કથા-સપ્તાહ - જાણે-અજાણે (યે કિસકા હૈ કામ - ૪)

Published: 20th November, 2014 05:15 IST

હાઉ સ્ટુપિડ ગર્લ!


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |


સૌંદર્યાને લજ્જા નાદાન લાગી.

નવરાત્રિનો પ્રસ્તાવ મેં મૂક્યો, પણ લીડ લજ્જાએ લેતાં હું હાંસિયામાં ધકેલાઈ એની રીસરૂપે મેં નનામી ચિઠ્ઠી છોડી. આશ્રયને જાણે ચેતવતી હોઉં કે તમારી પત્ની બહુ દાદાગીરી કરે છે, તેનામાં સંસ્કાર નથી... મેં માનેલું કે ચિઠ્ઠી વાંચીને લજ્જા બરાબર ભડકવાની, સોસાયટીમાં જોણું કરવાની... પણ તે સાવ સાઇલન્ટ રહી ત્યારે માન્યું કે આશ્રયે તેને કૂલ રહેવા સમજાવી હશે. મારાથી તો તેને પુછાય એમ હતું જ નહીં. મારો વાર નિષ્ફળ ગયો એનો વસવસો મેં પણ રાખ્યો નહીં.

ત્યાં હવે આટલા દિવસો પછી આજની ચિઠ્ઠી. મેં કરેલું એમ જ સફેદ કવરમાં આંગણે છોડાયેલી ચિઠ્ઠી લજ્જાએ જ મૂકી હોય એમાં બેમત નથી.

તેનું લખાણ તો જુઓ. તમારા જીવનનું અતિગુપ્ત રહસ્ય અમે જાણી ચૂક્યા છીએ; તમારા જીવનસાથીને એ વિશે કહી દો, નહીંતર... નૉન્સેન્સ. કોઈએ જાણેલું રહસ્ય ગુપ્ત કઈ રીતે કહેવાય! ‘આ ઈ-મેઇલ બીજા અગિયાર જણને ફૉવરર્ડ નહીં કરો તો તમારું ધનોતપનોત નીકળશે’ એ લેવલની આ હરકત થઈ. સ્ટુપિડ હરકત. આનાથી વર-બૈરીમાં ફૂટ પડાવવાનો આશય હોય તો તું ભાન ભૂલી છે! લજ્જાને આવી સલાહ આશ્રય તો ન જ આપે. અર્થાત્ આશ્રય પત્રલેખનની ઘટનાથી અજાણ લાગે છે...

આ મુદ્દાએ સૌંદર્યાના દિમાગમાં ટિક-ટિક થવા લાગી. લજ્જાએ જ પત્રમાં છીંડું રાખ્યું છે. તમારા પતિને જાણ કરજો ને બદલે તેણે જીવનસાથી એવો શબ્દપ્રયોગ વાપર્યો - અર્થાત્ આ ચિઠ્ઠી પુરુષને સંબોધીને લખાઈ હોય અને રહસ્ય પત્નીને જણાવવાની તાકીદ થઈ હોય એવો અર્થ પણ નીકળી શકે!

એવું હોય તો લજ્જાએ ફેંકેલો બૉમ્બ આશ્રયના માથે શા માટે ન નાખવો!

તું મારા સુધી કેવી રીતે પહોંચી લજ્જા એ તો તું જાણે, પણ તારી ચિઠ્ઠી હું આશ્રય સુધી પહોંચાડી શેરને માથે સવાશેર સાબિત થવાની!

- અને સાંજે લટાર મારવા નીકળેલી સૌંદર્યાએ પંદરેક વરસના કિશોરને સો રૂપિયાની ટીપ આપી કવર આશ્રયની દુકાને પહોંચાડી દીધું!

€ € €

દિવાકરભાઈ સ્થિર થઈ ગયા.

પૂજાપાઠની ચોપડીમાંથી નીકળેલી ચિઠ્ઠીનું પ્રત્યેક વાક્ય શારડી બનીને હૈયાને વીંધી ગયું હતું.

પતિના હાથમાં ચિઠ્ઠી જોઈને આરતીની થાળી લઈને આવેલાં સંયુક્તાબહેન હાયકારો નાખી ગયાં, થાળી વચકી પડી.

ખણણણ... અવાજ ક્યાંય સુધી ગૂંજ્યા કર્યો ને પછી ધારદાર ખામોશી છવાઈ ગઈ.

€ € €

વૉટ ધ હેલ!

પરબીડિયામાંથી નીકળેલી ચિઠ્ઠીએ આશ્રયને પસીને રેબઝેબ કરી દીધો.

૪૮ કલાકમાં તમારા જીવનનું ગુપ્ત રહસ્ય તમારા જીવનસાથીને કહી દો નહીંતર સોસાયટીમાં એનો ધજાગરો થશે...

ઇમ્પૉસિબલ. લજ્જાથી મેં એક જ રહસ્ય છુપાવ્યું છે અને એનો જાણભેદુ કોઈ હોય એ સંભવ જ નથી.

અને છતાં આ ચિઠ્ઠી કહે છે કે કોઈક તો છે જે મારો ભેદ જાણે છે.

પરાણે ચિત્તને વાળી આશ્રયે ગ્રાહકોમાં ધ્યાન પરોવ્યું. રોજના ટાઇમે દુકાન વધાવી, શટર અડધું પાડી તે અંદર ગોઠવાયો. પાછલા હિસ્સામાં બપોરે આરામ માટે શેટી રાખેલી. એમાં ચોરખાનું છે એની તો લજ્જાને પણ જાણ નથી. આમેય લજ્જા ભાગ્યે જ દુકાને આવતી એટલે તો આ સામાન પોતે અહીં છુપાવી રાખ્યો છે.

ચોરખાનામાંથી તેણે ન્યુઝપેપરનું કટિંગ કાઢ્યું.

‘મલયાલમ મનોરમા’ના ચારેક વરસ જૂના અંકમાં છપાયેલા સમાચારની એ કાપલી હતી. મલયાલમ લિપિનો કોઈ પણ જાણકાર મથાળું વાંચે એનો ગુજરાતી તરજુમો કંઈક આવો થાય:

હૉસ્પિટલના શબઘરમાં મડદાં સાથે ચેડાં!

કેરળના મુનારની એ હૉસ્પિટલના મૉર્ગરૂમમાં મારી ડ્યુટી રહેતી અને એના થકી જ મને ખુલ જા સિમ સિમનો ખજાનો હાથ લાગ્યો હતો!

આશ્રયે પ્રસ્વેદ લૂછ્યો.

મારા ગુનાનો કોઈ સાક્ષી આજે હયાત નથી છતાં ક્યાંકથી કોઈએ કડી મેળવી મને ચેતવ્યો છે... પરંતુ હું લજ્જાને જાણ કરું એમાં કેમ તેને રસ છે? લજ્જા વધુ છેતરાય નહીં માટે? ચિઠ્ઠી લખનાર લજ્જાનો હિતેચ્છુ છે કે મારો હિતશત્રુ?

તે જે કોઈ હોય, તેની ધમકી સ્પષ્ટ છે : ક્યાં તમારું સીક્રેટ લાઇફ-પાર્ટનરને કહી દો, અન્યથા ભેદના જાહેર વિસ્ફોટ માટે તૈયાર રહો... અનેક લોકોની હાજરીમાં લજ્જા મારું રહસ્ય જાણે

એના કરતાં બહેતર છે કે મારે સર્વ કંઈ કબૂલી લેવું...

મુનાર.

કેરળ ફરવા જવા થનગનતી લજ્જાને મારે ટકોરવી પડેલી. બિચારીને ક્યાં જાણ છે કે મુનારમાં હું બે વરસ રહી ચૂક્યો છું ને મારા સીક્રેટની શરૂઆત મુનારની હૉસ્પિટલના શબ્ાઘરથી થાય છે...

મારો ભેદ હું લજ્જાને કહેતાં તો કહી દઉં, પણ લજ્જા સચ્ચાઈ જીરવી શકશે ખરી? ભેદ પચાવવાને બદલે જો તે પોલીસને તેડાવવાની થઈ તો...

આશ્રયનાં જડબાં તંગ થયાં. હાથની મુઠ્ઠી વળી.

€ € €

સંયુક્તાઆન્ટી રોજની જેમ સાંજે બાંકડા-બેઠકે ન આવ્યાં, નંદાઆન્ટી પણ ન ઊતયાર઼્, નિયતિભાભી શાકપાંદડું લેવા ન ગયાં; જ્યારે સૌંદર્યા નચિંતવા મને લટાર મારવા નીકળી પડેલી. આનો અર્થ એ કે સૌંદર્યા બેગુનાહ છે; જ્યારે પાપ પેલી ત્રિપુટીએ મળી-સંપીને કર્યું હોવું જોઈએ, તો જ મારી ચિઠ્ઠીથી ત્રણે ગોથાં ખાય છે!

રાત સુધીમાં આટલી પ્રગતિથી લજ્જાને સંતોષ હતો. પોતાનો દાવ ફળ્યાની ખુશીમાં દુકાનથી આવેલા પતિની પરેશાની લજ્જાના ધ્યાનબહાર જ રહી!

€ € €

છાતીમાં મૂંઝારો થતો હોય એમ મધરાતે દિવાકરભાઈ સફાળા બેઠા થઈ ગયા. સંયુક્તાબહેનને ફાળ પડી. સાંજથી ટાળતા રહ્યા એ ઘડી રૂમના એકાંતમાં આવી ગઈ... હવે આંખ મીંચીને પડી રહેવાનો અર્થ નથી. મા જગદંબાનું સ્મરણ કરી ઉલેચી નાખ ભીતરનો ભેદ... ત્યાં-

ધ્રૂસકું નાખતાં દિવાકરભાઈએ હથેળીમાં મોં છુપાવ્યું. સંયુક્તાબહેન મૂંઝાયાં : રડવાનું મારે હોય,

દિવાકર કેમ...

‘શું થયું દિવાકર? તમે આમ....’

‘એકાંતમાં તો ઘણી વાર રડ્યો છું, આજે તારી સમક્ષ પાપ કબૂલી પસ્તાવો વહાવી દેવા દે.’

હેં!

સંયુક્તાબહેન સમજી ગયાં કે મને મળેલી ચિઠ્ઠી પોતાના માટે હતી એમ માનીને દિવાકર રહસ્ય કબૂલી રહ્યા છે... ના; રહસ્ય નહીં, પાપ. ઘડી પહેલાંનો ચોર કોટવાળના પાઠમાં આવી ગયો : પતિદેવનું પાપ જાણું તો ખરી!

‘તું તો જાણે છે સંયુક્તા, લકવાના કારણે મા દાયકાથી પથારીવશ રહી. મા પથારીમાં રિબાતી ને તું તેની સેવામાં પિસાતી. માની વ્યથા ને તારો વસવસો મારાથી છૂપાં નહોતાં. ઈશ્વરને એક જ પ્રાર્થના કરતો - મારી માને વધુ રિબાવ નહીં, તેને મુક્તિ આપ...’

(તમે મા પ્રત્યેની કરુણાથી પ્રેરાઈ જે માગ્યું એ જ હું વહુના અણગમાથી માગતી રહી!)

‘તારી સેવામાં ખોટ નથી કાઢતો, પરંતુ તને એનો બોજ હતો એ પણ હકીકત હતી. મારી મા એમાં નિમિત્ત બને એ મારા માટે વધુ અસહ્ય હતું. જિંદગીભર સ્વમાનભેર જીવેલી મારી માએ ઘણી લાચારી, પરવશતા ભોગવી. ક્યારેક તેની આંખો મને કહેતી - મને છૂટી કર દીકરા!’ દિવાકરભાઈનો સ્વર ધ્રૂજ્યો, ‘અને એક દિવસ ખરેખર તેના પાણીમાં ઝેર ભેળવીને મેં માને મોક્ષ આપી દીધો.’

હેં!

સંયુક્તાબહેન વિસ્ફારિત નેત્રે પતિને તાકી રહ્યા. સાસુમાનું મૃત્યુ મર્સી-કિલિંગ હતું? મેં સેવાનો ઢંઢેરો ન પીટ્યો હોત, એને ઢસરડો ન માન્યો હોત તો કદાચ દિવાકર માને મારવાનું પાપ ન વહોરત. આટલું કરીને પણ તેમણે કદી મને દોષી ન ઠેરવી એ તેમની મહાનતા. હું તેમના સ્નેહને, વિશ્વાસને લાયક પણ ખરી?

‘માને રિબામણીમાંથી મુક્તિ મળી એ કદાચ સારું જ થયું, પરંતુ એમાં જાણેઅજાણે હું નિમિત્ત બની એ મારો દોષ. નહીં, આજે મને નહીં રોકો દિવાકર; અંતરનાં દ્વાર ફરી કદાચ હું ખોલી ન પણ શકું... તમે માને મોક્ષ આપ્યો, પણ હું તો મારી મુક્તિ કાજ સાસુમાને મારવા તાંત્રિકને મળી હતી...’ સંયુક્તાબહેને એકશ્વાસે કબૂલી લીધું.

ખંડમાં નીરવતા વ્યાપી રહી.

‘હશે, જે બન્યું એ બન્યું. આમાં તારો દોષ પણ શું? તું આવી એવી મા બીમાર પડી. માના હેતનો, સ્વભાવનો તને પરિચય પણ ન થયો પછી મમત્વ પણ કેમ જાગે?’

‘ઓ...હ! દિવાકર, તમે મને સમજી શક્યા; હું ધન્ય થઈ. સાચું માનજો, આ ઘડીએ સાસુ મારા માટે મા બન્યાં છે; મારા સ્વભાવની કડવાશ ઓગળી રહી છે...’

દિવાકરભાઈએ પત્નીનું કપાળ ચૂમ્યું, પછી ચિઠ્ઠીના ટુકડા કરીને વૉશરૂમના ફ્લશમાં વહાવી દીધા.

‘આપણી વચ્ચે કોઈ રહસ્ય ન રહ્યું ત્યારે આ કાગળનો પણ બોજ શું કામ!’

સંયુક્તાબહેન પતિને વળગી પડ્યાં. એવું લાગ્યું જાણે વ્યક્તિત્વમાં લોપાઈ રહેલી મધુરતા ફરી પ્રગટી હોય!

€ € €

‘વૉટ?’ લજ્જાને સમજાયું નહીં. મધરાતે બેડરૂમમાંથી મને હૉલમાં દોરીને આશ્રય કરવા શું માગે છે?

દૃઢ નર્ધિાર સાથે સામે ગોઠવાતો આશ્રય એક વાક્ય બોલ્યો. લજ્જાને કશું ન સમજાયું.

‘મલયાલમમાં બોલાયેલા વાક્યનો ગુજરાતી અર્થ થાય - મારે કબૂલાત કરવી છે...’

આના થોડા સમય પછી વાતાવરણમાં એક ચીસ ગૂંજી.

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK