કથા-સપ્તાહ - ગત-અનાગત (નેકી ઔર બદી - ૫)

Published: 17th October, 2014 05:35 IST

‘મારો ઇનકાર અદ્વિતીય માટે અણધાર્યો હતો...’ યામિની કહેતાં ગયાં એમ નજર સામે દૃશ્યો તાદૃશ થતાં ગયાં.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  |
€ € €

‘તું આ શું કહે છે યામિની!’ અદ્વિતીયએ તેને હલબલાવી, ‘આ ઘડી માટે આપણે આટઆટલા મહિનાથી મથ્યાં અને કાંઠે આવીને તું કહે છે કે મારે આ કિનારે નથી તરવું?’

‘કેમ કે એ કિનારો પાપના પ્રદેશનો છે અદ્વિતીય...’

‘નૉન્સેન્સ. તું શું માને છે, મહેન્દ્રનાથે આ ગાંધીછાપ નોટો પરસેવાની કમાણીથી ભેગી કરી હશે? આવા સોદા કાળાં નાણાંથી થાય યામિની. પાપની એવી લક્ષ્મીને લૂંટવામાં કોઈ પાપ નથી...’ અદ્વિતીયએ ચપટી વગાડી, ‘તું જાજે, બેના બસો તો હું આમ બનાવીશ.’

‘બનાવશો જ. તમારી લાયકાતમાં મને શંકા નથી.’ યામિનીએ અદ્વિતીયના ખભે માથું ટેકવ્યું, ‘તમે ઓશિયાળાપણાથી થાક્યા છો, પોતાનું વિfવ સર્જવા માગો છો; પણ એક વાર જરા આ આદિવાસી પ્રજાની વચ્ચે રહીને જુઓ તો સમજાશે કે દુનિયામાં એકલા તમે દુ:ખી નથી અદ્વિતીય, બલકે ઈfવરે તમને તેમનાં દુ:ખ દૂર કરી શકવાની ક્ષમતા આપી છે. તમારી પાસે જ્ઞાન છે જેનો ઉપયોગ એમના હિતમાં કરી...’

એવો જ અદ્વિતીય અળગો થયો, ‘મને માત્ર આપણા હિતમાં રસ છે યામિની, આદિવાસીઓનો ઉદ્ધાર ફરી ક્યારેક કરી લઈશું. આજની તક આપણા ઉદ્ધાર માટે ઝડપી લઈએ...’

‘તો એ આપણો નહીં, તમારા એકલાનો ઉદ્ધાર હશે અદ્વિતીય.’

અનેરા સંકલ્પથી યામિનીનો ચહેરો ઝળહળતો હતો. અદ્વિતીય સહેજ ઝંખવાયો.

‘આ ધન લઈને તમે જશો એ માર્ગે હું નહીં આવું.’

અદ્વિતીય છટપટાયો, ‘આમ જબરદસ્તીથી તું મને તારા માર્ગે વાળી ન શકે.’

ચાર આંખો એક થઈ, છૂટી પડી.

‘વાળવા-વળવાની ક્ષણ વીતી ચૂકી અદ્વિતીય... જાણું છું કે તમે નહીં વળો. સિધાવો.’ યામિનીએ પૂંઠ ફેરવી, તેના ખભા સહેજ ધþૂજ્યા, ‘નીકળી જાઓ અદ્વિતીય, નહીં તો હું જાતને વધુ રોકી નહીં શકું.’

થોડી પળો પછી ચહેરો ઘુમાવ્યો ત્યારે અદ્વિતીય ત્યાં નહોતો!

€ € €

‘બસ, ત્યાર પછી તો તેમને છાપા-ટીવીમાં જ જોયા...’ યામિની ફિક્કું મલક્યાં, ‘પ્રેમવશ મેં અદ્વિતીયના પ્લાનમાં સાથ આપ્યો એટલા પૂરતું હું ડગમગી, પરંતુ પછી આત્માના અવાજને અનુસરીને સત્યની રાહ પકડી લીધી... અદ્વિતીયના ગયાનું દુ:ખ મેં ટ્રાઇબલ્સની જાગૃતિના કામમાં ખૂંપીને વિસાર્યું. મોહનની મીરા બની મેં જન્મારો કાઢ્યો એમ નહીં કહું, પરંતુ મારી વિચારધારા જોડે મેળ ખાય એવું પાત્ર મળ્યું નહીં. પપ્પા-મમ્મીને અવશ્ય એનો ખટકો રહ્યો, પણ શું થાય! હું તો માનતી થઈ છું કે મૂલ્યોમાં ભિન્ન બે વ્યક્તિ ગમે એટલો પ્યાર હોય તો પણ કદી એક થઈ ન શકે.’

(ડેમ ઇટ! ઊર્જા‍એ હોઠ કરડ્યો. તેને જોતો સજાગ આંખો મીંચી ગયો. ઊર્જા‍ને આની જ ધાસ્તી હતી. બધું સરખું ચાલતું હતું ત્યાં સ્નેહલતા ક્યાં ટપકવાની થઈ! બેઉ સ્ત્રીની વાતોથી સજાગનું બ્રેઇનવૉશ થઈ ચૂક્યું છે. તે બંદો હવે મારા ઝાંસામાં નહીં આવે... સો વૉટ! યામિની ભલે મરે કે ન મરે, પચાસ લાખ મારા કબજામાં છે. એ લઈ સરકવામાં જ શાણપણ છે! )

‘કદાચ એ વખતે હું અદ્વિતીય સાથે ગઈ હોત કે અદ્વિતીય મારું કહ્યું માની ગયા હોત તો પણ ફરી ક્યારેક મૂલ્યોનો દ્વંદ્વ તો સર્જા‍વાનો હતો જ... એટલે જે થાય એ સારા માટે એમ માનીને ગતખંડના એ હિસ્સાથી નિ:સ્પૃહ થઈ ગઈ છું.’ યામિનીએ ઉમેર્યું, ‘અદ્વિતીય માટે પણ સારું થયું, તમે તેને મળ્યાં.’

ના, આમાં કટાક્ષ કે ઈર્ષા નહોતાં. યામિનીના વ્યક્તિત્વની ઊંચાઈ જ એવી છે કે આ બધું સંભવી ન શકે.

‘અહીંથી નીકળેલો અદ્વિતીય મારા પાડોશમાં આવી વસ્યો... ચર્ની રોડની ચાલમાં અમારું રહેવાનું. ત્રીજી રૂમમાં ભાડૂત તરીકે આવેલા અદ્વિતીય વિશે ભાગ્યે જ કશું જાણવા મળ્યું એટલે પણ પપ્પા-મમ્મી-ભાઈ સાવધ રહેતાં. જુવાન છોરીને અફળાઈ ન જાય એ માટે વાટકી-વહેવાર પણ રાખ્યો નહોતો... જોકે છ-સાત મહિનામાં માહોલ બદલાવા માંડ્યો. મદદરૂપ થવાના સ્વભાવથી અદ્વિતીયએ સૌનાં દિલ જીતી લીધાં એમ મારા હૈયે પણ તેનો પગરવ પડ્યો.’

પ્રથમ પ્રેમની વાતે ષોડશી કન્યા બની ગયાં હોય એવી મુગ્ધતા સ્નેહલતાના બદન પર નિહાળીને યામિની એટલું તો પામી ગયાં કે અદ્વિતીયનો નિતાંત સ્નેહ તેઓ પામ્યાં હશે... ન જલન થઈ, ન કશી ખોટ અનુભવી. તેમના સુખનો આનંદ જ થયો. કેટલી તપસ્યાએ આવી સાધુતા આવતી હશે?

‘મારી લાગણી પરખાતાં અદ્વિતીયએ મને ચેતવી, પોતાની જીવનકિતાબ ખુલ્લી મૂકી દીધી - પ્રિયતમાને તરછોડનારા, શેઠ સાથે નમકહરામી કરનારાને તું ચાહી શકીશ?’

જવાબ જાણવા યામિની પણ આતુર હતી.

‘હું તેમના આ જ ગુણ પર ઓવારી ગઈ. તેઓ મારાથી છાનું રાખી શક્યા હોત, તેમની કથા સાંભળીને હું પોલીસમાં જઈ શકત એ સંભાવના છતાં તેમણે એક કોડીલી કન્યાને પ્રેમમાં આંધળૂકિયું કરતાં રોકી - જન્મોજનમનો કૉલ પાકો કરવા મારા માટે આટલું પૂરતું હતું. મને તમારા ગત સાથે નિસબત નથી અદ્વિતીય; હું તમારી આજ, તમારો અનાગત બનવા માગું છું...’

સ્નેહલતાનો ઠસ્સો અનેરો લાગ્યો.

‘તું કહે છે એમ માર્ગ ભૂલેલા અદ્વિતીયને મેં પાલવડે બાંધી લીધો ને પછી તેણે સરકવાની નોબત જ ન આવી.’

એકે જેને મૂલ્યો માટે ત્યજ્યો, બીજીએ તેની થઈને તેને વધુ ભટકતો અટકાવ્યો. કોણ વધુ મહાન?

‘અમે પણ તારી પ્રગતિથી માહિતગાર રહેતાં. તું સિદ્ધાંતમાં અડગ રહી. અદ્વિતીયને, મને એનો હંમેશાં ગવર્‍ રહ્યો. ‘શુદ્ધ’ને અમે નિયમિત નનામું ડોનેશન મોકલીએ છીએ.’ સ્નેહલતાએ ઝડપથી ઉમેર્યું, ‘આને અદ્વિતીયના પસ્તાવારૂપે ન જોતી. પોતે કંઈ ખોટું કર્યાનું અદ્વિતીય આજે પણ માનતા નથી. મુંબઈ આવ્યા પછી અદ્વિતીયએ બરોડામાં મામા-મામી જોડે પણ સંબંધ રાખ્યો નહોતો. જરૂર શી? અમારા સુખે તે ઓછાં સુખી થવાનાં હતાં?’

‘હં... અદ્વિતીયના ગયા બાદ તાન ડૅમ માટે મેં લડત ચાલુ રાખી હતી. મહેન્દ્રનાથ કર્મચારીના ચકમાથી ધૂંઆપૂંઆ થયેલા, પરંતુ બેનંબરનાં નાણાં માટે પોલીસમાં જવાવાનું નહોતું. ઉપાચતના બનાવટી કેસમાં અદ્વિતીયને તેમણે પોલીસના ચોપડે ચડાવ્યો હોત કદાચ, પણ એ અરસામાં તેમને હૃદયરોગનો હુમલો થતાં બધું ભૂલવામાં જ સાર જોયો હશે. ગમે એમ અદ્વિતીયનો ગુનો પોલીસના ચોપડે ચડ્યો નહીં. દરમ્યાન કોર્ટમાં અમારી જીત થતાં ડૅમ બનવા પર સ્ટે લાગી ગયો.’

‘હવે એક જ પ્રશ્ન રહે છે યામિની જે મારા આગમનના મૂળમાં છે - આટલાં વરસે અદ્વિતીયને સાંભરવાનું કારણ?’

આમાં પત્નીના તકાજા જેટલું જ કુતૂહલ પણ હતું. ફોન વેરાવળથી હોવાનું જાણી, જરૂરી તપાસ બાદ સ્નેહલતાએ અદ્વિતીયને કહેતાં તેને પણ નવાઈ લાગેલી. ‘આમ તો તેને વળતો ફોન કરી શકાય, પણ હું રૂબરૂ મળીને યામિનીનું મન ફંફોસું તો તમને વાંધો નથીને?’ સ્નેહલતાના પત્નીભાવે અદ્વિતીય હસેલા, ‘યામિની વિશે એલફેલ ધારીને તું ખુદની નજરમાંથી નીચે ઊતરવા જેવું ન કરીશ... બાકી યામિનીને મળીને તને આનંદ જ થવાનો...’ એટલે તો પોતે આવી ચડ્યા.

‘ફોન કરવામાં નિમિત્ત બન્યું ‘બિગ બડી’ રિયલિટી શોનું નિમંત્રણ...’ યામિનીએ ખુલાસો કરીને ઉમેર્યું, ‘એના પ્રતાપે મારા જીવનની કૉન્ટ્રોવર્સી સાંભરતાં આખો કિસ્સો સળવળવા માંડ્યો. ધારો કે એ ગતખંડ જાહેર થયો તો રેપ્યુટેડ બિઝનેસમૅન અદ્વિતીયનો અનાગત કલંકિત બની રહે કે નહીં? કદાચ આનો જવાબ અદ્વિતીયના મોંએ જાણવા ફોન જોડી બેઠી, કદાચ પ્રથમ પ્રેમની સ્મૃતિએ પ્રેરી... પછી થયું કે મારી ચેષ્ટા તેમના સંસારમાં તોફાન તો નહીં સર્જી‍ દેને. મે બી, તમે સચ્ચાઈ જાણતાં ન હો તો અનર્થ સર્જા‍ઈ જાય! એટલે કૉલ કટ કરી દેતી...આજે બધાં વમળ સમી ગયાં.’

‘ઓહ,’ પળ પછી સ્નેહલતાએ ટટ્ટાર ગરદને સંભળાવ્યું, ‘હવે આ મામલે નચિંત રહેજો. ક્યારેક-કંઈ ઉજાગર થયું તો પણ જે ભોગવવાનું આવશે એમાં હું અદ્વિતીયના પડખે જ હોઈશ.’

‘ધન્ય છે તમને.’

રસોડામાંથી આવતા સાદે બન્ને સ્ત્રીઓ ચમકી. કોઈનાં પગલાં પાછલા દરવાજે બહાર દોડતાં સંભળાયાં. બીજી પળે સજાગ હૉલમાં પ્રવેશ્યો, ‘નારીની મહાનતા કોને કહેવાય એ આજે તમને બેઉને જોઈ-સાંભળી અનુભવાયું અને એટલે જ કોઈક ત્રીજાની પામરતા આંખે ચડી. તેની સાથે છેડો ફાડ્યો. તમારા ગતે મારો અનાગત સુધારી દીધો.’

એટલે?

‘હમણાં પાછળથી ભાગી તે ઊર્જા‍ હતી. જે તમારી-અદ્વિતીયસર વચ્ચે થયેલું મેમ એવું જ કંઈક મારી-ઊર્જા‍ વચ્ચે બન્યું. તમારા કેસમાં ડૅમ હતો, અમારામાં પાવર પ્રોજેક્ટ. અદ્વિતીયએ મહેન્દ્રનાથને ચૂનો ચોપડાવ્યો, ઊર્જા‍એ વસુંધરાના મૅનેજમેન્ટ પાસે તમારી સોપારી લીધી ને તેના પ્રેમવશ...’

સજાગની કબૂલાતે સ્નેહલતા ફફડી ઊઠ્યાં, યામિની થરથર્યા : ‘બિગ બડી’ની ઑફર ન આવી હોત તો ભૂતકાળની કડી સંધાતાં સ્નેહલતાએ અહીં આવવાનું ન બન્યું હોત ને તો લૅપટૉપની સ્વિચ પાડતાં જ પોતાનો ખેલ ખતમ થઈ ગયો હોત...

‘હમણાં તમે જ કહ્યુંને મેમ, જે થાય એ સારા માટે... તમારી કથાથી મને અમારી વચ્ચેનો મૂલ્યભેદ સમજાયો. આજે અમે સફળ થયાં હોત તોય કાલે તો અમારી વચ્ચે ખાઈ સર્જાવાની જ હતી. હવે તો લાગે છે કે આ એક અનર્થ ટાળવા કુદરતે જ આ કારસો ઊભો કર્યો.’

‘હ.ં સાચા સાથે કદી ખોટું થતું નથી સજાગ,’ કહીને યામિનીએ ભેદ તારવ્યો, ‘બાકી ઊર્જા‍ની સરખામણી અદ્વિતીય સાથે શોભતી નથી. કોઈની હત્યાનું પાપ અદ્વિતીય સપનામાં પણ આચરી ન શકે. ઊર્જા‍ મહkવાકાંક્ષી છે. તેં આટલું કરતાંય તે તારી કદાચ જ થઈ હોત...’

‘તેને તો પોલીસના હવાલે કરવી જોઈએ...’ સ્નેહલતાને સૂઝ્યું, પણ ત્રણે મોડાં પડ્યાં. પંખી ઊડી ચૂકેલું!

€ € €

ઉપસંહાર : એક પણ શબ્દની આપ-લે વિના સજાગ સાથે છેડો ફાડતા ઊર્જા‍નું હૈયું ન કંપ્યું. તેનો જીવ તો પચાસ લાખમાં ચોંટ્યો હતો! મધરાતે છટકેલી ઊર્જા‍ હાઇવેથી લિફ્ટ લઈને રામપુર માસીના ઘરે પહોંચી. રૂમના માળિયામાં છુપાવેલી પચાસ લાખવાળી બૅગ લઈને છૂમંતર થવા ઇચ્છ્યું, પણ આટલી મોટી જણસ દેનાર સાવ અંધારામાં તો ન જ હોયને! ત્રીજા દહાડે તેની લાશ જ વર્સોવાની ખાડી આગળ મળી... કેવા-કેવા મનસૂબા ઘડનારીને આખરે મોત આંબી ગયું, મનની મનમાં રહી ગઈ. જોકે એથી વસુંધરાવાળા પાવર પ્રોજેક્ટમાં ફાવ્યા નહીં : સોપારી બાબત પોલીસ-ફરિયાદ લખાવી સજાગે વસુંધરા માટે લીગલ ઇશ્યુઝ ઊભા કર્યા. ઊર્જા‍ની હત્યાએ ભીંસ વધારી એમ યામિનીએ કંપનીનાં બેવડાં ધોરણો વિશે જનજાગૃતિ ફેલાવી જેમાં છેવટે તો સત્ય જ જીત્યું!

બાકી ‘બિગ બડી’માં યામિની કદી ગયાં નહીં. ફરી સ્નેહલતાને પણ ક્યાં મળ્યાં? જરૂર શી! અદ્વિતીય-સ્નેહલતા તેમના સંસારમાં મગ્ન છે, યામિની તેમના કામમાં. સજાગ ‘શુદ્ધ’માં યામિનીનો અનુગામી છે. ઊર્જા‍નો આઘાત પચાવી ચૂકેલા સજાગને મૂલ્યોથી મઢ્યા પાત્રની ખોજ પણ છે... કોઈ હોય તો કહેજો.

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK