કથા-સપ્તાહ : જોખમ (ઝિંદગી કા સફર - ૪)

Published: 9th August, 2012 05:32 IST

‘આવો, આવો કાકીમા.’ દેવગઢના રાજવી મહેન્દ્રસિંહજીના જુહુના દરિયાકાંઠે આવેલા બંગલે બર્થ-ડે પાર્ટીની રોનક જામી ચૂકી હતી.

 

 

અન્ય ભાગ વાચો

 12  |  3  |  4

 

સમીત (પૂર્વેશ) શ્રોફ

 

‘આવો, આવો કાકીમા.’


દેવગઢના રાજવી મહેન્દ્રસિંહજીના જુહુના દરિયાકાંઠે આવેલા બંગલે બર્થ-ડે પાર્ટીની રોનક જામી ચૂકી હતી.


આશરે સવાસો જેટલા મહેમાનોના સ્વાગત માટે બર્થ-ડે બૉયના પેરન્ટ્સ ખડેપગે ઊભા હતા. હૉલમાંથી સીધું પછવાડેની લૉનમાં જવાનું રહેતું, જ્યાં આકર્ષક શામિયાણો સજાવાયો હતો. રંગબેરંગી લાઇટિંગ્સ, બલૂન્સની સજાવટ, બાળકો માટે નાનકડા મૅરી ગો-રાઉન્ડ ઉપરાંત જમ્પરની સવલત... સ્નૅક્સ, ડ્રાયફ્રૂટ્સ, કૉલ્ડ-ડ્રિન્કની લહાણી, એક તરફ બુફેનાં કાઉન્ટર્સ, તો છેવાડેની ખુરસીની બેઠક પર ગોઠવાઈ કમ્પાઉન્ડ વૉલની બીજી બાજુ ઘૂઘવતા સમંદરનું દર્શન કરવાનો લહાવો!


‘કહેવું પડે, કામિની.’


ઝૂકીને પોતાને આવકારતાં દીકરી-જમાઈને આશિષ પાઠવી મીનળદેવીએ હરખ જતાવ્યો, ‘પાર્ટીની તૈયારી જોરદાર છે. મારાં ગ્રૅન્ડચિલ્ડ્રન આવ્યાં હોત તો ખુશ થઈ જાત.’


પ્રવેશદ્વારથી લૉન સુધી મહેમાનને દોરનારા સ્ટુઅર્ડે‍સ કાટૂર્ન કૅરૅક્ટર્સની વેશભૂષામાં હતા એ જોઈ મીનળદેવી પોતે ઝૂમી ઊઠ્યં, ‘હું તો મારા ફેવરિટ જેરી સાથે જઈશ!’


સાંભળીને મલકતી કામિનીએ મીનળદેવીનો હાથ પકડ્યો, ‘રાજમાતા, તમે તો તમે જ!’


‘રિયલી, રાજમાતા,’ અનુજસિંહે હાથ જોડી કૃતજ્ઞતા દાખવી, ‘આપ પધાર્યા એ બહુ ગમ્યું.’


‘બસ, બસ...’ મીનળદેવીએ પોતાનાં વખાણ પર બ્રેક મારી, ‘બાળકની પાર્ટી બાળક બની માણો તો જ મજા આવવાની! કામિની, માની લઉં, જેઠજી લૉનની બેઠકે જ હશે.’


‘જી, કાકીમા...’ કામિનીએ ઉમેર્યું, ‘ઇનફૅક્ટ, તમે આવવાનાં છો જાણી બહુ રાજી થયેલા - અમારી મીનળવહુ જગદંબા જેવી છે, તેના આગમને સૌ સારું થવાનું!’


સૌ સારા થવાના વાક્યપ્રયોગને મીનળદેવીએ પાર્ટી રંગેચંગે પતવાની એ જ અર્થમાં લીધો.


‘પ્રણામ જેઠજી!’


લૉનની બેઠકે, વ્હીલચૅરમાં બેઠેલા મહેન્દ્રસિંહને પાયલાગણ કરી મીનળદેવી બાજુની ખુરસીમાં ગોઠવાયાં, નાનાજીના ખોળામાં બિરાજતા બર્થ-ડે બૉય કુમારને અઢી તોલાની સોનાની ચેન ચડાવી ઓવારણાં લીધાં. પોતાના કૅરક્ટરને ઇશારાથી બોલાવી મહેન્દ્રસિંહે કુમારને બાળકો જોડે રમવા મોકલ્યો એટલે આસપાસ રાજમાતા સિવાય કોઈ રહ્યું નહીં.


‘લાગે છે, આપ તબિયતનું ધ્યાન નથી રાખતા, જેઠજી, જોકે છેલ્લે આપણને મળ્યે ખાસ્સું દોઢેક વરસ થયું હશે, પરંતુ ત્યારે તમે ચાલી શકતા, ખબરદાર હતા.’


‘ચાલી તો હું અત્યારે પણ શકું છું, મીનળવહુ, આ તો મહિના અગાઉ બાથરૂમમાં બેસી પડાયું એમાં સદ્ભાગ્યે ઇન્જરી તો ન થઈ, પણ કોઈ રિસ્ક લેવા માગતી ન હોય એમ કામિનીએ વ્હીલચૅર વળગાડી દીધી છે : પડી-આખડીને દુ:ખી થવા કરતાં જાતને જાળવીને જીવેલા સારા!’ હિઝ હાઇનેસ પોલું હસ્યા, ‘આખરે ઉંમર પણ થઈને! ૬૦નો તો થયો.’


‘એ કંઈ એટલીયે ઉંમર ન ગણાય... કામિનીને હું સમજાવીશ, કાળજી રાખવી એક વાત છે ને ગભરાઈને જીવવું બીજી બીના છે! વ્હીલચૅરને કારણે તમારો આત્મવિશ્વાસ છિન્નભિન્ન થયેલો જણાય છે મને.’


‘તું સાચે જ પારખુ નજર ધરાવે છે, મીનળવહુ...’ કહી તે ચૂપ થઈ ગયા, જાણે કંઈક વિચારતા હોય. આજુબાજુ જોતાં મીનળદેવીને ઝબકારો થયો,


‘અરે, જેઠજી, દીવાનજી નથી આવ્યા?’


દિનકરરાય દીવાનજી દેવગઢ સ્ટેટના મુખ્ય કારભારી હતા. મહેન્દ્રસિંહથી પાંચેક વરસ નાના, નમકહલાલીમાં બેજોડ અને મહારાજાના પરમ વિશ્વાસુ. મહેન્દ્રસિંહે જમાઈને સત્તા સોંપી તોય દીવાનજીનું સ્થાન નહોતું બદલાયું. અનુજસિંહ પોતે તેમને ખૂબ માનતા એનો મીનળદેવીને ખ્યાલ હતો.


‘તેમના બન્ને પુત્રો વિદેશ સ્થાયી થઈ ચૂક્યા છેને? પરંતુ પત્ની રુãક્મણીને લઈને તો દીવાનજી આવી જ શકે...’


‘તે બિચારાથી આવી શકાય એમ નથી...’ મહેન્દ્રસિંહના સ્વરમાં લાચારી ટપકી, ‘મીનળ, મહિના અગાઉ હું બાથરૂમમાં અમસ્તો નહોતો પડ્યો, દીવાનજીના ખબર સાંભળી મને ટેન્શન થઈ જતાં પ્રેશર વધી ગયેલું...’


હે ભગવાન! અમંગળ સાંભળવાની ધાસ્તી હોય એમ મીનળદેવીએ હોઠ કરડ્યો. ‘પૅલેસના કામે વડોદરા ગયેલા દીવાનજી દેવગઢ પરત થતા હતા ત્યાં તેમની કાર ટ્રકની અડફટે ચડતાં બે-ત્રણ ગુલાંટ મારી ગઈ, ડ્રાઇવર શંભુ સ્થળ પર મરણ પામ્યો, દીવાનજી હજી સ્ટેટ હૉસ્પિટલના સ્પેશ્યલ રૂમમાં કોમામાં છે અને ટ્રકડ્રાઇવરનો કોઈ પત્તો નથી!’


મહારાજા હાંફી ગયા, વ્હીલચૅરના હાથા પર મૂકેલા નૅપ્કિનથી મીનળદેવીએ તેમના ચહેરે બાઝેલો પ્રસ્વેદ લૂછ્યો. આંખોમાં ટપકતી વેદના પણ આ રીતે લૂછી શકાતી હોત તો!


‘હિંમત રાખો, જેઠજી, દીવાનજી જરૂર સાજા થવાના. ભલા માણસ સાથે ઈશ્વર બૂરું તો નહીં જ કરે.’


‘આ સાંત્વના મને ઠગારી લાગવા માંડી છે, મીનળ. તું માને છે એટલું સરળ નથી...’


‘તમે એટલું માનજો, કોઈ પણ કટોકટીમાં હું તમારી સાથે છું...’ મીનળદેવીએ મહેન્દ્રસિંહનો પહોંચો દબાવ્યો, ‘મારા મોટા દીકરાને વિદેશના ડૉક્ટર્સ જોડે ઓળખાણ છે, દીવાનજીની સારવારમાં કચાશ નહીં રહેવા દઈએ.’
મહેન્દ્રસિંહે ડોક ધુણાવી, પોતે ખૂલીને કહી શકતા નથી, ને કહ્યા વિના મીનળ સમજે કેમ?


‘સવાલ સારવારનો નથી, મીનળ, દીવાનજીને...’ તેમનું વાક્ય અડધે અટકી ગયું, કેમ કે...


‘મને અનુજે કહ્યું જ કે પપ્પા દીવાનજીની જ વાતો કરતા લાગે છે!’ કામિનીના ટહુકાએ મહેન્દ્રસિંહે નિ:શ્વાસ નાખ્યો. મીનળદેવી બોલી પડ્યાં, ‘દીવાનજીના ઍક્સિડન્ટના સમાચારે મને ધક્કો લાગ્યો તો જેઠજી પર શું વીતી હશે એ કલ્પી શકાય એમ છે.’


‘કબૂલ કાકીમા, પણ એકની એક વાતોથી તેમનું બ્લડપ્રેશર વધે છે. મને એની ચિંતા છે.’


કામિની ઘૂંટણિયે બેઠી, ‘મહિનામાં તો શું હાલત કરી નાખે છે તેમણે! કેટલું કહું છું, મારી સાથે દેવગઢ ચાલો... આખરે તે રાજ તમારું, મહેલ તમારો! અનુજ પણ કહીને થાક્યા, પરંતુ ધરાર જો તમારા જેઠજી માનતા હોય! કહે છે, બધું દીકરીને સોંપ્યા પછી એ ઘર દીકરીનું થયું, મારાથી દીકરીના ઘરે રહેવા ન જવાય!’


કામિનીના શબ્દોમાં અલબત્ત, પિતા પ્રત્યેનો ગર્વ જ પ્રગટ્યો.


‘તમે જ સમજાવોને, કાકીમા, પપ્પા દેવગઢ આવશે તો કારભારમાં ચિત્ત પરોવાયેલું રહેશે, એ બહાને અનુજનોય વર્કલોડ થોડો ઓછો થશે. દીવાનજી ઘવાતાં સૌથી મોટો ફટકો તો અનુજને પડ્યો છે.’


‘હું તેમને ચોક્કસ સમજાવીશ, કામિની, અને તેમણે દીકરીને ત્યાં રહેવા ન જવાનો રાજપૂતી રિવાજ તોડવો ન જ હોય તો થોડા દિવસ મારે ત્યાં લઈ જઈશ, ખુશ?’ કહી મીનળદેવીએ સહેજ દૂર ઊભા રહેલા જમાઈને સાદ પાડ્યો, ‘અનુજસિંહજી, આ પળે ચિંતાઓ ત્યજી આપણે કેક-કટિંગ સેરેમની શરૂ કરીએ?’


અનુજ એની તૈયારીમાં ગૂંથાયો એ દરમ્યાન મીનળદેવીએ કામિનીને પૂછી લીધું, ‘મને તો હતું કે પાર્ટીમાં રવિ ખન્નાને પણ મળવાનું બનશે.’


ખરેખર તો તેમણે તર્જની-કેતુની ઉત્કંઠતાને વાચા આપી હતી. દેવગઢના રાજવી રવિ ખન્નાના પાડોશી હોવાનું જાણી જાસૂસબેલડીએ થિ્રલ અનુભવેલી : પાર્ટીમાં અલપઝલપ મળ્યે સંતોષ નહીં થાય, તેમની જોડે સુપરડુપર હિટ ફિલ્મોની દંતકથાસમી લોકપ્રિયતાની, અવિસ્મરણીય સંગીતની કેટલીયે વાતો કરવી છે, એ માટે ફરી ક્યારેક મહેન્દ્રસિંહજીની પાડોશી-વગનો ઉપયોગ કરી મળવાનું ગોઠવીશું, રાજમાતા!


જોકે રવિ પાર્ટીમાં નથી આવવાનો એ રાજમાતાએ અત્યારે જાણ્યું, ‘રવિ ખન્નાને અમે ઇન્વિટેશન સુધ્ધાં નથી આપ્યું, કાકીમા, કેમ કે અલિપ્ત રહેતા અદાકારને આડોશ-પાડોશની કશી દરકાર જ નથી! વચમાં અનુજ જોડે હું અમસ્તી મળવા જઈ ચડી તો નારાજ થઈ ગયેલા : તમે મારા નેબર્સ છો જાણી ખુશી થઈ, પણ પ્લીઝ, ફરી પધારો તો કૉલ કરીને આવજો! હાઉ રૂડ!’


‘આમ જુઓ તો આમાં ખોટું શું છે, કામિની?’ મીનળદેવી તટસ્થ રહ્યાં, ‘આપણે ગામમાં વાટકીવહેવાર જોવા ટેવાયા છીએ, મુંબઈની હાઈ સોસાયટીમાં પાડોશીને ત્યાં પણ કૉલ કરીને જવાની સભ્ય સમાજની રીત જાણીતી હશે.’
‘એ જે હોય તે, વરસથી તેને ત્યાં આરોહી નામની બાઈએ ધામા નાખ્યા છે, મારાથી થોડીક જ મોટી હશે... વચમાં છાપામાંય આવ્યું’તું કે બન્ને લિવ-ઇનથી રહે છે, બોલો! મેં ત્યારના કાન પકડ્યા - સ્ટાર્સને માત્ર પડદા પર જોવા, તે ત્યાં જ સારા લાગે!’


જેવી જેની દૃષ્ટિ! રાજમાતા બીજું કહી પણ શું શકે?


* * *


બગીચામાં આંટા મારતા રવિના કાને બાજુની લૉનમાં ચાલતી પાર્ટીનો શોરબકોર સાફ સંભળાતો હતો. એક જમાનામાં આ બગીચામાં મહેફિલો થતી... કુંવારી અવસ્થાના એ ગોલ્ડન ડેઝમાં એકાદે ટિપ્પણી પણ કરેલી: ખન્નાસાહેબ, તમે બંગલાની દીવાલને સમાંતર એટલાં ઊંચાં વૃક્ષો રોપાવ્યાં છે કે આજુબાજુવાળા ફેવરિટ સ્ટારની ઝલક ન પામી શકે, અરે, ધારો તો તમે ખુલ્લામાં હનીમૂન પણ માણી શકો એમ છો!


અને ખરેખર એક રાત્રે પોતે અનુષ્કા જોડે અહીં ખુલ્લેઆમ... રવિના ચહેરા પર લોહી ધસ્યું.


‘અરે, રવિ, તમારું બદન તો ધગે છે!’ સાથે ચાલતી આરોહી ચોંકી, ‘તમે રૂમમાં આરામ કરો...’


(રૂમમાં ગોંધી તું મને એકલોઅટૂલો બનાવી દેવા માગે છે?) રવિએ જીદભેર નકાર ઉચ્ચાર્યો, ‘હું અહીં કમ્ફર્ટેબલ છું.’


ત્યારે તે ડૉક્ટરને જાણ કરવા દોડી. ક્યાંક ડૉક્ટર સાથે મળી તે મને ઝેરી ઇન્જેક્શન દેવાની યોજના બનાવતી હોય તો... રવિએ ભીંસ અનુભવી.


* * *


કેક કપાઈ, સંગીતખુરસી જેવી રમતોનો દોર ચાલ્યો, પછી જમણવાર શરૂ થયો. ભોજન પતાવી મીનળદેવી પાણીના કાઉન્ટર તરફ વળ્યાં, ત્યાં... તેમના પગ આગળ કશુંક પડ્યું.


અરે, આ તો ચિઠ્ઠી જેવું કંઈક છે! અને ફેંકનારે મારા નિશાને જ મારી છે!


ચોતરફ માનવમહેરામણ હતો. આસપાસ ફરતી તેમની નજર કમ્પાઉન્ડ વૉલ પર ગઈ એવો જ પેલાએ ચહેરો ફેરવી લીધો.


રવિ ખન્ના!


કલાકારને એક નજરમાં પારખી ગયેલાં મીનળદેવી અવઢવમાં પડ્યાં : રવિ મને શું કામ ચિઠ્ઠી ફેંકે? ઝટ વાંકાં વળી તેમણે ગૂંચ વાળેલો કાગળ ઊંચક્યો, ગડી ખોલી, એમાં અંગ્રેજીમાં એક જ વાક્ય લખ્યું હતું, જેણે મીનળદેવીને હેબતાવી મૂક્યાં : મારી જિંદગી જોખમમાં છે!


થથરી ઊઠ્યં મીનળદેવી. પોતાનો જીવ જોખમમાં હોવાનો અણસાર માણસ અજાણ્યાને ક્યારે આપે?


- જ્યારે જોખમ જાણીતા તરફથી હોય ત્યારે! શું રવિને તેની ફૅમિલી તરફથી, અરે, તેની જોડે રહેતી આરોહી તરફથી જાનનું જોખમ હશે? ભયાનક ભેદ હાથ લાગ્યો હોય એમ મીનળદેવીનું કાળજું ચૂંથાવા લાગ્યું. દોડીને તે કમ્પાઉન્ડ વૉલ નજીક પહોંચ્યાં, પરંતુ બાજુમાં જોવા માટે થોડું ઊંચાં થવું પડે એમ હતું - એને માટે ખુરસી ખેંચવાની મારી ચેષ્ટા સૌનું ધ્યાન ખેંચશે, એમાં જો ચિઠ્ઠીનો ભેદ ખૂલી ગયો તો વાત મિડિયામાં લીક થયા વિના ન રહે... ના, હવે આ કેસ ચુપકેથી કેતુ-તર્જનીને સોંપવામાં જ શાણપણ છે!


અને તેમણે કેતુને ફોન જોડ્યો.


* * *


રવિને લાગ્યું, જાણે પોતે ભઠ્ઠી પર શેકાઈ રહ્યો હોય... શું આરોહીએ મને જીવતેજીવ અગ્નિદાહ આપ્યો? વાય આરોહી, વાય... રવિનો શ્વાસ ખેંચાવા લાગ્યો. છાતીના ડાબા ભાગમાં અસહ્ય વેદના વર્તાઈ. આંખો ખોલી તેણે નજર ઘુમાવી. શયનકક્ષમાં પ્રવર્તતો રાતા રંગનો પ્રકાશ રાત્રિસમય સૂચવી રહ્યો છે. દીવાલઘડિયાળમાં અગિયાર થયા છે કે બાર? ઓ...હ! તે તરફડ્યો. ત્યાં પોતાના પર ઝળૂંબતી આરોહી દેખાઈ : રવિ, રવિ, શું થાય છે તમને?


ઊંડી ગુફામાંથી તેનો અવાજ આવતો હોય એવું લાગ્યું : ડૉક્ટરને કૉલ કર્યો છે, ડૉ...ન્ટ વ...રી... એવરીથિગ ઇઝ ગોઇંગ ટુ બી ઑલરા...ઇટ!


રવિની કીકીમાં ચમક ઊપસી, પછી તેણે ભાન ગુમાવ્યું.


* * *


‘રવિ ખન્ના પર હૃદયરોગનો હુમલો!’


બીજી સવારે છાપાં-ટીવીમાં નાના પાયે ખબર ચમકી ત્યારે, અંધેરીની વિખ્યાત કલાવતી હૉસ્પિટલના આઇસીયુમાં રવિ ખન્નાને હજી હોશ આવ્યા નહોતા.


‘ધ કેસ ઇઝ મોર કૉમ્પ્લિકેટેડ, બિકૉઝ...’ ડૉ. શાહ ખન્નાના જમાઈને તેમની કૅબિનમાં સમજાવતા હતા, સાંભળીને અમન ખુદ નર્વસ થતો હતો : ઓહ ગૉડ, મમ્મી તો ઠીક, આરાધના આ ન્યુઝ કઈ રીતે પચાવી શકશે?
અને આરોહી? અમનનાં જડબાં સહેજ તંગ થયાં.


* * *


રવિએ આંખો ખોલી. નર્સની પરવા કર્યા વિના આરોહી તેને બાઝી, ‘થૅ...ન્ક ગૉડ, તમે પાછા આવ્યા!’ તેણે આંસુ લૂછ્યાં, ‘હું બહાર બધાને...’

 

જવા જતી આરોહીનો હાથ રવિએ પકડ્યો. એ જ વખતે આઇસીયુનો દરવાજો ખૂલ્યો. અનુષ્કા ભીતર પ્રવેશી, પાછળ તર્જની.

 

(આવતી કાલે સમાપ્ત)

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK