કથા-સપ્તાહ - જંગ-જેહાદ (ન્યાય-અન્યાય - ૨)

Published: 2nd December, 2014 05:30 IST

‘એવરીથિંગ પરર્ફેક્ટ!’ વ્યવસ્થા જોઈ મુકુંદરાયે સંતોષ વ્યક્ત કર્યો.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


સુબોધભાઈ હવેલીમાં શેઠશ્રી વિરુદ્ધ બૉમ્બ ફોડી રહ્યા હતા, રવિવારની એ જ સાંજે શેઠશ્રીના બંગલે છોકરાવાળા તેમની એકની એક દીકરીને જોવા આવવાના હતા. ત્રણેક વરસ અગાઉ પત્ની મધુમતીના દેહાંત બાદ, રવિની રજાની સાંજ મોટા ભાગે ક્લબમાં વિતાવતા મુકુંદરાય આજે બપોરની વામકુક્ષી પણ છોડી મહેમાનોની આવભગતની પૂર્વતૈયારીમાં ગૂંથાયા એ જોઈ દિવ્યાંગનાને ક્યારની રમૂજ થતી હતી.

‘સ્ટૉપ ઇટ પાપા...’ અત્યારે તેણે હસી નાખ્યું. ‘ડોન્ટ બિહેવ લાઇક પુરાને ઝમાને કે પિતાજી. આપણે છોકરીવાળા એટલે છોકરાવાળાના સ્વાગતમાં ચૂક રહેવી ન જોઈએ ઍન્ડ બ્લા બ્લા બ્લા...’

ઘરનો કે ઑફિસનો સ્ટાફ હોય, બિઝનેસ મીટિંગ હોય કે જ્ઞાતિનો મેળાવડો... શેઠશ્રી સામે ઊંચા અવાજે બોલવાની કોઈની હિંમત ન થતી. પંચાવને પહોંચેલા મુકુંદરાયનો એવો પ્રભાવ હતો, દબદબો હતો. પોતાની ઇમેજ જાળવવાની કુનેહ તો શેઠશ્રીમાં હોય જ.

એકમાત્ર દિવ્યાંગનાને શેઠશ્રીને ખખડાવવાની પણ છૂટ. દીકરીને વ્હાલનો દરિયો તો ઘણાં મા-બાપ માનતાં હશે, મુકુંદરાય માટે દીકરી તેની મરજીનો મહાસાગર હતી.

‘યુ આર માય પ્રિન્સેસ. જસ્ટ ઑર્ડર યુ વોન્ટ, જસ્ટ હૅવ વૉટ યુ વૉન્ટ!’

એમાં પછી નાનકડી દિવ્યાંગના તેમને ઘોડો બનવાનું કહે તોપણ બની જવાનું, ને જુવાનીમાં ડગ મૂકતી દિવ્યાંગના મર્સિડીઝ નોંધાવી આવે તો એનું પેમેન્ટ પણ હસતાં હસતાં કરી દેવાનું! અને હેતની સીમા માત્ર પૈસાથી ખરીદાતી વસ્તુ માટે જ નહોતી. દિવ્યાંગનાને ઉધરસ પણ આવે તો તેમનો જીવ ઊંચોનીચો થઈ જાય. દુનિયા માટે શેઠશ્રી ગમે એ હોય, દિવ્યાંગના માટે તો તેઓ વલ્ર્ડના બેસ્ટ પિતા હતા.

‘તમે દિવુને ફટવી મારી છે...’ મધુમતી ઘણી વાર ટકોરતાં.

‘મારી દીકરીને એટલો તો હક હોય જને.’

અને દિવ્યાંગના મમ્મીને ડિંગો દેખાડતી. માના ગયા પછી બાપ-દીકરીનું બૉન્ડિંગ વધુ મજબૂત બન્યું હતું. સ્ત્રીસહજ સૂઝ દિવ્યાંગનામાં આપોઆપ વિકસી હતી. પપ્પાની દવાનું ધ્યાન રાખતી, હેલ્થ ચેક-અપમાં નિયમિતતા જળવાય એ ખાસ જોતી. વ્યાપારના કામે પિતા મુંબઈ બહાર હોય તો લાંબી વિડિયોચૅટ વિના બેઉને નીંદ ન આવે. ‘તારે વ્યાપારમાં પલોટાઈ જવું જોઈએ’ એવું સીધેસીધું કહેવાને બદલે શેઠશ્રી ગામગપાટામાં બિઝનેસના અપડેટ્સ ગૂંથી લેતા, એ હિસાબે દિવ્યાંગનાને ગતિવિધિનો ટ્રૅક તો રહેતો. જોકે ઑફિસે તે ભાગ્યે જ જતી.

હોશિયાર હોવા છતાં દિવ્યાંગના ભણવામાં આળસુ હતી. માની ગેરહાજરીમાં પપ્પાને એકલા મૂકી અભ્યાસ માટે ફૉરેન જવાનું તેને રુચ્યું નહોતું.

‘આમેય ગ્રૅજ્યુએટ થઈ તારે પરણી જવાનું છે.’ મુકુંદરાય કહી નાખતા. નમાયી દીકરીના ભવિષ્યની ચિંતા બાપને તો રહેવાની જ. પિતા માટે કન્યાદાનથી ઉત્તમ સુખ હોઈ ન શકે.

કાચની પૂતળી જેવી દિવ્યાંગના અત્યંત રૂપાળી હતી, પાછી અમીર એટલે તેને પામવા શહેરમાં યુવાનોમાં હોડ મચી હશે, રખેને કોઈ નાટકિયો ફાવી જાય એ પહેલાં મારે સારું પાત્ર જોઈ દીકરીના હાથ પીળા કરી દેવા છે...

‘કેમ, હું તમને ભારે પડું છું?’ લગ્નની અધીરાઈએ  દિવ્યાંગના ક્યારેક રિસાતી.

‘હા, ભારે પડે છે.’ મુકુંદરાય પુત્રી જોડે નજર મિલાવતા, ‘ચેસની રમતમાં તું મને ભારે પડે છે.’

‘યુ...’ દિવ્યાંગના પિતાને મારવા દોડતી ને વય ભૂલી બાપ-દીકરી વચ્ચે પકડાપકડીની રમત જામતી.

જોકે દિવ્યાંગના જાણતી-સમજતી કે પિતા મને થાળે પડતી, સાસરે સુખી થતી જોવા માગે છે... તેમની લાગણીને મારે માન આપવાનું હોય. દિવ્યાંગનાના હૈયાની પાટી કોરી હતી. કૉલેજના, હાઈ સોસાયટીના અનેક જુવાન તેને ઝંખતા, દિવ્યાંગનાને એ ગમતું પણ ખરું, પરંતુ તેમાંના કોઈને જીવનસાથી બનાવવાનો ઉમંગ કદી ન જાગ્યો.

જ્યારે મુકુંદરાય જમાઈ બાબત સ્પક્ટ હતા: આપણા સ્ટેટસ મુજબનો, આબરૂદાર ખાનદાનનો, પોતાની સાથે આપણો બિઝનેસ પણ સંભાળી શકે એવો પાણીદાર જુવાન મને દિવુ માટે જોઈએ!

- અને આજે ફાઇનલી છોકરાવાળા આવી રહ્યા છે ત્યારે પપ્પા એવી ધમાલમાં છે જાણે સગાઈ થવાની હોય!

‘પાપા, પ્લીઝ...’ દિવ્યાંગનાએ લાડ ભરી આજીજી કરી, ‘હવે તો સસ્પેન્સ ખોલી દો. કલાકમાં પાર્ટી‍ આવી પહોંચશે, કહો તો ખરા છોકરો કોણ છે?’

મુકુંદરાયે દીકરીને હજુ છોકરાના નામઠામનો ફોડ નહોતો પાડ્યો: છોકરાવાળા આપણી ન્યાતના, આપણા ફૅમિલી-ફ્રૅન્ડ જેવા જ છે... એમાં તો દિવ્યાંગના અનુમાનો કરીને થાકી હતી.

‘અયન...’

દિવુને સ્ટ્રાઇક ન થયું.

‘અરે, નરેશભાઈનો દીકરો...’

નરેશભાઈ મુંબઈમાં લાડ સમાજમાં મુકુંદરાય પછી નંબર ટૂ ગણાતા. કફ પરેડ રહેતા નરેશભાઈનો કેમિકલ્સનો બિઝનેસ કરોડોમાં અંકાતો. એથી તો શશીકલા શેઠાણી વેંત અધ્ધર ચાલતાં. તેમનો એકનો એક દીકરો અયન ચાર વરસ અમેરિકામાં ભણી ગયા પખવાડિયે જ પરત થયો હતો.

‘એ અયન!’ બબડતી દિવ્યાંગના વિચારમાં પડી: સ્કૂલ ડેઝમાં અયન જોડે સંપર્ક રહેલો, ત્યારે તો તે ગોળમટોળ સિલી બૉય જેવો દેખાતો. ભણવા માટે ફૉરેન મૂવ થતાં થોડો સ્માર્ટ બન્યો હોવો જોઈએ... પપ્પાએ જોઈમાપીને જ તેને પસંદ કર્યો હશે!

‘પસંદ તારે કરવાનો દીકરા... તારી ઇચ્છા મારે મન સર્વોપરી.’

આમાં મુકુંદરાયને દ્વિધા નહોતી.

………

‘રિજેક્ટેડ...’

રાત્રે સૂતાં પહેલાં દિવ્યંગનાએ ફેંસલો સુણાવી દીધો.

સમયસર આવી ગયેલા નરેશ-શશીકલા વધુ પડતા ઉત્સાહમાં હતાં; કેમ જાણે સંબંધ જોડાવાની ખાતરી હોય! શશીકલા આંટી તો બોલી પણ ગયાં... ચિંતા ન કરશો શેઠશ્રી, તમારી દીકરીને હું માની ખોટ વર્તાવા નહીં દઉં...

દિવુને તેમનો ઉત્સાહ પજવતો હતો એમ અયનનો ઍટિટ્યુડ ખટકતો હતો : પપ્પાને પગે લાગવાનો શિષ્ટાચાર પણ તેણે દાખવ્યો નહીં! હૉલમાં નજર ફેંકી બોલ્યાય કેવું: અમેરિકામાં હાઉસ આટલું ઓવર-ડેકોરેટેડ રાખવાનું ચલણ જ નથી... કેમ જાણે પોતે જ નવીનવાઈનો અમેરિકા ફર્યો હોય! આવો વર મને ન ગમે - પછી ભલેને તે ગમે એટલો સ્માર્ટ, હૅન્ડસમ, રિચ કેમ ન હોય!

તોય, વડીલોનું મન રાખવા કલાક અયન જોડે આઉટિંગમાં ગઈ પણ ખરી. એમાંય અયને બાફ્યું. પૂછે છે: તમારા ફાધરની ઍસેટ્સ કેટલા કરોડની હશે?

‘પપ્પાની સૌથી કીમતી અસેટ તમારી બાજુમાં ઊભી છે. મારું મોલ કેટલું આંકો છો?’

ખાસિયાણું હસવા સિવાય અયન શું કરી શકે?

છૂટા પડ્યા પછી શાંત ચિત્તે વિચારવાનો રાઉન્ડ પતાવ્યા બાદ તેણે પિતાને નિર્ણય સંભળાવ્યો, ‘મને અયન પસંદ ન પડ્યો.’

એના કાર્યકારણ જાણ્યા પછી મુકુંદરાયે પણ વધુ આગ્રહ ન કરતાં નરેશભાઈને ફોન જોડ્યો.

………

‘શું કહ્યું?’ શશીકલાબહેને ઉત્સાહમાં પૂછ્યું.

બે દિવસ પહેલાં અચાનક મુકુંદરાય તરફથી અયન માટે કહેણ આવ્યું ત્યારનો જીવ કૂદકા મારતો હતો: ઘર આપણું જાણીતું, દિવ્યાંગના જેવી રૂપસુંદરી ને કરોડોનો કારોબાર! સગપણ થયું તો અયને કશું કરવાનું ન રહે!

અને સગપણ ન થવા માટે કોઈ કારણ દેખાતું નહોતું. આપણેય કરોડપતિ છીએ, અયન ફૉરેન-રિટન્ડર્‍ છે, દેખાવડો છે... ને મુકુંદરાયે પાસ કર્યો એ દિવ્યાંગનાએ પસંદ કર્યા બરાબર જ ગણાય! ફેંસલો દિવ્યાંગના લેશે એ તો શેઠશ્રી કહેવા ખાતર બોલ્યા હોય...     અત્યારે પણ મુકુંદરાયના ફોને તેમણે તો એમ જ માન્યું કે ખુશખબરી હશે. પણ ના... શેઠશ્રી ઊંધું જ બોલ્યા - દિવ્યાંગનાને છોકરો ન ગમ્યો, સૉરી!

તેમની દિલગીરી સાચી હતી, પણ પત્તાના મહેલની જેમ શમણાં તૂટવાની પીડાએ શશીકલાને સમસમાવી દીધાં. અયનને ગમેલી છોકરીને તે ન ગમ્યો એટલે તે કહેવા શું માગે છે? શેઠશ્રી પણ તેને મનાવી ન શકે?

‘આવું બને... લગ્નમાં જોરજબરદસ્તી ઓછી ચાલે? શેઠશ્રી બિચારા પણ શું કરે? અયનને દિવુ પસંદ ન પડત તો આપણે પણ સૉરી જ કહ્યું હોતને!’ પતિની સમજાવટ કામ ન લાગી.  ‘ચિલ... મૉમ...’ દિવુનો ઇનકાર અયન માટે પણ આઘાતજનક હતો. માની તેણે પણ એમ જ માની લીધેલું કે વાત પાકી જ છે, પણ દિવુએ પતંગ ચગવા જ ન દીધી. શું સમજતી હશે તે! ભારે ગુમાની. અયનને દ્રાક્ષ ખાટી લાગી: ‘છોડ તેને, દિવ્યાંગના કરતાં ક્યાંય ચડિયાતી કન્યા મળી રહેશે મને.’

‘મળશે જ બેટા, દિવ્યાંગનાથી ચાર ચાસણી ચડે એવી વહુ હું ગોતીશ...’ શશીકલાએ મનમાં ગાંઠ વાળી: પણ વખત આવ્યે આ બાપ-દીકરીનો ઘાટ હું અવશ્ય ઘડવાની!

………

‘તમે કંઈ સાંભળ્યું, શેઠશ્રી?’

નરેશભાઈનો ફોન પતાવી મુકુંદરાય માસ્ટર બેડરૂમમાં આવ્યા કે પર્સનલ ફોનની ઘંટડી વાગી. નાલાસોપારાથી મુકેશભાઈ ધીમા અવાજે હવેલીમાં ઘટેલી ઘટના વર્ણવે છે, ‘ચેતજો શેઠશ્રી. નાહક આપનું નામ ન ખરડાય.’

‘થેન્ક યુ મુકેશભાઈ - તમારો સન કૉલેજમાં છેને? ભણી રહે એટલે કહેજો. ક્યાંક ગોઠવી દઈશું.’ તરત જ ઉપકાર દાખવી શેઠશ્રીએ સભાનતાથી બબડી લીધું, ‘બાકી સુબોધભાઈને કશી ગેરસમજ થઈ લાગે છે. હી ઇઝ અ થરો જેન્ટલમૅન. વી વિલ સૉર્ટ આઉટ ધ મૅટર.’

તેમને ખાતરી હતી કે મુકેશભાઈ અભિભૂત જ થવાના : આવડા મોટા માણસે મારો દીકરો કૉલેજમાં ભણે છે એય યાદ રાખ્યું! આળ મૂકનાર સુબોધભાઈને પણ જેન્ટલમૅન કહ્યા. તે કદી ખોટું કરી ન શકે!

અને મુકુંદરાયના ચહેરા પર ખંધું સ્મિત ફરકી ગયું! દિવ્યાંગનાએ એ જોયું હોત તો?

………

‘કોણ, સુબોધભાઈ?’ ત્રીજી સાંજે ઘાટકોપરથી નિરંજનભાઈનો ફોન આવ્યો, ‘શેઠશ્રીવાળી વાત સાચી? ૨૦૦૪નો કિસ્સોને? તો સાચો. ત્યારે મેં પણ તેમને ત્રીસ લાખ આપેલા - હજુ મને પણ રૂપિયા મળ્યા નથી... શું થાય, ન્યાતના મોભી સામે પડતાં ડરતો હતો. પણ હવે ચૂપ નથી રહેવું. તમે કહેતા હો તો ન્યાતીલાની સામાન્ય સભા બોલાવી આપણો પક્ષ રજૂ કરી ન્યાય માગીએ...’

સુબોધભાઈ-અવિનાશને એથી જોમ મળ્યું અને ખરેખર રવિની બીજી સાંજે મળેલી ન્યાતની બેઠકમાં શેઠશ્રી વિરુદ્ધ આરોપનામું ઘડી સુબોધભાઈ-નિરંજનભાઈની જોડીએ તહેલકો સર્જી‍ દીધો. સભામાં આવું કંઈક થવાની ધાસ્તી હતી જ એટલે મોભીઓ જાણીને ગેરહાજર રહેલા. એટલે પણ લોકોને બોલવાનો મોકો મળ્યો: વખત આવ્યે જ તમે મોં છુપાવો એ કેમ ચાલે? શેઠશ્રીએ ખોટું કર્યું ન હોય તો સામે આવી ખુલાસો કરે...

શેઠશ્રી શું કરવાના હતા એની કોને ખબર હતી?

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK