કથા-સપ્તાહ : ઇન્તકામ (દીકરીને વહાલું વેર - ૧)

Published: 20th August, 2012 05:41 IST

  સમંદરનાં મોજાં ઊછળીને કિનારાને ભીંજવતાં હતાં. જુહુના દરિયાકિનારે જામેલી માનવમેદનીથી અલાયદા પડતા હોય એમ સહેજ ખૂણામાં બેઠેલાં મા-દીકરી નોખાં તરી આવતાં હતાં. તેમની વસ્ત્રસજ્જા પરથી તેમની સાધારણ આર્થિક સ્થિતિનો અંદાજ સહજ રીતે લગાવી શકાય એમ હતો, ધ્યાન ખેંચનારી બાબત તો હતી માની ક્રિયા અને દીકરીનું રૂપ!


 

અન્ય ભાગ વાંચો

1  |   2  |

 
intqaamસમીત (પૂર્વેશ) શ્રોફ

સમંદરનાં મોજાં ઊછળીને કિનારાને ભીંજવતાં હતાં. જુહુના દરિયાકિનારે જામેલી માનવમેદનીથી અલાયદા પડતા હોય એમ સહેજ ખૂણામાં બેઠેલાં મા-દીકરી નોખાં તરી આવતાં હતાં. તેમની વસ્ત્રસજ્જા પરથી તેમની સાધારણ આર્થિક સ્થિતિનો અંદાજ સહજ રીતે લગાવી શકાય એમ હતો, ધ્યાન ખેંચનારી બાબત તો હતી માની ક્રિયા અને દીકરીનું રૂપ!

સહેજ જૂની, સાદી છતાં સુઘડ આછા ક્રીમ રંગની સાડીમાં સજ્જ ૪૫-૫૦ની જણાતી માતા આંખે હથેળીની છાજલી ધરી એકીટશે ક્ષિતિજને તાકી રહી હતી. માને નિહાળતી દીકરીની કીકીમાં ઊપસતું આછેરું દર્દ તેના સૌંદર્યને ઓર નિખારી રહ્યું હતું. જોનારું અલપઝલપ નજર ફેંકી આગળ વધી જતું, કેમ કે દીકરીના વ્યક્તિત્વની ખુમારી જ એવી હતી કે બેમતલબની પૃચ્છા કરવાની હિંમત ન થાય!

‘મમ્મી.’

છેવટે દીકરીએ માના ખભે હાથ મૂક્યો,

‘સાગરપારથી કોઈ જહાજ આવી નથી રહ્યું.’

પુત્રીના કટાક્ષથી છોભીલી પડી સાવિત્રીએ હથેળી હટાવી, છતાં દૃષ્ટિ તો દરિયા પર જ રહી.

‘મને એટલે જ તારી જોડે દરિયે આવવાનું નથી ગમતું.’

એકની એક પુત્રીના સ્વરમાં રીસ ઊપસતી કળાતાં સાવિત્રીએ પાંપણ ફરકાવી,

‘હું તને દુ:ખી કરું છુંને, તાનિયા!’

‘નહીં, મા!’

તાનિયાએ માનો પહોંચો દબાવ્યો,

‘ઊલટું તું તારું દુ:ખ મારાથી છાનું રાખે છે, એનું મને દુ:ખ છે!’

‘મારું દુ:ખ!’ સાવિત્રીએ હસવાની કોશિશ કરી, ‘જેને તારા જેવી હોનહાર બેટી હોય તેને વળી દુ:ખ-દર્દ કેવાં!’

તાનિયાનું મન ન માન્યું : આમ તો માની જિંદગી મારા માટે ખુલ્લી કિતાબ જેવી રહી છે, છતાં તેની જીવનકથાનું એકાદ પ્રકરણ હજીયે ગુપ્ત રહ્યાની મારી લાગણી સાવ અસ્થાને તો નથી જ!

‘તારા પિતાની તું ભારે લાડકવાયી, હોં, તાનિયા.’

મા ઘણી વાર પિતાની સ્મૃતિ તાજી કરતી. એક વાર દોઢેક વરસની તાનિયાએ ફુગ્ગાની રઢ લેતાં દર્શનભાઈએ દીકરીને છાની રાખવા અંધેરીની ખોલીથી ઠેઠ પેડર રોડ સુધીનો ચકરાવો લીધેલો એવા કિસ્સાનું તાનિયાને જોકે સ્મરણે નહોતું. આખરે, જન્મના ત્રીજા વરસે પિતાને ગુમાવનાર બાળકીની યાદદાસ્તમાં તેમની છબિ ધૂંધળી જ રહેવાની!

પિતાની ઓળખરૂપે ફોટો-સ્ટુડિયોમાં પડાવેલી ચાર-છ તસવીરો હતી. દીકરીને તેડીને ઊભેલા દર્શનભાઈનું વહાલ એમાંથી છલકાતું, પડખે ઊભેલી માના સ્મિતમાં ખુશહાલ દામ્પત્યની ઝલક વર્તાતી.

‘ટૂંકી બીમારીમાં તારા પિતાએ પિછોડી તાણી, ને તેમનો સથવારો સ્મરણ પૂરતો જ રહી ગયો!’

માનું પિતાને સંભારવું તાનિયાને ગમતું. ટિફિન-સર્વિસથી ગુજરાન ચલાવતી માના ચહેરા પર એથી સંઘર્ષના વાદળને બદલે સંતોષની ઘટા છવાયેલી રહેતી, એનો વિશેષ આનંદ. સ્નેહની છતમાં ઊછરેલી તાનિયામાં સ્વાભાવિકપણે આત્મવિશ્વાસ પાંગર્યો હતો. એમબીએ થઈ ત્રણેક મહિનાથી મલ્ટિનૅશનલમાં જૉબ કરતી તાનિયા માનું ઘડપણ સાચવવા કટિબદ્ધ હતી : હવે તારે ટિફિનના ઢસરડા કરવાના નથી... ‘મારાથી દીકરીનું ન ખવાય’ એવી સાવિત્રીની દલીલને તેણે ગણકારી નહોતી, પરણીને સાસરે જવાના મુદ્દાને તોડી પાડતી : હમણાં પાંચ વરસ સુધી તું લગ્નનું નામ ન લઈશ, આ વરસોમાં તારા માટે થોડું ભેગું કરી લઉં, પછી અવશ્ય હું પ્રભુતામાં પગલાં પાડીશ. આખો જન્મારો મારે પિયરમાં નથી કાઢવો!

હસી નાખતી દીકરી સામે સાવિત્રી ક્યારેક ગંભીરપણે બોલી જતી : કુદરતનાં સમીકરણ સમજવાં મુશ્કેલ છે. ક્યારેક થાય છે કે તને હું પુત્રીસ્વરૂપે પામી એ મારા પૂર્વજન્મનાં પુણ્યો કે પછી આ જન્મનો કોઈ ઋણાનુબંધ!

‘આવા ભારેખમ શબ્દો શું કામ વાપરે છે, મા!’ તાનિયા લાગણીવશ કહેતી, ‘મા-દીકરી વચ્ચે •ણનું બંધન નહીં, સ્નેહનો સેતુ જ પ્રવર્તી શકે!’

દીકરીનાં ઓવારણાં લેતી સાવિત્રીના વદન પર અકથ્ય ભાવ પ્રગટતો. તાનિયાને થતું, કશુંક એવું છે, જે માની ભીતર ઘૂમરાઈ રહ્યું છે... તે પૂછતી તો સાવિત્રી જવાબ ઉડાવી દેતી. ઘણું વિચારતાં લાગતું કે કદાચ મારા ભવિષ્ય માટેનો એ અંજપો હશે! દીકરીને સારો વર-સારું ઘર મળે એની ચિંતામાં દરેક મા ક્યારેક તો ઉજાગરો વેઠતી જ હોય છે, એમાંથી આવાં વમળ સર્જાતાં હશે!

‘મા, તારે બિસ્તર પરથી ઊઠવાનું નથી.’

વરસેક અગાઉ સાવિત્રી ટાઇફોઈડમાં પટકાઈ ત્યારે તાનિયાએ અભ્યાસ બાજુએ રાખી માની-ઘરની જવાબદારીઓ ઉપાડી લીધેલી. દવા પાછળ ખર્ચો કરવાની સાવિત્રીની આનાકાનીને ગાંઠી નહોતી : ‘મા, પપ્પાનો કિસ્સો આપણે જાણીએ છીએ... બીમારીના લક્ષણ પ્રત્યે આંખ આડા કાન કરી તેમણે ઘરગથ્થુ ઇલાજ અજમાવી જોયા, એમાં કમળામાંથી કમળી થઈ અને...’

‘આવું કંઈ થશે એવું કોણે ધાર્યું હોય, તાનિયા? તારા પપ્પાનો પગાર પણ ટૂંકો. ડૉક્ટર પાસે જવાનું કહેતી તો ટાળી જતા : સાધારણ તાવ છે, મને કંઈ થયું નથી. નાહક ડૉક્ટરને કન્સલ્ટ કરીશું તો સો-બસો પડાવી લેશે, એના કરતાં એમાંથી તાનિયા માટે ડ્રાયફ્રૂટ્સ ન ખરીદીએ!’

પોતાની સેહતના ભોગેય દીકરીને સૂકામેવાની રાજાશાહી પૂરી પાડનાર પિતા પ્રત્યે તાનિયા ગદ્ગદ બનતી.

‘પાછા ઉમેરતાય ખરા, આપણે સાઉથ આફ્રિકામાં રહ્યા હોત તો તાનિયાને રાજકુમારીનો ઠાઠ મળત! જવાબમાં હું ટકોરતી કે...’ અચાનક જ અટકી જતી સાવિત્રીના હોઠ ભિડાઈ જતા, પણ સ્મિત ઊપજાવી તે વાતનો વિષય બદલી નાખતી. તાનિયાને આનીયે અણખટ રહેતી.

નાનપણથી તાનિયાએ ઘરે સગાં-સંબંધીની અવરજવર નિહાળી નહોતી. વેકેશનમાં આપણે કેમ મામાને ત્યાં નથી જતાં એવું માને પૂછતી ત્યારે સાવિત્રી હળવો નિ:સાસો નાખતી : મોસાળમાં કોઈ રહ્યું હોય તો જઈએને, બેટા! દૂરદેશાવરનું આપણું વતન... ઠેઠ દક્ષિણ આફ્રિકાનું જોહનિસબર્ગ!

ભૂગોળ ભણ્યા પછી તાનિયાના પ્રશ્નોમાં અચંબો ઉમેરાતો : હેં મા, આપણે પહેલાં ફૉરેન રહેતાં? આફ્રિકામાં હીરાની ખાણો હોવાનું મેં વાંચ્યું છે... પપ્પા ત્યાં શું કરતા? આપણે કેમ એ દેશ છોડવો પડ્યો?

‘અરે, આપણી તો ત્યાં ભારે જાહોજલાલી હતી...’ સાવિત્રી ઉમંગભેર યાદ કરતી, ‘તારા દાદા-નાનાએ તેમની ચઢતી જવાનીમાં સાગર ખેડી આફ્રિકામાં એવો પગપેસારો કર્યો કે અમે તો સોનાના વાસણમાં જમવાનો વૈભવ માણ્યો છે!’

તાનિયાની આંખોમાં અચરજ અંજાતું.

‘દર્શન નાણાવટી પરિવારમાં એકના એક ને હું સિસોદિયાની એકમાત્ર દીકરી... બાળપણના સંગાથી એવા તારા દાદા-નાનાએ અમારી જોડ ગૂંથી ત્યારે એ ખબર શહેરભરમાં ચર્ચાનો વિષય બનેલા... જોકે લગ્નનાં પાંચ વરસેય મારી ગોદ સૂની રહેતાં પૌત્રને રમાડ્યાની બન્નેની મનખા અધૂરી રહી, એનો વસવસો મને આજેય છે.’

તાનિયા બોલી પડેલી,

‘કાશ, હું વહેલી જન્મી હોત તો!’

ફિક્કું હસી લઈ સાવિત્રી કથન સાંધતી,

‘ત્યાં આપણી મોટી જાગીર હતી. કંઈકેટલાં વીઘાં જમીન જેનો હિસાબ નહીં! વાપરનારાં અમે બે જ!’ સાવિત્રો ઊંડો શ્વાસ લેતી એમાં તાનિયાને સમજાઈ જતું કે કથા પડતીના આરંભે આવી ચૂકી છે.

‘આખરે એ પરદેશની ભૂમિ. ત્યાંના લોકો જુદા, કાયદા જુદા, સમાજવ્યવસ્થા જુદી. એમાં ૧૯૮૮-’૮૯નો એ સમયગાળો રાજકીય અસ્થિરતાભર્યો નીવડ્યો. અરાજકતાના માહોલમાં છાશવારે તોફાન ફાટી નીકળતાં, લૂંટમાર થતી. ત્યાંની કાળી પ્રજાના રોષનો ભોગ વિશેષ રૂપે શ્રીમંત હિન્દુસ્તાનીઓ બનતા... માણસોને જીવતા ભૂંજાતાં અમે જોયા છે, તાનિયા, આ બોલું છું ત્યારેય એની આગ મને દઝાડી રહી છે.’

‘પછી શું થયું, મા?’

‘તારાજીમાં આપણાં ખેતર પણ બચ્યાં નહોતાં... ત્યાં રહેવું દિનપ્રતિદિન મુશ્કેલ બનતું જતું હતું, એટલે પછી...’ અચાનક બ્રેક મારી, તાનિયાને પળભર નિહાળી તે ઉમેરતી, ‘કહે છેને, સર સલામત તો પઘડિયા બહોત! એ સમયે બીજા ઘણા સમવતનીઓની જેમ અમેય હિજરત કરી, ડર્બન બંદરેથી મુંબઈ આવતું જહાજ પકડી લીધું.’

જહાજ!

‘કેમ, મા? ત્યારે ઍરોપ્લેન નહોતાં?’ તાનિયાએ વિસ્મયથી પૂછેલું.

‘પ્લેન તો હતાં, બેટા, પણ એ અરસામાં ગેરીલાઓએ હૅન્ડગ્રેનેડથી રન-વે પર જ એક વિમાનને ઉડાવી મૂક્યાનો બનાવ બન્યા પછી તારા પિતાને સ્ટીમરની યાત્રા ઓછી જોખમી લાગી હશે. મને યાદ છે, ૧૯૮૯ની ત્રણ ડિસેમ્બરે અમે જહાજમાં બેઠાં, જે મહિનાની સમુદ્રસફર ખેડી મુંબઈ બંદરે લાંગરવાનું હતું.’

‘ત્રણ ડિસેમ્બર...’ તાનિયા ગણતરી માંડતી, ‘મારો બર્થ-ડે ત્રણ જુલાઈએ છે, એ હિસાબે તો હું માંડ ત્યારે છ મહિનાની હોઈશ!’ પછી માની ભૂલ શોધી હોય એમ ટકોરતી, ‘મા, તું ક્યારની અમે-અમે કર્યા કરે છે, એ ખરેખર તો આપણે હોવું જોઈએને! તમારા ભેગી હું પણ ખરીને!’

‘હેં!’ ઝબકીને સાવધ થતાં સાવિત્રી જરૂર કરતાં મોટા અવાજે હોકારો પુરાવતી, ‘હા-હા, વળી!’

‘એ...ક મહિનો દરિયામાં!’ તાનિયાનું કુતૂહલ ઊછળતું, ‘કેવી મજા આવી હશે!’ પછી ઝબકારો થતો કે આ કોઈ પ્લેઝર ટ્રિપ નહોતી... ધન-વૈભવ બધું ત્યજીને નવા દેશમાં વસવાની યાત્રાનો એ આરંભ હતો, એમાં મજાનું પ્રમાણ જોવા-પૂછવાનું ન હોય! છતાં...

‘મા, તમે જોડે સામાન પણ નહોતો લીધો?’

સામાન! તાનિયાના પ્રશ્ને સાવિત્રી હેબતાઈ જતી ‘આઇ મીન, આપણા એ ઘરના ફોટા હોત તો હું સ્કૂલમાં મિત્રોને બતાવી શકત! મારા જન્મસમયની તસવીરો હશેને, મા?’

‘હા...સ્તો. અરે, તારું તો આખું એક આલબમ બનાવડાવેલું તારા બાપે, પણ જોહનિસબર્ગમાંથી ડર્બનની સફરમાં પેટી લૂંટાઈ ગઈ. તારા જન્મનો દાખલો તો મેં પાછળથી મુંબઈમાં કઢાવ્યો...’

બધું ગુમાવીને આવેલી વ્યક્તિ માટે નવી શરૂઆત કેવી દુષ્કર રહી હશે! સોનાના વાસણમાં જમનારા પાસે ફૂટી કોડી ન હોય, તેણે ભાડાની ખોલીમાં જીવન વિતાવવું પડે એ સંજોગો પણ કેટલા ક્રૂર ગણાય! પિતાએ એને ખુમારીપૂર્વક ઝેલ્યા, તો માતાએ ફરિયાદ વિના નિભાવ્યા.

‘તારા પિતાનો સ્વભાવ શરૂથી નિરાળો. સંપત્તિને તેમણે ક્યારેય માથે ચડવા દીધી નહોતી, મને તેમનો જ ચેપ લાગ્યો. ઘરે નોકરોની ફોજનું અભિમાન કદી કર્યું નહીં, એટલે જ કદાચ નોકર જેવી જિંદગીનો બોજ વર્તાયો નહીં. સુખ-દુ:ખમાં સમથળ રહ્યાં, સ્નેહ-સંતોષથી રહ્યાં.’

માવતરનો આ ગુણ તાનિયાએ પણ આત્મસાત્ કર્યો જ હોય... સમજણી થયા પછી તે ભાગ્યે જ જીદ કરતી. બહુ-બહુ તો રાણીબાગ કે માછલીઘર જવા માટે રઢ લેતી. પાલવા જવાનું ગમતું, પણ દરિયો જોઈ મા એવી ખોવાતી, જાણે આસપાસનું ભાન ભૂલી હોય! ક્ષિતિજને તાકતી મા શું વિચારતી હશે? કશુંક એવું છે, જે મા મારાથી છુપાવે છે, મને કહી નથી શકતી! તાનિયાનું મંતવ્ય દૃઢ થતું, એમાં આજનું આઉટિંગ પણ અપવાદ નહોતું : ઘણા વખતે જુહુ આવ્યાં તોય મમ્મીની આદત હજી છૂટતી નથી!

તાનિયાને ત્યારે જાણ નહોતી કે માની ભીતરનો ભેદ પ્રગટવાના સંજોગો આજે દરિયાકિનારે જ સર્જાવાના છે!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK