કથા-સપ્તાહ : ઇન્તકામ (દીકરીને વહાલું વેર - ૫)

Published: 24th August, 2012 06:36 IST

‘તમે ખુશીથી દિલ્હી જાઓ, આનંદ, મારી ચિંતા ન કરશો. તાનિયા છેને.’

 

 

અન્ય ભાગ વાંચો

1  |   2  |   3  |  4  |   5 

 

 

આનંદે હોઠ કરડ્યો. તાનિયા જ મોટા જોખમ જેવી છે એ કસ્તુરીને કેમ સમજાવવું! ફેસરીડિંગની આગાહી બાબત તાનિયાએ જ પાછળથી પત્નીના મનનું સમાધાન કર્યાનો મુદ્દો આનંદના ધ્યાનબહાર નહોતો ને એટલે જ તેની ચિંતા વધી હતી : આખરે તાનિયાએ ધાયુર્ં છે શું? ક્યારેક થતું, તાનિયા સાથે મોઢામોઢ ખુલાસા કરી લેવા જોઈએ, પણ છેલ્લી ઘડીએ મન વાળી લેતો : નાહક તેને છંછેડવી નથી! હું તેનાથી સાવધ રહું એ પૂરતું છે.

બીજી બાજુ બિઝનેસની સ્થિતિ પણ તંગ હતી. શ્રીકાંતને આપેલો વાયદો પાળવો હોય તો અમુક પગલાં લીધા વિના નભે એમ નહોતું, એ દૃષ્ટિએ દિલ્હીની વિઝિટ અત્યંત જરૂરી હતી.

‘સર, તમે નચિંત મને નીકળો, મૅડમને હું ઊની આંચ નહીં આવવા દઉં.’

તાનિયાના સધિયારામાં ઉપહાસ હતો? મારા દિલ્હી જવામાં તે કેમ ઉત્સાહી થઈ? તાનિયાના ઉમંગમાં મુંબઈની મારી ગેરહાજરી કારણભૂત હશે કે પછી...

સોમની સવારે દિલ્હીની ફ્લાઇટ પકડી ત્યારેય આનંદ આ જ વિચારોમાં ગોથાં ખાતો હતો!

€ € €

આનંદની કાર ઍરપોર્ટ જવા નીકળી, કસ્તુરી ઘરમંદિરની પૂજામાં વ્યસ્ત થઈ એટલે તાનિયાએ ક્વૉર્ટરમાં જઈ મોબાઇલ જોડ્યો : મિસ રુબી, પાર્ટી રવાના થઈ ચૂકી છે, તેના દિલ્હીની હોટેલ રેઇનબોના ઉતારા વિશે તમે જાણો છો, આજે રાતે કોઈ પણ હિસાબે તેને પલોટી તમારે કાલે સાંજ સુધીમાં સંવનનના ફોટોગ્રાફ્સ મને પહોંચતા કરવાના છે! પચીસ હજારનું ફુલ પેમેન્ટ મેં તમને ચૂકવી દીધું છે, હવે કામમાં મને ઢીલ નહીં ચાલે.’

રુબીની ખાતરી સાંભળી તાનિયાને ઝૂમવાનું મન થયું. પાર્લરમાંથી કૉલગર્લનો નંબર મેળવી મેં ડહાપણનું કામ કર્યું. રુબી તેની જૉબમાં એક્સપર્ટ છે.

પરસ્ત્રી સાથેના આનંદના ફોટોગ્રાફ્સ હાથમાં આવ્યા પછી એને નાટકીય ઢબે કસ્તુરીની નજરે ચડાવવાનો પ્લાન છે. એ ઘડી આનંદ મહેતા, તમારી મૅરેજલાઇફમાં નહીં સંધાનારું ભંગાણ સર્જી જવાની!

જસ્ટ વેઇટ ઍન્ડ વૉચ!

€ € €

મંગળવારની રાત ઢળી, બુધની સવારે આનંદ પરત પણ થઈ ગયો, પરંતુ રુબીનો કેમ કંઈ પત્તો નથી! તાનિયા અકળાતી હતી : પાછો તેનો મોબાઇલ પણ સ્વિચ્ડ-ઑફ આવે છે!

‘શું વાત છે, તાનિયા? તું અપસેટ જણાય છે!’

આનંદે કદાચ પહેલી વાર સામેથી પૃચ્છા કરી. તેના મલકતા મુખે તાનિયાના કાળજે ચીરો પડ્યો.

ત્યાં ડોરબેલ રણક્યો. તાનિયા માટે કુરિયર હતું. કવર પર ‘ફ્રૉમ રુબી’ એટલું વાંચતાં તાનિયા જુસ્સામાં આવી. દીવાનખંડમાં આરામથી પત્નીના ખભે હાથ મૂકી ફ્રૂટ ડિશ આરોગતા આનંદનું ચારિhય ખોલતી હોય એવા આવેશથી દરવાજે ઊભાં-ઊભાં જ કવર ફોડ્યું તો ખરું, પણ આ શું?

અંદરથી આનંદનાં કુકર્મના ફોટાને બદલે હજારની પચીસ નોટ ભેગી રુબીની નાનકડી ચિઠ્ઠી નીકળી : કામ થયું નહીં એટલે રકમ પરત કરું છું. સૉરી! - રુબી.

ડૅમ ઇટ!

‘શું થયું, તાનિયા? પાસા ઊલટા પડ્યા?’

બપોરે કસ્તુરીની ગેરહાજરીમાં આનંદે મોકો ઝડપ્યો.

‘કસ્તુરીને તો તેં કહી દીધું કે તારી ફ્રેન્ડે ગિફ્ટ મોકલી છે, જો તેને જાણ થાય કે રૂપિયા મોકલનારી બાઈ વેશ્યા છે...’

તાનિયાએ ધૂંધવાતી નજરે આનંદને નિહાળ્યો.

‘લેટ મી કન્ફેસ. તારો ઇરાદો હું જાણું છું. દિલ્હીમાં ડિનર દરમ્યાન રુબી કંઈક વધુપડતી નજીક આવવાની કોશિશ કરતી જણાઈ એમાં હું ચેત્યો. મેં સીધું જ પૂછી લીધું - તને તાનિયાએ હાયર કરી છે? ઇફ યસ, આઇ વિલ પે યુ ડબલ!’

ઓહ, આનંદે મારું પ્યાદું જ ખરીદી લીધું!

‘વાય, તાનિયા, વાય!’

આનંદનું દર્દ ઊમટ્યું.

‘શા માટે મારા સંસારમાં, મારા સુખમાં આગ ચાંપવા માગે છે? સગા બાપની સહેજે દયા નથી આવતી?’ આખરે તેણે સંબંધ કબૂલી લીધો.

‘સગા હોવાનું સગપણ તમને આજે યાદ આવે છે, આનંદ મહેતા?’ તાનિયાની ભીતર જાણે જ્વાળામુખી ફાટ્યો, ‘છ મહિનાની બાળકીને ત્યજતાં તમને દયા આવી’તી? ત્રણ કરોડના હીરારૂપે કોઈની જીવનમૂડી ચોરીને ભાગતી વેળા તમારામાં દયા કેમ નહોતી જાગી, પરમપૂજ્ય પિતાશ્રી?’

આનંદની ગરદન ઝૂકી ગઈ.

‘તું ગણાવે છે એ અપરાધની સજા હું ભોગવી ચૂક્યો છું, તાનિયા. આવડો મોટો બિઝનેસ મેં લોનથી નહીં, ચોરેલા હીરાથી જમાવ્યાનું કોઈ જાણતું નથી, એમ મારો બિઝનેસ ડૂબવાને આરે છે એનીયે હજી કોઈને જાણ નથી.’

તાનિયા તેનાં આંસુથી પીગળવા નહોતી માગતી, શબ્દોથી ભરમાવાની નહોતી, ભલે એમાં ભારોભાર સચ્ચાઈ હોય!

‘તને છોડ્યાની સજારૂપે જ કસ્તુરીની ગોદ સૂની છે એવું કમ સે કમ મેં તો માન્યું છે! સંતાનના અભાવે કસ્તુરીનું ડિપ્રેશન તારાથી અજાણ્યું નથી. મને સતત તેની ચિંતા રહે છે એ સજા પૂરતી નથી?’ આનંદ ભાંગી પડ્યો.

‘નથી!’

તાનિયાનો આ એક શબ્દ ગોફણ બની હૈયે વીંઝાયો.

‘કેમ કે તમારા અપરાધ આટલા સીમિત નથી. તમે મને તરછોડી ન હોત તો હું મમતાના પર્યાયસમાં મા-બાપ ન પામી હોત, એટલે એ એક ગુનાની ક્ષમા તમને કદાચ મળી શકે, પણ શું તમે જાણો છો...’ દર્શનના દેહાંતના સંજોગ વર્ણવી તેણે આક્રોશથી પૂછ્યું, ‘બોલો, તેમના અવસાનમાં તમે નિમિત્ત ઠર્યા કે નહીં? અને શું જોઈ-વિચારી તમે મારી માની પાછળ પડ્યા? મારી મા મોટર નીચે કચડાઈ એમાં એના ડ્રાઇવરથી વધારે તમારો વાંક નથી, આનંદ મહેતા? ડ્રાઇવરને ર્કોટ સજા આપશે, તમને હું!’

‘પ્લીઝ, તાનિયા... કસ્તુરીને વચ્ચે લાવ્યા વિના જે કરવું હોય એ કર, બસ!’ આનંદ કરગયો.

‘વાહ, આનંદ મહેતા, વાહ! પત્નીને આટલું ચાહો છો, સગી દીકરીને બેટી કહેવાનું મન નથી થતું તમને?’

‘એક તરફ છ માસની વયે છૂટેલી દીકરી ને બીજી બાજુ વરસોની સંગાથી એવી પત્ની...’ આનંદની વિવશતા ઊભરાઈ, ‘કસ્તુરીનું માનસ સ્વસ્થ હોત તો કદાચ તને સ્વીકારવાનો મને વાંધો ન હોત, તાનિયા, મારી મજબૂરી સમજ.’

‘હું કંઈ જ સમજવા નથી માગતી, આનંદ મહેતા. તમને દંડ દીધા વિના હું મારા પેરન્ટ્સનું તર્પણ ન કરી શકું!’ તાનિયાના ઘવાયેલા મનમાં નિર્ણય એકાએક ઘૂંટાઈ ગયો, ‘હવે બાજી લંબાવવાનો અર્થ નથી. તમને ચોવીસ કલાકની મુદત આપું છું - તમારા તમામ અપરાધ કબૂલી લો, જાતને કાયદાને હવાલે કરી દો, નહીંતર પચીસમા કલાકે હું કસ્તુરીને મારો ડીએનએ રિપોર્ટ ધરી દઈશ!’

આનંદને તમ્મર આવ્યાં.

‘તમારી ચોવીસ કલાકની મુદત આ ઘડીથી શરૂ થાય છે. મિ. આનંદ મહેતા.’

અવાક આનંદને હૉલમાં સ્થિર છોડી તાનિયા પોતાના ક્વૉર્ટર તરફ દોડી ગઈ.

€ € €

હવે શું કરશે આનંદ મહેતા?

રાત્રે તાનિયા ક્વૉર્ટરમાં કરવટ બદલતી હતી.

ના, તે પોલીસમાં તો નહીં જ જાય... કસ્તુરીને પણ નહીં જ કહે... કદાચ મારું પત્તું સાફ કરવાનું વિચારે તો!

થથરી ઊઠી તાનિયા. ક્વૉર્ટરના બારણે ડબલ લૉક ચડાવ્યું હોવા છતાં અહીં રહેવામાં જોખમ વર્તાવા માંડ્યું!

€ € €

આનો એક જ ઉપાય છે.

રાતભર વિચારી આનંદે નિર્ણય ઘૂંટ્યો.

વહેલી પરોઢે પંખી કલરવ કરવા લાગ્યાં. હેત ઊભરાતું હોય એમ તેણે કસ્તુરીને આલિંગનમાં ભીંસી દીધી.

ક્યાંય સુધી કસ્તુરી તેનો કેફ માણતી રહી.

€ € €

આજે આનંદને થયું છે શું?

બ્રેકફાસ્ટ ટેબલ પર પોતાને માટે ચા-ટોસ્ટ બનાવતા આનંદને નિહાળી કસ્તુરીને મીઠી મૂંઝવણ થતી હતી : પ્રભાતે પ્યાર વરસાવ્યો, પછી નાહી-ધોઈ બૅન્કના લૉકરની, ફિક્સ્ડ ડિપોઝિટ્સની સમજ આપવા બેઠા, અને હવે જાતે ચા બનાવવાનો ચસકો!

‘આનંદ ક્યારેક આવી સરપ્રાઇઝ પણ આપે છે, તાનિયા!’ કસ્તુરીએ હરખ જતાવ્યો.

આ શોક પહેલાંની સરપ્રાઇઝ છે! એવું આનંદથી કહી ન શકાયું. તેના ગળે ગઠ્ઠો બાઝી ગયો હતો!

€ € €

‘બાય, હની,’ તાનિયાની હાજરીમાં સંકોચ નડતો ન હોય એમ એક હાથમાં બ્રીફકેસ સંભાળી આનંદે બીજા હાથે પત્નીને આશ્લેષ આપી કપાળ ચૂમ્યું, ‘આઇ લવ યુ ધ મોસ્ટ!’

પછી બહાર નીકળતાં પહેલાં તાનિયા પાસે અટક્યો. બન્નેની નજરો મળી. આનંદ મુસ્કુરાયો. ખાલી હાથ લંબાવી તાનિયાના માથે મૂક્યો, ‘સુખી રહેજે, બેટી!’

- બસ, પછી તે સડસડાટ નીકળી ગયો, પાછું વળી જોયું સુધ્ધાં નહીં!

તાનિયાના દિમાગમાં તેના શબ્દો જ પડઘાયા કર્યા : સુખી રહેજે, બેટી...

આખરે આનંદ મહેતાએ ધાર્યું છે શું?

€ € €

અંધેરીને બદલે આનંદે કાર વરલી તરફ વાળી. સિ-લિન્ક પ્રત્યે શરૂથી ખેંચાણ હતું. મોતનો કૂદકો ત્યાંથી જ મારવાનો હોયને!

આનંદના દિલદિમાગમાં સહેજે દ્વિધા નહોતી. તાનિયાના નામે પત્ર પોસ્ટ કરી તેણે સુસાઇડ નોટ કારમાં મૂકી. બ્રિજ તરફનો ઢાળ ચડી આનંદ મહેતાએ ભરતીના પાણીમાં ઝંપલાવી દીધું!

€ € €

‘શ્રી રામ ટ્રાવેલ્સ’ના માલિક આનંદ મહેતાનો ભેદી આપઘાત! આર્થિક સંકટ જવાબદાર?’ બીજી સવારે છાપાંની હેડલાઇન્સ પોકારી ઊઠી.

ખાડીમાંથી મળેલી આનંદની લાશના પોસ્ટમૉર્ટમમાં કશું શંકાસ્પદ નહોતું. આત્મહત્યાની ચિઠ્ઠીમાં આર્થિક બરબાદીનો સાફ ઉલ્લેખ હતો અને એમાં સચ્ચાઈ પણ હતી.

કસ્તુરી માટે આ આઘાત અસહ્ય નીવડ્યો. તેનો ચિત્તભ્રમ થઈ ગયો.

€ € €

તાનિયા ફરી અંધેરીની ખોલીમાં રહેવા આવી ગઈ છે. જૂની નોકરી ફરી શરૂ કરી દીધી છે.

ના, આનંદ મહેતાના અંજામનો તેને લગીરે અફસોસ નથી. કસ્તુરીના પાગલપનને તે કુદરતના ન્યાય તરીકે જ મૂલવે છે. હા, ક્યારેક સાચવી રાખેલો આનંદનો આખરી ખત વાંચી લે છે ખરી:

પ્રિય પુત્રી તાનિયા,

આ પત્ર મળશે ત્યારે હું દુનિયામાં નહીં હોઉં એટલે તારા ઇન્તકામનો પણ અંત આવ્યો હશે એમ માની લઉં.

થાકી ગયો છું. વ્યાપારમાં ફટકો, પત્નીની બીમારી, પુત્રીની જીદ... કેટલા મોરચે લડવું! તારી મહોલતે છુટકારાની દિશા સૂચવી. આમાં તને માત દેવાનો અહમ્ નથી, બેટા. શું વેર, વ્યાપાર કે વહાલ. જિંદગીમાં ક્યારેક બધું આધુંઅધૂરું છોડી જવું પડે છે. માટે જાઉં છું. મારી વીતકનો આ જ અંજામ હોઈ શકે. મારા વિના કસ્તુરી આમેય ઝાઝું ખેંચશે નહીં. તેની સમક્ષ કે દુનિયા સમક્ષ તારે હજીયે મારો ભૂતકાળ ખુલ્લો કરવો હોય તો છૂટ છે. સાચું માનજે, વારસામાં સાવકી માની જવાબદારી અને વ્યાપારની પાયમાલી સિવાય કશું આપી નથી શકતો એનું દુ:ખ છે. મારું નામ આપવા માગું તોય તેં સ્વીકાર્યું ક્યાં હોત? તું તો દર્શન-સાવિત્રીની દીકરી! જતી વેળા તેમનીયે અંત:કરણપૂર્વક માફી માગતો જાઉં છું. છેલ્લે કહ્યું એમ, સુખી રહેજે!

- તારો અભાગિયો બાપ, આનંદ મહેતા!

વફાદાર નોકરના વેશે હળવો નિ:શ્વાસ નાખી તાનિયાએ ચિઠ્ઠી સાચવીને મૂકી દીધી. ના, તેણે કશું જ જાહેર નથી કર્યું. પ્રૉપર્ટી વેચી મૃત પિતાને દેવામુક્ત કરાવ્યા, મેન્ટલ હૉસ્પિટલમાં ઍડમિટ થયેલી કસ્તુરીએ જે બે-ચાર મહિના ખેંચ્યા એ દરમ્યાન તેની કાળજી રાખી.

બસ, પછી તે અલિપ્ત થઈ ગઈ - આનંદના વેરથી પણ - વહાલથી પણ!

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK