કથા-સપ્તાહ - જાણે-અજાણે (યે કિસકા હૈ કામ - ૧)

Published: 17th November, 2014 05:13 IST

ઝિંદગી યે ઝિંદગી, દો ઘડી કી ઝિંદગી...
અન્ય ભાગ વાંચો

1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

રસોઈ કરતાં-કરતાં મનગમતાં ગીત ગણગણી લેવાની લજ્જાની આદત હતી.

‘ગીત ગાવાથી મારું ચિત્ત પ્રસન્ન રહે છે અને એનો પડઘો મારી રસોઈના સ્વાદમાં પડે છે.’

ઘાટકોપરની બે વિંગની ગુજરાતી સોસાયટી અરિહંતમાં લજ્જાના સ્વાદ-સોડમનો પર્યાય નહોતો એ અન્ય ગૃહિણીઓએ મન-કમને સ્વીકારેલી હકીકત હતી.

‘મૂળે તું રૂપાળી. છોગામાં પુરુષને જીતવાનો રસ્તો તેના પેટમાંથી પસાર થાય એમાં પણ તું પાવરધી. પછી અમારા આશ્રયભાઈ ઓળઘોળ થઈને રહે એની શી નવાઈ!’

વાર-તહેવારે સોસાયટીમાં ભેગા મળવાનું થાય ત્યારે બે-ચાર જણ અચૂક આ મતલબની ટિપ્પણી કરે ને લજ્જા તેના નામ પ્રમાણે લજ્જાભર્યું મલકી લે. દામ્પત્યનો વિખવાદ સદા માટે છાનો નથી રહેતો એમ સંસારના સુખની મહેક પણ છૂપી નથી છુપાતી.

અને પોતે સુખી હોવા બાબત લજ્જાને બેમત નહોતો. દોઢ વરસના સહજીવનમાં તેને કોઈ વાતની ઊણપ નહોતી વર્તાણી. અત્યંત સોહામણો, પૌરુષથી ભર્યોભાદર્યો પતિ હતો; આર્થિક સધ્ધરતા હતી અને સૌથી વિશેષ આશ્રય મને હથેળીમાં ને હથેળીમાં રાખે છે. એક પત્નીને બીજું શું જોઈએ? પિયરિયાં તો દીકરીના સુખે રાજી હોય જ.

‘સાચું કહું તો પહેલાં મને થોડી ભીતિ હતી...’ મા કદી વાગોળતી, ‘ભચાઉના ભૂકંપમાં સર્વસ્વ ગુમાવી દેનારો આશ્રય અનેક ઠેકાણે ફરી બે વરસ અગાઉ મુંબઈમાં થાળે પડ્યો. ધરતીકંપમાં આખું ગામ નાશ પામ્યું હોય ત્યાં તેનો રેફરન્સ પણ ક્યાંથી મેળવવો?’

અરેન્જ્ડ મૅરેજમાં વર-કન્યાની ફૅમિલી જાંચ-તપાસ પછી જ આગળ વધતી હોય છે. ઘાટકોપરના એક સ્નેહીએ અંધેરીમાં રહેતા લજ્જાના પેરન્ટ્સને આશ્રય ચીંધેલો: આપબળે આગળ વધેલા આશ્રયે ઘર નજીક સ્ટેશનરીની દુકાન કરી છે, છોકરો પાણીદાર છે એની ગૅરન્ટી મારી!

કૉમર્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતી લજ્જા માટે મુરતિયાના પ્રસ્તાવ આ રીતે આવતા રહેતા. એમાં આશ્રય ઘરમાં સૌને એક નજરમાં ગમ્યો.

‘સેટલ થયા પછી જ પરણવાનું નક્કી કરેલું એટલે મારી ત્રીસની ઉંમર તમારા ત્રેવીસના આંકડા સામે કદાચ વધારે લાગશે; બટ બિલીવ મી, વયભેદ હું ક્યાંય વર્તાતા નહીં દઉં...’

આશ્રયનો ગૂઢાર્થ ન સમજાય એટલી નાસમજ લજ્જા નહોતી જ.

બલ્કે તેની સૂઝ અને આત્મવિશ્વાસનો દાખલો દેવાતો.

‘પતિ-પત્ની વચ્ચે હૈયાભેદ ન હોય આશ્રય તો બીજા તમામ ભેદ આપોઆપ ખરી પડવાના.’

આશ્રય તેને તાકી રહેલો. લજ્જા તેની નજરમાં ખોવાઈ.

‘તારો સાથ સાચે જ મારું સદ્ભાગ્ય હશે લજ્જા.’

આશ્રયના શબ્દો, તેનો ચાર્મ કોઈને પણ અપીલ કરી શકનારા હતા. લજ્જા પણ અપવાદ નહોતી. માતા-પિતાને સંદર્ભની અવઢવ હતી, પરંતુ વ્યાપાર-વતુર્‍ળ અને ઘાટકોપરના પાડોશી વર્ગે આશ્રયના ગુણોમાં સંમતિ પુરાવતાં દીકરીની પસંદગી પર તેમણે મહોર મારી. જમાઈ તરીકે આશ્રય દીકરા જેવો નીવડ્યો એનો હરખ જ હોયને!

આશ્રયના રિશ્તેદારો તો હતા નહીં. જે ગણો એ સોસાયટીનું સર્કલ હતું. લજ્જા અહીંના મહિલાવૃંદમાં બહુ સરળતાથી ભળી ગઈ.

ત્રીસ ફ્લૅટ, વિશાળ કમ્પાઉન્ડ અને બેઝમેન્ટ પાર્કિંગ ધરાવતી અરિહંત સોસાયટીમાં હોળી, જન્માક્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ જેવા તહેવારો રંગેચંગે ઊજવાતા. નવા વરસે સ્નેહમિલન યોજાતું. આની આગેવાની વરસોથી બી વિંગનાં ચંદનબહેન નિભાવતાં. ફન્ડફાળો ઉઘરાવવાથી માંડીને સમાપન સુધીની ક્રિયાવિધિમાં તેમનો અંગત સમય ખર્ચાતો. જોકે નોકરચાકરની સવલતને કારણે તેમને એ પરવડતું પણ ખરું. પાછાં હોંશીલાં એટલે ઉમંગભેર મંડી પડે. એ દ્રષ્ટિએ દોઢ-બે દાયકાથી સોસાયટીમાં ઉજવણીની પ્રથા હતી અને છતાં દરેક જગ્યાએ હોય એમ સારા કામમાં પણ ખોટ કાઢનારા અહીં પણ હતા.

‘આપણે ત્યાં તો ચંદનબહેનની મોનોપૉલી ચાલે છે... બધું તે કહે એમ જ થાય.’ નંદાબહેન હસતાં-હસતાં સંભળાવી દેતાં.

‘દોઢસો રૂપિયાની ડિશ પ્રમાણે જમવાની મજા ન આવી... ચંદનબહેને કેટરર પાસે ભાવ કસવા જેવો હતો.’ નિયતિ મમરો મૂકતી.

‘ઉત્સાહ-આવડત ચંદનમાં જ છે એવું નથી હોં. માથે માંદાં સાસુનો બોજ ન હોત તો ચંદને કર્યું એ મેં કરી દેખાડ્યું હોત...’ સંયુક્તાબહેન કહી નાખતાં. લકવાગ્રસ્ત સાસુની ચાકરીમાં દામ્પત્યનો પ્રથમ દાયકો વીત્યાનો વસવસો ઘણી વાર વાગોળતાં સંયુક્તાબહેનને સામું કહેવાય નહીં કે સાસુમાના દેહાંતને દાયકો થવાનો, હવે તો તમારા છોકરા પણ મોટા છે; લઈ લો આગેવાની સોસાયટીના પ્રોગ્રામ્સની, કોણ રોકનારું છે.

‘બધાએ માત્ર વાતોનાં વડાં જ કરવાં છે, કામ સોંપો તો એવા આઘાપાછા થઈ જાય કે શોધ્યા ન જડે!’ કોઈનું પણ નામ લીધા વિના ચંદનબહેનની તરફેણમાં સૌંદર્યા બેધડક કહેતી. આયોજનની મીટિંગમાં હાજર મહિલાઓ ન સાંભળ્યું કર્યા સિવાય શું કરી શકે!

પત્ની તરીકે પોતાનાથી વરસેકની સિનિયૉરિટી ભોગવતી સૌંદર્યા જોડે લજ્જાને વિશેષ ફાવતું. અન્ય લેડીઝ ભાભીઝ અને આન્ટીઝ તરીકે ફિટ થાય એમ હતી એટલે પણ બી વિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી સૌંદર્યા હમઉમ્ર મિત્ર જેવી બની ગયેલી. ચંદનબહેનને બેઉ ઊલટભેર અસિસ્ટ કરતાં. એમાં લજ્જાને એટલું પરખાયું કે નાના-મોટા મતમતાંતરો તો ઠીક, ફંક્શન માટે ફાળો આપતાં પણ ઘણાને પેટમાં ચૂંક આવતી હોય છે. કોઈ મેમ્બર ફાળો આપવામાં ઠાગાઠૈયા કરે તો ઘરના પુરુષને જાણ કરીને શરમમાં મૂકવાને બદલે છેવટે ખૂટતી રકમ ચંદનબહેન પોતે ઉમેરી દેતાં. પાછી એની જાહેરાત નહીં. આટલું તો આજે કોણ કરે? પુરુષવર્ગ આમેય ઝમેલામાં પડતો નહીં. તેમણે તો બસ જલસો માણવાનો.

‘મારી હાજરીમાં આ છેવટનો પ્રસંગ...’ ગોકુળ આઠમની ઉજવણીમાં ચંદનબહેને જાહેરાત કરી, ‘છ મહિના માટે અમે વિદેશ જઈએ છીએ.’

અમેરિકામાં ભણતો તેમનો દીકરો જૉબમાં સેટ થતાં તેણે માબાપને તેડાવ્યાં હતાં. ફૉરેન ટ્રિપની તેમને નવાઈ નહોતી, પરંતુ છ માસનો ગૅપ પહેલી વાર પડવાનો.

‘તમારી ખોટ આખી સોસાયટીને સાલશે... તમારા વિના કોણ આગેવાની લઈને તહેવાર ઊજવવાનું!’ લજ્જા સહેજ ઉદાસ બનેલી.

તેની ધાસ્તી સાચી પડતી હોય એમ ગણેશ ચતુર્થી સૂની ગઈ.

‘મને તો તહેવાર જેવું લાગ્યું જ નહીં... બાકી ગયા વરસે તો કેવી રોનક હતી...’ લજ્જાએ ખટકો દાખવતાં સૌંદર્યાએ ચપટી વગાડેલી, ‘રોનક જમાવવાનું આપણા હાથમાં છે. તું તૈયાર હો તો નવરાત્રિનો મોરચો માંડી દઈએ...’

લજ્જાને થ્રિલ થઈ : ફંક્શન ઑર્ગેનાઇઝ કરવાની મજા પડશે! અમેરિકા ફોન જોડી ચંદનબહેન પાસે રૂપરેખા મેળવી બન્ને સખીઓ ફાળો ઉઘરાવવા નીકળી પડી.

‘હ...જાર રૂપિયા!’ લજ્જાની નીચે રહેતી નિયતિએ ભારેખમ ચહેરે સંભળાવ્યું, ‘ચંદનબહેને કદી રકમ ફિક્સ નહોતી રાખી, જેને જે આપવું હોય એ આપે...’

‘ચંદનબાની વાત જુદી નિયતિભાભી...’ લજ્જાએ પટ દઈને સંભળાવ્યું, ‘ખૂટતો ફાળો તેઓ ઉમેરી દેતાં તોય તેમને ગાળો પડતી એટલે અમે એવું નથી કરવાના...’

ખરી મોંફાટ! હોઠ કરડીને હજારની નોટ આપ્યા વિના શું થઈ શકે નિયતિથી!

‘પહેલા નોરતાથી દશેરાના દસ દિવસની ઉજવણીમાં રોજના સો રૂપિયા પેટે હજારની ઉઘરાણી તને વાજબી લાગતી હશે લજ્જા...’ સંયુક્તાબહેને જુદી રીતે વિરોધ દર્શાવ્યો, ‘પણ પહેલા ચાર દિવસ તો અમે દેશમાં છીએ એટલે હું બાકીના છ દિવસના છસો આપીશ.’

‘અંહ, ન ચાલે માસી. તમતમારે પૂરા હજાર આપો, તમારા ભાગનું અમે ખાઈ લઈશું!’

લજ્જાની હાજરજવાબી સામે સંયુક્તાબહેન હારી ગયાં.

‘ફાળો ફિક્સ રાખીને તમે ખોટું કર્યું... આપણે ત્યાં તો બે હજાર આપવાવાળા પણ છે...’ આવું કહેનારાં નંદાબહેનને લજ્જાએ મીઠાશથી કહ્યું, ‘હજાર તો મિનિમમ અમાઉન્ટ છે નંદાઆન્ટી.

તમારે વધારે આપવા હોય તો અમે ના નહીં પાડીએ...’

વધારે આપવાના મુદ્દે ભડકેલાં નંદાબહેને સો-સોની દસ નોટ આપવામાં છુટકારો જોયો!

લજ્જાની વર્તણૂકનો પડઘો એવો પડ્યો કે ફંક્શનનું ઇનિશિયેટિવ સૌંદર્યાએ લીધું હોવા છતાં કપ્તાનપદે આપોઆપ લજ્જાને ધારી લેવાઈ.

અને લોકો કેવા વિઘ્નસંતોષી હોય છે એનો પરચો લજ્જાને નોરતાની આગલી રાત્રે મળ્યો. આશ્રયના આગમન સમયે દરવાજો ખોલતાં બારસાખે સફેદ કવર પડેલું જોયું. સહેજ નવાઈ લાગી : કુરિયરવાળો આ રીતે કવર ફેંકી ન જાય. ટપાલ હોય તો ટપાલી ભોંયતળિયેના પોસ્ટ-બૉક્સમાં નાખી જાય... કવર ઉઠાવી તેણે જાળી ખોલી. આશ્રયનું કવર પર ધ્યાન ન પડ્યું હોય. તે ફ્રેશ થવા ગયો એટલે લજ્જાએ જોયું તો કવર પર કોઈનું નામનિશાન નહોતું. કુતૂહલવશ કવર ખોલતાં અંદરથી નનામી ચિઠ્ઠી નીકળી:

સોસાયટીમાં ફંક્શન થાય એ સારી વાત છે, પરંતુ લજ્જાબહેન બળજબરીથી ફાળો ઉઘરાવે એ ખોટું છે. તેમના હસબન્ડને જાણ હોવી જોઈએ કે તેમની પત્ની કેટલી દાદાગીરી દાખવે છે. આ સારા સંસ્કાર નથી.

વાંચીને સમસમી ગઈ લજ્જા. મારા પ્રયત્નો કોને ખટક્યા? વાંધાવચકા માટે ત્રણની ત્રિપુટી જાણીતી છે - નિયતિ, નંદા, સંયુક્તા! એમાંથી જ કોઈનું આ કામ હોવું જોઈએ... કે પછી સૌંદર્યા? મારી આગેવાનીથી પોતે હાંસિયામાં ધકેલાઈ ગયાનું અનુભવતી સૌંદર્યાએ

આ રીતે ઊભરો ઠાલવ્યો હોય એ શક્ય તો ખરું જ.

અંહ, આશ્રયને આ વિશે કહેવું નથી. હમણાં કશું કરવું પણ નથી. તહેવારના દહાડા પતવા દો, પછી હું આનો જવાબ વાળીશ!

- અને અત્યારે લતાનું ગીત ગણગણતી લજ્જા કુકરની સીટીએ ઝબકી : લાભપાંચમ વીતી, તહેવારો પૂરા થયા. હવે વળતો ઘા કરવાની વેળા આવી પહોંચી.

ઈંટનો જવાબ પથ્થરથી ન વાળું તો મારું નામ લજ્જા નહીં!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK