

સવારે વહેલાં ઊઠી ઉષાએ પીવાના પાણીના કેરબા ભરી, બરફના ટુકડા નાખી ઠંડુંગાર થવા દીધું. માર્કેટ ખૂલવાનો સમય થાય એ પહેલાં પહોંચી પતિ-પત્નીએ દુકાનના ખૂણે સ્ટૅન્ડ ગોઠવી, ઉપર માટલું મૂક્યું. અમૂલખે ઠંડા કેરબા ઠાલવી દીધા. માટલાના મોઢા પર રકાબી ઢાંકી ઉષાએ પ્યાલો ઊંધો વાળ્યો: આજથી આપણી પરબ શરૂ!

‘આને સેવા કે જે ગણો એ, મેં માના નામ પર શરૂ કરી છે, આપણે આના પૈસા નહીં લઈએ, હોં અમૂલખ. લોકોની દુવા મળે, માના આત્માને તૃપ્તિ સાંપડે એટલે કર્યું સાર્થક.’

વાહ. કોણ કહે કે મહાનતા કેવળ મહાનુભાવોમાં જ સમાઈ છે? 

પછી તો દિવસ ચડતો ગયો એમ લોકોના ધ્યાનમાં માટલું આવતું ગયું. ખૂણો કરીને મૂક્યું હોઈ બાજુવાળાનેય અડચણરૂપ નહોતું. રાહદારીઓ પૂછતા જાય - આ પીવાનું પાણી છે? એના પૈસા ખરા? આજના જમાનામાં મુંબઈ જેવા શહેરમાં મફતનું કોઈને પોસાય નહીં એવું માનનારા થોડો અણિયારો પ્રશ્ન કરી લે - પાણીના બદલામાં તમારી દુકાનેથી કંઈ લેવાની શરત નથીને?

‘ના, ના. બસ, કેવળ પીવા માટે વાપરજો અને પાણીનો બગાડ ન કરતા.’

ઉષા કહેતી. પ્યાસ બુઝાવનાર વટેમાર્ગુના વદન પર અમૃત મળ્યાનો હાશકારો પ્રસરી જાય એમાં પતિ-પત્નીને માટલું મૂકવાની જહેમત ફળતી લાગી. મા-બાપ સાથે નીકળેલાં નાનાં બાલુડાંઓને ઘૂંટ ગળતાં જોઈ ઉષાના હૈયે પરિતૃપ્તિ છવાતી.

પછી તો માટલું આખા વિસ્તારમાં ‘ઉષાબહેનની પરબ’ તરીકે ખ્યાત થયું. ઉષાનો જીવ દુકાનથી વધુ માટલામાં રહેતો. ક્યારેક લોકોની અવરજવર વધુ હોય તો પાણી બપોર સુધીમાં ખૂટી જવાનો અડસટ્ટો તેને આવી જાય, એ દહાડે ખાસ રિક્ષા કરી ઘરેથી ઠંડા પાણીનો બીજો સ્ટૉક લઈ આવે - આપણા આંગણેથી કોઈ તરસ્યું ન જવું જોઈએ! ઉનાળો જ નહિ,  બારેમાસ; અરે રવિવારે માર્કેટ બંધ હોય તો પણ સવારે પાણી લઈને જવાનું એટલે જવાનું - દુકાનો બંધ રહેવાથી રાહદારીઓનો આવરોજાવરો ઓછો અટકવાનો! સોસાયટીવાળાને પણ વર-બૈરીની સેવાની નવાઈ લાગતી. સદ્ભાગ્યે અહીં પાણીની છૂટ હતી એટલે વાંધો લેવા જેવું હતું નહીં.

જોકે પછી સમય બદલાયો…

અત્યારે દેવપૂજામાંથી પરવારતાં ઉષાબહેને કડી સાંધી:

ગ્લોબલાઇઝેશનના પગલે સરેરાશ ભારતીયનાં મૂલ્યોથી માંડી રહેણીકરણી બદલાતી ગઈ. ‘શણગાર’ પણ થોડી આધુનિક બની. સાસુ-વહુની સિરિયલોને કારણે ઇમિટેશન જ્વેલરીના ધંધામાં ઉછાળો આવ્યો, એની ખુશીથી વિશેષ ઉષાને દુ:ખ એ રહેતું કે પાણી પાઉચમાં મળતું થયું! લોકો બિસલરીની ખાલી બૉટલમાં ઘરનું પાણી ભરીને નીકળતા થયા. માટલાના પાણીને કોઈ અનહાઇજેનિક કહી જાય ત્યારે પિસ્તાલીસીમાં પ્રવેશેલાં ઉષાબહેન સમસમી જતાં. પછી માટલાના સ્ટૅન્ડ પર બોર્ડ મૂક્યું - આ વૉટર પ્યૉરિફાયરનું શુદ્ધ પાણી છે!

આ પરિવર્તનો છતાં, અલબત્ત, માટલું દિવસના છેડે ખાલી તો થઈ જ જતું. અર્થાત્ લોકોની પ્યાસ બુઝાવે છે એટલું સત્ય ઉષાબહેન માટે પૂરતું હતું.

વસમો વખત 3 વરસ અગાઉ આવ્યો... અમૂલખને કમળો થયો, એમાંથી લીવર બગડ્યું ને દર મહિને વિકરાળ થતી બીમારી છેવટે તેમના પ્રાણ લઈને જ રહી!

એ વરસો ઉષાબહેને બધું ભૂલી પતિની સેવામાં ગાળ્યાં. તેમના આકરાં વ્રત-ઉપવાસ છતાં વખત વર્તી ગયેલા અમૂલખે ‘શણગાર’નો સોદો કરી નાખ્યો. મૂડીનું એવુ વ્યવસ્થિત રોકાણ કર્યું કે પોતાના બાદ ઉષાને આર્થિક રીતે જરાય તકલીફ ન પડે. ઉષાબહેન માટે આ બધું ગૌણ હતું - મને મૂકીને તમે ન જતા, અમૂલખ...

પણ જનારા ક્યાં કદી અટક્યા છે? અમૂલખ ગયા, પત્ની પાસે ખુશી-ખુશી જીવવાનું વચન લઈને ગયા. ધીરે-ધીરે ઉષાબહેને જાતને વ્યસ્ત કરવાના યત્નો માંડ્યા- ખુશીથી જીવવાનું અમૂલખને આપેલું વચન તો મારે નિભાવવું રહ્યું.

પાડોશની બહેનો સાથે લાફિંગ ક્લબમાં જવું શરૂ કર્યું. સાંજે ગાર્ડનમાં વૉક લેવા જતાં, આમાં એક વાર મનસૂરચાચા ભટકાઈ ગયા. તેમની જોકે ઉંમર થયેલી, પણ શરીરે નરવા અને હજુય ક્યારેક દીકરાઓ જોડે દુકાને બેસતા.

‘ત્યાં કામ તો શું હોય, ઓટલે બેઠો જૂના દિવસોને સંભારી રહું... તમારી દુકાન પાછી વેચાઈ, હવે ત્યાં સ્ટેશનરી શૉપ છે. કોલ્ડ્ર ડ્રિન્કવાળો બંધ થઈ ગયો, પણ ‘રામભરોસે’ આજેય સદાબહાર છે. ત્યાંય નવી પેઢી આવી જે આપણને ઓળખેય નહીં.’ ચાચાએ ડોક ધુણાવેલી, ‘એમ તો તમે ગયાં પછી ત્યાં માટલુંય કોણે મૂક્યું?’

માટલું. ઉષાબહેનને ભીતર જુદો જ સળવળાટ થયો, પૂછી લીધું - ચાચા, મારે ફરીથી માટલું મૂકવું હોય તો જગ્યા મળી રહે ખરી?

‘કેમ ન મળે? સ્ટેશનરીવાળા ધીરેનભાઈ ઉમદા ઇન્સાન છે, અને એ જગ્યા ન દે તો અમારી દુકાનનો ઓટલો તારો. ’

ઉષાબહેનની કીકીમાં ચમક ઊભરાઈ. નિર્ણય ઘૂંટાયો. 

બીજે દહાડે ફરી નવી સામગ્રી લઈ ચોરગલીમાં પહોંચ્યાં. કેટલાં વરસે પોતે આવ્યાં. કંઈકેટલાં સ્મરણ તાજાં થઈ ગયાં. ઉષાબહેન ‘શણગાર’ના સ્થાને શરૂ થયેલી ‘સુરીલી સ્ટેશનરી’ના ઓટલે ગોઠવાતાં સુધીમાં સંવેદનાભીનાં થઈ ચૂક્યાં.

દુકાનના નવા માલિક આધેડ વયના ધીરેનભાઈની પાછળ જ ચાચાએ દેખા દીધી. ઉષાનો પરિચય આપી પરબ માટેનું એનઓસી પણ મેળવી આપ્યું.

અને બસ, આજકાલ કરતાં ૬ મહિનાથી ગલીમાં માટલું માંડ્યું એ કેવળ દિવસ પસાર કરવા નહીં, મા પછી પતિ પાછળની આ સેવા હતી. મોટા કેરબા ઊંચકાય નહીં એટલે ઉષાબહેન દસ-દસ લિટરની પાણીની બૉટલ્સ ભરીને નીકળતાં, માટલું ભરી એની બાજુમાં જ કોઈને નડે નહીં એમ, નાનકડા ફોલ્ડિંગ સ્ટૂલ પર ગોઠવાતાં. તરસ્યું જણ આવે તેને હોંશથી ઊભાં થઈ પાણી પીવડાવતાં; એના પૈસા આજે પણ લેવાના નહીં.

અલબત્ત, હવે જોકે વૉટર પ્યૉરિફાયર પ્લાન્ટવાળા દસ-વીસ લિટરના જગ ભાડે ફેરવે છે એ મોટા ભાગની દુકાને રહેતા. કોઈ વળી ઉષાબહેનને કહેતું પણ - તમે આમ રોજ ૨૦-૩૦ કિલોની બૉટલ્સ ઊંચકીને લાવો છો એના કરતાં આવા બે જગ જ મગાવી લેતાં હો તો!

ઉષાબહેન કહેવાનું ટાળતાં કે જગની કિંમત મોંઘી પડે. ના, અમૂલખભાઈના વ્યવસ્થિત આયોજનને કારણે તેમને આર્થિક અગવડ નહોતી, તોય વ્યાજની આવકમાં જીવનારે ગણતરીઓ કરવી ઘટે. હાથ-પગ ચાલે છે ત્યાં સુધી બાટલા ભરવા-લાવવામાં જાત ઓછી ઘસાઈ જવાની!

અને ખર્ચાનું બહાનું, ખરેખર તો ઍક્વાગાર્ડમાંથી પાણીની બૉટલ ભરવામાં, એને ફ્રિજમાં ઠંડી કરવામાં પણ ઉષાબહેનને સુખ વર્તાતું, એ કેમ છોડાય? સલાહ આપનારને મૃદુ હસી કહી દેતાં,

‘જગના પાણીમાં માટલાના પાણી જેવી મીઠાશ કે ઠંડક ક્યાં?’

તાપ તડકો જોયા વિના તરસ્યા લોકો માટે પાણી લઈને આવતાં, નિ:સ્વાર્થભાવે પરબ ચલાવતાં ઉષાબહેનની આભા વંદનીય લાગતી, તેમનું હુલામણું નામ જ ‘વૉટરવુમન’ પડી ગયું. કોઈ વળી જળપૂર્ણાય કહી જતું.

આજની સોમની સવારે પણ ઉષાબહેને ચોરગલીમાં જવાની તૈયારી આરંભી ત્યારે જાણ નહોતી કે આજનો દિવસ કેવો નીવડવાનો!

(ક્રમશ:)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK