Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 4)

કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 4)

07 March, 2019 02:40 PM IST |
સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 4)

જવાની

જવાની


આગ કા દરિયા...

‘આસ્તિકે આજે મારા ભૂતકાળનો એ ખંડ જીવંત કરી દીધો જેને વરસો અગાઉ હું દફનાવી ચૂકી હતી.’ દીવાનખંડમાં ગોઠવાતાં અવનિએ ઊંડો શ્વાસ લીધો.



થોડી વા૨ પહેલાં આસ્તિકને ત્યાંથી ભાગી છૂટેલી અવનિને પાર્કિંગમાં કાર આગળ બ્રેક લાગી ગયેલી. પાછળ જ અનિલ-જ્હાનવી આવી પહોંચેલાં. વળતી સફરમાં કોઈ કંઈ બોલ્યું નહીં. જોકે અનિલ-જ્હાનવીની નજરમાં અનેક સવાલો ઊમડી રહ્યા છે. એનો ખુલાસો મારે કરવો રહ્યો! આસ્તિકે કોઈ વિકલ્પ રહેવા ક્યાં દીધો છે?


એની શરૂઆતે જ જ્હાનવી ખળભળી ઊઠી, ‘ખરેખર તારો કોઈ લવર હતો મૉમ? શેમ. પપ્પા સિવાય તું કોઈને ચાહી પણ કેમ શકે?’

દીકરીના પ્રશ્ને પતિ-પત્નીની નજરો મળી, છૂટી થઈ. અનિલે ચહેરો સહેજ ફેરવી લીધો. ભીતર રોષ ભભૂકતો હતો. જેને પ્રાણોથી પ્યારી માની એ પત્નીનું કોઈ અજાણ્યું પાસું હોય એ સ્થિતિ જ ૨૨-૨૩ વરસના સથવારાને ધોઈ મૂકનારું હતું. એ ગતખંડ બીજા પુરુષ દ્વારા ખૂલે ને એમાં કોઈ ત્રીજો જ પુરુષ સામેલ હોય એ બધું કેટલું અસહ્ય હતું!


અનિલના મુખ ફેરવવામાં અવનિને પોતાનું સુખ મોં ફેરતું લાગ્યું. હળવો નિસાસો જ નાખી શકી તે.

‘સાચું કહ્યું તેં જ્હાનવી, તારા પિતા સિવાય કોઈ પુરુષને હું ચાહી ન શકું...’ અવનિના સ્વરમાં ટંકાર હતો, ‘પણ અમૃતની તલાશમાં ક્યારેક વિષ હાથ લાગી જાય એવું પણ બનેને. ખાસ કરીને ચડતી જવાનીમાં.’

અવનિએ સ્મરણપટારો ખોલ્યો. નજર સમક્ષ દૃશ્યો ઊપસતાં ગયાં.

‘નામ તેનું રાજ. જુહુ ગલીમાં પપ્પાના ફ્લૅટની સામી દિશામાં આવેલા ગૅરેજમાં તે મેકૅનિકનું કામ કરે. સોસાયટીની સામે ગૅરેજ હોય એ બિલ્ડિંગમાં ઘણાને ન ગમતું, પણ મને તો રાહત લાગતી. હાઈ સ્કૂલમાં જ પપ્પાએ મને મોપેડ અપાવેલું. એની સર્વિસ સામે જ કરાવાની સહૂલિયત મળતી. અરે, મારે ગાડી આપવા જવાની જરૂર ન પડતી. રાજ ખુદ ઘરે આવી ચાવી લઈ જતો - મૂકી જતો. મને થતું, તે કેવો હેલ્પફુલ છે! હું રાજભાઈ કહીને તેનો આભાર માનું તો મલકી લે - મને માનથી ન બોલાવ, કેવળ રાજ કહીશ તો ચાલશે.

‘તેનો તુંકારો મને મીઠો લાગતો. તેનું સ્મિત મને આકર્ષતું. કૉલેજ જતી થયા પછી દર બીજે દહાડે મોપેડમાં હવા ઓછી થઈ જતી. રોજ હું ગૅરેજ પર આવું એ માટે રાજ જ આવી હરકત કરતો એ જાણ્યા પછી ગુસ્સે થવાને બદલે તેની ચેષ્ટા પ્રણયફુલ જેવી સુગંધિત લાગી. બી.એ. ભણનારી હું દસમી પાસ મેકૅનિકના મોહમાં તણાતી ગઈ. ગૅરેજના માલિકે રાખેલી ભાડાની ઓરડીમાં દસ કારીગરો સાથે રહેતા અનાથ જુવાનને ચાહવામાં કે પછી તેની ચાહત કબૂલ રાખવામાં ઊણપ ન જોઈ. પ્યાર અમીરી-ગરીબી નથી જોતો એવી વાતો ખુમાર પ્રે૨તી. તારી ઝૂંપડી પણ મહેલ જેવી લાગશે એવું કહેવામાં સમર્પણનો નશો ચડતો.’

‘તારાં માબાપ આપણો સંબંધ સ્વીકારશે નહીં, મારી સાથે ભાગી શકીશ?’ તે પૂછતો ને હું કહેતી - ભાગીશ, પૃથ્વીરાજની જેમ મને હરી લઈ જા! બસ, પછી તો પ્લાન ઘડાઈ ગયો. મારી કૉલેજ પૂરી થવા પર હતી. ડિગ્રી મળતાં જ મા મને પરણાવી દેવાની હતી અને તે રાજ તો ન જ હોય! જમાઈ તરીકે મારા પેરન્ટ્સ તેને અપનાવી ન શકે એટલે તેમને અંધારામાં રાખીને હું રાજ સાથે ભાગી. તેણે પઢાવી રાખેલું એમ માની તિજોરીમાં રહેતાં તેનાં ઘરેણાં-કૅશ લઈને ભાગી. આબુની યાત્રા દરમ્યાન માબાપને છોડવાની વ્યથા ઘૂંટાતી તો રાજ આશ્વસ્ત કરતો : પરણીને આપણે તેમના આશિષ પહેલાં લેવાના, જોજેને. તેઓ ઉદારજીવે મને પણ હવે અપનાવી લેશે. તે કહેતો ને હું માની લેતી. અમે આબુ પહોંચ્યા ત્યારે સાંજ ઢળી ગઈ હતી. હોટેલમાં રૂમ રાખી બીજી સવારે અમે મંદિરમાં પરણી જવાના એના ખુમારમાં અમે સૂતા...’

અવનિ અટકી. કથાપ્રવાહમાં તણાતા અનિલનાં જડબાં વળાંકની કલ્પનાએ તંગ થયાં, જ્હાનવી ધૂંધવાતી નજરે માને તાકી રહી.

‘જાણું છું, મારું હવે પછીનું બયાન માનવું મુશ્કેલ લાગશે, પણ એ હકીકત છે કે રાજના અતિ આગ્રહ છતાં વિના લગ્ને શરીરની મર્યાદા ઓળંગવા હું તૈયાર થઈ નહોતી.’ અવનિની આંખોમાં નિલતા હતી. પોતે રાજ સાથે મર્યાદા ઓળંગી જ નથી પછી થડકો પણ કેમ હોય?

લો, કર લો બાત! જ્હાનવીના ચહેરા પર ભાવ ઊપસ્યો. અનિલે હોઠ કરડ્યો : અમારી સુહાગરાતે તેનું કૌમાર્ય અખંડ હોવાનું સિદ્ધ થયું હતું એ તો સાચું. એથી જોકે પરપુરુષ સાથે ભાગવાનો દોષ ઓછો કમ થવાનો?

‘ખેર, બીજી સવારે મંદિરમાં પરણવાનું શમણું પંપાળતી હું બેડ પર સૂતી. રાજ ફર્શ પર...’ અવનિ સહેજ હાંફી ગઈ. ‘સવારે નીંદ ખૂલી ત્યારે રૂમમાં રાજ નહોતો. ખરેખર તો મારાં ઘરેણાં-કૅશ લઈને રફુચક્કર થઈ ગયેલો!’

ઓહ!

‘તેને ન ભાળીને રઘવાઈ હું હોટેલમાં ફરી વળી. રિસેપ્શન પરથી જાણ્યું : તમારા પતિ અર્જન્ટ કામે નીકળી ગયા છે, પેમેન્ટ તમે કરી દેશો એમ કહ્યું છે. સાંભળીને મૂક-બધિર જેવી બનેલી હું રૂમ પર આવી. કશું સમજાતું નહોતું. પેમેન્ટના સ્મરણે બૅગ ફંફોસવાનું બન્યું ત્યારે જાણ થઈ કે રાજ હાથ સાફ કરી ગયો છે! પર્સમાં ઘરેણાંના સ્થાને નાની કાપલી હતી : સૉરી ડાર્લિંગ. તારાથી વધુ રસ મને તારી દોલતમાં હતો, પરણ્યા હોત તોય તારો બાપ આપણો રિશ્તો ન સ્વીકારત તો તું મારા માથે પડત એટલે જે મળ્યું એનો સંતોષ માનીને તારી દુનિયામાંથી હંમેશ માટે જાઉં છું. મને ગાળ દેવા કરતાં તને પવિત્ર છોડી છે એનો ગણ માનજે. અલવિદા! - રાજ!’

ચિઠ્ઠીનો શબ્દેશબ્દ યાદ હોય એમ અવનિ કડકડાટ બોલી ગઈ.

‘તમે એ ચિઠ્ઠી જોવા માગો એ પહેલાં જ કહી દઉં કે એને તો ત્યાં ને ત્યાં મેં ફાડી નાખેલી.’

અવનિ શ્વાસ લેવા રોકાઈ. રાજના અસલી રૂપે ત્યારે તો લાગણીતંત્રમાં ભૂકંપ આવેલો : આ મેં કેવા માણસને ચાહ્યો? તેને તો પ્યાર હતો જ નહીં. તેની પાછળ મેં મારી માનું સ્ત્રીધન લૂંટાવી દીધું? મહોબતમાં મળેલી ચોટે નખીલેકમાં પડતું મૂકવાનો વિચાર સળવળવા માંડ્યો. ત્યાં માબાપનો વિચાર થયો : તેમને કૉલેજની સખીઓ સાથે ફરવા જવાનું જૂઠ બોલીને હું નીકળી છું. મારા અંજામે તેમની શું દશા થાય? નહીં, મરતાં પહેલાં તેમની માફી તો મારે માગી જવી ઘટે...

‘બસ, આ વિચારે મને આત્મહત્યામાંથી ઉગારી. જેમતેમ મુંબઈ પરત થવાનો જોગ પાર પાડ્યો. ઘરે આવી પોક મૂકીને હું રડી પડી.’

ક્યારનું રૂંધાઈ રહેલું રુદન વછૂટતાં અવનિ હળવી થતી ગયેલી. દીકરીની ભૂલે મા-બાપ હેબતાયાં, પણ ઠોકર ખાઈને આવેલી દીકરીને જાળવી જાણી : જે વીત્યું એ વીત્યું. ઘરેણાં નવાં બનશે એમ તુંય ભૂલવા જેવા પુરુષને વિસારીને જીવનમાં આગળ વધવાની નીતિ રાખ!

‘બિનશરતી પ્રેમ શું કહેવાય એ મને ત્યારે સમજાયું.’ અવનિએ કડી સાંધી, ‘પપ્પા-મમ્મીના પ્રયાસે હું પૂર્વવત્ થઈ. રાજ પ્રત્યે નફરત જ રહી. ચારિત્ર્યનો મારો આગ્રહ દૃઢ બનતો ગયો. રાજ ગૅરેજમાં પણ દેખાતો નહીં. નૅચરલી મારાં ઘરેણાં લઈને ભાગેલો મારી સામે આવીને પોલીસમાં સપડાવા જેવું શું કામ કરે! ગૅરેજનો મદ્રાસી માલિક તેને ભાંડતો. ત્રીજા મહિને તેની પાસેથી જ જાણ્યું કે કહ્યા વિના ગૅરેજ છોડીને જનારો રાજ લૉટરી લાગી હોય એમ દુબઈ ગયો’તો અને ત્યાં ઍક્સિડન્ટમાં માર્યો ગયો!

‘મારી જ હાય લાગી હશે. ના, તેના અંજામનો આઘાત નહોતો અનુભવ્યો, કેવળ મુક્ત થવાની અનુભૂતિ થઈ હતી. જવાનીની એક ભૂલ ભૂલીને જીવનમાં આગળ વધવાની પપ્પા-મમ્મીની શીખ અપનાવી લીધી.’

અવનિ અટકતાં અનિલ પૂછી બેઠો, ‘આખી કહાણીમાં આસ્તિક ક્યાં આવ્યો? તેણે કેમ જાણ્યું?’

પતિને નિહાળી લઈને અવનિને કથન માંડ્યું, ‘કહું છું. હું મૂવ-ઑન કરવા તૈયાર થઈ એટલે માએ મુરતિયા ખોળવા માંડ્યા. આસ્તિક એમાંનો એક. કહો કે પહેલો મુરતિયો જ તે.’

હેં! પોતાના પ્રેમીના પિતા જોડે માના રિશ્તાની વાત થઈ હતી એ બહુ અજીબ લાગ્યું જ્હાનવીને.

‘મેં જોકે પહેલી જ મીટિંગમાં રાજ વિશે કહી દીધેલું. આસ્તિક ત્યારે પણ આવો જ હતો. એકાંતમાં મેં કહેલી વાત પચાવી ન શક્યો. બહાર આવતાં જ પોતાના પેરન્ટ્સને કહીને ફેંસલો સંભળાવ્યો : આવી કન્યા મને ન ચાલે!’

અવનિ સ્તબ્ધ હતી. મારી નિખાલસતાનો આ કેવો બદલો? હું રાજ સાથે સૂતી ન હોઉં એમાં તેમને વિશ્વાસ ન બેઠો, ઠીક છે; પણ આસ્તિકે ન પરણવું હોત તો શાલીનતાથી ઇનકાર ફરમાવત, અહીંથી નીકળ્યા બાદ પોતાના પેરન્ટ્સને બ્રીફ કરી શક્યો હોત... ઊલટું આમાં તો તેનાં માબાપ મારા માવતરને કેટલું સંભળાવી ગયાં. આસ્તિક પ્રત્યે સૂગ, અભાવ જ રહ્યો. તે પુરુષ આજે પણ નથી બદલાયો. તેનું સ્ટેટસ જરૂર બદલાયું, માનસિકતા એ જ જૂનીપુરાણી છે! જોતાં જ ઓળખાઈ ગયેલો પુરુષ ધાર્યા મુજબ જ વર્ત્યો! આસ્તિકના આરોપોએ મને બેબાકળી કરી મૂકી. મારી કથામાં તેણે માનેલા સત્યનો વિરોધ કરવા જેટલીયે સ્વસ્થતા ન રહી...

‘આસ્તિકના કડવા અનુભવ પછી માએ મને સોગંદથી ફરી કોઈને રાજનું પ્રકરણ ન કહેવા વિશે બાંધી દીધી... ’

ઓ...હ! પિતા-પુત્રીની નજરો મળી, છૂટી થઈ.

‘પછી તમે મારા જીવનમાં આવ્યા અનિલ. પહેલી જ મુલાકાતમાં હું તમારા પ્રેમમાં પડી. ખરા અર્થમાં હૈયું હું ત્યારે હારી. તન-મન-અંતરથી હું ચોખ્ખી હતી અનિલ, તમને ખોવા નહોતા કેવળ એટલા પૂરતું માના સોગંદનું માન રાખ્યું...’

અવનિ નિચોવાઈ ગઈ, ‘પાછલા થોડા વખતથી જ્હાનવીમાં મને મારું પ્રતિબિંબ દેખાતું. મારા જેવી ભૂલ તું ન કરે એ માટે માથેરાનનો પ્રોગ્રામ ઘડ્યો’તો મેં.’

‘એમાં છેવટે તો તું જ ઉઘાડી પડીને?’ જ્હાનવીનો પ્રત્યાઘાત પહેલાં આવ્યો, ‘મા, તારો બચાવ પણ તેં એવી રીતે કર્યો કે ક્રૉસ-ચેકિંગની ગુંજાઇશ જ ન રહે. મેકૅનિકને મારી નાખ્યો, સોગંદ દેના૨ નાના-નાની હયાત નથી. આટલું થયા પછી આર્ષને પણ મને નકારવાનો મોકો મળી જવાનો.’

દીકરીનો રોષ, ઠપકો સાંભળી લીધો અવનિએ. મેં કોઈ વાર્તા નથી કહી એવું કહેવાનો અર્થ નહોતો.

‘તારી-મારી ગાથામાં પાયાનો તફાવત છે. રાજે તને ધોકો આપ્યો, જ્યારે આર્ષ તો તારી શરત મુજબ મૅરેજ માટે તૈયાર થયો, પણ તારી કરણીએ અમારા રિશ્તા પર પ્રશ્નાર્થ મૂકી દીધો. હું તેને બ્લેમ પણ કરવાની સ્થિતિમાં ન રહી!’

પગ પછાડીને તે રૂમમાં જતી રહી. તેની ધ્રૂજતી પીઠ કહેતી હતી કે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડવાની!

‘આઇ ઍમ સૉરી બેટા...’ ઊંચા અવાજે કહેતી અવનિ ભાંગી પડી. હીબકાં લેતાં સમજાયું કે આંસુના એક ટીપે રઘવાયો થઈ જનારો પતિ આજે સાવ નિર્લે૫ બની બેઠો છે! તેના વદન પર ડોકાતી વ્યથા અવનિને તડપાવી ગઈ.

‘મને મારો, ફિટકારો અનિલ; પણ મૂંગા રહીને જાત પર જુલમ ન કરો.’

‘જુલમ તો થઈ ગયો અવનિ...’ દોડી આવીને ખોળામાં માથું મૂકનારી પત્નીથી અળગો થતો હોય એમ અનિલ ઊભો થયો, ‘તારું બયાન, તારી પવિત્રતા, તારી મજબૂરી - બધું હું સ્વીકારી લઉં; પણ તારો ભૂતકાળ મારી દીકરીના ભવિષ્યને નડવાનો એની માફી દેવા જેટલો ઉદાર થઈ શકતો નથી.’

હળવો નિ:શ્વાસ નાખીને તે પણ રૂમમાં જતો રહ્યો. અવનિ ફસડાઈ પડી. આ શું થઈ ગયું? એથીયે વિકરાળ પ્રશ્ન હતો : હવે શું થશે?

***

- જ્હાનવી, આ સાચું છે? આઇ મીન, એવું સંભળાય છે કે તારી મૉમનું તેમની જુવાનીમાં લફરું હતું?

અઠવાડિયા પછી કૉલેજ પરત થયેલી જ્હાનવીને કશોક ફેર તો વર્તાયો હતો. ક્લાસ પત્યા બાદ કૅફેટેરિયામાં બેસતાં ઉર્વીએ પૂછી લીધું. જ્હાનવીને બદલાયેલી નજરોનો અંદાજ આવ્યો - મારી માનું ચારિત્ર્ય જાણીને સૌ બદલાણા!

કૉલેજમાં મારી મૉમને બદનામ કરનારો એક જ હોય... તેણે બાજુના ટેબલ પર ગોઠવાયેલા આર્ષ તરફ નજર ફેંકી.

આર્ષ લુચ્ચું લાગે એવું હસ્યો.

***

‘અનિલ...’ દૂરનાં ભદ્રાકાકીએ ફોન રણકાવ્યો, ‘હવેલીમાં વહુ વિશે આ બધું શું સંભળાય છે?’

અનિલ શું જવાબ આપે! અવનિ બાબતના ધડાકા પછી સંસારમાં કશું પૂર્વવત્ નહોતું. બાપ-દીકરી એક થઈ ગયાં હોય એમ અવનિ એકલી પડી ગઈ હતી. ધબકતા ઘરનું લાગણીતંત્ર જાણે થીજી ગયું હતું. બરફના ચોસલામાંથી બહાર નીકળવું હોય એમ જ્હાનવી કૉલેજ ગઈ, પોતે કામ શરૂ કર્યું અને હવે જાણ થાય છે કે મામલો અમારા ઘર પૂરતો સિમીત નથી રહ્યો!

આ પણ વાંચો : કથા-સપ્તાહ : જવાની (આગ કા દરિયા... - 3)

ઑબ્લીયસ્લી, ‘મા જેવા જ ગુણ ધરાવતી’ જ્હાનવીને આસ્તિકે ઘરની વહુ નહીં જ બનાવવી હોય એટલે તેણે, તેના દીકરાએ, તેની પત્નીએ અવનિ બાબત બરાબરનો કુપ્રચાર કર્યો લાગે છે!

‘તારા આગમનને મેં સુખ માન્યું હતું અવનિ. આજે એ સજા પુરવાર થઈ રહ્યું છે.’

પતિના શબ્દો અવનિને દઝાડી ગયા. નહીં હું તમને અને જ્હાનવીને દુ:ખી તો ન જ જોઈ શકું... મારે કંઈક તો કરવું રહ્યું!

પણ શું? (આવતી કાલે સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2019 02:40 PM IST | | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK