કથા-સપ્તાહ-જંગ-જેહાદ (ન્યાય-અન્યાય - ૪)

Published: 4th December, 2014 05:17 IST

ચિ. અવિનાશ,

                                                                                   અન્ય ભાગવાંચો

                                                                                     1/2/3/4/

જાણું છું તું મારા પર ખફા હશે. પરંતુ આત્મવિલોપનનું કહ્યું હોત તો તું ઓછો મને જવા દેત? અને એના સિવાય કોઈ માર્ગ મને દેખાતો નથી... તારી જેમ મને પણ આપણી લડત અન્યોના સ્વાર્થનું સમરાંગણ બની ગયેલી દેખાય છે. ખેર, આ બધામાં ન્યાયનો મૂળ મુદ્દો ફંટાઈ જવાનો. શેઠશ્રી જેવાને આમ આપણે પહોંચી નહીં શકવાના. તેમની આંખ ખોલવાના, આતમ જગાવવાના છેલ્લા પ્રયાસરૂપે આત્મવિલોપનની બાજી માંડવાનો છું, એ કેવળ પોકળ ધમકી નહીં હોય... યુદ્ધ બલિદાન વિના નથી જીતાતાં અને મારા બલિદાનને તું કાયરતા ન સમજીશ. મારા ગયા બાદ શેઠશ્રી રૂપિયા ધરે તો અસ્વીકાર ન કરીશ. મેં કહેલું એમ, મારા પરસેવાની, તારી માની કરકસરની એ મૂડી છે, અમારા આર્શીવાદ છે...

મારા અંજામનું દુ:ખ હૈયે ન રાખીશ, બદલાની ભાવના પણ ન સેવીશ, ખુશ રહેજે. ખૂબ મોટો ચિત્રકાર બનજે એવા મારા અંતરના આશિષ.

લિ. દરેક જન્મે તારા પિતા બનવાનું સદ્ભાગ્ય ઝંખતો - સુબોધ!

અવિનાશની પાંપણેથી આંસુ ખર્યા. પિતાજીની ચિરવિદાયના આ મહિનોમાસમાં કંઈકેટલીવાર તેમની આખરી ચિઠ્ઠી વાંચી હશે.

સુબોધભાઈએ પોતાના આત્મઘાતી નિર્ણયની ભનક સુધ્ધાં દીકરાને આવવા નહોતી દીધી. રોજની જેમ શાકપાંદડું લેવાનું કહી ઘરેથી નીકળ્યા, બહુ વાર થઈ ત્યારે અવિનાશનો જીવ ચિંતામગ્ન બન્યો. મોબાઇલ લાગ્યો નહીં, માર્કેટના રસ્તેય ક્યાંય પપ્પા ભટકાયા નહીં - પપ્પા જાય ક્યાં?

અને તેનો મોબાઇલ રણક્યો હતો. નરેશભાઈએ ખબર આપ્યા: ઝટ વાલકેfવર પહોંચ, તારા પિતાએ ગજબ કર્યો, ખુદને આગ ચાંપી દીધી!

અવિનાશ પહોંચ્યો ત્યારે પિતાના ખોળિયામાં પ્રાણ રહ્યા નહોતા. હૉસ્પિટલના પ્રાંગણમાં ન્યાતીલાનું ટોળું જામ્યું હતું.

‘સુબોધભાઈએ મરણનોંધ ન છોડી, ડાઇંગ ડેક્લેરેશન આપી ન શક્યા, પણ આપણે તો સત્ય જાણીએ છીએને! મુકુંદરાય પર કેસ કરો. તેમને જેલમાં નાખો.’

નરેશભાઈ-શશીકલાભાભી ખુલ્લેઆમ ટોળાને ઉશ્કેરી રહ્યાં હતાં. નિરંજનભાઈની ફૅમિલી ડઘાઈ ગઈ હતી. અવિનાશને આશ્વાસન આપવાનું કોઈને સૂઝતું નહોતું. ‘આ જ મોકો છે અવિનાશ... નોંધાવી દે પોલીસ-ફરિયાદ. એક વાર અગ્નિસંસ્કાર થઈ ગયા પછી પોલીસ પણ કંઈ કરી નહીં શકે...’ અયન માથું ખાઈ ગયો.

‘જસ્ટ લીવ મી.’

અવિનાશની ત્રાડે બધાને

સહેમાવી દીધેલા.

‘બાપ મર્યો છે મારો. કોઈને એનું દદર્‍ છે?’

સોપો પડી ગયો.

‘મુકુંદરાય સાથે હું ફોડી લઈશ, મારી રીતે... અત્યારે મને પિતા પાછળ થોડું રડી લેવા દો, પ્લીઝ...’

સાંભળીને શશીઆન્ટી જેવાએ ટલ્લાં ફોડેલાં: રોતો રહે ત્યારે! આ તો આવો લાગ ફરી નહીં મળે માટે કહીએ છીએ. અરે, સુબોધભાઈએ આવું કંઈક કરવાની હિન્ટ આપી હોત તો અમે મીડિયાને હાજર રાખી તમાશો યોજવાની સલાહ આપત, તેમણે મરવુંય ન પડત!

મારા પપ્પાએ તમાશો નહોતો યોજ્યો... ન્યાતના મોભી સામે છેડેલા જંગમાં તેમને પબ્લિસિટી નહોતી જોઈતી, ન્યાય ખપતો હતો.

અને ઠાઠડી ઊઠે એ પહેલાં ન્યાય મળી ગયો. મુકુંદરાયનો મૅનેજર ઘરે આવી અવિનાશ-નિરંજનભાઈને ચેક આપી, નરેશભાઈના હાથમાં ન્યાતના પ્રમુખપદેથી શેઠશ્રીના રાજીનામાનો પત્ર મૂકી ગયો. બીજું શું જોઈએ?

પિતાની આ ચિઠ્ઠી તો અઠવાડિયા પછી, તેમનો કબાટ ફંફોસતાં મળી હતી...

તમારા આર્શીવાદ મને મળી ચૂક્યા, પપ્પા... મારા સુખ ખાતર તમે જાત હોમી દીધી, એટલું વહાલ કરનારો પિતા મને પણ દર જન્મે મળજો!

અવિનાશે પિતાજી છબી તરફ નજર કરી:

જુઓ, તમારી ઇચ્છા પ્રમાણે ખુશ રહેવાની કોશિશ કરું છું. જૉબ ચાલુ છે. ખારની ઈવનિંગ કૉલેજમાં ચિત્રકામ શીખવા જાઉં છું. બે વરસની પ્રોફેશનલ ટ્રેનિંગ પછી ત્રીજા વરસે તમારી સ્મૃતિમાં મારું પ્રથમ ચિત્રપ્રદર્શન યોજવું છે...

અને છાતીમાં જીવવાનો જુસ્સો ભરી અવિનાશ કૉલેજ જવા તૈયાર થયો.

€€€

‘પ...પ્પા, આગ! આ...ગ... પપ્પા!’

મધરાતનો સમય છે. હજુ હમણાં જંપેલી દીકરીને જોતાં મુકુંદરાયની આંખે ઝળઝળિયાં બાઝે છે. શું હાલત થઈ ગઈ મારી દીકરીની!

‘મુકુંદ... ક્યાં છુપાયો છે? બહાર આવ!’

છ મહિના અગાઉની એ ગોઝારી સવાર હજુય મુકુંદરાયને એવી ને એવી યાદ છે.

આટલી વહેલી સવારે આ બૂમબરાડા શાના? મૉર્નિંગ-ટી પીતાં પિતા-પુત્રી સાથે જ બાલકનીમાં દોડ્યાં હતાં.

વૉચમૅનને ધક્કો મારતા સુબોધને જોઈ મુકુંદરાયે હોઠ કરડ્યો: આ માણસ મારા ઘરે તમાશો કરવા આવી ચડ્યો?

‘કોણ છે આ?’ દિવ્યાંગનાએ અચરજભેર પૂછેલું. પિતાને કોઈ આ રીતે સંબોધે, તોછડાઈથી બોલાવે એ નવાઈપ્રેરક અને એટલું જ અપમાનજનક હતું તેના માટે: માણસની હિંમત તો જુઓ!

‘સુબોધ છે.’

કોણ સુબોધ એ પૂછવાની જરૂર નહોતી. પાછલા દિવસોમાં ઘણું સાંભળ્યું હતું. દિવ્યાંગનાને આજના દરેક યંગ ગર્લ-બૉયની જેમ ન્યાતની વાતોમાં રસ નહોતો. એમ છતાં પિતા પર મુકાયેલો આક્ષેપ તેનાથી ઓછો છાનો રહેવાનો! પ્રતીક-ઉપવાસનું સાંભળ્યું ત્યારે પહેલી વાર તેને ચર્ચાની જરૂર લાગી હતી: ‘આ બધું શું છે, પપ્પા?’

‘હોય બેટા, વિઘ્નસંતોષીઓ તેમનું કામ કરે...’ મુકુંદરાયે ફિલોસૉફિકલી સમજાવેલું, ‘અમીર પુરુષ અક્ષયપાત્ર લઈને બેઠો હોય એવું માને છે લોકો. ખરી રમત નરેશ-શશીકલાની છે. તેં અયનને રિજેકટ કર્યો એનો બદલો વાળવા તેમણે સુબોધ-નિરંજનને પ્યાદા બનાવ્યા છે. ૨૦૦૪માં મને જરૂર વર્તાતાં નરેશ પાસે પૈસા લીધેલા, બે મહિનામાં વ્યાજ સાથે વાળી

દીધેલા - તારો બાપ કોઈની ઉધારી રાખે ખરો?’

‘ના રે.’ દીકરીએ બહુ ગવર્‍ભેર કહેલું, ‘જરૂર પણ શું?’

‘એક્ઝૅક્ટ્લી... હવે એ કટોકટીને યાદ રાખી નરેશે સુબોધ-નિરંજનને જાણે કેટલામાં ખરીદી મારા વિરુદ્ધ આક્ષેપ મુકાવ્યો - કહે છે તેમના પચીસ-ત્રીસ લાખ હું ચાઉં કરી ગયો! નૉનસેન્સ.’

દિવ્યાંગના વિફરેલી.

‘આવાને તો પોલીસમાં સોંપવા જોઈએ. તમે પણ ખુલાસો કરોને, પપ્પા. ન્યાતનું આટલું કરવા છતાં તેમને છે કદર?’

‘શીશ્્, તું શાંત રહે. તારો બાપ બધાને પહોંચી વળે એમ છે...’

મુકુંદરાયે ચર્ચાનો વીંટો વાળેલો. નૅચરલી, પત્નીની જેમ દીકરીને પણ આ બધામાં પાડવાની આવશ્યક્તા નહોતી. લખાણપટ્ટી વિના આટલી મોટી રકમની લેણદેણ થાય નહીં, ને એવું કોઈ સબૂત તેઓ આપી નથી શકતા. એનો અર્થ જ એક કે તેમનો આરોપ મિથ્યા છે! પપ્પાને નીચાજોણું કરવાની નરેશઅંકલની સાજિશ છે... દિવ્યાંગનાએ સ્વીકારી લીધેલું. પિતા આવા કંઈકને પહોંચી વળશે એની શ્રદ્ધા હતી.

એવામાં સુબોધનું આગમન.

‘આજે કરો યા મરોની તૈયારી સાથે આવ્યો છું, મુકુંદ! તારી આ દીકરીના માથે હાથ મૂકીને કહે કે હું જુઠ્ઠો છું?’

‘આ શું બળજબરી છે.’

‘તું એમ નહીં માને...’ સુબોધ વાંકો વળ્યો ત્યારે ધ્યાન ગયું કે તેના પગ પાસે ઘાસતેલનો કેરબો છે!

‘આખરી વાર પૂછું છું મુકુંદ...’ તેમણે શરીર પર ઘાસતેલ નાખતાં દિવ્યાંગના પહેલી વાર ફફડી હતી,

‘પપ્પા... રોકો તેમને..’

મુકુંદરાય હજુ ઝૂકવાના મૂડમાં નહોતાં: એમ કાંઈ જીવ દેવો સહેલો છે! તારા નાટકથી ડરે એ બીજા.

ત્યાં તો તેમને દીવાસળી ચાંપતા જોઈ દિવ્યાંગનાના હૈયે આઘાત છવાયો, કીકીમાં આગની જવાળાનું પ્રતિબિંબ ચીતરાઈ ગયું, સુબોધભાઈની કાળી ચીસો અંતરમન પર કોતરાઈ ગઈ ને તેણે હોશ ગુમાવ્યા...    

એક તરફ દીકરીને ભાનમાં આણવાની દોડધામ, બીજી બાજુ પોતાને સુરક્ષિત  કરવા વકીલો સાથે સલાહ-મશવરાનો દૌર... ઘરના નોકરવર્ગે ઍમ્બ્યુલન્સ તેડાવી સુબોધને હૉસ્પિટલ ભેગો કર્યો હતો એ તો પછી જાણ્યું. જોકે સુબોધના પ્રાણ ઊડી ચૂકેલા એટલે તેના ડાઇંગ ડેક્લેરેશનની ચિંતા નહોતી.

‘મામલો પેચીદો છે.’ આગોતરા જામીનનો બંદોબસ્ત પાર પાડતા વકીલોની ટીમે સમજાવ્યું હતું, ‘બે કામ તાત્કાલિક કરો. જે કંઈ રકમ નીકળતી હતી એ સુબોધભાઈના સન અવિનાશ અને નિરંજનભાઈને પહોંચતી કરો, તેમને થશે આત્મવિલોપન એળે નથી ગયું, ને ન્યાતના પ્રમુખપદેથી રાજીનામું મૂકો એટલે વિરોધીઓને જોઈતું મળતાં તેઓ પણ ટાઢા રહેશે.’

મુકુંદરાયને બહુ વસમું લાગ્યું હતું, પણ જેલ-ર્કોટથી બચવા આટલું કર્યા વિના છૂટકો નહોતો. સુબોધના આ પ્રયાસ પછી કોઈ મને નિર્દોષ તો નહીં જ માનેને!

ખેર, આટલું કર્યા પછી રાહત હતી. ફરિયાદ નોંધાઈ નહીં ને પોતાની વગે પોલીસ પણ મર્યાદામાં રહી. સમાજમાં થૂ-થૂ થયું. એ અપમાન ભૂલવું હોય એમ મુકુંદરાય દીકરી જોડે વિદેશ ફરી આવવાનો પ્લાન કરતા હતા ત્યાં...

‘આ...ગ!’

ઘટનાની ત્રીજી સવારે દીકરીની ચીસે તેમની છાતીમાં ચીરો પાડવા જેવું કર્યું. દિવ્યાંગનાનો આઘાત હજુ ઓસર્યો નહોતો, નર્સ ચોવીસ કલાક તેની સાથે રહેતી. ભાગ્યે જ

હસતી-બોલતી દિવ્યાંગના મોટા ભાગે છતને તાકી રહેતી. એટલે તો બને એટલું જલદી વેકેશન પર નીકળી જવું હતું, ત્યાં તેની ચીસ.

‘શું થયું બેટા?’ મુકુંદરાય તેના રૂમમાં દોડી ગયેલા.

‘મને પૂછો છો! તમને દેખાતું નથી પપ્પા?’ વિસ્ફારિત ચહેરે દિવ્યાંગનાએ આંગળી ચીંધી, ‘સિસ્ટરે હમણાં કૅન્ડલ સળગાવી.... જુઓ એ સળગી રહી છે! તેને બચાવો, પપ્પા... આ...ગ... આ...ગ...’

દિવ્યાંગનાએ હોશ ગુમાવ્યા.

નર્સ અવાક હતી. લાઇટ જતાં જનરેટર ચાલુ ન થયું એટલે પોતે મીણબત્તી સળગાવી એમાં દિવ્યાંગનાને આગનો ભ્રમ કેમ થયો?

એ ભ્રમ પછી તો વારંવાર પડઘાવા લાગ્યો. રસોઈનો ગૅસ ચાલુ થાય એટલે દિવ્યાંગનાને આગના ભણકારા વાગે, વૉચમૅન બીડી પીવા માચીસ સળગાવે એમાંય તે આગની ચીસાચીસ કરી મૂકે... રાતવરત ચીસ પાડી ઝબકી ઊઠે. સપનામાં પણ તેને કોઈ બળતું દેખાતું. થોડી વાર પહેલાં ટીવીમાં આગનું દૃશ્ય જોઈ તેણે રાડારાડ કરી મૂકેલી...

સુબોધ, તું તો મરતાં મર્યો, પણ મારી દીકરીનું ચિત્તભ્રમ કરતો ગયો! મુકુંદરાયે નિ:શ્વાસ નાખ્યો: મારી કરણીએ, સત્ય સામે પણ નહીં ઝૂકવાના મારા ગુમાને તારી શી હાલત કરી નાખી, મારી દીકરી?

રડી ઊઠયા મુકુંદરાય. પણ

તેમની પ્રિન્સેસ તો દવાના ઘેનમાં પોઢેલી જ રહી.

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK