કથા-સપ્તાહ - જમા-ઉધાર (હિસાબી દુનિયા - ૩)

Published: 22nd October, 2014 04:46 IST

લૉટરી?અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


અઠવાડિયા અગાઉ મૌનવીને ધનવૈભવમાં રાચતી કરવા પોતે શું કરી શકે એનું મનોમંથન આરંભ્યા પછી એકમાત્ર લૉટરી સિવાય બીજો કોઈ વિકલ્પ સૂઝતો નથી અને લૉટરી ક્યારે લાગી કોણે જાણ્યું!

મૌનવીની અમીરીની અપેક્ષા સમજાયા પછી એના પ્રત્યે આંખમીંચામણાં કરવાનો મતલબ નહોતો. પરણ્યા પહેલાં તારે આની ચોખવટ કરવી જોઈતી’તી એમ કહીને મૌનવીને દૂભવવાનો અર્થ નહોતો. મૌનવીને તે ચાહતો. ધનની આકાંક્ષા સેવવાના ગુણથી તે અપ્રિય ઓછી ઠરી જાય! હા, તેનાં વેણ ક્યારેક કાળજે વાગતાં. એની અસરમાં પોતે પણ ન બોલવા જેવું બોલી જતો. મૌનવીને મારા એ રૂપની આદત ન હોય એમ તે હેબતાતી ને પોતે પારાવાર પસ્તાતો. મૌનવીને મનાવતો ત્યારે તે બોલી જતી : હું ગમે એ કહું-કરું, તમે તો આવા જ રહેજો અંતર! મૌનવી પોતાને ચાહે છે એમાં અંતરને સંશય નહોતો. તે આકરી થતી હશે તો મને પાનો ચડાવવા... હું પણ તેને રાજી કરવા બનતું કરું છું, પણ ટીપે-ટીપે સરોવર ક્યારે ભરાશે? મૌનવી અધીર બને છે, હું અકળાઈ જાઉં છું ને સ્નેહજીવનમાં અળખામણી પળો સર્જાય છે. એ દામ્પત્યનો પાયો ખોખલો ન કરી દે એ માટે પણ આનો કાયમી ઉકેલ આણવો જરૂરી છે. રાતોરાત ધનવર્ષા થાય એવું કંઈક કરવું ઘટે...

પણ શું?

€ € €

‘વીમા-પૉલિસી?’

સાંજે ઘરે આવેલા પતિનો ઉત્સાહ મૌનવીને સમજાયો નહીં. અંતર હંમેશાં સેફ ઇન્વેસ્ટમેન્ટમાં માનતો. શૅરબજારના સટ્ટાથી દૂર જ રહેતો. પોતાની જ બૅન્કે લૉન્ચ કરેલી વીમા-પૉલિસી અંતરને ફાયદેમંદ જણાઈ હતી. લાખ રૂપિયાની પૉલિસી તેણે પોતાના નામ પર લીધી હતી.

આવી નાની બચતમાં શું હરખાવાનું! મૌનવીએ પરાણે જીભ વશમાં રાખી. વરસગાંઠના અનુભવ પછી તે થોડી સહેમી ગઈ હતી. મને આટલું ચાહનારા અંતર મારો બર્થ-ડે ભૂલી ગયા એનો અર્થ એ કે તેમના પર કામનું અતિશય ભારણ છે! કે પછી તેમને મારામાં રસ નથી રહ્યો? વાણી કામ બનાવે એમ બગાડી પણ જાણે. મહેણાંના વારથી હું તેમને અણગમતી થઈ પડી હોઉં તો? આ શક્યતા જ જીવ અજંપ કરી દેનારી હતી. આજ સુધી અંતર મને મનાવતા આવ્યા; પણ એક દિવસ કંટાળીને, ત્રાસીને મોં ફેરવી લે એ સંભવ તો ખરું જને! મારા માટે થઈને જાત ઘસતા પતિને સારપના બે બોલ કહેવાને બદલે હું વક્રોક્તિ જ કર્યા કરું એ કોઈ ક્યાં સુધી સહન કરે? આ ફડકે તે બોલતાં અટકી જતી. જોકે પડેલી આદત હજી સદંતર નામશેષ નથી થઈ. આજે તેણે કાબૂ જાળવી જાણ્યો. 

‘ગુડ.’ મૌનવી એટલું તો જાણતી કે અંતર સો ગળણે ગાળીને રોકાણ કરતો. પૉલિસીનું રિટર્ન નિ:સંદેહ સારું હતું.

‘એનું સૌથી અટ્રૅક્ટિવ ફીચર તો મેં તને કહ્યું નથી...’ અંતરે ભેદ ખોલ્યો, ‘ધારો કે પૉલિસીનાં પચીસ વર્ષની ટર્મમાં મને કંઈ થઈ જાય...’

‘મરે તમારા દુશ્મન,’ મૌનવીએ અંતરના હોઠ પર હાથ મૂક્યો.

‘સાંભળ તો ખરી. હું નહીં હોઉં તો તને સોગણું વળતર મળે - અર્થાત્ પૂરા એક કરોડ.’

‘એ...ક કરોડ!’ મૌનવીનું મોં ખુલ્લું રહી ગયું.

‘યા, મારી ઍબ્સન્સમાં તને આર્થિક મોરચે તકલીફ તો નહીં રહે...’ અંતર હસ્યો, ‘જીવતો હું લાખનો ભલે ન થઈ શક્યો, મર્યા પછી કરોડનો થઈશ એટલું નક્કી.’

બોલ્યા પછી પોતાના જ શબ્દો અંતરના અંતરમાં ઘૂમરાવા લાગ્યા. એક કરોડનો આંકડો ઉચ્ચારતી વેળા મૌનવીના ચહેરા પર ઝબકેલો ભાવ તરવરવા માંડ્યો. એકાએક પોતાને પજવતા પ્રશ્નનો ઉકેલ જડી ગયો.

વિશિક્ટ નજરે તેણે પત્નીને નિહાળી. પ્રણય ઘૂંટાયો. અંતરની કીકીમાં વિચિત્રસી ઘેલછા ટપકી : ઍનીથિંગ ફૉર યુ સ્વીટહાર્ટ!

બુદ્ધિ વારે, શાણપણ રોકે એ પહેલાં હૈયાએ એક ફેંસલો ઘડી લીધો હતો : વીમાની પૉલિસી પકવવાનો!

€ € €

માનવીના ભાવવિશ્વમાં અનેક પ્રકારની લાગણીઓ પ્રવર્તે છે, પરંતુ એ સૌમાં પ્રેમ જેવી અનોખી ભાગ્યે જ કોઈ હશે. પ્યારમાં માણસ મારે પણ ખરો ને મરવા પણ તૈયાર થઈ જાય... જેમ કે અંતર.

દામ્પત્યના અંતરના આદર્શો નોખા હતા. ખરેખર તો માતાપિતાનું સ્નેહજીવન નિહાળીને તેના આદર્શોનો પિંડ બંધાયો હતો જેને અનુસરવું તેને મન સ્વાભાવિક હતું, સહજ હતું. પત્નીની અમીરીની અપેક્ષા સંતોષવામાં તેણે પોતાનો પતિધર્મ જોયો. ટ્યુશન્સ અને ઓવરટાઇમથી વાત ન બની ત્યારે કંઈક એવું કરવા વિચાર્યું જે પત્નીને રાતોરાત અમીર બનાવી દે... વીમાની પૉલિસી લેતી વેળા તો ન સૂઝ્યું, પણ પત્ની સાથેની ચર્ચામાં પોતે ન રહે તો મૌનવીને કરોડ રૂપિયા મળે એનો ઝબકારો થયો ને દુનિયામાંથી એક્ઝિટ લેવાનો નિર્ણય ઘડતાં તેનું રૂંવાડું પણ ન ફરક્યું. મારો જીવ જતાં પણ પત્નીનું સમણું પૂરું થતું હોય તો ઇટ્સ વર્થ! આમાં નર્યું ગાંડપણ કે ભાવાવેશ નહોતો, અંતર માટે એ પ્યારની પરાકાષ્ઠા હતી.

નૅચરલી, મૌનવીને આ કહેવાનું ન જ હોય. તે ઓછી મને મરવા દે! તેને તો કલ્પના પણ ન થવી જોઈએ કે તેનું સમણું સાકાર કરવા મેં આત્મહત્યા કરી છે! નહીં તો તે જીવી નહીં શકે...

અને મારે મરવું પણ એ રીતે પડે જે આપઘાત ન લાગે. પૉલિસીમાં સ્પષ્ટ લખ્યું છે કે સુસાઇડ કરનારને કોઈ વળતર નહીં મળે.

સો હાઉ ટુ એન્ડ લાઇફ? અંતરે આ દિશામાં વિચારવા માંડ્યું. તેના મનોવિહારથી મૌનવી સદંતર અજાણ હતી!

€ € €

સ્વમૃત્યુનો નિર્ણય કર્યા પછી અંતર મૌનવીનાં મહેણાંથી દુભાતો નહીં, બલકે તેને બૂસ્ટ મળતું : હવે તારો અમીરીનો સૂરજ ઝળહળવાનો જ છે મૌનવી!

વરસગાંઠના પ્રસંગ પછી મૌનવી તોલીને બોલતી. તોય ભાથામાંથી તીર સાવ ખાલી નહોતાં કયાર઼્. એના વારે અંતરનો ઇરાદો દૃઢ થતો : ધિસ ઇઝ ધ ઓન્લી વે!

પછી થયું કે મરવું જ છે તો મૌનવીને એક જ કરોડ મળે એવું શું કામ રાખવું? એટલે તેણે પોતાની પૉલિસી એકમાંથી પાંચ લાખની કરાવી.

સો, હવે મરેલો હાથી પૂરા પાંચ કરોડનો થવાનો!

મૌનવીએ જોકે મોં બગાડ્યું : વરસેદહાડે આટલું પ્રીમિયમ ભરીશું તો બીજા મોજશોખ ક્યારે પૂરા કરીશું?

‘વેરી સૂન. તારો કોઈ શોખ અધૂરો નહીં રહે માય લવ...’ માઠું લગાડવાને બદલે અંતરે તેને પ્રણયવર્ષામાં ગૂંગળાવી. મૌનવીને એ ગમ્યું, છતાં પૂછ્યા વિના ન રહેવાયું, ‘કેમ? અલીબાબાનો ખજાનો હાથ લાગવાનો છે?’

‘કંઈક એવું જ.’

અંતરના શબ્દો મૌનવીને સમજાયા નહીં. સમજવા પણ નહોતા. અત્યારે તો બસ પતિના પ્યારમાં ખોવાઈ જવું હતું!

આ પ્યાર પણ હવે થોડા દિવસ... પછી હું સદેહે નહીં રહું મૌનવી, પરંતુ મારી રૂહ તો તારી પ્રીતનું ગાણું ગાતી જ રહેશે, હરહંમેશ!

પત્ની પર વહાલ વરસાવતા અંતરે પાંપણ ભીની થવા ન દીધી.

€ € €

‘ચેક કરી લો. બારી-બારણાં, ગૅસની લાઇન, વીજળીની સ્વિચ, પાણીના નળ - બધું બરાબર બંધ છેને?’

સવારના મુરતમાં ધનતેરસની પૂજા પતાવી દંપતી બપોરની ટ્રેનમાં સુરત જવાનું હતું. નવું વરસ ત્યાં મનાવી ભાઈબીજે ભાઈ-ભાભી જોડે પાછા થવાના પ્લાનિંગથી અંતર જેટલી જ મૌનવી ખુશી હતી. પિયર જવું કોને ન ગમે?

‘ક્યાંક ફરવા ઊપડ્યા?’ જતી વેળા નીચેવાળાં સ્નેહાભાભીએ અમસ્તું જ પૂછ્યું. હજી બે દિવસ પહેલાં જ તેમણે પાંચમ પછી પોતે સિંગાપોર ફરવા જવાનો ઢંઢેરો પીટ્યો’તો એ સાંભરતાં મૌનવી બોલી પડી, ‘ફરવાના જલસા તમને! અમારે તો માથેરાન-મહાબળેશ્વરે જવાય એવું નથી. હોટેલનાં ભાડાં પરવડે એવાં ક્યાં હોય છે તહેવારોમાં! સુરત જઈએ છીએ...’

પોતાની હાજરીમાં પત્ની બીજી સ્ત્રીને નહીં પરવડવાનો હવાલો આપે એ કોઈ પણ પતિને માનભંગ જેવું જ લાગે. બીજા સંજોગોમાં અંતરનો મૂડ બગડ્યો હોત. મૌનવીને બોલી નાખ્યા પછી એનો ધ્રાસકો પણ પડ્યો, પરંતુ અંતરે હળવાશથી લીધું, ‘એમાં એવુંને સ્નેહાભાભી, જમાઈનો વટ સાસરામાં પડે એવો બીજે ક્યાં પડવાનો?’ 

બાકીનું મનમાં ઉચ્ચાર્યું : માથેરાન-મહાબળેશ્વર શું, બહુ જલદી તું આખી દુનિયાની સેર કરવા જેટલી શ્રીમંત થઈ જવાની મૌનવી! બસ, એક જરા સુસાઇડનો ફૂલપ્રૂફ પ્લાન મળી જાય...

€ € €

રિઝર્વેશન હતું એટલે ટ્રેનમાં જગ્યા તો મળી ગઈ. જોકે ભીડમાં સફર માણવાની મોકળાશ ક્યાં હતી? મૌનવી મોબાઇલમાં ગીત સાંભળવા લાગી, અંતરે ‘મિડ-ડે’ ખોલ્યું. બાજુમાં બેઠેલા પુરુષોમાં રાજકારણ ચર્ચાઈ રહ્યું હતું.

‘જમ્મુ-કાશ્મીરમાં મોદીથીયે કંઈ થવાનું નથી, લખી રાખો.’ વડા પ્રધાનને પોતે પૉલિટિક્સના પાઠ ભણાવ્યા હોય એવા જુસ્સામાં આધેડ વયના મહાશય કહેતા હતા, ‘૩૭૦મી કલમ રદ કરવી કંઈ ખાવાના ખેલ છે! વાઘની બોડમાં કોણ મોં નાખવાનું?’

અંતર મનોમન ચમક્યો. દિમાગમાં સળવળાટ સર્જાયો : વાઘની બોડ! 

ગયા અઠવાડિયે સાળાસાહેબ સાથે ફોન પર વાત થઈ એમાં તે બોલી ગયેલા : આ વેળા સરથાણાનું પ્રાણી-સંગ્રહાલય જોવા જવા જેવું છે. સરથાણાનું ઝૂ તમારા રાણીબાગ જેવું નથી. અહીં વાઘ-સિંહ છૂટા જોવા મળે. એમાં પણ રાજસ્થાનથી ઝૂમાં આણેલો જય નામનો વાઘ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે...

આ શબ્દો પડઘાવાની સાથે અંતરના દિમાગમાં ચિત્ર ઊપસતું હતું : ઝૂના પોતાના વિસ્તારમાં ઘૂમતા વાઘ સામે અચાનક જ કાળા માથાનો માનવી આવી જાય છે અને...

વાઘનો પંજો પોતાની ગરદને પડ્યો હોય એવો સહેમી ઊઠ્યો અંતર!

€ € €

સુરતના ઘર આગળ રિક્ષા ઊભી રહી. રિક્ષામાંથી ઊતરતી વેળા ઘરમાંથી નીકળેલા શખ્સને જોઈને મૌનવી ચોંકી : નિનાદ અહીં?

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK