કથા-સપ્તાહ - જમા-ઉધાર (હિસાબી દુનિયા - ૧)

Published: 20th October, 2014 05:41 IST

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ ભક્તિભાવયુક્ત બની ગયું. મલાડના બે બેડરૂમના ફ્લૅટમાં સવાર આમ જ ઊગતી. મૌનવી રસોડામાં ચા-નાસ્તો-ટિફિનનાં કામ પતાવે એ દરમ્યાન નાહી-ધોઈ અંતર સૂર્યનમસ્કાર સહિતના પૂજાપાઠ નિપટાવે. સમાંતરે વહેતો લતાનો કંઠ જાણે-અજાણે તેમના સંસારમાં ભળતો જાય...અન્ય ભાગ વાંચો

1  |  2  |સમીત (પૂર્વેશ) શ્રોફ

બે વરસ અગાઉ સુરતના પિયરથી પોતે પરણીને મુંબઈ આવી ત્યારે શરૂ-શરૂમાં તો કંટાળો ઊપજતો : એ શું સવાર-સવારમાં ભજનો સાંભળવાનાં!

‘ઇટ ક્રીએટ્સ પૉઝિટિવ એનર્જી‍. શ્રદ્ધાને સમર્થન સાંપડે તો સર્વકંઈ મંગળકારી લાગવાનું, કમસે કમ મારો એવો અનુભવ છે.’ કહીને અંતરે લાડમાં પૂછેલું, ‘તને કેવી સવાર પસંદ છે?’

સવારનું શું પૂછો છો, મને કેવી જિંદગી પસંદ છે એ પૂછો!

મલાડના મધ્યમવર્ગીય વિસ્તારના નાનકડા ફ્લૅટને બદલે વાલકેશ્વર જેવા પૉશ એરિયામાં આપણો બંગલો હોય, પોતાનું પ્લેન નહીં હોય તો ચાલશે પણ કાર તો મર્સિડીઝ જ હોવી જોઈએ.

વીક-એન્ડ ફાર્મહાઉસમાં અને વેકેશન્સ વિદેશમાં. રસોઈ માટે રસોઇયો હોય ને મારી એક બૂમે દસ નોકર હાજર થઈ જાય એવી જાહોજલાલીને જિંદગી કહેવાય!

અપેક્ષા-આકાંક્ષાનું ઘમ્મરવલોણું પતિને તો શું પિયરમાં પણ ક્યારેય કોઈને દેખાડી નહોતું શકાયું... સોની પિતાની સ્થિતિ સાધારણ. દર બીજે દહાડે નવી જ્વેલ-શૉપ ખૂલતી હોય ત્યાં ઘરના આગલા હિસ્સામાં ઘરેણાંનું ઘડતર કરી આપતા સોનીનો કારોબાર કેટલોક ચાલે! સોની ફળિયામાં બે માળનું વડીલોપાર્જિત મકાન હતું. પપ્પા-મમ્મી તો ઠીક, ભાઈ-ભાભીને પણ ઘોડદોડ રોડ પર બંગલો કરવાનું મન નથી થતું?

‘ના રે, આ ઘર શું ખોટું છે? આવો સરસ પાડોશ છોડીને હું તો ક્યાંય ન જાઉં!’ નીરુભાભીનો જવાબ રુક્મિણીમાની વિચારધારાથી જરાય જુદો નહોતો. ભાઈ હજીરામાં નોકરીએ લાગ્યા પછી ઘરને ટેકણ મળેલું એ ખરું, પરંતુ નોકરીમાં શું દળદળ ફીટે!

આવું કહીને ઘરમાં કોઈને આઘાત નહોતો આપવો. કૉલેજમાં સખીઓ સાથેની ચર્ચામાં ક્યારેક બોલી જવાતું : લક્ષ્મી રળતાં ન આવડે એવો પુરુષ મને ન ગમે! બહુ સાચવીને તે શબ્દો વાપરતી. કોઈને એવું ન લાગવું જોઈએ કે હું બહુ મટીરિયલિસ્ટિક છું! છતાં એ પણ હકીકત હતી કે કૉલેજમાં કાર લઈને આવતા છોકરા પ્રત્યે જેવો અહોભાવ જાગતો એ ગરીબ છતાં હોશિયાર વિદ્યાર્થીઓ માટે અનુભવાતો નહીં! અલબત્ત, એથી અમીરજાદાને પોતાના મોહમાં ફોસલાવવાની ચાલબાજી કદી ઇચ્છી નહોતી. પોતાની ગરિમા બાબત તે સભાન હતી. ઉછેર-સંસ્કારની આ જ તો તાકાત છે. બાકી નખશિખ રૂપાળી મૌનવીએ ધાર્યું હોત તો કંઈક જુવાન શહીદ થવા તૈયાર હતા! યૌવનના ઉંબરે કયા મોરલામાં થનગનાટ નથી હોતો?

‘તું લક્ષ્મી રળવાનું કહેતી હોય મૌનવી તો મારી પાસે ધનના ભંડાર છે... થઈશ મારી?’

કૉલેજમાં મૌનવી બૉયઝ જોડે બહુ હળતી-ભળતી નહીં. સખીઓ જોડેનો મારો વાર્તાલાપ સાંભળીને એક બપોરે કોઈ ન જુએ એમ રસ્તો આંતરનાર નિનાદ જોકે કૉલેજ-સ્ટુડન્ટ ક્યાં રહ્યો હતો? ફસ્ર્ટ યરમાં ચાર વાર ફેલ થતાં ઑલરેડી અભ્યાસ છોડી ચૂકેલો. અમીર બાપનો એકનો એક દીકરો જોકે રખડુની જેમ કૉલેજમાં આવીને અડિંગો જમાવતો ખરો. શ્રીમંત હોવા ઉપરાંત નિનાદ હૅન્ડસમ હતો, ઍટિટ્યુડવાળો હતો અને છતાં પળ માટેય મૌનવી ચળી નહોતી, ‘થૅન્ક્સ ફૉર આસ્કિંગ નિનાદ, પરંતુ લક્ષ્મી સાથે સરસ્વતીનું મૂલ્ય પણ મારાથી અજાણ્યું નથી. મારાથી વધુ ભણેલાને જ હું પરણી શકું.’

આમાં તુચ્છકાર કે અપમાન નહોતાં. ડીસન્ટ્લી અપાયેલા જવાબને નિનાદે ગ્રેસફુલી સ્વીકારી લીધેલો. ફરી ક્યારેય મૌનવીના માર્ગમાં તે આવ્યો નહીં. મૌનવી ગ્રૅજ્યુએટ થઈ ત્યાં સુધીમાં તે પરણી પણ ચૂકેલો...

કૉલેજ પતતાં ઘરવાળાએ મુરતિયા જોવા શરૂ કર્યા. બે-ત્રણ પ્રસ્તાવ પૈસાપાત્ર કુટુંબમાંથીયે આવેલા, પરંતુ મૌનવીને એ જચ્યા નહોતા. ક્યાં છોકરો દેખાવડો ન હોય, ક્યાં તેનું રિમોટ મા-બાપના હાથમાં હોય...

મૌનવીને માત્ર પૈસાની જ અપેક્ષા હોત તો તેણે આમાંથી કોઈનોય હાથ પકડી લીધો હોત... પરંતુ તેને તો છોકરો પાણીદાર પણ જોઈએ, પ્યારમાં રસતરબોળ કરનારો હોવો જોઈએ, વેલ એજ્યુકેટેડ તો જોઈએ જ જોઈએ! પતિ કમાયા કરે અને હું ઍશ કરું એવું તેણે કદી ક્યાં ઇચ્છ્યું? શું ગાડી-બંગલાનું સુખ કે વીક-એન્ડ વેકેશન્સ - પિયુના સંગાથ વિના બધું અધૂરું! મને પૂર્ણ સુખ જોઈએ. સંપત્તિ, સ્નેહ, સથવારો... સર્વ કંઈ!

‘આખો ચંદ્ર કોઈને નથી મળતો, મળે તોય ડાઘ તો રહેવાનો જ.’ દીકરીએ ધડાધડ મુરતિયા રિજેક્ટ કરતાં માતાએ શાણપણથી સમજાવ્યું હતું, ‘પાત્ર-પસંદગીમાં એક-બે વસ્તુ તો જતી કરવી જ પડે અને આજે જે નથી એ કાલે ન જ હોય એમ કેમ માનવું?’

આ સમજ મૌનવીને જચી ગઈ. એ જ અરસામાં અંતરનો પ્રસ્તાવ આવ્યો. માપી-તાણીને તેણે રાજીપાની મહોર મારી દીધી.

દેખાવમાં અત્યંત સોહામણો અંતર પ્રાઇવેટ બૅન્કમાં ચીફ અકાઉન્ટન્ટ હતો. કેટલો ઊર્મિશીલ છે એ તો પ્રથમ મુલાકાતમાં જ પરખાઈ ગયેલું : વરસો અગાઉ મા અને થોડા સમય પહેલાં મેં પિતાજી ગુમાવ્યા છે. મારા સુખ ખાતર પપ્પા ફરી ન પરણ્યા. માની સ્મૃતિ અકબંધ રાખી એમાં આયાસ નહોતો. તેમનું સ્નેહજીવન મારા માટે આદર્શરૂપ છે. એકના સુખ ખાતર બીજું જીવે, બીજાનું દુ:ખ પોતે લઈ લે એ સાચું દામ્પત્ય.

મૌનવી અભિભૂત થયેલી. અંતર કદી મને પ્યારની ખોટ વર્તાવા નહીં દે... તેના સંસ્કાર-ચારિત્ર્યમાં કહેવાપણું નહોતું. પાછો મુંબઈમાં સ્વતંત્ર વસવાટ! હા, હું ઝંખતી’તી એટલો શ્રીમંત નથી, પરંતુ મા કહે છે એમ આજે જે નથી એ કાલે ન જ હોય એમ કેમ માનવું? હું તેમને લક્ષ્મી રળવા પ્રેરીશ... ખુદને કરેલો વાયદો ચોરીના ચાર ફેરા ફરતી વેળા ઘૂંટાયો હતો.

જોકે વખત વીતતાં સમજાતું ગયું કે પોતે માન્યો એવો સરળ ટાસ્ક નથી આ!

અંતરનાં મૂલ્યો, તેની જીવનઘરેડ બહુ સીધી અને સ્પષ્ટ હતી. તેના રંગે મૌનવી રંગાઈ પણ ખરી. સવાર બાબત અંતરે પૂછેલા પ્રશ્નમાં મનોવિહાર સળવળતો, પણ પછી પોતાને ટાંપી રહેલા પતિનું મુખડું નિહાળતાં તે બધું ભૂલી જતી : મારી આંખ ખૂલે ને તમે સામે હો એવી સવાર મને પસંદ છે! સાંભળીને ખીલી ઊઠતો અંતર તેને પ્રણયવર્ષામાં ભીંજવી દેતો...

આનો કેફ ઓસર્યા પછી થતું કે આવો રોમૅન્સ સ્વિટ્ઝરલૅન્ડમાં માણ્યો હોત તો! પરંતુ આવું અંતરને કેમ કહેવું? મારી નાનામાં નાની સગવડને વિના કહ્યે જાળવતા પતિને એમ ન થવું જોઈએ કે પત્નીનાં સમણાં આવાં ઊંચાં હતાં તો મારા જેવો સાધારણ આદમી શું કામ પસંદ કર્યો! અંતરને તે ચાહતી એમ અમીરીની ચાહત પણ એટલી જ પ્રબળ હતી. નહીં દેખાતા દ્વંદ્વમાં તે પિસાતી. ક્યારેક એ સપાટી પર આવતું.

‘રોજ તમે હિસાબ-કિતાબની ડાયરી લખો છો અંતર. એમાં મહિનાના અંતે જમા ખાતે તો કંઈ રહેતું જ નથી...’

પહેલાં તો અંતરે માન્યું કે પત્નીને ઘરની અર્થવ્યસસ્થામાં રસ પડ્યો છે. તેણે સમજાવ્યું : કાકાઓને ગામના ઘરનો ભાગ વેચીને મેં આપણા આ ફ્લૅટનું ડાઉન પેમેન્ટ ચૂકવ્યું, બૅન્ક-જૉબને કારણે હોમલોનનો દર ઓછો છે તોય લોન વહેલી તકે પૂરી કરવી છે એટલે હપ્તો મોટો રાખ્યો છે. હાલ આપણે બે જ છીએ. છોકરાઓ ભણતા થાય ત્યાં સુધીમાં લોન પતાવી દેવાનું પ્લાનિંગ છે.’

જાણીને પતિની સૂઝ પ્રત્યે માન જાગવું જોઈએ. એને બદલે મૌનવીને થયેલું, તમારો અડધો પગાર તો લોનમાં જ જતો રહે છે! પ્રોવિડન્ટ ફન્ડ કપાય અને એકાદ-બે વીમાની પૉલિસી ભરો એટલી બચત પૂરતી ગણાય?

‘રૂપિયાનું મહત્વ એની જગ્યાએ, પરંતુ હું માનું છું મૌનવી કે જિંદગીની ખાતાવહીમાં જમા ખાતે પ્રણય જ પ્રણય હોય. એને કોઈ વાતે ધારી નડતી નથી.’

આવું સાંભળતાં જ સળવળતી થયેલી સપાટી સ્થિર થઈ જતી, દ્વંદ્વ એના કોચલામાં પુરાઈ જતો.

મૌનવીના માનસનો પ્રથમ અણસાર અંતરને આઠેક મહિના અગાઉ સાંપડ્યો, સાવ અણધાર્યો.

‘આર યુ મૌનવી?’

શનિની એ સાંજે ગેટવે ઑફ ઇન્ડિયા ફરવા ગયેલાં અંતર-મૌનવીને રોકીને પ્રશ્ન પૂછનાર હતી આસિતા, મૌનવીની સ્કૂલફ્રેન્ડ! જોડે તેનો પતિ હતો શૈશવ.

‘કેટલાં વરસે મળ્યાં,’ બહેનપણીની ઓળખ સાંપડતાં મૌનવી હરખાઈ, ‘મને યાદ છે કે આપણે નવમા ધોરણમાં છૂટાં પડેલાં. તારા ફાધરને વિદેશમાં જૉબનો ચાન્સ લાગતાં યુ મૂવ્ડ ટુ અમેરિકા.’

‘રાઇટ. પછી ત્યાં જ રહી ગયા. વીસની ઉંમરે શૈશુને પટાવી પરણીયે ગઈ!’ આસિતાએ વટથી સંભળાવ્યું, ‘અમારો ફૅમિલી બિઝનેસ છે. શૈશવ તો આજે પૅરિસ તો કાલે જર્મની. તેની જોડે અડધી દુનિયા તો હું ઘૂમી વળી છું! સોશ્યલ ફંક્શન માટે માંડ બે દિવસ માટે મુંબઈ આવ્યા છીએ, સામે તાજમાં ઊતર્યા છીએ...’

‘આસિતાના પપ્પા પાસે પણ પૈસો તો પહેલેથી સારો...’

પાંચ-સાત મિનિટમાં કૉન્ટૅક્ટ ડીટેલ્સની આપ-લે કરીને આસિતા-શૈશવ છૂટાં પડેલાં. શૈશવ અતડો લાગ્યો, આસિતા થોડી ઘમંડી લાગી અંતરને. મૌનવીની કમેન્ટ સામે અંતરે પોતાનો અભિપ્રાય ઉચ્ચારતાં તે સહેજ તંગ બની, ‘મારો પતિ અમીર હોય ને હું અડધી દુનિયા ફરી હોઉં તો મારામાં પણ ઘમંડ આવી જ જાય!’

સહેલીના બચાવથી વિશેષ આમાં પતિની ઊતરતી આર્થિક અવસ્થાનું દુ:ખ હતું. મૌનવી સચેત થઈ વાત વાળે એ પહેલાં તીર નિશાને લાગી ચૂક્યું હતું! અને ત્યાર પછી...

- અત્યારે પણ એ બધું યાદ કરીને સૂર્યનમસ્કાર કરતા અંતરે નિ:શ્વાસ નાખ્યો.

€ € €

‘જરા સંભાળીને.’

સોંપણી કરતા રાજસ્થાનના અધિકારીએ ગુજરાતના ઑફિસરને ચેતવ્યા, ‘જય સાચે જ ખતરનાક છે.’

ઑફિસર પાંજરામાં પુરાયેલા ખૂંખાર પ્રાણીને તાકી રહ્યા.

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK