કથા-સપ્તાહ : ઇન્તકામ (દીકરીને વહાલું વેર - ૪)

Published: 23rd August, 2012 06:01 IST

આ એક નામ તાનિયાના ધિક્કારનું કેન્દ્ર બની ગયું.

 

 

અન્ય ભાગ વાંચો

1  |   2  |   3  |  4  |   5

 

 

આનંદ મહેતા!

આ એક નામ તાનિયાના ધિક્કારનું કેન્દ્ર બની ગયું.

હૉસ્પિટલના બિછાને, સાવિત્રીએ ખોલેલો જીવનભેદ તાનિયા માટે અણધાર્યો હતો. મા કશુંક છુપાવતી હોવાનો અંદાજ હતો, પણ પોતે તેમની સગી દીકરી નહીં હોય એવી તો કલ્પના પણ અસંભવ હતી! મા-બાપનાં લાડ-પ્યાર કે દુલારમાં ક્યાંય ઊણપ નહોતી વર્તાઈ, પાલકપણાનો અહેસાસ સુધ્ધાં નહોતો થયો! અરે, મારાં ડ્રાયફ્રૂટ્સ ખાતર દર્શન નાણાવટીએ દવાખાને જવાનું ટાળ્યું હતું એમાં રોગ વકર્યો અને મૃત્યુને ભેટ્યાં તો સાવિત્રી નાણાવટીએ ધક્કો દઈ મને અકસ્માતમાંથી ઉગારી - ખુદ પહેલાં મારો વિચાર કરનારાં તમે સાવકાં નહીં, સવાયાં મા-બાપ નીવડ્યાં. હું ધન્ય થઈ!

અગાઉ હીરા લઈ જનારો આ વેળા દીકરીને ઝૂંટવી જશે કે શું એ બીકે સાવિત્રી આનંદથી ભડકીને ભાગી હતી. તમે હંમેશાં મારાં મા-બાપ પાસેથી કંઈક ને કંઈ ખૂંચવ્યું જ, આનંદ મહેતા! તાનિયાનો રોષ ધગધગતો : પહેલાં હીરા, હવે પ્રાણ!

મારાં મા-બાપ તો ઉદાર જીવનાં હતાં, અરે મરતી વેળાય મારી મા બોલી ગઈ : દીકરી તરીકે અમે તને પામ્યાં, તાનિયા, એની સામે ગયેલા હીરાનો કોઈ અફસોસ નથી! તું તો અણમોલ છે, તારા થકી અમારો સંસાર સંપૂર્ણ બન્યો. આજે રહસ્ય જાણ્યા પછીયે ખુદને કદી ઓરમાયી સમજીશ નહીં! સાવિત્રીના ખુલાસા પછી માના તમામ આરોહ-અવરોહ તાનિયા માટે સ્પષ્ટ બન્યા હતા.

નો, આનંદ મહેતા, નો!

મારાં માવતરે ભલે તમારો વિશ્વાસઘાત નજરઅંદાજ કર્યો, તમારો અંશ ધરાવતી આ દીકરી એવું નહીં કરે!

યુ વિલ હૅવ ટુ પે ધીસ ટાઇમ, સર્ટનલી!

સાવિત્રીનાં ક્રિયાપાણી પતતાં સુધીમાં નેટવર્કિંગથી તાનિયાને આનંદ મહેતાને ‘શ્રીરામ ટ્રાવેલ્સ’ના માલિક તરીકે ઓળખી કાઢ્યો. વરસીના દિવસે માનાં અસ્થિ અરબી સમુદ્રમાં વહાવી તેણે સંકલ્પ દૃઢ કર્યો, મારા ઇન્તકામનો ખેલ હવે શરૂ થાય છે!

€ € €

‘અરે, તાનિયા, તારા સાહેબ આવી ગયા. ડિનર સર્વ કરી દે.’

શુક્રવારની મોડી સાંજે ઘરે પહોંચેલો આનંદ તાનિયાના ઉલ્લેખે સહેજ ચોંક્યો. બૅગ સોફા પર ફંગોળી સાદ પાડતી પત્નીને કશું પૂછે એ પહેલાં કસ્તુરીએ સામેથી ખુલાસો કર્યો, ‘તમે જાણો છો, આનંદ, બે દિવસ પછી (આયા) લક્ષ્મીબહેન મહિનોમાસ માટે તેમના વતન જવાનાં છે. મને કોઈની કંપનીની જરૂર રહેવાની...’

‘યા, હની. મારા ધ્યાનમાં છે. મેં ડૉ. જાની (સાઇક્રિયાટ્રિસ્ટ)ને કહી રાખ્યું’તું...’

‘ડૉ. જાની!’ અચરજ જતાવી કસ્તુરીએ ઠપકાભેર ઉમેર્યું, ‘આનંદ, મને કંઈ નર્સની જરૂર ઓછી છે!’

આનંદ સાવધ થયો. પોતાને માનસિક બીમારી છે એવું કસ્તુરીને ઠસી ગયું તો તેના લાગણીતંત્ર પર વિપરીત અસર પડશે. તેણે વાળી લીધું.

‘ડૉ. જાની તેમની આયાને બહુ વખાણતા હતા. મેં તો જસ્ટ તેની અનુકૂળતા માટે પુછાવેલું...’

‘તો તેને ના કહી દેજો. મને તાનિયા મળી ગઈ!’ ઉત્સાહભેર કસ્તુરીએ ખુલાસો કર્યો, ‘જાણો છો, તાનિયા મને દેવર્ષિ અનાથાશ્રમમાં ભટકાઈ. બિચારીએ હમણાં જ મા ગુમાવી. સાવ એકલવાયી એવી તે પોતાનું દર્દ ભૂલવા અનાથ ભૂલકાંઓને રમાડવા આવતી. પાછલા વીકમાં બે-ત્રણ વાર અમે મળ્યાં. તેને નોકરીની તાતી જરૂર હતી, આપણને આયાની. સો..’ કસ્તુરીએ લાંબો ખુલાસો કર્યો, ‘આજે હું તેને ઘરે લઈ આવી. તે લક્ષ્મીબહેન જોડે સર્વન્ટ્સ ક્વૉર્ટરમાં જ રહેશે. ભારે મીઠડી છે. કામમાં સૂઝકો પણ ભારે! લક્ષ્મીબહેન આવે પછીયે હું તેને કાઢવાની નથી.’

કસ્તુરીનો કંઠ ભીંજાયો, ‘જાણો છો, ઘરમાં પગ મૂકતાં જ તેણે કહ્યું, હું તો તમને માસી કહીશ, મૅડમ. તમે મારાં મમ્મી જેવાં.’

આનંદના કપાળે કરચલી ઊપસી. ભીતર ઊથલપાથલ મચી ગઈ.

રોડ-ઍક્સિડન્ટને કારણે સાવિત્રીનું મૃત્યુ અખબારમાં ચમકતાં આનંદ તાનિયાના અનાથ બનવાથી માહિતગાર હતો. પોતે અધીર બની દોડ્યો ન હોત તો આવો અંજામ ન આવત, પણ એનો અફસોસ ક્યાં વ્યક્ત થઈ શકે એમ હતો?

અને હવે તાનિયાનું ઘરમાં આગમન! કસ્તુરીને માસમાન કહી તે જતાવવા શું માગે છે?

બટ વેઇટ. આ એ જ તાનિયા છે કે એ તો પહેલાં જોવા દે!

અને તે દેખાઈ.

કિચનમાંથી ડાઇનિંગ ટેબલ પર પ્લેટ્સ સર્વ કરતી યુવતી તો એ જ... જેને મેં જુહુના દરિયાકિનારે સાવિત્રી જોડે જોઈ હતી!

લકવો લાગ્યો હોય એમ આનંદ પાંપણનો પલકારો મારવાનું વીસરી ગયો.

‘તાનિયા, આમ આવ તો.’

નજીક આવેલી તાનિયાની પીઠે હાથ પસવારી કસ્તુરીએ ઓળખ આપી, ‘આ મારા પતિ આનંદ મહેતા. ટૂરિંગનો બહુ મોટો બિઝનેસ છે તેમનો.’

હાથ જોડી નમસ્તે કરતી તાનિયાના હોઠો પર મૃદુ સ્મિત હતું, પરંતુ તેની આંખોમાં ડોકાતા અકથ્યભાવે આનંદને સહેજ અસ્વસ્થ કરી મૂક્યો : છોકરીનો ઇરાદો મને ખતરનાક કેમ લાગે છે? શું તે સત્ય જાણતી હશે? તેના આગમનમાં તોફાનના અણસાર કેમ જણાય છે મને!

તાનિયાની હકીકતથી મારે વાકેફ થઈ જવું પડશે - બને એટલું જલદી!

€ € €

ઍટ લાસ્ટ!

સર્વન્ટ્સ ક્વૉર્ટરની પહેલી રાતે તાનિયાએ સંતોષ અનુભવ્યો : આખરે હું તમારા ગઢમાં પ્રવેશી ચૂકી, આનંદ મહેતા!

તાનિયાએ પૂરતી તપાસ પછી બાજી બિછાવી હતી. ધાર્યા મુજબ કસ્તુરી ઇઝી ટાર્ગેટ રહી. અનાથાશ્રમમાં તેના નિ:સંતાનપણાના દર્દનો ખ્યાલ આવ્યો. લક્ષ્મીબહેન પાસેથી ડિપ્રેશનની બીમારી વિશે જાણ્યું. આનંદને હેબતાયેલો ભાળી મજા આવી - ખરો ખેલ તો હવે જામવાનો!

€ € €

‘આનંદ, આવતી કાલે આપણી મૅરેજ ઍનિવર્સરી...’

હૉલમાં વેક્યુમ ક્લીનર ફેરવતી તાનિયાની નજર ભારતીય બેઠકે ગોઠવાયેલાં મહેતાદંપતી પર જ હતી. બંગલે આવ્યાના આ અઠવાડિયામાં તેણે કસ્તુરીનો વિશ્વાસ જીતી લીધેલો. આનંદ સ્વાભાવિકપણે અતડો રહેતો, તે પોતાને ઓળખી ચૂક્યાનું તાનિયાનું અનુમાન સહજ હતું, છતાં હાલપૂરતી અજાણવટ સેવી યોગ્ય મોકો જોઈ પહેલો ધડાકો કરવા માગતી હતી તાનિયા.

અને પતિ-પત્નીમાં દરાર સર્જવા લગ્નતિથિથી વધુ સુંદર અવસર કયો હોય! હવે તો કાલની પાર્ટીનો મનેય ઇન્તજાર રહેવાનો!

€ € €

શનિવારની સાંજે બંગલાના વરંડામાં સજાવેલા શામિયાણા હેઠળ પાર્ટી જામી હતી. દસ-બાર કપલ્સથી વિશેષ મહેમાનો નહોતા, છતાં રોનક દમામદાર હતી. મધ્યમાં ફુવારો, રંગબેરંગી લાઇટિંગ્સ, હળવું સંગીત, ચટપટા સ્નૅક્સ-જ્યુસ અને છેવટનું ડિલિસિયસ ડિનર!

‘સજાવટ તમને ગમી હોય તો એની ક્રેડિટ તાનિયાને મળે.’ કસ્તુરી દિલથી તાનિયાને બિરદાવતી હતી, પરંતુ તાનિયાને ક્યાં વખાણમાં રસ હતો? તેને તો રંગમાં ભંગ પાડવાની ધૂન હતી. જે કર્યું એ રંગ જમાવવા કર્યું, તો જ ભંગ વધુ ચોટદાર નીવડેને!

હવે એ ઘડી આવી પહોંચી હતી.

‘ફેસરીડિંગ!’

ચાર-છ સહેલીઓ સાથે ઊભી કસ્તુરીએ અચરજ જતાવ્યું, ‘તાનિયા, તું માણસના ચહેરા પરથી વર્તારો કરી શકે છે? સાચે જ?’

‘જી, મૅડમ.’ અન્યોની હાજરીમાં માસીને બદલે મૅડમ કહેવાની તાનિયાની ચોકસાઈ કસ્તુરીને વધુ ગમતી. તે બિચારી જાણતી નહોતી કે માસી રહીનેય તાનિયા તેની માયાથી બંધાવાની નહોતી!

તાનિયાનું પ્લાનિંગ પરફેક્ટ હતું. કસ્તુરીના ગેસ્ટ્સ વિશે થોડીઘણી માહિતી મેળવી રાખેલી. સામુદ્રિકશાસ્ત્રની ચોપડીયે વાંચેલી. એના આધારે પોતે ફેસરીડિંગ જાણતી હોવાનું વાત-વાતમાં કસ્તુરીના કાને નાખતાં ધાર્યો પ્રસ્તાવ સાંપડ્યો.

‘તો કહે જોઉં, શું કહે છે મારો ચહેરો?’

થોડી આનાકાની પછી તાનિયા માની ગઈ : હું કંઈ એક્સપર્ટ નથી. થોડુંઘણું જાણું છું એના આધારે સૂઝે એમ કહીશ. ખોટી પડું તો ક્ષમા કરજો! પછી કસ્તુરીના ચહેરા પર નજર ટેકવી. ‘તમારું મુખડું સાફસૂથરું છે - અર્થાત્ તમારામાં કપટ નથી.’ ગંભીરપણે ત્રાટક કરીને બોલતી તાનિયાને જુઓ તો તે ફેસરીડર લાગ્યા વિના ન રહે. ‘તમારી ભાવવાહી આંખોમાં કરુણા છે, જે તમારો મમતાળુ સ્વભાવ સૂચવે છે, પણ...’ તાનિયાને શ્રમ પડ્યો હોય એમ લાગ્યું, ‘ચહેરાની ફલાણી રેખા સૂચવે છે કે માતૃત્વની તમારી ખ્વાહિશ અધૂરી જ રહેવાની!’

કસ્તુરી ઝંખવાઈ.

‘આઇ ઍમ સૉરી.’ તાનિયાએ ઉદાસી જતાવી.

‘નહીં રે, એમાં તારો શું વાક!’ કસ્તુરીએ પરાણે જાતને સંભાળી, ‘ખોટ તો મારા નસીબની છેને! ખેર, હવે સુવર્ણાનો વારો...’

સખીઓ બાબત તાનિયાની થોડીઘણી વાતો સાચી ઠરતાં કસ્તુરી આનંદને ખેંચી લાવી. જોઈએ તો ખરા, તમારા ચહેરામાં શું લખ્યું છે! આનંદ ગૂંચવાયો. તાનિયાએ આ શું રમત માંડી છે? છતાં પત્નીને અનુસર્યા વિના છૂટકો ક્યાં હતો? અને તાનિયાને એ જ તો જોઈતું હતું!

‘સરનું વિશાળ કપાળ અપાર ઐશ્વર્યની ગવાહી પૂરે છે,’ બે-ત્રણ સારી વાતો કહી તાનિયાએ ખચકાટ દર્શાવ્યો : ‘આ શું?’

‘શું થયું, તાનિયા? સાચું કહેજે!’ કસ્તુરી વ્યાકુળ બની. તેની તીવ્રતાએ બધાનું ધ્યાન ખેંચાયું.

‘મૅડ...મ’ તાનિયાનો સ્વર લથડાયો, ‘જેમ તમારા ચહેરાની રેખા સંતાનસુખનો અભાવ દર્શાવે છે એમ સરની રેખા પ્રબળપણે સંતાનસુખ સૂચવે છે!’

હેં! આનંદ સમસમી ગયો. કસ્તુરી હેબતાઈ, ‘ઇમ્પોસિબલ. તારું કથન ખોટું ઠર્યું, તાનિયા, હું મા ન બનું તો આનંદને સંતાન સાંપડી જ કેમ શકે?’

‘બીજી સ્ત્રીથી!’ હાંફી ગઈ તાનિયા, ‘મૅડમ, આનંદ મહેતાના જીવનમાં બે પત્નીનો યોગ છે, ચહેરાની આ રેખા કદી મિથ્યા નથી હોતી!’

તેના તેવરે કસ્તુરીને ડઘાવી દીધી. પાર્ટીમાં સોપો સર્જી દીધો. આનંદે ધ્રુજારી અનુભવી. તાનિયા સત્ય જાણે છે. મલ્ટિનૅશનલની જૉબ છોડ્યા સુધીની તેના વિશેની મારી તપાસમાં હવે તેનું ધ્યેય પણ સ્પષ્ટ છે - વેર! કસ્તુરીને હાથો બનાવી તે મારું નિશાન સાધવા માગે છે - હવે?

પલીતો ચાંપી તાનિયા તો ‘સૉરી’ કહી રૂમમાં દોડી ગઈ, પણ કસ્તુરીની માનસિક સ્થિતિ તે ડામાડોળ કરી ચૂકી હતી!

€ € €

‘મારા મૃત્યુનો શોક ન રાખશો, આનંદ... તમે ફરી પરણજો, તમારા સંતાનને મારું વહાલ પાઠવજો...’ કસ્તુરી કહેતી. બિચારીને સહેજે અંદાજો નહોતો કે પતિના જીવનમાં બીજી સ્ત્રી ખરેખર તો પોતે છે!

આનંદ માટે હવે કપરાં ચઢાણ હતાં. એક બાજુ બિઝનેસમાં હાલત વણસી રહી હતી, ને ઘરમાં કસ્તુરીનું ટેન્શન! પાછો, તાનિયા ગમે ત્યારે સચ્ચાઈ ઓકી નાખશે એનો ભય! કદી થતું, હું બધું કબૂલી લઉં, કસ્તુરીને લઈ દૂર ક્યાંક જતો રહું... પણ એ શક્ય ક્યાં હતું? ડૉ. જાનીએ તેને ચેતવેલો : મિ. મહેતા, આ વેળાની સિચુએશન ટફ છે. તમારાં લગ્ન કરતાં પોતાનું મૃત્યુ ઘર કરી ગયું છે પેશન્ટના મનમાં... બી કૅરફુલ!

પંદર-વીસ દિવસ સુધી આનો લુત્ફ માણ્યા પછી તાનિયા કંટાળી.

‘તમે મારા કથનને વધુપડતી ગંભીરતાથી લીધું, માસી...’ આમ કહી તે વારે-વારે અફસોસ જતાવતી. કસ્તુરીને તેના પ્રત્યે રોષ નહોતો, ઊલટું, તાનિયાને તે પોતાની હમદર્દ સમજી ભલામણ કરતી : મને કંઈ થઈ જાય તો તારા અંકલને બીજું ઘર માંડવા સમજાવજે! બાકી તે મને એટલું ચાહે છે કે...

તાનિયા હોઠ કરડતી. બીજી પત્નીને ચાહનારા તે પ્રથમ સંસારને સાવ વિસારે પાડ્યાનું દર્દ ચૂભતું. કદાચ એટલે પણ તે એકઝાટકે વેર વાળવા નહોતી માગતી. આનંદ મહેતા તડપવો જોઈએ, સતત... એક ઘાની રૂઝ આવે ન આવે ત્યાં બીજો ઘા વીંઝાય એ જ તેનો દંડ! એટલે તો તેણે પહેલા ઘાની મલમપટ્ટી કરવા માંડી, ‘મારી આગાહી ખોટી પણ ઠરી છે, માસી. મારી માનો જ દાખલો લો. મેં ભાખેલું કે તે દોહિત્રને રમાડીને જશે, કુદરતી મોત થશે એને બદલે મારાં લગ્ન પહેલાં જ તેનો દમ તૂટ્યો, એ પણ અકસ્માતમાં!’ તાનિયાએ સમજાવ્યું, ‘હું મારી માતા બાબત ખોટી નીવડી હોઉં એમ આનંદસરમાંય મને ધોખો થયો હોય એમ ન બને?’

આ દલીલ કસ્તુરીને સ્પર્શી ગઈ. તે વળી પૂર્વવત્ થઈ. ડૉ. જાનીએ ચેન્જને આવકારતાં આનંદે રાહત અનુભવી, ત્યારે તાનિયા બીજા ઘાની પૂર્વતૈયારીમાં ગૂંથાઈ હતી!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK