કથા-સપ્તાહ - જંગ-જેહાદ (ન્યાય-અન્યાય - ૧)

Published: 1st December, 2014 05:52 IST

યુ નીડેડ મી...અન્ય ભાગ વાંચો

1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

યુ નીડેડ મી...

ભારત રત્ન લતાજીના કંઠે લાઇવ કૉન્સર્ટમાં ગવાયેલું અંગ્રેજી ગીત સાંભળીને હેરત પામી જવાય. પછી વિચાર આવે કે આમાં નવું શું છે, તેમને તો કમાલ સર્જવાની આદત છે. કારકિર્દીમાં આટલા મિરૅકલ્સ ભાગ્યે જ કોઈ કલાકારે સરજ્યા હશે...

‘હું ભલે પેઇન્ટર હોઉં, મારી પ્રેરણા લતાજી છે. મારા ચિત્રમાં કચાશ ન હોય, પીંછી સરકે ને રેખાઓ જીવંત થઈ ઊઠે એટલી સિદ્ધતા જાણે ક્યારે આવશે?’

અવિનાશ ક્યારેક ખુદને પૂછતો. કળામાં મગ્ન કલાકાર જાત સાથે જ વાત કરવા માંડે એના જેવું.

‘તને ચિત્રકામની ઉચ્ચ સ્કૂલમાં મૂક્યો હોત તો તું ક્યાંનો ક્યાં પહોંચ્યો હોત!’

પિતા સુબોધભાઈ અફસોસ વાગોળતા.

પત્નીના દેહાંત બાદ નાલાસોપારાના ફ્લૅટમાં પિતા-પુત્ર બે જ રહ્યા હતા. ગાર્મેન્ટની દુકાન ધરાવતા સુબોધભાઈ આમ તો આર્થિક સ્થિતિએ સધ્ધર હતા; પણ દસેક વરસ અગાઉ ખોટી જગ્યાએ રૂપિયા ધિરાઈ ગયા, પછી પત્નીની માંદગીમાં બેફામ ખર્ચો થયો અને હવે મૉલકલ્ચર ઉપરાંત ઑનલાઇન શૉપિંગનો ક્રેઝ વધતાં નાના દુકાનદારોએ તો રોવાનું જ છે. દુકાનનું ભાડું પર માંડ નીકળે ત્યાં દીકરાને કલકત્તાની શું, મુંબઈનીયે આર્ટ સ્કૂલમાં મૂકવાનાં ફાંફા હતાં.

પિતાની બેબસી અવિનાશથી છૂપી નહોતી. ચિત્રકામની લગની લોહીમાં ભળી ગયેલી. પ્રાથમિક સ્કૂલના કલાશિક્ષક કહેતા કે આ છોકરામાં સ્પાર્ક છે... તેને નિખારવાની અવસ્થા આવી ત્યારે પપ્પા આર્થિક રીતે પડી ભાંગેલા.

‘એથી તમે અફસોસ કરો એ મને નથી ગમતું પપ્પા... મોટી સ્કૂલમાં ભણવાથી જ કસબ કેળવાતો હોય તો-તો લોકકળાઓ ક્યારની નષ્ટ પામી હોત...’

દીકરાની ઠાવકાઈ પર પિતા ઓવારી જતા. અવિનાશ પોતાની જવાબદારીથી સભાન હતો. ચિત્રકામનો મોંઘો ર્કોસ કરવાને બદલે કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કરીને તેણે વરસેક અગાઉ નજીકની ફાઇનૅન્સ કંપનીમાં નોકરી મેળવી હતી. સમાંતરે ચિત્રકામનો શોખ તો કાયમ હતો જ. રાત્રે જમી-પરવારી પિતા ટીવી-સિરિયલ માણતા અને તે પેઇન્ટિંગમાં ડૂબી જતો. રવિની રજા પણ આમ જ વીતતી. અવિનાશના ખાસ મિત્રો નહોતા અથવા મિત્ર ગણો તો પપ્પા.

અને તેના પપ્પાને હમણાંનું થતું હતું કે ત્રેવીસના થયેલા દીકરાને પરણાવી દેવો જોઈએ... અત્યંત સોહામણો દેખાતો અવિનાશ કમાતો પણ ઠીક-ઠીક હતો, પરિવાર નિભાવી શકે એટલું તો ખરું જ. પિતાને પરખ હતી કે સરળ સ્વભાવના મારા દીકરા માટે મને નિષ્કપટ કન્યા જોઈશે.

‘તમે ગોતો છો એવી કન્યા તો હવે ગામડામાં પણ ન મળે ભાઈ.’ ન્યાતીલાં સુમનબહેન ઘેરબેઠાં મૅરેજ બ્યુરોનું કામ કરતાં. અવિનાશના જન્માક્ષર દઈ સુબોધભાઈએ વહુ બાબતની પોતાની અપેક્ષા જતાવતાં તે હસેલાં, ‘નગદ નારાયણ હોય તો જેવીતેવી કન્યા પણ તમને ગમે એવી જ થઈને રહે.’

બે-ત્રણ પ્રસ્તાવ તરાસ્યા એમાં સુમનબહેનની વાણીનો સાક્ષાત્કાર સાંપડતો ગયો. એકને ફ્લૅટ નાનો લાગ્યો : કહેવા પૂરતો બે બેડરૂમનો ફ્લૅટ, પણ અવિનાશનો અડધો રૂમ તો પેઇન્ટિંગના સ્ટૅન્ડ-સામાનથી પુરાઈ જાય છે... બીજીને વળી સ્મૉલ કારનો અભાવ ખટક્યો.

‘ધનનાં કાટલાં લઈને ફરનારી આપણને ન જોઈએ પપ્પા.’

દીકરાની સૂઝે પિતા ગદ્ગદ થતાં.

‘આજે લક્ષ્મી નથી રહી ત્યારે એનું મૂલ્ય મને સમજાય છે...’ હવેલીમાં બે-ચાર ન્યાતીલા સમક્ષ આજે તેમણે હૈયાવરાળ કાઢી, ‘દાયકા અગાઉ સ્થિતિ સારી હતી. પચીસ લાખનો રોકડો જોગ હતો. વિમળા (પત્ની) સાથે ચર્ચા કરી અમારા જ બિલ્ડિંગમાં અવિનાશ માટે વન બેડરૂમનો ફ્લૅટ લેવાનું પ્લાનિંગ કર્યું ત્યાં મુકુંદરાય આડા ઊતર્યા.’

‘કોણ મુકુંદરાય?’ સાંભળનારા ચમક્યા, ‘આપણા શેઠશ્રી તો નહીં?’

મુંબઈના લાડ સમાજના મોભી મનાતા મુકુંદરાય ગાંધી શેઠશ્રીના ઉપનામે વધુ જાણીતા હતા. વાલકેશ્વરમાં વિલા ધરાવતા મુકુંદરાય વેપારી હતા. કરોડોના આસામી એવા શેઠશ્રી સુબોધભાઈને ક્યાં નડ્યા?

‘એ અરસામાં તેમનાં નાણાં ક્યાંક ફસાયાં હતાં અને તાત્કાલિક મોટી રકમનો જોગ કરવાની બિઝનેસમાં તાકીદ આવતાં શેઠશ્રી રઘવાયા બનીને મારા જેવા પાસે મદદ માગતા હતા.’

બની શકે. કફોડી સ્થિતિમાં શાખનો વિચાર કરી મોટો માણસ અત્યંત ખાનગી ઢબે, જ્યાંથી વાત લીક થવાની આશંકા ન હોય ત્યાંથી જ પૈસા ઉધાર લેવા ઇચ્છે.

‘ઉધાર! હં,’ કડવાશભર્યું મલકીને સુબોધભાઈએ કથા સાંધી, ‘એ વેળા શેઠશ્રીએ બહુ મીઠું-મીઠું બોલીને મદદ માગી. છ મહિનામાં રૂપિયા વાળી દઈશ, પચીસના પાંત્રીસ આપીશ એવું-એવું કહીને મને શીશામાં ઉતાર્યો.’

એટલે?

‘એટલે એમ કે રૂપિયા લઈને ભૂલી ગયા. છ મહિના આજે દસ વરસમાં ફેરવાઈ ગયા; પણ મને પાંત્રીસ લાખ શું, પાંત્રીસ રૂપિયા પણ મળ્યા નથી તેમના તરફથી.’

હેં!

માનવું મુશ્કેલ હતું. શેઠશ્રીને રૂપિયાની જરૂર પડે, તેઓ કદાચ આ રીતે લે પણ ખરા; પરંતુ લઈને પાછા કેમ ન આપે?

‘નીયતનો અભાવ.’

સુબોધભાઈનો જવાબ ઘણાના ગળે ન ઊતર્યો. જે માણસ પોતે ઠાઠથી રહેતો હોય, નમાયી દીકરીને રાજકુમારીની જેમ રાખતો હોય, છાશવારે સમાજમાં સખાવત કરતો હોય તે કોઈનું લેણું બાકી રાખે ખરો? અને એવું જ હોય તો સુબોધભાઈ આટલો વખત મૂંગા કેમ રહ્યા? કંઈક તો ગરબડ છે.

‘શેઠશ્રીએ પૈસા આપવાનો ઇનકાર તો કદી કર્યો જ નથી... આપીશ-આપીશ કહીને નિતનવો વાયદો કરતા જાય. મારી વાઇફની માંદગી આવી તોય શેઠશ્રીમાં દયાનું ઝરણું ન ફૂટ્યુ. અરે, તેમની દયાનો મને ખપ નહોતો. મને તો મારા હકનું જોઈતું’તું, પણ ધરાર જો તેમણે ફૂટી કોડી ધરી હોય! વિમળા બિચારી રડતી. તેની માંદગીમાં અમારી બીજી બચત વપરાતી ગઈ અને તેના જતાં મને રૂપિયા લેવાની હોંશ પણ ન રહી...’

સુબોધભાઈની પીડા અકારણ તો નથી જ... આજ સુધી લાગતાવળગતા એવું માનતા કે વિમળાભાભીની સારવારમાં સુબોધભાઈ ઘસાઈ ગયા... પણ વાત ધાર્યા કરતાં ઊંડી જણાય છે.

‘ખાટલે મોટી ખોડ એ કે આની કોઈ લખાણપટ્ટી નહોતી થઈ.

શેઠશ્રીની જુબાનથી વિશેષ શું હોય આપણા માટે!’

એટલે તો અવિનાશ તેમને કહેતો કે ગઈ ગુજરીની જેમ એ મૂડીને ભૂલી જાઓ પપ્પા... હશે, ગયા જનમનું લેણું નીકળતું હશે એ આ રીતે વસૂલ થયું એમ માની લો. અવિનાશના કલાકાર જીવને આમેય ખટપટ-કંકાસ પસંદ નહોતાં. તેની સલાહે સુબોધભાઈએ મન વાળ્યું, પણ દીકરા માટે કન્યાની પસંદગી વેળા આર્થિક મર્યાદા આડે આવતી હોવાનું અનુભવ્યા પછી જૂના દર્દે ફરી ઊથલો માર્યો હતો. રહી-રહીને થતું : શેઠશ્રીને આપેલા પચીસ લાખ દીકરામાં રોપ્યા હોત તો દેશના અવ્વલ ચિત્રકારોમાં તેનું સ્થાન હોત, ફ્લૅટ લીધો હોત તો આજે ચારગણો ભાવ હોત એનો... પોતાની જ ન્યાતના મોભી પર વિશ્વાસ મૂકીને મેં ભૂલ કરી ગણાય? મોવડીઓ જ આમ કરશે તો સામાન્ય માણસનું શું થશે!

‘હવે હું ચૂપ નહીં રહું. મારો હક મને જોઈએ.’

આજે દેવસ્થાનમાં સુબોધભાઈએ ઇરાદો તો જાહેર કર્યો, પણ જોઈએ એવો પ્રતિસાદ સાંપડ્યો નહીં. સાંભળનારા અવઢવમાં હતા : શેઠશ્રી સરખા મોભી આટલા સ્વાર્થઅંધ ઓછા હોય? શક્ય છે કે સુબોધભાઈને ફાઇનૅન્શિયલ ઇશ્યુઝ હોય કે પછી દીકરાને થાળે પાડવા મોટા માણસનું નિશાન તાકી સ્વાર્થ સાધવો હોય! અવિનાશ સમજુ છોકરો છે. આપણે તેના કાને વાત નાખવાની હોય એમ શેઠશ્રીને પણ ચેતવી દેવા જોઈએ... પછી તો જે થાય એ ખરું!

€ € €

‘ફરી એ જ રામાયણ.’

રાતનું ખાણું આરોગતા અવિનાશે ચર્ચાની શરૂઆત કરી, ‘તમે મંદિરથી ઘરે પહોંચો ત્યાં સુધીમાં તો મારા પર ત્રણ-ચાર ફોન આવી ગયા કે પિતાએ આ શું કથા માંડી છે, નાહક સમાજના મોભીની આંખે ચડવાનું શું કામ?’

સુબોધભાઈને આ પ્રતિક્રિયા અપેક્ષિત હતી જ.

‘પહેલી વાર વાત છડેચોક મૂકી એવું અગાઉ કર્યું હોત તો કદાચ ન્યાય થઈ ચૂક્યો હોત. દેર આએ, દુરસ્ત આએ.’ પોતાની ધૂનમાં બોલતા સુબોધભાઈએ દીકરાને જોયો, ‘ઍની વે, તેં આપણા શુભેચ્છકોને શું જવાબ વાળ્યો?’

‘એટલું તો બધાને કહ્યું કે મારા પપ્પા જૂઠું નથી કહેતા...’ અવિનાશનો ગર્વ રણક્યો, ‘વિશ્વાસ મૂકીને છેતરાયાની તેમની લાગણી આજે

ખૂલી હોય તો સમાજે એમાંથી ધડો લેવો જોઈએ. બાકી અમારે કોઈ જંગ નથી ખેલવો.’

‘જંગ તો છેડાઈ ચૂક્યો દીકરા...’ આ વખતે અવિનાશની સમજાવટ કામ ન લાગી. સુબોધભાઈ આર યા પારના જુસ્સામાં હતા, ‘તારા બાપના પરસેવાની કમાણી હતી એ. તારી માએ કરકસરથી બચાવેલો પૈસો હતો એ. એના પર તારો જ હક હોય અવિનાશ. આપણા હક માટે તો આપણે લડી જ શકીએને?’

ત્યારે અવિનાશે મન મનાવ્યું. આ ઉંમરે પિતા વ્યર્થ ચિંતા ન કરે. તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર ન થાય એ માટે પોતે તેમને વારતો રહેલો. બાકી તેમની વાત ક્યારેય ખોટી નહોતી. હક એમ જતો ન કરાય. પપ્પા ફાઇટ આપવા આટલા મક્કમ હોય તો મારે પણ તેમને સાથ આપવો રહ્યો.

‘બસ, તું સાથે હોય તો મને કોઈની પરવા નથી.’

ત્યારે જાણ નહોતી કે આ જંગ-જેહાદમાં આગળ શું થવાનું છે?

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK